‘પિતૃદિન…કેટલું બધું ઋણી છે જગત માવતરનું. શિશુવયે બાળકોનો આદર્શ એટલે પિતા. તેની છાયામાં એનું ઘડતર થાય. ઉચ્ચ સંસ્કારનાં બીજ રોપી એને પોતાની રીતે ,જીંદગીમાં કઈં કરી બતાવવા સક્ષમ કરે…
શ્રી ભગવતી કુમાર શર્માજીની ખ્યાત પંક્તિઓ..’એ પિતા હોય છે’…છોકરીને સાસરે જતી વખતે દિન થઈ વદતા..રડતા.’મારી દીકરીને સારી રીતે રાખજો, હાથ જોડી પ્રાર્થના કરતા…કે…દીકરાને સારી શાળા-કોલેજમાં એડમિશન માટે, ડોનેશન માટે દેવું કરી,
જાત ઘસાઈ જાય એવી મહેનત કરતા…એ પિતા હોય છે.
આવો એ પ્રગટ દેવને/ માવતરને વંદીએ.
રમેશ પટેલ(આકાશદીપ)
કે હેતે અર્પું હું ફૂલછાબ….રમેશ પટેલ(આકાશદીપ)
ખળખળ વહેતાં ઝરણાં અમે,
તમે પિતાજી પહાડ
જગ વાવાઝોડાં ઝીલ્યાં તમે,
દઈ સાવજસી દહાડ…કે હેતે અર્પું હું ફૂલછાબ
પવન તમે ને માત ફૂલડું,
મળી આંગણે વસંત
રૂક્ષ દીસતા ચહેરા ભલે,
હસી ખુશીના સંગ
હૈયે જડીયા મોટા ખ્વાબ,
કે હેતે અર્પું હું ફૂલછાબ
તિમિર વેદના વેઠી ઉરે,
ધરી સુખની છાંય
થઈ ગયા મોટા અમે કેમના,
ન જાણ્યું કદી જદુરાય
દેવ પ્રગટ તમે છો તાત! કે હેતે અર્પું હું ફૂલછાબ
ઘરઘર ઉજળા તમથી મોભી,
ગદગદ લાગું જ પાય
ચક્ષુ અમારા ચરણો ધૂએ,
સમરું સ્નેહ તણા એ દાન
ગાજે મન અંબરે રૂઆબ!
કે હેતે અર્પું હું ફૂલછાબ…ખળખળ વહેતા..
પ્રગટ દેવ…..રમેશ પટેલ(આકાશદીપ)
આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
ને સુગંધી તે માતારે
આ ઊંચા પહાડ તે પિતાજી
ને સરવાણી તે માતારે
આ અષાઢ ગાજ્યા તે પિતાજી
ને ધરતી મ્હેંકે તે માતા રે
આ સાગર ઉછળે તે પિતાજી
ને ભીંની રેત તે માતા રે
આ ત્રિપુંડ તાણ્યું તે પિતાજી
ને ચંદન લેપ તે માતા રે
આ કવચ કૌવત તે પિતાજી
ને મમતા ઢળી તે માતા રે
આ ઢોલ વાગ્યું તે પિતાજી
ને શરણાયું તે માતા રે
આ ધ્રુવ તારો તે પિતાજી
ને અચળ પદ તે માતા રે
આ પ્રગટ દેવ તે પિતાજી
ને પ્રભુ પ્યાર તે માતા રે
રમેશ પટેલ(આકાશદીપ)