બાળવાર્તા- (૧૬)રિન્કુ અને તેના ચારપગી મિત્રો-અમેતાબેન ધારિયા

મિત્રો આજે આપના બ્લોગમાં નવા મિત્ર ભારતથી આવ્યા છે તો એમના વિચારોની સર્જકતા ને માણતા સ્વાગત કરીએ. અમિતાબેન બેઠકમાં આપનું સ્વાગત છે. મિત્રો આપના અભિપ્રાય આપી સ્વાગત કરવાની જવાબદારી પણ તમારી છે. 

ગટુ અને બટુ ચાલો આજ કહુ હું તમને, એક સુંદર મજાની વાર્તા,

નાનકડા એક બાળની, મસ્ત ધમાલી વાર્તા.

“ઉઠને…. ઉઠને.…”

“મમ્મી, આ જોને, ફીકા અને બોકા નથી ઉઠતા. મારે તેમની સાથે રમવું છે”.

નાનકડો રિન્કુ મમ્મીને તેના પાળેલાં ડોગી ફીકા અને બોકા ની ફરિયાદ કરી રહ્યો હતો.

મમ્મી પપ્પા રિન્કુની વર્ષગાંઠ પર આ બે ડોગી લઇ આવ્યા હતા, જે તેને બહુ જ વ્હાલા હતા. રિન્કુએ જ તેના નામ ફીકા અને બોકા રાખ્યા હતા. આખો દિવસ તેની સાથે ધીંગામસ્તી કરે. રિન્કુના મિત્રોને પણ ફીકા અને બોકા સાથે રમવાની બહુ જ મજા આવતી હતી.

રિન્કુ મિન્ટુ પિન્ટુ ચિન્ટુ, ફીકા બોકા સાથે,

નાચે કુદે પડે આખડે, સૌ મળી સંગાથે.

એક દિવસ નાનકડો રિન્કુ મમ્મીને કહી રહ્યો હતો, “મમ્મી, મારા બધા મિત્રો ઘરે આવે છે અને અમે કેટલી બધી મજા કરીયે છીએ. તો ફીકા અને બોકાના મિત્રો ને પણ ઘરે બોલાવને.”

મમ્મી આશ્રર્યચકિત થઇ ગઈ. “બેટા, એના મિત્રો ક્યાં છે?”

“મમ્મી યાદ છે તને, આપણે ફીકા અને બોકાને લઈને ઝૂ માં ગયા હતા. ત્યાં તે વાઘ, સિંહ, ચિત્તા, હાથી, શિયાળ, એ બધાને જોઈને કેટલા ખુશ થતા હતા ને બધા કેવી સરસ વાતો કરતા હતા.”

“હં….. યાદ આવ્યું, એ દિવસે તમને બધાને ઝૂ માં બહુ મજા આવી હતી. તમારે બધાએ ઘરે પણ નહોતું આવવું, ત્યાં જ રમવું હતું.”

“તો મમ્મી, એ બધાને આપણે ઘરે બોલાવીએ તો, ફીકા અને બોકાને કેટલો બધો આનંદ આવશે.”

મમ્મીના મુખ પર સ્મિત આવી ગયું, જાણે તેને એ વાતનું સ્મરણ થયું હોય કે એક જમાનામાં તે પણ નાની બાળકી હતી અને મમ્મી પપ્પા પાસે આવી જ બાલસહજ વાતો કરતી હતી.

મમ્મી વિચારી રહી હતી કે, બાળકો કેટલી ઉત્સુકતાથી પોતાની નિર્દોષતા પ્રકટ કરી શકે છે. તેઓના દિલમાં સૌ  માટે એક સરખો નિસ્વાર્થ પ્રેમ હોય છે. કાશ, બાળપણ પસાર થયા પછી પણ આવો જ નિખાલસ પ્રેમ બરકરાર રહેતો હોય તો.

મમ્મી એ રાત્રે પપ્પા ને રિન્કુ સાથેની વાતચીત કહી. થોડીવાર પપ્પા વિચારમાં પડી ગયા. પછી બોલ્યા, “રિન્કુની ખુશી માટે કંઈક તો કરવું જ પડશે.”

નાસ્તાના ટેબલ પર પપ્પાએ ઝૂ માં જઈ બધા પ્રાણીઓને આવકારવાની વાત કરતા જ રિન્કુ, ફીકા, બોકા ખુશી થી ઝૂમી ઉઠ્યા.

સાંજે બધા ઝૂ માં ગયા. ફીકા બોકાને જોઈને બધા પ્રાણીઓ આનંદમાં આવી ગયા અને ઘરે આવવાનું આમંત્રણ સાંભળીને તો બધા હા હા… હી હી… ચિચિયારીઓ કરવા લાગ્યા અને ખુબ જ ખુશ થઈને નાચવા કૂદવા લાગ્યા.

શનિવારની સવાર ફીકા, બોકા, રિન્કુ અને તેના દોસ્તો માટે સોનેરી સવાર હતી. બધા ફટાફટ તૈયાર થઇ ગયા. મમ્મી પપ્પા પણ આવનાર મહેમાનોની તૈયારીમાં લાગી ગયા. ઝૂ ના બધા પ્રાણીઓ પણ બહુ જ ગેલમાં હતા.

રિન્કુ અને તેના મિત્રો બાલ્કનીમાં ઉભા રહી દૂર સુધી નજર કરીને આવનારા દોસ્તોની રાહ જોઈ રહ્યા હતા. જેવા બધા આવતા દેખાયા, એટલે બધા નીચે દરવાજા પાસે આવી, ધમાલ અને ચિચિયારીઓ સાથે તેઓને આવકારવા દોડી ગયા.

સોહમસિંહ ની પાછળ પાછળ, લાંબી સવારી આવે છે,

ફીકા, બોકા, રિન્કુ, મિત્રો, આવકારવા દોડે છે.

મમ્મી પપ્પા પણ ત્યાં આવી ગયા. પપ્પા સામે દેખાતો અદ્દભુત નજારો કેમેરામાં કેદ કરવા તૈયાર થઇ ગયા.

પપ્પા બોલ્યા, “વાહ… શું દૃશ્ય છે!”

સોહમ સિંહ તેના સોહુ ને પીઠ પર બેસાડી આવતો હતો. તેની પાછળ વોઘમ વાઘની આંગળી પકડીને વોઘુ ચાલતો હતો. તોહમ ચિત્તા સાથે તોહૂ, બોથમ હાથી ની પૂંછડી પકડીને બોથુ, રોહમ રીંછ ની આગળ રોહુ, જોરમ જિરાફ પાછળ જોફુ, યોહમ શિયાળ સાથે યોહુ, હેરમ હરણ સાથે નાચતું હોરુ, અને બધાથી છેલ્લે પોકન મોર પોતાના રંગબેરંગી પીંછાઓને ફેલાવીને નાચવામાં મશગુલ હતું.

બધા ભેગા થતાં જ હલ્લાગુલ્લા… હો હા… હી હી… કોલાહલ મચી ગયો… શોરબકોર અને ધમાલનો રોમાંચ વ્યાપી ગયો.

મમ્મી પપ્પા એ બધાંનું ઉમળકાથી સ્વાગત કર્યું. મમ્મીએ બધા માટે જ્યુસ, જાતજાતના અને ભાતભાતના ફળો, ફાફડા, જલેબી, ગાંઠિયા, બ્રેડ બટર, બિસ્કિટ, ચોકલૅટ રાખ્યા હતા. બધાએ ઉત્સાહપૂર્વક ખાધું અને પછી રમવા લાગ્યા.

દોડાદોડી પકડાપકડી, સંતાકૂકડી ધમાચકડી,

બોલ ફેંકે ને ડિસ્ક ફેંકે, ચીલ્લરપાર્ટી મજા કરે.

પતંગિયા ની પાંખે ઉડતા હોય એમ કૂદાકૂદ, ગેલગમ્મત, તોફાન, મોજમજા કરતાં હતા. કોઈ હાથી ઉપર સવારી કરતું હતું, તો કોઈ શિયાળ સાથે દોડાદોડ કરતું હતું, કોઈ વળી સિંહ અને વાઘ પાસેથી ગર્જના કરતા શીખતું હતું, તો કોઈ વળી જિરાફ ની ડોક પર ટીંગાઇને ઝૂલા ખાતું હતું. કોઈ ચિત્તા સાથે રેસ લગાવતું હતું, તો કોઈ હરણ સાથે ભાગતું હતું. આનંદનો માહોલ હતો. એટલામાં હાથીભાઈ પોતાની સૂંઢ માં પાણી ભરીને બધાંને ભીંજવવા લાગ્યા. બધા બાળકોએ ‘આવ રે વરસાદ ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક’ ગાવાનું શરુ કર્યું. મોર પણ સાતે કળાએ ખીલી ઉઠ્યો હતો. ફીકા, બોકા તો વાઉ..વાઉ..કરીને સોહુ, વોઘુ, તોહૂ, બોથુ, રોહુ, જોફુ, યોહુ, હોરુ સાથે છુપાછુપી રમતા, ધમાલમસ્તી, ઉછળકૂદ કરતાં ને ગુલાંટિયા ખાતા મોજ માણી રહ્યા હતા. આનંદનો ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો.

બાળકો પાનખરમાં પણ વસંતનાં વાયરા લાવી શકે છે.

પપ્પાએ મ્યુઝિક ચાલુ કર્યું ને બધા મિત્રો નાચવા લાગ્યા. રિન્કુ નું મનપસંદ ગીત ‘લકડીકી કાઠી, કાઠી પે ઘોડા’ પર તો ધમાલ મચી ગઈ. મોર તો મન મૂકીને રંગબેરંગી પીંછાઓને પસારી મનમોહક નૃત્ય કરતો હતો, જાણે ઢેલ ને રીઝવતો હોય.

મમ્મીએ પપ્પાને કીધુ, “દ્વાપરયુગમાં કાનુડો ગોપ ગોવાળો અને વાનરસેના સાથે આમ જ લીલા કરતો હશે ને.”

બધા થાકીને લોથ પોથ થઇ ગયા, ને ઘાસ પર આળોટવા લાગ્યા.

મમ્મી એ ટેબલ પર બધું અવનવું, મનગમતું અને બધાને ભાવતું ખાવાનું ગોઠવી દીધું. પરાઠા, નાન, રોટલી, પુરી, બટાટા, પનીરમટર, છોલે, ભીંડા, કોબી ના શાક, ગુલાબજામુન, શ્રીખંડ, બટાટાવડા, કચોરી, ઢોકળા, સમોસા, પુલાવ, કઢી, પાપડ, અથાણાં. ને વળી સાથે પીઝા, પાસ્તા પણ હતા.

“ચાલો બધા, જમવાનું તૈયાર છે.” મમ્મીએ બૂમ મારી. પણ બધા એટલા થાકી ગયા હતા કે કોઈ ઉભું જ ના થયું.

“મમ્મી અમે બધા બેઠા છીએ, તું ખાવાનું પીરસી દે ને”. “ઓકે બેટા”. મમ્મી એ જવાબ આપ્યો અને બધા લાઈન માં ગોઠવાઈ ગયા. મમ્મી પપ્પા બધાને તેમનું ભાવતું ભોજન આગ્રહપૂર્વક પીરસવા લાગ્યા. પપ્પા કેમેરાથી આ યાદગાર ક્ષણો ના ફોટા પણ પાડી રહ્યા હતા.

અંધારું થવા આવ્યું હતું. બધા મિત્રોને છુટા પડવાનો સમય થઇ ગયો હતો. ઝૂ ના બધા મિત્રો ફીકા, બોકા, રિન્કુ અને તેના મિત્રો નો આભાર માનવા લાગ્યા અને તેમના ઘરે આવવાનું આમન્ત્રણ પણ આપ્યું.

આનંદ મંગલ ઉલ્લાસ સાથે, એકબીજાને ભેટે છે,

ગેલભરી મુસ્કાન સાથે, સૌને વિદાય આપે છે.

આવજો…આવજો. …વાઉ…વાઉ ના અવાજો થી વાતાવરણ ગુંજી ઉઠ્યું.

***************@@@@@*************

અમીતા ધારિયા

1 thought on “બાળવાર્તા- (૧૬)રિન્કુ અને તેના ચારપગી મિત્રો-અમેતાબેન ધારિયા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.