ચાલો લ્હાણ કરીએ -(૧૪)સાંવરિયો રે મારો સાંવરિયો-જીગીષાબેન પટેલ

સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો !

જાણે અત્તર ઢોળાયું રૂમાલમાં

એવી લથપથ ભીંજાણી હું વ્હાલમાં

                                                  મારા વાલમનું નામ મારું નાણું

ભર્યા જીવતરને ગુલાલ જેવું જાણું

જાણું રે એણે ખાલી ઘડામાં ટહુકો કરીયો

ખોબો માંગુ ને દઈ દે દરિયો !

કોઈ પૂછે કે ઘર તારું કેવડું

મારા વાલમજી બાથ ભરે એવડું

આંખ ફડકે ઉજાગરાથી રાતી

ઝીણા ધબકારે ફાટ ફાટ થાતી

છબીલો મારો સાવ ભોળો ને સાવ બાવરિયો

ખોબો માંગુ ને દઈ દે દરિયો !

સાંવરિયો રે મારો સાંવરિયો

હું તો ખોબો માંગુ ને દઈ દે દરિયો !

કવિશ્રી  રમેશ પારેખ નું ખુબ જાણીતું અને ખુબ ગવાયેલ સૌને ગમતું ગીત એટલે સાંવરિયો. સરળ ભાવાર્થ માં સમજીએ તો પ્રીતમના પ્રેમથી અભિભૂત થયેલ પ્રિયતમાનું પોતાના વ્હાલમના વ્હાલનું હૃદયસ્પર્શી વર્ણન છે.પિયુ ના પ્રેમમાં ઓળઘોળ થયેલ પ્રિયા સ્વર્ગના સુખનો અનુભવ કરી રહી છે. પ્રેમની પરાકાષ્ટાની અનુભૂતિ થતા તે આસમાનમાં ઉડી રહી છે.પોતાના સાંવરિયો તેને પ્રેમમાં પાગલ કરી દે છે અને પ્રેમાનંદમાં રસતરબોળ પ્રેમિકા કહે છે કે મારો સાંવરિયો તો હું ખોબો માંગુ  ને મને અખૂટ દરિયા જેટલો પ્રેમ દઈ દે છે. સોળ  વર્ષની મુગ્ધાવસ્થામાં દરેક સ્ત્રી પુરુષ પહેલા પ્રેમમાં પડે છે ત્યારે બધા જ આ પ્રેમના સ્પંદન અનુભવે છે ખરું ને? વહાલાંનો પ્રેમ તેને સાતમા આસમાનમાં પહોંચાડી દે છે પ્રેમ રૂપી અત્તરથી તે લથબથ ભીંજાઈ જાય છે.તેને જીવતર ગુલાબી ગુલાલ જેવું લાગે છે ને વ્હાલમ જ સર્વશ્રેષ્ઠ નાણું  લાગે છે.હૃદયમાં પ્રેમના ટહુકાથી તેનું રોમ રોમ નાચી ઉઠે છે.તેની દુનિયા પિયુથી શરુ થઈ પિયુ સાથે જ પુરી થાય છે અને એટલે જ એનું ઘર પણ તેને વ્હાલમની બાથ ભરે તેટલું  લાગે છે. છબીલા ,બાવરિયાં  સાથે ગાળેલી રોમાંચિત ઉન્માદ ભરી રાતોથી એની આંખો લાલ થઈ જાય છે.આ ગીત બધાનું ગમતું છે કારણ પ્રથમ પ્રેમમાં સાંવરિયો બધાને આવો જ લાગે છે પણ તેનું આબેહૂબ વર્ણન તો રમેશભાઈ જેવા કોઈ શ્રેષ્ઠ કવિ જ કરાવી શકે.

હવે જરા આપણે તેના ગૂઢાર્થ પર નજર કરી એ તો આ ગીત સાંવરા એટલે શામળિયા શ્રી કૃષ્ણ ને સંબોધીને કવિએ વ્હાલથી સજાવ્યું છે.કૃષ્ણપ્રેમની પ્રતીતિ  અલૌકિક છે. કવિ કૃષ્ણપ્રેમનું દર્શન કરાવતા  ગદગદિત થઈ જાય છે ને સાચું જ કહે છે કે હું તો મારા સાંવરા  સલોના પાસે ખોબો માંગુ છું ને તે તો દરિયા જેટલું અધધ આપી દે છે. સાચેજ સૃષ્ટિનું સર્જન કરીને સર્જનહારે આપણને શું નથી આપ્યું? ચાંદ,સુરજ ને તારા ભરેલ આસમાન ,રંગબેરંગી ફૂલ ફળથી ભરપુર વૃક્ષો અને હરિયાળા પર્વતોની હારમાળા  ,લહેરાતો સાગર ને કલરવ કરતા પક્ષીઓ ,માતાપિતા ,ભાઈબહેન,મિત્રો ને પ્રિયતમ નો અખૂટ પ્રેમ। સાંવરિયાના પ્રેમમાં ભીજાયેલ કવિ અવર્ણનીય  આનંદની અનુભૂતિ કરે છે.કૃષ્ણ તો આમ પણ નિરાળો છે. એકવાર તમે એને તમારું સર્વસ્વ સોંપી દીધું પછી તમે તેનામાં જ સમાઈ  જાવ છો.

કૃષ્ણના વ્હાલમાં રાધા ,મીરા,નરસિંહ,સુરદાસ,ગોપીઓ અને આખું ગોકુલ, કોણ ઘેલું નથી થયું? કવિ કહે છે તેના પ્રેમ રૂપી અત્તર નું એક ટીપું જ અંતરમાં પડતા જ ચારે કોઠે દિવા પ્રગટી જાય છે. જીવ પરમસુખનો- પરમ-આનંદનો અનુભવ કરે છે.આ આનંદ વર્ષાની  હેલીથી લથબથ ભીંજાઈ જવાય છે.અહીં આત્મા ને પરમાત્મા સાથેના પરમ મિલનની વાત છે.કૃષ્ણ નામરૂપી નાણું  મળે પછી કોઈ ધનની જરૂર નથી રહેતી. એટલે જ તો મીરાંએ ગાયું “પાયોજી મૈને રામરતન ધન પાયો” અને આ નાણું મળ્યા પછી જીવતર ધન્ય થઈ જાય છે. જીવન મેઘધનુષ્યના રંગોથી રંગાઈ  જાય છે.ખાલી હૃદયમાં જયારે તેના પ્રેમના પ્રાગટ્યનો ટહુકો થાય છે ત્યારે આખી કાયનાત આપણામાં સમાઈ  ગઈ હોય તેમ લાગે છે તેનું શબ્દો  દ્વારા વર્ણન કરવું મુશ્કેલ છે.

“કોઈ પૂછે કે ઘર  તારું કેવડું ? મારા વ્હાલમજી બાથ ભરે  એવડું “. અહીં કવિની કલ્પના આસમાનને આંબી જાય છે.સાંવરાની  બાથમાં તો આખા બ્રહ્માંડ નો સમાવેશ થયો છે એટલે સમસ્ત સૃષ્ટિ એક કુટુંબ થઈ ગયું. આતો થઈ “વસુધૈવ કુટુંમ્બક્મ “ની વાત ,કેવી અદભુત કલ્પના ! જયારે જગતના સર્વે લોકો આપણા જ થઈ જાય તો સર્વત્ર પ્રેમ  પ્રેમ જ રહે.આમ સહજ રીતે વેદ ને ઉપનિષદ ની ભાષા સમજાવી  દીધી છે.પરમતત્વ સાથે ઐક્ય  સધાઈ જાય પછી તો વાત જ શી કરવી.  પ્રેમ બાણ વાગ્યા હોય તે જ જાણે. આ પ્રેમરસ પીવા જ નરસિંહ મહેતા કહે છે મારે મોક્ષ નથી જોઈતો હું તો માંગુ જન્મો જન્મ અવતાર. સાક્ષાત્કારની અનુભૂતિમાં રાતોની રાતો ક્યાં પસાર થઈ જાય છે તેનું ભાન નથી રહેતું.  આથી બાવરા સાથે ના ઉજાગરા  પણ મીઠા લાગે છે.આવા પરમ તત્વ સાથે ના પ્રેમ ને વ્હાલ ની વાત  આટલી રસિકતાથી કોણ વર્ણવી શકે?

દુન્યવી રીતે જોઈએ તો  પ્રિયતમા સાથેના પ્રીતમના પ્રેમમાં સુખ ને આનંદ નો અનુભવ થાય છે પણ તે ક્ષણિક છે.પરંતુ સાંવરિયા સાથે  સાધેલ ઐક્ય  અવિનાશી  ,અનંત છે.એટલે તો આપણા કવિ મુકેશ જોશી પણ કહે છે,

“જપુ  તો જપુ  કૃષ્ણના નામ જાપો,

હવે આ નયનમાં ફક્ત કૃષ્ણ વ્યાપ્યો,

 મળે વાંસળી સુર એકાદ રાતો

અને કૃષ્ણની સાથ હો જન્મ નાતો.”

આમ મને  અને   સૌને  રોમાંચિત કરતા આ ગીત ને શ્રેષ્ઠ ગાયકો એ સુંદર સ્વરોથી ગાયું છે.તેનો સરળ ભાવાર્થ ને ગૂઢાર્થ  મન ને અભિભૂત કરી દે છે.

સાંવરિયો રે મારો સાંવરિયો

Jigisha Dilip

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in જીગીષા પટેલ and tagged , , , , , , , . Bookmark the permalink.

5 Responses to ચાલો લ્હાણ કરીએ -(૧૪)સાંવરિયો રે મારો સાંવરિયો-જીગીષાબેન પટેલ

 1. Pragnaji says:

  સરસ લખતા રહો

  Like

 2. જીગીષા, સાંવરિયા સાથે સાંવરાની કલ્પનાને જોડીને કવિતાને એક નવો આયામ આપ્યો છે. ખુબ સરસ લખ્યું છે.

  Like

 3. Rajesh Shah says:

  Khub sundar rajuaat…Ramesh Parekh poetry needs Hats off.

  Like

 4. Kalpana Raghu says:

  ખૂબ ગૂઢાર્થ સભર રચના નેા સુંદર અર્થ ! માત્ર કૃષ્ણજ એક સાંવરિયો છે,જે ખોબો માંગેને દરિયો આપે.કૃષ્ણજ શાશ્વત છે!
  મિથ્યા જગત બદલાતું રહે છે!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s