ચાલો લહાણ કરીએ – (16)મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ – કલ્પના રઘુ

 

મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ

ગીતાના બીજા અધ્યાયમાં શ્રીકૃષ્ણે કહ્યું છે,

जातस्य हि ध्रुवों मृत्युः। ध्रुवं जन्म म्रुत्यस्य च।

तस्मादपरिहार्येर्थे न त्वं शोचितुमर्हसि॥

“જે જન્મ્યો છે તેનુ મૃત્યુ નિશ્ચિત છે, મરેલાનો જન્મ નક્કી છે, માટે ટાળવાને અશક્ય આ વિષયમાં તુ શોક ન કર. બની ગયેલી ઘટનાને છેકી શકે એવું કોઇ રબ્બર-ઇરેઝર હજુ શોધાયુ નથી. માનવી મૃત્યુ પામે પછી એના ખોળીયામાં પ્રાણ ફૂંકી શકાતો નથી. “સમયના કાંટાને રીવર્સ ગીયર હોતુ નથી”. માનવનાં મૃત્યુ માટે કોઇ કારણ જોઇએ છે. ઇશ્વરને થાય છે તેનું સર્વોત્કૃષ્ટ સર્જન (મરનાર વ્યક્તિ) પૃથ્વીના બદલે સ્વર્ગમાં હોવુ જોઇએ, એટલે તેને બોલાવી લે છે. પછી કારણ ગમે તે હોય! યમરાજાના ભાથામાં શસ્ત્રોની ખોટ નથી હોતી. જીવંત વ્યક્તિ એકાએક અતીત બની જાય છે … કેલેન્ડરનાં ફાટેલાં પાનાની જેમ … આખરે ૬ ફૂટની વ્યક્તિ અસ્થિની રાખ બનીને એક કુંભમાં સમાઇ જાય છે. પરંતુ મરનાર પાછળની વ્યક્તિ માટે, ‘દુઃખનું ઓસડ દહાડા’, ‘તૂટી તેની બુટી નહીં’, મૃત્યુ આગળ કોઇનુંય ચાલતુ નથી’, જેવા આશ્વાસનસભર વાક્યો જેવાં હથિયારમાં મૃતકને ભૂલાવી દેવાની અને જીવતાને ટકાવી રાખવાની કેટલી મોટી ધારદાર શક્તિ છૂપાયેલી હોય છે? ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું છે:

‘नैनं छिन्दन्ती शस्त्राणि नैनं दहति पावकः

न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारूतः॥’

આત્મા કદી મરતો નથી, શસ્ત્રો તેને છેદી નથી શકતાં. અગ્નિ તેને બાળી નથી શકતો … તો પછી મૃત્યુ શેનું છે? શરીરનું મૃત્યુ એટલે … આત્માનું નામ સરનામુ બદલાય એટલે કહેવાતી વ્યક્તિનું મૃત્યુ થયુ તેમ કહેવાય. જેમ સાપ એક કાંચળી ઉતારી બીજી ધારણ કરે છે, તેમ મૃત્યુથી આત્મા એક કહેવાતું વ્યક્તિત્વ, ખોળીયું, શરીર રૂપી ઝભલું જે જૂનુ પુરાણું થયું હોય તે છોડીને નવું ધારણ કરે છે … એક નવા પંથે પ્રયાણ કરે છે. એટલેકે મરેલાનો બીજો જન્મ નિશ્ચિત છે. જૂનું મકાન ત્યજીને નવા મકાનમાં પ્રવેશે છે. જૂનાં કર્મો ફેડીને નવાં કર્મો કરવાં, નવું શરીર ધારણ કરે છે. માટે મોતનો માતમ ના હોય જશન જ હોય.

શ્રીમંતાઇને રોજ રોજ સવાઇ કરવાનાં પેંતરા રચતો માનવ, પોતાની બ્રાન્ચમાં પ્રથમ નંબર મેળવવા અને એ સ્થાન પચાવી પાડવા હુંસાતુંસી કરતો એ માનવ, શ્રીમંતાઇનો સાગર ઉછાળા મારતો હોય ત્યારે તેનું એક બૂંદ પણ મેળવીને માણવાનો સમય ના હોય તેવો માનવ જ્યારે મૃત્યુને ભેટે છે ત્યારે એને ચીર શાંતિ મળે છે. એ અશાંતિની દોટ થંભી જાય એટલે જ મૃત્યુ. તમામ અનિશ્ચિતતાઓ વચ્ચે એક માત્ર મૃત્યુજ નિશ્ચિત છે અને જે નિશ્ચિત છે તેને સ્વીકારે જ છૂટકો છે. તો મૃત્યુને કેવી રીતે સ્વીકારવું?

સ્મશાનમાં રોજ દિવસ-રાત ભડભડતી ચિતાઓ જોનાર ચંડાલ કે જેને શબ પર ઓઢેલી શાલ, સાડી, ધોતી કે કફન જેવી વસ્તુઓ લેવામાં રસ હોય છે. તેને મૃત્યુ એટલે શું? જીવન કેટલું ક્ષણભંગુર છે તેનો ખ્યાલજ નથી આવતો. જ્યારે માનવી એ ચિતા જોઇને જીવન કેટલું ક્ષણભંગુર છે એ વિચારતો થઇ જાય છે. એકજ ઘટના એક વ્યક્તિ માટે જાગરણનુ નિમિત્ત બને તો ચંડાલ માટે સોડ તાણીને સૂઇ રહેવામાં પણ મદદ કરે છે. ક્ષણભર સ્મશાનમાં ઉભા ઉભા તમે કલ્પી લો કે તમે મરી ગયા છો, પતિ કે પત્ની, બાળકો, સગાં-સંબંધીઓ તમને જોઇ રડી રહ્યાં છે. હવે એમના જીવનમાં કોઇ આનંદ-ઉલ્લાસ નહીં આવે એવું ક્ષણભર તમને લાગશે. તમેજ તેમનું સર્વસ્વ હતાં, સુખનું કારણ કે ઉત્સવનું નિમિત્ત હતાં તેવું લાગશે. જીવતે જીવત તમને જે જોવા-અનુભવવા નહીં મળ્યું હોય તે તમને મૃત્યુ પછી જોવા અને જાણવા મળશે. બસ … થોડી સબૂરી … અને સમાજનો, જીવનનો અને સંબંધોનો એક નવો ચહેરો તમને જોવા મળશે. આજે જે મીઠાઇ મોંમાં નથી જતી તે ખડખડાટ હાસ્ય સાથે ખવાશે. માત્ર થોડા સમયનો જ સવાલ છે. આજે રંગીન કપડાં થોડા અજુગતા લાગે છે, થોડા સમય બાદ તમામ રંગો આવી જશે. થોડા સમય બાદ આજ ઘરમાં ઉત્સવનું વાતાવરણ આવી જશે. જીવનનું આ કાયમથી ચાલતું ચક્ર છે. અહીં કોઇના વીના કાંઇજ અટકતું નથી. કોઇના જવાથી કાયમ માટે ક્યાંય ખાલી જગ્યા જોવા મળતી નથી. ગઝલકાર ઓજસ પાલનપુરીની એક ગઝલ યાદ આવે છે,

‘મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઇ ગઇ

આંગળી જળમાંથી નિકળીને જગ્યા પૂરાઇ ગઇ …’

દરેક વ્યક્તિ તેની રૂટીન જીન્દગીમાં ગોઠવાઇ જાય છે. આજે તમારા દ્વારા મળેલા સુખની જ વાતો થાય છે … થોડા સમય પછી તમારા દ્વારા મળેલા દુઃખની ફરિયાદ થશે. આજે તમે ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓ સ્મૃતિચિહ્ન જેવી લાગે છે … જતે દિવસે કોઇ ખૂણામાં ચાલી જશે, અથવા જગા રોકી રહી હોય તેવું લાગશે. આજે તમારા માટે બધું કરવાની લાગણી દેખાઇ રહી છે, તેનાં સ્થાને ક્યારેક બેંક-બેલેન્સ, વીમો, વસિયતનામું કે સંપત્તિની વહેંચણીની વાતો આવી જશે. કાયમથી જગતમાં આવુંજ થતું રહ્યું છે અને થતું રહેશે. કારણ? કારણકે ઇશ્વરે માનવને સ્મૃતિ સાથે વિસ્મૃતિની અણમોલ ભેટ આપેલી છે. અને બીજું, આગમન સાથે ગમન પણ ના હોય તો? પૃથ્વી પર ભાર વધી જાય અને દરેક કુટુંબમાં એક સાથે કેટલી પેઢી?!! માટે ઇશ્વરે બેલેન્સ કરવા માટે જીવન-મૃત્યુની ઘટમાળ સુંદર રીતે ઘડી છે. માટેજ મૃત્યુને સ્વીકારો. અને મૃત્યુ નિશ્ચિત છે માટે સંસારમાં કેવી રીતે રહેવું તે નક્કી કરો. શ્રીમદ્‍ આદ્ય શંકરાચાર્યજીએ ચર્પટ પંજરીકા સ્તોત્રમાં ખરુંજ કહ્યું છે.

यावद्वित्तोपार्जनसक्त:, तावत् निज परिवारो रक्तः।
पश्चात् धावति जर्जर देहे, वार्तां पृच्छति कोऽपि न गेहे ॥

भज गोविन्दं भज गोविन्दं, गोविन्दं भज मूढ़मते।
सम्प्राप्ते सन्निहिते मरणे, नहि नहि रक्षति डुकृञ् करणे ॥

જ્યાં સુધી તું ધન કમાવવામાં લાગેલો છે, ત્યાં સુધીજ તારો પરિવાર તને પ્રેમ કરે છે. જ્યારે શરીર વૃધ્ધ થશે અને તું દોડાદોડ કરીશ ત્યારે કોઇ તારો ભાવ પણ નહીં પૂછે. માટે હે મૂઢ! નિરંતર ગોવિંદને ભજ. મૃત્યુ નિકટ આવશે ત્યારે કાંઇ કામ નહીં લાગે. કોઇ અમરપટ્ટો લખાવીને નથી આવ્યું, સૌએ એક દિવસએ તો જવાનુ છે માટે આ સંસાર છોડવાની વાત નથી સંસારમાં રહીને જળકમળવત્‍ કેવી રીતે જીવવું તે ખૂબજ જરૂરી છે.

તમે મરી ગયા છો એવી કલ્પના જો તીવ્રતાથી કરી શકો તો મગજમાં રહેલું ગુમાન ઘટી જશે. તમે વાસ્તવિક્તાની ધરતી પર જીવી શકશો. ચાલશે, ફાવશે, ભાવશે અને ગમશેની સમજ અપનાવીને શેષ જીવનને ઉત્સાહભર્યુ બનાવવાથીજ જીવન અને મૃત્યુ ઉત્સવ બની જશે. જીવનને વહેતુ રાખીને મૃત્યુને સાર્થક બનાવવાનો પ્રયત્ન એટલેજ આત્મજ્ઞાન, જાગરૂકતા. આ આત્મજ્ઞાન થકી સંસારમાં તમારે જે કર્મો કરવાનાં છે તે ઇશ્વરને સાક્ષી રાખીને કરવા જોઇએ. જેથી બીજા જન્મે તે લઇ જવા ના પડે. શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે, કર્મ કરવામાં, કર્મ ભોગવવામાં ઇશ્વરને સાક્ષી રાખો. તમામ કાર્યો તેને અર્પણ કરો. પછી જીવન અને મૃત્યુમાં કોઇજ ભેદ નહીં રહે. મૃત્યુને જ્યારે દિલથી સ્વીકારશો ત્યારે કોઇ ફરીયાદ નહીં રહે, સ્વ સામે, સમાજ સામે કે ઇશ્વર સામે. એક વાત સત્ય છે, કોઇ કદી એક પરિસ્થિતિમાં ટકતુ નથી, ક્યારેક તો અટકવું પડે છે. નાટકમાં એન્ટ્રી અને એક્ઝીટનો સમય નિશ્ચિત હોય છે જ્યારે જીવનમાં અનિશ્ચિત હોય છે. જીવનમાં એક્ઝીટ એટલે મૃત્યુ જે નિશ્ચિત છે. મૃત્યુ એટલે જીવનનું પૂર્ણવિરામ.

5 thoughts on “ચાલો લહાણ કરીએ – (16)મૃત્યુ – જીવનનું પૂર્ણવિરામ – કલ્પના રઘુ

 1. ગીતાનું જ્ઞાન ગહન લાગે, પણ ગીતા સાહિત્યનો વિષય નથી. ગીતા જ્ઞાનનો વિષય હશે, પણ ગીતાનું એ દર્શન કશા કામનું નથી. એ જીવન જીવવાની રીત છે. અનુભવના સ્તરે એ આત્મસાત કરવાની ચીજ છે. એક બે ગીતાવાક્યો જ આચરણમાં મુકાય તો……
  જીવનમાં આમૂલ પરિવર્તન અનુભવી શકાય છે. જીવવાના આનંદની મધુર લહેરખી આપણા કોશે કોશમાં ફરી વળતી અનુભવી શકાય છે.

  Like

 2. આમ તો આપણે ગીતાના ત્રણ યોગ અને ત્રણ ગુણ પ્રમાણે જ જીવીએ છીએ. ગીતા જે Dedication માગે છે તે આપણાંમાં નથી. આપણે જરૂર પુરતું ગીતાજ્ઞાન અપનાવીયે છીયે, સમજવા છતાં અમલ કરવા અશક્ત છીયે.

  Like

 3. મૃત્યુ એટલે જીવનનું પૂર્ણવિરામ!ને તેની સાથે જ આપણી બોલતી બંધ થઇ જાય છે!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.