તરુલતાબેન વાર્તા સ્પર્ધા-(17)મેસેજ સેન્ડ ના થયો..સપના વિજાપુરા

હોન્ડા સિવીક કારમાં નિધી સપાટાબંધ સુરત તરફ જઈ રહી હતી.નિધી દુલ્હનના કપડામાં શોભી રહી હતી.સફેદ ચાંદ જેવો ચહેરો કાળા ભમ્મર વાળ! અને વાળમાંથી નીકળતી બે લટ ચાંદ જેવા ચહેરા ને ઔર રોનક આપી રહી હતી. ગુલાબી હોઠ, કાળી ભ્રમર, આછાં લીલા રંગની આંખો.કમનીય દેહ!! નિધી જાણે આકાશમાંથી કોઈ અપ્સરા જમીન પર આવી ગઈ એવું લાગતું હતું. પણ નિધી ગભરાયેલી ગભરાયેલી ડ્રાઈવ કરી રહી હતી. એક હાથમાં મોબાઈલ ફોન અને એક હાથમાં સ્ટીરીયરીંગ વ્હીલ!! વારંવાર એ કોઈને મેસેજ કરી રહી હતી.ગભરાટ એટલો વધી ગયો કે આંખોમાં આંસું આવી ગયા.ગાડીની સ્પીડ વધી રહી હતી. પણ એનું એને ભાન ના હતું. એનું બધું ધ્યાન મોબાઈલ પર હતું.એ ગુસ્સામાં બબડી,” આ રોનક કેમ મેસેજના જવાબ આપતો નથી? ફોન પણ નથી ઊપાડતો..સુરત આવવાનું કહ્યું પણ સુરતમાં કઈ જગ્યાએ મળવાનું છે.”નિધી ગુસ્સામાં લાલ પીળી થઈ રહી હતી. એને મોબાઈલનો પેસેન્જર સીટ પર ઘા કર્યો.

નિધી શેઠ રતનલાલની એકની એક દીકરી હતી. ખૂબ લાડકોડમાં ઊછરેલી નિધીને રતનલાલ તથા શાંતાબેને કોઈ વસ્તુની ખોટ પડવા દીધી ના હતી.યુનિવર્સિટીમાં નિધી જુદી તરી આવતી..ફૅશનેબલ કપડા, ગાડી અને વળી સૌથી રૂપાળી પણ ખરી. અને ગુસ્સો તો એનાં નાક પર રહેતો. કોઈ યુવાન એની સામે ચૂં કે ચા ના કરી શકે..ડ્રાઈવર લેવા  મૂકવા આવે ક્યારેક પોતે ગાડી ચલાવે.. ભણવામાં પણ ખૂબ હોંશિયાર અને રમત ગમતમાં પણ અવ્વલ નંબર. હિન્દી પિકચરની હિરોઈનની જેમ એ કોલેજની સૌથી હોટ યુવતી હતી.

રતનલાલનું નામ અમદાવાદના મોટા શેઠમાં ગણાતું કાપડ ઉધ્યોગમાં ખૂબ જાણીતું હતું. રતનલાલ દીકરીને ખૂબ ચાહતાં. એનાં માટે ખૂબ ચિંતામાં રહેતા કે મારી દીકરીને લાયક કોઈ છોકરો મળી જાય તો સારું. રતનલાલની ઘણી ઓળખાણ અને સંબંધને કારણે લોકો નિધી માટે વાત મોકલતા પણ રતનલાલને કોઈ છોકરો ધ્યાનમાં આવતો ન હતો. છેવટે શાંતાબેનની દૂરની ભાણી મુંબઈ થી એક છોકરાનું માંગું લઈને આવી.ભાણી નાં જ સગામાં હતાં. બહું મોટી પાર્ટી હતી. છોકરો પણ એન્જિનિયર થયેલો. પણ એનાં પપ્પાને બીઝનેસમાં મદદ કરતો હતો. ભવ્ય ખૂબ દેખાવડો અને સંસ્કારી છોકરો હતો. રતનલાલ અને શાંતાબેન મુંબઈ ઊપડી ગયાં છોકરો જોવા બન્ને ને ભવ્ય ખૂબ ગમી ગયો. તમે અમદાવાદ આવો કહી બન્ને ખુશી ખુશી અમદાવાદ પાછાં ફર્યા.

નિધી પહેલેથી છૂટ માં રહેલી. મમ્મી પપ્પા પણ કોઈ વાતનો વાંધો લેતા ના હતાં. નિધી ફેઇસબુકમાં મિત્રો બનાવે એની સાથે વાતો કરે.. નિર્દોષતાથી!! પણ એક છોકરો ફેઇસબુકમાં પોસ્ટ મૂકતો અને નિધી એની બધી પોસ્ટ ફોલો કરે.નિધીએ એને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી પણ એ સ્વીકારતો નહોતો..નિધી માટે આ અપમાનજનક સ્થિતી હતી.” એ શું સમજતો હશે ..હું એની પાછળ પાગલ છૂં? ગો ટુ હેલ!! પણ નિધીને આ વાત દિવસ રાત બોધર કરતી હતી.એને એના એક કોમન ફ્રેન્ડને જણાવ્યું કે રોનકને કહે મારી સાથે દોસ્તી કરે. દોસ્તના કહેવાથી એણે રીક્વેસ્ટ સ્વીકારી. હવે નિધી રોજ સવારે ગુડ મોર્નિંગ અને રાત્રે ગુડ નાઈટ કહે. રોનક્ને શાયરી મોકલે હ્રદયના ફોટા મોકલે.હવે રોનકની થોડી અકડ ઓછી થઈ હતી. ધીરે ધીરે રોનક નિધીને ગમાડવા લાગ્યો.બન્ને એકબીજાની ખૂબ નજીક આવી ગયાં. રોનક દિલ્હીનો હતો. ફોટા પરથી ખૂબ દેખાવડો લાગતો હતો. અને કહેતો હતો કે સોફ્ટવેરમાં ભણે છે આઈટીનો સ્ટુડન્ટ છે.નિધી તો રોનકને દિલ દઈ બેઠી. નિધીના દિલોદિમાંગ પર રોનક જ છવાયેલો રહેતો. રોનકે નિધીને કહેલું કે એ સામાન્ય ઘરનો છોકરો છે ડેડી ગુજરી ગયાં છે અને મા સ્કુલમાં ટીચર છે અને એક નાની બેન છે.નિધી તો રોનકની અકડાઈ પણ ભૂલી ગઈ. “જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી આપની” જેવી હાલત હતી.રોનક કહેતો એ બધું કરતી. ક્યારેક ફેઇસટાઈમ રોનક કિસ આપવા કહેતો તો ક્યારેક દુપટ્ટો નીચે કરવા કહેતો તો ક્યારેક.. નિધી ખૂબ શરમાઈ જતી પણ રોનકને ખુશ રાખવા બધું કરતી.

રતનલાલે અમદાવાદથી આવી દીકરીને બોલાવી કહ્યું, ” જો બેટા, અમે તારા માટે મુરતિયો જોઈ આવ્યા છીએ અને બહુ સારું ખાનદાન અને માલદાર પાર્ટી છે દીકરો પણ એકનો એક છે.દેખાવડો, ભણેલો અને સંસ્કારી શાંત સ્વભાવનો છે. તારે લાયક છે.નિધી તો આ સાંભળી એકદમ હક્કાબક્કા રહી ગઈ. જલ્દી દોડીને રૂમ માં ગઈ. રતનલાલને એમ કે દીકરી શરમાઈ ગઈ છે. પણ શાંતાબેન સમજી ગયાં. એ પાછળ પાછળ રૂમ માં ગયાં. નિધી બોલી,” મોમ, હું આ લગ્ન નહી કરું.” શાંતાબેને એને ખૂબ સમજાવી કે તારા પપ્પાએ વચન આપ્યું છે. હવે કાંઇ નહી થઈ શકે. નિધી રૂમનું બારણું બંધ કરી ખૂબ રડી. પછી આંસું લૂંછી ઊભી થઈ ગઈ. કૉમ્પ્યુટર પર જઈ ફેસબુક ખોલીને બેઠી. રોનક ઓન લાઈન હતો. તેણે રોનકને ફેઈસટાઈમ પર બોલાવ્યો. રડી રડીને બધી વાત કરી. રોનકે એને આશ્વાસન આપ્યું કે આપણે બન્ને કોર્ટ મેરેજ કરી લઈશું પણ આપણા પ્રેમને હારવા નહી દઈએ.
અહીં રતનલાલ બધી તૈયારીમાં પડી ગયાં ઝટ મંગની પટ બ્યાહ જેવી વાત થઈ. ભવ્યના  માતપિતા અમદાવાદ આવ્યાં. મને  કમને મંગની થઈ ગઈ. ૧૬ ઓગષ્ટના લગ્ન લેવાયાં. કાર્ડ મોકલી અપાયા બધી તૈયારી ધૂમધામથી ચાલી રહી હતી.નિધી પોતાના ચહેરાના ભાવ છૂપાવી બધી તૈયારીમાં સાથ આપી રહી હતી.

રોનકનું ફાઈનલ ઈયર હતું. ઓગષ્ટમાં એની એક્ઝામ ખતમ થતી હતી. બન્નેએ ૧૬ ઓગષ્ટના સુરતમાં મળવાનું નક્કી કર્યુ હતું. નિધી બ્યુટી પાર્લરમાં ગઈ અને ડ્રાઈવરને છૂટી આપી કારની ચાવી લઈ લીધી. દાગીના થોડી કેશ લઈને એ પાર્લરમાં તૈયાર થવાને બહાને ગઈ. પાર્લરમાંથી નીકળી સીધો એણે સુરતનો રસ્તો પકડ્યો.હોન્ડા સિવીક ગાડી પાણીના રેલાની જેમ જઈ રહી હતી.રોનક ફોન ઉપાડતો ન હતો. લગનનો મંડપ મૂકી આવેલી નિધીને સમજાતુ ન હતું કે શું કરે? રોનકે દગો દીધો? શા માટે મારી લાગણી સાથે રમ્યો. મેં એનો કેટલો વિશ્વાસ કર્યો.વિચારના વંટોળ ચાલી રહ્યા હતાં. એણે ફરી ફોન હાથમાં લીધો. કે મેસેજ કરું. એક હાથે સ્ટિયરિંગ પકડેલું અને એક હાથે ફોન એ મેસેજ ટાઈપ કરવા લાગી..ટાઈપ કરવા જરા નીચું જોયું અને સામેથી એક મોટી ટ્રક આવી નિધીની કાર જરા લેઈનથી બહાર થઈ. ધડૂમ… કારે ટ્રકને મારી દીધી..કાર એક ઝાડ સાથે ભટકાઈ અને બંધ પડી ગઈ. બધાં માણસો ભેગા થઈ ગયાં. નિધીનો દુલ્હનનો ડ્રેસ લોહીથી લાલ થૈ ગયો. ચાંદ જેવો ચહેરો લોહીથી ખરડાઈ ગયો.નિધીને હોસ્પિટલ લઈ ગયાં પણ નિધી સખત રીતે જખમી થઈ હતી. માથામાં પણ વાગેલું નિધીના પ્રાણ પંખેરુ ઊડી ગયાં હતાં. મોબાઈલ પરથી એનાં ઘરનો નંબર મળ્યો. રતનલાલ અને શાંતાબેન રોતાં કકળતાં હોસ્પિટલ આવ્યા. એના કલેજાનો ટૂકડો આ દુનિયા છોડી ચાલી ગયેલો.રોનકના કોઈ સમાચાર ન હતાં. નિધીનો અર્ધો લખેલો મેસેજ સેન્ડ થયો ના હતો!!
સપના વિજાપુરા


Please visit my Website and leave valuable Comments,

For Gujarati ghazals: 
http://www.kavyadhara.com/

For hindi ghazals: 
www.kavyadhara.com/hindi

Najma’s Shayri: 
http://www.najmamerchant.wordpress.com/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.