બાળવાર્તા  (૧૧)બળ કે બુધ્ધિ- કલ્પના રઘુ

શહેરથી દૂર દૂર એક ગાઢ મોટું જંગલ હતું. જંગલની વચ્ચે મસ મોટુ તળાવ. આ તળાવમાં રંગબેરંગી માછલીઓ રહેતી. કેસરી ને પીળી, કાળી ને સોનેરી. સફેદ મઝાના બતકો તરતા. એક બાજુ કમળ પણ ઉગે. તળાવની આજુબાજુ નાના મોટા વૃક્ષો હતાં. તેમાં રંગેબેરંગી ફૂલો ઉગે અને ફળોનું તો પૂછવું જ શું? બાપ રે … કેરી, કેળા, પપૈયા, ચીકુ, અધધધ … સાચું કહું, આપણને પણ ત્યાં રહેવાનું મન થાય. પણ આ તો જંગલ કહેવાય. અહીં હિંસક પ્રાણીઓનો એટલોજ ભય હોય. દિવસ હોય કે રાત, વાઘ-સિંહની એક ત્રાડ પડે અને આપણે તો ધ્રૂજી ઉઠીએ. પરંતુ જંગલ વચ્ચે આ જગ્યા એટલી રળિયામણી હતી કે તમામ પશુ-પંખી સવાર-સાંજ પાણી પીવા આવે. ભર તડકામાં પણ ઘટાદાર વૃક્ષોને કારણે ત્યાં આવીને પોરો ખાય. હિંસક પ્રાણીઓ આખો દિવસ શિકારની શોધમાં ફરે અને થાકીને અહીં આવીને આરામ કરે.

તમને તો ખબર છે, સિંહ જંગલનો રાજા કહેવાય. બધાંજ પ્રાણીઓમાં બળવાન. અને એ પણ ખબર છે, સાપ અને નોળિયો, કાચબો અને સસલુ, સિંહ અને ઉંદર, કાગડો અને શિયાળ, આ બધા પશુ-પંખી એકબીજા વચ્ચે હોડ કરે એટલેકે હરીફાઇ કરે. પરંતુ વર્ષોથી બધા આ જ જંગલમાં નાના મોટા ઝઘડા કરે તોય સંપીને રહેતા.

એક દિવસની વાત છે. સિંહે સભા ભરી છે. પૂનમની રાત છે. આખો મોટો ચાંદો આકાશમાં ઉગ્યો છે. ચાંદાની ચાંદનીનો પ્રકાશ કેટલો બધો હોય? એના અજવાળામાં બધાના મોઢા દેખાય છે. તળાવમાં ચાંદાનુ પ્રતિબિંબ પડે એટલે કેટલુ રળિયામણુ લાગે? પરંતુ આવા સુંદર વાતાવરણમાં પણ લીડર સિંહભાઇનું મોઢું ચિંતાથી પડી ગયુ હતુ. આ સિંહભાઇને વળી શું ચિંતા હોય? બધા એકબીજાને પ્રશ્ન કરે. પણ સિંહને પૂછવાની કોઇની હિંમત ના ચાલે. સિંહને થોડુ કહેવાય કે તારૂ મોંઢુ ગંધાય છે? ત્યાં તો સભામાં બધા આવી ગયા એટલે સિંહભાઇએ વાત શરૂ કરી.

આજે હું જંગલમાં દૂરદૂર નિકળી ગયો હતો. ફરતા ફરતા એક ગામની નજીક પહોંચી ગયો. ત્યાં મેં એક કૌતુક જોયુ. એક ઘેટાનું ટોળુ જઇ રહ્યું હતું. આગળ એક વૃધ્ધ ઘેટુ ચાલતુ હતુ અને બધા તેની પાછળ જઇ રહ્યા હતા. કેટલી નવાઇની વાત કહેવાય? સૌથી વધુ આશ્ચર્ય તો મને એ વાતનું થયું કે સાથે કોઇ માણસ ન હતો. સભામાં સ્તબ્ધતા ફેલાઇ ગઇ. બધા વિચારમાં પડી ગયા. સિંહભાઇ કહે અહીં તો આપણે બધા સાથે જતા હોઇએ અને હું આગળ હોઉ તો પણ કોઇ મારૂં કહ્યુ માનતુ નથી. હુ તો જંગલનો રાજા છું તો પણ … ! મારે આનો ઇલાજ શોધવો પડશે. હું એલાન કરૂ છુ કે આજ પછી જે મારા બનાવેલા નિયમનો ભંગ કરશે તેને હુ ખાઇ જઇશ … આ સાંભળીને બધા ધ્રુજવા માંડ્યાં. સભા બરખાસ્ત થઇ. આખી રાત બધાને ઉંઘ ના આવી.

બીજા દિવસે જંગલમાં સિંહ સીવાયના બધા પ્રાણી ભેગા થયા. આગેવાન શિયાળ બન્યુ. શિયાળ સ્વભાવે લુચ્ચુ કહેવાય. એને કાવાદાવા કરતા આવડે. આ બુઢ્ઢા સિંહથી કેવી રીતે બચવુ તેની બધા વચ્ચે ચર્ચા ચાલી. કોઇ ઉપાય કામમાં નહી આવે તેવુ લાગતા સભા બરખાસ્ત થઇ.

આમને આમ એક અઠવાડીયુ પસાર થયુ. સિંહ બળવાન હતો. તેની દાદાગીરી વધતી જતી. જંગલનો રાજા એટલે કોઇથી કશુંય બોલાય નહીં. બધા પાછળ ગણગણાટ કરે. બીજા બધા બુધ્ધિશાળી હતા તેથી પહેલા મન ફાવે તેમ કરતા. પરંતુ કહ્યું ના માને તો ખાઇ જવાની વાત કરી તેથી બધા ઢીલા પડી ગયા હતા,

શિયાળને રાત્રે ઉંઘ નથી આવતી. ત્યાં તેને યાદ આવ્યું કે શહેરમાં તેના મિત્ર સસલુ અને ઘોડો રહેતા હતા. તેમને ગટુ  અને બટુ નામના મિત્રો હતા. તેમના પપ્પા સરકસ ચલાવતા હતા. સરકસમાં નાના મોટા પશુ અને પક્ષીઓને પાળીને ખેલ કરાવે એ તો સૌને ખબર હશે. શિયાળભાઇના મનમાં સિંહ માટે લુચ્ચો વિચાર આવ્યો કે આ જંગલના સિંહને શહેરના સરકસમાં મોકલી દઇએ તો કેવું? સવારના પહોરમાં શિયાળભાઇ શહેરના રસ્તે નિકળી પડ્યા. ત્યાં સસલાને મળ્યા અને બધી વાત કરી. બધાએ ભેગા થઇને ગટુ -બટુના પપ્પાને બધી વાત કરી. તેઓ તો ખુશ થઇ ગયા. આ સિંહને પાઠ ભણાવવા બુધ્ધિને બળવાન કરવીજ પડશે. તેમણે એક પ્લાન બનાવ્યો. સિંહને શહેરમાં સરકસમાં લાવવા માટે કેવી રીતે ફસાવવો એની યોજના ઘડી કાઢી. શહેરના વાતાવરણથી સસલુ અને ઘોડો ટેવાયેલા હતા. સસલા અને ઘોડાએ બંટી-બબલી પાસેથી ટેબ્લેટ અને મોબાઇલ ફોન વાપરતા શીખી લીધુ. એક સવારે, ટેબ્લેટ અને મોબાઇલ ફોન લઇને સસલુ અને ઘોડો, શિયાળ સાથે જંગલ ભણી ચાલી નિકળ્યા.

સસલુ અને શિયાળ, ઘોડા પર સવાર થઇને જંગલમાં જાય છે. સાથે સાથે, મોટેથી ગીત ગાતા જાય છે.

જંગલ જંગલ હવા ચલી છે, હવા ચલી છે,
શહેરમાં, સરકસ આવ્યું છે, હવા ચલી છે.
ઢમ ઢમ ઢમ ઢમ,ઢમ ઢમ ઢમ ઢમ,
ચાલો જોવા જઈએ સૌ, હવા ચલી છે.
મોર ને પોપટ, કાગડો ને સમડી,
સાપ ને નોળિયો, શિયાળ ને ઉંદર,
સિંહ ને વાંદરો, હરણ ને હાથી,
ચાલો જોવા જઈએ સૌ, હવા ચલી છે…..

ઘોડાભાઈ તબડાક, તબડાક કરતા જંગલના રસ્તે દોડતા, ગાતા નીકળી પડ્યા … આવો અવાજ સાંભળીને તમામ પશુ-પક્ષીના કાન ઉંચા થઇ ગયા. ગીત ગાતા ગાતા, તબડાક તબડાક કરતા ઘોડાભાઇ જંગલની વચ્ચે તળાવ પાસે આવી ગયા. સાંજ પડી ગઇ હતી. સિંહભાઇ સભા ભરીને બેઠા હતા. બધાજ ત્યાં હાજર હતા.

શિયાળ સાથે અજાણ્યા સસલા અને ઘોડાને જોઇને સૌ વિચારમાં પડી ગયા. ત્યાં ઘોડાભાઇના મોબાઇલ પર તેના માલિકનો ફોન આવ્યો. સસલાએ ઘોડાના કાને મોબાઇલ ધર્યો. ઘોડાભાઇએ મોટી હણહણાટી કરીને ફોનમાં એના માલિક સાથે વાત કરી, ‘અમે પહોંચી ગયા છીએ.’ આ જોઇને સિંહ અને સૌ પ્રાણીઓ વિચારમાં પડી ગયા. પછી શિયાળભાઇએ સિંહ સાથે સસલા અને ઘોડાની ઓળખાણ કરાવી, કહ્યુ કે આ બન્ને એના મિત્રો છે. શહેરમાં સરકસ આવ્યું છે એની જાણ કરવા આવ્યા છે. તેમાં આપણા બધા પ્રાણીઓ માટે ખાસ શો રાખ્યો છે. આ સાંભળી સૌ પશુ-પંખીઓ ખુશ થઇ ગયા. જાતજાતના અવાજથી દરેકે પોતાની ખુશી વ્યક્ત કરી. સિંહે કહ્યુ કે જાહેરમાં મારાથી ના અવાય. હું તો આ જંગલમાં સારો. પરંતુ તમારે બધાએ જવું હોય તો જાવ. શિયાળ કહે, તમે અમારા રાજા. તમને મૂકીને અમે બધા કેવી રીતે જઇએ? સિંહ કહે, હું જંગલની સરહદ સુધી તમારી સાથે આવીશ. તમે પાછા આવો એટલે આપણે સૌ પાછા આવીશુ. સૌ ખુશ થઇ ગયા. સસલાભાઇએ ટેબ્લેટ દ્વારા બધાની ટીકીટ બુક કરાવી દીધી, મોબાઇલથી ગટુ  બટુના પપ્પા સાથે પ્લાનની વાત કરી લીધી. સૌ આ કૌતુક જોતાંજ રહ્યાં. તેમને થયુ કે આ સસલુ અને ઘોડા પાસે આ શું છે? સૌ વિચારમાં પડી ગયાં.

બીજે દિવસે સરકસ જોવા શહેરના રસ્તે સૌ પશુ-પક્ષીઓ, સિંહની આગેવાની હેઠળ નિકળી પડ્યા. જંગલ પુરૂ થાય એ પહેલા પ્લાન મુજબ સૌ આરામ કરવાના હતા. એક ઘટાદાર વૃક્ષ નીચે સૌ આરામ કરવા બેઠા. સિંહભાઇ થોડા થાકેલા હતા અને તેને સરકસ જોવા નહોતુ જવાનુ. એટલે શાંતિથી સૂઇ ગયા. જેવા નસકોરા બોલવા માંડ્યા કે ઝાડ ઉપરથી સરકસના માણસે મોટી જાળ સિંહ પર નાંખીને ખેંચી લીધી. અગાઉ પ્લાન મુજબ, ગટુ  અને બટુ, પપ્પા બધી તૈયારી સાથે આવ્યા હતા. સિંહભાઇ પકડાઇ ગયા. સિંહ ખૂબ ધમપછાડા સાથે ગર્જના કરવા માંડ્યો. તેને મોટુ ઘેનનુ ઇન્જેક્શન આપ્યુ. સિંહ સૂઇ ગયો. સર્કસના માણસો પકડીને ગાડીમાં શહેરમાં લઇ ગયા. બધા પશુ પંખીઓ ખુશખુશ થઇ ગયા. સૌને હાશ થઇ. સૌએ શિયાળ, સસલુ, ઘોડો, ગટુ  અને બટુએ અને તેના પપ્પાનો આભાર માન્યો. અને સૌ જંગલમાં નાચતા ગાતા પાછા ફર્યા. હવે તેમને કોઇનો ડર ન હતો.

બોધપાઠ:

એવુ કહેવાય છે કે ઘેટા ટોળામાં ફરે અને લીડરની પાછળ જાય. એનામાં બુદ્ધિ થોડી ઓછી હોય. પરંતુ જ્યાં બુધ્ધિ વધારે હોય ત્યાં દરેક પોતાની બુધ્ધિ પ્રમાણે ચાલે!

બળ કરતાં હમેશા બુધ્ધિ જીતે છે.માટે વધુ બળવાન લોકોએ પોતાના બળથી બીજાને કનડગત ના કરવી જોઈએ.

એવી કહેવત છે કે,’સંપ ત્યાં જંપ’. સંપીને રહો તો જંગલમાં પણ મંગલ કરાય.

કલ્પના રઘુ

1 thought on “બાળવાર્તા  (૧૧)બળ કે બુધ્ધિ- કલ્પના રઘુ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.