બાળ વાર્તા અને તેના લેખકો વિષે જાણીએ …

આજની પોઝિટિવ સ્ટોરી-Ramesh Tanna

૫૦૦થી વધુ પુસ્તકોના લેખક, બાળ સાહિત્યમાં લેખન ઉપરાંત એકલવીર કર્મશીલ બનીને નોંધપાત્ર કામ કરનાર યોદ્ધા, સતત સામાજિક નિસબત સાથે લખતા લહિયા, પત્રકારત્વના ઘણાં વિદ્યાર્થીઓના પ્રિય શિક્ષક, અનેક વિષયોમાં બહોળું જ્ઞાન ધરાવતા વિદ્વાન, સરળ અને નિખાલસ માણસ… આવી અનેકવિધ ઓળખ ધરાવતા યશ દાદા એટલે કે સાહિત્યકાર યશવંત મહેતાનો આજે ૮૦મો જન્મદિવસ છે.
ફોન પર આગોતરો સમય નક્કી કરીને તમે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી નારાયણનગર સોસાયટીના ૪૭/૧ ટેનામેન્ટમાં જાવ છો. નીચેના બેઠકખંડમાં બેસો છો. તેમનો દીકરો ‘દદ્દુ’ કહીને તેમને સાદ પાડે છે. પૂરી સ્વસ્થતા અને સ્ફૂર્તિ સાથે તેઓ નીચે આવે છે. એ જ ચિર-પરિચિત હાસ્ય. થાક વિનાનો પ્રસન્ન ચહેરો. ખાદીનો સફેદ રંગનો લેંઘો અને એ જ રંગનો ઝભ્ભો પહેર્યો છે. ખભા પર ડાબી બાજુ નેપકીન. વચ્ચે વચ્ચે જન્મદિવસની શુભકામના આપતા ફોન આવે છે. દરેકને ધીરજથી નિરાંતે જવાબ વાળે છે.
હું તેમને જોઈ રહું છું. એક એવું વ્યક્તિત્વ જેણે ગુજરાતી ભાષા સાહિત્યની ભરપૂર સેવા કરી. તેમની બાળસાહિત્યકાર તરીકેની ઓળખની નીચે સાહિત્યનાં બીજા સ્વરૂપોમાં તેમણે જે કામ કર્યું તે ઢંકાઈ ગયું હોય તેવું તમે વિચારો છો. ૩૫૦થી વધુ બાળસાહિત્યનાં પુસ્તકો ઉપરાંત તેમણે ૩૦ નવલકથાઓ, ૨૫ વાર્તાસંગ્રહો અને અખબારી લેખનમાંથી સર્જાયેલા ૨૫થી વધુ પુસ્તકો તેમણે આપ્યાં છે. આ ઉપરાંત અનેક સંપાદનો, અનુવાદો તથા બીજાં પુસ્તકો.
૮૦ વર્ષે દાદા સંપૂર્ણ સ્વસ્થ છે. હાઈ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ એવી કોઈ બિમારી નથી. આંખનો વધારે ઉપયોગ કર્યો એટલે મોતિયો આવેલો અને પછી આવ્યાં ચશ્માં. એ સિવાય તેઓ સંપૂર્ણ સ્વસ્થ.
મને તેમણે રોગ માટે નહીં, પરંતુ પોતે આરોગ્ય સચવાય તે માટે કઈ-કઈ આયુર્વેદિક ગોળીઓ લે છે તે જણાવ્યું. ગઈ કાલે તેમણે એ ગોળીઓનો રોજનો કેટલો ખર્ચ થાય છે તે પણ ગણ્યો હતો. યશ દાદા દરરોજ ૧૫ રૂપિયા અને ૧૦ પૈસાની આયુર્વેદિક ગોળીઓ લઈને સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.
હજી હમણાં સુધી તો તેઓ બજાજ ચેતક સ્કૂટર પર ફરતા. વર્ષો સુધી તેમણે જાવા મોટરસાયકલ પર સફર કરી. અનેક લોકોએ તેમને મોટરસાયકલ પર જોયા હશે. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી તેમણે સ્કૂટર સવારી માણી. ૨૦૧૪માં એટલે કે પોતાના જીવનનાં ૭૬મા વર્ષે તેમણે સ્કૂટરને આવજો કહ્યું. કાર ચલાવતાં શીખ્યા છે, પરંતુ ચલાવતા નથી. મોબાઈલ ફોનમાં ચાર-પાંચ ઓટોરિક્ષા ડ્રાયવરોના નંબર ટેરવાંવગા રાખે છે. બહાર જવું પડે તેમ હોય તો ઓટોરિક્ષા લઈને જાય છે. હા, હજી બહાર જાય છે. દર ગુરુવારે બાળસાહિત્યકારો અચૂક શારદા મુદ્રણાલયમાં મળે છે. યશવંત દાદા ૨૦ વર્ષ સુધી, ગુજરાતી લેખક મંડળની દર શુક્રવારે મળતી બેઠકમાં જતા. આ સંસ્થાના તેઓ દસ વર્ષ સુધી પ્રમુખ પણ હતા.
યશવંત દાદા ભગવાનમાં બિલકુલ માનતા નથી. હું પૂછું છું કેમ માનતા નથી ? કહે છે મને તેની જરૂર લાગી નથી. ઉમેરે છે, મારા મૃત્યુ સુધી મને ઈશ્વરની જરૂર પડે તેવું લાગતું નથી. ભારપૂર્વક કહે છે કે, આપણા દેશને ઈશ્વરની જરૂર જ નથી. દેશના કરોડો લોકોનો સમય બગડે છે અને સોર્સ પણ વેડફાય છે.
હું પૂછું છું કે તમે વિવિધ ક્ષેત્રમાં ઘણું કામ કર્યું. સૌથી વધું સંતોષ શેમાં ? કહે છે, બાળસાહિત્યમાં હું ઉપયોગી થઈ શક્યો તેનો ઘણો આનંદ છે.
ગુજરાતી સાહિત્યમાં બાળસાહિત્યની સતત ધરાર અવગણના થઈ છે. બાળસાહિત્યકારને ઉતરતો માનવામાં આવ્યો છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર પરબ છે. આ પરબ પર કોઈ બાળસાહિત્યકાર પાણી પીવા જઈ શકતો નથી ! ૫૦ વર્ષમાં ક્યારેય પરબનો બાળસાહિત્ય વિશેષાંક પ્રકાશિત થયો નથી. આખા વર્ષનાં પરબ ફંફોસો તો બાળસાહિત્યનાં બે-ચાર પુસ્તકોની નોંધ સિવાય બીજું કાંઈ ના મળે.
પરિષદ શ્રેષ્ઠ પુસ્તકોને ઈનામ આપતી હતી તેમાં પણ બાળસાહિત્યનાં પુસ્તકોની ઈનામી ધનરાશિ મુખ્ય પ્રવાહનાં પુસ્તકોની ધનરાશિ કરતાં ઘણી ઓછી. ભેદ, પાકો ભેદ. ભેદ, સ્પષ્ટ ભેદ. તમારાથી અહીં ના બેસાય, બાળસાહિત્યકારો તમે જરા આઘા બેસો.
આમ તો પરિષદ અને અકાદમી સામસામે લાગે, પરંતુ બાળસાહિત્યની ઉપેક્ષા કરવામાં બન્ને સાથે. ગુજરાત સાહિત્ય અકાદમીએ શબ્દસૃષ્ટિનો એક બાળ વિશેષાંક કરેલો એ બાદ કરો તો બન્નેની બાળસાહિત્ય પ્રવૃતિઓનો સરવાળો એક સરખો આવે. ગુજરાતનાં બાળકો અંગ્રેજી મિડિયમમાં ભણતાં હોય અને વાંચતાં જ ના હોય ત્યારે બાળસાહિત્યને શું કામ ગંભીરતાથી લેવું જોઈએ. એટલા સમયમાં તો એક-બીજા પર દસ-પંદર નવા આક્ષેપો ના કરી લેવાય ?
ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત સાહિત્ય અકાદમી જો આવું કરે તો ગુજરાતી સાહિત્ય સભા શું કામ બાકી રહી જાય ? ગુજરાતી સાહિત્યનું ટોચનું પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક ગુજરાતી સાહિત્ય સભા દ્વારા અપાય છે. ૧૯૪૦ના અરસામાં ગિજુભાઈ બધેકાને રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયો હતો. તેનાં ૬૦ વર્ષ પછી રમણલાલ સોનીને આ એવોર્ડ અપાયો. અત્યાર સુધી ગુજરાતી ભાષાના માત્ર બે બાળસાહિત્યકારોને આ એવોર્ડ અપાયો છે. રમણલાલ સોનીને રણજિતરામ એવોર્ડ અર્પણ કરવાનો સમારંભ હતો ત્યારે ગુજરાતી સાહિત્ય સભાના તે વખતના પ્રમુખ મધુસુદન પારેખે યશવંત મહેતાના ખભા પર હાથ મૂકીને કહ્યું હતું કે હવે તારો વારો છે. આ વાત છે ૧૯૯૭ની. એ વખતે યશવંત મહેતાએ હસતાં હસતાં કહ્યું હતું કે ગિજુભાઈ બધેકાને રણજિતરામ આપ્યા પછી તમે ૬૦ વર્ષે બીજા બાળસાહિત્યકારને આ એવોર્ડ આપ્યો. મને અત્યારે ૬૦ વર્ષ થયાં છે. હું ૧૨૦ વર્ષ જીવું એવું મને લાગતું નથી. આ સંવાદને ૨૦ વર્ષ થઈ ગયાં છે. યશવંત દાદા આજે ૮૧માં વર્ષમાં પ્રવેશી રહ્યાં છે. જો હજી તેઓ બીજા ૪૦ વર્ષ જીવે તો રણજિતરામ સુવર્ણચંદ્રક ત્રીજા બાળસાહિત્યકારને મળે.
યશવંત મહેતાએ ગુજરાતી બાળસાહિત્યમાં તો માતબર પ્રદાન કર્યું જ. બાળસાહિત્યના તમામ સ્વરૂપોમાં તેમણે ખેડાણ કર્યું. એ ખેડ પાછી એવી ખેડ કે જે પાક બરાબર થયો અને તેનાં ફળ ગુજરાતનાં કરોડો બાળકો સુધી પહોંચ્યાં. ગુજરાતની કોઈ સાહિત્યિક સંસ્થા બાળસાહિત્યને ગંભીરતાથી નહોતી લેતી એટલે યશવંત મહેતાએ પોતાના મિત્રો સાથે મળીને ૩૦મી એપ્રિલ, ૧૯૯૪ના રોજ બાળસાહિત્ય અકાદમીની સ્થાપના કરી છે. આ બાળસાહિત્ય અકાદમી ખૂબ જ સુંદર, અસરકારક, નમૂનેદાર અને હેતુલક્ષી કામ કરી રહી છે. સરકાર કે સમાજના પૈસાથી તો કોઈ પણ સંસ્થા ચલાવે, પરંતુ બાળસાહિત્ય જેવા ઉપેક્ષિત ક્ષેત્રમાં ૨૩ વર્ષથી એકધારું અને મૂલ્યનિષ્ઠ કામ કરવું એ નાની વાત નથી.
યશવંત દાદા પાસે બાળસાહિત્યની સજ્જતા અને અનુભવ છે. તેમણે ૧૯૬૩થી ૧૯૭૪ સુધી ‘ઝગમગ’ સાપ્તાહિકનું તંત્રી પદ સંભાળ્યું હતું તો ઓગસ્ટ ૧૯૯૯થી તેઓ એકલપંડે ‘સહજ બાલઆનંદ’ સામયિક ચલાવી રહ્યા છે.
ગુજરાતી ભાષામાં બાળસાહિત્ય ક્ષેત્રે યશવંત દાદાએ જે કામ કર્યું છે તે અપૂર્વ છે. જો તેમણે પોતાનાં મૂલ્યો અને સિદ્ધાંતોને થોડાક ઢીલા પાડ્યા હોત તો વિવિધ ક્ષેત્રની કામગીરી માટે તેમને રણજિતરામ સહિત અનેક પુરસ્કારો મળ્યા હોત, તેઓ પદ્મશ્રી પણ પામ્યા હોત અને ખાસ તો ટોચની ગણાતી સંસ્થાઓમાં પ્રમુખપદ સુધી પણ સહજતાથી પહોંચી શક્યા હોત તેવું ઘણાનું માનવું છે, તેમાં ભારોભાર વજૂદ છે.
નર્મદ, ગોવર્ધનરામ, જયભિખુ, ગુણવંત શાહ સહિત ઘણા ગુજરાતી સાહિત્યકારોએ વહેલી નિવૃતિ લઈને સાહિત્ય સાધના કરવાનું પસંદ કર્યું હતું. આપણા આ યશવંત દાદાએ પણ ૫૦ વર્ષની ઉંમરે નોકરીમાંથી રાજીનામું આપીને શબ્દસાધના કરવા નિવૃતિ લઈ લીધી હતી.
યશવંત દાદાનાં કેટલાંક પ્રવાસ પુસ્તકો છે : ચાલો દુનિયાની સફરે, આખી દુનિયાનો પ્રવાસ કરો, જોકે તેઓ પોતે ખૂબ ઓછા પ્રવાસ કરે છે. તેમણે એક પણ વિદેશ પ્રવાસ કર્યો નથી. દક્ષિણ ભારત ફર્યા, બે-ચાર વખત મુંબઈ અને દિલ્હી ગયા. યુવાકાળમાં યુથ ફેસ્ટિવલમાં દિલ્હી ગયા હતા ત્યારે મથુરા, વૃંદાવન, આગ્રાનો પ્રવાસ કરી લીધો હતો. બસ, આટલામાં તેમનો પ્રવાસ ક્વોટા પૂરો થઈ જાય. તેમના ખાસ મિત્રો ઈન્દુકુમાર જાની ગુજરાતનાં ૧૮,૨૩૨ ગામોમાંથી મોટાભાગનાં ગામોમાં જઈ આવ્યા છે, પરંતુ યશવંત દાદાએ ઘણાં ઓછા ગામો અને નગરો જોયા છે.
યશવંત દાદા સંપૂર્ણ સ્વસ્થતા સાથે આજે પણ દરરોજ આઠ-દસ કલાક વાંચન-લેખનને આપે છે. ગુજરાત ટુડે અને ગુજરાત ગાર્ડિયનમાં દર રવિવારે તેમની કવર સ્ટોરી છપાય છે. પહેલાં ઉદ્દેશમાં છપાતી હતી તે કોલમ ‘વાંચતાં-વિચારતાં’ હવે ગાર્ડિયનમાં છપાય છે. સાહિત્યિક અને સામાજિક પ્રવૃતિઓમાં આજે પણ રોકાયેલા રહે છે. તેમનાં જીવનસાથી દેવીબહેન પાકાં આસ્તિક છે અને દરરોજ કલાકો સુધી પૂજા કરે છે. જો કે તેમનો ઈશ્વર તેમને યશવંત દાદાની પ્રવૃતિઓમાં સાથ આપતાં સહેજ પણ રોકતો નથી. કોઈ પુસ્તકમેળામાં કે સાહિત્યિક કાર્યક્રમમાં તેમને બન્નેને સાથે જોવાં એ એક રળિયામણી ઘડી હોય છે. એક દીકરી સુરતમાં પ્રોફેસર છે. બીજી દીકરી વડોદરામાં ડોક્ટર છે. દીકરો સાથે રહે છે. કોમ્પ્યુટર ક્ષેત્રમાં તેણે મોટું નામ કર્યું છે. લીલી વાડી છે અને તેના માળી શબ્દના અનેક છોડ અને વૃક્ષોથી ઘેરાયેલા રહીને મંદ મંદ પવન સાથે, મીઠા છાંયડામાં પોતાના જીવનનો ઊજળો ઉત્તરાર્ધ પસાર કરી રહ્યા છે. યશ દાદાને ખૂબ ખૂબ વંદન.
(કોઈ સાહિત્ય પ્રેમી આ શબ્દસાધકને ફોન કરીને શુભકામના આપવા માગે તો તેમનો જમીન સાથે જોડાયેલો ફોન નંબર ૨૬૬૩૫૬૩૪ છે અને હરતો ફરતો નંબર ૯૪૨૮૦૪૬૦૪૩ છે. )

4 thoughts on “બાળ વાર્તા અને તેના લેખકો વિષે જાણીએ …

 1. પૂજ્ય શ્રી યશવંતભાઈને મારા હૃદયપૂર્વક, શબ્દપૂર્વક જ્ન્મદિન મુબારક તથા એમને પ્રભુ (ભગવાનમાં એ મનતા નથી પણ આ લખનાર પ્રભુમાં સ્ંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે!) ૧૨૫ વર્ષનું આરોગ્યમય, સાહિત્યમય જીવન આપે એવી પ્રાર્થના કરે છે.

  સાહિત્ય સંગમ, સુરતના પૂજ્ય શ્રી નાનુભાઈ નાયકે મારું પુસ્તક ‘બાળગીતોમાં વાર્તા’ છપાવીને પ્રગટ કર્યું ત્યારે પૂજ્ય શ્રી યશવંતભાઈનું મારા પર આ ઈ-મેઈલ આવ્યું હતું જે મને સદાય પ્રેરણા આપ્યા કરશેઃ

  Dear Girishbhai,
  Sh. Nanubhai Nayak of Sahitya Sangam, Surat, has kindly sent your book BAALGEETOMAN VARTA to me. Congratulations for continuing to write for children even in USA.

  Also I am thankful that you admire my writings.

  Like

 2. aadrniy sahitykar jemne sothi adhru kam upadyu,balsahityma pran purvanu,shubhechcha ane vndn,Yshvntbhai mhetane.

  Like

 3. Pingback: 1070- કહેશો નહીં, કે આ ઉમ્મરે હું કંઈ ન કરી શકું….ચિંતન લેખ ….. લેખક- શ્રી.યશવન્ત મહેતા | વિનોદ વિહાર

 4. યશવંતભાઈ મહેતાને પ્રણામ ! આજે એમના વિષે વાંચ્યું ને શૈશવ કાળની ઘણી વાતો યાદ આવી . ત્યારે હું બાર – તેર વર્ષની હતી. ઝગમગમાં ” ચાલો લેખક બનીએ ” વિભાગમાં સૌ પ્રથમ વાર મારી વાર્તા છપાઈ . પછી તોબે ચાર મહિને એકાદ વાર ગુરુવારની સવારે મારી વાર્તા પ્રસિદ્ધ થાય ને ઘરમાં મને નોબલ પ્રાઈઝ મળ્યું હોય તેમ આનન્દ છવાઈ જાય
  એ ક્રમ બે ચાર વર્ષ ચાલુ રહ્યો .” અમારી ગીતા તો લેખક છે” ઘરમાં, સ્કૂલમાં બધે પ્રશંશા ! ને પછી મેં ગુજરાત સમાચાર માં ઘર ઘરની જ્યોત માં લખવા માંડ્યું ! મને મારા જીવનમાં ધ્યેય મળી ગયું : પ્રોફેસર બનવાનું ! ( અને એ બની પણ ખરી )
  આજે હું શિકાગોમાં ૩૦ વર્ષથી પ્રિસ્કૂલ ચલાવું છું – કદાચ તેના બીજ યશવંતભાઈ એ પરોક્ષ રીતે રોપવામાં મદદ કરી હશે ?
  મારા પ્રણામ, યશવંત દાદાને .
  ગીતા ભટ્ટ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.