અવલોકન -૫-ખાલી ઘર

kg

     ઉપરના ચિત્રમાં બે ખાલી ઘર છે. એકના અક્ષરો ખાલી છે બીજામાં ખાલી ઘરનો પડછાયો પણ દેખાય છે. આ અવલોકનમાં બે ખાલી ઘરની વાત છે.

     અમે ૨૦૦૭ માં આર્લિંગ્ટનમાં નું અમારું મકાન ખાલી કરીને મેન્સફિલ્ડ રહેવા ગયા હતા. અલબત્ત બન્ને શહેરો ડલાસની દક્ષિણ પશ્ચિમ દિશામાં છે. સૌને આમ મકાન બદલવાની વ્યથાઓ ખબર છે. એ વખતે બે ખાલી મકાન જોયેલાં – એના પરથી આ અવલોકન છે.


     એક નવું, તરોતાજા ઘર બન્યું છે. અથવા જૂના ઘરને સમારકામ કરી, રંગરોગાન કરી વેચવા કાઢ્યું છે. અથવા ખરીદાઈ ગયેલું એક ઘર છે, જેમાં નવાં વસનારાં રહેવા જવાનાં છે. તેની ચોખ્ખાઈ અને ઊજાસ આંખે ઊડીને વળગે તેવાં છે. અહીં ખાલીપો તો છે, પણ આશાઓ છે, એક નવું ઘર બનવાનો ઉન્માદ છે. અહીં હમણાં જ નવું નક્કોર ફર્નિચર ગોઠવવાવાનું છે; સોડમવાળી રસોઈ બનવાની છે. સંગીતની સૂરાવલીઓ રેલાવા માંડવાની છે. અહીં દેવની પૂજા કરીને મંગળગીતો ગવાવાનાં છે. અહીં થોડા જ વખતમાં બાળકોની કિલકારીઓ અને કલશોર થવાનાં છે. અહીં પ્રણયની મસ્તી અને શ્રુંગારની મદીરા છલકાવાનાં છે. અહીં હવે નવું જીવન જીવાવાનું છે,

આ ઘર
તે માટે
તલપાપડ થઈને બેઠું છે.

    બીજું પણ એક ઘર છે, જે હમણાં જ ખાલી થયું છે. તેમાં વસનારાં, તેને તજીને બીજે રહેવાં જતા રહ્યાં છે. બચેલો, કોઈ કામ વિનાનો સામાન, ગાભા, ડૂચા, નકામા કાગળો, ખસી ગયેલા ફર્નિચર પાછળથી હવે ડોકિયાં કરતાં કરોળિયાનાં જાળાં, ફર્શ ઉપર ભેગાં થયેલાં ધૂળ અને કચરો;  અને ખાસ તો વિદાય થઈ ગયેલાં જીવતરના અભાવના ઓથારથી ભરાતાં ડૂસકાં અને ડૂમો – આ ખાલી ઘરના સમસ્ત અસ્તિત્વને ઘેરું અને સોગિયું બનાવી રહ્યાં છે.અહીં ખાલીપો છે, જે નજીકના ભવિષ્યમાં ભરાવાનો નથી. અહીં કેવળ નીરાશા અને એકલતા છે.  અહીં હવે કોઈ જીવન નથી.

એ માત્ર
ખાલી મકાન જ છે.
ઘર નથી.

     આ એક મકાન હોઈ શકે. એક નવો સંબંધ હોઈ શકે. એક નવો રસ્તો હોઈ શકે. એક નવો વિચાર, એક નવી અનુભૂતિ હોઈ શકે. એ સંગીતકારની મસ્તીમાં હમણાં જ પ્રગટેલી, સંગીતની લયબદ્ધ સૂરાવલી પણ હોઈ શકે. અંતરના ઊંડાણમાંથી હમણાં જ પ્રગટેલી, પણ હજુ નહીં વંચાયેલી; ભાવથી છલકાતી અને છંદબદ્ધ કવિતા પણ હોઈ શકે. હમણાં જ ફૂટેલી એક કળી કે તે કળી જેવું બાળક કે નવયૌવના પણ હોઈ શકે.

      અને એ ખાલી થયેલું મકાન પણ હોઈ શકે. વિજેતાના ક્રૂર ઘણથી ખંડિત થયેલો અને ગયેલી સમૃદ્ધિને યાદ કરીને વલવલતો રાજાનો મહેલ પણ હોઈ શકે. હુલ્લડ પછી, કરફ્યુના અમલમાં સોરાતો, તુટેલા સ્વપ્નો અને જીવનો માટે આંસુ સારતો અને વલવલતો, નિસ્તેજ અને નિર્જન રસ્તો પણ હોઈ શકે. કે ટૂંપાઈ અને નંદવાઈ ગયેલો સંબંધ પણ હોઈ શકે. અભરાઈએ મુકેલી પસ્તી જેવી બુઠ્ઠી લાગણીઓ કે વિચારશૂન્યતા પણ હોઈ શકે. એ કેવળ ‘સ્વ’માં જ જીવાતું જીવન પણ હોઈ શકે કે સ્વજનની હમ્મેશની વિદાયથી ભેંકાર બનેલું એકલતાભર્યું અસ્તિત્વ પણ હોઈ શકે.

    જાતજાતનાં ખાલી ઘર. ખાલીપણાં ય કેવાં જાતજાતનાં અને ભાતભાતનાં ?

    સાવ સ્વલક્ષી
સહિષ્ણુતા, અનુકંપા, કે જીવનના ઉત્સાહ વિનાનાં;
સંવેદનશીલતાના અભાવમાં
સાવ ચાડીયા જેવાં લાગતાં
જીવન
ખાલી ખંડેર જેવાં ઘર
નથી લાગતાં હોતાં ?

ત્રીજું ખાલી ઘર

     ઉપર લખેલાં બે ખાલી ઘરની ઘટના અને અવલોકન પછી,  ત્રણેક વર્ષ વીતી ગયાં હતાં. એમાં બે જાતનાં ખાલી ઘરની વાત કરી હતી. પણ તે દિવસે ત્રીજા પ્રકારના ખાલીપાનો અનુભવ થયો. એનું અવલોકન …

      આમ તો આ ત્રીજું ઘર ખાલી નથી. એ માણસોથી ભરચક ભરેલું છે!

    વાત જાણે એમ છે કે, તે દિવસે ભાડે આપેલા અમારા એ ઘરમાં રહેતાં ભાડવાત પાસે ભાડાની રકમ લેવા ગયો હતો. એ ઘરને સોગિયું, ઉજ્જડ, ખાલીખમ્મ, ડૂસકાં ભરતું નિહાળ્યું હતું.  કાલે એ ઘરના બારણા આગળ હું ભાડવાતની રાહ જોતો ઊભો હતો. એમને બોલાવવા મારે ઘંટડી મારવી પડી હતી.

    તાળું ખોલી એમાં  પ્રવેશવાનો મારો અધિકાર હું ગુમાવી બેઠો હતો. બારણું ખૂલ્યું. ભાડવાતનો પુત્ર ચેક લઈને આવ્યો. મેં એને રસીદ આપી. કશી વાતચીત વગર બારણું બંધ થઈ ગયું ; વ્યવહાર પતી ગયો હતો. કોઈ આત્મીયતા નહીં. સાવ પારકું ઘર  – એ ઘરના માલિકનો બાપ હોવા છતાં પણ. ભાડે આપેલું ઘર – ભરેલું પણ સાવ ખાલી. ઓલ્યા સોગિયા, ઉજ્જડ, ખાલીખમ્મ, ડૂસકાં ભરતાં ઘર કરતાં પણ વધારે ખાલીપો આપી ગયું.

….

 આત્મીયતા વિનાનો સંબંધ
નંદવાયેલો સંબંધ
સમય વીતી ચૂકેલો સંબંધ

પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો છું.

તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તો એ ગણતરીથી રૂઠેલો છું.

ના કોઈ નોંધ, ના ઉલ્લેખ મારો – થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.

ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.

ગુલામ અબ્બાસ ‘નાશાદ’

 

6 thoughts on “અવલોકન -૫-ખાલી ઘર

 1. ખાલીપો ખખડે ત્યારે આતમનો ગડગડાટ સંભળાતો હોય છે ,
  અંતરમાં ત્યારે મેઘધનુષ્ય રચાતું હોય છે …

  Like

 2. એક એંજીનીઅરનું સાહિત્યકારમાં પરિવર્તન થાય છતાં ક્યાંક ને ક્યાંક એંજીનીઅર ડોકિયાં કરતો દેખાય, પણ આ બીજા એંજીનીઅરને જ દેખાય.
  સરસ ચિંતનાત્મક લેખ. અમેરિકામાં ઘણાં વૃધ્ધો પણ આ ખાલી ઘરો જેવા છે. ત્રણમાંથી કયા ઘર જેવા છે એ એમના નશીબ ઉપર અવલંબે છે.
  Happy Friday Sureshbhai.

  Like

  • આમ તો ખાલીપો વિશ્વ વ્યાપી હોય છે – આખી માનવ જાત સામાજિક પ્રાણી છે માટે. ક્યાંક એ ઓછો હોય અને ક્યાંક વધારે.
   પણ દેશમાં જ આખી જિંદગી પસાર થઈ હોય તેવા તમારા મારા જેવાને અહીંની કોરી નાંખે તેવી એકલતા વધારે કઠે. એમાં જ આ અવલોકનો લખાયેલાં – આમ તો ‘ટાઈમ પાસ’ પ્રવૃત્તિ જ ! પણ ટાઈમ પાસ રચનાત્મક હોઈ શકે.

   Like

 3. ખૂબ સુંદર લેખ.ટૂંકમાં સંવેદનાથી સળવળતું હોય તે ઘર,બાકી મકાન.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.