“બેઠક”ના આયોજન હેઠળ ગુજરાત ગૌરવ દિવસ સંગીત નૃત્ય અને ભવાઈ જેવા વૈવિધ્યયુક્ત કલારૂપોની રજૂઆત કરીને ઉજવાયો.

સંગીત નૃત્ય અને ભવાઈ જેવા  વૈવિધ્યયુક્ત કલારૂપોની ર​જૂઆત કરીને આપણા ગુજરાતની અનોખી મિરાતની ઝાંખી કરાવવાનો અને સાથે ઉજવવાનો આ અવસર

એટલે “ગુજરાત ગૌરવ દિવસ” .

“બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલીફોર્નીયા આયોજિત ભાતીગળ ભપકાદાર કાર્યક્રમ “ગુજરાતની ધરોહાર”માં સંગીત નૃત્ય અને ભવાઈ ને પરદેશમાં જીવંત કરી એક આગવી છાપ ઉભી કરાઈ.સ્થાનિક લેખક સ્થાનિક નૃત્ય કલાકારો એ અને સ્થાનિક કલાકારોએ જ સંગીત કમ્પોઝ કરી કલાની વિરાસતને આવતી પેઢીમાં સોંપતા ગુજરાતની સંસ્કૃતિને અમેરિકામાં જીવંત કરી. “

તસ્વીરમાં મહેમાન Raj Salwan, Councilmember,Mr. K. Venkata Ramana Consul (Community Affairs, ccasf[at]cgisf[dot]org Information & Culture) હાજરી આપી ઉત્સવનો ઉત્સાહ વધાર્યો .

                           “ગુજરાતની ધરોહર” એક જાજરમાન ભાતીગળ ભપકાદાર કાર્યક્રમ.  

ગુજરાત રાજ્ય સ્થાપના દિવસની ઉજવણી વિશ્વભરમાં ઉજવવામાં આવે છે ત્યારે કેલિફોર્નિયામાં પણ 14મી મે 2017ની ખુશનુમા સવારે મિલપિટાસ આઈ.સી સી ના હોલમાં મોટી સંખ્યામાં ગુજરાતપ્રેમીઓ સજીધજીને ગુજરાત દિનની ઉજવણીમાં ભાગ લેવા આવ્યા.”બેઠક”ના આયોજન પાછળ આ ઉત્સવનો હેતુ નવી અને જૂની પેઢીને મજબૂત બનાવવાનો અને દરેક સંસ્થાને એક છત્ર નીચે ભેગા કરી આપણી ગુજરાતની અસ્મિતાને જાળવી આપણી ધરોહર નવી પેઢીને સોંપવાનો સહિયારો પ્રયત્ન હતો.

અમેરિકામાં આ દિવસ મધર્સ ડે તરીકે ઉજવાયો ત્યારે બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા આયોજિત “ગુજરાતની ધરોહર’સમાંરભમાં સૌ ગુજરાતીએ માની સાથે માતૃભૂમિ અને માતૃભાષાને પણ વંદન કરી પોતાનું ઋણ ચુકવ્યું.                                                                                                 

હોલની બહાર ચાના રસિયા ગુજરાતી કેમ છો ?ના હર્ષ ભર્યા ઉદગાર સાથે હાથમાં ગરમ ચાના પ્યાલાની ચૂસકી લેતા હતા તો હોલની અંદર સાંસ્કૃતિક અવસરનો આનંદ અને મહેક પ્રસરી ગઈ હતી ત્યારે સહજે કહેવાનું મન થાય “ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત” પરદેશમાં  મુલકની સોડમ લઈ ફરીએ ત્યારે એક આગવો ગુજરાતી મૂડ હોય છે..હદયના છલકતા  ઊર્મિહિલો​ળાથી ​સંચાલકો અને કલાકરોએ સાચા અર્થમાં બે એરિયાના માનવંતા સર્જક કવિયત્રી,ભવાઇના લેખિકા આદરણીય સ્વ.મેઘલતાબેનના ગીતોને,ભવાઈને  સ્ટેજ પર  જીવંત કર્યા.ત્રણ પેઢીનું સંયોજન,સાથે સંગીત નૃત્ય અને નાટકની સ્ટેજ પર રજૂઆત થઇ ત્યારે એ ઘટના એટલી વિરલ અને ​હૃદયસ્પર્શી હતી કે ભયો ભયો થઈ જવાયું!

કાર્યક્રમના આયોજક અને સંચાલક પ્રજ્ઞાબેન દાદભાવાળાએ​ ગુજરાતી સુંદર સાડીમાં માઈક્ને સંભાળ્યું. દરેક માતાને વંદન કરીને ખૂલ્લાદિલે હસીને સૌનુ સ્વાગત કર્યું અને પ્રેક્ષકોમાં ઉલ્લાસ પ્રસરી ગયો.સ્ટેજનું ગુજરાતીના કલાવારસાને અનુરૂપ નયનરમ્ય સુશોભન લોકોને આકર્ષી ગયું .

માધ્વીબેન ​અને ​અસીમભાઇની પ્રાર્થનાથી સુંદર શરૂઆત થઇ ત્યારબાદ મેઘલતાબહેનના ‘થપ્પો ‘ ગીતની નિર્દોષ,નટખટ રજૂઆતે લોકોને ભાવવિભોર કર્યા,નાનામોટા બાળકોએ એવું સુંદર ગીત ગાયું કે પ્રેક્ષકોના હાથ પકડી દિલને જીતી લીધું. ગીત કોમ્પોઝીશન માટે ,બાળકોને તૈયાર કરવા માટે અને મનભર રજૂઆત માટે અભિનંદન.માધ્વીબેન,અસીમભાઇ,આણલબેન,જાગૃતિબેનની અથાગ મહેનતને બાળકોએ સાર્થક કરી હતી. તેમનો ઉત્સાહ અને હરખ જોઈ સૌના હૈયામાં ધરપત થઈ કે પરદેશમાં અગ્રજી વાતાવરણમાં પણ નવી પેઢી વારસાને જાળવવા તૈયાર છે.

​​

ગુજરાત એક  અનોખી  જન્મભૂમી છે અને આપણે સહુ સાથે મળી પરદેશમાં ગૌરવદિન ઉજવીને ધન્યતા અનુભવીએ છીએ ત્યારે સમાજના ગૌરવ​વંતા ગુજરાતીનું માન સન્માન કરવું જરૂરી છે.બે એરિયા ​ગુજરાતી સમાજ દર વર્ષે બે એરિયામાં ગુજરાતી કોમ્યુનિટી માટે મદદ કરતા સેવાભાવી કાર્યકરો કે દાતાઓ કે જેમણે આપણા ગુજરાતી વારસાને જીવંત રાખવા તેમજ સમાજમાં વિશેષ ફાળો આપી ગુજરાતીઓને પ્રોત્સાહન આપ્યું છે તેમને સન્માનપત્ર આપી નવાજે છે.આપણે સૌ એવા સમાજ અને વાતાવરણમાં જીવીએ છીએ જયાં સૌને રોજ કંઇક નવું શીખતા અને નવું કરતા રહેવાનું મન થાય,ત્યારે લોકોને તન,મન,ધનથી પ્રેરણા આપી પ્રગતિ તરફ લઇ નિમત્ત બનવું એ ખરેખર પ્રશંસનીય છે.અંગત અને વ્યક્તિગત નામના કમાવવા માટે લોકો રાત દિવસ એક કરી દેતા હોય છે, જયારે સમાજ પાસેથી જે કઈ મેળવ્યું તેને ચારગણું પાછુ વાળી આપવાની ભાવના રાખતા, આપણા ગૌરવંતા ગુજરાતી શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી મહેશભાઈ પટેલ અને ચિ.મનીષાબેન પંડ્યાને તેમના યોગદાન માટે  સમગ્ર ગુજરાતીઓ નવાજ્યા.આ ત્રણેય સમાજ સેવકોને બધાજ ગુજરાતી ભાઈ બ્હેનો તરફથી સલામ અને અભિનંદન.કલ્પનારઘુ અને રાજેશભાઈ શાહ નું વક્તવ્ય અને મહેમાનોની ઓળખવિધિ સુંદર છાપ મૂકી ગઈ.

૨૭ કલાકારાના સમૂહગીતોની સંગીતમય રજૂઆતમાં દિવાળીના ગીતે વગર દિવાળીએ દીવડા પ્રગટાવ્યા તો હોરીનું ગીત ‘રાધા સંગ ખેલે હોરી ‘ કલાકારોએ મન મૂકીને ગાયું,તેમના ગીતમાં સૌને કલ્પનામાં રંગબેરંગીન હોરી રમાતી દેખાતી હતી .જ્યાં જ્યાં ગુજરાતીઓ મળે ત્યાં રંગો ઉછળે અને આનંદ સાથે ધૂળેટી વર્તાય, આ  વાત ગીતો સંભાળતા સૌએ અનુભવી  તો અનિલ ચાવડાનું  સૌને આકર્ષી લેતું ગીત ‘મન્દમન્દ આ મહેક ઊઠી છે ચાલો રસભર થઈએ’ ગવાયું અને સૌ રસતરબોળ થયાં.વતનની મહેક જાણે વાતાવરણમાં છવાઈ ગઈ અને  પ્રેક્ષકોએ તેમના ગુંજામા નહી દિલમાં મહેક ભરી પરદેશમાં વતનની ખુશ્બુ ને માણી.કાગળ પર લખાયેલા ગીતને સૂર સદેહે મળ્યો ત્યારે પ્રેક્ષકો મન્ત્રમુગ્ધ થયા.સપ્તકવૃંદે સામુહિક રીતે મધુર ગીતને લયબદ્ધ આરોહ અવરોહમાં રજૂઆત કરી સુરોનું મેઘધનુષ્ય રચ્યું.બે એરિયાના મધુર કંઠી ગાયકો ગુજરાતના ઉત્તમ ગાયકોની પડખે ઊભા રહી શકે તેવાં ખમતીધર છે. માધ્વીબેન અને અસિમભાઈનું કમ્પોઝીશન અને સૂઝ આખા કાર્યક્રમને સંગીતમય કરવામાં મૂલ્યવાન બની દીપી ઉઠયું.બધા જ ગાયકો મુગટના અમૂલ્ય રત્નો સમાન છે.

હીના અને રીના દેસાઈની મા દીકરીની જોડીએ અન્ય કલાકારો સાથે નૃત્યની રજૂઆત કરી એક અનોખી ચેતના ઉપસાવી ગુજરાતી સંસ્કૃતિને અમેરિકામાં નૃત્ય થકી સાચવવાના અને આવતી પેઢીમાં ગુજરાતી કળાને રોપવાના હેતુ સાથે ગુજરાતી રાસ ગરબા અને નૃત્ય શીખવાડવાની એક શરૂઆત હીનાબેને કરી હતી ત્યાર બાદ રીનાબેને આ ધરોહરને વિરાસતમાં લઇ ગુજરાતી કલાને વિકસાવી.તેમના નૃત્યની રજૂઆતે લોકોને તાળીઓ પાડવા મજબૂર કર્યા.

 

વતન છોડીને આવ્યા પછી ગુજરાતી નાટકો ઘણી વાર જોયાં પણ ‘ભવાઈ ‘ વાહ! ભૂલાયેલી યાદ આજે તાજી  થઇ ગઈ.ભવાઈમાં સંગીત ,નૃત્ય,નાટક એમ સર્વ લલિતકલાઓનું મિલન સર્જાતું હોય છે.વ્યંગ અને હાસ્ય સાથે રંગલો રગલીએ તે પીરસ્યા.ગુજરાતી લિટરરી ગ્રૂપ “બેઠક” દ્વારા તૈયાર થયેલ સ્વ.મેઘલતાબેન રચિત આ ભવાઈમાં સાંપ્રત ભાષા સમસ્યાને કેન્દ્રમાં રાખી વેશ ભજવાયો. ભવાઇનું પોત ગદ્ય, પદ્ય, વિવિધ સ્થાનિક વાદ્યો, ગેયતા, નૃત્યો અને અભિનય કળાથી શોભે છે. ‘સરગમ ગ્રુપે’ સંગીત આપી ભવાઈને દીપાવી, પલક, આશિષ વ્યાસ સાથે નાનકડા શિવમેં પોતાની કલા થકી ભવાઈ જીવંત કરી, દુંદાળા ગણેશના પાત્રમાં ખુશી વ્યાસે ચહેરો ઢાંકી ને ભવાઈ ની શુભ શરૂઆત કરી ભવાઈની પ્રણાલિકાને રજૂ કરી.નરેન્દ્રભાઈ શાહે ભવાઈ વિષેની પ્રારંભિક ઓળખ આપી ભૂંગળ સાથે માહોલ સર્જ્યું અને ભવાઈ વિષે બોલતા કહ્યું સામાન્ય રીતે લોકભવાઈના વેશ  ભજવાય ત્યારે રામાયણ ,મહાભારતના પ્રંસગો વધુ ભજવાતા.સીતાનું પાત્ર પણ પુરુષ જ ભજવે.અહી આજે આ ભવાઈમાં બધા જ સ્ત્રી-પુરુષ  પાત્રોએ પોતાની ભૂમિકા સરસ ભજવી  રંગ રાખ્યો છે.તાળીઓ પાડવાની જવાબદારી પ્રેક્ષકોને સોંપી,દિગ્દર્શક પ્રજ્ઞા દાદભાવાળાએ રંગલીનો વેશ ભજવી તબલાના તાલે સૌને તા થૈયા થૈયા..તા થઇ  કરતા કર્યા .. રંગલો નરેન્દ્ર શાહ, સુત્રધાર ખ્યાતી બ્રમ્ભટ્ટ સાથે વિદુષકના ઠેકડાએ ભવાઈને જીવંત કરી.’ભાષા ખોવાણી’ ના વેશમાં ખાટલા નીચે પાણી અને અંગ્રેજી શબ્દ વોટર વોટર બોલતા દીકરાનો પ્રાણ પાણી વગર જાય એવો  ઊંડો ઘા કરતો કટાક્ષ રજૂ કરાયો.કલ્પનારઘુ કકુંબાના પાત્રમાં અનોખા રહ્યા, સંગીત અને નૃત્યથી સ્થાનિક કલાકારોએ ભવાઈને ઊચ્ચ પ્રકારના નાટક જેવા અભિનયથી રજૂ કરી પ્રેક્ષકોના દિલ જીત્યા.નરેન્દ્રભાઈ વ્યાસે એ ભાતીગળ ભવાઈની યાદ અપાવી તો દીપાની પ્રેક્ષકમાંથી એન્ટ્રી અનોખી રહી.લેખિકા મેઘલતાબેને સ્વરચિત ભવાઈને ભાવપૂર્ણ રીતે ભજવાતી જોઈ હોત તો રાજીના રેડ થયા હોત ! ભારતથી  દસ હજાર માઈલના અંતરે અમેરિકામાં ગુજરાતનું વિસરાતું લોકભોગ્ય ભવાઇનું સ્વરૂપ પુનર્જીવિત થાય એ રોમાંચકારી ઘટના માટે સ્થાનિક કલાકારો ,સંગીતકાર, વેશભૂષા, સ્ટેજ મેનેજર ઝંખના અને બેકસ્ટેજમાં રઘુભાઈ શાહ ,સત્યન અને નૈમેષ ની સેવા સાથે મેકઅપ માટે દિવ્યા શાહને  અઢળક અભિનંદન.આવનાર ગુજરાત ગૌરવ દિનના પ્રંસગોએ આવી ગુજરાતની અનેક કલાના પ્રયોગોની રાહ જોવાશે.

આ કાર્યક્ર્મની ખૂબી એ હતી કે સામુહિક ગીત,સંગીત નૃત્ય અને ભવાઈમાં અભિનયનો ઉત્સવ હતો.ઉત્સવપ્રિય ગુજરાતી પ્રજા સમૂહમાં ગરબા કરે, હોળી-ધૂળેટી રમે,ભજનમંડળીમાં કિરતાર વગાડે અને ભવાઇના વેશ પણ કરે.એવું જ લોકપ્રિય વાતાવરણ ગુજરાત દિવસની ઉજવણીનું હતું.બે એરિયાના નાના મોટા સર્વ કલાકરોને સ્ટેજ પર પોતાની કલા રજૂ કરવાની તક મળી.એક સાથે ૬૦થી  વધારે કલાકારોએ પોતાના ગુજરાતની ધરોહર સમી કલા પ્રસ્તુત કરી.માવડી મેઘલતાબેનનાં દીકરી માધવીબેનના કુટુંબે માતૃઋણ સાથે  ગુજરાતી વારસાને નવી પેઢીને આપવાનું પ્રસંસનીય કલાત્મક પગલું ભર્યું . રંગબેરંગી વેશભૂષા, મધુર સુરીલા ગીતોની રમઝટ અને ગુજરાતી લહક અને લચક આંખ્યે દેખવાનો જે ઉત્સવ માણ્યો તે એક લ્હાવો હતો. આપણા વારસાની પરંપરાને મજબૂત કરવા એકત્ર થયેલી સર્વ ગુજરાતી સંસ્થાઓએ સ્વેછાએ તન,મન ધનથી ગુજરાત ગૌરવની ઉજવણીમાં ભાગ લીધો સૌએ સાથે મળી કાર્ય કર્યું અને પ્રજ્ઞાબેને બધાને સાંકળી લઇ એક છત્ર નીચે કામ કરી એકતા પુરવાર કરી ત્યારે ગુજરાતપ્રેમીઓનું માથું ગર્વથી ઊંચું થાય તે સ્વાભાવિક છે.

દર વર્ષની જેમ ગુજરાત ગૌરવ દિવસની સ્મરણિકા પ્રસિદ્ધ થઇ, સ્મરણિકામાં દરેક કલાકારોનો પરિચય આપી ઉજળા કર્યા તો આજના દિવસનો વિષય “ગુજરાતની ધરોહર” અને ‘ભવાઈ’,સાથે ગીતોનો સુંદર ભાવાર્થ તરુલતાબેન,રાજુલબેન, પી.કે.દાવડા સાહેબ,કલ્પનારઘુ, સી.બી.પટેલ અને જયશ્રીબેન મર્ચન્ટ એ સ્મરણિકામાં રજૂ કર્યા અને આમ સંગીત, નૃત્ય, નાટક સાથે સાહિત્ય પણ લોકોએ માણ્યું.દરેક કલાકારોને સ્મૃતિ ચિન્હો એવોર્ડ તરીકે આપી નવાજ્યા.અને તેમના યોગદાનની પણ કદર સમાજે કરી.નિશુલ્ક પ્રોગ્રામ સાથે રમાબેન પંડ્યા નું સ્પોન્સર કરેલ ભોજન પિરસી,માણ્યું તો આ રીતે “બેઠક”નું આયોજન સુંદર રહ્યું આટલા કલાકારો આટલી સંસ્થા ને બે એરિયા ગુજરાતી સમાજ સૌને  ભેગા કરે છે, તે માટે સૌએ સુરેશભાઈ પટેલ સાથે પ્રજ્ઞા દાદભાવાળાના નેતૃત્વને બિરદાવવું રહ્યું.

૪00થી વધુ લોકોની હાજરી,સ્વયંસેવકોની સેવા,આટલી બધી લલિતકળાઓનો સંગમ, દરેક પેઢીનું યોગદાન, ભાવભરી સાંસ્કૃતિક કલામય રજુઆત “ગુજરાત ની ધરોહર”ના મંચ પર પ્રગટ થઇ,પરદેશમાં આપણી અસ્મિતાને જીવંત કરતા દરેક ગુજરાતીઓને ભારતનું અને ગુજરાતનું ગૌરવ વધારનાર આપ સૌને લાખ લાખ શુભેચ્છા છે.

સૌ ગુજરાતીઓ  

ધન્ય હો ! ધન્ય જ પુણ્ય પ્રદેશ !

અમારો ગુણીયલ ગુર્જર દેશ ! (ન્હાનાલાલ )

તરુલતા મહેતા 15મી મે 2017

 


Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in અહેવાલ and tagged , . Bookmark the permalink.

3 Responses to “બેઠક”ના આયોજન હેઠળ ગુજરાત ગૌરવ દિવસ સંગીત નૃત્ય અને ભવાઈ જેવા વૈવિધ્યયુક્ત કલારૂપોની રજૂઆત કરીને ઉજવાયો.

  1. Kalpana Raghu says:

    તરુલતા બહેન,તમામ માહિતી સમાવી લેતો વિશાળ અને સુંદર અહેવાલ. સૌની મહેનતના રંગથી પ્રસંગ રંગીન રહ્યો! આ ગુજરાતી વારસો યાદગાર બની રહેશે .

    Like

  2. Geeta Bhatt says:

    Yes! Programs waswonderful indeed ! Inspite of all 60+ participants it went flawless . There was minimum delayed and quality of entire programs was good . I came from LA to attained and was worth spending my time.. My personal congratulations to Madhvi and her family ; what a wonderful way to give tribute to the Meghlataben on Mother’s Day ! Pragnaben ‘s enthusiasm and team work of all the Bay Area volunteers is admirable . The young kids prayer, dances and songs all were of good – excellent quality. There is a small suggestion for Bhavai : the theam: Kathavastu- was a little weak and there is a room for improvement . But I know, you are all not professional , so quddos – congratulations – to all of you ! Nice coverage , Tarulataben! Once again , congratulations for a wonderful program!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s