બાળવાર્તા -(૧૩)દે તાળી- રાજુલ કૌશિક

ગટુ અને બટુ હમણાંથી ખુબ ખુશ હતા.

બટુ બોલ્યો  “ગટુ, દે તાળી… હવે તો સમર વેકેશન. થોડા દિવસ સ્કૂલ બસની રાહ નહીં જોવાની. હોમ વર્ક નહીં કરવાનું. ભારેખમ પ્રોજેક્ટ નહીં કરવાના. બસ ખાવા પીવાનું અને મોજ મસ્તી કરવાની.”

ગટુ તાળી દેતા બોલ્યો “ હા , સવારે વહેલા નહીં ઉઠવાનું. રાત્રે વહેલા નહીં સુવાનું. સ્કૂલ ચાલુ હોય ત્યારે મમ્મી તો રાત પડે આઠ વાગે અને કહી દેતી. “ Early to bad, early to rise. That is the way to be healthy wealthy and wise.” અને આપણો બેડ ટાઇમ થઈ જાય. વેકેશનમાં તો આપણે બાઇસિક્લ લઈને બહાર કોમ્યુનિટી ક્લબ હાઉસમાં રમવા જઈશું, સ્વીમિંગ કરવા જઈશું. કેટલા બધા ફ્રેન્ડ્સ આવશે ?

ગટુ અને બટુ બે જોડીયા ભાઇઓ પણ ભાઇ કરતાં ભાઇબંધી વધુ. મમ્મીએ શીખવાડેલી સાથે રમીએ, સાથે જમીએ, સાથે કરીએ સારા કામ વાળી કવિતાને બરાબર પચાવી જાણેલી એટલે બંને વચ્ચે ક્યારેય મનભેદ કે મતભેદ પણ થતા નહીં , ઝગડો તો ક્યારેય નહીં.

સ્કૂલમાં સમર વેકેશન શરૂ થઇ ગયુ હતું એટલે ખુશ ખુશ હતા. આમ તો એમને સ્કૂલે પણ જવાનું બહુ ગમતું. ત્યાં ય કેટલા બધા દોસ્તારો હતા. બધા સાથે ગટુ અને બટુ સંપીને રહેતા અને રમતા. અહીં કોમ્યુનિટીમાં પણ એમના જેટલા બીજા બહુ દોસ્તારો બની ગયા હતા પણ સ્કૂલ ચાલુ હોય અને શિયાળાના ઠંડી હોય એટલે ઘરથી સીધા સ્કૂલે અને સ્કૂલથી સીધા ઘેર આવી જવાનું એટલે ઝાઝુ કોઇને મળવાનું , કોઇની સાથે ભળવાનું થતું નહીં. સમર વેકેશન હોય ત્યારે જ બધાની સાથે મળવા અને રમવા મળતું.

આમ તો સ્કૂલમાં સમર વેકેશન શરૂ થઈ ગયું હોય પણ એમ કંઇ મમ્મી પપ્પાને થોડી રોજે રજાઓ મળે ?  મમ્મી –પપ્પાએ ગટુ-બટુની રજાઓનો સરસ ઉપયોગ થઈ શકે અને એમનો પણ સરસ રીતે સમય પસાર થાય એનું આયોજન કરી લીધું હતું.

કોમ્યુનિટીમાં ગટુ- બટુ જેવડા એમના દોસ્તારોના મમ્મી-પપ્પા સાથે મળીને સૌનું નજીકના સમર કેમ્પમાં નામ રજીસ્ટર કરાવી લીધું હતું. અહીં અલગ અલગ પ્રવૃત્તિની સાથે  બાળકોને ગીત-સંગીત અને અભિનય પણ શીખવાડતા હતા. એમાં તો સૌને બહુ મઝા આવતી.ગયા વર્ષે લિટલ સિમ્બાની વાર્તાઓની એનિમેશન ફિલ્મ બતાવવામાં આવી હતી અને કેમ્પના અંતે બધા બાળકોને  લિટલ સિમ્બાના અલગ અલગ પાત્રો સોંપીને નાટ્યોત્સવ જેવું કર્યું હતું. ગટુ-બટુને પણ સ્ટેજ પર પરફોર્મ કરવાની મઝા પડી હતી.

આ વર્ષે પણ પિટર પેનની વાત લઈને સૌને અલગ અલગ પાત્રોમાં અભિનય કરવાનો હતો.

આ વીક ફોર્થ જુલાઇનું લોંગ વીક એન્ડ હતું. સમર વેકેશન શરૂ થઇ ગયું હતું એટલે ગટુ-બટુ તો આ સમર કેમ્પમાં એમની રીતે મઝા માણતા હતા પણ મમ્મી-પપ્પા સાથે બહારગામના મિનિ વેકેશનની મઝા તો જુદી જ હોય ને?  આમ પણ  ફોર્થ જુલાઇના લોંગ વીકએન્ડમાં સમર કેમ્પમાં ય રજાઓ હતી એટલે આ મિની વેકેશનમાં મમ્મી-પપ્પાએ રોજે રોજ જુદી જુદી જગ્યાએ જવાનો પ્લાન કર્યો હતો. ગટુ-બટુ તો એકદમ ખુશ ખુશ હતા. આગલા દિવસે નક્કી થઈ જતું કે બીજા દિવસે ક્યાં જવાનું છે .

આવતી કાલે સ્ટોન માઉન્ટન જવાનું નક્કી કર્યું હતું . ગટુ-બટુ મોટા થઈ ગયા એટલે મમ્મી-પપ્પાથી અલગ પોતાના રૂમમાં જ સુઇ જતા. બંને માટે એમને ગમતા ગ્રીન રંગની દિવાલ મમ્મી-પપ્પાએ જાતે જ રંગી હતી. ગટુ-બટુએ પણ એમાં ઘણી મદદ કરી હતી. બંક બેડ માટે આઇક્યા ફરનિચર શૉ રૂમમાં શોપિંગ કરવા ગયા ત્યારે પણ ગટુ-બટુ સાથે જ ગયા હતા. એમને ગમતો બંક બેડ અને એની પર સરસ મઝાની ગ્રીન અને યલો કોમ્બિનેશનવાળી ફૂલોની ભાતવાળી બેડશિટ પણ જાતે જ પસંદ કરી હતી . રૂમમાં કપડા ગોઠવવાનું ક્લોઝેટ અને સ્ટડી ટેબલ પણ એમાં મેચ થાય એવા લીધા હતા. પપ્પા કહેતા પોતાનું કામ જાતે કરીએ તો એની મઝા જુદી જ હોય અને અહીં ક્યાં કોઇ કામ અઘરા લાગે છે?

અત્યારે પણ બંને પોતાના બંક બેડ પર સુતા સુતા વાતોએ વળગ્યા..

“કેટલી મઝા આવશે નહીં બટુ?”  

“ હા, પહેલા ગયા ત્યારે પણ આપણને ખુબ મઝા આવી હતી. ત્યાં ટ્રેઇનમાં બેસીને આખુ ય સ્ટોન માઉન્ટન જોવાનું . વચ્ચે વચ્ચે સ્પીકર પર એને લગતી જાણકારી આપે એ પપ્પા આપણને બરાબર સમજાવે એટલે વધારે મઝા પડે. યાદ છે ગટુ ? ગયા વખતે તો પેલા ઓલ્ડ મેન કેવા મોટા મોટા બબલ્સના શેપ બનાવતા હતા અને થ્રી ડી થીયેટરમાં શૉ જોવાની મને તો મઝા પડી હતી. પણ એક વાત કહુ? મને તો પેટીંગ ફાર્મમાં વધારે મઝા પડી હતી. કેવા સુંવાળા ફરવાળુ બકરું અને એનું બચ્ચુ હતું? બચ્ચુ તો બહુ જ ક્યુટ હતું. મને તો એના માટે બિમ્બો નામ ગમ્યુ હતું. બીજે ક્શે ઝૂમાં જઈએ તો બસ ખાલી એમને દૂરથી જ જોવાના પણ અહીં તો એમની પાસે જઈને એમને ખવડાવવાની અને ટચ કરવાની કેવી મઝા પડી હતી નહીં?  મને તો ડીયર પણ ગમી ગયા હતા.”

“ હા એ વાત સાચી બટુ, અને મને તો ફેરી રાઇડ પણ બહુ ગમી હતી.

“અને પેલી સ્ટોન માઉન્ટનના ટોપ પર લઈ જતી પેલી ટ્રોલી ? એમાં બેસીને ઉપર જઈએ ત્યારે નીચે બધુ કેટલું નાનું-નાનું દેખાતું ? અને છેક ઉપરના ટોપ પર જઈને તો બાપરે ! કેટલે બધે દૂર સુધી આખું સિટી દેખાતું ? સાંજે  ડાઉન ટાઉનમાં ફોર્થ જુલાઇના ફાયર વર્ક્સ ચાલુ થાય એ પણ દૂરથી કેટલા સરસ લાગે છે નહીં? રાત્રે સ્ટોન માઉન્ટન પર લેસર શૉ જોવાની ય મઝા આવશે. આ વખતે તો આરવ-રિયા અને રિશ પણ સાથે છે ને એટલે આપણે ટ્રેકિંગ પણ કરીશું હોં ને?”

બસ આમ વાતો કરતાં કરતાં બંને ક્યારે ઉંઘમાં સરી પડ્યા એની બેમાંથી એકે ને ખબર ના રહી અને સીધી પડી સવાર.

ગટુ-બટુ, મમ્મી-પપ્પા અને એમની બાજુમાં રહેતા આરવ-રિયા, એમના મમ્મી-પપ્પા, રિશ અને એના મમ્મી-પપ્પા.. ત્રણ કાર લઈને જવાનું હતું. આમ તો સ્કૂલે જવાનું હોય અને અને વહેલા ઉઠવું પડે તો કેટલો કંટાળો આવતો ? પણ આ તો મોજ-મઝાના દિવસ એટલે મમ્મી-પપ્પાને ઉઠવાનું કહેવું એ પહેલા જ ઉઠીને ઝટપટ ઉઠી જતા.  આજે પણ વહેલા ઉઠીને દૂધ- સીરિયલ અને ટોસ્ટ-બટર ખાઇને તૈયાર થઈને આરવ-રિયા- રિશની રાહ જોવા લાગ્યા .એમને ખાતરી હતી કે એ લોકો પણ એમની જેમ જ ઝટપટ તૈયાર થઈને હમણાં આવી જ જશે.

સવારે દસ વાગે નિકળવાનું હતું.  રવિવાર હતો એટલે ચર્ચનો સમય, ચર્ચનો સમય હોય એટલે ટ્રાફિકની ચિંતા નહીં અને સડસડાટ સ્ટોન માઉન્ટન પહોંચી જવાય એવું આગલી સાંજે પપ્પા મમ્મીને કહેતા હતા.

પિકનીક પર જવાનું હતું એટલે કારની ટ્રંકમાં ચિપ્સ , કુકી, મફિન, ડ્રાય ફ્રુટ્સ, મમ્મીએ બનાવેલી સેન્ડવિચ,  ફ્રેશ ફ્રુટ્સ, ચોકલેટ્સ, બધુ મુકાઇ ગયું. કૂલરમાં પાણીની બોટલો અને જ્યુસ પણ મુકી દીધા અને જેવી ગાડી કાઢવા પપ્પાએ ગરાજ ડોર ખોલ્યું તો  આ શું? બહાર એક નાનકડું કુરકુરિયું થરથરતું ઉભુ હતું. ગટુ-બટુ, આરવ-રિયા અને રિશ તો બૂમાબૂમ કરવા માંડ્યા. આમ તો એમને પણ ડૉગી બહુ ગમે અને એની સાથે રમવાનું પણ બહુ ગમે. મમ્મી –પપ્પાને કેટલી વાર ડૉગી લઈ આવવાનું કહ્યું પણ મમ્મી હંમેશા કહેતી કે પહેલા તમે તમારી જવાબદારી લેતા શીખો પછી ડૉગીની કેટલી જવાબદારી લઈ શકો એ નક્કી થાય. થોડા મોટા થાવ પછી વિચારીશું.

ગટુ-બટુને કેટલીય વાર વિચાર આવતો કે આ જવાબદારી એટલે શું?

મમ્મી સમજાવતી “ આપણા કામ આપણે ચોકસાઇથી જાતે કરતા શીખીએ, સમય પહેલા બધા કામ આટોપી લઈએ અને વળી બીજાને પણ મદદ કરીએ,  આપણી વસ્તુ જ્યાંથી લીધી ત્યાં બરાબર ગોઠવી દઈએ. આપણો રૂમ જાતે સાફ કરતા શીખીએ ત્યારે આપણે જવાબદાર બન્યા કહેવાઇએ. આવું બધુ બરાબર શીખી લેશો ત્યારે તમારા માટે ડોગી લેવાનું વિચારીશું.”

પણ આ તો વગર માંગ્યે ડૉગી આવીને ઉભુ હતું. એકદમ સફેદ ફરવાળુ આ ડૉગી કોનું હશે ? ક્યારેય જોયું નહોતું એટલે સૌ મુંઝાઇને ઉભા રહ્યા. શું કરવું એની સમજણ પડતી નહોતી. ડૉગી તો થરથર  કાંપતું હતુ. એને પકડવા જાવ તો આમથી તેમ દોડાદોડ કરી મુકતું હતું અને લાગતું હતું કે જાણે રડી રહ્યું છે. ગટુ-બટુ, આરવ-રિયા અને રિશ તો સ્ટોન માઉન્ટન જવાનું છે એ ભૂલીને એ ડૉગી કોનું હશે એ પૂછવા આજુબાજુના ઘરમાં દોડાદોડી કરવા માંડ્યા.

એક તો લોંગ વીક એન્ડ અને રવિવારનો દિવસ.. કોણ ઘરમાં હોય? પપ્પાએ ડૉગીને ધીમે રહીને ઉચક્યું. પહેલા તો ઉચકાવા જ તૈયાર નહોતું પણ પપ્પાએ પંપાળી પંપાળીને એને શાંત કર્યું. એને થોડું પાણી પિવડાવ્યું. ડૉગી તો પપ્પાના હાથમાં પણ હજુ તો થરથર કાંપતું હતું.

આજુબાજુના ઘરમાંથી કંઇ પત્તો પડ્યો નહીં. એક બાજુ સ્ટોન માઉન્ટન જવાનું મોડું થતું હતું. કેટલો બધો ઉત્સાહ હતો જવાનો? આમ તો જો કોઇ કારણસર મોડું થયું હોત બાળકો જ અકળાઇ ગયા હોત પણ અત્યારે તો એ સૌને પેલા નાનકડા ગભરાઇ ગયેલા ડૉગીનો જ વિચાર આવતો હતો.

કોને ખબર ક્યાંથી આવ્યું હશે? ગટુ-બટુ, રિયા-આરવ અને રિશ તો એને ઘડીભર રેઢું મુકવા તૈયાર નહોતા. એ શું ખાશે અને શું પીશે એની ચિંતામાં પાંચે ટાબરિયા સ્ટોન માઉન્ટન જવાનું પણ જાણે ભૂલી ગયા. આજુબાજુના બધા ઘરમાંથી તો કોઇ એને શોધવા નિકળ્યું નહોતું એટલે નજીકના ઘરમાંથી કોઇનુ નથી એવું સમજાઇ ગયું.

હવે કરવું શું ? પપ્પાને એવી ખબર હતી કે આવી જાતના ડૉગી માટે તો ખાસ  એમનું જ ફુડ હોય એને કંઇ આપણું ખાવાનું કે બ્રેડ- બિસ્કીટ તો શું દૂધ પણ ના અપાય.

“બિચારું, ક્યારનું ભૂખ્યુ હશે નહીં??” આરવ-રિશ પણ ગટુ- બટુની જેમ ચિંતા કરતા હતા. એમને પણ ડૉગી બહુ ગમે પણ લાવી કોણ આપે?

એકવાર તો સૌને થયું કે જો આ ડૉગીને કોઇ લેવા ના આવે તો આપણે જ રાખી લઈશું. વારાફરતી એકબીજાના ઘેર લઈ જઈશુ.

“ શું નામ પાડીશું એનું? ? ગટુએ પૂછ્યું.

“બડી, એ આપણું દોસ્ત બની જશેને ? દોસ્ત એટલે બડી.. આપણે એને બડી કહીશું.” આરવે જવાબ આપ્યો અને સૌએ એક સાથે વધાવી લીધું…….બડી.

નામ તો પાડ્યું , હવે શું? રિયા બોલી. “આપણને તો એ આપણી સાથે રહે એ બહુ ગમે પણ એના ઑનર  કેટલી ચિંતા કરતા હશે અને બડી પણ એમને મિસ કરતું જ હશેને એટલે તો એ રડે છે.” બીજા બધા કરતાં રિયા થોડી મોટી અને ડાહ્યી હતી.  “ યાદ છે આપણે લાસ્ટ ઇયર લિટલે સિમ્બાનો પ્લે કર્યો હતો એમાં લિટલ સિમ્બાના ડેડી કિંગ સિમ્બાને મારી નાખ્યા અને લિટલ સિમ્બા એકલું પડી ગયું તો કેવું ખરાબ લાગતું હતું ? એવી રીતે બડીને એના ઑનરથી છુટુ પાડીને આપણે રાખી લઈને તો એને કેવું લાગે ? “

“ હેં રિયા તને કેવી રીતે ખબર કે આ એના ઑનર સાથે રહેતું હશે? “ આરવથી પૂછ્યા વગર ના રહેવાયું.

“ કેમકે મારી ફ્રેન્ડ મિયા અને જેડનના ઘરની બાજુમાં રહેતા અંકલના ઘેર પણ ડૉગી છે. ટેડી બેર જેવું દેખાય છે એટલે એનું નામ ટેડી પાડ્યું છે. એને પણ એ અંકલ ક્યાંકથી લઈ આવ્યા હતા પણ હવે તો એ એમનું એટલું પૅટ થઈ ગયું છે કે અંકલને એના વગર જરાય ગમતું નથી એવી રીતે બડીના ઑનર પણ બડીને મિસ કરતા જ હશે.”

પાંચે છોકરાઓ બડીની ચિંતા કરતા હતા ત્યાં સુધીમાં રિશના ડૅડીએ એનિમલ રેસ્ક્યુ ટીમને ફોન કરીને એમને ઇન્ફોર્મ કરી દીધું હતું. એમના જણાવ્યા મુજબ બડીના ગળા પરના ટૅગ પરથી ઑનરનો નંબર લઈને ફોન પણ કરી દીધો .

ગટુ-બટુ, રિયા-આરવ અને રિશ તો બડીથી એક ક્ષણ પણ આઘા ખસવા તૈયાર નહોતા. થોડી વારમાં એક ગાડી આવીને ઉભી રહી. એમાંથી એક આંટી અને રિયા કરતાં થોડી મોટી છોકરી ઉતરીને બડીને વળગી પડ્યા. બડી પણ એકદમ ખુશ થઈને કાંઉ કાંઉ કરતું કૂદા-કૂદ કરવા માંડ્યુ, એની ગોળ ગોળ ફરવા લાગ્યુ અને એના હાથ ચાટવા માંડ્યુ.

“ એરિકા, આઇ એમ એરિકા એન્ડ શી ઇઝ માય ડૉટર જુલી. થેન્ક્સ ફોર એવ્રીથિંગ…યુ ડીડ રીયલી ટેક ગુડ કેર ઓફ માય બેબી..”આંટીએ વ્હાલથી બડીને ઉચકી લીધુ અને પોતાની ઓળખાણ આપી.

જુલી પણ રિયા-આરવ-રિશ અને ગટુ- બટુ સાથે વાતોએ વળગી. એ લોકો ચર્ચમાં પ્રેયર કરવા ગયા હતા અને ભૂલથી બેક ડૉર ખુલ્લુ રહી ગયું એમાં બડી બહાર આવી ગયું.

પણ એ દિવસથી જુલી , ગટુ-બટુ, રિયા-આરવ અને રિશ પાકા દોસ્તારો બની ગયા. જુલીને બડી પાછો મળ્યાનો આનંદ થયો અને પાંચે છોકરાઓને એક નવી દોસ્ત મળી અને બડી જેવા ક્યુટ ડૉગી સાથે ભાઇબંધી થઈ ગઈ.

બીજા દિવસે એરિકાએ પાંચે છોકરાઓને એના ઘેર બોલાવીને ઘરમાં બનાવેલી ફ્રેશ કુકી અને કેક ખવડાવ્યા.

“ દે તાળી ગટુ, મમ્મી કહે છે ને કે સારા કામ કરીએ તો ભગવાન પણ આપણને સારો બદલો આપે. આપણે બડીનું ધ્યાન રાખ્યું તો જુલી અને બડી જેવા દોસ્ત મળ્યાને ?”

“ હા બટુ, લે તાળી.” કહીને ગટુ- બટુ એમને મમ્મી ક્યારે બડી કે ટૅડી જેવું ડૉગી અપાવશે એના વિચારોમાં ખોવાઇ ગયા.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.