જીવનની સફરમાં -શું આપને યાદ છે? -તરુલતાબેન મહેતા

શું આપને યાદ છે?

   બે વર્ષ પૂરવે હું સુરતમાં અઠવા લાઈન્સના  રોડ ક્રોસીગના સિગ્નલ પાસે ટ્રાફિક રોકાય ને રોડ ક્રોસ કરું તેની રાહ જોતી હતી.ટ્રાફિકના જંગલ વચ્ચે અટવાયેલી સાવ નિ :સહાય બાળકી જેવી ઊભી હતી.એક સેકન્ડ માટે વાહનોનોની રફતાર અટકતી નથી,લોકો જાનને મૂઠીમાં રાખી રોડ ક્રોસ કરી લેતા  હતા,મારી જિગર ચાલતી નથી.એટલામાં એક પોલીસે કડકાઈથી વાહનોને રોકી મારી સાથે બીજા ઘણાને રોડ ક્રોસ કરાવ્યો,હું રોડની બીજી તરફ જઈ રહી હતી ત્યાં એણે સંભાળપૂર્વક   મારો હાથ ઝાલી પ્રેમથી બોલ્યો ‘સાચવજો તરુબેન ‘ મેં આશ્ચર્યથી જોયું તો એની આંખોમાં આત્મીયતા હતી.અમારી જૂની ઓળખાણ હોય તેમ પૂછ્યું ,

‘શું આપને યાદ છે  ? મેડમ ‘.હું જયારે સુરતની કામરેજ ચાર રસ્તા પર આવેલી કોલેજમાં પ્રોફેસર હતી ત્યારે વિદ્યાર્થીઓ ‘મેડમ ‘ કહીને બોલવતા.કોલેજનો વિદ્યાર્થી હશે. પણ ,પચ્ચીસ વર્ષો પહેલાંના

કોઈ એકને કેવી રીતે ઓળખું ?મેં એને ધ્યાનથી જોયો,કસાયેલું  શરીર,તડકામાં ચમકતો  કાળો પ્રસન્ન ચહેરો,  પોલીસના ખાખી ડ્રેસમાં ચપળ લાગતો હતો.એની કાળી ઝીણી આંખોમાં ખોવાયેલું સ્વજન

મળ્યાના વિસ્મય અને પ્રેમથી ચમક ઉભરાઈ ,તેના રોમેરોમમાં જાણે કે

આનંદનું પૂર ઊભરાતું હતું.મારા ક્ષોભને છુપાવવા મેં ચશ્મા કાઢી સાફ કર્યા,વિસ્મુત ઓળખના ગુનાનો ડંખ મને કોરી ખાતો હતો.મેં એના ખભાને સહેજ થાબડી કહ્યું ‘,ભાઈ ,એવું છે ને , ‘મારું વાક્ય અધૂરું રહ્યું

એના ભાવભર્યા શબ્દોએ મને ઉગારી લીધી, તે બોલ્યો ‘મેડમ ,હું કાશીરામ ગામીત,તમે આમ જ મારો ખભો થાબડી મને  બચાવી લીધો હતો,થેક્યુ યુ.’,એને ઘણું કહેવું હતું પણ એનો અવાજ ગદગદ થઈ ગયો.મેં એને

બોલવા ન દીધો ,જૂની ઓળખને તાજી કરી મેં એને એની ડ્યુટી માટે રજા આપી.એની ટટ્ટાર ચાલમાં ગર્વ અને આનંદ હતા.

કાશીરામ ગામીત એક આદિવાસી વિદ્યાર્થી હતો.સુરત જીલ્લાના કામરેજ,માંડવી વગેરે તાલુકાના નાના ગામડાના  વિદ્યાર્થીઓ  તથા દૂર દૂરના વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓ માટે કામરેજ ચારરસ્તા પર કોલેજ કરી હતી.શિક્ષકોને શહેર જેટલો પગાર અને સુવિધા આપતા.કોલેજનું આલિશાન બિલ્ડીગ,મોટું કમ્પાઉડ ,વિશાળ વૃક્ષોની લીલીછમ ઘટા અને ખૂલ્લાશ હું ત્યાં હતી ત્યારે ખૂબ માણતી.ડો.દવે ત્યારે પ્રિન્સીપાલ હતા,તેઓ સૌ પ્રત્યે સદભાવ રાખતા,હું કોલેજમાં જોડાઈ ત્યારે વિચારેલું એકાદ વર્ષમાં બીજે જતી રહીશ,પણ ત્યાંના વિદ્યાર્થીઓની ધગશ અને પ્રેમે મને નવ વર્ષ બાધી રાખી,અમારું  કુટુબ કાયમ માટે અમેરિકામાં સ્થાયી થવા તેયાર થયું ત્યારે છેલ્લા ચાર મહિના હું એકલી હતી.રાજીનામાનો નોટિસ સમય મારે પૂરો કરવાનો હતો.દવેસાહેબે મને વિનતી કરી,’તરુબેન,તમે લેડીઝ હોસ્ટેલના કવાટરમાં ચાર મહિના રહો તો અમારી નવી યોજનાને ટેકો મળે.ગયા વર્ષથી લેડીઝ હોસ્ટેલ શરુ કરી છે. દસ જ છોકરીઓ છે.હજી કોઈ લેડી રેકટર મળ્યા નથી.’સંકટ સમયની સાંકળનો વિશ્વાસ તેમના શબ્દોમાં હતો.ચારે તરફ હરિયાળા ખેતરોની વચ્ચે કોલેજ, પ્રિન્સિપાલનું ક્વાટર ,લેડીઝ હોસ્ટેલ મારું રહેઠાણ અને સામેની બાજુ બોયઝ હોસ્ટેલ હતી.મારા પતિશ્રી તથા દીકરી અમેરિકા પહોંચી ગયાહતા,

કાશીરામ ગામીત કોલેજના ચોથા વર્ષમાં હતો.એનો બાપ ઈચ્છારામ ચોકીદાર હતો.કાશીરામ રાત્રે એના બાપુ સાથે આવતો ,કોલેજના વરંડામાં લાઈટ નીચે વાંચતો ,લાકડી ઠોકતો મોડી રાત્રે આંટા ય

મારતો,હું મારા ક્વાટરની બારીમાંથી જોતી.મારું લખવા -વાંચવાનું મોડી રાત સુધી ચાલતું ,મારી બારી આગળ આવી કહેતો ‘મેડમ સુઈ જાવ ત્યારે બારી બંધ કરી દેજો અને પાછળની લાઈટ ચાંલું રાખજો.’

મને થતું મારા સ્વજનની ખોટ કાશીરામ પૂરે છે.આદિવાસી વિદ્યાથીઓ બોલે બહુ ઓછુ.ચહેરાના ભાવથી એમની વાત સમજાય,મને તો એમ જ થતું કે આ શહેરી સમાજ સાથે એમનો મેળ જામતો નથી.

કાશીરામને ભણવાની ધગશ હતી ,મેં એને એક દિવસ પૂછેલું ,’કાશીરામ તને શું થવું ગમે?’ એ શરમાઈને નીચે જોઈ રહ્યો,એને નવાઈ લાગતી હતી જે ગમે તે શી રીતે થવાય?’ કાળી મજૂરી કરતા આદિવાસીઓને મેં કન્સ્ટ્રકશનું કામ ચાલતું હોય ત્યાં જોયા છે.એ સાઈટ એ એમનું કામચલાઉ ઘર.સાંજે ચૂલો કરી રોટલા,શાક કે એવું કૈક રાંધી સુઇ જાય.જંગલના વિસ્તારોમાંથી રોજી રોટી માટે તેમને

શહેરોમાં આવવું પડે.કાશીરામની વફાદારી ,નિષ્ઠા પ્રમાણિકતા માટે મને માન હતુ,બનતું એવું કે ચારે બાજુ ખૂલ્લું હોવાથી શહેરના જુવાનિયા ખેતરોમાં ધુસી જઈ પાર્ટી જેવું કરતા,પોલીસને કોલેજ તરકથી

પ્રીસિપાલ,રેકટર ચોકીદાર સૌ ફરિયાદ કરતા પણ પોલીસ આંખ આડે કાન કરતા.એટલું જ નહિ ,કયારેક તો ચોકીદારને માથે ટોપલો મૂકી દેતા.પ્રિસીપાલસાહેબની કડકાઈને કારણે ચોકીદારને આંચ આવી
નહોતી.તે દિવસે એવું બન્યું કે મીટીગમાં મોડું થતા દવેસાહેબને સુરત રોકાઈ જવું પડયું ,સાહેબનું કુટુંબ અમદાવાદ ગયું હતું,મેં કાશીરામને સૂચના આપી કે તે મોડી રાતે આટા પતાવીને મારા વરંડામાં

સૂઇ રહે.એના બાપુને પ્રીસીપાલના બંગલા અને લેડીઝ હોસ્ટેલનું ધ્યાન રાખવા કહ્યું ,આટલી અમારી સાવચેતી છતાં વહેલી સવારે છોકરીઓની ચીસાચીસ અને બુમરાણથી મારી આંખ ખૂલી ગઈ.પોલીસ

મોડેથી આવ્યા,કાશીરામ દોડીને ગયો હશે.એના હાથમાંની લાકડી કોકને વાગી હતી,પણ કોઈ પકડાયું નહિ,

સવારે હું નાહીંને પરવારી ત્યાં કાશીરામની મા રડતીકકળતી મારા બારણે આવી’,શું થયું ?મેં પૂછ્યું ,તેણે કહ્યું ,’બેન કાશીરામ અને એના બાપુ બન્નેને પોલીસ લઈ ગઈ ,બચાડાને દંડાથી પીટી નાખશે.

હું  કરું હજી મોટા સાઈબ આયા નથી’મેં એને શાંત પાડી  ,હું વિમાસણમાં પડી ગઈ,પોલીસની ચુગાલમાંથી આ નિર્દોષ બાપ દીકરાને કેમ છોડાવવા?મને ખૂબ ગુસ્સો આવ્યો પણ શું કરું?મેં બીજા રેકટરને

ફોન કર્યો ,તેઓ આ બાબતમાં માથું મારવા માંગતા નહોતા ,મને ય સલાહ આપી આઘા રહેજો.મારાથી કાશીરામની માનું રુદન સહન થયું નહિ ,

હું રીક્ષામાં પોલીસથાણે પહોચી,બન્નેને એક મોટા ઝાડને થડે બાંધ્યા હતા ,પોલીસના ધોલ ધપાટ અને ડંડા ખાઈ અઘમુઆ થઈ તૂટેલી ડાળી જેવા લબડી પડયા હતા.હું તો સીધી ઓફિસરની કેબીનમાં ગઈ,

ઓફિસર ખુરશીમાંથી ઊભો થઈ ગયો,’બેન તમારે કેમ આવવું પડ્યું ?’મેં મારા ક્રોધને કાબૂમાં રાખતા દઢતાથી કહ્યું ,’કાશીરામ અને એનો બાપ નિર્દોષ છે.સવાર સુધી આટા મારતા હતા.’

ઓફિસર એકદમ નાની વાત હોય તેમ હસી રહ્યો ,’તમે સાક્ષી આપો છો,તો આ ઘડીએ છુટા ‘એના મો પર ખન્ધાઈ હતી,મને કહે’તમારે ચોકીએ આવવાની જરૂર નહોતી’,મને દલીલ કરવી ગમી નહિ ,

બાપ દીકરો છુટા થયા,મેં કાશીરામનો  ખભો પ્રેમથી થાબડી કહ્યું ‘,તું હિમતવાળો હતો લાકડી લઈ દોડ્યો  હતો.’ એ શરમાઈને નીચું જોઈ ઘીમેથી બોલ્યો ,’હું પોલીસ થઈશ.’

પ્રીસીપાલ આવી પહોચ્યા ,એમનેય હાજર ન હોવાનો અફસોસ થયો.પાછળથી લોકો વાત કરતા હતા કે ટ્રસ્ટીનો કોઈ છોકરો અને એના મિત્રોનું તોફાન હતુ ,
. તે દિવસે ભાવભરી આંખોથી પૂછાયેલો  પ્રશ્ન,શું આપને યાદ છે ?’મને સાંભરે ત્યારે કાશીરામને મનોમન કહું છુ ‘હા,હેયું છલકાય જાય તેટલું યાદ છે’.વહી જતા સમયના નીરમાં એવી કઈક મધુરી યાદોની
હોડી તર્યા કરે છે.

તરુલતા મહેતા

2 thoughts on “જીવનની સફરમાં -શું આપને યાદ છે? -તરુલતાબેન મહેતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.