આજ જાને કી જીદ ના કરો-જીગીષા પટેલ

આજ જાને કી જીદ ના કરો
રાહુલ ની રાહ જોતી જોતી રોહિણી સોફા પર જ ઊંઘી ગઈ હતી. પાંચ દિવસની બોસ્ટનની સફર કરીને આવેલ રાહુલે પ્લેનમાંજ થોડું ખાઈ લીધું હતું. રોહિણીના મનમોહક સુંદર ચહેરા પર વ્હાલથી ચુંબન કરી રાહુલે તેને ઉંચકીને પલંગ પર સુવાડીને રેશમી રજાઇ  ઓઢાડી. રાહુલ પણ ખૂબ થાકેલો હતો એટલે તરત કપડાં બદલી સુઈ ગયો. મળસ્કે રોહિણી ઝબકીને જાગી તો રાહુલ બાજુમાં સૂતો હતો એને ઘસઘસાટ સૂતેલો જોઈને નિસાસો નાખીને તે પણ સુઈ ગઈ.અનેક સુહાના સપના સાથે રાહુલને પરણેલ રોહિણી હવે નાખુશ રહેતી હતી.
આઈ ટી માં કન્સલ્ટન્ટ  રાહુલ એન્જીનીયર થઈને એમ.એસ.  થયેલ દેખાવડો યુવાન હતો.અમેરિકામાં સરસ રીતે સેટલ થઈ ને 29 વર્ષે પરણવા ઇન્ડિયા ગયો.બહુ છોકરીઓ જોઈ પણ કોઈ પસંદ ન પડી.નાના ગામ નડિયાદમાં રહેલી ને પ્રોફેસર પિતાની એકની એક ,બીએસસી થયેલ ,ચુલબુલી ને મનમોહક રોહિણી રાહુલ ને પહેલી મીટીંગમાંજ ગમી ગયેલ. ૫.૮ ઇંચ ઊંચાઈ ,મોડેલ જેવું ફિગર ,મારકણું સ્મિત અને વાક્પટુતાની તો વાત જ ન પૂછો!!   તેને જોઈને કોઈ કહે નહિ કે આ નડિયાદ જેવા નાના ગામમાં રહેલ છે.  પ્રોફેસર પિતાને પણ દેખાવડો અને અમેરિકામાં સેટલ રાહુલ ગમી ગયો અને ઘડિયા લગ્ન લેવાયા.રાહુલ એચ વન પર હતો એટલે રોહિણીને પણ સાથે જ લઇ ને અમેરિકા આવવાનું થયું.   માતાપિતાને છોડવાનું દુઃખ હતું પણ સાથે સાથે પોતાના પિયુ સાથે અમેરિકા આવવાનો ઉમળકો પણ હતો.રોહિણી પહેલી જ વાર પ્લેન માં બેસીને અમેરિકા આવતી હતી.પ્લેનમાં રાહુલને વીંટળાઈ ને બેઠેલ રોહિણીનું ફાટ ફાટ થતું યૌવન રાહુલ ને પણ હચમચાવી દે તેવું   હતું.    સાનફ્રાન્સીસકો ના એરપોર્ટ પર ઉતરીને અને રાહુલના સરસ ઘરમાં પ્રવેશીને તો રોહિણી જાણે સ્વર્ગ ના સુખનો અનુભવ કરી રહી હતી. શરૂઆત ના દિવસોમાં તો રાહુલે તેને સરસ અમેરિકન કપડાં અપાવ્યા ,જુદી જુદી રેસ્ટોરન્ટમાં જમવા લઇ જતો, વિકેન્ડમાં તેને દરિયા કિનારે,  હાફ મૂન બે અને સાનફ્રાન્સીકો  સિટી માં ફરવા લઇ જતો , રોહિણીને તો અમેરિકા અને રાહુલ બંને સાથે પ્રેમ થઇ ગયો.તે તો જાણે સાતમા આસમાન માં વિહરતી હતી.પણ આ લાંબુ ન ચાલ્યું કારણકે રાહુલ ને તેની કેરિયરમાં હરણફાળ ભરવી હતી.તેને તો ઓરેકલ ની દુનિયામાં તેના નામનો ડંકો વગાડવો હતો.
રાહુલ ખૂબ હોંશિયાર અને મહત્વકાંક્ષી છોકરો હતો. કંપનીના કામથી તેને ખૂબ ટ્રાવેલ કરવું પડતું જ્યાં પ્રોજેક્ટ ચાલતો હોય ત્યાં પ્રોજેક્ટ મેનેજર હોવાથી જવું પડતું અને પ્રોજેક્ટ પતાવવા દિવસ રાત કામ કરવું પડતું. રોહિણીએચ 4 પર હતી એટલે કામ કરી ન શકે અને અમેરિકામાં જાહેર વાહનોની સગવડ પણ નહિ એટલે આખો દિવસ ઘરમાં એકલી એકલી કંટાળવા લાગી. દિવસે ચાલવા જતી તો રસ્તા માં ક્યાંય કોઈ દેખાતું નહિ.  તેમાં સવારના સાત વાગે નીકળી ને રાત્રે આઠ વાગે રાહુલ પાછો ઘેર આવતો અને રાત્રે જમીને પણ પાછો કમ્પ્યુટર લઈ બેસી જતો.આખો દિવસ એકલી એકલી કંટાળેલ રોહણી  રાહુલ ને કહેતી મારી સાથે થોડી વાર વાત તો કર !અને રાહુલને ખભા પાછળથી બાથ ભરી ચોંટી પડતી ત્યારે રાહુલ કહેતો રો તું સુઈ જા મારે ખૂબ કામ છે. હું આવું છું અને રાત્રે  એક  કે બે વાગે રાહુલ સુવા જતો ત્યારે પાસા  ઘસી થાકી ને રડીને રોહિણી સુઈ ગઇ હોય.  રાહુલ રોહિણીને પ્રેમથી રો કહીને બોલાવતો.  તેને રો માટે પ્રેમ તો બહુ હતો પણ કામના બોજ હેઠળ પ્રેમ કરવાનો પણ ટાઈમ ન હતો.એમાં કંપનીમાં તેની પોસ્ટ વઘી ગઈ ,તે વીપી બની ગયો.પોસ્ટ અને પૈસા બને વધ્યાં પણ રો ની હરીભરી જિંદગી જાણે નર્ક બની ગઈ.તેના યૌવનના અરમાનોનો મહેલ જાણે કડડ ભુસ થવા તૈયાર હતો.
એક દિવસ રાહુલ કામથી પાંચ દિવસે આવેલ અને બીજે જ દિવસે ફરી ચાર દિવસ માટે જવાની તૈયારી કરી રહ્યો હતો રો રાહુલને વળગીને ખૂબ રડવા લાગી તેને રાહુલ ને કીધું હું તારા વગર આટલું બધું નથી રહી શકતી. આજે તું અહીંથી કામ કર ને જાન !  અને રો એ અતિપ્રિય ગઝલ  ફરીદા ખાનુમ  દ્વારા ગવાયેલ સીડી પર ચાલુ કરી.
આજ જાને કી જીદ મત  કરો ,યું હી પહેલૂમે બૈઠે  રહો। ….
હાય મર જાયેંગે ,હમ તો લૂંટ જાયેંગે ,ઐસી બાતેં કિયા ન કરો। ….
તુમ એ  સોચો જરા કયું ના રોકે તુમ્હે ,જાન જાતી હૈ જબ ઉઠકે જાતે હો તુમ। …..તુમકો અપની કસમ જાનેજા. …. આજ જાને કી જીદ ન કરો   …..
વકત  કી કેદ મેં  ઝીંદગી હૈ મગર, ચંદ ઘડીયાં યેહી હૈ  જો આઝાદ હૈ
ઇનકો ખોકર મેરી જાને જા ઉમ્ર ભર  ના તરસ્તે રહો…આજ જાને કી જીદ ના કરો….
.કિતના માસુમ રંગીન હૈ  યે  સમાં ,હુશ્ન ઔર ઇશ્ક આજ મૈ રાજ  હૈ…….
કલકી કિસકો  ખબર જાને જા…….રોક લો આજ કી રાત કો……..
આજ જાનેકી જીદ ન કરો। ….બાત   ઇતની મેરી માન  લો। …
રો એ રડતા રડતા કહ્યું રાહુલ મને તારા વગર નથી ગમતું તું ના જા  પણ રાહુલ પણ બેબસ હતો. એ નાદાન રો ને શું સમજાવે કે અમેરિકામાં કામ આગળ પોતે કઈ કરી ન શકે.. રો રડતી રહી ને રાહુલ ના પ્લેન  નો સમય થઇ ગયો તેથી રાહુલ ને જવું જ પડ્યું.

રોહિણી ને પોતાની હરીભરી જિંદગી જાણે નર્ક બની ગઈ હોય તેમ લાગતી હતી. પોતાનાથી નવ વર્ષ મોટો રાહુલ હવે તેને રોમાન્સ વગર નો સુષ્ક લાગતો હતો  . તે લગ્ન કરી રાહુલ સાથે અમેરિકા આવી ,તે તેના જીવનની મોટી ભૂલ લાગતી હતી  . એવામાં તેના રણ જેવા જીવનમાં જાણે વસંત આવી. રાહુલે સમાચાર આપ્યા કે તેનો નાનોભાઈ રાજલ એન્જીન્યર થઇ આગળ ભણવા અમેરિકા આવી રહ્યો છે.રાહુલ ને થયું રાજલના આવવાથી રોહિણીને પણ કંપની રહેશે. રોહિણી પણ ખૂબ ખુશ થઇગઈ.
રાજલ પણ  23 વર્ષ નો ફૂટડો યુવાન હતો તેને પણ અમેરિકા આવીને ભણીને ભાઈ જેવી જ કેરિયર બનાવવી હતી.  અને એદિવસ આવી ગયો રાહુલ ને રોહિણી  રાજલ ને એરપોર્ટથી લઇ ને આવી ગયા.રાજલ પણ ભાભી અને રાહુલભાઈ ના  સરસ ઘર ને જોઈ ને ખુશ થઇ ગયો. હવે રાજલ એમ.એસ. ની તૈયારી કરવા લાગ્યો.રોહિણીને થયું હું પણ રાજલ ભાઈ સાથે જ માસ્ટર્સ કરું તો કેવું?અને એને રાહુલને વાત કરી રાહુલને પણ આ વિચાર ગમી ગયો. હવે રોહિણીને રાજલ સાથે ભણવા લાગ્યા. રાજલ પણ પોતાની ભાભી રોહિણીને ભાઈ ની જેમ રો કહીને જ બોલાવતો અને રોહિણી રાજલ ને રાજ કહેતી. સ્વભાવે મજાકીયો અને અલ્લડ રાજલ સાથે રોહિણીના દિવસો આનંદ માં પસાર થવાલાગ્યા. બંને સાથે ગ્રોસરી કરતા સાથે ખાવાનું બનાવતા સાથે ઘર સાફ કરતા અને સાથે ભણતા. જબરજસ્ત યાદશક્તિવાળી અને ચુલબુલી ભાભી સાથે રાજલને પણ ખૂબ મઝા આવતી।તેની હોશિયારીના તે ભરપેટ વખાણ કરતો. રાજલ કમ્પ્યુટર એન્જીનયર હતો એટલે તે રોહિણીને કોમ્પ્યુટરમાં રોજ કૈક નવું નવું શીખવતો રોહિણી પણ બધું તરત જ શીખી જતી।
રાહુલને પણ રોહિણીનો કકળાટ બંધ થઇ ગયો તેથી સારું લાગવા લાગ્યુ.  તેણે તો બંનેને માટે એક જૂની ગાડી પણ લાવી આપી .હવે તો બંને જણ શોપિંગ કરવા સાથે  જતાં  ,રોહિણી બધા કપડાં પહેરી રાજલને બતાવતી અને રાજલ આંખ મચકારી  રોહિણી પર જાણે ફિદા થઇ જતો.રાહુલ નું કામમાં અતિ વ્યસ્ત રહેવું,તેનો થોડો અંતર્મુખ સ્વભાવ અને આ બાજુ ઘી અને આગ નું સાથે રહેવું પછી યુવાની તો માઝા મૂકે જ ને?
રાહુલને હવે કંપની માં ડિરેક્ટર બનાવાનો  નિર્ણય લેવાઈ રહ્યો હતો,રાહુલ ની કામમાં વ્યસ્તતા વધી ગઈ હતી જેને રોહિણી પોતાના તરફની ઉદાસીનતા સમઝતી હતી.રાજલ  અને રોહિણી એકબીજાની વધુ ને વધુ નજીક આવવા લાગ્યા કમ્પ્યુટર શીખવાડતા શીખવાડતા તેમના શરીરના સ્પર્શ  પણ તેમને આનંદ આપવા લાગ્યા. એક દિવસ રાહુલ ન્યૂ યોર્ક ગયો હતો અને રાજલે કીધું ચાલ રો આજે બહાર જમવા જઈએ,ઑફ શૉલ્ડર  ડ્રેસ માં રો નું યૌવન સમાતું  ન હતું એના લાલ પરવાળા જેવા હોઠ અને મારકણી આંખ જોઈ રાજલ ની જવાની આપા બહાર જતી રહી. તેને રો ને પોતાના બાહુપાશમાં જકડી લીધી અને કહેવા લાગ્યો રો હું તને બેહદ પ્રેમ કરું છું  મેં આજ સુધી તારા જેવી સુંદર અને તારા જેટલી  ઈન્ટલેક્ચ્યુઅલ  છોકરી જોઈ નથી. એક ક્ષણ માટે રો છોભીલી પડી ગઈ પણ તેનું હૃદય  અને શરીર પણ આજ ઝંખતું હતું. રાજલના આવ્યા પછી રાહુલ તેને નીરસ અને રોમાન્સ વગરનો લાગતો હતો. રાજલનો સામાન્ય સ્પર્શ તેને રાહુલના દેહસંબંધ કરતા વધુ આનંદ આપતા હતા.આજે હવે રાજલ અને રોહિણીએ એ બધાં  બંધન છોડી દીધા બંને કલાકો સુધી એકમેકમાં સમાઇ ગયા ,કલાકો સુધી અપલક એક બીજાની આંખોમાં ખોવાઈ ગયા.
રાહુલ આજે મોટી ખુશખબર લઇ ઘેર પાછો ફરી રહ્યો હતો। તે કંપનીમાં ડિરેક્ટર બની ગયો હતો.આજે તે હવાઈ  ની બે ટિકિટ લઈને આવ્યો હતો.  તે રો સાથે પોતાના આનંદ ની ઉજવણી કરવા માંગતો હતો.તે આજે રો ને સરપ્રાઈઝ આપવા માંગતો હતો.રાહુલે ધીમેથી ચાવી કાઢી ઘર ખોલ્યું ,રો……..ઓ રો…….જો હું તને બે ખુશખબર આપું ,રો….રો કરી આખા ઘરમાં ફરી વળ્યો। …..ત્યાં ડાઇનિંગ ટેબલ પરથી ચિઠ્ઠી મળી…….અમે હંમેશ માટે ઘર છોડી જઈએ છીએ   ……             લિ. રોહીણી  અને રાજલ
અને ત્યાં રાહુલના ફોનની રિંગ વાગી જેમાં રો એ ગીત સેટ કર્યું હતું
આજ જાને કી જીદ મત કરો,યું હી પહેલું મેં બેઠે રહો। …
હમ તો મર જાયેંગે હમ તો મીટ જાયેંગે ,ઐસી બાતે કિયા ન કરો…..

 

4 thoughts on “આજ જાને કી જીદ ના કરો-જીગીષા પટેલ

  1. વાર્તાના પૂર્વાર્ધમાં વર્ણવેલી પરિસ્થિતી આબેહૂબ હકીકત છે. દિયર સાથેનો પ્રેમ કે પતિના કોઈ મિત્ર સાથેનો પ્રેમ પણ અસંભવિત વાત નથી. તમે હકીકતને ઉજાગર કરી છે. રજૂઆત પણ સરસ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.