હજી મને યાદ છે-૩ -દિવ્ય દર્શન -રશ્મી જાગીરદાર

હું અને સોમા આમ તો કઝીન બહેનો પણ અમારી વચ્ચે મિત્રતા ઝાઝી હતી. તે દિવસે સમય કાઢીને તે રાત રોકવા મારા ઘરે આવી. અમે સૌ મોડા સુધી વાતો કરતાં રહેલા એમાં સોમાએ કહેલી પોતાના અનુભવની વાત હજી મને યાદ છે. તેના જીવનમાં બનેલી બંને ઘટનાઓ કેટલી જુદી છતાં બંને વિસ્મયકારક હતી.

સોમા અને શ્રીકાંત બંને સંગીતનાં શોખીન હતાં. શ્રીકાંતને   ફિલ્મી ગીતોમાં વધુ રસ હતો, જ્યારે સોમા ક્લાસિકલ મ્યુઝીકની શોખીન હતી. સોમા વિશારદની ડીગ્રી ધારી હતી. તેમનાં બંને બાળકો સોમાના સુમધુર અવાજમાં ગીતો સંભાળીને જ ઉછર્યા હતાં. કહોને ગળથુથીમાં જ સપન અને હીરને સંગીત મળેલું. હીરને તો અવાજની મધુરતા પણ વરસમાં મળી હતી. તે નાનપણથી જ માતા પાસે થોડું થોડું સંગીત શીખતી ગઈ. પછી તો તેને ખુબ રસ પાડવા લાગ્યો. શાળામાં તેમજ આંતર શાળા હરીફાઈઓમાં  થતી ગીત સ્પર્ધામાં તે અચૂક ભાગ લેતી. અને ઇનામો પણ લાવતી. તે ઉપરાંત શાળાઓ માટે થતી, જીલ્લા કક્ષાની તેમજ રાજ્ય કક્ષાની સ્પર્ધાઓમાં પણ તે ઇનામો જીતતી રહેતી હતી. એની આ સિધ્ધિઓને લીધે ટીવી પર ચાલતી સ્પર્ધાઓમાં પણ શાળા તરફથી તેને મોકલવામાં આવતી. આમ તેની સંગીત સાધના ચાલુ હતી. એસ એસ સીમાં પણ તેણે મુઝીકનો વિષય રાખ્યો હતો. શાળામાં તેમજ સગા સંબંધી અને મિત્ર મંડળમાં હીર સિંગર તરીકે જાણીતી થઇ ગઈ હતી. અત્યાર સુધી હીર શાળામાં સંગીત શીખતી હતી અને સોમા પાસે શીખતી. હીરનો અવાજ અને આવડત જોતાં શ્રીકાંત અને સોમાએ તેને ગુરુ પાસે વ્યવસ્થિત શિક્ષણ અપાવવાનું વિચાર્યું. સંગીત ગુરુ પ્રતીમાદેવી કુશળ સંગીતકાર અને પ્રેમાળ શિક્ષક હતાં.તેમનાં ઘણાં શિષ્યો હતા. ધીમ ધીમે હીર પોતાની આવડતથી ગુરુને પ્રિય થવા માંડી.

પ્રતિમા દેવી માત્ર સંગીતનું શિક્ષણ આપીને કામ ન્હોતાં પતાવી દેતાં. દર વર્ષે પોતાના શિષ્યો પાસે એક કાર્યક્રમ તૈયાર કરાવતાં અને હોલ રાખીને મોટા પાયે તેની રજૂઆત કરતાં. જેથી શિષ્યો પોતાનું જ્ઞાન અને આવડત રજુ કરવામાં પણ પાછા ન પડે. હીર જ્યારે કોલેજમાં આવી ત્યારે વિશારદની ડીગ્રી લઈને આગળ અભ્યાસ કરતી હતી. હવે ગામમાં તેનું નામ હતું. અને ઘણીવાર સ્ટેજ કાર્યક્રમ પણ યોજાતા હતાં. એક બાજુ તેણે કોમ્પ્યુટર સાયન્સમાં  સ્નાતક થયા પછી માસ્ટર ડીગ્રી  માટેનો અભ્યાસ ચાલુ કર્યો. આમ બંને તરફ તરક્કી ચાલુ હતી.  નાનો ભાઈ સપન પણ એન્જીનીયરીંગના છેલ્લા સેમેસ્ટરની તૈયારી કરતો હતો. સાથે સાથે તે વાંસળી વાદન પણ શીખતો હતો.બંને ભાઈ બેન જ્ઞાતિમાં પણ આગળ  પડતો ભાગ લેતાં. હવે બંનેની ઉંમર પણ એવી હતી કે, બંને માટે સારા સારા ઘરેથી માંગા આવવા લાગ્યાં.

બંને ભાઈ બહેનને અહીં ભારતમાં જ રહીને પોતાની કેરિયર બનાવવી હતી. બાકી તેઓ પોતાની માસ્ટર ડીગ્રી માટે અમેરિકા જઈ શકત. હવે થયું એવું કે જે માંગા આવતા તે પરદેશવાસી -એનઆરઆઈ તરફથી આવવા લાગ્યાં. બધી રીતે સારું પણ હોય. એટલે હીર અસમંજસમાં ઉલઝી. છેવટે અમેરિકા સ્થિત પરિવારના  એક યુવક પર પસંદગી ઉતરી. આ બધી વાતો ચાલતી હતી તે દરમ્યાન તેમની જ્ઞાતિ  તરફથી બંને ભાઈબેનનો એક સંગીતનો કાર્યક્રમ યોજાયો. આ બાજુ હીરના પાસપોર્ટ અને વિઝાની તૈયારી ચાલતી હતી. કાર્યક્રમ માટેના દિવસના બીજા દિવસની તારીખ,  હીરના વિઝા માટે બોમ્બે જવાની હતી. સાતથી સાડાદસનો કાર્યક્રમ પતાવીને રાતની ટ્રેનમાં હીર જવાની હતી. ભાઈ સપન તેની સાથે જવાનો હતો. કાર્યક્રમ  પતાવીને, સોમા અને શ્રીકાંત તેમને મુકવા સ્ટેશન ગયાં.

      શ્રીકાન્ત અને સોમા બંનેને સ્ટેશન ઉતારીને પાછા ફરતી વખતે ખુશ હતા. બાળકોની તરક્કીની  જ વાતો તેઓ કરતાં હતાં. શિયાળાની રાત અને એમા ય અમાસ પછીની બીજ હતી. ચારે બાજુ અંધારું ઘોર. વાહનો પણ ગણ્યાં ગાંઠયા. વાતોમાં મશગુલ પતિ પત્ની ઝડપથી ઘર તરફ જતાં હતાં. એવામાં તેમની કાર આગળ, ખાસા અંતરે એક સ્ત્રી ચાલતી જતી દેખાઈ. સોમા કહે, ” આ અડધી રાતે એકલી ચાલતી ક્યાં જતી હશે?” “પ્લીઝ સોમા બી ક્વાએટ.” ” અરે પણ હવે તે નજીક છે, તું હોર્ન તો માર.” ” સોમા, વિલ યુ પ્લીઝ બી ક્વાયેટ.” અને આ વાક્ય કહેતી વખતે તેણે સોમાને આંખોના ઇશારાથી પણ ચુપ રહેવા સમજાવ્યું. પણ પેલી સ્ત્રી હવે એટલી બધી નજીક હતી કે, શ્રીકાંતે તેની ગાડી જમણી તરફ વાળીને આગળ લીધી. તેમ છતાં પેલી સ્ત્રી ગાડીની આગળ જ ચાલતી દેખાઈ. તેણે સફ્ર્દ સાડી પહેરી હતી અને માથે ઢાંકેલું હતું. “કોઈ ગુજરી ગયું લાગે છે બિચારીનું!” શ્રીકાંતે ફરીથી સોમા તરફ આંખો કાઢીને ચુપ રહેવા સમજાવ્યું. તેણે  ગાડી છેક ડાબી બાજુ લીધી. હવે છેક ગાડીને અડીને ચાલવું હોય તેટલી નજીક તે ચાલતી હતી. શ્રીકાંતનો ઈશારો સમજવા સોમાએ તેની તરફ જોયું, એટલે વારમાં પેલી સ્ત્રી ફરીથી ઘણે દુર ચાલતી દેખાઈ અને હવામાં થોડી ઊંચકાઈ ને પછી અદ્રશ્ય થઇ ગઈ. શ્રીકાંતે ગાડી મારી મૂકી. ઘરે આવીને લોક ખોલતી વખતે સોમાના હાથ ધ્રુજતા હતાં. થોડી વાર શાંતિથી બેઠા પછી શ્વાસ નોર્મલ થયા. ” એ શું હતું? શ્રીકાંત.” ” સોમા તને ઇશારાથી સમજાવવા કેટલો પ્રયત્ન કર્યો, પણ તું ?” ” કેમ તને ખબર હતી કે, તે અદ્રશ્ય થવાની છે?” ” હા સોમા, મારે ઘણી વાર રાત્રે આ રોડ પરથી પસાર થવાનું થાય છે.એટલે મને ઘણી વાર આવો અનુભવ થયો છે. મારા ઘણાં મિત્રોને પણ અનુભવ થયા છે.” ” દરેક વખતે આવું જ થાય.” ” હા બસ, આ જ રીતનું થાય.”

“તને યાદ છે શ્રીકાંત? આપણે એકવાર નવરાત્રીમાં અમદાવાદ ગયાં હતાં ત્યારે કેવું થયેલું?” “હા બોલ.” અને બંને સમક્ષ એ દ્રશ્ય તાદશ થયું.

તે વર્ષે નોરતાની નોમના દિવસે, અમદાવાદમાં સોમાના માસીના ઘરે  તેમની ૭૫મી વર્ષગાંઠની  ઉજવણી હતી. એટલે રાત્રે જ પહોંચી જવાનું હતું, જેથી બીજે દિવસે સવારથી મદદમાં આવી શકાય. આઠમના દિવસે એક મિત્રને ત્યાં રાખેલા ગરબામાં હાજરી આપીને તેઓ ગાડીમાં નીકળી ગયાં. સમયસર અમદાવાદ પહોંચીને ત્યાંના ગરબાની મઝા માણવાનો ઈરાદો હતો. પણ હવે ૧૨ વાગે ગરબા બંધ થઇ જતા એટલે ઝડપથી ગાડી ચાલતી રહી. અમદાવાદમાં  પ્રવેશ વખતે જ  એક વાગવા આવ્યો હતો એટલે ગરબા તો બંધ થયા હશે એમ માનીને, તેઓ જ્યારે આંબાવાડી સહજાનંદ કોલેજ પાસે પહોંચ્યાં ત્યારે, ત્યાં ચાર રસ્તે ઝાકમઝોળ હતી. ત્યાંની લાઈટ એરેન્જમેન્ટ અદ્ભુત જણાઈ, ૨૦૦થી વધુ ગરબે ઘુમતી સ્ત્રીઓના વસ્ત્રો અને તેમનાં રૂપ દિવ્ય જણાતા હતાં. ત્યાં ગાડી ઉભી રાખીને સોમ અને શ્રીકાંતે પણ ગરબાની મઝા લીધી. પછી વિચાર્યું, માસીને ત્યાં જઈને બધાને લઈને પાછા આવીએ એ લોકોને ખબર નહિ હોય, એટલે જ તેઓ આવ્યા નથી. ઘરે જઈને વાત કરી માસીએ કહ્યું, “અમે લોકો અડધા કલાક પહેલાં જ ઘરે આવ્યાં, ત્યારે તો ચાર રસ્તે કંઈ નહોતું.”  “માસી કોઈ કરોડપતીના ગરબા લાગે છે. એ લોકોના ડ્રેસ અને દેખાવ તો આપણે  જોયાં જ કરીએ એવા છે. આપણે તરત જઈએ. ” એની વાત સંભાળીને બધા ચાર રસ્તે પહોંચ્યાં તો, … તો ત્યાં હતું, અંધારું અને એકાંત! સૌ અચરજમાં ડૂબી ગયાં અને ઘરે ગયાં. ઘણી ચર્ચા થઇ. છેવટે માસીએ કહ્યું,” આજે આઠમ છે એટલે ૬૪ જોગણી માતાઓ ગરબે રમવા આવ્યાં હશે. અને તમે નસીબદાર છો કે, એ દિવ્ય દર્શનનો લાભ મળ્યો.”

સોમાની પહેલી ઘટના આપણેને અતૃપ્ત આત્માની અછડતી ઝાંખી કરાવે છે જ્યારે બીજી ઘટના, દિવ્ય આત્માઓના હોવાપણાની પ્રતીતિ કરાવે છે.

અસ્તુ.

રશ્મિ જાગીરદાર. 

3 thoughts on “હજી મને યાદ છે-૩ -દિવ્ય દર્શન -રશ્મી જાગીરદાર

  1. બન્ને પ્રસંગો વિશ્વાસ ન આવે એવા છે, પણ જ્યારે કોઈ શહેરી શિક્ષિત વ્યક્તિને આવી અનુભૂતિ થાય ત્યારે આપણે વિચારમાં પડી જઈએ છીએ. આવી વાતોનો સાઇકોલોજીસ્ટો પણ સંતોષ કારણ ખુલાસો આપી શકતા નથી. નરસિંહ મહેતાને શંકર ભગવાન રાસલીલા જોવા લઈ ગયા હતા એ વાતનો ખુલાસો મેં મારા એક વાર્તાલાપમાં આપેલૉ, જેનૉ વિડિયો યુ-ટ્યુબમાં છે. ક્યારેક ક્ષણભરને માટે આપણું Brain શૂન થઈ જાય છે ત્યારે આપણે બહારના જગતની સત્ય અનુભૂતિ કરવાને બદલે Hallucinations જોઈએ છીએ. ક્યારેક આ તંદ્રા એટલી પ્રબળ હોય છે કે આપણે એને સત્ય તરીકે સ્વીકારી લઈએ છીએ. મારા સગા નાનાભાઈને અને Bay Area સ્થિત, ખૂબ જ જાણીતી અને ઉચ્ચ શિક્ષણ પામેલી એક વ્યક્તિને પણ આવી અનુભૂતિ થઈ હતી.

    Like

  2. હે ભગવાન, મને ક્યારે આવા અનુભવ થવા મળાશે? મને કોઈ આવો અનુભવ કરાવે તો એક હજાર રુપીયા આપું. જોકે એક હજાર રુપીયા તો એક ટોકન માત્ર છે. મારી કેપેસીટી પ્રમાણે જ અપાયને.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.