ગુજરાતીમાં બાળસાહિત્યની વાત નીકળે એટલે બાળપણમાં સરી જવું પડે. એ વખતે ઇન્ટરનેટ ન હતું અને બાળકોની કલ્પનાશક્તિ ખીલવવા માટે જે બાળસામયિકો મળતા, મેને ચાંદામામા ગમતું . આમ જોવા જઈએ તો આઝાદી પછીના થોડા દાયકાને બાળસાહિત્યનો સુવર્ણયુગ કહી શકાય, જ્યારે બબ્બે ઘુરંધર બાળસાહિત્યકારો – હરિપ્રસાદ વ્યાસ અને જીવરામ જોષી– સક્રિય હતા. માર્કેટિંગ કે મેનેજમેન્ટની પરિભાષાના જમાના પહેલાં આ બન્ને સર્જકોએ એવાં પાત્રો સર્જ્યાં, જે દાયકાઓથી ગુજરાતમાં મજબૂત બ્રાન્ડ બની રહ્યાં છે. જીવરામ જોષીએ ‘ગુજરાત સમાચાર’ના બાળસાપ્તાહિક ‘ઝગમગ’માં મિંયા ફુસકી-તભા ભટ્ટ, છકો-મકો કે અડુકિયો-દડુકિયો જેવાં યાદગાર પાત્રો સર્જ્યાં, જ્યારે હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડિવ સાહિત્ય મંદિર’ના બાળપાક્ષિક ‘ગાંડિવ’માં બકોર પટેલની કથાઓ લખી. એ ઉપરાંત હાથીશંકર ધમધમિયા, ભગાભાઇ જેવાં પાત્રો તેમણે આપ્યાં. આ સિવાય અનેક બાળસામયિકો અને બાળકથાના લેખકોનું નોંધપાત્ર પ્રદાન હોવા છતાં, આ લેખ પૂરતી કેવળ બકોર પટેલ/ Bakor Patelની વાત આ લખાણ કોનું છે તે ખબર નથી મને અનેક ઈમૈલ દ્વારા અનેક જુદા જુદા મણકા મળ્યા છે જે અહી મુકું છું ,ઉઠાંતરી નહિ કહેતા માત્ર બધાને માહિતી આપી ગુમનામ થઇ ગયેલા લેખકો વિષે માહિતી મૂકી નીમ્મિત બનું છું ,
હરિપ્રસાદ વ્યાસ–(વિકિપીડિયા આભાર)
તેમનો જન્મ ૨૫ મે ૧૯૦૪ ના રોજ વડોદરા નજીક આવેલા બોડકા ગામમાં થયો હતો. ૧૯૨૧માં તેઓએ વડોદરામાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ૧૯૨૫થી નિવૃત્તિ સુધી તેઓ ઝેનિથ લાઇફ એન્ડ ઇન્સ્યોરન્સ કંપનીમાં મેનેજરના પદે રહ્યા હતા. ૧૩ જુલાઇ ૧૯૮૦ ના રોજ સાન હોશે, કેલિફોર્નિયા, અમેરિકામાં તેમનું મૃત્યુ થયું હતું.
(હવે તમે જ કહો આ વ્યક્તિ આપણા વિસ્તારમાં રહી છે માટે આતો be એરિયાના લેખક ગણાય ને ?)
હરિપ્રસાદ વ્યાસે મોટે ભાગે બાળકો માટે સાહિત્ય સર્જન કર્યું પણ આજે પણ એ બાળવાર્તાઓ આપણે વાંચી માણીએ છીએ,સૌથી મોટી સિદ્ધિ એમણે સર્જેલું બકોર પટેલનું પાત્ર….એ માટે મારી મોટી સલામ …ગુજરાતી બાળસાહિત્યમાં લોકપ્રિય એવાં કેટલાંય કાલ્પનિક પાત્રો જેવાં કે બકોર પટેલ શકરી પટલાણી, વાઘજીભાઇ વકીલ, ઊંટડીયા ડોક્ટર, હાથીશંકર ધમધમિયા, ભોટવાશંકરનું સર્જન કર્યું હતું.
તેઓએ ૧૯૩૬ થી ૧૯૫૫ સુધી ગાંડીવ પખવાડિકમાં બકોર પટેલની વાર્તાઓ લખી હતી.આ વાર્તાઓ પાછળથી વાર્તા સંગ્રહ તરીકે પ્રકાશિત થઇ હતી. તેમાં સર્જનમાં બકોર પટેલ (૩૦ પુસ્તકો), ભેજાબાજ ભગાભાઇ (૬ પુસ્તકો), હાથીશંકર ધમધમિયા (૬ પુસ્તકો), ભોટવાશંકરના પરાક્રમો, સુંદર સુંદર (૬ પુસ્તકો), બાલગોવિંદ, હાસ્યવિનોદ, આનંદવિનોદનો સમાવેશ થાય છે. તેમણે ચાલો ભજવીએ શ્રેણી હેઠળ ૧૦ બાળનાટકો પણ લખ્યા હતા. તેમણે કેટલાક હાસ્યનિંબધો વિવિધ શીર્ષકો હેઠળ લખ્યા હતા જેમાં હાસ્યઝરણાં, હાસ્યકિલ્લોલ, હાસ્યવસંત, કથાહાસ્ય, પત્નિની શોધમાં, આંધળે બહેરું, પોથીમાનાં રીંગણાંનો સમાવેશ થાય છે.
બાળવયે આકર્ષતાં પાત્રો સુપરહીરોનાં હોય કે પછી છબરડાબાજ- ‘બ્લૂપર’ હીરોનાં. બકોર પટેલ એવા છબરડાવીર હતા. એમ તો મિંયા ફુસકી, ભગાભાઇ ને તીસમારખાં જેવાં પાત્રો પણ ગોટાળા કરે. છતાં, બકોર પટેલ અને હાથીશંકર ધમધમિયા જેવાં પાત્રો સામાજિક રીતે સંપન્ન અને પ્રતિષ્ઠિત હતાં- સાવ અક્કલના બારદાન કે સાવ મુફલિસ નહીં. સમાજનો ખાધેપીધે સુખી વર્ગ આ પાત્રો સાથે સહેલાઇથી એકરૂપતા સાધી શકે અને બાકીના વર્ગના લોકોને તે ‘મોટા માણસોના નિર્દોષ ગોટાળા’ પ્રકારનો આનંદ આપે.સમાજનું સુક્ષ્મ નિરક્ષણ વાર્તામાં મજાક રૂપે મુકવાના વિચાર અને કલમને મારા સલામ.
બકોર પટેલની આખી પાત્રસૃષ્ટિની કમાલ એ હતી કે તેમાં માણસે સર્જેલી બધી વસ્તુઓ હતી, પણ માણસનું નામોનિશાન નહીં. એવું લાગે જાણે મનુષ્યે પૃથ્વીને આબાદ કરીને, પ્રાણીઓના પોતાનાં લક્ષણ શીખવીને, આખું વિશ્વ તેમના હવાલે કરી દીઘું હોય. બકોર પટેલની વાર્તાઓમાં કૂતરા અને ઊંટ જેવાં ઘરેલુ પ્રાણીથી માંડીને વાઘ અને હાથી અને વાઘ જેવાં જોરાવર-હિંસક પ્રાણીઓ આવે. પરંતુ પંચતંત્રની વાર્તાઓની જેમ આ પાત્રોમાં પ્રાણીઓનું એકેય લક્ષણ નહીં. વાઘજીભાઇ વકીલનો દેખાવ વાઘ જેવો હોય એટલું જ. બાકી તેમનાં બધાં લક્ષણ વકીલનાં હોય. બકોર પટેલ અને શકરી પટલાણી પ્રાણી તરીકે ભલે બકરા-બકરી હોય, પણ એ બાબતનું મહત્ત્વ ફક્ત તેમના બાહ્યા-શારીરિક દેખાવ પૂરતું. તેમના વર્તનમાં ક્યાંય બકરાપણું ન આવે.
બકરી જેવા સામાન્ય પ્રાણીને લઇને, ગાંધીયુગમાં હોવા છતાં સદંતર ગાંધીપ્રભાવથી મુક્ત રહીને, બકરીની આવી વાર્તાઓ ઘડી શકાય અને તે દાયકાઓ સુધી સુપરહિટ નીવડે, એવું કોણે વિચાર્યું હશે? તેને પ્રચંડ સફળતા મળ્યા પછી, તેનાં કારણ આપવાં બહુ સહેલાં છે, પરંતુ શરૂઆતમાં પ્રાણીકથા તરીકે ‘ગાંડિવ’ના માલિક નટવરલાલ માળવી અને લેખક હરિપ્રસાદ વ્યાસે આ પ્રયોગ કર્યો ત્યારે તે અખતરો જ હશે. તેની દંતકથાસમી સફળતા પછી બાળવાર્તાકાર હરીશ નાયકે બકોર પટેલના જોડિયા ભાઇ ‘ચકોર પટેલ’નું પાત્ર સર્જ્યું હતું. ફિલ્મી અંદાજમાં વર્ષો પહેલાં છૂટો પડી ગયેલો ભાઇ ચકોર પટેલ પરદેશથી ભારત આવે છે, એવું કથાવસ્તુ હતું. પરંતુ બકોર પટેલના પ્રકાશકે વાંધો લેતાં તેમને એ કથા આટોપી લેવી પડી. (મૂળ કથામાં બકોર પટેલનાં માતા-પિતા કે ભાઇ-બહેનનો પાત્ર તરીકે ઉલ્લેખ આવતો નથી. પટેલ દંપતિને પણ નિઃસંતાન બતાવાયું છે.)
બકોર પટેલના ચાહકોના મનમાં તેમનાં અસલ ચિત્રો માટે આગવી લાગણી હશે. બકોર પટેલની વાર્તાઓની જૂની આવૃત્તિમાં છપાયેલાં ચિત્રો નીચે ‘તનસુખ’ એવી સહી જોવા મળતી હતી. ચિત્રકળાની દૃષ્ટિએ ચિત્રો બહુ અસાધારણ ન લાગે, પણ તેમાં થયેલા વાર્તાના પ્રસંગોના આલેખનને કારણે એ ચિત્રો પણ વાર્તાનો હિસ્સો બનીને મનમાં છપાઇ જતાં હતાં. એ ઉપરાંત દરેક વાર્તાના શીર્ષકની ટાઇપોગ્રાફી અને તેની સાથેનું એકાદ સૂચક ચિત્ર પણ બકોર પટેલના આખા પેકેજનો હિસ્સો હતું.
બકોર પટેલનાં ચિત્રો નીચે રહેલા ‘તનસુખ’ નામ વિશેની જિજ્ઞાસા થોડાં વર્ષ પહેલાં ‘ગાંડિવ’ના સુભગ માળવીની મુલાકાત વખતે સંતોષાઇ. (હવે સદ્ગત) સુભગભાઇએ કહ્યું હતું કે તનસુખ-મનસુખ બન્ને સુરતના ચિત્રકારભાઇઓ હતા. એ કાંડે ખડિયો લટકાવીને જ ફરતા હોય. કોઇ કહે એટલે તત્કાળ ચિત્રો દોરી આપે એ તેમની ખાસિયત હતી.
બાળપાક્ષિક ‘ગાંડિવ’ છેક ઑગસ્ટ, ૧૯૨૫થી થયો હતો. ૧૯૭૩ સુધી ચાલેલા આ પાક્ષિકમાં હરિપ્રસાદ વ્યાસે ૧૯૩૬થી ૧૯૫૫ વચ્ચે બકોર પટેલની ઘણી કથાઓ લખી. તેની પર એ સમય અને સમાજની પ્રબળ છાપ હતી. એ સમયે ફક્ત રૂપિયાથી માણસનો તોલ થતો ન હતો. સચ્ચાઇ, ઇમાનદારી, સંતોષ અને પરગજુતા જેવા ગુણોનો કમ સે કમ આદર્શ તરીકે મહિમા હતો. કોઠાકબાડા કરીને રૂપિયા કમાવા એ મહાનતા ગણાતી ન હતી અને એવા લોકોને સામાજિક સ્વીકૃતિ મળતાં વાર લાગતી હતી. બકોર પટેલની કથાસૃષ્ટિમાં નકારાત્મક લક્ષણો ધરાવતાં પાત્રો હતાં, પણ સાવેસાવ ખલનાયક કહેવાય એવું કોઇ ન હતું.
બકોર પટેલની વાર્તાઓ એ રીતે સમાજની ઘણી વરવી વાસ્તવિકતાઓથી પણ સાવ દૂર હતી. તેમની મુસીબતો અને તેમના સંઘર્ષમાં એક ઉચ્ચ મઘ્યમ વર્ગના સમાજની છાયા હતી. ગરીબ વર્ગ માટે તે મુંબઇમાં પેઢી અને જાપાન સાથે વેપાર ધરાવતા પટેલશેઠ હતા. એવા પટેલશેઠ જેમની ઉદારતા અને સરળતા બાઘાપણાની હદે હતી, પણ પાંચમાં પુછાતા હતા. એ જમાનામાં (ચાળીસી-પચાસીના દાયકામાં) તેમની પાસે મુંબઇમાં ગાડી-બંગલો હતાં, તેમના વર્તુળમાં ડૉક્ટર અને વકીલ જેવા સમાન સામાજિક દરજ્જાના લોકો હતા. પટેલશેઠ પોતે પાન-સોપારીના શોખીન અને ક્યારેક સિગરેટના રવાડે ચડે તો ગોટાળાની આખી વાર્તા સર્જાઇ જાય. તેમનાં કેટલાંક સાહસ અને ગોટાળા મોભાદાર માણસને કદાચ શોભે નહીં, પણ પરવડે ખરાં. બધાં પરાક્રમોના અંતે બકોર પટેલની છબી તો એવી જ ઊપસે કે એ ભૂલ કરે, ઠેબાં ખાય, પણ મનમાં પાપ નહીં.
ગુજરાતી હાસ્યસાહિત્યમાં અભૂતપૂર્વ કહેવાય એવી પાત્રસૃષ્ટિ સર્જનાર તારક મહેતાએ લખ્યું છે કે, ‘બકોર પટેલ વાંચ્યે તો વર્ષો થઇ ગયાં, પણ એની પાત્રસૃષ્ટિ મારી ચેતનામાં એવી ઊંડી ઉતરી ગઇ છે કે મારાં પાત્રો જાણે ‘બકોર પટેલ’નાં પાત્રોનો માનવઅવતાર ન હોય! એવું બીજાંઓને લાગતું હોય કે ન લાગતું હોય, મને તો લાગે જ છે. ‘તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા’ની ટીવી શ્રેણીએ મને ઘણો યશ અપાવ્યો છે. પણ ડગલે ને પગલે છબરડા વાળતા મારા ‘જેઠાલાલ’માં જાણે બકોર પટેલનો પુનર્જન્મ થયાનું મને લાગે છે. ‘દયા’ શકરી પટલાણીની યાદ અપાવે છે, તો ડૉક્ટર હાથી અનેક રીતે હાથીશંકરની યાદ અપાવે છે.’ (‘બકોર પટેલની હસતી દુનિયા’ – સંપાદક : હુંદરાજ બલવાણી, હર્ષ પ્રકાશન)
બકોર પટેલ જે જમાનામાં અને જે સાધનસુવિધાઓ વચ્ચે જીવ્યા તે હવે જૂનાં થઇ ગયાં છે. એ જે વર્ગના પ્રતિનિધિ હતા, તેની આખેઆખી જીવનશૈલી બદલાઇ ગઇ છે. મોબાઇલ, ઇન્ટરનેટ, શૉપિંગ મૉલ, ડિજિટલ કેમેરા, મેટ્રો જેવી ઘણી ચીજો બકોર પટેલના જમાનામાં ન હતી. છતાં, તેમની વાર્તાઓમાં રહેલું મૂળભૂત મનુષ્ય સ્વભાવની ગાફેલિયતોનું આલેખન હજુ નવી પેઢીને બકોર પટેલ પ્રત્યે આકર્ષવાની તાકાત ધરાવે છે. નવા જમાનામાં બકોર પટેલની નવી કથાઓ માટે ઘણી સામગ્રી હાથવગી બની છે. જેમ કે, એકવીસમી સદીમાં બકોર પટેલ હોત તો ઉત્સાહમાં મોંઘુંદાટ ટેબ્લેટ ખરીદ્યા પછી વાપરતાં ન આવડવાથી અટવાતા હોત અને છેવટે રોજબરોજના ઉપયોગ માટે સાવ પ્રાથમિક ફોન ખરીદીને હાશ અનુભવતા હોત, સસ્તા ભાવમાં આઇ-ફોન ખરીદવાની લાલચમાં છેતરાતા હોત, નાઇજિરિયન ફ્રોડમાં રૂપિયા ગુમાવવાની હદ સુધી આવીને, ઓળખીતા પોલીસની મદદથી માંડ બચ્યા હોત, કોઇ લેભાગુ બિલ્ડરની વૈભવી સ્કીમમાં નામ નોંધાવ્યા પછી પસ્તાતા હોત, હરખભેર પોતાની આખી મિત્રમંડળી માટે સ્મૉલ કારનું બુકિંગ કરાવ્યા પછી, એ બધા ઑર્ડર કેન્સલ કરાવવા દોડતા હોત, શકરી પટલાણી સાથે મૉલમાં ગયા પછી અટવાઇને, પાકિટ વિના થાકી-હારીને ક્યાંક બેસી પડ્યા હોત, મુંબઇ-અમદાવાદ વચ્ચે શરૂ થયેલી ‘દુરાન્તો’ જેવી નોન-સ્ટોપ ટ્રેનમાં સફર કરતા પટેલને વચ્ચે ઉતરવું પડે એવા સંજોગો સર્જાયા હોત…
શક્યતાઓ ઘણી છે. મૂળ પાત્રને વફાદાર રહીને એની પર કામ થાય તો બકોર પટેલનો નવો અવતાર શક્ય છે, પણ એમ થવું અનિવાર્ય નથી. અમરતા માટે બકોર પટેલનો અસલ અવતાર પૂરતો છે.
આ બધી જગ્યાએથી માંલેઈ માહિતી માત્ર સંકલન કરી મૂકી છે.
Pingback: વ્યાસ હરિપ્રસાદ મણિરાય, Vyas Hariprasad Maniray | ગુજરાતી પ્રતિભા પરિચય
તેમના પરિચયમાં આ લેખની લિન્ક ઉમેરી દીધી. માહિતી માટે ખુબ ખુબ આભાર
https://sureshbjani.wordpress.com/2012/10/16/vyas-hariprasad/
LikeLike
Ha jarur
LikeLike
માહિતીઓનું સુંદર સંકલન
LikeLike
prerna aape tevi vigto balvarta lkhta lekhko mate srs che.’shbdona srjn’ pr gujrati bhashana sara lekhkoni chrcha thay che teni kdr krvi joie.
LikeLike