પોતું – એક પ્રશ્નાવલોકન, સુરેશ જાની

પોતું

       સુશીલા માંદી પડી. સવારની ચા અને નાસ્તો નરેશને બનાવવો પડ્યો. બાબલાએ નાસ્તો કરતાં દૂધ ઢોળ્યું. નરેશે બડબડતાં બાબલાને એક ઠોકી દીધી અને પોતું કરી, રસોડાના ખૂણામાં પોતું ઉશેટી દીધું. ગઈ કાલની વધેલી ખીચડી વઘારી, લન્ચ માટે પેક કરી; બાબલાને નિશાળે ઉતારી, કડવા મને નરેશ ઓફિસ ગયો. સાંજે ઓફિસેથી પાછાં આવી, ખાવાનું બનાવવાની તરખડ કરવાને બદલે બાબલાને લઈ, હોટલમાં જમી આવ્યો. સાથે સુશીલા માટે સુપ પણ લેતો આવ્યો.
      ભીનું, વાસ મારતું, પોતું હજુ ખુણામાં ડુસકાં ખાતું પડ્યું હતું. થોડીક કીડીઓ પણ એની ઉપર સળવળાટ કરતી, આનંદમાં મ્હાલતી હતી.
     બીજા દિવસે સુશીલાનો તાવ ઉતરી ગયો. રસોડામાં જઈ ચા બનાવતાં પહેલાં તેણે સિન્કમાં પોતું ધોઈ, નિચોવી, બાલ્કનીની પાળી પર સૂકવી દીધું.
       નરેશના ઓફિસ જવાના સમયે કડકડતું પોતું સૂર્યના તડકામાં ઊંડો વિચાર કરતું હતું.

વાચકોને એક પ્રશ્ન –

    પોતું શો વિચાર કરતું હતું?

       ઉપરોક્ત માઈક્રોફિક્શન વાર્તા આ પ્રશ્ન સાથે  ૧૩, નવેમ્બર – ૨૦૦૯ ના રોજ મારા બ્લોગ પર મુકી હતી. આનંદની વાત છે કે, વાચકોએ બહુ જ રસથી એમાં ભાગ લીધો હતો – ૩૨ વિચારો વ્યક્ત થયા હતા ( આ રહ્યા) !
‘બેઠક’ના વાચકોને એમાં ઉમેરો કરવો હોય તો પ્રેમપૂર્વક કરે.

    પણ અહીં એક પ્રયત્ન પ્રશ્નાવલોકન નો છે ! આ રહ્યો….

હળવા મિજાજે….

       સાઠ વર્ષે શું થાય તે તો તમને ખબર છે ને?  આ સુરેશ જાની તો ૭૫ માં પેંસું પેંસું કરી રહ્યો છે! અલ્યા  ભાયું અને બેન્યું, એટલું તો વિચારો કે,  ‘પોતું કદી વિચારી શકે ખરું?’ !!

      ઠીક તાંણે….વિચાર્યું જ છે તો થોડુંક આગળ!

     પોતાનું જ કામ બહુધા કરનારને  સમાજે હમ્મેશ ઉપેક્ષિત, તિરસ્કૃત, પગ લૂછણિયા જેવો ગણ્યો છે. એને તરછોડીને ખૂણામાં ઉશેટી દેનાર નરેશ હોય અથવા, એની જરૂરિયાત સમજ્યાં છતાં, એને બહુ બહુ તો ધોઈને બાલ્કનીના કઠેડા પર લટકાવનાર સુશીલા હોય – ‘પોતાં’નું સ્થાન તો ચોથી પાયરી પર જ હોય. –

        કદાચ પોતું આમ વિચારતું હશે.  સ્વચ્છતા સ્થાપવી, પાયાનું કામ કરવું – એ બધા સમાજોમાં હલકું કામ ગણાયું છે. 

       દલિત સમાજની વ્યથા ‘પોતાં’ ના વિચારોમાં પ્રતિબિંબિત  થતી હશે? કદાચ, બધા સમાજોમાં પ્રવર્તમાન વિષમતાઓનું, વર્ગવિગ્રહોનું આ એક કારણ છે. ‘પોતું’માં એને ઉજાગર કરવાનો મેં પ્રયાસ કર્યો છે.

      હવે એનું સ્વ -વિવેચન ….

     આખી વાર્તા એક રુપક છે. ચાર પાત્રો – નરેશ, સુશીલા, બાબલો અને પોતું. નરેશ અને પોતું અનુક્રમે સમાજના શાસક અને શોષિત વર્ગનાં પ્રતિકો છે. સુશીલા એ આ બેની વચ્ચેનો અર્ધશોષિત  નારી સમાજ છે. વાચકોના પ્રતિભાવોએ આ ત્રણને લક્ષ્યમાં લીધાં છે.

      પણ બાબલો? કોઈની નજર તેના તરફ ગઈ નથી. તે નિર્દોષ ભૂલ કરે છે; અને એના નસીબમાં લપડાક ખાવાનું જ લખાયું છે. સાંપ્રત સમાજ વ્યવસ્થામાં ભાવિ પેઢીની હાલત અને તેના ભવિષ્ય તરફ અહીં અછડતો અને પરોક્ષ અંગુલિનિર્દેશ કરવાનો પ્રયત્ન કરેલ છે.

      ઘણાંએ પુરુષ પ્રધાન સમાજના પ્રતિક તરીકે નરેશને સપાટામાં લીધો છે. પણ સૈકાંઓથી રોટલી કમાનાર – બ્રેડ અર્નર – તરીકે પુરુષની માનસિકતાનું તે પ્રતિનિધિત્વ કરે છે. બહારની દુનિયાના સંઘર્ષો વચ્ચે ઘરના સર્વાઈવલની જવાબદારી અદા કરનાર, તેની સાથે ભાગ્યે જ કોઈએ સહાનુભુતિ વ્યક્ત કરી છે. કદાચ સુશીલા તેની વ્યથાને વધારે સારી રીતે સમજે છે. માટે તો તે બીજા જ દિવસે ઊઠીને ઘરમાં બધું સમેસૂતર કરી નાંખે છે. કદાચ પતિ – પત્ની વચ્ચેની આ સંવાદિતા પોતું સમજ્યું હોય – એમ ન હોય?

       કદાચ વાચકો મારા વિચારો સાથે સમ્મત  ન થાય; પણ રોજિંદા ગૃહજીવનમાં અવારનવાર બનતા આવા સાવ નાનકડા પ્રસંગો, લઘુકથાના પોતમાં વણાઇને વિચારોની પ્રચંડ આંધી જન્માવી શકે છે – એ ‘પોતું‘ ની ફલશ્રુતિ મને જણાઇ છે. 

      આ બાબત મારું બહુ જ્ઞાન નથી; પણ એ વાર્તા લખી, ત્યારે સાહિત્યના આ પ્રકાર મારે માટે સાવ નવો જ હતો. ‘માત્ર લેખક જ કહ્યા કરે. -એમ નહીં; પણ ‘વાચક પણ વિચારતો થઈ જાય.’ – એવો આશય જરૂર હતો.લેખકને શું કહેવું છે; તે બહુધા ગર્ભિત રાખીને, વાચકોના અવનવા અને વિવિધ પ્રકારના પ્રતિભાવો જન્માવવાની એનામાં ક્ષમતા છે – એ સત્ય ‘પોતું’એ સિધ્ધ કરી દીધું છે. એ પ્રતિભાવોથી આ  વાત સિધ્ધ થતી મેં નિહાળી.

5 thoughts on “પોતું – એક પ્રશ્નાવલોકન, સુરેશ જાની

 1. આ પ્રકારનું લખાણ મને સાહિત્યનો એક નવો જ પ્રયોગ લાગ્યો. આ Interactive પ્રકારના લખાણમાં વાસ્તવિકતા છે, ફીલોસોફી છે અને સંદેશ પણ છે. ગૃહીણીને બિરદાવી છે તો પુરૂષની અસહાયતા પણ ઉજાગર કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે શબ્દો વેડફ્યા નથી. માત્ર જરૂરી શબ્દોનો જ ઉપયોગ કર્યો છે. શબ્દોના સર્જનનો આ એક ઉત્તમ ઉદાહરણ છે.

  Like

  • હું દાવડા સાહેબ સાથે સહમત છું.સુરેશભાઈએ ખૂબ ઉંચી વાત કહી છે.ખૂબ વિચારતા કરી મુકે તેવી વાત છે.ફરી ફરીને વાંચીએ તેમ નવા નવા વિવેચનને અવકાશ રહે છે.મજા આવી.

   Like

 2. પોતા સાથે ઘરની સ્ત્રીની સરખામણી કમને થઈ જ ગઈ. એ સ્ત્રી જછે જે આખું ઘર સંભાળે, બધાને તંદુરસ્ત, હસતા, ખુશહાલ રાખવા પોતાનું આખું જીવન પેલા પોતાની જેમ જ ખર્ચી નાખે છતાં, પોતાનાથી જ ઉપેક્ષિત…! બધે ભલે આ વાત લાગુ ના પડે પણ હજી મોટાભાગના ઘરમાં પડે જ…🙏

  Like

 3. ખુબ સરસ ક્રિયા અને પ્રતિક્રિયા વાહ અસરકારક અને સચોટ, માનનીય સુરેશભાઈ આપના લખાણ દ્વારા અમે વિક્સીએ છીએ સાથે આપ વાચકને વિચાર કરતા કરો છો…નાની વાત અને મોટો વિચાર ઘરની જ વ્યક્તિની જ ઉપેક્ષા…? મુખ્ય વાત તો ૩૬૦ ડીગ્રી એન્ગલ પર અવલોકન નરેશ, સુશીલા, બાબલો અને પોતું….નિર્જીવ પોતુંના – આત્મનિરીક્ષણ અને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરુપણ ગમ્યું ..બાબલો કેમ રહી જાય ? ..
  આમ પણ બેઠક એટલે પાઠશાળા અહી લખનાર વ્યક્તિ પણ વિકસે છે. અને વાંચનાર પણ વૃદ્ધિ પામે છે.
  અને આપે કરેલી વાતનો જવાબ
  એક જૂની કહેવત છે કે સાંઠે બુદ્ધિ નાઠે અહી આપણે ભૂલી જઈએ છે કે બુદ્ધિ નાઠે પછી જ પ્રજ્ઞા જાગે છે.શાણપણ અને માર્ગદર્શન બન્ને સાથે પીરસવાના .વાહ .
  પરંતુ અહી મારો એક સવાલ કે -આ વાત ઉપર -બીજા દિવસે સુશીલાનો તાવ ઉતરી ગયો. રસોડામાં જઈ ચા બનાવતાં પહેલાં તેણે સિન્કમાં પોતું ધોઈ, નિચોવી, બાલ્કનીની પાળી પર સૂકવી દીધું.
  સ્ત્રીએ કશું જ બન્યું ન હોય તેમ જિંદગી કેમ નીચોવી,સુકવી કેમ લેવાની ? વાત ને સંકેલી લીધી ! સહન કરનારનો વાંક ખરો કે નહિ?. હવે આગળ શું કરવું તે વિચારવાનું નહિ ?.સહનશક્તિ.ની દોરી ક્યાં સુધી પોહ્ચે ? બાબલો પણ સહન કરે ને ! આને વેલ્ડીંગ ન કહેવાય ?
  અમેરિકામાં આવ્યા પછી હું dignity of work શીખી

  Like

  • તમારા જ વાક્યમાં જવાબ ….
   અમેરિકામાં આવ્યા પછી હું dignity of work શીખ્યો !
   ——–
   આશા રાખીએ કે, ‘અમેરિકન જીવન જીવવાની રીત’ પર દેશમાં બહુ માછલાં ધોવાય છે. પણ કોઈ સંકોચ કે છોછ વગર કામ કરવાની રીત દેશવાસીઓ ઇમ્પોર્ટ કરે તો? આમ તો બધાં દૂષણો ઈમ્પોર્ટ થાય જ છે !
   [ અમને દેશમાંથી મળેલો એક સુવર્ણ ચન્દ્રક (!) ……..અમેરિકા ગોલાપું કરવા ગયાં છે ! ]
   ——————
   બીજી એક આડવાત….
   અમારા દીકરાએ એક વખત ‘ Toast Master’ માં વોલન્ટિયરિંગ કરેલું. બીજા બધાંને અંતમાં એવોર્ડ મળ્યા ત્યારે તેને પણ મળેલો – સેવા માટે. અમારા ઘરમાં આ પારિતોષિક બની ગયું છે –
   રામલા એવોર્ડ !!!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.