મારી ડાયરીના પાના -૧૪-૧૫-૧૬

14-બી.કોમ. પાસ

 

લાડવાડીના પુસ્તક વિભાગમાંથી બી.કોમ.ની બધી ચોપડીઓ મળી ગઈ. પુસ્તકાલયનો વહીવટ ડોક્ટર નરસિંહ લાલ કરતા. તેઓ નવાણું વરસ જીવ્યા અને મરતા સુધી પુસ્તકાલયની સેવા કરી હતી.જુલાઈમાં કોલેજ ચાલુ થઇ ગઈ અને ભણતર શરુ થયું. કોલેજ બપોરે એક થી સાડા ચાર સુધી હતી. રોજ ચાર પિરિયડ લેવાતા અમો સૌ ઉત્સાહમાં હતા અને પાસ થવાના સ્વપ્ના જોતા. ક્યારેક શનિવારે કિંગસર્કલથી મ્યુઝિયમ સુધી ટ્રામમાં જતા. એક કલાકથી વધારે સમય ટ્રામમાં બેસતા અને પાસ થયા પછી કેવી લાઈફ જીવીશું તેની ચર્ચા કરતા. પૈસા કમાઈ પગભર થઇ જવાની ઉતાવળ બધાને હતી. પાસ થઇ ભરપૂર પિક્ચર તથા નાટક જોવા તેમજ પ્રવાસ ખેડવા. પણ કોને ખબર કે ડેસ્ટીનીમાં મારે માટે શું છે ?

હવે સામેના મકાન રામ નિવાસમાં બંગલી મળી જવાથી ઘરમાં થોડી સંકડાશ ઓછી હતી. હું મનુભાઈ તથા મહેશ બંગલીમાં વાંચતા અને રાત્રે ત્યાં જ સુતા. ઉપાધ્યાય પણ વાચવા આવતો. બંગલી બહુ નાની હતી. લાકડા નું ફ્લોરિંગ હતું ને માંડ 7x 8 હશે. તેમાં ટેબલ અને ખુરસી પણ હતા. બે પથારી માંડ થતી. મનુભાઈ ટેબલ પર સુતો. આમ સાંકડ માંકડ રહેતા ને સવારના ગોદડું ફોલ્ડ કરી ગાદી બનાવતા. ઓશિકાનો તકિયો તરીકે ઉપયોગ કરતા. મોડે સુધી વાંચતા. મનુભાઈ વરસાદ ના હોય ત્યારે અગાશી માં સુતો ઉપર ટોઈલેટ ના હોવાથી ગ્રાઉન્ડ ફ્લોર મકાનની બહાર ના ટોઇલેટ વાપરતાં. જ્યારે પરીક્ષા નજીક આવતી ત્યારે મોડે સુધી વાંચતા બા રાત્રે ચા બનાવી આપતી, તે નીચે જઈ પી લેતા.

અત્યાર સુધીમાં મોસાળમાં મોટી બા, દાદા જી ને મોટામામાંની ચિર વિદાય થઇ ચૂકી હતી. મોટામામા હાર્ટની બિમારી માં ગુજરી ગયા. મને યાદ છે કે તેમની રોટલી મામી ઘીમાં ડુબાડી આપતા કદાચ તે કારણ પણ હોઈ શકે.  તે વખતમાં લોકો હેલ્થ વિષે સભાન નહોતા અને તે વિશેની અજ્ઞાનતા પણ ખરી.. વરસ પૂરું થવા આવ્યું પરીક્ષા નજીક આવતી હતી. કુલે દસ સબજેક્ટ હતા. છેલ્લા દિવસોમાં એકસ્ટ્રા કલાસિસ લેવાતા ને કોર્સ પૂરો થતો. વાંચવાની રજા પડતી ત્યારે હું ઘેરથી કોલેજ લાયબ્રેરી જતો અને ત્યાં વાચતો ઘણા છોકરા આવતા અને જાત જાતની અફવા પરીક્ષા વિષે ઉડાવતા.અમે પરીક્ષા સવાલોની ચર્ચા કરતા પરીક્ષાનું સેન્ટર સીડનામ કોલેજ હતું. નંબર ને સિટિંગ એરેજમેન્ટ બહાર પડી ગયા હતા. હું સવેળા જઈ નંબર તથા ક્લાસ જોઈ આવ્યો હતો. રોજ બે પેપર હતા પરીક્ષા અગિયાર વાગે શરુ થતી અને છ વાગે પુરી થતી હતી. પરીક્ષા આવી ને ગઈ. છોકરાઓ મહેનત કરી થાક્યા હતા. બધા એ હાંશ કહી છુટકારો મેળવ્યો. યાદ છે કે એક છોકરા એ પાર્કર ઈન્ક નો ખડિયો કોલેજ બહાર પછાડી શુકન કર્યાં હતા. તે દિવસે બધા બહુ ખુશ હતા. પેપર કેવા ગયા તેની ચર્ચા થઇ. કેટલા એ પિક્ચર જવાના પ્લાન પણ કરી નાંખ્યાં.

અને વૅકેશન શરુ થયું. હું ઘરે  આવ્યો ચા પાણી પી થાક ઉતાર્યો. પછી કેબિનમાં પુસ્તકો ગોઠવાયા. પરીક્ષાના પેપર એકઠા કરી માર્ક આંકી જોયા અને મન મનાવ્યું. વૅકેશન હોવાથી ઉતાવળ કોઈ જાતની હતી નહિ ઘરમાં બાથરૂમ નહોતો. 4’x 4′ ચોકડીમાં નહાતા. રૂમનું બારણું બંધ કરતા જેથી સામેના મકાનમાં થી કોઈ જુવે નહિ. પાટલૂન પહેરી ને નહાતા. પણ મુસીબત એ હતી કે પડોશમાં રહેતા ટપુ બહેન ક્યારેક આવી જતા અને ખુરશી પર બેસી બારણા ખોલી કાઢતા. તેઓ શરીરે ભારી ને ઉંમરમાં વયોવૃદ્ધ હતા. હવા માટે બારણા ખોલી નાખતા. તેમને ક્યારેય ફિકર નોહતી પણ અમે શરમાઇ જતાને ઝપાટા બંધ ત્યાંથી નીકળી જતા. અમો આથી બાવડી પર નાહતા.ક્યારેક એ થતું કે ક્યાં આપણા ભૂરચના ઘરનો રૂમ જેટલો બાથરૂમ અને ક્યાં આ મુંબઈની ચોકડી. ભરૂચનો બાથ રૂમ સફેદ ટાઈલથી સજ્જ હતો. તેમાં ટોઇલેટ એક બાજુ હતું. ઉપરાંત ઠંડા પાણીની પીપ અને ગરમ પાણીનો બંબો અને છતાં મોકળાશ અને પ્રાયવસી હતા.

હું મોટે ભાગે સાંજના જુહુ ફરવા જતો. ત્યાં કોલેજના દોસ્તારો મળતા ઉદેસી ભીખુ ચંદ્રકાંત અને ઓઝા એ કોલેજના દોસ્તારો હતા. ખબર નહિ આજે કેટલા તેમાંના જીવે છે ?જો કે ચદ્રકાંતના મોટા ભાઈ જે અહીં રહેતા અને ઇન્ડિયન સેન્ટર માં આવતા. તેમણે ચંદ્રકાંત માટે લાસ વેગાસની ટુરની ભલામણ કરી હતી. ચંદ્રકાંત ન્યુજર્સી રહે છે. વૅકેશન હવે પૂરું થવા આવ્યું હતું. દોસ્તો સાથે પાસ થયા પછી શું કરવું તેની ચર્ચા થતી. રિઝલ્ટ નો દિવસ આવી ગયો. ડિગ્રી એકઝામનું રિઝલ્ટ છાપામાં ન આવતું. યુનિવર્સિટીમાં મુકાતું, હું બપોરે યુનિવર્સિટી પહોંચ્યો રસ્તે અનેક વિચાર આવતા કે મારું શું થશે ? રિઝલ્ટ ના બોર્ડ આગળ ગરદી હતી. જગા કરી બોર્ડ પર નજર કરી. મારો નંબર દેખાયો, ફરીથી જોયો એમ ત્રણ વાર જોઈ ખાત્રી કરી લીધી કે હું પાસ થઇ ગયો. ઉત્સાહમાં આવી ગયો ને ઝડપ ભેર ગાડી પકડી પાર્લા આવ્યો. રસ્તે વિચારોની ભરમાળ ચાલી. ઘર પહોંચ્યો ત્યારે બા તેની સ્ત્રી મંડળી સાથે ઓટલે બેસી સિઝન ના ઘઉં વીણતી હતી. આખા વરસ નું અનાજ અમો સીઝનમાં ભરી લેતા મેં શુભ સમાચાર આપ્યા અને કહ્યું કે હું હવે નોકરી કરીશ અને એલ. એલ. બી નું ભણીશ. બા એ કહ્યું એ તારા બાપાને કહેવાનું હું કઈ ના જાણું. સ્ત્રી મંડળ વિખરાયું. હવે સાંજ ઢળવા આવી હતી. મોટાઈ ને આવવા નો સમય થયો. મોટાઈ આવ્યા ને શાકની થેલી મૂકી ઉપર કપડા બદલવા ગયા. આજે ખુશી ના ખબર હતા પણ બતાવતા નહિ. એ ઉપર ગયા ને હું કૅબિનમાં ગયો. મોટાઈ થોડો આરામ કરી જમવા નીચે ગયા. તેમને જમાડતા બાએ મારા વિશે અને મારા પ્લાન વિશે વાત કરી. મોટાઈ એ તેમનો ચુકાદો આપ્યો કે મારે તો આગળ ભણવાનું છે અને તે પણ સી. એ બીજું કંઈ જ નહિ. હું નીચે જમવા ગયો ત્યારે એમણે મને કહ્યું કે કારકુની નથી કરવી આગળ ભણવાનું છે અને તે પણ સી. એ. અને તેને માટેના પગલાં લેવાની કાલ થી જ શરુઆત કરવા જણાવ્યું. એમનો વિચાર મને મનુભાઈ અને મહેશને સી. એ કરવાનો. અને પોતાને આટલા વરસ ના અનુભવ અને ભણતર ને લઈને લાઈસન્સ મળશે તો મુંબઈ, સુરત ને અમદાવાદમાં ફર્મ ખોલવી અને ત્રણે છોકરાને ઠેકાણે પાડવા. પણ ડેસ્ટીની ને શું તે મંજુર હતું?

 15-સી.એ.માં દાખલ

મોટાઈની બહુ ઈચ્છા હતી કે મારે જી.પી કાપડિયા કુ માં આર્ટિકલ કરવા. આર્ટિકલ એટલે ત્રણ વરસ વગર પગારની નોકરી પણ ઓડિટરની કંપનીમાં જેથી ઓડિટ ને ઇન્કમ ટેક્સ નો અનુભવ મળે. મોટાઈ સમય કાઢી ગોપલદાસને મળવા ગયા. પણ ત્યાં જગા ના હોવાથી આવતા વરસનો વાયદો આપ્યો ને એક વરસ મફત કામ કરવા કહ્યું. મોટાઈ સમય માગી નીકળી ગયા. પછી થોડા દિવસ હું અને મોટાઈ સી. એ ના લિસ્ટ માં સરનામાં જોઈ બધાને મળતા. પણ પત્તો લાગતો નહિ. મોટાઈ પાચ હજાર સુધી પ્રિમિયમ આપવા તૈયાર હતા અને રોકડા પૈસા ખીસ્સામાં રાખતા. તેમાં વળી એક નવી ગુંચ નીકળી કે આર્ટિકલ ત્રણ નહિ પણ ચાર વરસના હશે જો જુલાઈ પહેલા સાઇન ન થાય તો. હું દોસ્તોને મળતો તેમની પાસે પણ વિગતો મેળવતો અને ભરપૂર કોશિશ કરતો. બધા એક પછી એક દાખલ થઇ ગયા મારું ઠેકાણું પડતું નહિ. આથી બહુ નિરસ થઇ જતો. મોટાઈ એ બધી સારી સારી ફર્મમાં કોશિશ કરી હતી પણ નાકામયાબ રહ્યા. એ અરસા માં મોટાઈ એક દિવસ મુંબઈ ગયા હતા અને પાછા વળતા ઈમ્પીરીયલ સિનેમામાં હીરાલાલને મળવા રોકાયા. હીરાલાલ સગપણે મારા માસીના સસરા થતા. નસીબ જોગે હરિદાસ પટેલ ત્યાં હાજર હતા હરિદાસ ચાર્ટર્ડ અકાઉન્ટટંટ હતા. અને તેમની ફર્મ હતી. મોટાઈની ઓળખાણ હીરાલાલે તેમને કરાવી. ત્યાં જ નક્કી થઇ ગયું કે તેઓ મને આર્ટિકલ લેશે. મારા માસા રાજુભાઈ જેઓ ત્યાં જ આર્ટિકલ કરતા તેમને મળી આર્ટીકલ્સ માટેનું અગ્રીમેન્ટ હરિદાસની સહી માટે મોકલવાનું નક્કી થયું. તે દિવસ મોટાઈ ને મારે માટે બહુ આનંદનો હતો. મોટાઈ ના પાંચ હજાર બચી ગયા અને મને આગળ વધવાની તક મળી.  હું વિના વિલંબે રાજુમાસા પાસે પહોંચી ગયો. તે વખતે માસી ચર્ની રોડ ભટવાડીમાં રહેતા હતા. મારા અગ્રીમેન્ટની વીધી તેમણે પૂરી કરી હતી. મારે રોજ ઓફિસમાં કેમ જવાનું અને કોને રિપોર્ટ કરવાનો તે વિશે પૂછ્યું. તેમણે જણાવ્યું કે હરિદાસની ઓફિસ નથી અને તારે અહીં આવવાનું અને મને રિપોર્ટ કરવાનો. માસા પરણેલા તો હતા જ તેમને એક છોકરો પણ હતો. નામ અશોક. માસાને પગાર તો મળતો નહિ ઉપરાંત પોતાના ફેમિલીની જવાબદારી તેથી કમાવું પડતું. ચોપડા લખવા ના કામ લેતા અને બપોરે શેર બજાર જતા અને કમાઈ કરતા મારું ઓફિસ જવાનું સરુ થયું. મારી ઓફિસ એટલે માસીનું ઘર. હું રોજ માસીના ઘરે જતો. થોડી માસી કને વાતચીત કર્યાં પછી હું માસા સાથે આગલા રૂમમાં બેસતો જે મારી ઓફિસ હતી. મારું કામ માસાના ચોપડા લખવાનું રહેતું. મોડી બપોરે માસી સરસ મસાલાની રોજ ચા પીવડાવતા. સાંજે માસા આવી કામ ચેક કરતા. અને બીજા દિવસનું કામ નક્કી કરતા. હું સાડા પાંચે ઘરે જતો. આમને આમ સમય વહેતો ગયો ન તો મેં બોસ હરિદાસને જોયા કે મળ્યો ,ના તો એમનું ઘર કે ઓફિસ જોઈ. હકીકતમાં મારા બોસ મારા માસા હતા. હરિદાસ કંપનીની ટપાલ નોબલ ચેમ્બેર્સમાં આવતી. એક માણસ તેને માટે હતો. જે દર બે ત્રણ દિવસે ટપાલ ભેગી કરી તેમના ઘરે પહોંચાડતો.અચાનક આ કામ થોડા દિવસ માટે મારે મારી પાસે આવ્યું હું કરતો હતો પણ કંટાળતો. કેટલીક વાર વિચાર આવતો કે હું નાહકનો મારી લાઇફ વેડફી રહ્યો છું. પણ થોડા વખતમાં કોંગ્રેસ હાઉસ નું ઓડિટ મળ્યું. અને બીઝી થઇ ગયો.સરસ મજાની કેબિનમાં બેસતો અને કોંગ્રેસ ના ચોપડા તપાસ તો. હજુ સુધી મેં મારા બોસ ને જોયા નહોતા. પછી તો હિન્દુસ્તાન ઇલેક્ટ્રિક નું તેમજ યુનિવર્સલ ઈન્સ્યુરન્સ અને એશિયન ઇન્સ્યુરન્સ ના ઓડિટ મળ્યા. આમ ગાડી પાટે ચડી ગઈ.

16-અમારી ઓફિસ

આમ ને આમ વરસ પૂરું થાય તે પહેલા એક ગૂંચ આવી. ગૂંચ એ આવી કે મારે ફર્સ્ટ સી. એ ની પરીક્ષા આપવાની કે નહિ ? તેની જોરદાર પૂછ પરછ કરવા માંડી. પણ કાંઈ સુજ પડતી નહિ. આખરે ઘાટેલ્યા કુ ના ઘાટેલ્યા ને મળ્યો. તેમણે કહ્યું કે કોઈ નોટીફીકેશન હજુ આવ્યું નથી. પણ આપી દેવી સારી. કારણ કે બે પરીક્ષા ફર્સ્ટ અને ફાઇનલ વચ્ચે અગીઆર મહિનાનો ગેપ જોઈએ. આથી મેં ઉતાવળે પરીક્ષા આપી દીધી. પરિણામ સારું ન આવ્યું. પણ હું હિંમત હાર્યો નહિ. મોટાઈ પણ હિંમત હાર્યા નહિ. તેમણે ગુસ્સો કરી બુમો જરૂર પાડી. તેમની ઓફિસ માં સ્ક્રૂવાલા સાહેબે તેમને કહ્યું કે છોકરાનું ગજું હોઈ તેમ લાગતું નથી. નકામી જીંદગી વેડફે છે. પણ મોટાઈ મક્કમ રહ્યા. તેમને ત્રણ શહેરમાં ફર્મ ખોલવીતી. છ મહિના પછી હું પાછો પરિક્ષા માં બેઠો અને પાસ થયો. હવે સી. એ થવાશે ની આશા બંધાઈ. કેટલાક દિવસ પછી મને દિલ્હીથી અમારી સંસ્થાનો પત્ર આવ્યો કે તમારે ફર્સ્ટ સી. એ ની પરિક્ષા આપવાની જરૂર નથી. જે છોકરાઓએ ચાર વરસ ના આર્ટિકલ સાઇન કર્યા હોઈ તેમણે આપવી પડશે. હવે પોદાર ચેમ્બેર્સમાં અમને ઓફિસ મળી હતી.  અમે ત્રણ આર્ટીકલ્સ હતા. માણેકલાલ શાહ અને આરડી પટેલ નવા આર્ટીકલ્સ હતા જૂનમાં પટેલ (નિરંજન પટેલ ના ભાઈ) ને રાજુભાઈએ આર્ટીકલ્સ પુરા કર્યા હતા નિરંજન મારા કોલેજ મિત્ર હતા. રાજુભાઈ તેમના ભાઈબંધ ની ઓફિસમાં મેનેજર થઇ ગયા. પટેલ હું માનું છું કે તેમના ભાઈ નિરંજન જોડે લંડન જતા રહ્યા. સંપટ પણ જુના આર્ટીકલ્સ હતા. તેઓ પોતાની પ્રેક્ટિસ કરતા. હું તેમની ઓફિસમાં અવારનવાર જતો. તેમના પિતાશ્રી તેમની ઓફિસનો કારભાર કરતા. મારી તેમની સાથે બેઠક હતી.  હવે અમને કોંગ્રેસ હાઉસ, યુનિવર્સલ ઇન્સ્યોરન્સ, એશિયન ઇન્સ્યોરન્સ, હિન્દુસ્તાન ઇલેક્ટ્રિક વગેરે ઓડિટ મળ્યા. અમે ક્લાયન્ટની ઓફિસમાં ઓડિટ કરતા. પોદાર ચેમ્બેર્સમાં શર્મા અને બીજા એક આફ્રિકા ના પટેલ બેસતા. બંને કામ વગરના હતા.  સિગારેટ પીતાં ને ગપ્પાં મારતાં ને ચા પીતા.  હવે બોસ હરિદાસે એક સિપાઈ રાખ્યો હતો. તે ઓફિસની ટપાલ નોબલ ચેમ્બેર્સમાં થી લાવી શર્માને આપતો. અને શર્મા હરિદાસને પહોંચાડતા. પોદાર ચેમ્બેર્સ પહેલા અમને યુનિવર્સલ ઇન્સ્યોરન્સના બિલ્ડીંગમાં પહેલા માળે ઓફિસ આપી હતી. અત્યાર સુધી અમે ઘરની ઓડિટ પેન્સિલ વાપરતાં. અમારે પૈસે ઓફિસમાં ચા પીતા અને મફત નોકરી કરતા. ઓડિટ મળ્યા પછી કલાયન્ટ તરફથી ચા અને નાસ્તો મળતો.  આમ વરસ નિકળી ગયું. હરિદાસ ક્યારે પણ ઓફિસ માં આવતા નહિ. તે બે ત્રણ કંપની માં ડિરેક્ટર હતા. તેમાં વિઝિટ મારી બપોરે ઘરે જતા. લંચ કરી. બપોરે પત્તા રમતાં. સાંજે મોટરમાં બેસી ઈમ્પીર્યલ સિનેમા જતા અને હીરાલાલ પાસે બેઠક જમાવ તા. રાત્રે જમી પરવારી પત્તા સેશન શરુ થતું. મારા મિત્ર તલવલકરની ઓફિસ માં કામ ખાસ હતું નહિ. એમની રીક્વેસ્ટને કારણે હું તેમને ઓડિટ માટે કલાયન્ટની ઓફિસે  બોલાવતો. તે આવતા ને શીખતા. શર્માને લીધે બીજા ફાલતુ લોકો પણ પોદાર ચેમ્બરની  ઓફિસ માં આવતા.

ધનંજય સુરતી  

2 thoughts on “મારી ડાયરીના પાના -૧૪-૧૫-૧૬

  1. અત્યાર સુધી અમો ઘરની ઓડિટ પેન્સિલ વાપરતાં. અમારે પૈસે ઓફિસમાં ચાહ પિતા અને મફત નોકરી કરતા. ઓડિટ મળ્યા પછી કલાયન્ટ તરફથી ચાહ ને નાસ્તો મળતો.
    આ એક જાતની ગુલામી જ કહેવાય ને?

    Like

    • માનનીય સુરેશભાઈ મને આપના આભિપ્રાય વાંચવા ગમે છે,કારણ આપ વાંચકને નવી દ્રષ્ટિ આપો છો.

      Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.