સાન હોઝે એરપોર્ટની બહારે નીકળી હું મારાં દીકરાની રાહ જોતી , બેગેજ કલેઇમની સાઇન પાસે ઊભી રહી હતી. ત્યાં એક બુઝર્ગ કાકા, તેમની બેગ લઈને ધીમે ધીમે આવ્યા અને મારી નજીક ઊભા રહ્યા. તેમણે માથે ગરમ ટોપી, ગળામાં ગલેપટો અને હાથમાં મોજા પહેર્યા હતા. મેં જોયું કે તેમનાથી ફોન બરાબર ન્હોતો થતો. એમણે આવીને મને પુછ્યું ,” બેન, મને જરા મદદ કરશો ? ” મારાથી ફોન નથી થતો. મેં હા કહી તેમનો ફોન જોડ્યો. મેં નામ પુછ્યું ને એમણે કહ્યું,” નાથુભાઈ વિઠ્ઠલ. ” મને નામ કંઈક જાણીતું લાગ્યું. થોડી વાર એમની સામું જોતી રહી. થયું, આમને મેં ક્યાંક જોયા છે. પણ જલદી યાદ ન આવ્યું. મેં તેમનાં દીકરા ઠાકોર સાથે વાત કરી. તેમનાં દીકરાએ કહ્યું, ” બેન , બે મોટાં અકસ્માત હાઇવે 880 ઊપર થયા છે કોઈ હિસાબે હું વખતસર ત્યાં નહીં આવી શકુ. તેમને પાછા એરપોર્ટ માં બેસાડો. મેં પેલા કાકા સામે જોયું તો ખૂબ થાકેલા હતા અને નિરાશ થઈ ગયા હતા. મને થયું મારું ઘર નજીક છે – એમને મારાં ઘરે લઈ જાઉં અને આ ઠંડીમાંથી બચાવું , કંઈક ગરમ પીવાનું અને ખાવાનું આપું તો એ મને આશીર્વાદ આપશે! એટલે તરત તેમના દીકરાને કહ્યું ,” આ મારુ એડ્રેસ અને ટેલિફોન નંબર છે, અમે તમારા પિતાજીને અમારે ઘરે લઈ જઈએ છીએ. તમે અમારે ત્યાં એમને લેવા આવજો.”
ઘરે ગયા પછી અમો તેમની સાથે વાત કરતાં ગયા એમાં માલુમ પડ્યું કે એ આફ્રિકામાં, દારેસલામમાં હતા. એટલે તરત આગળ વાત કરી. તો વર્ષો પહેલાં જે કાકાએ અમોને (મને અને મારી બહેનને ) ભારે વરસાદ અને વાવાઝોડામાં રાઈડ આપી હતી તે જ એ કાકા હતા. શું હિંમતથી અમોને સહીસલામત ઘરે પહોંચાડ્યા હતા. આજે સાવ ઢીલા થઈ ગયા હતા.
લગભગ પચાસ વર્ષ પહેલાંની આ વાત છે……..તે દિવસે પટેલ ગ્રાઉંડ પર જમવાનું હતું. ઊમંગે ઊમંગે સારા સારા કપડાં પહેરી ત્યાં પહોંચી ગયા. બા -બાપુજી રસોડામાં ખૂબ બીઝી હતા. અમે બાળકો સહુ એકઠાં થઇ કંઈ રમત શોધી આનંદથી સમય પસાર કરી રહ્યા હતા. આ વાત છે આફ્રિકાની – 1946 ની સાલની. ભારતને હજુ આઝાદી મળી ન્હોતી. પણ ગાંધી બાપુની અંગ્રેજો સાથેની લડાઈમાં દૂર દૂર દેશોનાં ભારતીયો પણ મનોમન સાથ પૂરાવતા . વહેલી સવારે પ્રભાતફેરી નીકળતી. એમાં અમારાંથી થોડાં મોટા છોકરાંઓ ભાગ લેતા. ગોઠવ્યા મુજબ સરઘસ કાઢતાં. તેમાં બધાથી જવાતું. અને એને લગતાં કાર્યક્રમો ગોઠવાતા. એનાજ અનુસંધાનમાં અમારે સૌ એ જવાનું હતું. પટેલ ગ્રાઉન્ડ પર જવાનું જરાં દૂર હતું છતાં બાળકો હસતાં, વાતો કરતાં
રસ્તાની દૂરીનો ખ્યાલ આવે તે પહેલાં પહોંચી જતા. જમવાનો હોલ ખૂબ મોટો હતો એટલે લાઈનસર બધાને બેસાડી દીધા અને અમે જમી લીધું. એ પછી બીજી ઓક્ટોબર, ગાંધી જયંતીની તૈયારી કરવાની હતી. બહાર તે દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો અને વીજળીઓ થતી હતી. ગગનમાં તાંડવ નૃત્ય થતું હોય એવું લાગતું હતુ. ગાજવીજ સાથે મુશળધાર પડતો હતો. પવન જોરથી ફૂંકાતો હતો. ઘરે જવાનું કેમ શક્ય બનશે એ વિચારમાં બા – બાપુજી પણ મુંઝવણ અનુભવતા હતા.
ત્યાં તો એક કાકા (સગા નહીં પણ ઓળખાણવાળા ) નાથુભાઈએ એમની ગાડીમાં લઇ જવાની ઓફર આપી. એમની ગાડી જૂની હતી. અમને આઠેક છોકરાંઓને ઉપરાછાપરી બેસાડ્યા. ખૂબ સંકડાઈને બેઠા. ગાડી ધીમે ધીમે ચાલતી હતી. સાઈડ પરથી વાછટો ખૂબ આવતી હતી. છતાં ખૂશી હતી કે ગાડીમાં જવા મળ્યું છે. ચાલવું નથી પડતું. લગભગ ત્રણેક માઈલ ગયા હશું ને એન્જીન બંધ થઈ ગયું.
આટલા વરસાદમાં સમારકામ પણ કેવી રીતે થાય ? થોડી વાર ઊભા રહ્યાં. સાંજના પાંચ વાગી ગયા હતા. વર્ષા ઋતુને કારણે સંધ્યાએ પણ આવવાની ઊતાવળ કરી. હવે શું કરવું તે પ્રશ્ન સૌ ને મુંઝવતો હતો.
કાકાએ નક્કી કર્યું કે કોઈ મદદ મળે એવું લાગતું નથી. જેથી બધાએ ચાલીને જ પોતપોતાના ઘરે પહોંચવું પડશે. જેનું ઘર આવતું જાય એમ છૂટા પડતાં જશું. બધાએ એકબીજાનાં હાથ પકડી લીધા. મેં આવું કદી અનુભવ્યું ન્હોતું. ભારે વર્ષાને કારણે રસ્તાઓ ખૂબ ખાડા ખબચાં વાળા હતા. કારમાંથી બહાર નીકળતાં જ અમો પલળી ગયા હતા. ઠંડી પણ લાગતી હતી. અંધારું થઇ જવાથી જોવામાં પણ મુશ્કેલી પડતી હતી. છતાં હિંમત રાખી બધા ચાલતાં હતા. હજુ ત્રણેક માઈલ રસ્તો કાપવાનો હતો. કોઈકે તો રડવા માંડ્યું. પેલા કાકાએ ખૂબ સરસ રીતે બાજી સંભાળી લીધી. એક છોકરાને કેપ્ટ્ન બનાવ્યો અને તેને કહ્યું કે હિંમતથી આગળ ચાલ – અને બોલ : ” હૈ ઇન્દ્રદેવ, રક્ષા કરો રક્ષા કરો, હમ બાલકોકી રક્ષા કરો.”
તે સમયે ટેલિફોન હતા પણ જૂજ. સેલફોનનો જમાનો નહતો . સહીસલામત ઘરે પહોચશું કે કેમ એ પ્રશ્ન હતો. પણ એ કાકાની સમય સૂચકતા અને હિંમતે અમને સૌને સહીસલામત ઘરે પહોંચાડ્યા. એક બીજાનાં હાથ પકડી રાખી ચાલતાં શીખવાડ્યું. વધારામાં દરેકે થોડું ગાવાનું. કોઈ કાર પસાર થાય તો મદદ માટે બૂમો પાડવાની. મેં કવિતા બોલવા માંડી . “આવરે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.” પણ પછી થયું આ બરાબર નથી. મારે તો વરસાદને આવવાની ના પાડવાની છે એટલે ફેરવીને ગાયું ,” વીજળી ચમકે ને મેહૂલીયો ગાજે , સાથે મારુ હૈયું ધડકે
ઘડીક ઊભો રેને મેહુલિયા,
જોને મારી ઓઢણી ભીંજાઈ,
મને ટાઢ ચઢી જાય
થંભી જાને મેહુલિયા, થંભે તો તું મારો દોસ્ત બની જાય ”
ત્યાં તો એક બીજા છોકરાએ ગાવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં ગામની સાવ નજીક આવી પહોંચ્યા. થોડી લાઈટ દેખાવા માંડી ને ઘરો પણ દેખાયા . એક છોકરાનું ઘર સાવ નજીકમાં હતું. તેનાં માં-બાપે ટોવેલ આપ્યા અને ગરમ પીણું પીવડાવ્યું . ત્યાંથી નીકળી બાકીના છોકરાં છોકરીઓને એક એક કરતાં તેઓનાં ઘરે પહોંચાડ્યા . મારાં માં-બાપ અમને બંને બહેનોને જોઈ બાઝી પડ્યા અને પેલા કાકાનો ખૂબ ઊપકાર માન્યો. જમવાનું કહ્યું પણ તે ભાઈ રોકાયા નહી . એક કપ ગરમ ચાય માંગી અને તે પીઈને તેમણે પ્રયાણ કર્યું.
આ વાતને વર્ષો વિતિ ગયા પણ જયારે જયારે મેહુલિયો ગાજે ને વીજળી ચમકે , ને વર્ષા નું આગમન થાય ત્યારે મને એ અંઘારી રાત, મુશળધાર વરસાદ અને પેલા કાકાની ઓથ જરાયે ભુલાતી નથી. ખૂબ દયાળુ અને હિંમતવાળા કાકા હતા. આટલા બાળકોને સંભાળીને આવી પરિસ્થિતિમાંથી બહાર કાઢવા ને સહીસલામત તેમને ઘરે પહોંચાડવા એ મહાન કાર્ય હતું અને તેઓએ એ જવાબદારી પૂર્વક પાર પાડ્યું. દરેકનાં માં-બાપ તેમનાં ઋણી રહયા . માનવ કેટલો સમૃધ્ધ છે તે તેની દર્શાવેલી માનવતા પરથી કળી શકાય છે.”……
ચાર-પાંચ કલાકે તેમનાં દીકરાએ બેલ મારી. ત્યાં સુધીમાં કાકાએ જમી કરી એક સારી ઊંઘ ખેંચી લીધી હતી. મને કહે ,” બેટા, તેં તો મને ઋણી બનાવી દીધો. ત્યારે મેં એમને કહ્યું ,” ના, કાકા, મેં તો તમારું ઋણ ઊતારવા પ્રયત્ન કર્યો છે. કોઈ કોઈ નું ઋણી નથી . સમય સમયનું કામ કરે છે. વર્ષો પહેલાં તમે અમોને ભારે વરસાદમાં સહીસલામત ઘરે પહોંચાડ્યા હતા. એ દિવસ હજુ ભુલાતો નથી. ભગવાને મને તમારું ઋણ વાળવાનો અવસર આપ્યો – તમારું નામ સાંભળ્યું ત્યારે જ થયું હતું કે આ નામ જાણીતું છે. એટલેજ તમને ઘરે લઈ આવી .” તેઓએ કહ્યું ,” શું તને હજુ યાદ છે?” ત્યારે મેં કહ્યું ,” હા , કાકા, જરાયે ભુલાયું નથી. એકે એક ક્ષણ યાદ છે. અમારાં હાથ જોરથી પકડી રાખી અમને એ તાંડવમાંથી બહાર કાઢી લાવ્યા . એ કેવી રીતે
ભુલાય ? મને ખૂબ આનંદ છે કે હું તમારે માટે કશુંક કરી શકી . કુદરતની ગતિ કોઈ કળી નથી શકતું !
જીવનમાં બનેલા આવા બનાવો કાયમને માટે યાદ રહી જાય છે. આવા પાત્રો જ્યારે વરસોના અંતરાળ પચી અચાનક મળે છે ત્યારે ગળૅ ડુમો ભરાઈ આવે છે અને આંખોમાં આંસુ આવી જાય છે.
જયવંતીબહેન તમે પ્રસંગને સારી રીતે વર્ણવ્યો છે. વાંચવાની ખૂબ મજા આવી.
જીવનમાં બનેલા આવા બનાવો કાયમને માટે યાદ રહી જાય છે. આવા પાત્રો જ્યારે વરસોના અંતરાળ પચી અચાનક મળે છે ત્યારે ગળૅ ડુમો ભરાઈ આવે છે અને આંખોમાં આંસુ આવી જાય છે.
જયવંતીબહેન તમે પ્રસંગને સારી રીતે વર્ણવ્યો છે. વાંચવાની ખૂબ મજા આવી.
LikeLike
સંવેદનશીલ સત્યકથા. બહુ જ ગમી. જિંદગીની સફરમાં આવા હમરાહી મળી જાય તે જીવનભરનું સંભારણું અની રહે છે. એક યાદગાર ગીત…
LikeLike
jivnni yadne vartama utari aabeheb vran kryu che.
LikeLike
Aap Sarveno khub khub Aabhar.
LikeLike