તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(20)-મમ્મી “હાઈ ટેક” બની -પ્રજ્ઞા દાદભાવાળા

 

 

હલ્લો રાહુલ બેટા ક્યારે આવે છે?

મોમ તું કેમ ભૂલી જાય છે ?

જો આ વખતે હું આવું ત્યારે તારે ડૉ, ની પાસે જવું જ પડશે,મને લાગે છે તું એક ની એક વાત વારંવાર પૂછે છે, તારી યાદ શક્તિમાં કૈક પ્રોબ્લેમ લાગે છે,તારે દવા ચાલુ કરવી જોઈએ .

ના ના બેટા એવું નથી,આતો તારી સાથે વાત કરવાનું બહાનું ગોતું છું…

ઓહો મોમ તું તો ઈમ્પોસીબલ છો !

બોલ શું કામ હતું ?

બેટા તે મને આ કોમ્પુટર વાળો ફોન આપ્યો છે ને !

તો શું થયું ?

કઈ થયું નથી પણ મારે શોપ્પીંગ કરવું છે,તને ખબર છે મારી ફ્રેન્ડ બધું હવે ઓનલાઈન ખરીદે છે,તો મને આવડતું નથી શીખવાડીશ.

ઓં મમ્મી બહુ સહેલું છે મેં તને એપ ફોનમાં આપી છે ને ? તારે જે શોપ્પીંગ કરવું હોય તે નામ મૂકી શોધી કાઢ.

બેટા એજ નથી આવડતું !જો મને સાડી લેવી છે.પણ એ કેવી હશે કેવી રીતે ખબર પડે ?આવ્યા પછી નહિ ગમે તો ?અને આ તારા પપ્પા લુંગી પહેરે છે એ મને જરાય પસંદ નથી એટલે લેંઘો લેવો છે !

મમ્મી મેં તને કહ્યું હતું ને કે ન ગમે તો પાછી મોકલવાની, એ પૈસા પાછા જમા થઇ જશે.જો એમેઝોન પર આ સગવડતા છે, સમજી ..

ઓક હવે કહે આ સાડી નો સ્પેલ્લીંગ શું આવે ? અને લેંઘો કેવીરીતે લખાય ?

મમ્મી ભૂલી ગઈને ! મેં તને કહ્યું હતું કે તારે લખવાની જરૂર નથી માત્ર બોલ…

પણ ક્યાં બોલું ?તારા પપ્પા ના કાનમાં ?

અરે ફોનમાં બોલ ..

એતો ચાર વાર બોલી,પણ મારું સાંભળે છે જ કોણ ? આ ફોન તારા પપ્પા જેવો છે.

પણ મમ્મી અહિયાં પપ્પા ક્યાં આવ્યા ?

જો બેટા તારા પપ્પા મારી એક પણ વાત માનતા નથી….

મમ્મી હવે તું પપ્પાની રામાયણ ક્યાં માંડે છે ?

બેટા તારા સિવાય કોને કહું ? હમણાં હમણાં તો તમાકુ ખાતા શીખી ગયા છે.

મમ્મી મેં તને આ ફોન ફરિયાદ કરવા નથી આપ્યો, લાંબી લાંબી ફરિયાદ કરશને તો ..

બેટા હું તારા ગયા પછી ખુબ એકલી થઇ ગઈ છું ..

એટલે જ તને મેં ફોન આપ્યો ..નવું નવું શીખ ..અને પપ્પાને મુક પડતા

જો બેટા એમ થોડા એને પડતા મુકાય છે ? અમે સાત ફેરા લીધા છે, જવા દે એનું શું કરવું એ મને ખબર છે,

તું ક્યાં આડી વાતે ચડી ગયો લેટ્સ ડુ શોપ્પીંગ

મોમ તું કમાલ છે પહેલા મને ફરિયાદ કરે છે અને પછી મને જ કાપી નાખ્યો.

અચ્છા સાંભળ આ પ્રતિભા નહિ મારી બહેનપણી એ આજ કાલ ખુબ ભાવ મારે છે.કહે છે હું બધું શોપ્પીંગ ઓન લાઈન કરું છું,ગઈ કાલે કીટી પાર્ટીમાં પાકીટ પણ લઇ આવી હતી કહેતી હતી કે મેં તો ઓન લાઈન લીધું,આવા ટ્રાફિકમાં, ગરમીમાં,ગંદકીમાં કોણ બહાર જાય? હવે શાક પણ ફોન ઉપર લે છે અને યોગા પણ ઘરમાંજ …બસ મને પણ શીખવાડી દે એટલે એની બોલતી બંધ થાય.

મોમ કોઈની બોલતી બંધ કરવા નહિ તારે શોપ્પીંગ કરવું હોય તો શીખવાડું

હા હા એજ …શું તું પણ

હવે મને અંગ્રેજી લખતા ન આવડે તો શું કરવાનું કહે ..

મોમ ત્યાં બ્લુ કલરનું બટન છે એ દબાવીને જોરથી બોલ સારી .. અને  લેંઘો નહિ બોલતી પાયજામાં  કહેજે .

બેટા ઉભો રહે બોલું છું…..

સાડી સાડી ત્રણ વાર બોલી

મોમ સાડી નહિ સારી બોલ

અરે પણ સાડી કહેવાય ને ?સારી થોડી કહેવાય ..ક્યાંક ભળતું જ આવી જશે તો બધા મારી મજાક ઉડાવશે અને તારા પપ્પા તો ખીજાશે એ વધારાનું ..

મોમ.. મોમ સંભાળ બીજા શું કહે છે એનાથી શું ફર્ક પડે છે,તું મારી પાસ શીખ,હું તને શીખવાડું છું ને ! તું બીજા માટે નથી જીવતી …તારી જાતને ખુશ કર પહેલા બીજા સાથે ની સરખામણીમા અને વટ પાડવા તું તારી જાતને ખોઈ નાખીશ.તે બીજાની લાગણીઓ ને જમા કરવા તારી ઈચ્છાઓને ઉધારી નાખી છે બસ હવે તું માત્ર તું તારી જાતને ખુશ કર.

બેટા સમાજમાં રહેવું હોય તો કરવું પડે બીજાને સાંભળવા પડે મિત્રતા રાખવી પડે ને? જો એમ બધા સાથે કટ ન કરી નખાય …

મોમ તું ફેસબુક શીખી જઈશ પછી ઘણા મિત્રો થશે,બધા તને વાર તહેવારે શુભેચ્છા આપશે અને જન્મદિવસે તો કેકના ફોટા અને ફૂલના ફોટાનો વરસાદ થઇ જશે.પછી તું એકલી નહિ રહે,અને તારી સારી રેસિપી મુકીશ ને એટલે લોકો તારા વખાણ પણ કરશે તને એક નવું જ વ્યક્તિત્વ મળશે.આ પાપા તારા વખાણ નથી કરતાને તો કઈ નહિ પણ આખી દુનિયા તારા વખાણ કરશે.તને ખબર છે તું સમગ્ર વિશ્વ સાથે જોડાઈ જઈશ.

હા હા તું બહુ હોશિયાર થઇ ગયો છે ખબર છે અમેરિકા જઈને જાણે મોટો સાહેબ !ચાલ હવે ઝટ શીખવાડ આ ખરીદી કરતા, હજી મારે દૂધ લેવા જવાનું છે આજે બગડી ગયું છે તારા પપ્પા તો કોઈ કામ નહિ કરે અને આવી ને તરત ચાહ માંગશે.

જો તે તારી દરેક પ્રવૃત્તિ અને દુનિયા પપ્પની સાથે જોડી દીધી છે હવે બહાર આવ અને કોમ્પુટર પર દુનિયા સાથે જોડા, દુનિયા પણ જોવા જેવી છે.

હ્હ્હ..હું સારી બોલી.. બેટા જો સારી… ઓ તો ખુબ સરસ છે …

બસ તને ગમતી સારી ઓર્ડેર કર અને પૂજાને દિવસે પહેરી સેલ્ફી પાડી મોકલજે, તારે માટે દૂધ ઓર્ડેર કર્યું છે બસ હમણાં જ આવશે.

બેટા એક મિનીટ કોઈની બેલ વાગી ..અરે આતો ગજબ છે દૂધ આવી પણ ગયું વાહ ..

જોયું મમ્મી હવે આખો દિવસ જલસા કર તું કહે તો નોકરાણી મોકલું ..હવે તું શેઠાણી ..

બેટા મેં સારી સાથે બ્લોઉંસ અને પેટીકોટ પણ એટલે કે ચણિયો પણ ઓર્ડેર કર્યો છે.

બસ ત્યારે પૂજા માટે સામાન પણ આવી જશે, હવે હું ફોન મુકું કામે લાગુ છું ..બેટા તારું ધ્યાન રાખજે અને કાલે સ્કાઈપ પર જરા મોઢું દેખાડ્જે

મોમ હું હવે થોડા દિવસ એક પ્રોજેક્ટ માટે બહાર ગામ જઈશ ત્યાં કદાચ બહુ વાત નહિ થાય વોઈઝ મૈલ કરી સંપર્કમાં રહીશ તું વોટ્સઅપ પર વોઈઝ મૈલ પર જવાબ કરજે ઓકે આવજે…

આ છોકરો પણ હંમેશા ઉતાવળમાં જ હોય ક્યારે નિરાતે વાત જ ન કરે
અરે સવિતા ચાલ ઝટ રસોડું સાફ કર એટલે ચા મુકું ..હમણાં તારા કાકા આવશે.

મણી માસી તમે તો ઘણા મોર્ડન થઇ ગયા આખો દિવસ ફોન અને હવે તો કોમ્પુટર પર બીઝી માવજીભાઈ એકલા એકલા બોલે રાખે પણ સંભાળે કોણ ?

રાહુલનો ફોન આવ્યો હશે …તો હવે માવજીભાઈ ની ફરિયાદ શરુ થઇ ગઈ . આમ વાદ અને ફરિયાદમાં દિવસો જવા લાગ્યા દીકરો જાણે બંને ને જોડતી કડી, બાકી તો બંને પોતાની દુનિયામાં, રાહુલનો ફોન આવે ત્યારે જે ઉપાડે તે નસીબદાર.

હલ્લો રાહુલ સારું થયું તારો ફોન આવ્યો,બેટા તારી મમ્મી સાવ બદલાઈ ગઈ છે મને સમય આપતી જ નથી તને યાદ છે અમારો લગ્નનો દિવસ પણ એતો સાવ ભૂલી ગઈ છે.અમે આ દિવસે અચૂક મહાલક્ષ્મી મંદિર જતા દર્શન કરી ભજીયા ખાતા પણ આજે કહે છે મેં દર્શન ઓન લાઈન કરી લીધા, તમારે ભજીયા ખાવા હોય તો ઓર્ડેર કરું …

પપ્પા તમે પણ શું ? પહેલા તમને ટાઈમ ન હતો ત્યારે મમ્મી ફરિયાદ કરતી અને હવે મમ્મી એ એની પોતાની પ્રવૃત્તિ શોધી,તો તમે ફરિયાદ કરો છો. એક કામ કરો તમે પણ મમ્મીને બુકે ફોનથી મોકલી દયોને !

હા બેટા હવે હું પણ એમ જ કરીશ …

હા કઈ જોઈતું હોય તો મંગાવજો હું કદાચ કામ માટે થોડા દિવસ ત્યાં આવીશ.. ઓકે આવજો

હાશ ભગવાન તે મારી પ્રાર્થના સંભાળી હવે મામ્મી કે પપ્પા કોઈ ફરિયાદ નહિ કરે અને હવે ઇન્ડિયા જઈશ ત્યારે બંનેને નવા ફોન આપીશ એટલે હું મારી ફરજ થી છુટ્ટો ….

હલ્લો મમ્મી હું કાલે ઇન્ડિયા આવું છું તારે કશું જોઈએ છે.

ના બેટા કશું જ ન લાવતો,બધું હવે અહી મળે છે અને હા તું આવે તો છે પણ હું અહી આઠ દિવસ નથી મારા અમુક ફેસબુકના મિત્રો સાથે રિસોર્ટ પર જવાની છું. તું આરામથી ઘરમા રહેજે પપ્પા તો હશે અને જમવાનું હું ઓનલાઈન ઓર્ડેર કરીશ આવી જશે અને તે જે મેઈડ સર્વિસ દેખાડી હતી ને તે સારી કામ આવે છે અને સમયસર બધું કામ કરે છે. હ.. બાકી સ્કાઈપ વાતો કરશું …

મોમ ..તું હોત તો મજા આવતે,… કઈ નહિ આ વખતે તો પપ્પા સાથે સમય વિતાવીશ..ઓકે ત્યારે મળીએ ..

રાહુલ લાંબી મુસાફરી કરી ઇન્ડિયા આવ્યો, ઉબર પણ મમ્મીએ જ બુક કરાવી હતી,રાહુલને થોડું હસું આવ્યું …મમ્મી ફીચર્સ શીખતી જતી હતી! બહુ સરસ બધું શીખી લીધું, શરીર કળતું હતું,તાવ ન આવે તો સારું..રાહુલ મનમાં જ બબડ્યો, વિચાર કરતા ક્યારે ઘર આવી ગયું ખબર જ ના પડી ગુરખો એમની રાહ જોઈ ઉભો હતો આપકી મમ્મીને બોલા હે… સમાન મેં ઉપર પહોચા દું… એ લીજીએ ચાવી.આમ તો જયારે પણ હું આવતો ત્યારે મમ્મી રાહ જોતી નીચે ઉભી જ હોય પણ આજે ગુરખો ઉભો હતો,કદાચ પપ્પા પણ ઘરે નહિ હોય ,ઘરમાં પ્રવેશતા થોડું અજુગતું લાગ્યું ખાલી ઘર માં કૈક ખૂટતું હતું કદાચ મારી આંખો અને હાથ મમ્મીને ભેટવા ટેવાયેલા હતા, સામન આવી ગયો તરસ લાગી હતી એટલે પાણી લેવા રસોડામાં ગયો સામે ટેબલ પર પાણી નો ગ્લાસ અને સરસ મજાની મીઠાઈ થાળીમાં મીણનાદીવા સાથે પડી હતી, અને કાર્ડમાં લખ્યું હતું વેલ્લ્કમ હોમ,મેઈડ સર્વિસ નું કાર્ડ ..ફરી મમ્મી યાદ આવી …હું આવતો ત્યારે મમ્મી ગમે તેટલા વાગે પણ રાહ જોતી બેઠી હોય આવું એટલે ગળે વળગે અને રડે આવી ગયો બેટા ..પછી પાણી આપતા પહેલા ગોળ વંદાવતી,જો જમવાનું ગરમ છે નિરાતે જમીને સુઈ જા … સવારે હું મંદિરથી આવું એટલે ઉઠાડીશ એક ઊંઘ ખેચી લે ..સવારે મંદિરમાંથી લાવેલું ફૂલ આંખે અડાડી ઉઠાડે..હું પણ શું ? મનોમન બબડ્યો અને રાહુલ પાણી પી સુઈ ગયો ..

મમ્મીના ઓટો ઉપરના ભજને સવારે ઉઠ્યો ત્યારે સ્ખત્ત તાવ હતો શરીર કળતું હતું ..અને મમ્મીના ફોનની ઘંટડી વાગી …

ગુડ મોરનિગ બેટા,ઊંઘ આવી ગઈ ને ?.. મેં હા પાડી, મારો અવાજ સાંભળી એક મેઈડ આવી સર ચા તૈયાર છે..

મોમ આ સવિતાબેન ક્યાં ગયા અને કોણ ઘરમાં ફરે છે ?

બેટા મેં સવિતાબેનને હવે નથી રાખ્યા ..

પણ એ તો કેટલા ઘર જેવા,આપણા પોતાના હતા ?

હા પણ મેડની સર્વિસ કૈક અલગ જ છે.

રાહુલે વાત બંધ કરવા કહ્યું સારું ચાલ પછી વાત કરીશ. અને ચા લેવા ઉભો થાય તે પહેલા જ રાહુલ પછડાયો અને પડ્યો …જાગ્યો ત્યારે દવાખાનામાં હતો સામે મમ્મી હતી અને પપ્પા પણ હતા

હું ક્યાં છું ?શું થયું ?

કઈ નહિ તને તાવ ખુબ હતો એટલે ચક્કર આવી ગયા ,મારી મેઈડે મને અને ડૉ ને ફોન કરી બોલાવ્યા, કહે હવે કેવું લાગે છે?

સારું ,રાહુલ એથી વધારે શું બોલે ? એની મમ્મીને જોઈ રહ્યો

ચાલો આજે તને હવે ઘરે લઇ જશું ..અને મમ્મી ફોન પર લાગી ગઈ,

ફોન પર ગુસ્સો કરતા બંધ કરી બોલ્યા,ખરી છે રવિવારના વધારાના ચાર્જ લાગશે.
શું થયું મમ્મી ?

કઈ નહિ આ મેઈડ આજે નહિ આવે

મોમ તો સવિતાબેનને બોલાવી લે ને ?આમ પણ હું એના માટે ગીફ્ટ લાવ્યો છું.

હા એ બરાબર રહેશે,હલ્લો સવિતાબેન તમને રાહુલ યાદ કરે છે. આવો ને આજે ઘરે, તમારા માટે ગીફ્ટ લાવ્યો છે આવો તો એના હાથે તમને આપે. હાશ આવે છે.

મોમ તું ખુબ મોર્ડન થઇ ગઈ છો!

બેટા તે જ મને કહ્યું ને જમાના સાથે ચાલ .મેં કોશિશ કરી પણ સાચું કહું હું જુનવાણી જ સારી છું.ચાલ ઘરે જઈને વાતો કરીએ

સવિતાબેનના આવવા થી રાહુલ અને મમ્મી બને ખુશ થયા, સાંજે શાક લેવા પણ બંને સાથે ગયા રાહુલને માર્કેટ જોવી હતી ને! પછી દરિયા કિનારે શેકેલી મકાઈ સાથે લીલા ચણા ખાધા અને ઘરે આવી સવિતા બેનનો ગરમ રોટલો અને મમ્મીનું બટાટા રીંગણનું શાક ખીચડી અને કઢી સાથે મરીવાળો પાપડ એવો તો સ્વાદિષ્ટ લાગ્યો કે વાત ન પૂછો …બીજે દિવસે  મમ્મી દર્શન કરવા મહાલક્ષ્મીના મંદિરે લઇ ગઈ .. અને દરેક વખતની જેમ દરિયા કિનારે બેસી કેટલીય વાતો કરી..

મમ્મી આ વખતે તારે માટે હું કશું જ ન લાવી શક્યો.

કઈ નહિ બેટા તે આ ખુબ સરસ ગીફ્ટ આપી છે આ ટેલીફોન ! ​દૂર દૂરના કોઈની સાથે હાથવગો સંપર્ક !! એના ​સાથે વ્હોટસ્એપ, મેસેન્જર, ટ્વિટર, ઇમેઇલ, વોઇસ-વીડિયો કોલની વ્યવસ્થાઓ છે. હવે ટેલીફોન વાળાની માથાકૂટ પણ ગઇ, બધુ હવે વાયરલેસ છે, ડાયરેક્ટ ટુ હોમ. સેટેલાઇટ થ્રુ સીધું જ તમારા ​ઘરમાં.. મારે કશું જ ન જોઈએ.  બેટા બધી સુવિધાઓ છે પણ એ સુવિધાઓ સાથે સંવાદિતા જાળવવાની કોશિશ કરું છું મારા બાહ્ય અને આંતરિક મન સાથે તાલ મેલ થાય તો બધું જ સહજ થઇ જાય… મારું હોવાપણું  પણ જરૂરી છે ને ?

તું ખુશ છે ને ?

હા હવે પપ્પા મારી સાથે ચેટીંગ કરે છે.અને તું સ્કાઈપ પર …..એક લાંબો નિસાસો ….

કેમ​ બોલતી નથી ..?​

બેટા ખુશી કોને કહેવી ? હું તો હવે ભીડમાં પણ એકલી છું. જીવનમાં સઘળું વહેંચતા રહેવું એ ​મારી જ નહિ મનુષ્યની મૂળભૂત વૃત્તિ છે. આનંદ હોય કે પીડા આપણા જીવનમાં એની વહેંચણી કરવાની ઈચ્છા હંમેશા રહે જ છે. જે માણસ આનંદ અને પીડા વહેંચવા ખાતર પણ બીજા સાથે જોડાયેલો રહેતો નથી. ​એ ખરેખર એકલા જ હોય છે..કમનસીબે ​હું પોતાનાથી જ અળ​ગી થઇ ગઈ છું.જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરતી વેળાએ જે મનોબળની જરૂર પડે છે અને સમસ્યાના સમાધાન માટે જે સ્થિર મનની જરૂર પડે છે તે માત્ર ​જીવંત વ્યક્તિ સાથે સાઘેલી સંવાદિતા જ આપી શકે. ​એ ક્યાં છે ?​ બે સ્થળ વચ્ચેનું અંતર તો ઓછુ થઈ ગયુ.. પણ પ્રાણ અને પ્રકૃત્તિ વચ્ચે આપણી ​વચ્ચે ​અંતર કદાચ વધી ગયુ​ છે.​તું આવે ત્યારે તારા માટે અડધી રાત્રે રાહ જોવી મને ગમતી હતી. આ દુધવાળા સાથે ની ટકટક મારો દિવસ ઉગાડતી હતી, દિવાળીને દિવસે ટેલીફોન વાળા ને બોણી આપવી મને ગમતી હતી. મને ભૈયા સાથે રગજગ કરી ઉપરથી કોથમીર મસાલો મફત મેળવવો ગમતો હતો.જાણે મારો અધિકાર ન હોય. અને પેલા બાજુવાળા માસી સાથે જે ઓટલે બેસી વાતો કરતા એનાથી વધારે વાતો ફેસબુકમાં થાય છે પણ જીવંત માનવીની ખોટ જરૂર વર્તાય છે.માનવી તો જોડતા, તૂટતાં, સંધાતા, ખોડંગાતા, વિસ્તરતા અને વિખેરાતા સંબધ અને સંવેદનાથી બનેલો છે. એની જગ્યા નિરજીવ યંત્ર કેવી રીતે લઇ શકે … ? તને ખબર છે  મને જન્મદિવસે તારા પપ્પા ગજરો આપતા એ ગમતુ ..આ ફૂલોના ગુલદસ્તા કેઈ રીતે મારા ગજરાનું સ્થાન લઇ શકે ?

મોમ તારી વાત સાચી છે હું પણ ઘરે આવ્યો ત્યારે તને ખુબ મિસ કરતો હતો તારા વગર ઘર સુનું લાગતું હતું..તારા સ્પર્શ મને જોઈતો હતો ,બાળક પૃથ્વી પર જન્મે ત્યારે માં સાથેની પહેલી ઓળખ એનો સ્પર્શ હોય છે… ​​​હું અહી એટલે જ આવું છું અને આવતો ત્યારે ​આસપાસના બધાને મળી લેવાની ​મને તાલાવેલી રહેતી. ​હું અમેરિકા તો ગયો પણ ​આસપાસના ​આપણા આ ​નાનકડા વિશ્વ સાથે કોઈ જ કારણ વગર જ જોડાયેલો રહેતો.​સવિતાબેન ,​બેલ મારતો દૂધવાળો​,​પસ્તીની બૂમો પાડતો ફેરિયો, ટિકિટ કાપતો કંડકટર, ​ડુગડુગી વગાડતો મદારી…​, પેલો શાકભાજીવાળો અને બાજુવાળા માસી…. ​ઘરની બેલ, ગાડીના હોર્ન, હું અમેરિકામાં કે કોઈ પણ વિકસિત દેશમાં આ નહિ પામું એની મને ખબર છે. માટે જ કામના બહાને અહી આવું છું. એક જુદી જ જાતની ઉર્જા મેળવીને પાછો જાવ છું.બાળપણમાં વર્ગમાં ભણતાં ભણતાં પાટલી પર બેસી કરેલી મજા મને મારી ઓફીસ ની ખુરશી નથી આપી શકતી, પક્ષીને અવાજ પરથી ઓળખી જનારા ​મારા કાન હવે બગીચામાં બેઠાં બેઠાં પણ પક્ષીના ટહુકા સાંભળી શકતા નથી​. સાચું કહું..હા બધું જ છે પણ કશું નથી એ ખુબ મને વર્તાય છે અને આ ખાલીપણું ભરવા આવું છું .મારી આસપાસના વિશ્વ સાથે જીવંત સંપર્ક​ જાણે તૂટી ગયો છે.મારા ભાંગી પડેલા ​મનની પુન:નિર્માણની જગ્યા​ એટલે આપણું આ ઘર ​ છે મોમ.. મેં જાણે આ મહામૂલી જણસ ગુમાવી ​દીધી છે…

વાતાવરણ સ્તબ્ધ થઇ ગયું કેટલીય વાર સુધી બંને કઈ પણ ન બોલ્યા,… સત્ય બંને ને સમજાઈ ગયું હતું..મમ્મીના વોટ્સ અપના ટીંગ અવાજે બંનેને ની શાંતિ ને તોડી .મમ્મીએ ફોનમાં આવેલો પ્રણવ ત્રિવેદીનો વોટ્સ અપ મેસેજ દેખાડ્યો – “ટેકનોલોજીની આ તે કેવી કમાલ (!!) કે સાવ પાસે બેઠેલાં એક ચૈતન્ય સભર અસ્તિત્વ સાથે સંવાદ સ્થાપવો મુશ્કેલ અને દૂર દૂરના કોઈની સાથે હાથવગો સંપર્ક !!​-​
બંને હસી પડ્યા …

Pragna Dadbhawala
Community Ambassador,
Email: pragnad@gmail.com
Phone: 408-410-2372
http://pragnaji.wordpress.com/
http://junirangbhumi.wordpress.com/m
https://shabdonusarjan.wordpress.com/
http://gujaratidaglo.wordpress.com/

5 thoughts on “તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(20)-મમ્મી “હાઈ ટેક” બની -પ્રજ્ઞા દાદભાવાળા

  1. આધુનિક ટેક્નોલોજીની કડવી વાસ્તવિકતા જેટલી જલ્દી સમજાઇ જશે , સંબંધોની સુંવાળપ પણ એટલી ઝડપથી પરખાશે.
    વર્તમાન વાસ્તવિકતાને અનુલક્ષીને ખુબ સુંદર વાત.

    Liked by 1 person

  2. અતિ સુંદર અને હ્યદય સ્પર્શી વાર્તા. ખૂબ ખૂબ અભિનંદન…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.