8- આવું કેમ ? ટી . વી અને આજનાં બાળકો .

માની ના શકાય કે આપણે જયારે નાનાં હતાં ત્યારે શનિવારે કે રવિવારે રામાયણ કે મહાભારત કથા કે બાળ ક્રષ્ણના કાર્ટૂન જોયા વિના જ આપણે સૌ ઉછરી ગયા. એ જમાનામાં T V જ ક્યાં હતાં ? જો શહેરમાં રહેતાં હો કે તમારાં ગામમાં વીજળી હોય ને જો ઘરમાં રેડિયો હોય ને રવિવારે ‘ રંગ રંગ વાદળિયાં ‘બાળકોનો પ્રોગ્રામ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ કેન્દ્ર પરથી પ્રસારિત થાય ને જો સાંભળવા મળે તો ભયો ભયો.

પણ ૧૯૮૦થી ટી વી ના આગમનથી દુનિયાનો રંગ બદલાયો. આગલી સદીમાં જેમ ઔદ્યોગિક ક્રાંતિ થઇ તેમ વળી એક ક્રાંતિની શરૂઆત થઇ. રેડિયા પર બાળકોને ગમતા , જ્ઞાન સાથે ગમ્મતના કાર્યક્રમોનું પ્રસારણ થતું  પણ હવે શ્રાવ્ય સાથે દ્રશ્ય પ્રોગ્રામો મળવા માંડ્યા અને આજે , હવે તો આ ઇલેકટ્રોનિક મીડિયાએ માઝા મૂકી દીધી છે. પુખ્ત વયની વ્યક્તિ સમજદારીથી આ સાધનોનો ઉપયોગ કરી શકે પણ ઉછરતાં બાળકો અને કિશોરાવસ્થાના એડોલેશન્સ નવ યુવાનોનું શું ?

એક વર્ષથી પણ નાનાં બાળકો હવે ઇલેકટ્રોનિક મીડિયાના રસિયા થઈ ગયાં છે અને ‘બેબીઆઈન્સ્ટાઈન’ જેવાં કમ્પ્યુટરાઇઝ રમકડાંથી રમે છે. અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિસ્ટના જણાવ્યા પ્રમાણે પ્રિ સ્કૂલ ઉંમરના બાળકો સરેરાશ રોજના બે થી ચાર કલાક અને સ્કૂલ ઉંમરના છોકરાઓ છ થી દશ કલાક કે તેથી ય વધારે કલાકો ટી વી કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે વિતાવે છે. ઇન્ફન્ટ અને નાનાં બાળકો માટે એટલું બધું T.V.જોવું એ ભય જનક છે.

વિજ્ઞાન ગમે તેટલું આગળ જાય પણ આપણને ખબર છે જ કે બાળકના સર્વાંગી વિકાસ માટે શારીરિક , માનસિક (બૌદ્ધિક અનેસંવેદન ) અને સામાજિક ઘડતર જરૂરી છે. ઇલેકટ્રોનિક મીડિયાના વધુ પડતા વપરાશથી , વધુ સમય સ્ક્રીન સામે બેસી રહેવાથી ઉછરતાં બાળકોને ફિઝિકલ , મેન્ટલ , ઈમોશનલ અને સોશિઅલ એ ચારેય બાજુથી બધી રીતે નુકશાન થાય છે.

પણ, તો આવું કેમ? કેમ આંખ આડા કાન કરવામાં આવે છે ? દરેક મા બાપ પોતાના સંતાનોને પ્રેમ કરતાં હોય છે અને એના સર્વાંગી વિકાસ માટે ઉત્સુક હોય છે તો આ જાણવા છતાં માં બાપ પોતાના સંતાનોને છ છ કલાક ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ રમવા શા માટે આપે છે? કેટલાક ટીનેજર તો સોળ સોળ કલાક સુધી સ્માર્ટ ફોનને ચોંટેલા હોય છે.  ( એવું એક હાઈસ્કૂલના સર્વેમાં બહાર આવ્યું. )

દરેક માતા પિતા પોતાનું બાળક રમત ગમત જ્યાં શારીરિક તાકાત વધે અને ઈતર પ્રવવૃત્તિઓ જ્યાં બાળકનો બૌદ્ધિક વિકાસ થાય તેવી અન્ય કલાઓમાં ભાગ લે તેમ ઇચ્છતાં હોય છે પણ ટી વી કે આઇ પેડ કે અન્ય ટેબ્લેટ કે સ્માર્ટ ફોન એ એ સંતાનોને બિઝિ રાખવાનો સરળ રસ્તો છે ફોન આપી દો એટલે રમ્યા કરશે એકલા એકલા. ના બીજી કોઈ ચિંતા  ના અન્ય કોઈ ઉપાધિ. કોઈ જાહેર સ્થળે – રેસ્ટોરન્ટ કે એરપોર્ટ કે સુપર માર્કેટમાં છોકરાના હાથમાં ફોન પકડાવી દો. પછી એ જરાયે હેરાન નહીં કરે પણ સાથે સાથે એની અવલોકન શક્તિ પણ નાશ પામશે. સોશ્યલાઈઝેશનની ટેવ પડતાં પહેલાંજ મુરઝાઈ જશે.

અને આમ જુઓ તો સ્માર્ટ ફોન હાથમાં હોય એટલે જ્ઞાન પણ હાથ વેંતમાંજ હોય ને? જ્ઞાન પિપાસા સંતોષવા કૂવો ખોદવા જવાની જરૂર નથી. આ જ્ઞાનનું મીઠું પાણી સીધુ મોમાં જ આવી ગયું પણ કુમળા માનસ માટે આ એક ખોટો ભ્રમ છે. હા , હોમવર્ક કરવું , વેબ સાઈટ પર સર્ચ કરવું. મિત્રો સાથે કોન્ફરન્સ કૉલમાં વિચારવિમર્શ કરવા. આ બધું બરાબર છે પણ, વધુ સમય સ્ક્રીન સામે બેસવાથી મન પર અવળી અસરો પડે છે. જેમ એક ગાડી સતત આઠ કલાક ચાલે પછી એન્જીનને ઠંડા પડતા વાર લાગે છે તેમ અતિશય ટી વી જોયા પછી ( કે કમ્પ્યુટર વગેરેના ઉપયોગ પછી) કુમળા મગજ પર આડ અસર થાય છે. દિવસ દરમ્યાન જોયેલ ચિત્ર વિચિત્ર દ્રશ્યો વગેરેને કારણે રાત્રે ઊંઘમાં નાઈટ મેર- ભયાનક સ્વપ્ના – મારામારી , હિંસા કે લાગણીથી ઉભરાતાં રુદન , ભય, ત્રાસ કે કામવાસનાંના દ્રશ્યોથી કુમળું માનસ વિકૃત થઈ જાય છે ને તેથી સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. વધુ પડતા ઇલેકટ્રોનિક ગેજેટ્સના વપરાશને ડિપ્રેશન જેવી માનસિક બીમારી માટે પણ જવાબદાર ગણે છે.

તો આવા ખતરનાક પણ મોહક શસ્ત્ર તરફ આપણે બેદરકાર કેમ છીએ? અને આ પ્રશ્ન માત્ર મા બાપનો કે પૌત્ર પૌત્રીઓનું હિત ઈચ્છતાં દાદા દાદીનો જ નથી .શૈક્ષણિક અને સામાજિક સ્તરે પણ આ પ્રશ્ન ગંભીર બનતો જાય છે. અમેરિકામાં આપણે જોઈએ છીએ કે સ્કૂલ કોલેજોમાં ડિપ્રેસ થયેલ કોઈ ક્રેઝી જયારે ગન લઈને હિંસા માર્ગ લેછે ત્યારે તેના પાયામાં ડિસ્ટરબૅડ ચાઇલ્ડહુડ ડિપ્રેશન જ હોય છે. આપણે ક્યારેય કોઈ સિનિયર સિટિઝનને આવું અવિચારી કૃત્ય કરતા નથી જોયાં . ક્રેઝી બનેલા એકાકી યુવાનમાં ડિપ્રેશનનો એટેક આવે છે અને ન કરવાનું કરી બેસે છે.તો આવા મહત્વના મુદ્દે આપણે બેધ્યાન કેમ છીએ?
આવું કેમ?

આજની પેઢી આટ આટલા સોશિઅલ મીડિયા – ફેસબુક , વોટ્સઅપ , ટ્વિટર વગેરે છતાં એકલતા મહેસુસ કરે છે! “કોઈ મને સમજે , મારી નોંધ લે.” આ તેમની અરજ છે. તેમને માર્ગદર્શનની જરૂર છે અને આપણને પણ તેમની સાથે કમ્યુનિકેશન કરવાની ઈચ્છા છે!
આપણે આ ઇલેક્ટ્રોનિક મીડિયા જેની પાછળ બાળકો ઘેલાં છે તેનો જ આધાર લઈને નવી પેઢી સાથે જોડાઈ જઈ ને -કનેક્ટ થઈને તેમને માર્ગ દર્શન આપ્યું હોય તો કેવુ?
આખો દિવસ સ્માર્ટ ફોનમાં માથું નાખીને બેસતાં ટીનેજરને અમુક વિષયના ફોટા પાડવા પ્રોત્સાહન આપી શકાય. ” તું કુટુંબના બધાં મેમ્બર્સના ફોટા પાડ પછીઆપણે વિડીયો બનાવશું.” એમ સર્જનાત્મક વલણ અપનાવવાથી એની સાથે સંવાદની કડી શરૂ કરી શકાય અને આ એના રસનો વિષય છે એટલે એ તરતજ તૈયાર થશે. વધારે મોટો પ્રોજેક્ટ કરવા વિડીયો સાથે ગીત પણ મૂકી શકાય. નાની વયના બાળકોને વિડીયો ગેમ ને બદલે ગુગલ મેપમાં હિમાલય વગેરે સ્થળ શોધવા માટે રસ લેતાં કરી શકાય અને તેને અનુરૂપ ચિત્ર વગેરે ઈતર પ્રવૃત્તિમાં કુમળા માનસને દોરી શકાય! અને સાંજના કુટુંબના બધાં સભ્યો સાથે બેસીને ડિનર સમયે એકાદ શો જુએ તો નાના બાળકોને પણ રૂટિન સમજાય અને આખો દિવસ T V જોવાની હઠ ના કરે ને કલાકો સુધીના લાંબા સ્ક્રીન ટાઈમ બંધ થાય.
હા , આ એટલું સરળ નથી, પણ , કોઈએ કહ્યું છે તેમ “તંદુરસ્ત છોકરાંઓને ઉછેરવાનું અઘરું છે પણ જેલમાં ઉભરાતાં કેદીઓને સુધારવાના મિથ્યા પ્રયત્નો કરતા સરળ છે”
તો આ ઓછો અઘરો માર્ગ કેમ ના અપનાવીએ ? કમ્યુનિકેશનો માર્ગ ખુલ્લો રહે. આપસમાં વાતચીતનો દોર ચાલુ રહે તો ઘણા પ્રશ્નો હલ થાય. સર્વાંગી સ્વાસ્થ્ય જળવાઈ રહે.પણ આ બધું જાણવા છતાં આપણે આવું કેમ કરતાં નથી ?
પ્રશ્ન છે : એવું કેમ?

10 thoughts on “8- આવું કેમ ? ટી . વી અને આજનાં બાળકો .

  1. ગીતા બહેન,
    તમારી વાત એકદમ સાચી છે. પણ આપણે જમાનાનાની હવાને બદલી નથી શકતા. અને એટલે જ તમારી આ વાત પણ એકદમ બરાબર છે –

    આપણે આ ઇલેક્ટ્રોનિક મીડિયા જેની પાછળ બાળકો ઘેલાં છે તેનો જ આધાર લઈને નવી પેઢી સાથે જોડાઈ જઈ ને -કનેક્ટ થઈને તેમને માર્ગ દર્શન આપ્યું હોય તો કેવુ?
    ————
    આવી વ્યથાથી આપણી ઉમરના સૌ અકળાય જ. સૌ મિત્રોને એક સૂચન કરું?
    હોબી પ્રોગ્રામિંગની આ વેબ સાઈટ પર એમને ચઢાવી દો –
    https://scratch.mit.edu/
    મારા નિવૃત્તિ પહેલાંના વ્યવસાયના કારણે મને એમાં રસ પડ્યો ( નોંધી લો કે, નવ વર્ષના એક અમેરિકન છોકરાએ મને એ રવાડે ચઢાવેલો !) આ સાડા ત્રણ વર્ષમાં મારો ઠીક ઠીક હાથ એની ઉપર બેસી ગયો છે. મેં ૩૨૯ પ્રોજેક્ટો અત્યાર સુધીમાં બનાવ્યા છે –
    https://scratch.mit.edu/users/SBJ1943/projects/

    પીકેએ આમાંના ઘણા પ્રોજેક્ટોના QA માટે મદદ કરી છે, અને મને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા છે.

    જો પ્રજ્ઞાબહેન પરવાનગી આપે તો દેશમાથી પાછા આવીને બે ત્રણ લેખ આ સવલતની જાણકારી આપવા લખવાનું ગમશે. પણ અત્યારે પણ એ વેબ સાઈટ પર એની સમજ આ પાનાં પર છે જ

    https://scratch.mit.edu/parents/

    Liked by 1 person

  2. બહુ જ સરસ માહીતિપૂર્ણ લેખ. વિષયનું સરસ વિષ્લેષ્ણ. Grand Parents આ ચિંતા કરે છે, પણ મા-બાપ આવી ચિંતા ઓછી કરે છે. જ્યારે મા-બાપને સમજાશે ત્યારે નુકશાન થઈ ચૂક્યું હશે. માનસશાસ્ત્રીઓ ઝુંબેશ ચલાવે તો કંઈ સકારત્મક કામ થાય.
    આવો સરસ વિષય પસંદ કરવા બદલ અભિનંદન.

    Like

  3. ગીતાબેન,આ દરેક ઘર નો ચિંતા નો વિષય છે.તેના નિરાકરણ માટે યુવાન માતપિતા એ આગળ વધી તેનોઉકેલ
    લાવવો જ પડશે . સુંદર વિષય પસંદગી,સુંદર આલેખન!!

    Like

  4. બહુ જ સરસ માહીતિપૂર્ણ લેખ. વિષયનું સરસ વિષ્લેષ્ણ. Grand Parents આ ચિંતા કરે છે, પણ મા-બાપ આવી ચિંતા ઓછી કરે છે. જ્યારે મા-બાપને સમજાશે ત્યારે નુકશાન થઈ ચૂક્યું હશે.

    Like

  5. થેંક્યુ ; દાવડા સાહેબ , જીગિષાબેન , મનસુખભાઇ , સુરેશભાઈ .. ! વાત સાચી છે કે આપણે ચિંતા કરીએ , પણ આજની પેઢીને એ વિચારવાનો સમય નથી કારણકે આ તેમના પ્રોડક્ટિવ વર્ષો છે.. They want to establish themselves ! પણ , આ જાતના વિચાર વિમર્ષથી થોડો બદલાવ જરૂર આવે છે. મેં ઘણાં યન્ગ કપલને સભાન રીતે બાળકોને ટી વી થી દૂર રાખવા મથતાં જોયા છે.. But .. it’s all like trying to swim against the tide.. Thanks for appreciating .

    Like

  6. ગીતાબેન સુંદર લેખ.પણ બેન,આભ ફાટે ત્યાં થીગડું ક્યાં દેવાય.સળગતો પ્રશ્ન….બાળકો અનુકરણ કરતા હોય છે.મા બાપના હાથમાં સતત મોબાઈલ જોઇને એની અસર શું થાય?અત્યારે તો દાદા,દાદી પણ સમયની સાથે રહેવા માટે મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે.હું અત્યારે લખી રહી છું શેમાં? તમે શેમાં વાંચી રહ્યા છો? અત્યારની lifestyleને સ્વીકારેજ છુટકો છે.હા,થોડા ઘણા પ્રયત્નો થઇ શકે તેના માટે ચોક્કસ સભાન રહેવાની જરૂર છે.

    Liked by 1 person

  7. થેન્ક્સ કલ્પનાબેન ! હા , એ તો છે જ કે સ્માર્ટ ફોન આવ્યા પછી બધાંજ એની પાછળ જ લાગ્યાં હોય છે. અને એ છે પણ કેટલું સરળ અને સહજ ! પણ પ્રશ્ન આપણો – સિનિયર કે જુવાનનોનો નથી ; આપણને તો એનાથી લાભજ થાય છે.. પણ નાના બાળકોને બીજી બધી ઈન્દ્રીઓનો વિકાસ કરવાની તક જ નથી મળતી અને એ લોકો માનસિક બીમારીનો ભોગ બને છે! Yes, you are right ; it’s like going against the current !

    Like

Leave a reply to સુરેશ Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.