જિંદગી કે સફરમેં-અમીટ છાપ-(૭)રાજુલકૌશિક

અમેરિકાનું હવામાન બદલાવા માંડ્યુ છે. લેબર ડે વીકએન્ડ એટલે સમરનો છેલ્લો વીકએન્ડ એવા ગાણા ગવાવા માંડ્યા છે. એન્ડ ઓફ સપ્મ્ટેબર એટલે સમરની બાકાયદા વિદાય અને ફોલની શરૂઆત. આ ફોલ પણ કેવી અજબની સીઝન છે ? લીલાછમ દેખાતા પાંદડા અચાનક લાલ-પીળા અને કેસરી રંગે રંગાવા માંડે અને અંતે સુક્કાભઠ્ઠ થઈને ખરી પડે અને નજર સામે સાવ એકલતામાં ઝૂરતા વૃધ્ધો જેવા આવળીયા-બાવળીયા જેવા થઈને ઉભા રહે. પણ ગયા અઠવાડીયે જાણે મોસમે રૂખ બદલી અને સવારથી જ ધુમ્મસે સૂર્યનારાયણને એવા ઢાંકી દીધા કે દર્શન જ દુર્લભ અને બાકી હતું તો વાદળોએ પોતાનું સામ્રાજ્ય એવું સ્થાપી દીધું કે જાણે વર્ષારૂતુનો આરંભ…મન મોર બનીને થનગનાટ કરે એવું હીલ સ્ટેશન જેવું વાતાવરણ થઈ ગયું હતું પણ  સૂસવાટા મારતા પવનના ઝપાટા એવા હતા કે બારણાની બહાર ઉભા રહીને આવી ભીની ભીની સુગંધ શ્વાસમાં ભરવાનું મન મારવું પડે.

 

હવે આવા એક નહીં પુરેપુરા સાત દિવસનું સપ્તાહ..આવા થોડાક ફુરસદના સમયે નેટફ્લિક્સ પર આમતેમ આંટા મારતા સંજય લીલા ભણસાળીની એક અદ્ભૂત ફિલ્મ નજરે પડી. “ બ્લેક” જેમાં અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીએ એવોર્ડ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતુ. ક્યારેક સારી જોયેલી ફિલ્મ પણ ફરી જોવી ગમે એટલે શરૂ તો કરી અને માણી પણ ખરી. ફિલ્મના લગભગ મધ્યાંતર પછી અમિતાભ બચ્ચનને એક એવી અવસ્થાએ પહોંચી ગયેલા બતાવે છે જેને મેડીકલ સાયન્સે “અલ્ઝાઇમર’ નામ આપ્યું છે. ભલભલી બુધ્ધિમાન અને તીવ્ર યાદ શક્તિ ધરાવતી વ્યક્તિ પણ એવી ગર્તામાં ધકેલાઇ જાય છે જ્યાં એમની આસપાસની દુનિયા અને પોતાની ઓળખ સુધ્ધા ભૂલી જાય છે.

ફિલ્મ તો પૂરી થઈ ગઈ પરંતુ એણે મને દસ વર્ષ પાછળના ભૂતકાળમાં ધકેલી દીધી અને એ ભૂતકાળ મારી સ્મૃતિમાં અકબંધ ઉભરી આવ્યો. ફિલ્મની રીલની જેમ એ રીયલ દ્રશ્ય નજર સામે ઉભરતું ગયું.  એ દિવસો હતા જ્યારે અમે જ્યોર્જીયાના એટલાંટા શહેરમાં હતા. એવું કહેવાય છે કે એટલાંટા એટલે જ્યોર્જીયાનું હવાઇ. અહીં ડનવૂડીમાં મારી દિકરીના ઘરની પાસે ચાલીને પહોંચી જવાય એટલા અંતરે જેને આપણે વૃધ્ધાશ્રમ કહીએ છે એવું ‘ડોગવુડ ફોરેસ્ટ  રિટારમેન્ટ હોમ’ નામનું સીનીયર સિટિઝન હોમ હતું અને આજે પણ છે જ. એક દિવસ કુતૂહલવશ હું ત્યાં પહોંચી. ત્યાં આ રીશેપ્શન કાઉન્ટર બેઠેલી વેલરીના નામની હસમુખી યુવતિએ મને આવકારી. અહીં કોઇપણ વ્યક્તિ આ વૃધ્ધો સાથે પોતાનો સમય પસાર કરવા માંગે અથવા વૃધ્ધોને પોતાનો સમય આપવા માંગે તો અહીં રાજીખુશીથી આવકાર આપવામાં આવે છે. મને એણે આવકારની સાથે એક કાર્ડ આપ્યું જે સ્વાઇપ કરીને હવે હું આ હોમમાં પ્રવેશી શકતી હતી.

ભારતમાં ઘરડાઘર હોય છે તેમ અમેરિકામાં પણ સિનીયર સિટીઝન હોમ હોય છે. કદાચ ભારતમાં લોકો મજબૂરીથી કે વખાના માર્યા ઘરડાઘરમાં  રહેતા હોય તેના બદલે આવા સિટિઝન હોમમાં આથમતી ઉંમરે લોકો પોતાની મેળે સમજદારી પૂર્વક અગર તો બાળકો પર પોતાની જવાબદારી ન નાખવાના  અહીંના સોશિયલ ઢાંચાને અનુસરીને  રહેવા આવતા હોય છે. કોઇ દ્રષ્ટીથી જરાય બિચારા ન લાગે એવા વૃધ્ધો અહીં આરામથી રહેતા હતા. અહિં આ હોમમાં દરેક વ્યક્તિને એક અલગ અલાયદો સંપૂર્ણ સુવિધા સાથેનો અને કદાચ ઘર  જેટલી જ આરામદાયી  સગવડો સાથે રૂમ ફાળવવામાં  આવતો હોય છે. એટલું જ નહીં પણ  દરેકની અત્યંત કાળજીપૂર્વક માવજત લેવામાં આવતી જોઇ. આખો પ્રથમ ફ્લોર  અલ્ઝાઇમરના પેશન્ટ માટે ફાળવવામાં આવ્યો હતો.  અહીં એક મોટા હૉલમાં ગોળાકાર ખુરશીઓ પર વૃધ્ધ-વૃધ્ધાઓ  ગોઠવાયેલા હતા. આપણે નાનપણમાં પાસિંગ ધ બોલની રમત રમતા હતા એવી રમત આ સૌને અહીંના સ્ટાફ મેમ્બર રમાડી રહ્યા હતા જેનાથી તેઓ તેમના મન અને મગજને કોઇ એક વસ્તુ પર કેન્દ્રિત કરી શકે અને એના કારણે સક્રિય રહી શકે.  અહીં આ ફ્લોર પર ટેરેસા નામની એક વૃધ્ધાને મળવાનું થયું.

ટેરેસા એક એવુ નામ -એક વ્યક્તિ કે જે  જીંદગીની ઢળતી  ઉંમરે માણસ નિવૃત્ત અવસ્થામાં  ભૂતકાળના મીઠા સંસ્મરણોમાં રાચે ત્યારે એ સમસ્ત જીવનની યાદોને ભૂલીને કોરી પાટી જેવા મનોજગતમાં જીવતી હતી. જ્યાં કોઇ યાદ તો શું કોઇ ઓળખ કાયમી રહેતી નથી એવી અવસ્થાએ એ પહોંચી ગઈ હતી. એનુ કારણ અલ્ઝાઇમર. અલ્ઝાઇમર એક એવો રોગ કે જેમાં માણસ પોતાની યાદદાસ્ત ગુમાવી પોતાના માટે જ એક અજાણ વ્યક્તિ બની રહે છે. આસપાસની દુનિયા સાથે સેતુ ગુમાવી દે છે. ટેરેસા અલ્ઝાઇમર નામથી ઓળખાતા વિસ્મૃતિની ગર્તામાં ધકેલી દેતા રોગના ભરડામાં લપેટાયેલી ૯૦ વર્ષની વૃધ્ધા હતી.

ટેરેસાને મળવાની સાથે જ એને કદાચ મારી જોડે અજાણતા એક આત્મીયતા અનુભવાઇ હશે .મળવાતાની સાથે   જ એ અત્યંત આગ્રહથી મારો હાથ પકડીને એ એના અલગ ફાળવાયેલા રૂમ તરફ દોરી ગઈ . જયાં  સરસ અને સુઘડ રીતે ગોઠવાયેલા રુમની સામેની દિવાલ પર વચ્ચોવચ એક વિશાળ ફ્રેમમાં એનો ફેમીલી ફોટોગ્રાફ હતો. લગભગ ૨૫ જેટલા ફેમીલી મેમ્બરની વચ્ચે ટેરેસા અને એનો પતિ ગોઠવાયેલા હતા. અને આજુબાજુ પુત્ર-પુત્રી , પૌત્ર-પૌત્રી , દોહીત્ર-દોહીત્રીઓ ગોઠવાયેલા હશે તેવુ માની લીધુ કારણ કોઇની ઓળખાણ આપી શકે તેવી માનસિક સ્થિતિ તો ટેરેસાની હતી જ નહી. વ્હાલસોઇ  સંતુષ્ટ નજરથી પોતાના પરિવાર સાથે ગોઠવાયેલી ટેરેસાના આ ફોટાની લગોલગ  કિશોરાવસ્થાનો ટેરેસાનો  તેના માતાપિતા સાથેનો ફોટો જડેલો હતો. ટેરેસા જે આત્મિયતાથી અને છતાંય એક પરાયાભાવથી આ બધુ બતાવતા જતા હતા એ જોઇને સ્વભાવિક કુતૂહલતાવશ પ્રથમ  ફોટાની વ્યક્તિઓની ઓળખ પૂછાઇ ગઇ. ” I don”t know” ખભા ઉચકીને  ટેરેસાએ સાવ સ્વભાવિકતાથી કોઇ ભાવ વગર કે કશું જ ગુમાવ્યાના અફસોસ વગર પોતાના પરિવારની તસ્વીર અંગે જણાવી દીધુ. એમ કહેવાની સાથે એના ચહેરા પર કંઇ ગુમાવ્યાનો કે કશું જ ખૂટતુ હોય તેવો રંજ પણ નજરે ના પડ્યો. એ એના ખુદના પરિવારની એક

પણ વ્યક્તિને ઓળખી પણ શકતી નહોતી. જેની સાથે આયખાનો ઘણો બધો સમય પસાર કર્યો હશે તેવા તેના પતિ કે પોતાના જ સંતાનોની લોહીની સગાઇ પણ ક્યાંય એને સ્પર્શતી નહોતી . એક તદ્દન પરાયાપણાનો ભાવ ચહેરા પર સ્થિર  થયેલો હતો.પણ તરત જ બીજી પળે  અત્યંત ઉત્સાહથી બીજી તસ્વીર તરફ અંગૂલીનિર્દેશન કરીને એ ૯૦ વર્ષની વૃધ્ધા ટેરેસાએ   પોતાની  ૩૦ વર્ષની  મા બતાવતા કહ્યું ” Look -she is my mom ”  અને અત્યંત કોમળતાથી તેની માની તસ્વીર પર હાથ ફેરવીને જાણે વાત્સ્લયનો ભાવ અનુભવતી  રહી. 

કદાચ નાની હશે ને મા એ આંગળી પકડીને ચાલતા શીખવ્યુ હતુ તે હાથનો સ્પર્શ એ અનુભવી શકતી હોય તેવો ભાવ ચહેરા પર નિતરતો હતો. મા ની સ્નેહ નિતરતી આંખોમાં આંખો પોરવીને ૯૦ વર્ષના ટેરેસા  જાણે ૯ વર્ષની બાલિકા બની રહ્યા હોય તેવી  ૠજુતા ચહેરા પર આવી ગઈ હતી.  બસ આ સિલસિલો એ સિનીયર સિટીઝન હોમમાં જવાનુ થયુ ત્યાં સુધી ચાલતો રહ્યો.  દરેક દિવસની મુલાકાત અને ટેરેસાની તેની મા પ્રત્યેની બાળસહજ કોમળતાભરી ઓળખ એ લગભગ રોજનો ક્રમ થઇ ગયો.

૯૦ વર્ષની વૃધ્ધાના સાવ કોરા મનોજગત પર એક માત્ર યાદ ઉપસતી  આવતી હતી અને તે હતી તેની માની સ્મૃતિ અને કેમ ન હોય ? મા એક એવો સંબંધ છે જે ઇશ્વર પછી પ્રથમ સ્થાને છે. પૂર્વ હોય કે પશ્ચિમ મા પ્રત્યેનો આ ભાવ નિરંતર એક સરખો જ વહ્યા કરતો હશે એવું ટેરેસાને જોઇને તો ચોક્કસ અનુભવાયું.  ટેરેસાની  સ્મૃતિમાં મા સિવાય કોઇને સ્થાન નહોતુ.

અમેરિકામાં નથી કોઇ પોતાની સંસ્કૃતિ કે નથી પોતાના સાંસ્કૃતિક તહેવારો . પણ હા અહીં મધર્સ ડે, ફાધર્સ ડે , હેલોવીન ડે,  થેન્કસ ગીવીંગ ડે જેવા દિવસોની ઉજવણી ચોક્કસ થતી હોય છે. મે ના બીજા  રવિવારે ઉજવાતા આ મધર્સ ડે ના દિવસે કેટલાય સંતાનો પોતાની મા પ્રત્યે તેમનો આદરભાવ કે આભારભાવ  જુદી જુદી રીતે દર્શાવતા હશે. પાશ્ચાત્ય સંસ્કૃતિ અનુસાર ફુલોનો બુકે , કોઇ મોંઘી ગીફ્ટ , મા માટે લંચ કે ડીનર  અપાતુ હશે પણ ટેરેસાની  જાણે -અજાણે વ્યક્ત થતી  મા પ્રત્યેની અનોખી અભિવ્યક્તિ  કાયમ માટે મનમાં એક અદકેરી છાપ મુકતી ગઇ. મધર્સ ડે ના દિવસે અને કોઇપણ મા –દિકરીના સંબંધને અનુલક્ષીને કોઇ વાત થાય ત્યારે ૯૦ વર્ષના ટેરેસાની એ સમયે જોયેલી ૯ વર્ષની બાલિકા જેવી સરળ અને બાળ સહજ નિર્દોષ ચહેરાની અમીટ છાપ મનમાં એક અનોખી ઉજવણીની જેમ હંમેશા યાદ આવ્યા કરશે.

આજે સવારે ઉઠીને જોયું તો ઘરના ફ્રન્ટ યાર્ડમાં મહોરેલા ઝાડ પર રતુંમડા પાન લહેરાઇ રહ્યા હતા અને ફરી એકવાર મારી નજર સામે મા ને યાદ કરતા ખીલી ઉઠેલો ૯૦ વર્ષના ટેરેસાનો રતુંમડો ચહેરો  તરવરી ઉઠ્યો.

 

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

2 thoughts on “જિંદગી કે સફરમેં-અમીટ છાપ-(૭)રાજુલકૌશિક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.