તરુલતા વાર્તા સ્પર્ધા (9) વ્હોટસ અપ કે વ્હોટ્સ એપ?રાજુલ કૌશિક-

આધુનિક ટેક્નોલોજીની પારિવારિક સંબંધો પર અસર- વાર્તા-

વ્હોટસ અપ કે વ્હોટ્સ એપ?

 

શૈલજા……………

પિક અપ ફોન પ્લીઝ.

શૈલેશ છેલ્લી ત્રીસ મિનિટમાં તેત્રીસ વાર શૈલજાને ફોન જોડી ચુક્યો હતો પણ સામથી સતત એકધારી નિરાશા પડઘાતી હતી. .

તોબા ભઇસાબ તારી શૈલુથી તો.ક્યારેક અકળાઇને શૈલેશ જાનકીને ફરિયાદ કરતો ત્યારે જાનકી સતત એકધારા એક સરખા જવાબ આપતી.

શૈલુની ક્યાં વાત કરે છે , આજકાલના દુનિયાભરના બધા નમુનાઓ માટે માબાપની ફરિયાદ છે. તમે ફોન કરો અને ફુરસદ હોય તો જવાબ મળે નહીં તો સીધો મેસેજમાં જાય.

બધાની અહીં ક્યાં વાત છે , દુનિયાભરના લોકોને જે કરવુ હોય કરે મારે તો માત્ર લેવાદેવા છે મારી શૈલુ જોડે. હું ફોન કરુ ને એણે મારી સાથે વાત કરવી પડે.

તારો કાયદો છે ને ? એણે માન્ય રાખ્યો છે કે નહીં તેં એને પુછ્યુ છે?’

જ્યારે જ્યારે શૈલેશ શૈલેજાને ફોન કરતો અને એનો સામે જવાબ મળે ત્યારે ત્યારે ફરિયાદ અને સવાલ અને જવાબ બંને પતિપત્નિ વચ્ચે થયા કરતા.

મુળ અમેરિકામાં સ્થાયી થયેલા પરિખ પરિવારની જાનકી કૌટુંબિક પ્રસંગે ભારત આવી અને બે મહિનાના લાંબાં વેકેશન દરમ્યાન શૈલેશ જોડે પરિચયમાં આવી. પરિચય પ્રણયમાં અને પ્રણય પરિણયમાં પરિવર્તીત થયો .સ્વદેશ કરતા વિદેશમાં વધુ જલ્દી અને વધુ સારી પ્રગતિ થશે એવી જાનકીની માન્યતાને માન્ય રાખીને શૈલેશે પણ અમેરિકા પ્રસ્થાન કર્યુ .

એક શરત સાથે  “જો જાનુ ,તારી વાત સર આંખો પર પણ મારી એક મરજી જાણી લે તારા ફેમિલી સાથે રહેવાની કે તારા ફેમિલી બીઝનેસમાં જોડાવાની કોઇપણ જાતની મારી ઇચ્છા નથી કે ના તુ પણ એના માટે આગ્રહ રાખતી.. મારી વાત તને મંજુર હોય તો અમેરિકા આવવાની મારી મંજુરીની આશા રાખજે નહીં તો વાત અહીંથી શરૂ થયા પહેલા આપણે બંધ કરી દઇએ.”

જાનકીએ શૈલેશની વાતને રાજીખુશીથી વધાવી લીધી. એણે ક્યારેય શૈલેશને પરિખ પરિવારના  વર્ષોના જામેલા બિઝનેસમાં આવવાનો કે જોડાવા માટે શૈલેશને ક્યારેય આગ્રહ  કરવાની વાત તો દુર પોતે પણ એમાંથી બહાર આવી ગઈ અને શરૂ થયો શૈલેષ જાનકીનો ઘર સંસાર. શરૂઆતના પાંચ વર્ષ તો કેવા વિત્યા ?

જો જાનુ, શૈલેશ જાનકીને વ્હાલથી જાનુ કહેતો. આપણે બાળકને તમામ સુખ સગવડોથી ભરેલુ , હસતુ રમતુ બાળપણ આપી શકીએ ત્યાં સુધી તો બાળકનો વિચાર સુધ્ધા નહી કરવાનો.”  એક દિવસ જાનકી પોતાની બાળક માટેની ઇચ્છા પ્રગટ કરી પણ શૈલેષ બાબતે મક્કમ હતો. બીજા બે વર્ષ આગળ વાત ગઈ.

ખરેખર દિવસ આવ્યો જ્યારે શૈલેષ અને જાનકી એક એવી સ્થિરતાએ પહોંચ્યા કે એમની ઇચ્છા મુજબ એમના બાળકને એનુ બાળપણ આપવા શક્તિમાન થયા અને એમના જીવનમાં આવી શૈલજા.

શૈલેષની તો દુનિયા આખી શૈલજાથી શરૂ થઈને શૈલજામાં સમાઇ જતી. “હથેળીના છાંયે રાખવી છે આપણી શૈલુને હોં કે !

જાનકી હસી પડતી  દુનિયામાં કંઇ પહેલ વહેલુ સંતાન છે ?કયા માબાપને પોતાના સંતાનને લાડ લડાવાની હોંશ નહી થતી હોય?’  

મારા માટે તો મારી તારી આપણી દુનિયામાં પહેલુ બીજુ કે ત્રીજુ જે કંઇ છે માત્ર શૈલી છે અને રહેશે.

ક્યારેક શૈલજા , ક્યારેક શૈલુ તો ક્યારેક શૈલી ….

એક હદ વટાવી જાય એવી ઘેલછા શૈલેષને શૈલજા માટે હતી. જાનકી ક્યારેક એની વધુ પડતી કાળજી માટે રોકતી ટોકતતી પણ શૈલેષ જેનુ નામ , જાનકીની રોકટોકને  એક કાનેથી બીજા કાને કાઢી નાખતો.

જાનુ , શૈલી આવતા મહીને એક વર્ષની થશે. એક શાનદાર પાર્ટી તો હોની ચાહીએ.

ભડકી ઉઠી જાનકી એની વાત સાંભળીને, ‘જો શૈલેષ એક વર્ષની પાર્ટીનો મારા મતે કોઇ અર્થ નથી. થોડી સમજણી થાય તો એને પણ મઝા આવે. પાંચ વર્ષની થાય ત્યારે વાત.

કોણે કીધુ એક વર્ષની થઈ એની પાર્ટી કરવી છે? મારે તો સૌથી પહેલુ ડૅડા બોલતી થઈ એનુ ગૌરવ સેલીબ્રેટ કરવુ છે. મા , મમ્મા કે મૉમ તો બધા બોલતા શીખે પણ કયુ બાળક સૌથી પહેલો શબ્દ ડૅડા બોલ્યુ છે? પ્લીઝ વાતની તું ના નહી પાડતી. પછી તુ કહીશ ત્યારે બીજી પાર્ટી કરીશુ પ્રોમીસ બસ!

અને ધરાર શૈલેષે શૈલજાના પ્રથમ જન્મદિવસે એના ડૅડા હોવાના ગૌરવની ઉજવણી કરી.

શૈલજાના પ્રથમ જન્મ દિવસથી માંડીને આજ સુધીની એક એક ક્ષણની શૈલેષ પાસે વ્હાલભરી યાદો હતી.  અને યાદો એને વારંવાર વાગોળવી ગમતી, જાનકી જોડેશૈલજા જોડે. જાનકી તો એની વાતો સાંભળ્યા કરતી પણ હવે શૅલીની ધીરજ ખુટી જતી. શૈલેશ ભુતકાળ વાગોળવાનો શરૂ કરે અને બીજી ક્ષણે બોલી ઉઠતી.

ડૅડુ , પ્લીઝ નોટ અગેઇન , આઇ નો એવ્રી થિંગ .મને બધુ ખબર છે અને મને યાદ પણ છે સૉ નાઉ ડોન્ટ રિપીટ ઑલ ધેટ અગેઇન એન્ડ અગેઇન.. આઇ હેવ લોટ્સ ઓફ થિંગ્સ ટુ ડુ.

જોયુ જાનકી ? કેટલી કાલીઘેલી એકની એક વાતો મારી સાથે કર્યા કરતી નહોતી ?  તો મેં ક્યારેય કીધુ કે આઇ હેવ લોટ્સ ઓફ થિંગ્સ ટુ ડુ? કંઇ કામ હોય તો ડૅડુ યાદ આવે પણ ડૅડુને દિકરીની યાદ આવે અને દિકરી સાથે વાત કરવાનુ મન થાય તો એની એપોઇન્ટમેન્ટ લેવાની?

આખો દિવસ સેલ ફોનમાં માથુ ખોસીને બેસી રહે છે ત્યારે એને કશુ કરવાનું યાદ નથી આવતું પણ મારી સાથે વાત કરવાની હોય ત્યારે એને લોટ્સ ઓફ થિંગ્સ કરવાની રહી જાય છે.” શૈલજાના જવાબથી શૈલેશ અકળાતો. એને આજે શૈલજાને અપાવેલા સેલ ફોન માટે  પેટ ભરીને પસ્તાવો થઈ રહ્યો હતો.

શૈલેષ , સમજવા પ્રયત્ન કર તુ ,ગીવ હર સમ સ્પેસ. તારી વાત સાચી છે તારી દુનિયા શૈલુ છે પણ હવે આપણી દુનિયાથી અલગ બીજી એક દુનિયા એના માટે વિસ્તરી છે જેમાં એને એની અલગ ઓળખ ઉભી કરવાની છે. હવે માત્ર આપણી નાનકડી શૈલજા નથી રહી. સમયનો તકાજો છે એના આવનારા સમય માટે સજ્જ થઇ રહી છે ત્યારે તુ એને બાંધી રાખવાની ખોટી મથામણ ના કર. તુ કહેતો હતો ને કે સાચો પરિવાર એને કહેવાય જ્યાં બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય..સુચન હોય પણ સમજણ હોય. સંપર્ક ના હોય તો પણ સંબંધ તો હોય . અત્યારે આપણા સંપર્કથી દુર હશે તો પણ સંબંધના બંધનથી તો દુર નથી રહી શકવાની ને?  બસ ખાલી એને બાંધી કે રુંધી ના રાખ.

બસ એક વાત શૈલેષ માટે સ્વીકારવી અઘરી હતી. એને તો સતત શૈલુના સંપર્કમાં રહેવુ હતુ શૈલુને સતત એના સંપર્કમાં રાખવી હતી નાનકડી હતી એમ .

શૈલજાને ડૅ કેરમાં મુકી દિવસે તો શૈલેષ જમી નહોતો શક્યો.અરે જમવાની વાત તો દુર ઓફિસ કામે નહોતો જઈ શક્યો. ડૅ કેરની બહાર કાર પાર્ક કરીને ક્યાંય સુધી સુનમુન બેસી રહ્યો હતો. એનો હાથ છોડાવીને શૈલજાને પોતાની સાથે લઈ જતી મિસ લૉરિયાના હાથમાં છટપટતી અને શૈલેષ પાસે પાછી આવવા હિબકે ચઢેલી શૈલજાનુ આક્રંદ એની આંખોમાં ઉમટ્યુ હતુ. સતત એક અઠવાડીયા સુધી ક્યાંય સુધી બહાર પાર્કીંગ એરિયામાં બેસી રહેતો . પછી ડૅ કેરમાં પ્રવેશની પાસે ગોઠવાયેલા ટી.વી સ્ક્રીન પર શૈલજાને બીજા બાળકો સાથે રમતી જોઇ ત્યારે એના મનને શાતા વળી હતી.

સ્કુલે જતી થયેલી શૈલજાને  સ્કુલ બસમાં મોકલવા માટે જાનકીએ એને કેટલી વાર સમજાવવો પડ્યો હતો? સવારે સ્કુલ બસ આવે ત્યાં સુધી પિક અપ પોંઇન્ટ પર ઉભેલી શૈલજા જોડે ઓફીસ જવા નિકળી ગયેલો શૈલેષ સતત શૈલજા સાથે સેલ ફોન પર સંપર્કમાં રહેતો. જ્યાં સુધી શૈલજા બસમાં ચઢે ત્યાં સુધી ડૅડુએ એની સાથે વાત કર્યા કરવાની શૈલજાની જીદ એને કેટલી વ્હાલી લાગતી ? ક્યારેક તબિયત સારી હોય ત્યારે ડૉક્ટર પાસે ડૅડુએ લઈ જવાના શૈલજાના આગ્રહથી એનો કેટલો અહમ સંતોષાતો? રાત્રે ઉંઘ આવે ત્યાં સુધી ડૅડુની પાસે એક ની એક વાર્તાઓ અનેકવાર સાંભળતી રહેતી શૈલજામાં ડૅડુ્ની ક્યારેક કહેલી વાતો  ફરી સાંભળવાની હવે ધીરજ રહી નહોતી.. એવુ નહોતુ કે શૈલજા બદલાઇ હતી કે એને એના મમ્મા ડૅડુ તરફનો ઝોક ઓછો થયો હતો એવુ નહોતુ બસ હવે ભુતકાળ તરફ મીટ માંડીને બેસવાના બદલે એની આંખો ભવિષ્યના સોનેરી સપના જોતી થઈ હતી. સ્કુલ બસ રાઇડ કરતી શૈલજા જાતે ડ્રાઇવ કરીને કોલેજ જતી થઈ હતી.

જરૂર પડે મમ્મા કે ડૅડુને તાબડતોબ દોડાવતી શૈલજા જરૂર સિવાય મમ્મા કે ડૅડુ સાથે લાંબો સમય નહોતી વિતાવતી . જાનકી વાત સ્વીકારી લીધી હતી .કોલેજમાં જતો સમય અને લીધેલા કોર્સ પુરા કરવા આપવો પડતો સમય જાનકી પણ જોયો હતો .મનમાં આવે ત્યારે ફોન કરવાના બદલે મેસેજ મુકી રાખ્યો હોય તો શૈલજા એની ફુરસદે ફોન કરે ત્યાં સુધી રાહ જોવાની ધીરજ જાનકીમાં હતી શૈલેષમાં નહોતી.

કેવુ જાનકી? વૉટ્સ અપ ડૅડુ કહેતી દિકરીને મારે વૉટ્સએપ પર મેસેજ મુકવાનો? ફેસ ટુ ફેસ વાત કરવાના બદલે મારે એને ફેસ બુક પર શોધવાની? ધીસ ઇઝ ટુ મચ.

તો શું થઈ ગયુ શૈલેષ દુનિયા આગળ વધી ગઈ છે અને તુ હજુ ત્યાં ઉભો છુ. બદલાવ સ્વીકારતા શીખ શૈલેષ બદલાવ સ્વીકારતા શીખ. શૈલુ મોટી થઈ ગઈ છે સત્ય છે અને હકિકત છે યાદ રાખતા શીખ. હવે   વાદળના ગડગડાટ કે વિજળીના ચમકારાથી ડરીને તારી છાતીમાં લપેટાઇને સુઇ જતી શૈલજા નથી રહી . વાતે વાતે તારી પાસે આવવાના બદલે  એના પોતાના પ્રોબ્લેમ જાતે સોલ્વ કરતી , જાતે પોતાના રસ્તા શોધતી શૈલજાને સમજતા શીખ.‘  

ચાલો હવે આપણે નવેસરથી એકડો ઘુંટવાનો ચાલુ કરવો પડશે પણ એક વાત કહુ જાનુ? એક દિવસ છોકરી પસ્તાવાની છે. મનમાં આવે એટલુ મનસ્વીપણુ સારુ નહી.

આમાં મનસ્વીપણુ ક્યાં આવ્યુ કામમાં હોય તો એની ફુરસદે પાછો ફોન તો કરે છે ને? મારા મતે તો તારા કિસ્સામાં વાઘ આવ્યો રે વાઘ જેવી પરિસ્થિતિ તુ હાથે કરીને ઉભી કરી રહ્યો છે. મારુ માન શૈલ કારણ વગરના નાહકના ફોન કરીને તુ એને તારાથી વધુને વધુ દુર કરી રહ્યો છુ બંધ કર નહી તો ખરેખર એવી કોઇ જરૂરિયાત હશે કે ખરેખર એવુ કામ હશે ત્યારે તારા માત્ર ખબર પુછવા કરવામાં આવતા ફોન જેવો સમજીને જવાબ નહી આપે ત્યારે એના કરતા તારે પસ્તાવાનો વારો આવશે. લખી રાખજે.

અને સાચે અત્યારે શૈલેષ ભરપેટ પસ્તાઇ રહ્યો હતો. જાનકીને અચાનક પેટમાં સખત દુઃખાવો ઉપડ્યો હતો અને એને ઇમર્જન્સી સર્જરી માટે હોસ્પીટલ એડમિટ કરવી પડી હતી.એપેન્ડીક્સ બર્સ્ટ થયુ હતુ અને સર્જરી દરમ્યાન કોમ્પ્લીકેશન ઉભા થયા હતા. જાનકીનુ બ્લડ પ્રેશર એકદમ વધી ગયુ હતુ જે કંટ્રોલમાં લાવવુ જરૂરી હતુ. શૈલજાની હાજરીની આવશ્યકતાથી કોઇ ફરક પડવાનો  હોય તો પણ શૈલજાને જણાવવુ , શૈલજાનુ અહીં હોવુ અત્યંત જરૂરી હતુ એવુ શૈલેષને લાગી રહ્યુ હતુ. પણ એના લાગવાથી શુ? શૈલજાને એની ખબર હોવી જોઇએ ને?

ક્લાસમાં હોય ત્યારે સાયલન્ટ મોડ પર મુકેલા સેલફોનના વાઇબ્રેશન અનુભવીને પણ ફોન કરી શકે એમ નહોતી. ઘણીવાર એવું બનતું કે ડૅડુ ખાલી અમસ્તા એનો અવાજ સાંભળવા પણ ફોન કર્યા કરતાં એટલે ડૅડુના હંમેશની જેમ અમસ્તા આવતા ફોનનો તાત્કાલિક જવાબ આપવો પડે એવુ જરૂરી નહોતુ.

શૈલેષની અધિરાઇ માઝા મુકતી હતી. એક તો જાનકીની ચિંતા અને પહોંચ બહારની શૈલજા સુધી પહોંચવાની ઉતાવળ.  અત્યારે શૈલેષને એક એક ક્ષણ એક એક યુગ જેટલી લાંબી લાગતી હતી.

બસ એક છેલ્લો પ્રયત્ન….

અને ફરી નિરાશા.

શૈલેષના મગજમાં જાનકીના શબ્દો હથોડાની જેમ વાગતા હતા , ‘શૈલેષ મારા મતે તો તારા કિસ્સામાં વાઘ આવ્યો રે વાઘ જેવી પરિસ્થિતિ તુ હાથે કરીને ઉભી કરી રહ્યો છે. મારુ માન શૈલ કારણ વગરના નાહકના ફોન કરીને તુ એને તારાથી વધુને વધુ દુર કરી રહ્યો છુ બંધ કર નહી તો ખરેખર એવી કોઇ જરૂરિયાત હશે કે ખરેખર એવુ કામ હશે ત્યારે તારા માત્ર ખબર પુછવા કરવામાં આવતા ફોન જેવો સમજીને જવાબ નહી આપે ત્યારે એના કરતા તારે પસ્તાવાનો વારો આવશે. લખી રાખજે.

હતાશ શૈલેષે ફોનનો સામેની દિવાલે છુટ્ટો ઘા કર્યો

ક્લાસમાંથી બહાર આવેલી શૈલજાએ ડૅડુના અસંખ્ય મિસ કોલ જોયા . જરા હસીને અધિરા ડૅડુની ખબર લઈ નાખવા એણે ફોન જોડ્યો.

હવે શૈલેષનો ફોન સતત રણક્યા કરતો હતો અને શૈલેષ શૈલજાની નહી મનને શાંત પાડી શકે એવી સ્થિરતાની પહોંચ બહાર હતો.

રાજુલ કૌશિક

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in રાજુલ કૌશિક and tagged , , , , , , , , , . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s