અવલોકન – ૨-પથ્થર-સુરેશભાઈ જાની

૧) પથ્થરમાં ઝાકળ


      પથ્થર ઉપર નહીં – પથ્થરની અંદર ઝાકળ!
     રવિવારની એક સવારે હું મારા દીકરા અને તેના એક મિત્ર સાથે તેના શહેરની નાનકડી પણ રૂપાળી નદીની કેનાલના કાંઠે ચાલવા ગયો હતો. એ તો જુવાનિયા, તે ધસમસતા  ચાલે. હું તો એક બાંકડા પર સવારની ગુલાબી ઠંડીમાં તડકો માણતો બેઠો. બાજુમાં ઉપર જવા માટે પથ્થરની એક સીડી હતી. સાવ રેતીના રંગના પથ્થર હતા. (Sand Stone) કાંઈ જ આકર્ષક કશું જ નહીં.
    ત્યાં તેની અંદર અચાનક કાંઈક ચમકતું દેખાઈ ગયું. હું તેની સાવ નજીક ગયો. અને બાપ રે બાપ! એ પથ્થરની સપાટી પર અનેક સાવ નાના નાના બુંદ જેવા તારલાઓ ચમકી રહ્યા હતા. થોડુંક માથું આમથી તેમ કરું અને બીજા અનેક દેખાય. જાણે કે, પથ્થરની અંદર ઝાકળના કણોએ કાયમી વાસ કર્યો હતો. જોવાનો ખુણો થોડો બદલ્યો તો મેઘધનુધ્યના રંગોની નાનકડી ઝલક પણ ચમકી ગઈ. અહાહા! આ નીરસ પથ્થરની અંદર પણ ચમકતી તારલીઓનો મુશાયરો જામ્યો હતો.
     નીચેના એક પથ્થર પર અનેક પડનાં પડ દેખાઈ આવ્યા. જળકૃત ખડકમાંથી તોડીને લાવેલ આ પથ્થરો હતા. કોઈ કાળે કોઈ નદીના પ્રવાહમાં રેતી અને માટીના પડના પડ દબાઈને પડ્યાં હશે; અને હજારો વર્ષોની પક્રિયાના પ્રતાપે, થોડી થોડી જુદા રંગોની ઝાંયવાળા આ થરો બન્યા હશે. એક થર એક રંગનો અને તેની પછીનો કોઈ જુદા રંગનો. કોઈક કણ માટીનો, તો કોઈક રેતીનો, અને કોઈક આ ચમકીલા પદાર્થનો. શાશ્વતીથી માંડીને આ જુદા જુદા રંગોની અને ચમકતા કણોની જુગલબંધી પથ્થરના હોવાપણામાં મહેફિલ જમાવીને પડી હતી. આ ઝાકળ માટે કોઈ પાણીના ટીપાંની જરુર ન હતી. બસ, સૂર્યનું કિરણ પડ્યું નથી અને ઝગમગાટ શરુ. આ થરના થર હજારો વર્ષોના નદીના વહેણની અને સર્જનની મૂંગી પણ અકબંધ ગાથા ગાતા પડ્યા હતા.
     હવે મેં ઉભા થઈને બે પથ્થરને જોડવા વાપરેલ સિમેન્ટ અને રેતીના મોર્ટાર પર નજર કરી. તેમાં તો આવું કશુંય તત્વ ન હતું. કોઈ થર નહીં, કોઈ ચમક નહીં. એ તો માણસે કૃત્રિમ રીતે બનાવેલો હતો ને?!
    અવળચંડા મનને થયું, “આ પથ્થર જેવો પથ્થર પણ સૂર્યનાં કિરણો મળે તો ચમકતા, નાનકડા તારલા પ્રગટાવી શકે છે. પથ્થરદિલ માનવીના અંતરમાં પણ આવા કોઈ જાગૃતિના સુર્યકિરણ પડે તો વાલિયામાંથી વાલ્મિકી ઊભરી આવતા હોય છે જ ને? પણ જે કથીર જેવા મોર્ટાર હોય તેમની ઉપર કશીય અસર ન પડે. “
    બીજો વિચાર તરત એ સ્ફૂર્યો ,” આ મોર્ટાર ચમકવાનું નહીં તો પથ્થરને સાંધવાનું કામ તો કરે જ છે  ને? એનીય ઉપેક્ષા કેમ કરાય? ચમકવું કે જોડવું… પથ્થર અને મોર્ટાર જેવી આ દેખીતી ક્ષુદ્ર ચીજો પણ કાંઈક પ્રદાન કરી જતી હોય છે. કોઈક મહેનતકશ માનવીએ આ મોર્ટાર કેટલી મહેનતથી બનાવ્યો હશે? એની મહેનતનું ફળ કેટકેટલા લોકોને ભોગવવા મળે છે? “

આપણે જીવતા જાગતા માણસ,
ઉપરવાળાનું સર્વશ્રેષ્ઠ સર્જન
આપણું પ્રદાન શું?
પથ્થર કે મોર્ટાર જેવું
કાંઈક પણ પ્રદાન
આપણે કર્યું છે ખરું? 

૨) અશ્મિ ( Fossil )

      શહેરની વચ્ચે અશ્મિ? શહેરની બધી  જ મહાન કે મામૂલી હસ્તિઓ લાખો વર્ષો પછી અશ્મિ બની જવાની –  એ ખરું! પણ હાલમાં એ અહીં ક્યાં?
     વાત જાણે એમ છે કે, અમારી નજીકના એક પાર્કમાં બાળકોને ‘રોક ક્લાઈમ્બિંગ’નો ટચૂકડો અનુભવ કરાવવા એક નાનીશી ટેકરી બનાવી છે – માંડ સાડા છ ફૂટ ઊંચી. પણ એની ખરબચડી, પથ્થરમય સપાટી પર થોડાંક અશ્મિઓના આકાર સિમેન્ટના પ્લાસ્ટરમાં ઢાળી રાખ્યા છે – અલબત્ત બાળકોને  રમત સાથે જ્ઞાન આપવા માટે જ તો.
    આ રહ્યું એ અદ્‍ભૂત સાધન….અને એમાંનું એક સિન્થેટિક અશ્મિ…
અને એ જોતાંની સાથે સાથે  શ્રી. જવાહર બક્ષીની એ અદ્‍ભૂત ગજ઼લ યાદ આવી ગઈ,
jb1
એ  આખી યાદગાર ગઝલ અહીં  ….
કૈં સાવ એમ જ કોઇ અણધારી ક્ષણે કોઇ
અજાણી અશ્મિના(*) ચ્હેરામાં સૂતેલું કોઇ ઝીણું સ્મરણ જાગી ઊઠે,
ઇતિહાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.
      આટલા લાંબા  કાફિયા વાળી ગજ઼લ ગુજરાતી સાહિત્યમાં બીજી કોઈ હશે કે કેમ; તે તો ખબર નથી – પણ અહીં ડલાસ ખાતે માનનીય શ્રી. જવાહર બક્ષી પધારેલા; ત્યારે તેમની પાસેથી સાંભળેલ આ ગજ઼લ અને તેમના આખાયે કાવ્યપઠનનો કેફ તાજો થઈ ગયો. પથ્થરમાં કેદ થઈને બેઠેલો, વીતેલો ભુતકાળ જાગી ઊઠે; એમ જ આ અશ્મિ –મોડલ જોતાં થઈ આવ્યું. મારા પ્રિય વિષય – ઈતિહાસ અને પુરાતત્વ માટેની કૂણી લાગણીઓ પણ પોષાઈ. બાળકોને રમતાં/ કૂદતાં આ મહાન વિદ્યાનો આછો અણસાર આપવાની ‘પાર્કકાર’ની(!) આ ચેષ્ઠા પણ ગમી જ.

પણ …….  

પળમાં જીવવાની તાલીમ લેનારને

 • એ યાદો શું?
 • એ ભૂતકાળ શું?
 • એ અશ્મિઓ શું?

સૃષ્ટિનું  સઘળું સર્જન  કોઈક કણ આમ હોવાનો કે તેમ હોવાનો એક ખેલ માત્ર જ ને?

     મૂળમાં તો……..  જીવતો જાગતો કોઈ જીવ હોય કે, લાખ વરસ પછી એનું અશ્મિ – હંધોય ન્યુટ્રોન અને પ્રોટોનના ગઠ બંધનની આજુબાજુ ઘૂમતા ઈલેક્ટ્રોનોનો રાસ જ ને? અને લાગણીઓ / સુખ – દુઃખનુંય એમ જ હશે ને? હંધાંય સોફ્ટવેરનાં  વમળો જ કે બીજું કાંઈક?પણ…..વિજ્ઞાનનાં પાઠપુસ્તકોમાં વાંચવાને બદલે એ રાસ આપણું પાયાનું હોવાપણું જાગૃત થઈને અનુભવી શકે ત્યાં સુધી તો …

વિશ્વાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,
આખો ને આખો મ્હેલ, બસ પળવારમાં તૂટી પડે.
સહવાસનો આ ખેલ જે સદીઓ ઉપર સામ્રાજ્ય લઇ બેસેલ તે,

આવું બધું તો રે’વાનું, મારા ભાઈ !
-સુરેશ જાની-

8 thoughts on “અવલોકન – ૨-પથ્થર-સુરેશભાઈ જાની

 1. સર્જન માટે અવલોકન જરૂરી છે, અને જ્યારે અવલોકનને શબ્દો મળે ત્યારે “શબ્દોનું સર્જન” થાય.
  ભૂતકાળમાં એવું હતું કે સુરેશભાઈના અવલોકનમાં ભૂલ થાય તો અમદાવાદમાં વીજ ચોરી થાય. સુરેશભાઈની અવલોકનની આવડત આજની નવી નથી, તે દિ ની છે.

  Liked by 1 person

  • વાહ! તમારી કલ્પના ગમી.
   પણ વીજ ચોરી તો થવાની જ. કલ્પના કર્યે એ ના અટકે. સજાગ, હિમ્મતવાન અને પ્રામાણિક રહીએ તો એ પકડાય અને સતત એમ કરીએ તો ઓછી થાય !
   ————
   આ વિજળી કમ્પની માટે પણ સાચું છે અને…..

   Liked by 1 person

 2. આપણા જીવન માટે પણ !…
  વાત ચિંતન કરવા યોગ્ય..
  .મારી બેઠક પરથી દેખાય છે- બહાર તોતિંગ ઝાડ પડ્યું છે.
  તે જો ઘર પર પ્ડત તો…?
  કલ્પનાનો વિષય..
  અમારા વડીલ તો ટૂંકમા પતાવે -‘એમા ફીકર કરવી નહીં
  અને
  કહેવત કહે-‘ફોઇને મુછો હોય તો કાકો કહેવાનો.’
  અમને સંદર્ભ ન સમજાય અને અમારી આદત સે મજબુર ગાડી પાટેથી ઉતરે તે પહીલા મૂળ વાત…
  કે તે ઝાડ પડવાના કારણમા ગોરંભાયલા આકાશમાંથી તેના પર કુદરતી વીજ પડી…
  ૧ તેનો પાવર ઝીલી ઉપયોગમા લેવાય ?
  ૨ તે ઘર પર પડી હોત તો…?
  ૩ અહીં ના ઘર પર ગુડ કંડકટર રાખી તે વીજને ધરતીમાના ગર્ભમા ઉતારવાની સગવડ કેમ નથી?
  ૪ તે ફોરેસ્ટ એરિયામા આવ્યું તેથી તેના પાનને પણ ન અડાય !
  ૫ ફોરેસ્ટવાળા તેના પર નિશાન કરી ગયા પણ તેનું મલ્ચ બનાવે નહીં ત્યા સુધી લોન મોવ કરતા સાચવવાનું
  ૬ આમ તો વીજ બે ઝાડ પર પડી હતી પણ તેને માટે માનાર્થે બહુ વચન વાપરીએ તો …શીટ બોલતા ઘરમા
  દુર્ગંધ ફેલાઇ જાય !
  ૭ પંણ માવજીકાકા કહે તે કુતરાને સુગંધ લાગે !
  ૮ આવા રીલેટીવીટી વાળા ઉતર અધ્યાહાર રાખવા
  ૯ તો અમારા સ્નેહી કહે કે તે વખતે મોતી તૈયાર રાખ્યું હોત તો પરોવી દેત
  ૧૦ પણ આપણા ફોઇ હવાઇ ટાપુ પર ફરવા ગયા હતા તે રુદ્રાક્ષનો મણકો લાવ્યા તેમા છેદ નહીં તો પરોવે કેઈ રીતે?
  ૧૧ નરસિંહ મહેતા જાણે ! કેમ પૂછે…
  ૧૨ તે પહેલા ભજન ગાવા લાગ્યાં
  આજ રે કાનુડે વ્હાલે અમ શું અંતર કીધાં રે,
  રાધિકાનો હાર હરિએ રૂકમિણીને દીધો રે …… આજ રે કાનુડે.
  શેરીએ શેરીએ સાદ પડાવી, ઘેર ઘેર હું તો જોતી રે
  રૂકમિણીની ડોકે મેં તો ઓળખ્યા મારા મોતી રે ….. આજ રે કાનુડે.
  રાધાજી અતિ ક્રોધે ભરાણાં નયણે નીર ન માય રે,
  આપોને હરિ હાર જ મારો નહીં તો જીવડૉ જાશે રે ….. આજ રે કાનુડે.
  થાળ ભરી શગ મોતી મંગાવ્યા, અણ વીંધ્યા પરોવ્યા રે,
  નરસૈંયાના નાથ હરિએ, રૂઠ્યા રાધાજી મનાવ્યાં રે.
  રૂઠયા રાધાજી મનાવ્યા ….
  ૧૨અ ત્યાં યાદ આવ્યું …મારે જ વિજ થવાનું છે
  જયારે દીવો ન ધરે કોઇ,
  ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
  જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
  ત્યારે આભની વીજે, તું સળગી જઇને
  સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો
  એકલો જાને રે!
  ચાલો આખું ગીત સાથે ગાઇએ
  તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે!
  એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો
  જો સૌનાં મોં સિવાય
  ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
  જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
  ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
  તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …
  જો સૌએ પાછાં જાય,
  ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
  ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
  ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …
  ૧૪ અમારે તો જોબ પર જવું પડે લાખ કોઇ કહે
  આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે
  કે ઝીણા ઝરમર વરસે મેઘ
  ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
  ભીંજાય હાથી ને ભીંજાય ઘોડલાં રે,
  કે ભીંજાય હાથીનો બેસતલ સૂબો
  ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
  આભમાં ઝીણી….
  ભીંજાય મેડી ને ભીંજાય માળિયાં રે
  કે ભીંજાય મેડીની બેસતલ રાણી
  ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
  આભમાં ઝીણી…ભીંજાય બારી ને ભીંજાય બંગલા રે
  કે ભીંજાય બારીનો બેસતલ સૂબો
  ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
  આભમાં ઝીણી….
  ભીંજાય લીલી ઘોડી ને પીળો ચાબખો રે
  ભીંજાય પાતળિયો અસવાર
  ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !
  આભમાં ઝીણી….
  તમને વા’લી દરબારી ચાકરી રે,
  કે અમને વા’લો તમારો જીવ
  ગુલાબી ! નહીં જાવા દઉં ચાકરી રે !
  આભમાં ઝીણી….
  ચાલો જમી લો …
  ૧૫ મીનીટ પછી વીજ બંધ રાખવાની છે..

  .ગઇ વખતે $ ૨૦ મળ્યા હતા !

  Liked by 1 person

  • અહીં $૨૦ નહીં મળે પણ ૨૦ મનેખના પ્રેમ અને સન્માન મળશે. અહીંની બેઠકના વિદ્યાર્થીઓના આશીર્વાદ અને ગુરૂઓની વાહ વાહ મળશે. આવ્યા જ છો તો હવે કાયમ આવતા રહેજો.

   Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.