તમને ફૂલ દીધાનું યાદ
શહેરની જાણીતી હોસ્પિટલ ‘અંકુર ‘ના ગેટ પર રિક્ષાનો ધરધરાટ થઁભી ગયો. બરોબર સાંજે સાડા છ વાગે ગેટ પરનો દરવાન દરરોજ તેને સલામ કરી આવકારે છે,તે યુવાની વટાવી ચૂકેલી પણ સપ્રમાણ દેહ અને આધુનિક ડ્રેસમાં કોઈને નજર ઠેરવી જોવાનું મન થાય તેવી હતી.તે ઠસ્સાપૂર્વક અને સ્ફૂર્તિલી ચાલે લિફ્ટ તરફ જાય છે.દરવાન ક્યાંય સુધી તેના અછડતા હાસ્યને જુએ છે.
બીજા માળે કેન્સર વોર્ડના છેડા પર આવેલા સ્પેશ્યલ રૂમ વીસનું બારણુ ખૂલ્યું.
રૂમમાં ઠરી ગયેલી ફિનાઈલ અને ડેટોલની વાસ ખળભળી ઊઠી.ટયુબલાઈટના સફેદ પ્રકાશમાં સળવળાટ થયો.
દીપની બન્ધ આંખોની પાંપણે એક સરસરાટ અનુભવ્યો ,ખસી જતા દુપટ્ટાને ખભે સરખો મૂકતા હાથની સોનાની બગડીનો સહેજ રણકાર કાનમાં ગૂંજી રહ્યો. આછી મધુરી સુવાસનું એક તાજું મોજું એને ભીંજવી ગયું.
દીપનો શ્વાસ આછા લયમાં રોકાયો,અબઘડી પ્રિયા બારીનો પડદો ખસેડશે ,એ આંખ ખોલશે ને પડદો ખૂલતાં વેંત સાંજના આકાશેથી નારંગી કિરણો ઓરડાના ખૂણે ખાંચરે કેસરી પોતું લગાવી દેશે.પછી ઓરડાનો બેડ શાંત સરોવર હોય તેમ તેમાં ધીરે ધીરે સૂર્યના પ્રતિબિબને વિલીન થવાની તેણે
કલ્પના કરી .
દીપને એના કપાળને ,પાંપણોને ,હોઠને એક સરકતો મૃદુ પાદડીઓનો સ્પર્શ થયો .
એના છાતી પર મૂકેલા હાથની ફિક્કી ,રુક્ષ હથેળીમાં પડેલું તાજું લાલ ગુલાબ તેણે હળવેથી દબાવ્યું.શરીરની સમગ્ર ચેતના આંગળીઓના ટેરવે રોમાંચિત થઈ ઝણઝણી ઊઠી.એની છાતી પર ઝૂકેલા પ્રિયાના આછા મેક અપથી શોભતા ચહેરાને તે આંગળીઓથી ચૂમી રહ્યો,પ્રિયા દીપના હોઠોમાં રમતું ‘તમને ફૂલ દીધાનું યાદ ‘ ગીત અનુભવી રહી.
પિયા અતીતના રમણીય સમયમાં સરી ગઈ.પહેલી વાર ઢાળ ઊતરતી ટેકરીઓ પરથી એક નાનકડું રાતુંચોળ ફૂલ દીપે પ્રિયાને રોમિયોની અદાથી આપ્યું હતું. મંત્રમુગ્ધ પિયા કઈ બોલે તે પહેલાં મિત્રોના તાળીઓના અવાજથી તે શરમાઈ ગઈ હતી .સૌએ તેમના પ્રેમને વધાવી લીધો હતો.