તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(21)એક નવું અભિયાન

તેજલ શેઠ ની આજે નવી નવલકથા બહાર પડી હતી. ગઈ કાલનો સમારંભ નવી નવલકથા ‘ શર્વરી ‘ના લોન્ચ  કરવાનો ખૂબ સરસ રહ્યો હતો.એક જ દિવસમાં તેનું અભૂતપૂર્વ વેચાણ થયું હતું  .ફેસબૂક ,ટ્વિટર અને વ્હોટસ અપ પર  સંદેશાઓનો વરસાદ વરસી રહ્યો હતો. તેનો ફોને તો બંધ થવાનું નામ જ લેતો ન હતો.તેજલ ના મનમાં ખુશી સમાતી નહોતી। રાત્રે બે વાગે પલંગમાં સુવા આવી ત્યાં થયું ફરી એકવાર ફેસબુક પર મુકેલ બુક લોન્ચ ના ફોટોગ્રાફ  જોઈ લઉં!!

કલાકો સુધી ફોટોગ્રાફ્સ જોતી અને પ્રશંસકો ની સરસ સરસ કોમેન્ટ્સ વાંચતી વાંચતી હાથમાં આઇપેડ સાથે જ તે ઊંઘી ગઈ.

તેજલ શેઠ ખુબ પ્રતિભાશાળી વ્યક્તિ છે.તે નવલકથાકાર, એક્ટર ,કોલમરાઇટર ,ટીવી સીરીઅલ ની સ્ક્રિપરાઇટર ,ખૂબ સરસ વક્તા છે.એક સ્ત્રી લેખક ની એક સાથે સત્તર ભાષાઓમાં નવલકથા બહાર પડી હોય તેવા તે પ્રથમ મહિલા છે.આધુનિક  બધી જ ટેક્નોલોજી તેને પોતાના જીવનમાં એવીરીતે અપનાવી લીધી છે કે ખાલી ભારતમાં જ નહીં  બલ્કે આખા દુનિયાભરના ગુજરાતીઓ માં તેમન નામનો ડંકો વાગી ગયો છે.દેશ વિદેશ ના સતત પ્રવાસો તે કરતા રહે છે.ઑસ્ટ્રૅલિયા ,અમેરિકા ,આફ્રિકા ,યુકે  કે ભારતમાં કોઈ પણ જગ્યાએ તેમના પ્રવચન હોય તો ઈન્ટરનેટ થી આખી દુનિયાના લોકો તેમને સાંભળી અને પોતાના પ્રતિભાવ આપી શકે છે.પતિ પત્ની ,બાળકો અને માતાપિતા ના સંબધો ને કેવી સુંદર રીતે સમજી ને સજાવી શકાય તે અંગેના તેમના પ્રવચનો સોશ્યિલ મીડિયા પર ખૂબ પ્રચલિત થયા છે

પ્રવાસ કરે ત્યારે નેવિગેટર વાપરી જે દેશ માં હોય ત્યાં ગાડી લઇ તે જગ્યાને ખૂંદી વળે છે.તે જ્યાં જ્યાં ફરે તેના બધા ફોટોગ્રાફ્સ તે ફેસબુક પર મૂકે છે. એકવાર તેજલ બેન આફ્રિકા ની કોઈ હોટેલ માં સ્વિમિંગ કરતા હતા અને તેમને સ્વિમસ્યુટ સાથેનો પોતાનો ફોટો ફેસબુક પાર મૂક્યો। પ્રશંસકો માના કેટલાક સંકુચિત  માનસ ધરાવતા લોકો આ સહન ન  કરી  શક્ય।.તેમના માટે જે વ્યક્તિ ની પ્રતિભા અને પ્રતિષ્ઠા એક ઉંચાઈએ પહોંચી ચુકી હોય તેમને સામાન્ય જિંદગી જીવવાનો હક્ક નથી.એ લોકો એ હંમેશા સાડી અને સરસ જુદા જુદા પરિવેશમાં સજ્જ તેજલબેન ને જોયેલ। સ્વિમસ્યુટ માં તેમના ફોટો જોઈને તેમણે  અનેક અણછાજતી કૉમેન્ટ્સ લખી। જે વાંચી ને કોઈપણ માણસ ગુસ્સે થઇ જાય। જાહેરજીવનની કોઈ પણ વ્યક્તિ શું પોતાનું જીવન પોતાની રીતે જીવીજ નશકે?

ફરી એક વાર એવી બન્યું તેજલ બેન ના વૃદ્ધ માતા તેમની સાથે રહેતા હતા ,તેજલબેન ને અમેરિકા પોતાના કામથી જવાનું હતું માં ને એકલા ઘર માં મુકાય તેમ હતું નહિ અને તેમનું દયાન રાખનાર બેન રજા પર  હતા તેજલબેને માતા ને રહેવાની સગવડ વૃદ્ધાશ્રમ માં કરી અને ઉંમરલાયક માતાનું તેજલ બેન ના અમેરિકાથી પાછા  ફર્યા બાદ    વૃદ્ધાશ્રમ માંજ મૃત્યુ થયું। તેજલબેનના દુઃખ નો પાર ન હતો ને આ બાજુ ફેસબુક પર નાદાન લોકોએ આશ્વાસન ના બે શબ્દને બદલે મન ફાવે તેવી કોમેન્ટ લખી!!!! વાહિયાત કોમેન્ટ વાંચી ને તેજલ બેન કેટલીયે રાતો સુઈ ન શક્યા !!!પ્રતિષ્ઠિત અને જાહેર જીવનમાં જીવનાર લોકો ને આ આધુનિક ટેક્નોલોજી થી લોકો દવારા કરાતી શાબ્દિક છેડતી નો સામનો કરવો પડે છે.!!!!!પણ પોતાનો આગવો અનોખો નજરીયો ધરાવતા અને સમાજ થી બિલકુલ નહિ ડરનાર તેજલબેન તો જુદીજ માટીમાંથી બનેલ હતા.

તેજલબેને તો તેમના નવા વક્તવ્ય માં અભિયાન ચાલુ કર્યું હતું કે દરેકે દરેક યુવાનો અને દીકરા -દીકરીઓએ આ ગુગલ યુગમાં પોતાના માતા પિતા અને વડીલો ને દરેક આધુનિક ટેક્નોલોજી પાસે બેસીને શીખવવી જોઈએ। જયારે દુનિયા કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે તો વડીલોને તેની સંપૂર્ણ જાણકારી આપવાની જવાબદારી યુવાનોની છે. આજે ગુગલ ગુરુ પાસે તમારા બધાજ સવાલના જવાબ છે.તમારે કોઈ રોગ વિષે ,તેની દવા વિષે ,કોઈ વ્યક્તિ વિષે કે જગ્યા વિષે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો તમને ઘેર બેઠા બધી માહિતી મળી શકે છે.તમને ગુગલમેપ પર જઈ કોઈ પણ દેશમાં તમે તમારો આઇફોને લઇ ફરી શકો છો। ઘેર બેઠા કોઈ પણ ચીજ ખરીદી શકો છો.પ્લેન,ટ્રેઈન ,બસ કે મુવી ની ટિકિટ ખરીદી શકો છો  .તમારા આઈ ફોનમાં ઉબર  ની એબ નાખી દો  જ્યાં જવું હોય ત્યાં જઈ  શકો છો.ફેસટાઈમ  કરીને ગમે  તે   દેશમાં    દૂર   બેઠેલાં   તમારા    મિત્રો કે સગાસંબધી ને જોઈ શકોછો ને વાત કરી શકો છો। અને વૉટ્સઅપ ની તો વાતજ નપૂછો  તેના થી તો તમે દુનિયા ના  કોઈ પણ છેડેથી તમારો સંદેશો તમારા મિત્રો ને સગા ને મોકલી શકો છો  અને વૉટ્સઅપ ફોન કરી વાત પણ કરી શકો છો। વડીલો હવે જો તમે ટેક્નોલોજી પ્રયત્ન કરીને શીખીલો  તો તમે એકદમ સ્વતંત્ર, તમારે કોઈ ચીજ પર  કોઈ ની ઉપર આધાર રાખવો ન પડે.તમારે સંગીત સંભાળવું હોય તો યુટ્યૂબ પર  તમે કોઈ પણ કવિ ની ગીત કે ગઝલ સાંભળી શકો છો ,જે વાંચવું હોય તે વાંચી શકો છો ,પિક્ચર કે નાટક જોઈ શકો છો ,ચેસ ,સુડોકુ,કે પત્તા  કોઈ પણ પાર્ટનર વગર આઇપેડ પર રમી શકો છો। હવે દુનિયા તમારા આઇપેડ અને આઈફોન માં તમારા ઘરમાં આવી ગઈ છે.અરે હવે તો ટેસલા કંપની ની ગાડી માં ગાડી ચલાવનાર ની પણ જરૂર નહિ રહે.તમે બોલશો તે જગ્યા એ ગાડી જ તમને લઇ જશે.

પણ વડીલો અને દરેકે દરેક વ્યક્તિ એ ટેક્નોલોજી સાથે કદમ મિલાવી ને આગળ વધવું  પડશે। હા કદાચ આ યંત્રવત જિંદગી માં સવેંદના ની ભીનાશ ની ખામી લાગશે !!!પણ આટલું બધું મેળવવા માટે કૈક તો ગુમાવવું પડેને?તેજલબેન ના આ પ્રવચનો એ તો ધૂમ મચાવી દીધી છે।  કરોડો ની સંખ્યામાં યુટ્યૂબ ને ફેસબુક પાર લાઈક મળ્યા છે.યુવાનો ને દીકરા દીકરીઓ પોતાના માતાપિતા ને ટેક્નોલોજી શીખવવા લાગ્યાછે।અનેક સામાજિક સંસ્થાઓ પણ ભારતના શહેર અને ગામડામાં લોકોને કમ્પ્યુટર ફ્રી શીખવવા લાગી છે.યુટ્યૂબ પર જોઈ ને દીકરીઓ માતાની મદદ વગર જુદી જડી દેશીવિદેશી વાનગી બનાવતા શીખવા લાગી છે. અમેરિકા જેવા દેશમાં વડીલો એકલા પડતા હતા તે ટેક્નોલોજી શીખી પોતાનો સમય સરસ રીતે પસાર કરવા લાગ્યા છે.

આમ તેજલબેન ના પ્રવચન ‘ટેક્નોલોજી ની સાથે સાથે ચાલો ‘ની અસર હેઠળ નાના મોટા સૌ આગળ વધી રહ્યા છે.

 

જિગીષા દિલીપ પટેલ

 

જિંદગી એક સફર હૈ સુહાના – એપીસોડ -૫ (જયશ્રી વિનુ મરચંટ)

મિત્રો

આજે ‘બેઠક’માં ‘બેઠક’ના ગુરુ જયશ્રીબેન મર્ચન્ટની એક સુંદર વાર્તા આ મહિનાને લગતા વિષય પર મુકું છું ..આ વાર્તા હરિફાય માટે નથી …વાર્તાની રજૂઆત મને ખુબ સ્પાર્શી ગઈ છે. વાર્તા અને કલમ બંને જોરદાર છે એક શ્વાસે વાંચી જશો એની મને ખાત્રી છે ..બહુ જ હ્રદયસ્પર્શી વાતો,સડસડાટ જતું લખાણ ને સરળ શબ્દો એટલું જ નહિ શબ્દો અને ભાવની સરસ અભિવ્યક્તિ.પરંતુ હું જે શીખી છું તે આપની પાસે વ્હેચું છું. ચાલો સર્જકો સૌ પ્રેરણા લઈએ .

એમની અનેક વાર્તા ધારાવાહી તમે દાવડા સાહેબના આંગણામાં વાંચી શકો છો.

શ્રેણીઃ ધારાવાહી https://davdanuangnu.wordpress.com/-

જયશ્રીબેન આપ જેવા સર્જક પાસેથી અમને સદા શીખવા મળ્યું છે.અભિનંદન 

“તુ કહાં, યે બતા, માને ના મેરા દિલ દિવાના”

મારી બચપણની ખૂબ જ વ્હાલી સખી, મેધા, મેધા પાટીદર, ક્યાં હતી આજકાલ? મારા એક ખૂબ જ ઈન્ટરેસ્ટીંગ સપનામાં આવીને મને અને મારી જિંદગીને હલબલાવી ગઈ હતી. મેધા અને હું બીજા ધોરણથી સાથે હતા. મલાડ, મુંબઈનુ, ફીફ્ટીસ અને સીક્સ્ટીસમાં, માંડ દસ થી પંદર હજારની વસ્તી ધરાવતું સબર્બ હતું. નો કમ્પ્યુટર, નો ઈન્ટરનેટ નો સેલ ફોન, નો સોશ્યલ મિડિયા એટલે કે નો ફસાદબુક – સોરી – નો ફેસબુક કે નો ટ્વીટરના શું સોનેરી દિવસો હતા! સાચે જ, “ते हि नः दिवसो गताः”! એ દિવસો તો સુખના જતા જ રહ્યા! સોશ્યલ મિડિયા નહોતા પણ માણસો સોશ્યલ હતા. માણસોને એકમેકને મળવા માટે ફોન કરીને સમય લેવાની પણ જરુર નહોતી. મિડીયા જેવું કોઈ મીડલમેન તત્વ હતું જ ક્યાં ત્યારે?

                                એ સમયનું મલાડ અને આજનું મલાડ..! બધું કેટલું બદલાઈ ગયું હતું? હવે જો મારે મેધાના જૂના ઘરે જવું હોય તો મને રસ્તો પણ ન મળે!  ક્યાં શોધું મેધાને? મારી, સીમાની અને મેધાની દોસ્તીની બધાને જ નવાઈ લાગતી હતી. હું શાળામાં ખૂબ સોશ્યલ હતી અને અનેક મિત્રો હતા. સીમા સરળ અને પ્રવાહી સ્વભાવની હતી, જેની પણ સાથે હોય, એની જોડે સીમા હળી મળી જતી પણ પોતાપણું કદીયે ન ગુમાવતી. મેધા ખૂબ જ શાંત અને અંતરમુખી હતી અને બહુ ઓછું બોલતી પણ એના મોઢા પર કોઈ અજબ શાંતિ સદા માટે રહેતી. હું ને સીમા ક્યારેક ટીચર્સની મસ્તી કરતાં, અંદર અંદર વાતો કરતી વખતે, પણ મેધા જેનું નામ, એ અમને કહેતી, “આવી વાતો કરીને તમને શું મળે છે?”  મેધાને, હું અને સીમા હાઈસ્કૂલના દિવસોમાં ગણિતની કોન્સટન્ટ સંજ્ઞા “પાઈ” કહીને બોલાવતા! ગમે એ થઈ જાય, “પાઈ”ની વેલ્યુ સિસ્ટમ બદલાય જ નહીં! મેધાના માતા-પિતા એ સાત વરસની હતી ત્યારે એના પિતાની સરકારી નોકરીમાં બદલી થતાં નડિયાદથી મુંબઈ આવ્યા હતા. અમારી મૈત્રીની શરુઆત મેધાના શાળાના એડમીશનના પહેલા દિવસથી થઈ હતી. શાંત, બે ચોટલા વાળેલી, થોડીક શ્યામ પણ ખૂબ નમણી, ઊંચી અને એકવડા બાંધાવાળી આ નવી વિદ્યાર્થીની બીજા ધોરણથી મારી અને સીમાની વચ્ચે એક જ બેન્ચ પર બેસતી અને તે પ્રથા અગિયારમા- તે સમયના એસ.એસ.સી.-પર્યંત ચાલુ રહી. મેધા, હું અને સીમા, અમારી ત્રણેની મૈત્રીમાં, ઘનિષ્ઠતા સાથે અણબોલાયેલી સમજણ અને વિશ્વાસ હંમેશા રહ્યો હતો. મેધા અને મને ખૂબ જ બનતું, સીમા અને મારી વ્યક્તિગત રીતે થોડીક મજાક અને મસ્તી વધારે થતી. સીમા સાથે મેધાના સખ્યમાં બહેનો જેવો પ્રેમ વધુ હતો જેની, મને તે સમયે કોઈ કોઈ વાર છાની અસૂયા થઈ જતી છતાં પણ અમે ત્રણેય જ્યારે સાથે હોઈએ ત્યારે જાણે એમ જ લાગતું કે આખી જિંદગી આમ જ અમે સખીઓ સાથે રહીશું! ત્યારે ક્યાં ખબર હતી કે સમયની ધારા કોને ક્યાં વહાવીને લઈ જશે!

       સીમા અને હું ફેસબુક પર ફ્રેન્ડ્સ હતાં. સીમાએ એની પડોશમાં રહેતાં પંજાબી ડોક્ટર છોકરા, શેખર ખન્ના સાથે લગ્ન કર્યા હતા. શેખર મુંબઈનો હવે ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ હતો ને સીમા હાઉસ વાઈફ હતી. મેં પહેલાં તો મેસેન્જર પર ફોન કર્યો તો એણે ન ઊંચક્યો. પછી ફેસબુકના ચેટ પર એને પીન્ગ કરી.  આમતેમની વાત પછી મેં ચેટ પર પૂછ્યું, “સીમા, આપણી “પાઈ”-મેધા- ક્યાં છે આજકાલ?” એણે ઉત્તર આપ્યો, “મારે ૧૯૭૬ પછી કોઈ જ કોન્ટેક્ટ નથી. તું જો એને ટ્રેક કરે તો પ્લીઝ, મને જણાવજે. મને પણ એની બહુ યાદ આવી રહી છે.” અને ચેટ મેસેજમાં બીજી વાતો આમતેમ કરીને છૂટા પડ્યા.  ક્યાં હશે મેધા? શું થયું હશે આટલા વર્ષોમાં એની સાથે?

        એસ.એસ.સી. પાસ કર્યા પછી મેધા અને સીમા જુદી-જુદી કોલેજમાં આર્ટસમાં ગયા અને હું સાયન્સમાં ગઈ. આમ અમારા કોલેજકાળના મિત્રો પણ અલગ રહ્યા. છતાંયે અમે ત્રણેય જ્યારે પણ મળતાં ત્યારે એમ જ લાગતું કે કદી જુદા પડ્યા જ નહોતા. ઈન્ડિયામાં માઈક્રોબાયોલોજી અને બાયોકેમેસ્ટ્રી કર્યા પછી હું તરત જ અમેરિકા આગળ ભણવા માટે આવી ગઈ હતી. બી.એ. પાસ કરીને, વરસની અંદર જ લગ્ન કરીને મેધા એના પતિ સાથે તરત જ મસ્કત જતી રહી હતી. મેધાના મસ્કત જવાના બે—ત્રણ વરસ સુધી તો મારો પત્ર વ્યવહાર એની સાથે રહ્યો હતો પણ પછી ધીમે ધીમે ઓછો થતો ગયો અને ૧૯૭૮ સુધીમાં તો સાવ જ બંધ થઈ ગયો. વચ્ચે, મને યાદ છે ત્યાં સુધી તો ૧૯૮૦ માં હુ ઈન્ડિયા ગઈ હતી ત્યારે એના મમ્મીને મળવા જવાની હતી તો ભાભીએ કહ્યું કે એના મમ્મી ગુજરી ગયા છ-સાત મહિના પહેલાં અને એના પિતાજી તથા ભાઈ-ભાભી તો બીજે કશેક, ઘર ખાલી કરીને જતા રહ્યા. ત્યાર બાદ, અમેરિકા જઈને મેધાને એની મમ્મીના અવસાન બદલ અફસોસ વ્યક્ત કરતો મસ્ક્તના સરનામા પર મેં પત્ર લખેલો જે થોડાક વખત પછી ફરતો-ફરતો પાછો આવ્યો હતો with a note, “Addressee Not Found at the Designated Address.” અને પછી તો મેધા પર વિસ્મૃતિનો પડદો પડી ગયો હતો. એના લગ્ન થયા ત્યારે હું અમેરિકાના મિશીગનમાં ભણવા માટે આવી હતી અને મારા લગ્ન નહોતા થયા. મારા લગ્નમાં એ મસ્કતથી આવી શકી નહોતી, આમ, મને કદી એના પતિને પ્રત્યક્ષ મળવાનો મોકો નહોતો મળ્યો. આજે મને કેમેય કરીને એના પતિનું નામ અને એની અટક યાદ આવતી નહોતી. મને મારી જાત પર ગુસ્સો આવતો હતો કે કેમ મને યાદ નથી?? તે જ સમયે, મને ઓચિંતો જ મારા પતિદેવે સાચવી રાખેલા પત્રોનો એ અલ્લાદિનના જાદુઈ ચિરાગ જેવો “પેન્ડોરા”નો બોક્ષ યાદ આવ્યો. હું જલદીથી ઊભી થઈ અને એ બોક્ષ કાઢ્યો. હાથ એકબીજા સાથે ઘસ્યા અને સાથે જોડ્યા, ઈશ્વરને પ્રાર્થના કરવા કે મને આમાંથી મેધાનો એકાદ પત્ર, એના લગ્ન પછીનો લખેલો મળી આવે! And of course, there it was!

                 ૧૯૭૮ની સાલ, માર્ચની ૩૧, તારીખે મેધાએ પત્ર લખ્યો હતો. મેં એ પત્ર વાંચવો શરુ કર્યો એ પહેલાં એનું એડ્રેસ અને નામ સેન્ડર તરીકે વાંચ્યું, “મેધા અનિલ પટેલ” એ પત્ર વાંચતાં વાંચતા મારી આંખો છલકાઈ ગઈ. મેધાએ લખ્યું હતું. “જયુ, છેલ્લા કેટલાક મહીનાઓથી અનિલનો કારોબાર અહીં બરાબર નથી ચાલતો. અમે વિચારીએ છીએ કે, મસ્કત છોડી, દુબઈ સેટલ થવા જતાં રહીએ. અનિલ પહેલાં ત્યાં જશે અને એકાદ-બે વરસની જ તો વાત છે. જેવા દુબઈમાં સેટલ થશે કે અમને પાછાં ત્યાં બોલાવી લેશે. ત્યાં સુધી, મારી મોટી દિકરી નીના, અને નાની બેઉ જોડકી દિકરીઓ, સુસ્મિતા અને અમિતાને લઈને હું, વડોદરા જતી રહું છું. અમે વડોદરામાં નાનકડો બંગલો બે વરસ પહેલાં, મારા સાસુ અને સસરા માટે ખરીદ્યો હતો. મારા સાસુ –સસરા હવે ગામનું કાચું મકાન છોડીને ત્યાં રહે છે. તને તો ખબર જ છે કે અનિલ એમનો એકનો એક જ દિકરો છે. અનિલ ખૂબ જ મહેનતુ છે. એ જેવા દુબઈમાં સેટલ થઈ જશે કે અમને બોલાવી લેશે એની મને ખાતરી છે. સીમાને પણ આ સાથે પત્ર લખ્યો છે, આ બધી જ વિગત સાથે. જો હાથ થોડો તંગ ન હોત ને, તો તમને બેઉને ફોન જ કરત. સારો સમય પણ જોયો અને હવે થોડી તકલીફ પણ આવે તો વાંધો નહીં, બરાબર ને? મારી ફિકર કરતી નહીં. જેવી હું વડોદરા પહોંચીશ અને ઠરીઠામ થઈશ કે એડ્રેસ અને ફોન નંબર આપવા પાછો કાગળ લખીશ. આશા છે કે તું, જીજાજી અને બાળકો આનંદમાં હશો. અમારા જીજાજી અને વ્હાલાં ભૂલકાંઓની પણ કાળજી લેજે પણ એ સાથે પોતાની ધ્યાન રાખવાનું ભૂલીશ નહીં.” આટલી વ્હાલી મારી એ મિત્રનો છેલ્લો પત્ર હતો અને મેં કે સીમાએ પણ આ પત્ર પછી એની ભાળ લેવાની પરવા પણ ન કરી? ફિટકાર છે મારા આવા સ્વાર્થી સખ્ય પર કે જ્યારે એ તકલીફમાં હતી તે જાણ્યા પછી પણ મેં એટલું જાણવાની દરકાર ન કરી કે હવે બધું બરબર થયું હતું કે નહીં…! એનું સરનામું કદી આવ્યું નહીં અને અમે પણ અમારા સંસારમાં એટલા ડૂબી ગયા કે પાછું વળીને જોયું પણ નહીં ને વિચાર્યું પણ નહીં!

                  હું આજે વિચારોમાં મેધામય થઈ ગઈ હતી. મેધાની દિકરીઓ હવે મોટી થઈ ગઈ હશે! મેં સીમાને મેધાના કાગળની કોપી સ્કેન કરીને, ઈ-મેલમાં મોકલી અને સાથે લખ્યું કે એના કોઈ કોન્ટેક્ટ જો વડોદરામાં હોય તો મેધાની તપાસ જરુર કરાવે. હું મેધાને જાણતી હતી એટલે જ ખાતરી હતી કે એના જેવી સરળ સ્વભાવની, શાંત વ્યક્તિ ફેસબુક પર તો હોય જ નહીં! મેં ફેસબુક પર પછી નીના, સુસ્મિતા તથા અમિતા ની સર્ચ કરવાની ચાલુ કરી. મને પછી થયું કે દિકરીઓ જો પરણી ગઈ હશે તો એમના નામ પણ જુદા હશે, છતાંયે કોશિશ તો કરવી રહી.  મેં પછી ખાલી ત્રણેય નામોની સાથે પટેલ અને લખીને સર્ચ કરી તો મારા આશ્ચર્ય વચ્ચે મને સોથીયે વધારે નીના પટેલ અને ૧૮૮ બીજી અટકવાળી નીના મળી. બસો જેટલા અમિતા પટેલ અને સોએક અમિતા અન્ય અટક વાળી મળી. પરંતુ ફક્ત દસ સુસ્મિતા મળી જેમની અટક પટેલ અને બીજી છ સુસ્મિતા બીજી અટક વાળી હતી. મેં સોળે-સોળ સુસ્મિતાને મેસેન્જર પર સંદેશો મોકલ્યો કે હું મારી બહુ વ્હાલી મિત્ર મેધાને શોધું છું. અમે મુંબઈના પરાં, મલાડની સ્કૂલમાં સાથે ભણ્યા હતાં અને એ લગ્ન કરીને એના પતિ અનિલની સાથે મસ્ક્ત રહેતી હતી, વગેરે વગેરેની વિગતો મોકલી. સાથે એ પણ લખ્યું કે “અનિલ અને મેધાની ત્રણ દિકરીઓ હતી, મોટી નીના અને પછીની બે ટ્વીન દિકરીઓ, અમિતા અને સુસ્મિતા. જો આપ એ સુસ્મિતા હો તો અવશ્ય મને જણાવજો અને ન હો તો તકલીફ બદલ માફ કરજો.” રાતના સાડા અગિયાર થયા હતાં. મેં કમ્પ્યુટર બંધ કર્યું અને સૂવા ગઈ. મનોમન હું પોરસાતી પણ હતી કે કેટલે જલદી હું ફેસબુકના બધા ફીચર્સ શીખતી જતી હતી! કાલે મારા સંતાનોને કહીશ કે રહેતાં-રહેતાં હું પણ એક દિવસ “હાઈ ટેક” બની જઈશ!

                                બીજે દિવસે, ડિનર પછી મેં કમ્પ્યુટર ખોલ્યું, અને મારા આશ્ચર્ય વચ્ચે દરેક સુસ્મિતાના જવાબો આવ્યા હતા. પંદર સુસ્મિતાએ દિલગીરી જાહેર કરીને, મને મારી મિત્ર જલદી મળે એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. અને એક જવાબ હતો સુસ્મિતા મહેરાનો, જેણે લખ્યું હતું, “આન્ટી, પ્લીઝ, મને તમે ફોન નંબર મોકલો અથવા મને ફોન કરો. નંબર મોકલાવું છું. બાય ધ વે, હું મુંબઈમાં રહું છું. હું એ સુસ્મિતા નથી જેને તમે શોધો છો પણ મને લાગે છે કે હું તમારી મદદ કરી શકું એમ છું.” આ બે-ત્રણ વાક્યોના જવાબે મને જાણે “કૌન બનેગા કરોડપતિ” ના છેલ્લા પાંચ કરોડના પ્રશ્નના જવાબની લાઈફ-લાઈન આપી હોય એટલો આનંદ થયો. સાન ફ્રાન્સીસ્કોમાં સાડા આઠ રાતના થયા હતા. મેં એના મોકલાવેલા નંબર પર ફોન કર્યો.

“હું સાન ફ્રાન્સીસ્કોથી જયુઆન્ટી વાત કરું છું. સુસ્મિતા છે?”

“હા, હું જ સુસ્મિતા. બોલો આન્ટી”.

“થેંક્યુ ફોર ટેઇકીંગ ટાઈમ તો આન્સર. તમે કહો, શું મદદ કરી શકો છો તમે?”

“આન્ટી, મારી ગાયનેકોલોજીસ્ટ છે, જેનું નામ ડો. નીના એમ. પાટીદાર છે. અહીં, પેડર રોડ પર, મારા બીલ્ડીંગથી દસેક બીલ્ડીંગ દૂર, બિલકુલ જેસલોક હોસ્પિટલની સામે “ડોક્ટર્સ હાઉસ” છે ત્યાં એમની ઓફિસ છે. હજી એકાદ અઠવાડિયા પહેલાં હું મારી એપોઈન્ટમેન્ટ માટે ગઈ હતી તો એમની બે ટ્વીન બહેનો ત્યાં આવી હતી એમની ઓળખાણ કરાવી હતી. બેઉ બહેનો લંડનથી આવી હતી. બેઉના નામ અમિતા અને સુસ્મિતા હતા. હું ડો. નીનાનો નંબર આપું છું. એ સાથે હું પણ એમને તમારો નંબર પણ મોકલીશ. તમે એકાદ બે કલાક રહીને એમને ફોન કરજો જેથી એટલા સમયમાં એમને મારો સંદેશો પહોંચી શકે. ગુડ લક આન્ટી.”

                 મારી ખુશીનો પાર નહોતો. મને થયું કે સાચી સુસ્મિતા કદાચ આ ફેસબુક પર નહીં હોય, નહીં તો જરુરથી જવાબ તો આપત. હું હવે એકાદ-બે કલાક કેમ વિતાવવા એની રાહ જોતી હતી. મેં ઝી ટીવી ચાલુ કર્યું. “આંધી” મુવી ચાલી રહ્યું હતું. હજી તો મુવીમાં ધ્યાન આપું ત્યાં તો મેસેન્જર પર રીંગ વાગી. મેં ફોન ઉપાડ્યો અને સામે જે મેં સાંભળ્યું, મને લાગ્યું કે હું સપનું જોઈ રહી છું અથવા જીવનની વરવી સચ્ચાઈની એક-એક ક્ષણને ચલચિત્ર સમ આંખો સમક્ષ પસાર થતી જોઈ રહી છું! એ ફોન ડો. નીના મેધા પાટીદારનો હતો! મેં તરત જ પૂછ્યું કે, “મારી મેધા છે ક્યાં? મને એનો ફોન નંબર આપ, સહુ પહેલાં, મારે એને ચોંકાવી દેવી છે!” પણ નીનાને આટલા વરસોનો “ભારેલો અગ્નિ” ઠરી જાય એ પહેલાં જ, જાણે એને બધું જ કહી દેવું હતું. મેધાના પતિએ દુબઈ જઈ મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો અને મુસ્લિમ કન્યા સાથે લગ્ન કરી લીધા. મેધા તથા બાળકોને કદીયે પાછા ન બોલાવ્યા, એટલું જ નહીં પોતાના વૃધ્ધ માતા-પિતાની તરફ જોયું પણ નહીં! મેધાએ તો એના સંતાનોના ભણતરની સફળતા માટે. અનહદ મહેનત કરી, બાળકોને મોટા કર્યા અને મેધાના સાસુ-સસરા આઠેક વરસો સુધી જીવિત રહ્યા, ત્યાં સુધી એમને પણ પ્રેમથી રાખ્યા. નીનાએ એમ.ડી. કર્યું અને ૨૦૦૭થી મુંબઈમાં પ્રેક્ટીસ કરી રહી હતી. અમિતા-સુસ્મિતા બેઉ સોફ્ટ્વેર એન્જિનીયર થયા અને લગ્ન કરીને લંડન શીફ્ટ થઈ ગયા. આ બધી વાત કરતાં હું નીનાના અવાજનો કંપ આટલે દૂર અનુભવી શકતી હતી. નીના બોલી, “આન્ટી, મારો સેલ નંબર પણ નોટ કરી લેજો.” હું બોલી, “બેટા, મને થાય છે કે હું ઊડીને ત્યાં આવું! મને મેધાનો નંબર આપ. મારાથી રાહ નથી જોવાતી હવે! આટલું બધું એ એકલી સહેતી રહી ને એક વાર પણ એણે મને યાદ ન કરી, પણ, હું યે કેવી સ્વાર્થી કે મારી વ્હાલી સખીની ભાળ ન કાઢી! મારે એને ધમકાવવી છે અને સાથે એને કહેવું છે કે મને વઢે, એની ખબર ન લેવા માટે!” સામેથી નીનાના અવાજમાં ડૂમો છલકાયો, “આન્ટી, મમ્મીને ખાતરી હતી કે ક્યારેક તમે કે સીમા આન્ટી ક્યારેક તો એને શોધશો જ અને કોન્ટેક પણ કરશો! એણે તમારા બેઉ માટે એક પત્ર આજથી દસ વરસ પહેલાં લખીને મૂકી રાખ્યો છે, મારે એ મોકલવો છે.” મારી ધીરજ ખૂટતી જતી હતી. શું થયું હતું મેધાને કે દસ વરસ પહેલાં પત્ર….! મેં તરત જ પૂછ્યું, “મેધાને કઈં થઈ ગયું છે? મને એ ક્યાં છે, એ જલદી કહે, બેટા!” સામે છેડેથી જવાબ આવ્યો, “આન્ટી, મમ્મી મારી સાથે જ રહે છે. હું તમને ફેસ-ટાઈમ અથવા સ્કાઈપ પર નક્કી ઘેર જઈને તમારી સાથે મેળવીશ, મમ્મીને દસ વરસ પહેલાં અલ્ઝાઈમરની શરુઆત થઈ હતી. જે દિવસે અલ્ઝાઈમર શરુઆતના સ્ટેજમાં પરખાયું હતું તે જ દિવસે એણે આ પત્ર લખીને મૂક્યા હતા.! મમ્મી હવે તો કોઈનેય ઓળખતી નથી. એની પોતાની દુનિયામાં જ રહે છે. મમ્મી આ દુનિયાની રહી નથી હવે! પણ રાતના ઘેર જઈને ફોન કરું છું!” ડૂમા ભરેલા અવાજે નીના બોલી રહી હતી. આ હું શું સાંભળતી હતી! આટલા વરસો, આટલી વેદના, આટલી વ્યથા, મારી સખીના ભાગ્યમાં લખાઈ ગઈ અને હું? આંસુ વહ્યા કરતાં હતાં.! ફોન પૂરો થયો હતો! સાચે જ, એની મમ્મી ક્યારેય આ દુનિયાની હતી જ નહીં! હું હતપ્રભ થઈ, શૂન્ય નજરે ઝી ટીવીને તાકતી રહી..!  ઝી ટીવી પર. “આંધી” મુવીનું “તુમ આ ગયે હો નૂર આ ગયા હૈ” નું ગીત આવી રહ્યું હતું!

બસ…!

જયશ્રીવિનુ મર્ચન્ટ .

 

તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(20)-મમ્મી “હાઈ ટેક” બની -પ્રજ્ઞા દાદભાવાળા

 

 

હલ્લો રાહુલ બેટા ક્યારે આવે છે?

મોમ તું કેમ ભૂલી જાય છે ?

જો આ વખતે હું આવું ત્યારે તારે ડૉ, ની પાસે જવું જ પડશે,મને લાગે છે તું એક ની એક વાત વારંવાર પૂછે છે, તારી યાદ શક્તિમાં કૈક પ્રોબ્લેમ લાગે છે,તારે દવા ચાલુ કરવી જોઈએ .

ના ના બેટા એવું નથી,આતો તારી સાથે વાત કરવાનું બહાનું ગોતું છું…

ઓહો મોમ તું તો ઈમ્પોસીબલ છો !

બોલ શું કામ હતું ?

બેટા તે મને આ કોમ્પુટર વાળો ફોન આપ્યો છે ને !

તો શું થયું ?

કઈ થયું નથી પણ મારે શોપ્પીંગ કરવું છે,તને ખબર છે મારી ફ્રેન્ડ બધું હવે ઓનલાઈન ખરીદે છે,તો મને આવડતું નથી શીખવાડીશ.

ઓં મમ્મી બહુ સહેલું છે મેં તને એપ ફોનમાં આપી છે ને ? તારે જે શોપ્પીંગ કરવું હોય તે નામ મૂકી શોધી કાઢ.

બેટા એજ નથી આવડતું !જો મને સાડી લેવી છે.પણ એ કેવી હશે કેવી રીતે ખબર પડે ?આવ્યા પછી નહિ ગમે તો ?અને આ તારા પપ્પા લુંગી પહેરે છે એ મને જરાય પસંદ નથી એટલે લેંઘો લેવો છે !

મમ્મી મેં તને કહ્યું હતું ને કે ન ગમે તો પાછી મોકલવાની, એ પૈસા પાછા જમા થઇ જશે.જો એમેઝોન પર આ સગવડતા છે, સમજી ..

ઓક હવે કહે આ સાડી નો સ્પેલ્લીંગ શું આવે ? અને લેંઘો કેવીરીતે લખાય ?

મમ્મી ભૂલી ગઈને ! મેં તને કહ્યું હતું કે તારે લખવાની જરૂર નથી માત્ર બોલ…

પણ ક્યાં બોલું ?તારા પપ્પા ના કાનમાં ?

અરે ફોનમાં બોલ ..

એતો ચાર વાર બોલી,પણ મારું સાંભળે છે જ કોણ ? આ ફોન તારા પપ્પા જેવો છે.

પણ મમ્મી અહિયાં પપ્પા ક્યાં આવ્યા ?

જો બેટા તારા પપ્પા મારી એક પણ વાત માનતા નથી….

મમ્મી હવે તું પપ્પાની રામાયણ ક્યાં માંડે છે ?

બેટા તારા સિવાય કોને કહું ? હમણાં હમણાં તો તમાકુ ખાતા શીખી ગયા છે.

મમ્મી મેં તને આ ફોન ફરિયાદ કરવા નથી આપ્યો, લાંબી લાંબી ફરિયાદ કરશને તો ..

બેટા હું તારા ગયા પછી ખુબ એકલી થઇ ગઈ છું ..

એટલે જ તને મેં ફોન આપ્યો ..નવું નવું શીખ ..અને પપ્પાને મુક પડતા

જો બેટા એમ થોડા એને પડતા મુકાય છે ? અમે સાત ફેરા લીધા છે, જવા દે એનું શું કરવું એ મને ખબર છે,

તું ક્યાં આડી વાતે ચડી ગયો લેટ્સ ડુ શોપ્પીંગ

મોમ તું કમાલ છે પહેલા મને ફરિયાદ કરે છે અને પછી મને જ કાપી નાખ્યો.

અચ્છા સાંભળ આ પ્રતિભા નહિ મારી બહેનપણી એ આજ કાલ ખુબ ભાવ મારે છે.કહે છે હું બધું શોપ્પીંગ ઓન લાઈન કરું છું,ગઈ કાલે કીટી પાર્ટીમાં પાકીટ પણ લઇ આવી હતી કહેતી હતી કે મેં તો ઓન લાઈન લીધું,આવા ટ્રાફિકમાં, ગરમીમાં,ગંદકીમાં કોણ બહાર જાય? હવે શાક પણ ફોન ઉપર લે છે અને યોગા પણ ઘરમાંજ …બસ મને પણ શીખવાડી દે એટલે એની બોલતી બંધ થાય.

મોમ કોઈની બોલતી બંધ કરવા નહિ તારે શોપ્પીંગ કરવું હોય તો શીખવાડું

હા હા એજ …શું તું પણ

હવે મને અંગ્રેજી લખતા ન આવડે તો શું કરવાનું કહે ..

મોમ ત્યાં બ્લુ કલરનું બટન છે એ દબાવીને જોરથી બોલ સારી .. અને  લેંઘો નહિ બોલતી પાયજામાં  કહેજે .

બેટા ઉભો રહે બોલું છું…..

સાડી સાડી ત્રણ વાર બોલી

મોમ સાડી નહિ સારી બોલ

અરે પણ સાડી કહેવાય ને ?સારી થોડી કહેવાય ..ક્યાંક ભળતું જ આવી જશે તો બધા મારી મજાક ઉડાવશે અને તારા પપ્પા તો ખીજાશે એ વધારાનું ..

મોમ.. મોમ સંભાળ બીજા શું કહે છે એનાથી શું ફર્ક પડે છે,તું મારી પાસ શીખ,હું તને શીખવાડું છું ને ! તું બીજા માટે નથી જીવતી …તારી જાતને ખુશ કર પહેલા બીજા સાથે ની સરખામણીમા અને વટ પાડવા તું તારી જાતને ખોઈ નાખીશ.તે બીજાની લાગણીઓ ને જમા કરવા તારી ઈચ્છાઓને ઉધારી નાખી છે બસ હવે તું માત્ર તું તારી જાતને ખુશ કર.

બેટા સમાજમાં રહેવું હોય તો કરવું પડે બીજાને સાંભળવા પડે મિત્રતા રાખવી પડે ને? જો એમ બધા સાથે કટ ન કરી નખાય …

મોમ તું ફેસબુક શીખી જઈશ પછી ઘણા મિત્રો થશે,બધા તને વાર તહેવારે શુભેચ્છા આપશે અને જન્મદિવસે તો કેકના ફોટા અને ફૂલના ફોટાનો વરસાદ થઇ જશે.પછી તું એકલી નહિ રહે,અને તારી સારી રેસિપી મુકીશ ને એટલે લોકો તારા વખાણ પણ કરશે તને એક નવું જ વ્યક્તિત્વ મળશે.આ પાપા તારા વખાણ નથી કરતાને તો કઈ નહિ પણ આખી દુનિયા તારા વખાણ કરશે.તને ખબર છે તું સમગ્ર વિશ્વ સાથે જોડાઈ જઈશ.

હા હા તું બહુ હોશિયાર થઇ ગયો છે ખબર છે અમેરિકા જઈને જાણે મોટો સાહેબ !ચાલ હવે ઝટ શીખવાડ આ ખરીદી કરતા, હજી મારે દૂધ લેવા જવાનું છે આજે બગડી ગયું છે તારા પપ્પા તો કોઈ કામ નહિ કરે અને આવી ને તરત ચાહ માંગશે.

જો તે તારી દરેક પ્રવૃત્તિ અને દુનિયા પપ્પની સાથે જોડી દીધી છે હવે બહાર આવ અને કોમ્પુટર પર દુનિયા સાથે જોડા, દુનિયા પણ જોવા જેવી છે.

હ્હ્હ..હું સારી બોલી.. બેટા જો સારી… ઓ તો ખુબ સરસ છે …

બસ તને ગમતી સારી ઓર્ડેર કર અને પૂજાને દિવસે પહેરી સેલ્ફી પાડી મોકલજે, તારે માટે દૂધ ઓર્ડેર કર્યું છે બસ હમણાં જ આવશે.

બેટા એક મિનીટ કોઈની બેલ વાગી ..અરે આતો ગજબ છે દૂધ આવી પણ ગયું વાહ ..

જોયું મમ્મી હવે આખો દિવસ જલસા કર તું કહે તો નોકરાણી મોકલું ..હવે તું શેઠાણી ..

બેટા મેં સારી સાથે બ્લોઉંસ અને પેટીકોટ પણ એટલે કે ચણિયો પણ ઓર્ડેર કર્યો છે.

બસ ત્યારે પૂજા માટે સામાન પણ આવી જશે, હવે હું ફોન મુકું કામે લાગુ છું ..બેટા તારું ધ્યાન રાખજે અને કાલે સ્કાઈપ પર જરા મોઢું દેખાડ્જે

મોમ હું હવે થોડા દિવસ એક પ્રોજેક્ટ માટે બહાર ગામ જઈશ ત્યાં કદાચ બહુ વાત નહિ થાય વોઈઝ મૈલ કરી સંપર્કમાં રહીશ તું વોટ્સઅપ પર વોઈઝ મૈલ પર જવાબ કરજે ઓકે આવજે…

આ છોકરો પણ હંમેશા ઉતાવળમાં જ હોય ક્યારે નિરાતે વાત જ ન કરે
અરે સવિતા ચાલ ઝટ રસોડું સાફ કર એટલે ચા મુકું ..હમણાં તારા કાકા આવશે.

મણી માસી તમે તો ઘણા મોર્ડન થઇ ગયા આખો દિવસ ફોન અને હવે તો કોમ્પુટર પર બીઝી માવજીભાઈ એકલા એકલા બોલે રાખે પણ સંભાળે કોણ ?

રાહુલનો ફોન આવ્યો હશે …તો હવે માવજીભાઈ ની ફરિયાદ શરુ થઇ ગઈ . આમ વાદ અને ફરિયાદમાં દિવસો જવા લાગ્યા દીકરો જાણે બંને ને જોડતી કડી, બાકી તો બંને પોતાની દુનિયામાં, રાહુલનો ફોન આવે ત્યારે જે ઉપાડે તે નસીબદાર.

હલ્લો રાહુલ સારું થયું તારો ફોન આવ્યો,બેટા તારી મમ્મી સાવ બદલાઈ ગઈ છે મને સમય આપતી જ નથી તને યાદ છે અમારો લગ્નનો દિવસ પણ એતો સાવ ભૂલી ગઈ છે.અમે આ દિવસે અચૂક મહાલક્ષ્મી મંદિર જતા દર્શન કરી ભજીયા ખાતા પણ આજે કહે છે મેં દર્શન ઓન લાઈન કરી લીધા, તમારે ભજીયા ખાવા હોય તો ઓર્ડેર કરું …

પપ્પા તમે પણ શું ? પહેલા તમને ટાઈમ ન હતો ત્યારે મમ્મી ફરિયાદ કરતી અને હવે મમ્મી એ એની પોતાની પ્રવૃત્તિ શોધી,તો તમે ફરિયાદ કરો છો. એક કામ કરો તમે પણ મમ્મીને બુકે ફોનથી મોકલી દયોને !

હા બેટા હવે હું પણ એમ જ કરીશ …

હા કઈ જોઈતું હોય તો મંગાવજો હું કદાચ કામ માટે થોડા દિવસ ત્યાં આવીશ.. ઓકે આવજો

હાશ ભગવાન તે મારી પ્રાર્થના સંભાળી હવે મામ્મી કે પપ્પા કોઈ ફરિયાદ નહિ કરે અને હવે ઇન્ડિયા જઈશ ત્યારે બંનેને નવા ફોન આપીશ એટલે હું મારી ફરજ થી છુટ્ટો ….

હલ્લો મમ્મી હું કાલે ઇન્ડિયા આવું છું તારે કશું જોઈએ છે.

ના બેટા કશું જ ન લાવતો,બધું હવે અહી મળે છે અને હા તું આવે તો છે પણ હું અહી આઠ દિવસ નથી મારા અમુક ફેસબુકના મિત્રો સાથે રિસોર્ટ પર જવાની છું. તું આરામથી ઘરમા રહેજે પપ્પા તો હશે અને જમવાનું હું ઓનલાઈન ઓર્ડેર કરીશ આવી જશે અને તે જે મેઈડ સર્વિસ દેખાડી હતી ને તે સારી કામ આવે છે અને સમયસર બધું કામ કરે છે. હ.. બાકી સ્કાઈપ વાતો કરશું …

મોમ ..તું હોત તો મજા આવતે,… કઈ નહિ આ વખતે તો પપ્પા સાથે સમય વિતાવીશ..ઓકે ત્યારે મળીએ ..

રાહુલ લાંબી મુસાફરી કરી ઇન્ડિયા આવ્યો, ઉબર પણ મમ્મીએ જ બુક કરાવી હતી,રાહુલને થોડું હસું આવ્યું …મમ્મી ફીચર્સ શીખતી જતી હતી! બહુ સરસ બધું શીખી લીધું, શરીર કળતું હતું,તાવ ન આવે તો સારું..રાહુલ મનમાં જ બબડ્યો, વિચાર કરતા ક્યારે ઘર આવી ગયું ખબર જ ના પડી ગુરખો એમની રાહ જોઈ ઉભો હતો આપકી મમ્મીને બોલા હે… સમાન મેં ઉપર પહોચા દું… એ લીજીએ ચાવી.આમ તો જયારે પણ હું આવતો ત્યારે મમ્મી રાહ જોતી નીચે ઉભી જ હોય પણ આજે ગુરખો ઉભો હતો,કદાચ પપ્પા પણ ઘરે નહિ હોય ,ઘરમાં પ્રવેશતા થોડું અજુગતું લાગ્યું ખાલી ઘર માં કૈક ખૂટતું હતું કદાચ મારી આંખો અને હાથ મમ્મીને ભેટવા ટેવાયેલા હતા, સામન આવી ગયો તરસ લાગી હતી એટલે પાણી લેવા રસોડામાં ગયો સામે ટેબલ પર પાણી નો ગ્લાસ અને સરસ મજાની મીઠાઈ થાળીમાં મીણનાદીવા સાથે પડી હતી, અને કાર્ડમાં લખ્યું હતું વેલ્લ્કમ હોમ,મેઈડ સર્વિસ નું કાર્ડ ..ફરી મમ્મી યાદ આવી …હું આવતો ત્યારે મમ્મી ગમે તેટલા વાગે પણ રાહ જોતી બેઠી હોય આવું એટલે ગળે વળગે અને રડે આવી ગયો બેટા ..પછી પાણી આપતા પહેલા ગોળ વંદાવતી,જો જમવાનું ગરમ છે નિરાતે જમીને સુઈ જા … સવારે હું મંદિરથી આવું એટલે ઉઠાડીશ એક ઊંઘ ખેચી લે ..સવારે મંદિરમાંથી લાવેલું ફૂલ આંખે અડાડી ઉઠાડે..હું પણ શું ? મનોમન બબડ્યો અને રાહુલ પાણી પી સુઈ ગયો ..

મમ્મીના ઓટો ઉપરના ભજને સવારે ઉઠ્યો ત્યારે સ્ખત્ત તાવ હતો શરીર કળતું હતું ..અને મમ્મીના ફોનની ઘંટડી વાગી …

ગુડ મોરનિગ બેટા,ઊંઘ આવી ગઈ ને ?.. મેં હા પાડી, મારો અવાજ સાંભળી એક મેઈડ આવી સર ચા તૈયાર છે..

મોમ આ સવિતાબેન ક્યાં ગયા અને કોણ ઘરમાં ફરે છે ?

બેટા મેં સવિતાબેનને હવે નથી રાખ્યા ..

પણ એ તો કેટલા ઘર જેવા,આપણા પોતાના હતા ?

હા પણ મેડની સર્વિસ કૈક અલગ જ છે.

રાહુલે વાત બંધ કરવા કહ્યું સારું ચાલ પછી વાત કરીશ. અને ચા લેવા ઉભો થાય તે પહેલા જ રાહુલ પછડાયો અને પડ્યો …જાગ્યો ત્યારે દવાખાનામાં હતો સામે મમ્મી હતી અને પપ્પા પણ હતા

હું ક્યાં છું ?શું થયું ?

કઈ નહિ તને તાવ ખુબ હતો એટલે ચક્કર આવી ગયા ,મારી મેઈડે મને અને ડૉ ને ફોન કરી બોલાવ્યા, કહે હવે કેવું લાગે છે?

સારું ,રાહુલ એથી વધારે શું બોલે ? એની મમ્મીને જોઈ રહ્યો

ચાલો આજે તને હવે ઘરે લઇ જશું ..અને મમ્મી ફોન પર લાગી ગઈ,

ફોન પર ગુસ્સો કરતા બંધ કરી બોલ્યા,ખરી છે રવિવારના વધારાના ચાર્જ લાગશે.
શું થયું મમ્મી ?

કઈ નહિ આ મેઈડ આજે નહિ આવે

મોમ તો સવિતાબેનને બોલાવી લે ને ?આમ પણ હું એના માટે ગીફ્ટ લાવ્યો છું.

હા એ બરાબર રહેશે,હલ્લો સવિતાબેન તમને રાહુલ યાદ કરે છે. આવો ને આજે ઘરે, તમારા માટે ગીફ્ટ લાવ્યો છે આવો તો એના હાથે તમને આપે. હાશ આવે છે.

મોમ તું ખુબ મોર્ડન થઇ ગઈ છો!

બેટા તે જ મને કહ્યું ને જમાના સાથે ચાલ .મેં કોશિશ કરી પણ સાચું કહું હું જુનવાણી જ સારી છું.ચાલ ઘરે જઈને વાતો કરીએ

સવિતાબેનના આવવા થી રાહુલ અને મમ્મી બને ખુશ થયા, સાંજે શાક લેવા પણ બંને સાથે ગયા રાહુલને માર્કેટ જોવી હતી ને! પછી દરિયા કિનારે શેકેલી મકાઈ સાથે લીલા ચણા ખાધા અને ઘરે આવી સવિતા બેનનો ગરમ રોટલો અને મમ્મીનું બટાટા રીંગણનું શાક ખીચડી અને કઢી સાથે મરીવાળો પાપડ એવો તો સ્વાદિષ્ટ લાગ્યો કે વાત ન પૂછો …બીજે દિવસે  મમ્મી દર્શન કરવા મહાલક્ષ્મીના મંદિરે લઇ ગઈ .. અને દરેક વખતની જેમ દરિયા કિનારે બેસી કેટલીય વાતો કરી..

મમ્મી આ વખતે તારે માટે હું કશું જ ન લાવી શક્યો.

કઈ નહિ બેટા તે આ ખુબ સરસ ગીફ્ટ આપી છે આ ટેલીફોન ! ​દૂર દૂરના કોઈની સાથે હાથવગો સંપર્ક !! એના ​સાથે વ્હોટસ્એપ, મેસેન્જર, ટ્વિટર, ઇમેઇલ, વોઇસ-વીડિયો કોલની વ્યવસ્થાઓ છે. હવે ટેલીફોન વાળાની માથાકૂટ પણ ગઇ, બધુ હવે વાયરલેસ છે, ડાયરેક્ટ ટુ હોમ. સેટેલાઇટ થ્રુ સીધું જ તમારા ​ઘરમાં.. મારે કશું જ ન જોઈએ.  બેટા બધી સુવિધાઓ છે પણ એ સુવિધાઓ સાથે સંવાદિતા જાળવવાની કોશિશ કરું છું મારા બાહ્ય અને આંતરિક મન સાથે તાલ મેલ થાય તો બધું જ સહજ થઇ જાય… મારું હોવાપણું  પણ જરૂરી છે ને ?

તું ખુશ છે ને ?

હા હવે પપ્પા મારી સાથે ચેટીંગ કરે છે.અને તું સ્કાઈપ પર …..એક લાંબો નિસાસો ….

કેમ​ બોલતી નથી ..?​

બેટા ખુશી કોને કહેવી ? હું તો હવે ભીડમાં પણ એકલી છું. જીવનમાં સઘળું વહેંચતા રહેવું એ ​મારી જ નહિ મનુષ્યની મૂળભૂત વૃત્તિ છે. આનંદ હોય કે પીડા આપણા જીવનમાં એની વહેંચણી કરવાની ઈચ્છા હંમેશા રહે જ છે. જે માણસ આનંદ અને પીડા વહેંચવા ખાતર પણ બીજા સાથે જોડાયેલો રહેતો નથી. ​એ ખરેખર એકલા જ હોય છે..કમનસીબે ​હું પોતાનાથી જ અળ​ગી થઇ ગઈ છું.જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતી વેળાએ જે મનોબળની જરૂર પડે છે અને સમસ્યાના સમાધાન માટે જે સ્થિર મનની જરૂર પડે છે તે માત્ર ​જીવંત વ્યક્તિ સાથે સાઘેલી સંવાદિતા જ આપી શકે. ​એ ક્યાં છે ?​ બે સ્થળ વચ્ચેનું અંતર તો ઓછુ થઈ ગયુ.. પણ પ્રાણ અને પ્રકૃત્તિ વચ્ચે આપણી ​વચ્ચે ​અંતર કદાચ વધી ગયુ​ છે.​તું આવે ત્યારે તારા માટે અડધી રાત્રે રાહ જોવી મને ગમતી હતી. આ દુધવાળા સાથે ની ટકટક મારો દિવસ ઉગાડતી હતી, દિવાળીને દિવસે ટેલીફોન વાળા ને બોણી આપવી મને ગમતી હતી. મને ભૈયા સાથે રગજગ કરી ઉપરથી કોથમીર મસાલો મફત મેળવવો ગમતો હતો.જાણે મારો અધિકાર ન હોય. અને પેલા બાજુવાળા માસી સાથે જે ઓટલે બેસી વાતો કરતા એનાથી વધારે વાતો ફેસબુકમાં થાય છે પણ જીવંત માનવીની ખોટ જરૂર વર્તાય છે.માનવી તો જોડતા, તૂટતાં, સંધાતા, ખોડંગાતા, વિસ્તરતા અને વિખેરાતા સંબધ અને સંવેદનાથી બનેલો છે. એની જગ્યા નિરજીવ યંત્ર કેવી રીતે લઇ શકે … ? તને ખબર છે  મને જન્મદિવસે તારા પપ્પા ગજરો આપતા એ ગમતુ ..આ ફૂલોના ગુલદસ્તા કેઈ રીતે મારા ગજરાનું સ્થાન લઇ શકે ?

મોમ તારી વાત સાચી છે હું પણ ઘરે આવ્યો ત્યારે તને ખુબ મિસ કરતો હતો તારા વગર ઘર સુનું લાગતું હતું..તારા સ્પર્શ મને જોઈતો હતો ,બાળક પૃથ્વી પર જન્મે ત્યારે માં સાથેની પહેલી ઓળખ એનો સ્પર્શ હોય છે… ​​​હું અહી એટલે જ આવું છું અને આવતો ત્યારે ​આસપાસના બધાને મળી લેવાની ​મને તાલાવેલી રહેતી. ​હું અમેરિકા તો ગયો પણ ​આસપાસના ​આપણા આ ​નાનકડા વિશ્વ સાથે કોઈ જ કારણ વગર જ જોડાયેલો રહેતો.​સવિતાબેન ,​બેલ મારતો દૂધવાળો​,​પસ્તીની બૂમો પાડતો ફેરિયો, ટિકિટ કાપતો કંડકટર, ​ડુગડુગી વગાડતો મદારી…​, પેલો શાકભાજીવાળો અને બાજુવાળા માસી…. ​ઘરની બેલ, ગાડીના હોર્ન, હું અમેરિકામાં કે કોઈ પણ વિકસિત દેશમાં આ નહિ પામું એની મને ખબર છે. માટે જ કામના બહાને અહી આવું છું. એક જુદી જ જાતની ઉર્જા મેળવીને પાછો જાવ છું.બાળપણમાં વર્ગમાં ભણતાં ભણતાં પાટલી પર બેસી કરેલી મજા મને મારી ઓફીસ ની ખુરશી નથી આપી શકતી, પક્ષીને અવાજ પરથી ઓળખી જનારા ​મારા કાન હવે બગીચામાં બેઠાં બેઠાં પણ પક્ષીના ટહુકા સાંભળી શકતા નથી​. સાચું કહું..હા બધું જ છે પણ કશું નથી એ ખુબ મને વર્તાય છે અને આ ખાલીપણું ભરવા આવું છું .મારી આસપાસના વિશ્વ સાથે જીવંત સંપર્ક​ જાણે તૂટી ગયો છે.મારા ભાંગી પડેલા ​મનની પુન:નિર્માણની જગ્યા​ એટલે આપણું આ ઘર ​ છે મોમ.. મેં જાણે આ મહામૂલી જણસ ગુમાવી ​દીધી છે…

વાતાવરણ સ્તબ્ધ થઇ ગયું કેટલીય વાર સુધી બંને કઈ પણ ન બોલ્યા,… સત્ય બંને ને સમજાઈ ગયું હતું..મમ્મીના વોટ્સ અપના ટીંગ અવાજે બંનેને ની શાંતિ ને તોડી .મમ્મીએ ફોનમાં આવેલો પ્રણવ ત્રિવેદીનો વોટ્સ અપ મેસેજ દેખાડ્યો – “ટેકનોલોજીની આ તે કેવી કમાલ (!!) કે સાવ પાસે બેઠેલાં એક ચૈતન્ય સભર અસ્તિત્વ સાથે સંવાદ સ્થાપવો મુશ્કેલ અને દૂર દૂરના કોઈની સાથે હાથવગો સંપર્ક !!​-​
બંને હસી પડ્યા …

Pragna Dadbhawala
Community Ambassador,
Email: pragnad@gmail.com
Phone: 408-410-2372
http://pragnaji.wordpress.com/
http://junirangbhumi.wordpress.com/m
https://shabdonusarjan.wordpress.com/
http://gujaratidaglo.wordpress.com/

તરુલતાવાર્તા સ્પર્ધા

મિત્રો આ વાર્તા સ્પર્થા માટે ઘણી વાર્તા આવી છે પણ હું કોઈ સંજોગો ને લીધે મૂકી નથી શકી તો મિત્રો આપની વાર્તા ન મુકાઇ હોય તો ખાસ મને ઈમૈલ દ્વારા જણાવશો.

તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(19)મિલન-કુંતાબેન શાહ

ક્રોસવર્ડ બૂક્સ્ટોરમાં શેખર સાથે મીટિંગ પતાવી હું બહાર નીકળતો હતો અને મારી નજર થંભી ગઇ એક પ્રૌઢા પર જે પૈસા આપવાની લાઇનમાં ઉભી હતી.  મારી લતા?  જરા મારી તરફ ફરે..

હજુ  યાદ છે એ પળ જ્યારે  બીજે માળે રહેતી લતા પગથીઆ પરથી નીચે ઉતરી રહી હતી. એડીને ચુમતા એના વાળ પહેલા જોયા, પછી લહેરાતું આસ્માની ફ્રોક અને છેલ્લે  ધોયેલા વાળના વાદળમાં ઘેરાયેલું એનું નમણુ મુખ..  આજે કઇ એને પહેલી વાર જોઇ નહોતી તો ય કઇંક અણજાણ્યુ, મર્મ મને પલાળી ગયું! જરા મારી તરફ વળે તો ……

એ અનુભવ પહેલા કદી થયો ન હતો.  હંમેશની જેમ “હે લતા, ક્યાં ઉપડી” પુછવા ઉભો થઇ ના શક્યો.  બસ, એને જતી જોઇ રહ્યો.  

દર રોજ રાતે સોસાયટીના છોકરા, છોકરીઓ જમી પરવારી, લટાર મારવા જતા.  કોણ સૌથી વધારે જલ્દી ચાલે એની દરરોજ સ્પર્ધા થતી.  હવે મારે દરરોજ હારવુ હતુ, લતા સાથે. એની પણ મારા સાન્નિધ્યની ઝંખના વધી ગઇ.  એના વરંડાની એક બારીમાંથી મારા પલંગને લાગીને બારી હતી તે દેખાતી હતી. દરરોજ રાતે મારા બારીના પડદાની તીરાડ્માંથી એની રાહ જોતો. એ બારી પાસે આવીને મને “ગૂડ નાઇટ” કહેતી.  પણ ઉંઘ કોને આવતી?

અમે બેઉએ ઇન્ટર સાયન્સની પરીક્ષા આપી. ઉનાળાની રજામાં લતા એના મામાને ઘેર માટે મુંબઇ જવાની હતી. મને પણ મુંબઇવાસી માસીને ઘેર જવાની માએ છૂટ આપી. રાત્રે લટાર મારવા ગયા ત્યારે લતાને મેં ચોપાટી પરના બેંડ્બોક્સ આગળ બારમી જુને સાંજે છ વાગે મળવાનું કર્યુ.  

મળ્યા, દરરોજ મળ્યા. ચોપાટીની રેતમાં પાસે પાસે બેસીને ચિતરડા દોર્યા કર્યા.  બોલવાની કોઇ જરુરત નહોતી.  સાન્નિધ્ય માણવાનુ હતુ. એને મેં ચુમી નહોતી પણ મારી ઇચ્છા મહેસૂસ કરી શકતી હશે જ કારણ એના નાજુક કંપતા હોઠ એની ચાડી ખાતા હતા. સાત વાગે એને પાછા જવાનુ.  મહિનો ક્યાં નીકળી ગયો, ખબર પણ નહીં પડી!

કોલેજ શરુ થઇ. એક દિવસ મારી માએ મને લતાની લખેલી ચીઠ્ઠી બતાવી. એમાં લખ્યું હતું “અશોક મારો છે અને હું અશોકની.”  મને આજ્ઞા કરી કે “આપણે બ્રાહ્મણ. આજ પછી કદી એ પટેલ  લતા સાથે વાત પણ કરવાની નથી.  રાત્રે એ ચાલવા નીકળે તો તારે નહીં જવાનુ! જીદ કરીશ તો તને ઘરની બહાર કાઢી મુકીશ નહીં તો આત્મહત્યા કરી લઇશ.”  ઍક દિવસ હું લતાની કોલેજની ખાસ સહેલી નલીનીને ઘરે ગયો. જાણીને કે લતા ત્યાં જ હશે. વરસાદ ઝરમર વરસી રહ્યો હતો. મેં એને માની વાત કહી અને કહ્યું “બહુ વિચાર કર્યો. મારા પપ્પાની તબિયત બગડતી જાય છે, હું જલ્દી ભણી ને નોકરીએ નહીં લાગુ તો અમારા કુટુંબનો નિર્વાહ કાઢવો મુષ્કેલ થઇ જશે. હું  તને ચાહું છું પણ મને જન્મ દેનાર મા બાપને કદી દુઃખી નહી કરી શકુ.”  અમારા આસુંના પૂરમાં પ્રણય પર પ્રલય પથરાયો.

છ વર્ષ વિત્યા. ત્રણ વર્ષ પહેલા અકસ્માતમાં માતા પિતાનુ અવસાન થવાથી લતા પાછી મુંબઇ મામાને ઘરે રહેવા ગઇ હતી. હું એન્જિનિઅર થઇ ગયો અને તરત જ થાણા, મુંબઇમાં નોકરી મળી ગઇ.

દિવાળી નિમિત્તે રવિવારે સાંજે મારા પડોશી રંજના અને સુરેશે  બિલ્ડિંગના દરેક રહેવાસીને આમંત્રણ આપ્યુ હતું.  બીજા પડોશીઓની સાથે લતાને ત્યાં જોઇ. અચરજ થયું કે ત્રણ મહિનાથી અહીં રહુ છુ પણ આ પહેલા એની મુલાકાત ના થઇ? રંજના મારી ઓળખાણ કરાવવા જતી હતી ત્યાં લતાએ જ કહ્યુ.  “અમારી તો બચપણની ઓળખ છે.”

લતા રંજના સાથે જ રહેતી હતી અને હોસ્પિટલમાં નાઇટ શિફ્ટ્ની નર્સ હોવાથી એની મુલકાત થઇ ન્હોતી.  સોમવારે મેં ઓફિસમાંથી રજા લીધી અને લતાને મળવા ગયો. ઘરમાં એ એકલી જ હતી. બેઉને ખબર કે આ પ્રણય પરિણીત સ્વઋપ નહીં પામે પણ “લાગી છૂટે ના”.  વિરહમાં તપાયેલા અમે મિલનની થંડક મેળવવા ભેટી પડ્યા. સ્પર્ષે જે સ્પંદનો જગાડ્યા તેને અમે રોકી ના શક્યા.  બે વર્ષ પલકમાં ક્યાં વહ્યા ખબર ના પડી!

પપ્પાને લકવા થઇ ગયો છે ખબર પડતા હું તરત જ રજા લઇ અમદાવાદ ગયો. ક્યારે પાછો આવીશ એ નક્કી નહોતુ. પપ્પાની આ હાલતને લીધે માની પણ તબિયત બગડી એટલે મેં રાજીનામું આપ્યું અને લતાને પત્ર લખી જણાવ્યુ કે પહેલી તકે તને મળવા મુંબઇ આવીશ.

પપ્પા ગુજરી ગયા.

છ મહિને રંજનાને ઘરે ગયો. લતા ત્યાં નહોતી.  કેલીફોર્નિઆવાસી રંજનાના ભાઇ વિવેક સાથે લગ્ન કરી તે પણ ઉડી ગઇ હતી! જનમ જનમનો સાથ તોડીને? બીજી કોઇ વાત સાંભળ્યા વિના અમદાવાદ પાછો ફર્યો.

માએ સુનિતા સાથે મારા લગ્ન કરાવી નાખ્યા. સુશીલ સુનીતાએ માનું અને મારુ મન જીતી લીધુ.  બે દીકરીનો બાપ પણ બન્યો. છતાં મારી લતાને હું કદી ભુલી ના શક્યો!

ચાલ, પુછી જ લઉં જો એ જ હોય તો ….. એમ વિચારતા એની તરફ પગલાં માંડ્યા. ત્યાં અચાનક લતાનો જ મધુર અવાજ સંભળાયો. “ઑકે, મીરા. આનંદ વાચન રુમમાં બેઠો છે તેને પણ અહીં આવી રહેવાનું કહેજે અને ડ્રાઇવરને મોબાઇલ પર કહે કે કાર ડોર પર લઇ આવે. હું બીલ ચુકવતા વાર નહીં લાગે”.  

મીરા,  આનંદને  બોલાવવા અને ડ્રાઇવરને ફોન કરવા વાંચન રુમ તરફ વળી. આ સમય યાદમાં વિહરવાનો નથી  મળવાનો છે એમ વિચારતા હું જાણે દોડ્યો..  

આખરે લતાની નજર મારા પર પડી.

“અશોક!”  લતાનુ તન ભલેને જડાઇ ગયું પણ મનથી  એ મારી બાહોંમાં સમાઇ ગઇ.

અમારી આખોંમાં અશ્રુ ભરાઇ આવ્યા. “મારી લતા”નો ગુંજન  કરતો નાદ મારા બ્રહ્માંડને હચમચાવી રહ્યો હતો ત્યાં મીરાને પાછી વળતા જોઇ.

“લતા, કેમ છે? હવે તું અહીં કાયમ માટે પાછી આવી છે કે ફરવા આવી છે?”

“તું કેમ છે? ભાણેજના લગ્ન પ્રસંગે આવી છું. પાછી જઇશ.”

“૩૫ વર્ષ વિતી ગયા! તુ મને કદી યાદ કરતી કે નહી?”

“આનંદ, તારી પ્રતિમા સદા મારી આંખો સામે જ પછી યાદને તકલીફ શાને આપવાની?” કહેતા હસી પડી.

હું ગુંચવાઇ ગયો.

ત્યાં જ મારી જ દાયકાઓ પહેલાની પ્રતિમા સમ એક યુવકે મને ઝુકીને પ્રણામ કરતા કહ્યુ “પ્રણામ પિતાજી!” એને ઉઠાવી બાથ ભરતા ભરતા લતાને મેં ફરિયાદ કરી. “મને જણાવ્યુ પણ નહી?”

“તારા પરિવારની એવી વિકટ પરિસ્થિતિ હતી કે ત્યારે તને કઇ નહી જણાવવાનું જ ઉચિત લાગ્યુ.  તારા માબાપના હ્રદયને ધક્કો લાગે એવું પગલુ આપણે જાણીને જ લીધું હતું પણ તેમને એ જણાવી દુઃખ નહીં પહોંચાડવાનો નિર્ણય પણ લીધો હતો. એ વચન કોઇ પણ કારણે  હું તોડવાની નહોતી.”

“આનંદને ક્યાંથી ખબર કે એ મારો પુત્ર છે?”

“પિતાજી, દર વર્ષે જુલાઇની ૧૭મીએ અમારે ઘરે મંગલમુર્તિ હનુમાનની પૂજા થાય અને તમારી વર્ષગાંઠ ઉજવાય. સમજણો થયો ત્યારે મમ્મી અને પપ્પાએ તમારો ફોટો બતાવી મને તમારો પરિચય કરાવ્યો.  મારા પપ્પાને પણ મમ્મી બહુ ગમતી હતી.  જ્યારે રંજનાફોઇએ પપ્પાને મમ્મીની અને તમારી વાત કરી ત્યારે પપ્પાએ જ મમ્મીને સમજાવી હતી કે ઉદરમાં ઉછરી રહેલા બાળકનું જીવન લાંછનમય ના બને તેટલા ખાતર લગ્ન કરવા જરુરી છે અને એ પોતે લગ્ન કરવા તૈયાર છે.  પપ્પાએ કદી મને એવું લાગવા નથી દીધું કે એ મારા પિતા નથી.  સત્ય જાણ્યા પછી તો ભગવાનની મુર્તિ કે મમ્મી કરતા પહેલા હું એમના આશિર્વાદ લઉ છું મમ્મી કેટલી લકી છે, જનમ જનમના બે પ્રેમીનું સુખ પામી છે!.  શ્રવણ જેવા તમે આજે મળી ગયા.  મારા આદર્ષ! લો,”” એમ કહેતા એક IPhone એણે મારા હાથમાં મુક્યો.”અમને ફોન કરતા રહેજો અને સહપરિવાર  મળવા અને ફરવા આવજો.  અમે સહુ તમારા આગમનની રાહ જોશું.”  

ઘડિભર તો શબ્દો ખોવાઇ ગયા,  “આનંદ, ફોનનો પાસવર્ડ શું છે?”

“લો, મમ્મી તો હંમેશ કહે કે તમે બહુ સ્માર્ટ છો. પાસવર્ડ શું હોઇ શકે?

“હં, શોકનો અભાવ એટલે આનંદ, AshokageAnand, બરાબર?”

“૧૦૦ %, હવે તમારા મોબાઇલ પરથી પપ્પાને ફોન કરો. નંબર છે ૦૦૧૬૫૦૫૫૫૫૫૫૫. એટલે બધાનુ મિલન થઇ જાય અને તમને અમે હેરાન કરી શકીએ”.

પ્રથમ એ દેવતાને ફોન જોડ્યો.

 

તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(18) “એંજલ”-ઊર્મિ પંડિત

મિત્રો બેઠકના નવા સર્જક ઊર્મિબેન પંડિતને પ્રેમથી અવકારશો અને એમની વાર્તા વાંચી જરૂરથી પ્રતિભાવ આપશો.

એંજલ !

મોર્નીગ ન્યુઝ ઓફ ડલાસખૂબ વંચાતા ન્યુઝપેપરના બે નંબરના પેજ પર આવતી.
કોલમમાં ટીનએજ ના પ્રશ્નો વાંચવાનો આદિત્યને શોખ હતો. શોખ  કરતાય જરૂરિયાત હતી. ઈરા હવે  થર્ટીનની બોર્ડર પર હતી.સીંગલ ફાધર તરીકે જીવવાનું આટલુ અઘરું હશે તેનો તેને ખ્યાલ હતો.!  

આદિ, લેટ અસ બી સેપરેટ ’  આદિત્યના લાખ વખત સમજાવ્યા પછી પણ અનુશ્રી તેની સાથે રહેવા તૈયાર હતી. ઈરા, ત્યારે માત્ર વર્ષની હતી.

આઈ કાન્ટ  બેર યુ મોર, આઈ ડોન્ટ વોન્ટ યોર ચાઈલ્ડ ઓલ્સો, આઈ વોન્ટ ટુ લીવ માય લાઈફ એટ ઈસ્ટ ફુલેસ્ટ  ’ પશ્ચિમમની હવામાં ઉછરેલી અનુશ્રી,  સાપ કાંચળી ઉતારે એટલી સહ્જતાથી, તેની જીંદગી ખાલી કરીને ચાલી ગઈ . ઈરાની ભોળી આંખોમાં પોતાનું ભવિષ્ય આંજીને,  આદિત્યએ તેને   વર્ષ થી ૧૨ વર્ષ સુધી તો પહોંચાડી દીધી હતી. પણ હવેનો રસ્તો ચઢાણવાળો હતો!.
ડેડી ,  હું મારી ફ્રેન્ડ ની સાથે મુવીમાં જાઉં  ? ઈરા પૂછતી.આદિત્ય ગભરાતો.

ચારેબાજુથી મળતા  સમાચાર, ચાઈલ્ડ  એબ્યુઝ , મોલેસ્ટેશન ઓફ ગર્લ્સ વગેરે વગેરે ની વાતો કરતાં રહેતાં. આદિત્ય ખૂબજ મુંઝાતો રહેતો. કાશ, પોતે એક સ્ત્રી હોત!  આદિત્ય વિચારતો . તો   પોતાની દીકરીને છૂટથી પુરુષો વિશે, તેમની ખામીઓ  વિશે કહી શકત. કેવી રીતે એને સમજાવે ?  બેટા, નજર ઓળખતાં શીખજે. ગમે તેની પર ભરોસો ના કરીશ .આદિત્ય એક પુરુષ થઈને પુરુષની ખાસિયતો, પોતાની ટીન એજર દીકરીને કેવી રીતે સમજાવે ?  તેની કેટલીય રાતો, હમણાં હમણાંથી વિચારથી વધુ ને વધુ લાંબી થઈ જતી!

  ડેડી ,આઈ વોન્ટ ટુ ગો ફોર નાઈટ આઉટ   ઈરા પણ બીજી ફ્રેન્ડ ની જેમ કરવા માગતી. સીંગલ ફાધર તરીકે તે તેનો બેસ્ટ ફ્રેન્ડ બની શક્યો હતો . બંન્ને એકબીજા સાથે ખૂબ નિખાલસતાથી વાત કરતાં. પણ હવેના ચાર-પાંચ વર્ષો કેવા જશે ? આદિત્ય વિચારતો.

આદિત્યએ પોતાના સ્ત્રી મિત્રો, બહેન બધાંની આ બાબતે સલાહ લેવાનો પ્રયત્ન કર્યો,પણ માટે કોઈ પાસે સમય હતો!

      Page 2……..

તે સતત ને સતત તણાવમાં રહેવા લાગ્યો હતો .તેની ઉંમર જાણે અચાનક ચાર વર્ષ વધી ગઈ હતી. તેણે ન્યુઝ પેપરની કોલમમાં પ્રશ્ન પૂછ્યો પણ તેને સંતોષકારક પ્રત્યુતર મળ્યો.

આખરે આશાનું કિરણ દેખાયું.

ડેડ, આઈ વીલ નોટ ગો આઉટ વિથ શ્યામ.

કેમ બેટા તે તો તારો ક્લાસ મેટ છે ને !

હા  ડેડ, પણ મને હવે તે નથી ગમતો.

નિરાલી, ઈરાની બેસ્ટ ફ્રેન્ડ ઘરે રહેવા આવી હતી. બંન્ને ખૂબ ખુશ હતા,કિચનમાં નવી વાનગી બનાવતા બનાવતાં વાતો કરતા હતાં.

મારી પેલી  વોટ્સઅપની ફ્રેન્ડ છે નેએંજલ’ ! એણે મને એક નવી રેસીપી શિખવી છે

ઈરાની વાત સાંભળીને નિરાલીને નવાઈ લાગી.  

શી ઈઝ ટુ કુલ, એણે મને છોકરાઓની બદમાશીથી કેવી રીતે ચેતવુ ? તેની પણ સલાહ આપી.

ઈરા ઉત્સાહમાં હતી. તે હવે ઘણી સમજદાર થઇ ગઈ હતી.

મારે પણ તેની ફ્રેંન્ડ બનવું છે ! ઈરા

ચાલ, તું પણ એડ થઈ જા , આપણે એક ગ્રુપ બનાવીએ વોટ્સઅપમાં, હું એંજલને રીક્વેસ્ટ કરી દઉં

અને આદિત્યએ નિરાલીને પણ ફ્રેંન્ડ બનાવી દીધી!

વોટ્સઅપનું ગ્રુપ ધમધમવા લાગ્યું.!!

ઊર્મિ પંડિત
Cell no. 9426579952,7567987705

———————————————————-

તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(17)મેસેજ સેન્ડ ના થયો..સપના વિજાપુરા

હોન્ડા સિવીક કારમાં નિધી સપાટાબંધ સુરત તરફ જઈ રહી હતી.નિધી દુલ્હનના કપડામાં શોભી રહી હતી.સફેદ ચાંદ જેવો ચહેરો કાળા ભમ્મર વાળ! અને વાળમાંથી નીકળતી બે લટ ચાંદ જેવા ચહેરા ને ઔર રોનક આપી રહી હતી. ગુલાબી હોઠ, કાળી ભ્રમર, આછાં લીલા રંગની આંખો.કમનીય દેહ!! નિધી જાણે આકાશમાંથી કોઈ અપ્સરા જમીન પર આવી ગઈ એવું લાગતું હતું. પણ નિધી ગભરાયેલી ગભરાયેલી ડ્રાઈવ કરી રહી હતી. એક હાથમાં મોબાઈલ ફોન અને એક હાથમાં સ્ટીરીયરીંગ વ્હીલ!! વારંવાર એ કોઈને મેસેજ કરી રહી હતી.ગભરાટ એટલો વધી ગયો કે આંખોમાં આંસું આવી ગયા.ગાડીની સ્પીડ વધી રહી હતી. પણ એનું એને ભાન ના હતું. એનું બધું ધ્યાન મોબાઈલ પર હતું.એ ગુસ્સામાં બબડી,” આ રોનક કેમ મેસેજના જવાબ આપતો નથી? ફોન પણ નથી ઊપાડતો..સુરત આવવાનું કહ્યું પણ સુરતમાં કઈ જગ્યાએ મળવાનું છે.”નિધી ગુસ્સામાં લાલ પીળી થઈ રહી હતી. એને મોબાઈલનો પેસેન્જર સીટ પર ઘા કર્યો.

નિધી શેઠ રતનલાલની એકની એક દીકરી હતી. ખૂબ લાડકોડમાં ઊછરેલી નિધીને રતનલાલ તથા શાંતાબેને કોઈ વસ્તુની ખોટ પડવા દીધી ના હતી.યુનિવર્સિટીમાં નિધી જુદી તરી આવતી..ફૅશનેબલ કપડા, ગાડી અને વળી સૌથી રૂપાળી પણ ખરી. અને ગુસ્સો તો એનાં નાક પર રહેતો. કોઈ યુવાન એની સામે ચૂં કે ચા ના કરી શકે..ડ્રાઈવર લેવા  મૂકવા આવે ક્યારેક પોતે ગાડી ચલાવે.. ભણવામાં પણ ખૂબ હોંશિયાર અને રમત ગમતમાં પણ અવ્વલ નંબર. હિન્દી પિકચરની હિરોઈનની જેમ એ કોલેજની સૌથી હોટ યુવતી હતી.

રતનલાલનું નામ અમદાવાદના મોટા શેઠમાં ગણાતું કાપડ ઉધ્યોગમાં ખૂબ જાણીતું હતું. રતનલાલ દીકરીને ખૂબ ચાહતાં. એનાં માટે ખૂબ ચિંતામાં રહેતા કે મારી દીકરીને લાયક કોઈ છોકરો મળી જાય તો સારું. રતનલાલની ઘણી ઓળખાણ અને સંબંધને કારણે લોકો નિધી માટે વાત મોકલતા પણ રતનલાલને કોઈ છોકરો ધ્યાનમાં આવતો ન હતો. છેવટે શાંતાબેનની દૂરની ભાણી મુંબઈ થી એક છોકરાનું માંગું લઈને આવી.ભાણી નાં જ સગામાં હતાં. બહું મોટી પાર્ટી હતી. છોકરો પણ એન્જિનિયર થયેલો. પણ એનાં પપ્પાને બીઝનેસમાં મદદ કરતો હતો. ભવ્ય ખૂબ દેખાવડો અને સંસ્કારી છોકરો હતો. રતનલાલ અને શાંતાબેન મુંબઈ ઊપડી ગયાં છોકરો જોવા બન્ને ને ભવ્ય ખૂબ ગમી ગયો. તમે અમદાવાદ આવો કહી બન્ને ખુશી ખુશી અમદાવાદ પાછાં ફર્યા.

નિધી પહેલેથી છૂટ માં રહેલી. મમ્મી પપ્પા પણ કોઈ વાતનો વાંધો લેતા ના હતાં. નિધી ફેઇસબુકમાં મિત્રો બનાવે એની સાથે વાતો કરે.. નિર્દોષતાથી!! પણ એક છોકરો ફેઇસબુકમાં પોસ્ટ મૂકતો અને નિધી એની બધી પોસ્ટ ફોલો કરે.નિધીએ એને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પણ એ સ્વીકારતો નહોતો..નિધી માટે આ અપમાનજનક સ્થિતી હતી.” એ શું સમજતો હશે ..હું એની પાછળ પાગલ છૂં? ગો ટુ હેલ!! પણ નિધીને આ વાત દિવસ રાત બોધર કરતી હતી.એને એના એક કોમન ફ્રેન્ડને જણાવ્યું કે રોનકને કહે મારી સાથે દોસ્તી કરે. દોસ્તના કહેવાથી એણે રીક્વેસ્ટ સ્વીકારી. હવે નિધી રોજ સવારે ગુડ મોર્નિંગ અને રાત્રે ગુડ નાઈટ કહે. રોનક્ને શાયરી મોકલે હ્રદયના ફોટા મોકલે.હવે રોનકની થોડી અકડ ઓછી થઈ હતી. ધીરે ધીરે રોનક નિધીને ગમાડવા લાગ્યો.બન્ને એકબીજાની ખૂબ નજીક આવી ગયાં. રોનક દિલ્હીનો હતો. ફોટા પરથી ખૂબ દેખાવડો લાગતો હતો. અને કહેતો હતો કે સોફ્ટવેરમાં ભણે છે આઈટીનો સ્ટુડન્ટ છે.નિધી તો રોનકને દિલ દઈ બેઠી. નિધીના દિલોદિમાંગ પર રોનક જ છવાયેલો રહેતો. રોનકે નિધીને કહેલું કે એ સામાન્ય ઘરનો છોકરો છે ડેડી ગુજરી ગયાં છે અને મા સ્કુલમાં ટીચર છે અને એક નાની બેન છે.નિધી તો રોનકની અકડાઈ પણ ભૂલી ગઈ. “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની” જેવી હાલત હતી.રોનક કહેતો એ બધું કરતી. ક્યારેક ફેઇસટાઈમ રોનક કિસ આપવા કહેતો તો ક્યારેક દુપટ્ટો નીચે કરવા કહેતો તો ક્યારેક.. નિધી ખૂબ શરમાઈ જતી પણ રોનકને ખુશ રાખવા બધું કરતી.

રતનલાલે અમદાવાદથી આવી દીકરીને બોલાવી કહ્યું, ” જો બેટા, અમે તારા માટે મુરતિયો જોઈ આવ્યા છીએ અને બહુ સારું ખાનદાન અને માલદાર પાર્ટી છે દીકરો પણ એકનો એક છે.દેખાવડો, ભણેલો અને સંસ્કારી શાંત સ્વભાવનો છે. તારે લાયક છે.નિધી તો આ સાંભળી એકદમ હક્કાબક્કા રહી ગઈ. જલ્દી દોડીને રૂમ માં ગઈ. રતનલાલને એમ કે દીકરી શરમાઈ ગઈ છે. પણ શાંતાબેન સમજી ગયાં. એ પાછળ પાછળ રૂમ માં ગયાં. નિધી બોલી,” મોમ, હું આ લગ્ન નહી કરું.” શાંતાબેને એને ખૂબ સમજાવી કે તારા પપ્પાએ વચન આપ્યું છે. હવે કાંઇ નહી થઈ શકે. નિધી રૂમનું બારણું બંધ કરી ખૂબ રડી. પછી આંસું લૂંછી ઊભી થઈ ગઈ. કૉમ્પ્યુટર પર જઈ ફેસબુક ખોલીને બેઠી. રોનક ઓન લાઈન હતો. તેણે રોનકને ફેઈસટાઈમ પર બોલાવ્યો. રડી રડીને બધી વાત કરી. રોનકે એને આશ્વાસન આપ્યું કે આપણે બન્ને કોર્ટ મેરેજ કરી લઈશું પણ આપણા પ્રેમને હારવા નહી દઈએ.
અહીં રતનલાલ બધી તૈયારીમાં પડી ગયાં ઝટ મંગની પટ બ્યાહ જેવી વાત થઈ. ભવ્યના  માતપિતા અમદાવાદ આવ્યાં. મને  કમને મંગની થઈ ગઈ. ૧૬ ઓગષ્ટના લગ્ન લેવાયાં. કાર્ડ મોકલી અપાયા બધી તૈયારી ધૂમધામથી ચાલી રહી હતી.નિધી પોતાના ચહેરાના ભાવ છૂપાવી બધી તૈયારીમાં સાથ આપી રહી હતી.

રોનકનું ફાઈનલ ઈયર હતું. ઓગષ્ટમાં એની એક્ઝામ ખતમ થતી હતી. બન્નેએ ૧૬ ઓગષ્ટના સુરતમાં મળવાનું નક્કી કર્યુ હતું. નિધી બ્યુટી પાર્લરમાં ગઈ અને ડ્રાઈવરને છૂટી આપી કારની ચાવી લઈ લીધી. દાગીના થોડી કેશ લઈને એ પાર્લરમાં તૈયાર થવાને બહાને ગઈ. પાર્લરમાંથી નીકળી સીધો એણે સુરતનો રસ્તો પકડ્યો.હોન્ડા સિવીક ગાડી પાણીના રેલાની જેમ જઈ રહી હતી.રોનક ફોન ઉપાડતો ન હતો. લગનનો મંડપ મૂકી આવેલી નિધીને સમજાતુ ન હતું કે શું કરે? રોનકે દગો દીધો? શા માટે મારી લાગણી સાથે રમ્યો. મેં એનો કેટલો વિશ્વાસ કર્યો.વિચારના વંટોળ ચાલી રહ્યા હતાં. એણે ફરી ફોન હાથમાં લીધો. કે મેસેજ કરું. એક હાથે સ્ટિયરિંગ પકડેલું અને એક હાથે ફોન એ મેસેજ ટાઈપ કરવા લાગી..ટાઈપ કરવા જરા નીચું જોયું અને સામેથી એક મોટી ટ્રક આવી નિધીની કાર જરા લેઈનથી બહાર થઈ. ધડૂમ… કારે ટ્રકને મારી દીધી..કાર એક ઝાડ સાથે ભટકાઈ અને બંધ પડી ગઈ. બધાં માણસો ભેગા થઈ ગયાં. નિધીનો દુલ્હનનો ડ્રેસ લોહીથી લાલ થૈ ગયો. ચાંદ જેવો ચહેરો લોહીથી ખરડાઈ ગયો.નિધીને હોસ્પિટલ લઈ ગયાં પણ નિધી સખત રીતે જખમી થઈ હતી. માથામાં પણ વાગેલું નિધીના પ્રાણ પંખેરુ ઊડી ગયાં હતાં. મોબાઈલ પરથી એનાં ઘરનો નંબર મળ્યો. રતનલાલ અને શાંતાબેન રોતાં કકળતાં હોસ્પિટલ આવ્યા. એના કલેજાનો ટૂકડો આ દુનિયા છોડી ચાલી ગયેલો.રોનકના કોઈ સમાચાર ન હતાં. નિધીનો અર્ધો લખેલો મેસેજ સેન્ડ થયો ના હતો!!
સપના વિજાપુરા


Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

તરુલતા વાર્તા સ્પર્ધા-(16) હેય… માય સન..! વૉટ્સઅપ?-વૈશાલી રાડિયા

 

મિત્રો બેઠકના નવા સર્જકને ઉમળકાભેર આવકારો.વૈશાલીબેન આપનું બેઠકમાં સ્વાગત છે.

હેય… માય સન..! વૉટ્સઅપ?

ચોમાસાની મેઘલી રાતના અંધકારને વધુ ડરામણો બનાવતો ઘરનો મુખ્ય દરવાજો ચરરર… અવાજ કરતો ખૂલ્યો. આર્યને બિલ્લીપગે ઘરમાં પ્રવેશી ઝાંખા પ્રકાશમાં હોલની ઘડિયાળમાં જોયું. રાતના બે ને દસ મિનિટનો સમય બતાવતી મોટા લોલકવાળી ઘડિયાળ ટક…ટક… અવાજથી ઘરની શાંતિ ભંગ કરતી હતી. ધીમેથી આર્યને ડગલું આગળ ભર્યું, ત્યાં લાઈટો ઝગમગી ઊઠી અને સામે તેના પિતા -એપલ ફેબ્રિક્સના માલિક સનાતન મલ્હોત્રા ઊભા હતા. નજરું ટકરાઈને છૂટી પડી અને પગના રસ્તા પણ પોતપોતાના બેડરૂમ તરફ ફંટાઈ ગયા!

પથારીમાં પડેલા સનાતન મલ્હોત્રાની આંખ સામે છત પર જાણે જિંદગીનું ચિત્રપટ ચાલતું થયું. મા વિનાના આર્યનને મા-બાપ બન્નેનો પ્રેમ આપીને ઉછેરેલો, છતાં બિઝનેસના અનિવાર્ય પ્રવાસો અને મિટિંગોના કારણે આર્યન એકલો રહી ગયો. નાની ઉંમરથી જ સ્ત્રીના પ્રેમ-સહવાસ માટે ઝંખતો આર્યન ક્યારે ઇન્ટરનેટ પરના સેક્સી વિડિયો, પોર્નોગ્રાફીની જાળમાં અટવાઈ ગયો અને બધી જાતના કુછંદે ચઢી ગયો, એ સનાતનને ધ્યાન જ ન રહ્યું. એક વાર તો સુરતની બદનામ ગલીઓમાં દોસ્તો સાથે રાત રંગીન કરવા ગયેલો આર્યન પોલીસની રેડમાં પકડાયો, પણ બાપના પૈસાના જોરે છૂટી ગયો. જોકે, એ રેડ સિવાયની તો છાનીછપની કંઈકેટલીય રાતો લાલ ગુલાબના મુલાયમ સહવાસમાં ‘રેડ’ કરેલી એ કોઈ શું જાણે?!આ ચક્કરમાંથી છોડાવવા સનાતને દીકરાને સલાહ આપવા પ્રયત્ન કર્યો, પણ ત્યાં સુધીમાં તો પાણી પાળ કૂદાવી ગયું હતું એટલે અવારનવાર આર્યનની આવારગી અને સનાતનનો સંતાપ નજરુંના મૌનમાં જ ટકરાઈને સમાઈ જતાં!

પણ, નિયતિનું ચક્ર ફરતું રહે છે. એવામાં એક વખત સનાતનની તબિયત બગડતા, અગત્યની બિઝનેસ મિટિંગ માટે આર્યનને મુંબઈ જવાનું થયું. આર્યનને તો બિઝનેસ ટ્રિપની સાથે ‘ફન ટ્રિપ’ જોઇન્ટ જ હોય! દોસ્તોને પણ સાથે લીધા અને મર્સિડીઝ લઈને સુરત ટુ મુંબઈની સવારી ઉપડી.

******

અષાઢ-શ્રાવણના સરવડાથી લીલી ધરતી ને મહેનતુ ખેડુઓ – એમાં બે જીવ સોતી સમા બેસી ગયેલી જીવલીને ખેતરમાં કામ કરતી વેળા કેડ સમાણા ઘાસમાં ખબર નહીં ક્યારે સાપ ડસી ગયો અને તેણે ઓય… મા… કરતી’ક પછડાટ ખાધી. એની ચીસ સાંભળીને એની સાસુ રાજીડોશી બૂમ પાડતી દોડી. આસપાસના ખેતરમાં કામ કરતાં માણસો પણ બૂમ સાંભળીને દોડી આવ્યા. દેશી ઉપાયો ચાલું કરી દેવાયા. એક છોકરો ડાફુ દેતો વૈદબાપાને બોલાવી લાવ્યો. વૈદે સાપનું ઝેર તો ઉતાર્યું, પણ ડરના માર્યા ફફડી ગયેલી જીવલીના ગર્ભાશયનું મુખ ખૂલી ગયું. અધૂરામાં પૂરું ગામની એક માત્ર દાયણ ત્યારે બાજુના ગામમાં કાણે ગઈ’તી. એટલે જીવલી અને એના પેટમાંથી બહાર નીકળવા પાટું મારતા જીવને બચાવવા કોઈ ત્યાં હાજર નો’તું. વૈદબાપાએ કહી દીધું, ‘બાજુના શહેરમાં જો પુગાડી શકીએ, તો આ બાઈ ને એનું છોકરું બચે. બાકી તો રામ… રામ..!’ ને રાજીડોશીના પગ પાણી-પાણી થઈ ગયા. ભરજુવાનીમાં ધાવણો છોકરો ખોળામાં મેલીને ઘરવાળો સિધાવ્યો ને આજે એ દીકરો-જીવલીનો વર નંદુ છ મહિના પહેલાં જ ખેતરમાં કાળોતરો ડસતાં ઊકલી ગયો. કુટુંબના તારનારને વધાવવાની આશામાં બધું સહેવા છતાં ટટ્ટાર રહીને જીવલીને જોમ આપનાર આ ડોશી, વધતી રાતની સાથે, અચાનક જાણે ઉંમરના ભારથી ઝૂકી ગઈ, પણ થોડી પળોમાં જીવલીના ચહેરા સામે જોતાં કોણ જાણે કયા બળે એ ઊભી થઈ અને એકદમ સ્વસ્થતાથી બોલી, ‘હેંડો, જીવલીને નાખો ખાટલામાં. વે’લો ઊગે દિ ને ઝટ આવે શે’ર. ઘડીભરની વાટ જોવીય હવે નક્કામી.’ડોશીની હિંમત જોઈ રામલો, ભીખો, વસનજી, દગડુ એમ ચાર-પાંચ જુવાનિયા ખાટલો લઈ હાલી નીકળ્યા. ભળભાંખળું થવાને હજી વાર હતી, પણ અજવાળિયા હતા એટલે નીકળી તો પડ્યા, પણ વાહન મળશે કે કેમ એ ચિંતા હતી. તોપણ ગામડાના એ શ્રદ્ધાળુ લોકોભગવાનનું નામ લઈ મોટી ડાફુ ભરતા હાલી નીકળ્યા.

રસ્તા પર નીકળતાં એકલ-દોકલ વાહનને હાથ ઊંચા કરે, પણ એમ જ બે-ત્રણ ગાડીઓ જતી રહી. બીજી બાજુ, જીવલીને વારેવારે ચીસો પાડતી, વળ ખાઈને સૂધ ખોતી જોઈને ડોશીનો જીવ તાળવે ચોંટી જતો હતો. તેનાથી આકાશ સામે જોઈને બે હાથ જોડાઈ ગયા, આંખો ચૂવા લાગી કે, ‘આવડો તો અમારો કયો ગનો? હજી કસોટીયું?’

ને જાણે ભગવાને સાદ સાંભળી લીધો હોય એમ સડસડાટ દોડતીએક મર્સિડીઝ ઊભી રહી. જુવાનિયાઓએ કારના સવારોને વિનંતી કરી કે, બાજુના શહેરની હોસ્પિટલે પહોંચાડી દો, તો તમારા જેવો ભગવાનેય નહીં. મર્સિડીઝમાં બેઠેલી આર્યનટોળી જેને ભગવાન સાથે કોઈ નિસબત નહોતી, તેમનામાં પણ અચાનક માનવતાનું ઝરણું ફૂટ્યું અને સાસુ-વહુને લિફ્ટ આપી.

થોડે દૂર ગયા, ત્યાં જીવલીની પ્રસવપીડાએ વેગ પકડ્યો. બીજી તરફ, મર્સિડીઝના ટાયરમાં પંક્ચર થતાં બ્રેક લાગી અને કીચુડ…કીચુડ… કરતાંક ગાડી કાદવમાં ખોડાઈ ગઈ! ને જીવલીને રીબાતી જોઈને આર્યન અને તેના દોસ્તોને અચાનક પોર્નોગ્રાફી અને નેટ પર કરેલાં ખાંખાખોળાંનું જ્ઞાન તાજું થયું. સ્ત્રીના શરીરની તમામ રચનાથી વાકેફ આ જુવાનિયાઓનો આત્મા જાગ્યો અને એક જુદી જ દૃષ્ટિ જીવલી પર પડી. એ દૃષ્ટિમાં હવે ફક્ત કરુણા ને માનવતા જબચી હતી. કારમાં પડેલાં સાધનોમાંથી જે ફાવ્યું ને હાથ લાગ્યું તે લઈને તેમણે રાજીડોશીની મૂક સંમતિથી જ જીવલીની ડિલિવરીનું કામ શરૂ કરી દીધું. નેટ પર સર્ચ કરીને એક દોસ્ત જેવું તેવું માર્ગદર્શન આપતો ગયો! મેઘલી રાત ને ઘડી પહેલાં બનેલા અણઘડ ડૉક્ટરોના હાથમાં બાજી હોવા છતાં પણ રાજી ડોશી પાસે બે હાથ જોડી બંધમાં રમવા સિવાય કોઈ આરોઓવારો નહોતો!

ત્યાં અચાનક આર્યન ટોળી ગેલમાં આવી ગઈ. લાલ રક્તથી ભીંજાયેલો એક જીવ તેમના હાથમાં આવ્યો. એણે નાડ કાપી ત્યાં સૂમસામ રસ્તો ઉંવા… ઉંવા…ના રુદનથી ગાજી ઊઠ્યો ને રાજીડોશીના હાથમાં જીવલીનો બેટો ઝીલાઈ ગયો! એ રુદન સાથે રાજીડોશીની આંખના શ્રાવણ-ભાદરવા સાથે એના ભગવાને જવાબ આપ્યો હોય, એમ આકાશમાંથી ધીમે ધીમે ફોરાં વરસ્યાં, જાણે નવા જીવનું સ્વાગત ન કરતાં હોય! શરીરને ઢીલું મૂકતાં, જીવલીએ સુખની સુરખીમાં આર્યન ટોળી સામે જે સ્મિત કર્યું, એ સ્મિતમાં જાણે હજારો આશીર્વાદ અને સંતોષ ઝળકતા હતા, જે આ ફન-ટોળીને હચમચાવી ગયા. આજે એમણે સ્ત્રીશરીરને મા સ્વરૂપે જોયું હતું.રાજીડોશી અને જીવલીને વિદાય કરીને પછીનો રસ્તો એ ટોળીએ મૂંગા-મૂંગા એક અજબ ભાવના સાથે પસાર કર્યો. તેમની નજરોએ જ આંખોના માધ્યમથી ઘણી વાતો કરી લીધી કે સ્ત્રી એ માતા, બહેન,દીકરી, પત્ની ઘણું છે ફક્ત એક શરીર નથી. અને ‘મિસ’યુઝ ન થાય તો નેટ પણ ફક્ત ‘ફન’ નથી.

******

ઇન્ટરનેટના આ યુગમાં આવા સમાચારોને વાઇરલ થતા વાર શી?મુંબઈની બિઝનેસ ટ્રિપ સફળતાપૂર્વક પતાવી મોટી ડીલ ફાઇનલ કરીને એક જ રાતમાં છેલબટાઉને બદલે એક જવાબદાર યુવાન બની ગયેલા આર્યને જ્યારે સુરતના પોતાના બંગલામાં પગ મૂક્યો,ત્યારે દરવાજા પર જ મંદ સ્મિત અને અનેરા ગર્વ સાથે સનાતન મલ્હોત્રાને ઊભેલા જોયા. બાપ-દીકરાની નજર ટકરાઈ, પણ આજે તેમાં ટકરાવ કરતાં લાગણી અને સમજણનો મહાસાગર હતો અને તે દિવસે એ નજરો નીચી ન પડી, પણ બોલી ઊઠી. હાથ ફેલાવીને સનાતને આર્યનને આવકાર્યો ને છાતી સરસો ચાંપતા બોલી ઊઠ્યો કે, ‘હેય… માય સન..! વૉટ્સ અપ?

મોડી રાત્રે સનાતન મલ્હોત્રાએ પ્રથમ વખત ફેસબુક એકાઉન્ટ શરૂ કરીને તેના ડીપી તરીકે પિતા-પુત્રએ સાંજે લીધેલી સેલ્ફી ચમકી રહી હતી.

******

-વૈશાલી રાડિયા

+91 94288 63730

તરુલતા વાર્તા સ્પર્ધા (15)’મ્યુચ્યુલ ફ્રેન્ડ’ -આરતી રાજપોપટ

  અનન્યા ઇઝ ટ્રાવેલિંગ ટુ મુંબઈ વિથ ઉર્વી  રાજ .

એરપોર્ટ પર જતાજ અનન્યા એ ચેક ઈન કરી fb પર સ્ટેટસ અપડેટ કર્યું.

રાજકોટ સ્થિત અનન્યા (અનુ અને રાજ ની એક ની એક હોનહાર અમદાવાદ માં  ભણી પોસ્ટ ગ્રજ્યુએટ થયેલી દીકરી ઉર્વી  ને પુના માં જોબ મળી હતી..બિઝનેસ ની વ્યસ્તતાને લીધે રાજ નીકળી શકે એમ ન હોવાથી અનુ ને ઉર્વી  જઈ રહ્યા હતા. અનુ થો ડી નર્વસ હતી લગ્ન પછી પહેલી વાર આ રીતે એકલી પતિ ની ઓથ વગર પોતાની જવાબદારી થી કોઈ કામ કરવા જઈ રહી હતી. પણ એટલીજ ઉત્સાહિત અને રોમાંચિત હતી.

   મુંબઈ માંજ જન્મી મોટી થયેલી ફાઈન આર્ટસ ગ્રજ્યુએટ  અનુ આમ તો ખુબ તેજ તર્રાર અને સ્માર્ટ હતી પણ લગ્ન પછી એને એની જાત ને ઘર વર અને જાવદારીઓ માં એવી ખૂંપાવી દીધેલી કે પોતે પોતાને ભૂલી જ ગઈ હતી.

પણ ઉર્જા ભણવા ચાલી ગઈ અને સાસુમા ના સ્વરવાસ પછી પોતાને ખુબ એકલું મહેસુસ કરતી ત્યારે રાજ ની જ સલાહ થી તેના જુના શોખ ચિત્રો, વાંચન અને સમાજ સેવા જેવા કાર્યો તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. પહેલા તો સોશિયલ મીડિયા થી દૂર ભાગતી અનુ હવે તો તેમાં પણ ખાસ્સી સક્રિય થઇ ગઈ હતી ત્યાં તેને ખુબ માં  મજા  આવતી ..ત્યાં તેના આર્ટ 

વર્ક ને વિચારો બધું ઘણું બધું શેર કરતી ..તેને ઘણા બધા નવા નવા મિત્રો પણ બનાવ્યા.રાજ તો તેને મજાક માં ઘણી વાર ફેસબુક કવિન કહી ચીડવતો તે તો  fb થી દૂર જ રહેતો.આજે પણ 

એક્સાઇટમેન્ટ ની સાથે તેને સ્ટેટસ મૂક્યું અને દીકરી ને ગુડ લક કહેવા રાજકોટ… અને આવકારવા આખું મુંબઈ હાજર હોય એટલા કોમેન્ટ્સ  અને  લાઇક્સ  હતા..!

  બે-ત્રણ દિવસ પિયર રહી બંને પુના આવી ગઈ જોબ નો ફાઇનલ ઇન્ટરવ્યૂ અને ઘર નું સેટિંગ વગેરે પતાવી આજે જ ફ્રી થયા ત્યાં જ રાજ પણ તેની લાડકી ને મળવા ,બધું બરાબર સેટ થઇ ગયું છે ને એ જોવા અને ઉર્વી નો થોડો ઘણો સમાન બાકી હતો તે લઇ ને આવી પહોંચ્યો .

  સવારે એના ડૅડુ ને મળી ઉર્વી  ઓફિસ ગઈ .. કિચન હજુ ચાલુ નોતું થયું તો બપોરે બંને બહાર લંચ લઇ આવ્યા…ને અનુ એ પૂછ્યું 

‘ રાજ  હવે  કઈ ખાસ કામ નથી તો તારા ફોઈ ને ઘેર મળી આવીશું?’ 

 ‘અરે ના અનુ જો હું તને કેતાં જ ભૂલી ગયો મારે મારા એક દોસ્ત ને મળવા જવાનું છે આજે’

  ‘ આજે તો આવ્યો ને આજે જ જવાનું..બાય ધ વે  તારો વળી પુના માં કોણ ફ્રેન્ડ છે મને તો કોઈ ધ્યાન નથી?’ 

 ‘ નહોતોજ ..તને યાદ છે હમણાં થોડા વખત પહેલા અમારી સ્કૂલ નું રી-યુનિયન થયેલું ..ત્યારે ઘણા જુના મિત્રો એક- મેક ને મળ્યા ત્યારે વૉટ્સઅપ નું એક ગ્રુપ બનાવ્યું હતું તેમાં થી આને મને શોધી કાઢ્યો ને. મને મેસેજ કર્યો હું તો વિચારુ આ કોણ છે ?

એ ઓળખાણ આપે પણ મને કશું જ ક્લિક ન થાય …ઘણું યાદ કર્યું પછી એનો Dp જોયો ફેસ જોયો ને યાદ આવ્યું ઓહ આતો સુનિલ શેઠ ..મારો બચપણ નો ગોઠિયો એક થી સાત આઠ ધોરણ સુધી એકજ બેન્ચ પાર બેસી ભણેલા પછી મેં સ્કૂલ બદલી ઘર બદલ્યું એ લોકો પણ થોડા વર્ષ પછી અહીં રહેવા આવી ગયા..અનુ આજે લગભગ ૩૫ વર્ષ પછી અમે મળીશું..’

  ‘અરે વાહ રાજ હું પણ મારી કોલેજ ની સખી ને અહીં આવી ૨૫ વર્ષે મળી ..અમારું પણ કોલેજ ના રી યુનિઅન વખતે વોટ્સઅપ ગ્રુપ બન્યું હતું ત્યારે ચાર વર્ષ પહેલા અલપઝલપ મળ્યા તા તે પાછા વર્ષો પછી મન  ભરી ને મળ્યા ખુબ વાતો કરી ને યાદ તાજી કરી.’

 raj: ‘આ આધુનિક ટેક્નોલોજી 

નું વિશ્વ પણ અજબ છે ને..!’

   અનુ : ‘હા દુનિયા નો  દાયરો તો નાનો  કરી  જ  નાખ્યો ,બિછડેલાં અને 

વર્ષો થી ન મળ્યા હોય એવા લોકો ને મેળવે ,મળેલા ને જોડેલા રાખે..આંગળી ના ટેરવે આખી દુનિયા સાથે જોડાયેલા રહો ઘેર બેઠા જે જોઈ તે મેળવો ..જો ને આપણી ઉર્વી એ પણ કેવો ત્યાં બેઠા બેઠા જ  ફોન ,કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ   ના માધ્યમ  થી સ્કાઇપ પર ન્ટરવ્યૂ આપ્યો પ્રેઝન્ટેશન આપ્યું ને જોબ મેળવ્યો ..ત્યાં થી જ ફ્લેટ જોઈ રાખેલા જે અહીં આવી પસંદ કરી પાક્કું જ કરવાનું હતું આપણને તો આ બધું એક સ્વપ્ન સમાન લાગે જે તારી ઢીંગલી એ કરી બતાવ્યું.’

  વાતો કરતા બેઠા’તા ને તેના  ફ્રેન્ડ નો કોલ આવ્યો.વાત કરી રાજે કહ્યું   તે મને પીકઅપ કરવા આવે છે તો ફ્લેટ જોવા ને મળવા આવશે. 

 થોડી વાર માં એ આવ્યો 

રાજે  બંને  ની ઓળખાણ કરાવી ..’સુનિલ ..મારી વાઈફ અનન્યા ..અનુ આ સુનિલ .

હલ્લો નમસ્તે ની આપ-લે 

થઇ…

  અને એ અનુ ને  કહેવા ‘ઓહ તમે રાજ ના વાઈફ છો ?વર્લ્ડ ઇઝ સો સ્મોલ ‘

 રાજ :” ઓહ તમે બંને એક બીજા ને ઓળખો છો ? કેવી રીતે?’

ના રાજ મને તો કઈ ખ્યાલ નથી ..હું નથી ઓળખતી 

આમને ..’

  સુનિલ ખડખડાટ હસી 

કહેવા લાગ્યો ‘રાજ  હું અને ભાભી જી તો ફેસબુક પર ફ્રેન્ડ છીએ ‘.

અનુ : ‘અચ્છા ..!મને તો એવું કશું ધ્યાન નથી .’

   થોડી ઔપચારિક વાતો થઇ ને અનુ ને પણ સાથે ડિનર માં જોડાવા નો આગ્રહ કર્યો પણ તેણીએ ના પડતા બંને ગયા.

  નવરી પડતા આદત મુજબ અનુ  ફોન લઇ ને બેઠી .સવાર થી હાથ માં નહોતો લીધો તો મેસેજીસ ના ઢગલા હતા. fb પર  પણ નોટિફિકેશન ની ભરમાર..! મેસેન્જર માં ૧૫ નો આંકડો બ્લિન્ક થતો હતો. એને થોડું હસવું આવી ગયું કેમકે ઇનબૉક્સ માં માત્ર જે પુરુષ મિત્ર હોય તેના  જ વધારે મેસેજીસ આવે. અને મેસેજ અને કોમેન્ટ પણ કેવા કેવા હોય અમુક ના તો 

‘વ્હોટ આર યુ ડુઇંગ બ્યુટીફૂલ ‘

યોર સ્માઈલ ઇઝ કિલર 

આપણે થોડી વાતો કરી ઓળખાણ વધારીએ ?

કેન આઈ કોલ યુ ?

આપણ ને થાય કે આવા લોકો ના ઘર માં રીતભાત જેવું કઈ શીખવતા નહિ હોય? કેટલીયે વાર ના પાડીયે કોઈને તો સખત 

શબ્દો  માં  કઈ નાક કાપી ને હાથ માં આપો પણ કઈ ફરક જ ન પડે.

  વિચારતા વિચારતા અનુ ને રાજ નો ફ્રેન્ડ યાદ આવ્યો એના કહેવા મુજબ  ફેસબુક પર ફ્રેન્ડ છીએ અમે બંને..એને ફ્રેન્ડ્સ લિસ્ટ માં જઈ શોધ્યું અને સુનિલ શેઠ  નામ મળ્યું એને પ્રોફાઈલ પિક ખોલી ને ધ્યાન થી જોયો …ઓહ હા એ જ છે Fb પર જૂનો પિક મુક્યો લાગે છે એમાં વાળ વાળો ફોટો છે ને અત્યારે અડધી ટાલ પડી ગઈ છે તેથી પોતે ઓળખી ન શકી..પણ અચાનક તેને યાદ આવ્યું અહીં આવી એના થોડા દિવસો પહેલાજ એની રિકવેસ્ટ આવેલી ઘણા મ્યુચુઅલ ફ્રેન્ડ હતા બંને  ના તેની વોલ પર જઈ ને પણ ચેક કર્યું’તું બધું બરાબર લાગ્યું તો રિકવેસ્ટ એક્સેપટ કરી તી અને એના પણ પેલા ઇનબૉક્સ ની ‘જમાત ‘વાળા લોકો જેવા મેસેજ આવ્યા હતા અનુ એ સ્પષ્ટ શબ્દો માં પર્સનલ ચેટ ની ના પાડી દીધી હતી પછી તો તે અહીં આવી ગયેલ અને Fb પર હમણાં વધારે એક્ટિવ નહોતી..એને શું હું તેના મિત્ર ની પત્ની છું એ જોઈ મને રિકવેસ્ટ મોકલી ? ના ના એ તો શક્ય નથી એ કેવી રીતે ઓળખે મારો ને રાજ નો તો એક પણ પિક નથી fb પર રાજ  તો Fb પર છે જ નહિ..એને ગુસ્સો આવ્યો રાજ નો બાળપણ નો ખાસ મિત્ર આવો ..? આવે એટલે કહું એને .. અનુ ખુબ બેચેન થઇ ગઈ…રાજ ની રાહ જોતી બેસી રહી ..

  આખરે રાજ આવ્યો …’ રાજ તને એક વાત કરવી છે’ 

  ‘ ઓહ એનું તું પહેલા મારી વાત સાંભળ આજે કેટલો ખુશ છું હું બાલ ગોઠિયા ને મળી ને ૩૫ વર્ષ પહેલા નો સમય જાણે ફરી જીવી ને આવ્યો ..આહા શું દિવસો હતા એ…મજા આવી ગઈ અનુ મજા આઈ  એમ સો હૅપી ..’ 

  ‘ અરે હા તું કૈક કહેતી હતી ને?

    ‘કઈ નઈ છોડ ચાલ સુઈ જાય ‘

   પણ ઊંઘ ક્યાં આવે મનમાં વિચારો નું તાંડવઃ ચાલતું’તું  એને સુનિલ ના ચિપ અર્થહીન સંદેશ નજર સામે તરવરતા હતા..પણ એ રાજ ને કશું કહી ન શકી… એ બાપડો કરે પણ શું ..એના મન માં તો એના નાનપણ ની જ છબી અંકિત છે ..કેટલો ખુશ હતો એ આજે જ એટલા વર્ષે મળ્યા ને આજેજ એનું દિલ ક્યાં તોડું ? હશે હવે તો એને ખબર છે કે  હું કોણ છુ તો સબંધ ની મર્યાદા રાખશે જ પણ મારા સિવાય કેટલી લેડી સાથે એ એવું વર્તન કરતો હશે? 

  વિચારમગ્ન હતી ને Fb ના નોટિફિકેશન નો ટન્ક ટન્ક અવાજ આવ્યો ..ઓહ ફરી એજ ઇનબૉક્સ મેસેજ હશે ..Fb ખોલ્યું ને સ્તબ્ધ બની ગઈ એનો જ સુનિલ નો જ હતો   અનુ તો ગુસ્સા થી કાપવા  લાગી ..આ માણસ ને કઈ શરમ સંકોચ જેવું લાગતું નથી કે નથી કોઈ ડર જેવું …

  અનુ એ રીપ્લાય કર્યો

તમને કશું લાજ શરમ જેવું છે કે નહિ ..વિચાર્યું નહિ કે મારા પતિ જે તમારા મિત્ર છે એને જણાવી દઈશ તો શું થશે ?

‘ તમે નહિ જ કહો મને ખાતરી છે’ 

નફ્ફટાઈ ભરેલો જવાબ…

 અને અનુ ની કમાન છટકી ..હું એને  કહી તો   ચોક્કસ શકું છુ પણ કહીશ નહિ એને ખબર નથી કે અમારી પતિ-પત્ની વચ્ચે ખુબ પારદર્શિતા છે..અમે બંને એક બીજાથી કશું છુપાવતા નથી પણ બેટમજી તને તો બરાબર હુંજ કરીશ …

 ‘ ફેસબુક એક આખો સામાજિક મેળાવડો છે અલગ અલગ ઓળખ અને 

વિચારો  ધરાવતા  લોકો  ને  મળવાનું , મિત્રો બનાવવા, વિચારોનું આદાનપ્રદાન,પોતાની આવડત કલા બીજા સાથે વહેંચવાની,બીજાની ખૂબી ઓ ને પ્રોત્સાહિત કરવાની ,

નવું શીખવાનું સમજવાનું,ખુદ નો આત્મવિશ્વાસ જગાવાનું ,ભિન્ન ભિન્ન અભિપ્રાયો,સામાજિક જાગૃતિ અને સૌથી વધુ તો છુટા પડેલા અંગત અને મિત્રો ને શોધવાનું એક ખુબસુરત માધ્યમ છે.

  તમે fb પર ફ્રેન્ડ્સ બનાવો ..પછી મિત્રો ના મિત્રો કે તેના પણ મિત્રો રિકવેસ્ટ મોકલે ત્યારે મ્યુચ્યુલ ફ્રેન્ડ ઘણા જાણીતા કે નજીક ના હોય એટલે આપણે ફ્રેન્ડ્સ રિકવેસ્ટ એક્સેપટ કરીએ ..એમાં પુરુષ મિત્રો કેટલાય એવા હોય જેને સ્ત્રી મિત્રો ના વિચારો ,શોખ કે એવી કશી વાત થી નિસ્બત ન હોય તેને રસ હોય ફક્ત તેની અંગત બાબતો જાણવામાં તેની સાથે ઔચિત્ય ભંગ થાય , તેની ગરિમા કે સ્વમાન ને ઠેસ પહોંચે છે એ જાણ્યા વગર વર્બલી અબ્યુઝ કરવામાં. આવા લોકો સ્ત્રી મિત્રો ને જોઈ ઘાંઘા વાંઘા થઇ જાય ..

  અરે વર્ચુઅલ મિત્રો બનાવો તો તેની સાથે કેવી રીતે વર્તવું એતો જુઓ મિત્રો બનાવ્યા એટલે કઈ દરેક પ્રકાર ના વર્તન નો પરવાનો મળી ગયો એવું ન સમજાય.

  સ્ત્રી-પુરુષ આવા માધ્યમ દ્વારા મિત્રો બને છે ત્યારે એ સંબંધ બે પુખ્ત માણસો વચ્ચે વહેંચાતી બૌદ્ધિકતા હોય છે.શોખ સરખા ધરાવતા હો વિચારો નું સારું ટ્યુનીંગ હોય અને એક બીજાની સાથે સમજદારી પૂર્વક નિર્દોષ ઇનબૉક્સ વાતો સહજ થઇ શકે.

  આતો કોઈએ તમને તેના ઘર માં હોલ માં આવવાની પરવાનગી આપી તો તમે છાની રીતે તેના બેડરૂમ માં ડોકિયાં કરવા પ્રયત્ન કરો છો એવી વાત થઇ ..!

  એમાં પણ તમારા કોઈ 

અંગત ના નજીક નું કોઈ 

એવું વર્તન કરે ત્યારે કેવી 

લાગણી થાય?

  fb પર ની ઘણી સખીઓ 

ને આવા કડવા અનુભવ 

થયા જ હશે.

  આવા તો થોડા લોકો જ છે બાકી તો ખુબ સોંજન્ય શીલતા પૂર્વક વર્તન કરતા મિત્રો પણ છે જ.’ 

  આટલું fb ની પોસ્ટ  બોક્સ પર 

એકી સાથે ટાઈપ કરી અનુ એ પોસ્ટ શેર કરી ..ફક્ત લાઈક કે હળવી કોમેન્ટ આપતી અનુ માં ક્યાંકથી પહેલાની હિમ્મત વા ળી અનુ જાગી ઉઠી…!

  પછી પેલા ના ઇનબૉક્સ 

માં જઈ  મેસેજ કર્યો

 ‘ fb ફ્રેન્ડ બનવાનો બહુ શોખ છે તો આજની પોસ્ટ વાંચી લેજો કદાચ થોડી અક્કલ આવી જાય ..બાકી એ ‘નજીક’ ના નું નામ પણ લેતા અટકીશ નહિ ..અને 

msg ના સ્ક્રીન શોટ લઇ 

ને પણ મૂકી શકું છું ..શું બદનામી ફક્ત સ્ત્રીઓ નિજ થાય? મને ખબર પડી છે તમારા સમાજ માં અને બિઝનેસ વર્તુળ માં ખુબ ‘માનપાન ‘ ને ‘ નામ’ બનાવીને રાખ્યું છે એ બધું એક પળ માં ધૂળધાણી થઇ જશે .માટે આજની નારી ને છંછેડવી નહિ નહીતો ભારે પડશે…!

   મન હલકું કરી શાંતિ થી સુઈ ગઈ .

   સવારે પોતાની ભૂલ  સમજાઈ કે બદનામી નો  ડર લાગ્યો જે હોય તે પણ ‘સોરી ‘કહેતા અને હુ તો મજાક કરતો હતો …તમે સિરિયસ લઇ લીધું ..પ્લીઝ એવું કશું કરવાની જરૂર નથી વગેરે.. વગેરે..કહેતા 

msg મોકલી  માફી  માંગી હતી .

  બે દિવસ પછી પાછા જતા એરપોર્ટ પર બોર્ડિંગ  પાસ લઇ સિક્યોરિટી  ચેક કરી વેઇટિંગ લાઉન્જ માં બેસતાં  આદત મુજબ ફોન કાઢ્યો ચેકઇન સ્ટેટસ મુકવા લાગી ને તેનું મોં ખાટું થઇ ગયું ..ફોન બંધ કરીને મૂકી દીધો …અને એ કડવી યાદ ને કટ કોપી કરી રાજ ને સમય આવ્યે જણાવા  માટે હૃદય ની ફાઈલ માં સેવ કરી લીધી.

આરતી રાજપોપટ

તરુલતા વાર્તા સ્પર્ધા-(14) સમયની સાંકળ- જયવંતીબેન પટેલ

તરૂલતા વાર્તા સ્પર્ધા  – આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સબંધો પર અસર ( ફોન, આઇપેડ , કોમ્પ્યુટર , અન્ય સૌ ઘરમાં વપરાતાં સાધનો )

સરોજ અને સૂર્યકાન્તે  સ્કાઇપ ચાલુ કર્યું અને તરત તેની ઊપર સૃષ્ટિ દેખાણી.  હસતાં હસતાં  કહે , ” મોમ,  હવે રડ નહીં.  એમ માન કે એક ઘાત જાણે જતી રહી.  ત્યાં તો દાદા – દાદી પણ નીચે આવ્યા અને સ્કાઇપ પર સૃષ્ટિ સાથે વાત કરવા લાગ્યા,”  બેટા , તું સહીસલામત છે એ જાણીને જીવ હેઠો બેઠો.  આ તને  જોઈ એટલે શાંતિ થઇ.   ” દાદીમા,  મને તમારે માટે ગર્વ છે.  તમને મેં વોટ્સ એપ વાપરતાં શીખવાડ્યું તે તમે બહુ જલદી શીખી લીધું.  તેથી જ મારા મોકલાવેલા બધાજ મેસેજ તમે જોઈને બધાને કહ્યા.  વેલ ડન દાદીમા..”

સરોજ અને સૂર્યકાન્ત ઉનાળામાં હેલ્થ કેમ્પ શરુ થાય ત્યારે ખૂબ બીઝી થઇ જતાં.  સૃષ્ટિ નાની ન્હોતી તો પણ ઘરે દાદા – દાદી હતાં એટલે એ બંન્નેને એક જાતની નિરાંત રહેતી.  સૃષ્ટિ અઢાર વર્ષની થઇ.  આગળ શું ભણવું એ નક્કી ન્હોતી કરી શકતી.  છતાં વિષયો બધા સાયન્સના જ લીધા.   છેવટે એણે  નક્કી કર્યું કે એ એરોનૉટિક ઇંજિનિયર બનશે.  પાંચ વર્ષ ડીગ્રી લેવામાં થઇ ગયા.  નાસામાં  (નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન )  અરજી કરેલી અને ત્યાંથી જવાબ હામાં  આવ્યો .  ટ્રેનિંગ માટે વ્યુહસ્ટન સ્પેસ પ્રોગ્રામમાં જવાનું હતુ.

 

નાની હતી ત્યારથી સૃષ્ટિ દાદા – દાદીના સહેવાસમાં ઊછરી.  એટલે બન્નેની ખૂબ માયા હતી.  દાદીમાને તો મોબાઈલ ફોન ગમે તેમ કરીને વાપરતા પણ
શીખવી દીધુ હતું.  અને હવે દરરોજ વોટ્સ એપ ઉપર કેમ ટેક્સ કરવો એ શીખવાડતી હતી.  ધીરે ધીરે દાદીમાને આવડી ગયું.  કોલેજથી મોડી થવાની હોય તો દાદીમાને વોટ્સએપથી જણાવી દયે.  સરોજબેનને ચિંતા ન રહેતી.  છતાં કોઇ કોઇ વખત ગુસ્સે થઇ જતાં.  સૃષ્ટિ કોલજથી આવે પછી એનાં મિત્ર મંડળના ફોન અને મેસેજ એટલા આવે કે તેને ઊંચું જોવાનો વખત જ ન મળે.  હવે બીજા બે વર્ષ યુહસ્ટન  નાસામાં કાઢવાનાં હતા.  બધું પેકીંગ થઇ ગયું.  સૃષ્ટિ હજુ ફોન પર જ હતી.  કેટલાયે મિત્રોના ફોન આવતા હતા.  દાદીમા એનાં કપડાં ગળી કરતાં હતા.  નીચેથી એની મમ્મી  સરોજબેને બૂમ પાડી સૃષ્ટિને ફોન બંધ કરવાનું કહ્યું અને જમવા આવવાનું ફરમાન કર્યુ.  સાથે થોડો ગુસ્સો કરી બોલી પણ ખરી કે ,”  આ ફોન કોલ્સ અને વોટ્સ એપ ઉપર આખો દિવસ લાગેલી હોય છે.  આપણે માટે સમય ક્યાંથી રહે ?  હું તો કંટાળી ગઈ છું.  કાલે જવાની છે અને અમારી સાથે બેસી  શાંતિથી વાતચીત પણ નથી કરતી.   ત્યાં તો  ભેખડ પરથી મોટી શીલા નીચે પડે એવો અવાજ થયો.   એકદમ ચમકીને બધાએ ઉપર દ્રષ્ટિ કરી.  સૃષ્ટિએ એની બેકપેક નીચે ફેંકી હતી.

સરોજબેન બોલ્યા,” સૃષ્ટિ, તેં આ બેગ નીચે કેમ ફગાવી ?  અંદરની વસ્તુઓને નુકશાન ન પહોંચે?  તને કેમ સમજણ નથી પડતી?”

 

“ડોન્ટ વરી મોમ ”  –  ” તેમાં કંઈજ  તૂટી કે બગડી જાય એવું નથિ.  મારાં ગળી કરેલાં કપડાં જ છે પણ જો ઊપરથી કેવી રીતે આવી ?  તેં જોયું ?  વજન
હતું એટલે જલદી આવી અને કેવો અવાજ પણ થયો!!  પણ આજ બેગ ખાલી કરી નાખું ને પછી ફગાવું તો આટલી જલદી નહીં આવે.”
દાદા, દાદી, સરોજ અને સૂર્યકાન્ત અચંબાથી એકબીજાની સામું જોતાં રહ્યાં.
” આને કહેવાય લો ઓફ ગ્રેવીટી.  ગુરુત્વાઆકર્ષણ :”
“અને જો આ ફુગ્ગાને ઊપરથી મોકલું છું તો પાછું ઊપર જ આવે છે તે કેમ ?  બોલો જોઈએ ?  હવામાનને કારણે.  ફુગ્ગા કરતાં હવામાન ભારે છે એટલે

ફુગ્ગાને ઊપર મોકલી દે   –  છે ને મજા પડે એવી વાત.  મારે આવું ઘણું બધું ભણવું પડશે અને શોધખોળ પણ કરવી પડશે.”  હું હવે નાસા ની યુનિવર્સિટીમાં જવાની છું તો આજથી જ આ બધાં પ્રયોગો શા માટે ન કરું ?”

 

સરોજબેન માથા ઉપર હાથ મૂકી બોલ્યા,”  આ છોકરીને કેવી રીતે સમજાવુ કે સ્પેસમાં જવાનું કઇ સહેલું નથિ.  તેને માટે બે વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવાની રહેશે . ”   ત્યાં તો સુર્યકાંતે શરત મૂકી.  બે વર્ષ પછી લગ્ન કરવાનાં અને પછી આગળ જવાનું ”   સૃષ્ટિ તો આંખો પહોળી કરી જોઈ જ રહી.
” ડેડી , એ કેવી રીતે બને ?”
“હા , સૃષ્ટિ , તું હા પાડે તો જ તને વ્યુહસ્ટન જવા દઈએ નહીં તો આખો પ્રોગ્રામ રદ.”   સૃષ્ટિ વિચારતી હતી કાલે શું થવાનું છે તે કોઈને ખબર નથી તો

બે વર્ષ પછી શું થવાનું છે કોને ખબર ?  હમણાં હા પાડવા દે.  તેણે હા પાડી દીધી.

 

બીજે દિવસે સૃષ્ટિને મૂકવા બધા એરપોર્ટ ગયા.  સૃષ્ટિએ દાદીને કહ્યું ,”  દાદી , તમે વોટ્સ એપ જોતા રહેજો.  હું અવારનવાર તમને સમાચાર મોકલતી રહીશ.”  દાદીએ હા પાડી.  સૃષ્ટિ પ્લેનમાં બેસી ગઈ.  બધાં ઘરે આવ્યા.  બે કલાક પછી દાદીને થયું ચાલ વોટ્સ એપ જોઉં.  હજુ તો સૃષ્ટિ પહોંચી નહીં હોય પણ જોઈ લઉં.  દાદીએ ફોન ખોલ્યો ને જોયું તો પાંચ મીસ કોલ હતા.  સૃષ્ટિએ એક વખત દાદીને કહેલું કે કોઈ મોટી તકલીફમાં હોય તો મીસ કોલ આપે.
આપણે સમજી જવાનું કે ખરેખર ભયંકર પરિસ્થિતિ ઊભી થઇ છે.  દાદીએ નીચે આવી બધાને વાત કરી.  સુર્યકાંતે ટી. વી  ચાલુ કર્યું.  જોયું તો વ્યુહસ્ટન જતી સૃષ્ટિની ફ્લાઇટ હાઇજેક થઇ છે અને બે મુસાફરોને ઇજા પહોચી છે.  એવા સમાચાર હમણાં જ આવવા શરૂ થયા.  સર્વેને ચિંતા ઘેરી વળી.   શું થશે ?

અમારી સૃષ્ટિ તો સહીસલામત હશેને ?  હે ભગવાન, તું દયાળુ છે.  દયા કર.  અમે સૃષ્ટિ વિના કેમ જીવીશું ?  સરોજબેનના આંસુનો પ્રવાહ અટકતો નહોતો.

 

પ્લેનમાં બધાની પાસે ઈન્ટરનેટ સુવિધા ન્હોતી પણ જે કરી શકતા હતા તેઓએ ટવીટર, ફેસબૂક , વોટ્સએપ અને ગુગલ નો ઊપયોગ કરી પ્લેન હાઇજેક થવાનાં સમાચાર ગમે તેમ કરી લીક કર્યા.   યુએસની ગવેર્નમેન્ટ અને નાસા એજન્સી બંન્ને મળીને શોધ્યું કે પ્લેન કોણે હાઇજેક કર્યું છે અને ખરો ઉદેશ શું છે?  ખબર પડી કે એ લોકોની માંગણી હતી કે પ્લેન વ્યુહસ્ટનને બદલે ન્યુયોર્ક લઇ જાય અને ત્યાંથી બધાં મુસાફરોને ખાલી કરી પ્લેનમાં રાહત માટે કપડાં,

પાણી, ખોરાક અને રાયફલો લઇ જાય.  એજન્સીએ તરત હા ભણી અને પ્લેન ન્યુયોર્ક ઉતાર્યું.  મુસાફરોને સાચવીને બહાર કાઢી લીધા,  ઘાયલ થયેલાઓને  તાત્કાલિક સારવાર આપી અને તેમની માંગણી પ્રમાણે દરેક વસ્તુ તૈયાર રાખી આપી દીધી.  પ્લેને સિરિયા તરફ પ્રયાણ કર્યું.

 

જ્યાં સુધી બધાં મુસાફરો સલામત રીતે બહાર ન આવી જાય ત્યાં સુધી આ સમાચાર ગુપ્ત રાખ્યા હતા. ટી. વી. વાળાને પણ કોઈ જાતની જાણકારી નહોતી.

સૃષ્ટિએ દાદીમાને લખી દીધું  ,” આઈ એમ ઓ કે.”   સર્વેના શ્વાસ નીચે બેઠા.  થોડી વારમાં ટી.  વી.  પર પણ સમાચાર આવવા માંડ્યા કે બધા મુસાફરો સુરક્ષિત છે.

 

સૂર્યકાન્ત અને સરોજને ખરેખર ખ્યાલ આવ્યો કે આજનાં આધુનિક ઉપકરણો કેટલા ફાયદાકારક છે.  પ્લેન હાઇજેક થવાનાં સમાચાર બહારે ન પડ્યા હોત તો સરકાર કરાર કરી મુસાફરોને બચાવી ન શક્યા હોત.  તેમની સૃષ્ટિ આજે જીવિત છે એ નાનીસૂની વાત ઓછી છે !!
દાદીમાએ કહ્યું ,”  હું મોબાઇલ ફોન વાપરતા શીખી ગઈ એ આપણે માટે આશીર્વાદરૂપ બની ગયુ નહીં તો આપણને મોડી મોડી ખબર પડત કે ઊપર ગગનમાં શું ચાલી રહ્યું છે !!  ”    નાસાએ ચારેય વિધાર્થીઓ જે ન્યુયોર્કમાં હતા તેમને તાત્કાલિક બોલાવી લીધા  –  દરેક માં-બાપ અને બાકીનાં મુસાફરોના સગા વ્હાલાના જીવ હેઠા બેઠાં.   સરોજની મોબાઈલ ફોન ઊપર ચીટકી રહેવાની ફરિયાદ કાયમ માટે અદ્રષ્ય થઇ ગઈ.  મોબાઈલ ફોન સમયની સાંકળ બની ગયો.