૬૦નો દાયકો, યુવાન વય – ૨૩/૨૪ની, એટલે દરેક યુવાનને સ્વપ્નો હોય, ખાસ કરીને લગ્ન માટે. હું પણ તેમાંથી બાકાત ન હતો. સાહિત્ય અને ફિલ્મોને કારણે પ્રેમલગ્ન વિષે જાણીએ અને બહારથી પણ સાંભળીએ પણ ખુદ માટે તેનો વિચાર જ ક્યાંથી આવે? કારણ શરમાળ સ્વભાવ, સંસ્કાર અને આમન્યા. લગ્નની વાત તો માતા-પિતા જ સંભાળે એટલે રાહ જોવી રહી.
આજ અરસામાં બચપણની સખીને જોઈ. નવા રૂપમાં, બાળામાંથી એક યુવતીના રૂપમાં. કોણ જાણે કેમ બાળસખીને આ રૂપમાં જોઈ ‘કુછ કુછ હોતા હૈ’ અનુભવ્યું.
બચપણમાં સાથે રમેલા, એક જ શાળામાં ભણેલા, પણ બાળસ્વભાવ મુજબનો સંબંધ. યુવા વયે પણ એવો જ સંબંધ હતો પણ અચાનક તે બદલાઈ ગયો – ફક્ત મારા માટે. બાળસખીને તો તેનો અણસાર પણ નહીં. પણ મને મારો શરમાળ સ્વભાવ આડો આવે એટલે મનની વાત મનમાં જ રહે. વાત ન થાય તો સામેનાનું મન પણ ક્યાંથી જાણવા ન મળે? હળવા મળવાનું ચાલુ પણ એક મૈત્રીનો જ મેળાપ કારણ મારા મનની વાત હજી મનમાં હતી. કેમનું કહેવું તે સમજાતું ન હતું.
અંતે વિચાર્યું એક પત્ર લખી વાત પહોંચાડું. પત્ર લખાઈ પણ ગયો અને તે પહોંચાડું તે પહેલા જ મા તરફથી લગ્નનો પ્રસ્તાવ આવ્યો. હવે? સમય માંગવા સિવાય રસ્તો ન હતો. સાથે સાથે હવે તો હિંમત કરી બાળસખીનું મન જાણવું જ રહ્યું એટલે બનતી ત્વરાએ તેને મળવા જણાવ્યું અને અચકાતાં અચકાતાં મારા મનની વાત કરી એ ડર સાથે કે તે આ વાત કેમની લેશે? કદાચ ખરાબ લાગે તો મિત્રતાનો સંબંધ ન પણ રહે.
વાત તો સીધી હતી કે તે હા કહે કે ના. મેં પણ ચોખવટ કરી કે ના કહેશે તો પણ મને વાંધો નથી. અમારા કુટુંબો અને તેમના વિચારોથી વિપરીત આ વાત હતી તેથી કહ્યું કે ના કહેવાથી આપણી મૈત્રીમાં કોઈ પણ ફરક નહીં પડે. આમ કહેવાનું કારણ એ હતું કે હું રહ્યો ગુજરાતી વાણિયો અને તે તમિલ બ્રાહ્મણ. ૬૦ના દાયકામાં પ્રેમલગ્ન અને તે પણ આંતરજાતીય? અને પ્રસ્તાવ પણ એક બોચિયાના મોઢેથી? એકદમ હા કે નાં કહેવાને બદલે તેણે વિચારવાનો સાત દિવસનો સમય માંગ્યો જે મને યોગ્ય હતું.
સાત દિવસનો એ સમય કેમ વિતાવ્યો તે કહેવાની જરૂર છે? હા કહેશે કે ના? આ અવઢવમાં ઓફિસનાં કામકાજમાં પણ ખલેલ પડતી પણ ત્યાં તેની જાણકારી ન પડે તેની પૂરતી તકેદારી રાખી. તો બહાર તો શું ઘરનાને પણ જાણ ન થાય તેની તકેદારી જરૂર હતી. કારણ તેના કુટુંબનાં અમુક સભ્યો રૂઢીચુસ્ત. જો કે આપણે ધારીએ કે કોઈ આપણી આવી વાત નથી જાણતું ત્યારે તે એક ભ્રમ જ હોય છે કારણ અન્યોને તો વાતની ગંધ આવી ગઈ હોય છે અને અનુમાનો પણ થવા માંડે છે.
મા તરફથી ફરી વાત આવી અને મેં સમય માંગી લીધો – સાત દિવસનો.
સાત દિવસ પૂરા થયા અને બાળસખીની મુલાકાતનો – જે એક મારા જીવનનો વળાંક બની શકે – દિવસ આવી ગયો. થોડી આડીઅવળી વાતો પછી તેણે કહ્યું કે બહુ વિચાર પછી તેને પણ લાગ્યું કે અજાણ્યા સાથે જિંદગી ગાળવા કરતા જાણીતા પાત્રને પસંદ કરવું તેને યોગ્ય લાગ્યું છે અને તે મારા પ્રસ્તાવને મંજૂર કરે છે. પણ આ વિષે તેના કારણે ઊભા થતાં પ્રશ્નો અને નિરાકરણ માટે ઊંડાણથી બંનેએ વિચાર કરવો જરૂરી છે અને એટલે ફરી નિરાંતે બેસી તે વિષે વિચારવું રહ્યું એમ કહી અમે છૂટાં પડ્યા.
અને આમ તે દિવસ મારા માટે યાદગાર બની રહ્યો.
આગળની વાતો અહીં અપ્રસ્તુત છે પણ એટલું કહીશ કે આજે ૫૨ વર્ષ વીત્યા બાદ પણ તે સાયુજ્ય મજબૂત છે.
.નીરુભાઈ મહેતા
અંત ગર્ભિત રાખવા છતાં તમે વાત સરસ રીતે કહી દીધી. તમારી અને તેમની ( માની લઈએ કે એ તમારાં પત્ની છે?) હિમ્મત અને સંયમને નમસ્કાર.
LikeLike
આભાર. મોડો જવાબ આપવા બદલ ક્ષમા. હા, તે મારા અર્ધાંગીની જ છે.
LikeLike
બહુ જ સુંદર વાત ! છેક સુધી સસ્પેનશ રાખ્યો !! please , થોડા વધારે પ્રસન્ગો ( એમના વિષે ) લખશો તો આનન્દ થશે
LikeLike
આભાર. મોડો જવાબ આપવા બદલ ક્ષમા.
LikeLike
rsprd yadgar premni mulakat.
LikeLike
આભાર. મોડો જવાબ આપવા બદલ ક્ષમા
LikeLike