જુન ૨૦૧૭ની – ‘બેઠક’નો અહેવાલ-કલ્પના રઘુ

     અમેરિકા  કેલિફોર્નિયાની ‘બેઠક’માં “સંબંધ” પુસ્તકના વિમોચનમાં વગર સંબંધે સૌ ગૂંથાઈ ગયા 

એક જ કામ સંબધમા કીધું. લીધું એથી બમણું દીધું.-શૈલ પાલનપુરી 

સૌને જોડીને જકડી રાખતો સબંધ એટલે આપણી માતૃભાષા 

‘બેઠક’ સ્પર્ધા નથી વિકસવાની તક છે. -તરુલતાબેન મહેતા 

મીલપીટાસ, કેલીફોર્નિયા ખાતે ICCમાં ૩૦ જુન, ૨૦૧૭એ યોજાયેલ ‘બેઠક’નો અહેવાલ

‘બેઠક’ની શરૂઆત કલ્પના રઘુ દ્વારા ઇશ્વર-સ્તુતિથી કરવામાં આવી. ત્યારબાદ સંચાલન કાર્ય તેઓએ સંભાળ્યું. સૌને આવકારતા તેમણે કહ્યું કે આજે ‘બેઠક’માં બહોળી સંખ્યામાં હાજરી છે પરંતુ ‘બેઠક’ના આયોજક પ્રાજ્ઞાબેનની ગેરહાજરી છે. આનંદના સમાચાર છે કે તેઓ નાની બન્યા છે. આમ તેમની પદવી મોટી થઇ છે. ‘કબીર’નો જન્મ થયો છે. સુંદર સુયોગ કહેવાય કે એના જન્મની જાહેરાત અને બીજી બાજુ આજનો વિષય છે ‘બાળવાર્તા’. સૌએ પ્રજ્ઞાબેન પર સ્પીકર ફોન દ્વારા અભિનંદનની વર્ષા કરી.

ત્યારબાદ બેઠકના ગુરૂ તરૂલતાબેનના પુસ્તકના વિમોચન માટે સહસંચાલક રાજેશભાઇએ તેમનો પરિચય આપ્યો. તેમણે જણાવ્યુ કે તરૂલતાબેન M. A., P. HD. કરીને ૨૦ વર્ષ પ્રાધ્યાપક તરીકે રહ્યાં હતાં. અહીં આવીને સાહિત્યનું સર્જન, પ્રચાર, પ્રસારમાં તેમનુ બહોળું પ્રદાન રહ્યું છે. તેમને ઉમાશંકર જોશી એવોર્ડ મળ્યો છે. ‘બેઠક’ તમામ સાહિત્ય રસીકો માટે છે જેમાં ઉગતા સર્જકો જ્ઞાનનો લાભ લે છે અને જેઓ અનુભવી, ગુરૂ સમાન છે તેઓ જ્ઞાન વહેંચે છે. આ તબક્કે તરૂલતાબેન જેવા લેખિકાના પુસ્તકનું ‘બેઠક’માં વિમોચન થાય તે ‘બેઠક’ માટે ગૌરવની વાત કહેવાય. ડૉ. પ્રતાપભાઇ પંડ્યા કે જેઓ ‘પુસ્તક પરબ’ના પ્રણેતા છે તેમના હાથે ‘સંબંધ’ નામના પુસ્તકનુ વિમોચન કરવામાં આવ્યું. સૌએ તેઓને તાળીઓથી અભિનંદન આપીને વધાવ્યા. રમાબેન પંડ્યાએ તેમને મુરારીબાપુના જીવન પરનુ ‘આહૂતિ’ પુસ્તક ભેટ આપ્યું. વસુબેન શેઠે પોતે બનાવેલુ કાર્ડ અને પુષ્પગુચ્છથી તેમનુ સન્માન કર્યું. આ પુસ્તક ડૉ પ્રતાપભાઇ પંડ્યાને અર્પણ કરવામાં આવ્યુ છે. જેથી તેઓ ભાવવિભોર બની ગયા હતાં. તેઓએ સુંદર પ્રવચન અને હાજરી દ્વારા વડીલ તરીકેની જવાબદારી નિભાવી હતી. તેમણે ‘બેઠક’ના કાર્યને અને તમામ સર્જકોને પ્રોત્સાહન આપ્યુ હતું. તેઓએ ‘સંબંધ’ પુસ્તક વિષે કહ્યું કે તરૂલતાબેનના રૂવાંડામાં, અણુએ અણુમાં સાહિત્ય વ્યાપી ગયું છે. તેઓએ ‘સંબંધ’ દ્વારા સંવેદનોને વાર્તારૂપે રજૂ કર્યા છે.

તરૂલતાબેને ગુજરાતી ભાષા વિષે, ‘બેઠક’ વિષે અને સાહિત્ય વિષેની વાતો કરીને જીવન વિષે રસપ્રદ અને પ્રોત્સાહક સંદેશ આપ્યો કે કોઇપણ સર્જનનો આનંદ અદભૂત હોય છે માટે પોતાને ગમતુ કરવું. ‘બેઠક’માં સ્પર્ધા નથી પણ વિકસવાની તક છે. કોઇનો મહેલ જોઇને ઝૂંપડી ના બળાય. ટીકાકારો સારા, તેઓ શિલ્પી કહેવાય, જીવનને કંડારે છે. “જગતમાં સૌથી વડી, સ્નેહની કડી’ એ એમનો એક વાક્યમાં સંદેશ છે. જેઓ લખતા નથી તેઓ હ્રદયથી કોરા છે માટે નિજાનંદ માટે પણ લખો. શબ્દોનું સર્જન કરવાથી પણ સમાજની સેવા થાય છે. તરૂલતાબેન જેવા ગુરૂ મેળવવા બદલ ‘બેઠક’ને ગર્વ છે. ત્યારબાદ કલ્પના રઘુએ તેમના પુસ્તકની અનુક્રમણિકા વાંચીને સૌને ‘સંબંધ’ની સફર કરાવી. પ્રતાપભાઇએ જાહેરાત કરી કે બળવંતભાઇ જાની અને અંબાદાનભાઇ ગઢવી ‘બેઠક’માં આવ્યા હતાં. તેમણે ઋણ ચૂકવવાના પ્રયાસરૂપે ‘પ્રતાપભાઇ પંડ્યા ડાયસ્પોરા શ્રેણી’ શરૂ કરવાનુ કહ્યું. સૌ પ્રથમ ‘મારી બારી માહેથી’ પ્રજ્ઞા દાદભાવાળાના પુસ્તકનુ પ્રકાશન કરશે. જેમાં ‘બેઠક’ના સર્જકોના લેખો છે. પ્રતાપભાઇ વિષે પણ બળવંતભાઇ પુસ્તક લખી રહ્યાં છે. જેનું સૌને ગૌરવ છે.

ત્યારબાદ પ્લેઝન્ટનમાં તરૂલતાબેને શરૂ કરેલ ગુજરાતી ગૃપના શશીકાંત પારેખે આ પુસ્તક વિષેના તેમના અનુભવો કહ્યાં તેમજ તેમના લેખનકાર્ય વિષેનુ તેમનુ વક્તવ્ય રસપ્રદ રહ્યું. અમદાવાદથી આવેલ મહેન્દ્રભાઇ મહેતાનાં મિત્ર ગુણવંતભાઇ શાહે ‘બેઠક’ માટે શુભેચ્છા વ્યક્ત કરી.

‘બેઠક’નો આજનો વિષય ‘બાળવાર્તા’ વિષે દાવડાસાહેબે સુંદર માહિતી આપી. તેમણે તેમનુ વક્તવ્ય સંસ્કૃતમાં શરૂ કરીને વાતાવરણ હળવુ બનાવ્યું. અને કહ્યું કે સમયની સાથે વાર્તા બદલાય છે. કવિતામાં લય સાથે ‘બાળવાર્તા’ લખી શકાય. બાળકનું લોજીક સમજવુ જરૂરી છે. સંદેશને, શિક્ષણને વાર્તામાં વણી લેવું જોઇએ. તેમની કલ્પના શક્તિ ખીલે તે જરૂરી છે.

ત્યારબાદ મુલેન્દ્ર જોષી કે જે ૩૫ વર્ષ સાયકોલોજીના પ્રોફેસર રહ્યા હતા. તેમણે સચોટ ઉદાહરણો દ્વારા બાળકો વિષેના મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની સમજણ આપી જે ખૂબજ ઉપયોગી હતી.

ત્યારબાદ મુંબઇથી અમીતાબેન ધારિયા જેઓ પોતાનો બ્લોગ ધરાવે છે તેઓ પ્રથમ વાર ‘બેઠક’માં આવ્યા હતા. તેમણે તથા કલ્પના રઘુએ પોતપોતાની ‘બાળવાર્તા’ વાંચી સંભળાવી. સૌએ તેઓને તાળીઓથી વધાવ્યા. તરૂલતાબેને તથા પ્રતાપભાઇએ તેઓની વાર્તા વિષેના તેમના મંતવ્યો રજૂ કર્યા. ત્યારબાદ નવી આવેલી વ્યક્તિઓમાં, દંપતિ જ્યોત્સ્નાબેન અને ઘનશ્યામભાઇ વ્યાસે ‘બેઠક’ વિષેના તેમના સકારાત્મક વિચારો રજૂ કર્યા. તેઓ મુંબઇથી પણ લેખો દ્વારા ‘બેઠક’ સાથે જોડાયેલા છે. ઘનશ્યામભાઇએ પોતાની બનાવેલી શીઘ્ર કવિતા રજૂ કરી. જ્યોત્સ્નાબેન પ્રીન્સીપાલ હતાં. આમ તેઓ સાહિત્ય સાથે સંક્ળાયેલા છે. ‘બેઠક’ને આ વાતનુ ગર્વ છે.

જયવંતીબેન કે જેમના પુસ્તક ‘પ્રતીતિ’નું વિમોચન ‘બેઠક’ તરફથી પ્રજ્ઞાબેને તેમની વર્ષગાંઠમાં કર્યુ હતું જેનો ઉલ્લેખ કલ્પનાબેને કર્યો. જયવંતીબેને તરૂલતાબેન માટે શુભેચ્છા વ્યક્ત કરી. કલ્પનાબેને આવતા મહિનાના વિષય અંગે તરૂલતાબેન તરફથી હરીફાઇની જાહેરાત કરી જેનો વિષય પ્રજ્ઞાબેન જણાવશે તેમ કહ્યું.

અંતમાં રાજેશભાઇએ સૌની આભારવિધિ કરી. તેમણે આ વખતનુ ભોજન તરૂલતાબેન તરફથી હતું માટે તરૂલતાબેનનો આભાર માન્યો. તેમજ પ્રતાપભાઇ, વક્તાઓ, મહેમાનો, સ્વયંસેવકો નરેન્દ્રભાઇ શુક્લ, જયવંતીબેન પટેલ, જ્યોત્સ્ના ઘેટીયા, જ્યોત્સ્ના વ્યાસ, ઉશા શાહનો તથા ICCનો આભાર માન્યો. સૌને ‘બેઠક’માં આવવા અને લખવા માટે કહીને, પ્રજ્ઞાબેનને યાદ કરીને સૌ છૂટા પડ્યાં.

અહેવાલઃ ‘બેઠક’ના સહસંચાલક કલ્પના રઘુ

4 thoughts on “જુન ૨૦૧૭ની – ‘બેઠક’નો અહેવાલ-કલ્પના રઘુ

 1. ખુબ સુંદર અહેવાલ બંને આયોજકોને ખાસ અભિનંદન સાથે સ્વયંસેવક નો વધારે અભિનંદન આપ બધા થકી ‘બેઠક’ ઉજળી છે.મને આપ સૌએ યાદ કરી બદલ આભાર. તરુલાતાબેનને ખોબો ભરીને અભિનંદન. દાવડા સાહેબ આપે વડીલની જેમ બેઠકનું ધ્યાન રાખ્યું શું કહું ? પ્રતાપભાઈ અને રમામાસી તમે તો બેઠકનું બળ છો,ભગવાનને આજે પ્રાર્થના કરીશ કે આપણી ‘બેઠક’ દરેક ગુજરાતીને એક તાંતણે બાંધી રાખે આપણે સૌ ભાષાના સંબધે એક પરિવારની જેમ સદાય જોડાયેલા રહીએ.મારા ખોળામાં જયારે મારો પૌત્ર કબીર રમતો હતો ત્યારે મને ‘બેઠક’ પરિવાર યાદ આવ્યો.સુખમાં સ્વજનો યાદ આવે ને ? પણ સાચું કહું ‘બેઠકે’ તો આવેલાં આંસુને પણ લૂછવાની શક્તિ આપી છે. ‘બેઠક’ દ્વારા હું મને જગત પાસે વંચાવી શકું છું. અને બેઠકે મને મારી ઓળખ કરાવી છે. હું તો નીમ્મિત માત્ર …….

  Liked by 1 person

  • આભાર પ્રજ્ઞાબહેન. બેઠક આપણી બધાની છે, એટલે એ સારી રીતે ચાલે અને એનો વિકાસ થાય એ આપણી બધાની ફરજ છે.

   Liked by 1 person

 2. અહેવાલમાં બેઠકની એ દિવસની બધી ઘટનાઓને સરસ રીતે રજૂ કરી છે. કલ્પનાબહેન તમે પત્રકાર બનત તો ખૂબ આગળ વધત.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.