આભાર અહેસાસ કે ભાર(૫) હેમાબેન પટેલ

                                            આભાર

સુશિક્ષીત સભ્ય સમાજનો સંસ્કારી શબ્દ ‘આભાર’ ખુબજ કિંમતી શબ્દ છે. આ એક શબ્દ હકારાત્મક વાતાવરણ ઉભુ કરવા માટે પુરતો છે.આભાર બોલનાર અને સાંભળનાર બંને પક્ષની ખુશી જ જોવા મળે. થેંક્યુ બોલવામાં આપણો અહમ પીગળીને એટલા સમય પુરતુ દિલની અંદર ક્ષણિક નિખાલસ ભાવ આવી જાય છે. આખા દિવસમાં ઘણી બધી વખત સાંભળવા મળે અને આપણા મુખમાંથી પણ કેટલી બધી વખત થેંક્યુ શબ્દ સરી પડે છે.થેંક્યુ બોલવું એ એક સભ્યતા ગણાય.અને સાથે સાથે આપણુ મગજ પણ કોઈના અહેસાન, ઉપકાર બદલ બોજ નથી અનુભવતું. કોઈ વ્યક્તિએ આપણને કામમાં મદદ કરી હોય, જેનો પણ ઉપકાર આપણા ઉપર હોય તેની પ્રતિક્રિયારૂપ  આભાર શબ્દ, જાણે તે ઉપકારનુ ઋણ તરત જ ચુકવી દેતા હોય એમ લાગે છે. બીજી વ્યક્તિના અહેસાનનો ભાર,ઉપકારનુ ઋણ ઉતારવાની પ્રતિક્રિયા એટલે ‘આભાર’. જેણે આપણા પર મોટો ઉપકાર કર્યો હોય તો તેનુ ઋણ આપણે જીંદગી ભર ન ભુલી શકીએ, તેના બદલે ભેટ- સોગાદ-ઉપહાર આપીએ અને ઘણી વખત જીવનભરના સબંધો બંધાઈ જાય. અભાર વ્યક્ત કરવાની ઘણી બધી રીત છે.આપણા ઉપરનો  અહેસાનનો ભાર ઉતારી દઈએ, કોઈનુ ઋણ ચુકવી દઈએ એનો અર્થ જ આભાર છે. આભાર માની લીધો બોજ હળવો થઈ ગયો, મન હળવું થઈ જાય છે. આભાર માનવો એ મનની પ્રસંનતા છે.

પહેલાંના સમયમાં કોઈ એક બીજાને ખુબ ખુબ આભાર કે થેંક્યુ ક્યાં બોલતા હતા અને ખાસ કરીને નાના ગામડાઓમાં લોકો ક્યારેય આ શબ્દ વાપરતા નહી. આભાર બોલીને નહી, ચુપચાપ કંઈ પણ બોલ્યા વીના સામેની વ્યક્તિનુ સારુ કામ કરીને, મદદ કરીને  આભાર વ્યક્ત કરતા હતા. ત્યારે લોકોને પૉલીસ ભાષા બોલતાં આવડતુ નહી. ભોળપણ હતુ, નાદાન લોકો હતા, ઝાઝી સમજ હતી નહી, બોલવામાં ઘણી બધી   મર્યાદાઓ અને શરમ હતી.

સ્થળ અને સમય બદલાય તેમ રહેણી  કરણી બદલાઈ ગઈ એટલે બોલવા ચાલવામાં ફેરફાર આવી ગયા.  અત્યારે સારી વસ્તુ જોઈએ અને આપણને ગમે એટલે તરત જ આપણો અભિપ્રાય આપી દઈએ. કોઈ બહેને સુંદર સાડી કે ડ્રેસ પહેર્યો હોય, સુંદર આભુષણ પહેર્યા હોય તેના  વખાણ કર્યા વીના રહેવાય નહી, તો તરત જ સામેથી તેના પ્રતિક્રિયા રૂપે થેંક્યુ ! તમારુ બેબી કેટલું ક્યુટ છે, તમારુ ઘર સુંદર છે, તમારો ગાર્ડન સુંદર છે, એટલેથી નથી અટકતું,  કુતરા અને બિલાડીના પણ વખાણ કરવા પડે છે, તરત જ થેંક્યુ ! અનાયાસે જ મૉઢામાંથી ‘ થેંક્યુ ‘ શબ્દ સરી પડે છે.આ ક્ષણો સુખદ છે.મોટા મોટા કામોમાં આ નાના શબ્દો, સોરી અને થેંક્યુ  દિલની અંદર સારા ભાવો જગાડે છે, તો જ્યાં બોલવાની જરૂર ત્યાં બોલાય તો જીવનની કડવાશ દુર થઈ પ્રેમ ભાવ અને મૈત્રી ભાવ જાગૃત થયા વીના નથી રહેતો. અત્યારના સમયમાં આભાર શબ્દ એક સભ્યતા જ ગણાય, અને સોરી, થેક્યુ બોલવું અનિવાર્ય થઈ ગયું છે.અત્યારે દરેક માણસો તણાવભરી જીંદગી જીવતાં હોય તેમાં આ નાના શબ્દો સુખ આપતા હોય તો બોલવામાં કંઈ ખોટુ નથી.

નાનુ બાળક હજુ બોલતાં શીખ્યુ છે અને તેના હાથમાં કંઈ આપીએ એટલે તરત જ તેની કાલીઘેલી ભાષામાં આપણને થેંક્યુ બોલે છે.શરમાય અને થેંક્યુ ના બોલે તો આપણે શીખવાડીએ બેટા થેંક્યુ બોલો, કોઈ આપણને કંઈ આપે તો થેંક્યુ બોલવાનુ ઓકે બેટા. એક્સીડંન્ટ થયો અને બચી ગયા ‘થેંક્સ ગોડ કંઈ થયું નહી.’ પડી ગયાં વાગ્યુ નહી ‘ થેંક્સ ગોડ વધારે વાગ્યુ નહી હાડકુ તુટ્યુ હોત તો મુશીબત ઉભી થઈ જાત .

જીવનની સામાજીક રચનાને કારણ આપણે એક બીજા પરના ઉપકાર નીચે દબાયેલા હોઈએ છીએ. થેંક્યુ સીવાય બીજો કોઈ વીકલ્પ નથી. સોરી શબ્દ સમાધાન કરે છે તો થેંક્યુ શબ્દ દિલમાં સુખદ અહેસાસ કરાવે છે. આ ધરતી પર આવ્યા છીએ કેટલા બધાના ઋણી છીએ ! માતા-પિતા, ઈશ્વર, ગુરુ, ધરતી, પ્રકૃતિ, ઋષિ-મુનિ, પરિવાર, સમાજ, અરે પશુ પક્ષીઓનો પણ આપણા ઉપર ઉપકાર હોય છે. આ સર્વેના કોઈને કોઈ કારણથી તેમના ઋણી છીએ. આ ઋણ કેવી રીતે ઉતારવું ? ભગવાનને દરોજ પ્રાર્થના કરીએ છીએ, જ્યારે પરમાત્માને ભીના હ્રદયે થેંક્યુ કહીએ ત્યારે એ શ્રેષ્ઠ પ્રાર્થના બની જાય છે. ઈશ્વરના અગણીત ઉપકાર બદલ દરોજ તેમનો આભાર માનીએ છીએ. આપણા હિન્દુ ધર્મની અંદર શાસ્ત્રોએ વનસ્પતિ, પશુ-પક્ષી, નદીયો, સમુદ્ર વગેરેની પુજા અર્ચના કરવાની બતાવ્યુ છે,  એ શું છે ? આભાર વ્યક્ત કરવાની એક ક્રિયા જ છે. પ્રકૃતિ પાસેથી ઘણુ બધું મળ્યુ છે માટે પુજા-અર્ચના કરીને આપણે આભાર વ્યક્ત કરી છીએ. શાસ્ત્રોના મોટા ભાગના રિતિ રિવાજ અને પરંપરા એ આભાર વ્યક્ત કરવા માટે બતાવ્યા છે. ભગવાને બુધ્ધિ આપી છે, સારા-ખોટાની સમજ છે માટે જ માનવ જાતી માટે ઉપકાર બદલ તેનો આભાર માનવો બહુ જ અનિવાર્ય ગણાય, ના બોલીએ તો માણસ અને પશુમાં કોઈ ફરક નહી. ખુલ્લા દિલે આભાર માનનારને ખુશી થાય છે.

આપણે સૌ જાણીએ છીએ શ્રી કૃષ્ણ અને સુદામા બાળસખા હતા, તેમની દોસ્તી ઘેહરી હતી. મિત્રતાનુ ઋણ ચુકવવા માટે શ્રી કૃષ્ણએ ગરીબ સુદામાને ધનવાન બનાવી સુદામાના પરિવારની દરીદ્રતા દુર કરી સુખી કર્યા. જ્યારે કર્ણએ દુર્યોધનની મિત્રતાનુ ઋણ ચુકવવા માટે, જાણવા છતાં અધર્મનો સાથ આપી જીવન બલિદાન કર્યુ. ભગવાન પોતે ભક્તોનુ ઋણ ચુકવે છે, શ્રી કૃષ્ણએ ભક્તનુ ઋણ ચુકવવા માટે નરસિંહમહેતાના અનેક કામ કર્યા છે, મીરાંના વિષને અમૃત બનાવી દીધુ. જો ઈશ્વર પોતે કોઈના ઉપકારનુ ઋણ ચુકવે છે તો આપણે એક તુચ્છ માનવી કેમ નહી કોઈના ઉપકારનુ ઋણ ચુકવી શકીએ. શ્રી કૃષ્ણ ભક્તોનુ ઋણ ચુકવે છે તો ઉપકાર અહેસાનના બદલે તેનો આભાર માનવાની રીત પણ સમજાવે છે.

શાસ્ત્રમાં એક કથા જાણીતી છે, ગોવર્ધન પુજા. ઈન્દ્ર વરસાદ મોકલે તેને લીધે આનાજ પાકે છે, માટે ઈન્દ્રનો આભાર વ્યક્ત કરવા તેમને ભોગ અર્પણ કરવો પડતો હતો. શ્રી કૃષ્ણએ પ્રથા બદલી. ગોવર્ધન પર્વત આપણી રક્ષા કરે છે, ગાયો ચરે છે તેમને ખાવાનુ મળે છે માટે ગોવર્ધનની પુજા કરીશું, હવે ગોવર્ધનને ભોગ ધરાવવાનો, ઈન્દ્રને નહી. શ્રી કૃષ્ણ પર્વતની અંદર બિરાજમાન થઈને શ્રીનાથજીનુ સ્વરૂપ ધારણ કરીને ગામ લોકોએ અર્પણ કરેલો ભોગ આરોગે છે. કથા ઘણી લાંબી છે અહિંયાં પ્રકૃતિ, વરસાદ, જ્યાં રહેતાં હોઈએ તે ભુમિનો આભાર માનવાની રીત શ્રી કૃષ્ણ લોકોને સમજાવે છે.

એક બીજાનો આભાર માનીને ખુશ રહીને બીજાને ખુશ કરીશું તો ખુશી ડબલ થઈ જશે.

હેમાબેન પટેલ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.