ચાલો લ્હાણ કરીએ – (15)ભવસાગર-નિરંજન મહેતા

ફિલ્મ ‘રફ્તાર’નું એક ગીત છે:

સંસાર એક નદિયા હૈ

સુખ દુ:ખ દો કિનારે હૈ

ના જાને કહાં જાયે

હમ બહતી ધારા હૈ

એકવાર તો વિચાર થાય કે આપણે સંસારને સાગરરૂપે – ભવસાગર તરીકે જાણીએ છીએ તો પછી કવિ તેને નદી સાથે કેમ સરખાવે છે? પણ થોડો ઊંડો વિચાર કરતા થયું કે ભલે કવિને તે નદી તરીકે લાગે પણ આપણા માટે તો તે સાગર જ છે કારણ નદીના સંકુચિત રૂપ કરતા સાગરનું વિશાળ રૂપ આપણા જીવનની ભવ્યતાને સાર્થક કરે છે.

આમેય તે નદી છેવટે સાગરમાં સમાય છે એટલે નદીનું અસ્તિત્વ વિલીન થાય છે, જ્યારે બીજી બાજુ સાગરના વિશાળ હૃદયમાં કઈ કેટલીએ નદીઓ સમર્પણ કરે છે. તે સાથે તેમાં રહેલો બધો કચરો પણ સાગરમાં ઠલવાય છે અને સાગર તે ખુલ્લા દિલે સ્વીકારી પોતાના પેટાળમાં સમાવી લે છે. આ જ કચરાથી ઉત્પન્ન થતી ઉર્જા મનુષ્ય જાતને જ ઉપયોગી થઇ પડે છે.

તે જ રીતે આપણા સંસારરૂપી સાગરમાં કઈ કેટલાય લોકો નદીની માફક આવે છે. તે બધા માટે આપણે સાગરધર્મ અપનાવીએ અને તેમને જેવા છે તેવા સ્વીકારીએ. જેમ નદીના કચરાને સાગર સમાવી લે છે તેમ અન્યોના અવગુણને પણ આપણે અવગણીને આપણામાં સમાવી લઈએ તો આપણું જીવન પણ જીવવા યોગ્ય બની રહેશે. તેને કારણે આપણી સહનશીલતા વધશે અને અન્યો પ્રત્યે જોવાની આપણી દ્રષ્ટિ પણ સકારાત્મક બની રહેશે. શું આમ કરવાવાળા લોકો જ સાગરપેટા નથી કહેવાતા?

ગીતમાં વર્ણવાયું છે કે નદીને બે કિનારા છે – સુખ અને દુ:ખ. પણ આપણને સાગરનો એક જ કિનારો નજર આવે છે. નજર નાખતા દૂર દૂર સુધી ફક્ત પાણી અને પાણી જ દેખાય છે બીજો કિનારો તો નજરમાં આવતો નથી. જેમ દરિયાખેડુઓ પોતાની નજરમાં આવતા આ કિનારાને ધ્યાનમાં રાખી સાગર ખેડે છે એમ આપણે પણ આપણા સંસારસાગરના કિનારા – સર્જનહારને ધ્યાનમાં રાખી આપણી જીવનયાત્રાની સફર કરતા રહેવું જરૂરી છે કારણ તેમ ન કરતા આ ભવાટવિમાં ક્યાં અટવાઈ જશું તેની ખબર પણ નહી રહે અને તેથી જ સર્જનહારરૂપી કિનારો આપણો આશરો છે.

ગીતમાં કહ્યું છે તેમ જો આપણે સંસારને નદી સ્વરૂપે સ્વીકારીએ તો નદીની જેમ આપણે પણ કોઈ સાગરમાં સમાવાનું છે અને તે માટે આપણે આપણી સંસારરૂપી નદીને કોઈ સાગર શોધવો રહ્યો. વળી જેમ નદીને બે કિનારા છે તેમ આપણા સંસારણા પણ બે કિનારા હોવા જોઈએ. પણ હકીકતમાં તેમ નથી. આપણા માટે તો એક જ કિનારો છે અને તે છે સર્જનહાર. તેને પામવાનો એક જ ધ્યેય આપણા જીવતરને સાર્થક કરશે.

આ સંદર્ભમાં એક અન્ય ગીત યાદ આવે છે ફિલ્મ ‘સાગર’નું.

સાગર કિનારે દિલ યે પુકારે

તું જો નહી તો મેરા કુછ ભી નહી.

આ ગીત પણ જો ફિલસુફીણા અર્થમાં લઈએ તો તે સમજાવે છે કે આ સંસારરૂપી સાગરના કિનારે ઊભા રહી આપણે કર્તાને કહીએ છીએ કે તું જ મારો આધાર છે. તું જો મને નહી મળે તો મારું જીવન સાર્થક નથી તું મને મારું જીવન સુખમય અને શાંતિથી જીવવાની શક્તિ આપ અને અંતે મને તારામાં સમાવી લે.

સાગરમાં જેમ ભરતી અને ઓટ આવે છે તેમ આપણા જીવનસાગરમાં પણ સુખ અને દુ:ખરૂપી ભરતી અને ઓટ આવતા રહે છે. જેમ સાગર આને પોતાનું રોજિંદુ કાર્ય સમજી સરળતાથી નિભાવે છે તેમ આપણે પણ તેને અનુસરીએ અને આવતા સુખ અને દુ:ખને સરળતાથી સ્વીકારીએ તો શાંત સાગરની માફક આપણું જીવન પણ શાંત અને નિર્મળ બની રહેશે. અન્યથા તોફાની સાગરની જેમ આપણું જીવન પણ ઉથલપાથલભર્યું બની રહેશે. સહનશક્તિની સીમામાં રહી જે આ પચાવે છે તે અન્યો માટે દાખલારૂપ બને છે. સંતોનો આદર અમસ્તો કરાય છે?

એમ જોવા જઈએ તો સાગરના અનેક ગુણધર્મો છે અને તેને અનુસરીએ તો આપણે અન્યો કરતા થોડા ઉપર ઊઠી શકીએ. આ જ આપણા જીવનનું ધ્યેય હોવું જોઈએ.

નિરંજન મહેતા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in નિરંજન મહેતા and tagged , , , , , , , , . Bookmark the permalink.

One Response to ચાલો લ્હાણ કરીએ – (15)ભવસાગર-નિરંજન મહેતા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s