સંબંધ
૧૯૯૮ ની આ વાત છે. થાણાં ટીમ્બર માર્ટ એ થાણાંમાં સૌથી મોટી લાકડાંની વ્યાપારી પેઢી હતી. લાકડાં વેરવાનો બેન્ડ સો અને ત્રણેક દુકાનો મુખ્ય મુખ્ય વ્યાપારી વિસ્તારોમાં હતી. પટેલોનું આ એક ખૂબ મોટું સંયુકત કુટુંબ હતું. અચાનક થયેલી મુલાકાતમાંથી મારો આ કુટુંબ સાથે ઘરોબો થઈ ગયો હતો.
થાણાંમાં જ ડોંગરમલ નામના એક મોટા મારવાડી બિલ્ડીંગ કોંટ્રેકટર મારા ઘરાક હતા. હું એમનો સ્ટ્રકચરલ કન્સલસ્ટંટ હતો. વરસે દહાડે મને ૧૫-૨૦ હજાર રૂપિયાની ફી એમની પાસેથી મળતી. ડોંગરમલ અને એમના ભાઈઓનું કુટુંબ અને થાણાં ટીંબર વાળાનું કુટુંબ પાસે પાસેના મકાનોમાં રહેતા. ડોંગરમલના એક ભાઈની દિકરી કંચન અને થાણા ટીંબરના એક યુવાન છોકરા નરોત્તમ વચ્ચે પ્રેમ થઈ ગયો. મારવાડી કુટુંબને આની જાણ થઈ ગઈ. એમને લાગ્યું કે આ સંબંધ બાંધીએ તો અમારી બીજી દિકરીઓને મારવાડી કુટુંબોમાં વળાવવામાં અડચણ આવે. એટલે એમણે કંચન ઉપર દબાણ કર્યું કે તું આ સંબંધ તોડી નાખ, પણ કંચન માની નહીં. થાણાં ટીંબરવાળા પટેલોને લાગ્યું કે અમે આટલા શ્રીમંત માણસો છીએ તો અમને તો ન્યાતમાંથી જ મજબૂત કુટુંબ મળશે, એટલે એ પણ નારાજ હતા.
નરોત્તમ મારી પાસે આવ્યો અને કહ્યું, કાકા આમાં તમે કંઈ પ્રયત્ન કરો તો ગાડી પાટે ચડે, કારણ કે બન્ને કુટુંબો તમને માન આપે છે. મેં એને ના પાડી કે આવી બાબતમાં મારાથી દખલ ન દેવાય. એ નિરાશ થઈને ચાલ્યો ગયો. થોડા દિવસ રહીને એ ફરી પાછો આવ્યો, અને કહ્યું, કાકા એ લોકો કોશીશમાં છે, અને થોડા દિવસમાં જ કંચનને જબરજસ્તી મારવાડી કુટુંબમાં પરણાવી દેશે, પ્લીઝ તમે કંઈ કરો. મારી પત્ની ચંદ્રલેખાએ કહ્યું કે તમે પ્રયત્ન કરી જુવો, ઝગડો ન કરતા, સમજાવટથી કંઈ થઈ શક્તું હોય તો તમને બે યુવાનોને સુખી કરવાનો સંતોષ મળશે.
એક સવારે હું ડોંગરમલનું જ્યાં મકાનનું કામ ચાલતું હતું ત્યાં પહોંચી ગયો. કોઈ એપોઈન્ટમેન્ટ ન હતી, છતાં મને આવેલો જોઈ ડોંગરમલના બે ભાઈઓને પહેલા તો આશ્ચર્ય થયું, પણ પછી આવકાર આપી ચા-પાણી મંગાવ્યા. ડોંગરમલ ત્યાં હાજર ન હતા. કંચનના પિતા અને કંચનના કાકા હાજર હતા. કંચનના કાકાના હાથે પ્લાસ્ટર લગાડેલું હતું. મેં પૂછ્યું શું થયુ છે, તો એમણે ફ્રેકચર થયું હોવાનું કહ્યું. આ તકનો લાભ લઈને મેં મારી વાત શરૂ કરી દીધી.
મેં કહ્યું, “તમારી પાસે પુષ્કળ પૈસા છે. ઘરમાં બેસીને ખાવ તો પણ તમને જીંદગીભર ચાલે એટલા પૈસા તમારી પાસે છે, છતાં ભાંગેલા હાથે પણ તમે વધારે પૈસા કમાવવા કામે આવ્યા છો. એ પૈસા તમારા સંતાનોના ઉજ્જ્વળ ભવિષ્ય માટે કમાવવા માંગો છો. બીજી બાજુ તમારા સંતાનોના ઉજ્જ્વળ ભવિષ્યમાં નાતજાતના વાડા બાંધી રૂકાવટ પેદા કરો છો.”
બન્ને ભાઈઓ સમજી ગયા કે હું શા માટે આવ્યો છું. એમણે કહ્યું કે અમારા કુટુંબના બધા જ નિર્ણયો ડોંગરમલ લે છે. એમની ઇચ્છા વિરૂધ્ધ અમારૂં કુટુંબ કંઈ કરી શકે એમ નથી. એમને વાત કરો, એ માનવાના તો નથી જ. હું થોડીવાર બેસીને ત્યાંથી નીકળી ગયો. ઘરે પહોંચ્યો કે થોડીવાર રહીને ડોંગરમલનો ફોન આવ્યો. એમણે મને કહ્યું, “સાહેબ હું તમારી ખૂબ ઇજ્જત કરૂં છું, પણ આ અમારી કુટુંબની બાબત છે, અને એમાં તમે ન પડો તો સારૂં, નહીં તો આપણા સંબંધ ખરાબ થશે.” મેં કંઈ જવાબ આપ્યો નહીં, અને એમની વાત સાંભળી ફોન મૂકી દીધો.
થોડીવાર પછી એમનો ચોથા ભાઈ, થાણાંની ટોકીઝના સિંધી માલિક દોલતરામ સાથે મારા ઘરે આવ્યા. દોલતરામે મને આમાં હસ્તક્ષેપ ન કરવા, અને નરોત્તમ અને કંચનને કોઈપણ જાતની મદદ ન કરવા તાકીદ કરી, અને કહ્યું કે નહીં તો અમારા એડવોકેટ શાહ સાથે વાત કરીને પરિણામ સમજી લો. એમણે મારા ઘરના ફોન ઉપર જ એડવોકેટ શાહને ફોન લગાડ્યો. શાહ સાહેબ મને સારી રીતે ઓળખતા. મેં એમને ખરી હકીકત સમજાવી. એમણે ફોનમાં દોલતરામને મારી સલાહ સાચી છે, અને જીદ ન કરવા કહ્યું. ચા-પાણી પી ને બન્ને વિદાય થયા.
થોડા દિવસ પછી થાણાં ટીંબરવાળું કુટુંબ તો તૈયાર થઈ ગયું, પણ મારવાડી કુટુંબમાં કંઈ હલચલ ન હતી. ફરી હિમ્મત કરી મેં ડોંગરમલને ફોન કરી પૂછ્યું કે આમાં કોઈ ઉકેલ શક્ય છે કે નહીં. એમણે મને કહ્યું અમારામાં એ કુટુંબની ઇજ્જત અને બીજી દિકરીઓનું ભવિષ્ય બચાવવા એક દિકરીને મારી નાખવી પડે તો પણ મા-બાપ અચકાય નહીં. હું ડરી ગયો.
વળી થોડા દિવસ રહીને ડોંગરમલના ઘરે ગયો. મેં એમને સમાજાવ્યા, કે તમે તમારો વિરોધ ચાલુ રાખો, સગપણમાં, લગ્નમાં હાજર ન રહો તો સમાજમાં તમારી શાખ જળવાઈ રહેશે. દિકરી સુખી થશે. સંસ્કારી અને શ્રીમંત ઘર છે. છોકરો તો એટલો સારો છે, કે કંચન મારી દિકરી હોય તો હું રાજીખુશીથી હા પાડી દઉં. એ થોડા નરમ પડ્યા, અને મને બે દિવસમાં જવાબ આપવાનું કહ્યું.
બે દિવસ પછી, મારા ઘરે આવીને કહ્યું કે તમે છેવટ સુધી વચ્ચે રહેજો. કાલે ઊઠીને થાણાં ટીંબરવાળા બીજી અણચણ ઊભી ન કરે, કારણ કે અમે એમનું ખુબ અપમાન કર્યું છે. હું આનાથી દૂર રહીશ, પણ મારા ત્રણ ભાઈઓ આમા સામીલ થશે.
મેં મારા ખર્ચે, મારા ઘરે બન્ને પક્ષના ૩૦-૪૦ જણને આમંત્રણ આપી સગપણ વિધિ કરી. થોડા દિવસ પછી મને બન્ને પક્ષની કંકોત્રીઓ મળી. ડોંગરમલ સગપણમાં અને લગ્નમાં હાજર ન રહ્યા. નરોતમ અને કંચન મને અને ચંદ્રલેખાને પગે લાગ્યા. બધું શાંતિથી પતી ગયું. એક વરસ પછી કંચને પુત્રને જન્મ આપ્યો. આ સાંભળીને ડોંગરમલ એક ટ્રક ભરી રેફ્રીજરેટર, રંગીન ટી.વી., કબાટ, પલંગ અને અનેક ચીજો લઈ થાણાં ટીંબરવાળાના ઘરે પહોંચી ગયા અને કહ્યું, “દોહિત્રનું મોં જોવા આવ્યો છું.” મોટો જલ્સો થયો. મને અને ચંદ્રલેખાને પણ તરત બોલાવી લીધી.
ત્યારથી દર દિવાળીએ નરોતમ અને કંચન મને અને ચંદ્રલેખાને પગે પડવા આવતા. ૨૦૧૨ માં અમે કાયમ માટે અમેરિકા આવતા હતા ત્યારે બન્ને મળવા આવ્યા, નરોતમ મને બાથ ભરીને રડી પડ્યો.
-પી. કે. દાવડા
ગુડ જોબ.
LikeLike
દાવડાસાહેબ,બે પ્રેમી નું મિલન કરાવવાનું કામ ,તેમના ઘરના ની સંમતિ સાથે ખૂબ સરાહનીય!
LikeLike
srl bhashama ek shubh karyno prsng aalekhyo che.
LikeLike
Dawda saheb, Sulehkar nu sthan sawthi uchu hoy che – khub saras
LikeLike
દાવડાસાહેબ,બે પ્રેમી નું મિલન કરાવવાનું કામ ,તેમના ઘરના ની સંમતિ સાથે ખૂબ સરાહનીય!
LikeLike