ચાલો આજે જોઈએ દાદા અને ગટુ ની વાતો …ગટુ અને દાદાજીની વાતો તો સાવ નોખી દાદા અમેરિકા આવ્યા એટલે બધું બદલાઈ ગયું…. ગટુ ઘરમાં એકલો હોય ત્યારે વાંચતો પછી તો શોખ બની ગયો પણ જ્યારથી દાદા આવ્યા ત્યારથી એના દાદાને પ્રશ્નો પૂછીને થકવી નાખતો…
દાદા તમે આટલી ચા કેમ પીવો છો ?
છાપુ કેમ વાંચો છો ?
બા માળા કેમ ફેરવે છે ?
વગેરે વગેરે …દાદાજી કવિતા સંભળાવે તો સામે સંભળાવે…વાતો જ જાણે વાર્તા બની જાય
“દાદાજી! આજે મારે કવિતા લખવી છે.”
“અરે દીકરા કવિતા લખવા માટે તુ તો હજી નાનો છે.”
” ના દાદાજી હું તો પાંચ વર્ષનો છુ”આઈ એમ બીગ બોય
“હા તેથી તુ મોટો ખરો પણ…”
” મારી આ પહેલી કવિતા દાદાજી તમારે માટે..”
” અરે વાહ! સંભળાવતો..”
દાદા મારા વ્હાલા ને પાડે બહુ ઘાંટા
કહો કેવી અજબ જેવી વાત છે ને?
ફોનનું ભુંગળુ ને કમ્પ્યુટરની ટક ટક
કહો કેવી અજબ જેવી વાત છેને?”
દાદા …..
ભઈલો મારો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો
કહો કેવી અજબ જેવી વાત છેને?
ગટુ “દાદાજી એ ટ્યુન ઉપર તો મેં મારી કવિતા લખી..ગમીને?”
“અરે વાહ દીકરા તુ તો કવિ અને મ્યુઝીસીયન બંને છોને…”
અને વરસી રહે હેતનાં ફુવારા તે ગટુ પર…ગટુ ને લાડ, પ્રેમ અને શિખામણ બધું દાદા આપે.અને ગટુ ક્યારેક ફરિયાદ પણ દાદા પાસે કરે.બને એક બીજાના જાણે દોસ્ત દાદા ગટુને બડી કહે અને ગટુ એના ડોગીને બડી કહે….બધા એક બીજાના બડી
“દાદાજી!”
” હા બેટા!”
” હું મોટો થઈશ ત્યારે તમને હું મારી સાથે રાખીશ પણ મમ્મીને નહીં”
“કેમ બેટા?”
“અને દાદીને પણ નહીં”
“પણ કારણ તો કહે..”
” મમ્મી આજે મારા ઉપર ગુસ્સે થઇ..”
“..કેમ?”
” મારે જાતે ટીથ બ્રશ કરવા હતા અને મમ્મીને મોડુ થતુ હતુ”
” પછી?”
” એણે મારા ટીથ બ્રશ કરી નાખ્યા”
” અને દાદીએ શું કર્યુ?”
” મમ્મી ઉપર ગુસ્સો ના કર્યો અને મને બૂટ જાતે પહેરવા હતા પણ તેમણે પહેરાવી દીધા અને પહેરાવતા
પહેલા પ્લીઝ પણ ના કહ્યું”
” અને મને તુ કેમ રાખીશ?”
” તમે દાદાજી ગુસ્સો નથી કરતા કે નથી મેનર ચુકતા”
“દાદાજી!”
“હં બેટા!”
“હું રોટલી અને ગુડ ખાઉ છુ.”
“સરસ બેટા ગુડ કેટલો છે?..વધારે છે? કે ઓછો છે? કે બરોબર છે?
“દાદાજી! રોટલીમાં ગુડ બરોબર છે અને તે વેરી વેરી ગૂડ(very very good)પણ છે”
અરે બેટા સરસ પ્રાસ કર્યો તેંતો…”
“દાદાજી પ્રાસ એટલે શું?”
“બેટા! પ્રાસ એટલે કવિતામાં આવતો ત્રાસ”
“દાદાજી આ ત્રાસ એટલે શું?”
” તુ કરે છે તે..”
“? ? ?”
“દાદાજી!”
” હં બેટા!”
” મારો નંબર ૧ ચેક્સ”
“હં!”
તમારો નંબર પણ ૧ ચેક્સ”
“હં!”
“પપ્પાનો નંબર ૩ ચેક્સ”
“હં!”
“મમ્મીનો નંબર ૩ ચેક્સ”
“હં!”
“અને દાદીમાનો નંબર?”
“….” મેં મૌન સેવ્યુ તેથી તે બોલ્યો
” એક લાખ ચેક્સ”
” એવું કેમ?”
” દાદી છે ને મને સમજાવે છે..જ્યારે તમે બધા મને ધમકાવો છો…”
“દાદાજી!”
“હં બેટા!”
“આ જુઓને” લેગો ગેમનું નવું રમકડુ તેના હાથમાં હતું
” શું છે બેટા..તેં બનાવ્યુ છે તો તને નામ પણ ખબર હશે ને?”
“હા.તે કાર છે”
“પણ તેને પૈંડા નથી તેનું શુ?”
“તેને પૈંડાની જરુર નથી દાદાજી!”
“પાછળ આ ભડકા નીકળે છે ને?”
” હાઇ સ્પીડ છે ને!”
” અરે વાહ ભાઈ!”
“દાદાજી આ ગાડી નું નામ છે સ્લીપોની…”
” એટલે?
“સ્લીપ ઓનલી..માંથી લ કાઢી નાખ્યો…”
” કેમ?”
“મારી મરજી…મારી ગાડી છે ને ?
“દાદાજી”
“હં બેટા”
” મને થાય છે કે આ ફાધર ડે કેમ ઉજવાય છે?”
” બેટા એ સંસ્કાર છે”
” સંસ્કાર એટલે?”
“રિવાજ-પરંપરા”
” એમા ફાધરને ગુલાબ અપાય?”
” હા. એકલુ ગુલાબ નહી તેમને ગમતી ચોપડી ફિલ્મ કે શાલ પણ અપાય. અને તેમને માનપૂર્વક પ્રણામ પણ કરાય”
“‘ આ તહેવારને પિતૃદિન પણ કહેવાયને?”
“હા.. આ દિવસે પિતા.. ગમે તે ઉંમરનાં હોય પણ તેમના સંતાનો તેમને ફોન કરે.. જમવા લઈ જાય કે પગે લાગે.”
“દાદાજી કારણ હજી ન સમજાયુ..”
” પિતા સંસ્કાર દાતા અને સંસારનું વહેવારિક જ્ઞાન આપે તેથી તેમના એ દાન માટે આભાર કહેવા આ દિવસ ઉજવાય.”
” પપ્પાને હું કાર્ડ બનાવીને આપવાનો છું?”
“સરસ. પણ શું લખે છે તે મને બતાવજે..આપણે ગુજરાતીમાં લખશું”
” દાદાજી હું શું લખું?”
‘ લખ..તમારી સુખ સમૃધ્ધિ અને શાંતિ વધે..તબિયત સચવાય..ને આપનો છાંયડો અમારા ઉપર સદાય રહે”
” છાંયડો?”તમે અંગ્રેજી કેમ બોલતા નથી ?
“હા વડીલ હયાત હોય તેને છાંયડો કહેવાય.”મીન્સ તારી સાથે પાપા હોયને !
દા તમે બહુ ટફ્ફ બોલો છો …
” દાદા મને તો પપ્પા..દાદા અને ગ્રેન ગ્રેન પાપા ત્રણેય છે..”મરે તો ત્રણ કાર્ડ બનાવવા પડશે.
ફરી બીજા દિવસે એવી જ નવી કાલી ઘેલી વાતો સાથે દિવસ ઉગે ગટુ અને દાદા એમની વાતોની વાર્તા સર્જે અને વાર્તા જાણે બોધ બની જાય …..
“ગટુ બેટા ઉઠો! સવાર પડી ગઈ”
‘દાદા સુવા દો ને?”
‘બેટા સ્કુલે જવામાં મોડો પડીશ..ઉઠને બેટા”
“દાદા મારે એકલાએ સ્કુલે કેમ જવાનું?”
” બેટા બધા પોતપોતાનાં કામે લાગે છે ને તેમ તારું કામ સ્કુલે જવાનું…”
” પણ દાદા તમેતો તો કોમ્પ્યુટર ઉપર ટક ટક કરો છો. તમારે સ્કુલે કેમ નહીં જવાનું?”
“એટલે તુ કોમ્પ્યુટર ઉપર ટક ટક કરવા ઘરે રહીશ?”
” ના દાદા તમે પણ ચાલોને મારી સાથે સ્કુલે…”
” પછી તારા બધા મિત્રો મારા થઇ જશે અને મારા મિત્રો તારા..તને ગમશે?”
” એમ કેમ?”
“મને તો તારા મિત્રો સાથે ફાવશે પણ તને ડોક્ટર કાકા દવા પીવડાવશે તે ગમશે?”
“ના.એ તો કડવી હોય છે ને?”
“તારી વર્ગ શિક્ષક બધા સ્ટાર મને આપશે અને તારે મને સ્કુલે લેવા આવવુ પડશે તે તને ગમશે?”
“પણ હું તો નાનો છું. મને ગાડી ચલાવતા ક્યાં આવડે છે?”
“એટલે તો સ્કુલે જવાનું !”
“નાના હોય તેમણે સ્કુલે જવાનુ?”
“હા બેટા!”
ગટુના પ્રશ્નો ખૂટે નહિ અને દાદા જવાબ આપતા થાકે નહિ અને એમના સવાલ જવાબથી જ વાતોની વાર્તા સર્જાય, વાતો ક્યારે બોધ બની જાય ખબર જ ન પડે.વાર્તા પરીની નહિ છતાં સપના સર્જાય
“દાદા! એક વાત કહું?”
“હા બેટા..એક નહીં બે વાત કહે.”
મારા પપ્પા સ્માર્ટ કે હું?”
“બેટા તું-તને ખબર છે બેટા બાપ કરતા સવાયા હોય તો તે બાપને કાયમ ગમે.”
દાદા સવાયા એટલે શું ?
વધારે સ્માર્ટ
એટલે તમારા કરતા પપ્પા સ્માર્ટ તે તમને ગમે?
ગમે જ ને…
“દાદા I am confused ”
“ગુજરાતીમાં કહે.”
” દાદા મારી મમ્મી તો મને કહેતી કે તારા પપ્પા જેવો સ્માર્ટ બન”
“બેટા તારા પપ્પા તારી ઉંમરે તારા જેટલા પ્રશ્ન નહોંતા પુછતા.”
“તે હેં દાદા પ્રશ્ન પુછે તો સ્માર્ટ થવાય?”
” કોને પ્રશ્ન પુછો છો તે અગત્યનું છે.”
“એટલે?”
“જે અભણ હોય તે જવાબ ના આપે કે ખોટા આપે”
“તે હેં દાદા તમે પપ્પા કરતા તમે વધુ ભણેલા?”
” ના તારા પપ્પા ભણેલા અને ગણેલા”
“અને હું?”
“તુ ભણીશ અને ગણીશ અને બધુ સમજીશ પણ ખરો…”
“તો તો હું બધા થી સ્માર્ટ થઈશ ખરુંને દાદાજી?”
હા બેટા પણ તે માટે ભણવુ પણ પડે હં કે!
“દાદા?”
“હં બેટા!”
“આ ફોટા કોના છે?”
“બેટા એ દાદાનાં પપ્પા મમ્મી છે.”
” એટલે પપ્પાનાં દાદા જેમ તમે મારા દાદા?”
“હા”
“પણ બાનાં ફોટા ઉપર જે સુખડનો હાર છે. તે દાદાનાં ફોટા ઉપર કેમ નથી?”
“બેટા_ બા જેજે ભગવાનને ત્યાં ગયા છે ને? તેથી.”
“અને દાદા હજી અહીં છે તેથી તેમના ફોટા ઉપર હાર નથી ખરુંને?”
“ગટુ એવું ના બોલાય…”
“કેમ દાદાજી?”
” આપણે તેમના સંતાનો..તેમનુ દીર્ઘાયુષ માટે પ્રાર્થના કરવાની…
“દાદા આ દીર્ઘાયુષ એટલે શું?”
“બેટા લાંબુ જીવન..”
” દાદા I am confuse…”
“કેમ?”
” દાદા જે જે ભગવાન ને ત્યાં જાય તે ફોટૉ થઈ જાય?
” હા બેટા.”
” તો જે દિવસે તમે ફોટો થઈ જશો ત્યારે હું શું કરીશ?”
“બેટા તે વખતે મારી જેમ તારી પાસે પણ ગટુ હશે…તો એ શું કરશે?
“દાદા?”
“હં બેટા!”
“I am confused.”
“શું? મને ગુજરાતીમાં કહે?”
“દાદા આ ગ્લુ સ્ટીક ખુલ્લી રહે છે અને સુકાઈ જાય છે .”
“તો તેને બંધ રાખવાની..”
” પણ દાદી તો ભાજી ઉપર પાણી છાંટીને ભાજી તાજી રાખે છે તેમ મારી ગ્લુ સ્ટીક ને તાજી ના રખાય?
“બેટા ભાજી અને ગ્લુ સ્ટીક વચ્ચે તફાવત છે.”
“હા ઍટલે તો confuse થયો.”
“confuse નું ગુજરાતી કર તો?”
“દાદા તમે મને બહુ ગુજરાતીમાં પુછી પુછી વધુ મુંઝવો છો…”
“અરે વાહ બેટા તને તો આવડે છે. ”
“હવે હું તમને પુછુ?”
“What એટલે શું?”
“વાહ બેટા તુ પ્રશ્ન પુછે છે કે જવાબ આપે છે…”
“દાદા..તમે હારી ગયા..”.
દાદા -“હા ભાઇ અંગ્રેજીમાં પ્રશ્ન પુછે તો હારી જ જઉ ને?”
દાદાનો ગટુ અને દાદા એક્દમ સધ્ધર સંબંધ. ગટુને સવાર પડે અને ઉઠાડવાથી સ્કુલે મુકવા જવાનો સમય થાય ત્યાં સુધીમાં દાદી અને મમ્મીને દોડાવી દોડાવીને થકવી નાખ્યા પછી દાદા નો વારો આવે.
સીટ બેલ્ટ બાંધવાની અને ગાડી શરુ થાય એટલે ગટુ નું બોલવાનું શરુ.
ગટુ -દાદા Today I will make music. The title of Music is going to school.
દાદા -એટલે રેડીયો બંધ કરુ?
ગટુ-દાદા! તમને અંગ્રેજી આવડતું નથી? મેં કહ્યું હું સંગીત સર્જન કરીશ અને આજના સંગીતનું નામ છે ” સ્કુલ જઉ છું”
દાદા- સ્કુલને શાળા કે નિશાળ કહેવાય!
ગટુ -દાદા! તમે સમજી ગયા એટલે બસ..પણ હવે સંગીત સાંભળો!
દાદા -“પણ તારી પાસે સુર અને તાલ બંને નથી તો તે સંગીત કેવી રીતે થશે?
ગટુ -જુઓ તમે બોલો નહી.. તમારી ગાડી ચાલે છે અને તે મને તાલ આપે છે.. અને મારે તો ગીત પણ સાથે સાથે લખવાનુ છે
દાદા -ઓ કે હું સાંભળુ છું અને તુ શરુ કર…
ગટુ -દાદા તાલ તમારે આપવાનો છે.
દાદા -તાલ મારાથી ના અપાય બેટા…ગાડી ચાલે છે ને?
ગટુ -શું દાદા તમેય? આ સ્કુલ તો આવી ગઈ અને મારું ગીત પણ ના લખાયુ…
હુ લખીને રાખીશ આપણે પાછા જતા ગાઈશુંને?
પણ દાદા પછી તે સ્કુલ જઇશુ ના કહેવાયને?
દાદા -ભલે આપણે ઘરે જઇશુ તેવું ગીત લખાયને?
ગટુ -ના દાદાજી એ ગીત તો જ્યારે મામાનાં ફ્લેટથી આપણા ઘરે આવતા હોઇએ ત્યારે લખવાનું છે.
વિજય શાહ