આભાર અહેસાસ કે ભાર? (2) રશ્મિ જાગીરદાર

આભાર અને આપણી સંસ્કૃતિ

કેટલાક શબ્દો એવા હોય છે, જેમનો ઉપયોગ આપણે  દીવસ  દરમ્યાન વારંવાર કરતાં હોઈએ છીએ. આભાર પણ તેમાનો જ એક શબ્દ છે. વારંવાર વપરાતા શબ્દો કેટલીક વાર તો પૂરું સમજ્યા વિના વપરાતા હોય છે. આપણા દેશમાં અને આપણી સંસ્કુતીમાં વારે વારે આભાર પ્રગટ કરવાની પ્રણાલી નથી. આજની ઉગતી પેઢી અને ઈંગ્લીશ મીડીયમમાં ભણતાં  સંતાનોના વાયે ચઢેલા વાલીઓ કદાચ મારી વાત નહિ માની શકે.છતાં કેટલાક ઉદાહરણો જોઈએ.

આપણે ગાડી લઈને ડાંગ જીલ્લાના આદિવાસીની વસ્તીવાળા ભાગમાં જતાં હોઈએ અને ક્યાંક ભૂલા પડીએ –કોઈને રસ્તો પૂછીએ તો એ આદિવાસી આપણી ગાડીમાં બેસીને છેક આપણે જ્યાં જવું હોય ત્યાં લઇ જશે. તમે તેને “થેંક યુ”  જરૂર  કહેશો અને કદાચ ૧૦-૨૦ ની નોટ પકડાવશો. પછી તમે રાહ જોઇને અડધો કલાક ઉભા રહેશો તો પણ તે તમને થેંક યુ નહિ કહે!
હજી, તમે તમારા વતનનાં નાનકડાં ગામ સાથે નાતો તોડ્યો નહિ હોય અને પરદેશથી તેમને માટે ચોકલેટ્સ, નેઈલ પોલીશ, બોડીવોશ કે એવું કંઈ લાવ્યા હો, તો તેઓ ખુબ પ્રેમપૂર્વક તે વસ્તુઓ સ્વીકારશે, તમે તેમની આંખોમાં અને વર્તનમાં રહી રહીને પ્રગટતી  આભારવશતા જોઈ શકશો પણ “થેંક યુ” સાંભળવાની તમારી તમન્ના ક્યારેય પૂરી નહિ થાય.
આજથી ત્રીસેક  વર્ષો પહેલાં બાળકો જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણતાં ત્યારે, ઘરના સભ્યો એકબીજાનાં કાર્યો અચૂક કરતાં પણ દરેક વખત થેંક્યું નહોતા કહેતા. વાત વાતમાં “થેંક યુ મોમ”, “થેન્ક્સ ડેડ” કહેતી આજની પેઢીને  કદાચ તે અસભ્યતા લાગે પણ મારી દ્રષ્ટીએ હું તેને “પોતાપણું” માનું છું. મારું કામ હું કરું કે તું બધું એકજ છે ને? આવી ઉમદા ભાવના જ તેમાં હોઈ શકે, અસભ્યતા તો હરગીઝ નહિ! તમારા ૮૦-૯૦ વર્ષના નાની કે દાદી તમને કોઈ કામ બદલ થેંક યુ ના કહે તો શું તમે તેમને અસભ્ય ગણશો?   આમ શબ્દોમાં અભાર ન  માનીને પણ અઢળક આભારવશતા તમારા દિલ સુધી પહોચાડવાની કળા — એ આપણી સંસ્કૃતિ છે.  આભાર ને “ભાર” ના સમજવાની ઉમદા લાગણી છે.
આ તો માત્ર જાણકારી છે બાકી હું પોતે દિવસમાં સૌથી વધુવાર કોઈ શબ્દ  બોલતી હોઉં તો તે “થેંક્યુ” જ છે! મેં પહેલાં કહ્યું તેમ, રોજ બોલાતા શબ્દો પણ આપણે  કદાચ પૂર્ણ પણે સમજતા નથી. એ વાત સમજવા એક બીજા બનાવની વાત કરીએ. લંડનમાં પ્રમુખ સ્વામીની પ્રેરણાથી સ્વામીનારાયણનું અદ્ભુત-વિશાળ મંદિર બંધાઈ ગયું  હતું.મંદિરમાં સમય સમયે પાંચ આરતી થતી.ભજન કીર્તન થતાં તે અલગ. હવે મંદિરથી આકર્ષાઈને કેટલાક અંગ્રેજો પ્રમુખ સ્વામીને મળવા આવ્યા. માત્ર રવિવારે ચર્ચમાં જનારા એ ભાઈઓએ પૂછ્યું કે, “આટલો સમય તમે બધા મંદિરમાં શું કરો ” અને કેમ કરો?”
પ્રમુખ સ્વામીએ જવાબ આપ્યો,” કોઈ તમારું એક નાનું કામ કરે તો પણ તમે -થેંક્યુ- કહો છો ને? તો પછી ભગવાને આપણે  માટે જન્મ આપવાથી માંડીને અસંખ્ય કાર્યો કર્યા છે તો,  તેમને થેંક્યુ  પણ થોડું વધારે કહેવું પડે ને?” સ્વામીશ્રીની આવી સચોટ અને નિખાલસ વાતોથી આકર્ષાઈને કેટલાય પરદેશીઓ સત્સંગી બન્યા છે. આમ “આભાર”ને ખરા અર્થમાં સમજવું  અને સમજાવવું એ દરેક માટે સરળ- “કપ ઓફ કોફી” નથી.
આપણે ભાર વગરના ભણતરની વાતો કરીએ છીએ , તે રીતે ભાર વગરનો આભાર એ આપણી સંસ્કૃતિ છે.  આપણા સંસ્કાર છે, એક આગવો અહેસાસ છે, જે માત્ર અનુભવી શકાય. તેને વર્ણવવા શબ્દો કદાચ વામણા બની રહે!
સમજવાની વાત છે, ના સમજે તો તું જાણે,
અનુભવવાની વાત, ના સમજે તો તું જાણે.
એક મનમાં ઉગે, પણ આથમે બીજા મને,
ઓગળવાની વાત છે, ના સમજે તો તું જાણે.
ઉપકારનો ભાર એ અસહ્ય છો લાગે તને,
ભાર નહિ અહેસાસ, ના સમજે તો તું જાણે.
માતા, પિતા  કે જગદાધારનો   આભાર,
શક્તિ બહારની વાત,ના સમજે તો તું જાણે.
આ બધી વાતો તો આપણા દેશની, આપણા સંસ્કારની, આપણી સંસ્કૃતિની. બાકી તમે પ્લેનમાં મુસાફરી કરતાં હો,અને સાંકડી જગ્યાને કારણે તમારો હાથ કે સમાન કોઈને અડી પણ જાય, તો તરત સોરી બોલી દેવાનું, નહિ તો સામેવાળો પરદેશી તમે અનપઢ -ગમાર છો, એમ માનીને  બને તેટલો વધારે તિરસ્કાર તમારી પર નીચોવી મારશે! અને જેવું તમે સોરી કહી દો, “ઇટ્સ ઓકે” કહીને સ્માઈલ આપશે.આમ જોઈએ તો સોરી અને થેંક્યુ એ બંને શબ્દો મને તો એક સિક્કાની બે બાજુ જેવા લાગે.જો તમારા  માટે કોઈ નાનું એવું કામ પણ કરે તો તમારે તેને થેંક્યુ કહેવાનું,પણ જો તમારા થકી કોઈને સહેજ પણ તકલીફ પડે તો તમારે સોરી કહેવાનું.
“આભાર” શબ્દ તમારા પર કોઈએ કરેલા ઉપકારનો ભાર હળવો કરવા સક્ષમ છે.તો “સોરી” તમારા થકી કોઈને થયેલી તકલીફનો ભાર હળવો કરવા સક્ષમ છે. આ બે નાનકડા શબ્દોએ આપણું જીવન સરળ બનાવી આપ્યું છે.બંનેનું ભૌતિક સ્વરૂપ ભલે નાનું હોય પણ તેમાં સમાયેલી ઉચ્ચ ભાવના, ઊંડી લાગણી અને તેનો અહેસાસ મોંઘામુલનાં  છે.આભાર શબ્દ બોલવો અને મનથી આભાર માનવો,એ બેની વચ્ચે સુક્ષ્મ ભેદ છે, પણ બંનેની અસર સાવ  જુદી છે. બંને વચ્ચેનો તફાવત પણ ઘણો મોટો છે. સાંપ્રત સમયની બલિહારી દર્શાવતું એક ઉદાહરણ મને અહીં યાદ આવે છે.
માતા-પિતા આપણને જન્મ આપે , ઉછેરે, ભણાવી ગણાવી તૈયાર કરે અને સરસ રીતે સેટ થવામાં પણ મદદ કરે. માત્ર આટલું કરે,  તો પણ આપણે  તેમનો આભાર માનવો પડે. પછી ભલે મોટા બંગલા-ગાડી કે બેંક બેલેન્સ ના આપે. ખરું કે નહિ? હું એક એવા ફેમિલીને મળી છું જેમાં માબાપ પાસે ૪ ઓફીસ, બે ફ્લેટ અને ઘરેણાં છે. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર. મિલકતમાંથી માત્ર એક ઓફીસ પુત્રીને આપવાનો વિચાર પુત્રને જણાવ્યો તે પળથી માબાપ તેના માટે દુશ્મન બન્યાં.બાકીની બધી મિલકત પુત્રને જ મળવાની છે છતાં, પુત્રીને આપવાની બાબતે દીકરો વહુ માબાપને ખુબ કનડવા લાગ્યા. બેન્કનું કે બહારનું કોઈ કામ ના કરી આપે, દવા ન  લાવી, આપે સાજે- માંદે  ડોક્ટર પાસે ના લઇ જાય. બોલે પણ નહિ. છેવટે દીકરીને આ બધી વાતની ખબર પડી એટલે તેને માબાપને કહ્યું,” બધું ભાઈભાભીને આપી દો, મારે કઈ નથી જોઈતું.”
દીકરીની આ વાત પર છેવટે માબાપે દીકરીનો આભાર માન્યો. હવે (દાવડા સાહેબનો) કાનો અનેક બહાના બતાવીને ભલે કહે કે મારે નથી અવતરવું, પણ એ બધી અંધાધુંધી દુર કરવા જ કાનાએ અવતરવું પડશે, ખરું કે નહિ મિત્રો? હે કાના તું જો અવતરશે તો અમે બેઠકના સૌ સભ્યો તારો ખુબ ખુબ આભાર માનીશું બસ?પ્લિઝ …
અસ્તુ.
રશ્મિ જાગીરદાર

2 thoughts on “આભાર અહેસાસ કે ભાર? (2) રશ્મિ જાગીરદાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.