આભાર અહેસાસ કે ભાર (૪) પ્રવિણાબેન કડકિયા

આભારનો અહેસાસ

આભારનો ભાર વહન કરવો એ કાચાપોચાનું કામ નથી.  આ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો તે કાજે સર્જનહારનો આભાર માનવું ભૂલશો નહી. અરે જેણે જન્મ આપતાંની સાથે માધુર્યની મૂર્તિ સમાન માતા આપી. પાર વગરનો પ્રેમ દર્શાવનાર પિતા આપ્યા. જો એ સર્જનહારનો આભાર ન માનીએ તો કોનો માનીશું ? તેના પ્રત્યે આદર, પ્યાર અને અહોભાવ સદા આપણા વાણી અને વર્તન દ્વારા પ્રદર્શિત થાય. છતાં પણ એ આભારનો ભાર કદી ન લાગે ! એ તો એની કમાલ છે. તેનો અહેસાસ આપણને ૨૪ કલાક રહે.

જીવનમાં ડગલેને પગલે આપણને અન્યની સહાય વણમાગ્યે મળતી હોય છે. દાદા, દાદી, નાના, નાની બીજાં અનેક કુટુંબી જનોએ પ્યાર આપવામાં કચાશ કરી નથી. ઉમર વધતાં મિત્રો અને લગ્ન પછી પોતાનો પરિવાર. સર્વ સ્થળે, સંજોગો અનુસાર મેળવેલી સહાય , દરેક ઠેકાણે આભાર માનવાનું સહજ બને છે. જીવનને જીવવા જેવું બનાવે છે. જો આ જીવન દરમ્યાન આ બધું સરળતા પૂર્વક યા મહેનત કરીને પામ્યા હોઈશું તો કોઈ વ્યક્તિને આપણે આભારના ભાર નીચે કચડીશું નહી.

જેમ આપણે પામ્યા તેમ અન્યને આપણે કશું પણ વાળી શકીએ તો તેના જેવો કોઈ ઉત્તમ અવસર નહી. અરે પેલો પવન, આપણને તેના દ્વારા સ્પર્શી રોમ રોમને રોમાંચિત કરી મૂકે છે. કોઈ પણ જાતના વળતરની આશ વિના. ઉગતો સૂરજ અને ઢળતી સંધ્યાની લાલિમા કેવું મનોહર દૃશ્ય સર્જી આનંદ આપે છે. વનવગડામાં લહેરાતી વનરાજી અને બગિચાના પુષ્પોની સુગંધ તરબતર કરી મૂકે છે. તે બધું નિરખવા મન, ચક્ષુ અને ઈંદ્રિયોને બેલગામ કરી દેવી. આ બધા આટલું આપે પછી આપણે તેમનો આભાર ન માનીએ એવા નગુણા તો નથી.

આભારનો અહેસાસ જતાવવાના અનગણિત માર્ગ છે.  એ આભાર , ભારથી લાદી મૂકે એવો ન હોવો જોઈએ.  જાણે અથવા અજાણ્યે એ ભૂલ ન થાય તેને કાજે સજાગ રહેવું. ઘણી વખત કોઈની જરૂરિયાત ટાણે જો તેને ખપમાં આવ્યા હોઈએ તો સામેવાળી વ્યક્તિને આભારની લાગણી ન થાય તેની સતત કાળજી કરવી. આ તો આપણી ફરજ અથવા અનુકૂળતા છે માટે, એવા  ભાવ સાથે વિરમવું. કુદરત આપણને છુટ્ટા હાથે લહાણી કરી કદી ઉપકાર જતાવતી નથી. આ તો “તેરા તુજકો અર્પણ” જેવી રમત છે. આભાર વ્યક્ત ખુલ્લા દિલે અને મને કરવો.

કેવી અદભૂત વાત છે, વૄક્ષ ક્યારેય પોતાનાં ફળ ચાખતાં પણ નથી. ્ગુલાબ અને મોગરો ઢોલ બજાવીને કહેતાં નથી અમારી સુગંધ ને માણો. પવનની એક હળવી લહેરખી તેમનું કાર્ય આસાન કરી મૂકે છે. ખળખળ વહેતી નદી જોઈ છે કદી પાણી પીતી ? હા, વટેમાર્ગુ પીએ ત્યારે તેના મુખ પર ફરી વળતી ‘હાશ’ જોઈ વધારે વેગથી વહે છે. આ જીભ જે આપણા મુખની ગોખલીમાં સંતાઈને રહે છે. લસબસતાં ઘીનો શીરો ખાય તો પણ ચીકણી નથી થતી. કડવા કારેલાનું શાક ખાય તો પણ  મીઠું બોલે છે.  કુદરતની કારિગરી હમેશા મૌન રહીને મનુષ્ય જાત પર પોતાનો સ્નેહ વરસાવે છે. ત્યારે આપણો ધર્મ બને છે તેમની ઈજ્જત કરી, તેમના અસ્તિત્વને હાની ન પહોંચે તે જોવાની. આભાર પ્રદર્શનનો આ એક  નમ્ર પ્રયાસ છે.

ગયા વર્ષે  જ્યારે મારા મામા બિમાર પડ્યા ત્યારે અંતકાળે હું તેમની સાથે હતી.  બાળપણથી આજ સુધી પૂ. મામાનો અવિરત સ્નેહ પામી હતી. બે ‘મા’ ભેગી થાય ત્યારે મામા બને છે.  ભારત જવાની તક સાંપડે ત્યારે અવશ્ય પૂ. મામાના અશિર્વાદ લેવા જતી. તેમના મુખ પર છલકતાં આનંદની રેખા આજે પણ દિલને સ્પર્શી જાય છે. ઈતિહાસ અને પુરાણ કાયમ શકુની અને કંસ મામાને દૃષ્ટાંત  આપે છે. એ બધી પુરાણની વાતો છે. હકિકતમાં ‘મામા’નું સ્થાન અતિ ગૌરવવાળું છે. મામા ક્યારેય કોઈને સહાય કરતાં તો પોતાનું નામ ન આપતાં. જેને કારણે સામે વાળી વ્યક્તિને સંકોચ થાય. જ્યારે પણ કુટુંબમાં કોઈ સંકટમાં હોય અને તેમને ખબર પડે તો આમંત્રણની રાહ જોયા વગર તેમને સહાય કરવા પહોંચી જાય. બાળ માનસ પર એ છાપ ખૂબ સુંદર રીતે અંકાઈ હતી. પ્રેમ આપવામાં પણ મામાએ ક્યારેય કરકસર કરી ન હતી. જીવનમાં શિસ્ત અને સભ્યતાના તેઓ પૂજારી હતાં. માત્ર ‘બેવકૂફ’ શબ્દ જો કોઈને માટે ઉચ્ચારે તો સમજી લેવું ‘મામા’ આજે ખરેખર નારાજ છે .

જનમ ટાણે વણમાગ્યે કેટલું પામ્યા જરા નિરાંતના સમયે વિચારી જો જો. તેની યાદી ખૂબ મોટી છે. તેને દીપાવવા જ્ઞાની જીવનની જરૂરિયાત છે. ફરી ફરી કહીશ ‘જે આભારનો ભાર ખભે ઉંચકી જીંદગી ગુજારવાની હોય તો, તેવા સંજોગોને કોઈ પણ મૂલ્યે જીવનમાંથી દૂર કરજો’! “આભારનો વેપાર’ એ ખૂબ છેલ્લી પાટલીનું કાર્ય છે. એ જ આભારનો ભાર તમારી નિંદર ઉડાવે તો તે વ્યાપાર છે. જેમાં નફો, નુકશાન અને સરવૈયુ નિકળે છે.

પરોપકાર કરી મન પર અભિમાન ન આણે તેને વૈષ્ણવ કહેવાય. બાકી,’મેં માર્યા ને મેં પોકાર્યા’ જેવી વાત છે.  ભાર વહન કરતો મજૂર જોયો છે? જ્યારે તેને મજૂરી પ્રાપ્ત થાય ત્યારે તેના મુખની ચમક ઔર હોય છે. બને તો તેના કામની કદર રૂપે ઠેરવ્યા કરતાં વધુ પૈસા આપશે તો. હસીને વિદાય થશે. તેને કાર્ય કર્યાનું ગૌરવ પ્રાપ્ત થશે. બાકી ઉંઘતો હોય ને તેના પર ૧૦૦ રૂ.ની નોટ ફેંકી તેનું સ્વમાન હણી ઉપકાર ન કરશો ! આ પૈસાનો તેને ભાર લાગશે !

ખૂબ સામાન્ય વાત છે. ઊંડો વિચાર માગી લે તેવી જણાય છે. ભાર સહન કરવામાં ઉપાડવામાં માનવીનું ગૌરવ છે. આભારનો અહેસાસ પામવામાં માનવીની માનવિયતા છે. આભારના ભાર તળે કચરાવામાં નરી અસહાયતા છે.

આ જીવન ધાર્યા કરતાં અનેકગણું સુંદર અને મહત્વનું છે. જીવનમાં સાચી ડગર હોય તો પણ સંભાળીને ડગ મૂકવો. ક્યાં, કયારે પગ અટવાઈ જશે ખબર નથી. તે જ પ્રમાણ્ર જો સાચો રાહ ન સાંપડે તો ગભરાવું નહી, ઉભા રહો, ધીરજ ખમો અને ઉંડો શ્વાસ લો આગળનું દૃશ્ય ધુંધળું હશે તો સ્પષ્ટતા વિચારોમાં તરવરી ઉઠશે. આભાર અને અહેસાસ એ સિક્કાની બે બાજુ જેવા છે. આભાર નો અહેસાસ અને અહેસાસ દ્વારા આભારની અભિવ્યક્તિ   બન્ને હાથમાં હાથ મિલાવીને ચાલે છે. જીવનની મંઝિલ તય કરવામાં સહાયતા કરે છે.

પ્રવિણાબેન કડકિયા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s