
દિવ્ય -અલૌકિક પ્રેમ
દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ?
ને કેમ કરી તમને તે ફાવશે ?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…
કેવું બપોર તમે વાંસળીનાં સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા !
પાંપણમાં પૂરેલી ગાયો લઈ સાંજ પળે
તમે પાદરની વાટને મઠારતા.
મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ
હવે સોનાનો ભાર કેવો લાગશે?
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…
માખણની જેમ ક્યાંક હૈયું યે ચોરતા
ને ક્યાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં ય એક રાધાની
તમે પાસે અનાયાસે હારતા.
રાજ તણી રમતોમાં નહીં ચાલે હારીને,
જીતવાનું ઠેર ઠેર આવશે.
જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે…
ગોકુળિયું ગામ યાદ આવશે…
ગોકુળિયું ગામ યાદ આવશે…
– મહેશ શાહ
મહેશભાઈ શાહનું આ ગીત, માત્ર એના શબ્દો આપણે વાંચીએ તો પણ વિરહની ભાવના સંપૂર્ણ પ્રબળતાથી આપણા જહેનમાં જ નહિ, પુરા અસ્તિત્વમાં વ્યાપી જાય. અને તેમાં ય જ્યારે પુરુષોત્તમ ઉપાધ્યાયનો મીઠો, મધુરો, મંજાયેલો, જ્ઞાન સમૃદ્ધ કંઠ, આવા ઉમદા શબ્દોને મળે ત્યારે ખરા અર્થમાં “સોનેપે સુહાગા” એ કહેવત સાર્થક થાય. અને ત્યારે તમે, તમે ના રહો, હું , હું ના રહું . અને સૌના મનમાં એક ગોકુળિયું ગામ આવીને બેસી જાય. આ રચના કરનાર પોતે એક ઊંચા ગજાનો, દિવ્ય પ્રેમનો માલિક બને તો જ આવી રચના લખાય. આવું કહેવા પાછળનો મારો આશય એ છે કે, અહીં કાના અને ગોપીના કે રાધાનાં પ્રેમની અને વિરહની જ વાત નથી . કૈંક આગવી અને વિશેષ વાતો લઈને આ ગીત આપણને મળ્યું છે.— શું છે એ વાત? તો એ વાત એવી છે કે, અહીં કાનો ગોકુલ છોડીને જાય ત્યારે, રાધાને કે ગોપીને જે દુઃખ થાય, વિરહની જે તીવ્ર વેદના થાય તેની વાત નથી. કે કાનને ગોકુલ છોડવાનું જે દુઃખ થાય તેની વાત પણ નથી. જશોદાના અસહ્ય દુઃખની વાત પણ અહીં નથી. અહીં તો ખુબ ઉંચી પ્રેમ સગાઇ અને તેની દિવ્યતાની વાત છે. શું છે એ દિવ્યતા?? જુદાઈના દુઃખમાં ડૂબેલું ગોકુળિયું ગામ એવું નથી વિચારતું કે, કાનો જશે ત્યારે અમારું શું થશે? એ તો વિચારે છે, અમારા વ્હાલા કાના નું શું થશે? જ્યારે,– જ્યારે ગોકુળિયું ગા…મ યાદ આવશે!!! અહીં જ આ ગીત એક નવી ઉચાઈને પામે છે અને વાચનાર તેમજ સાંભળનાર ધન્ય બની રહે છે.
સૌનો વ્હાલો કાનો, ગોકુલ ગામ સાથે, એકરૂપ થઇ ગયો હોય તેવો જોડાઈ ગયેલો. ગોકુલ અને કનૈયો એ બે જુદા હોય તેવો, અણસાર કે અહેસાસ પણ કોઈને નહોતો.
કાના વિનાનું ગોકુલ હોઈ જ ના શકે. તો સાથે જ ગોકુળ વિનાનો શ્યામ પણ ક્યાંથી હોય?
આ ગોકુળીયું ગામ એટલે, ગામની સજીવ, નિર્જીવ તમામ ચીજો, ગામની જમીન ,ગામનું ગોદરું,
ખેતર, નદી, તળાવ અને જે કંઈ બાકી હોય તે બધુ ય, અને ખુદ કાનો પણ એનું અનભિજ્ઞ અંગ.
પણ …પણ કાનો તો ગયો ! કદાચ એને જવું પડ્યું. હવે કાના વિના પ્રાણહીન અવસ્થામાં
પડેલું ગોકુળિયું ગામ, પોતાની ચિંતા નથી કરતું. તેને કનૈયાની ચિંતા છે. તે વિચારે છે,–
–હે વ્હાલા કાના, આ દ્વારિકા નગરીમાં તમે કેમ કરીને રહેશો? તમે આપણા ગામમાંથી ક્યારે ય,
ત્યાં સુધી ગયા નથી તમને ખબર છે? તે આપણા ગામથી સા…વ જુદી નગરી છે. લોકો જુદા, ગામ જુદું,એવામાં તમને ત્યાં કેમ કરીને ફાવશે? અને ખાસ તો તમને જ્યારે આપણું ગોકુળિયું ગામ યાદ આવશે,ત્યારે, તમે કેવી રીતે રહેશો? કેવી રીતે ત્યાં ફાવશે?
તમને યાદ છે? અહીં આપણા ગોકુળમાં, ભર બપોરે. જ્યારે સુરજદાદાનો પ્રકોપ થાય અને
પૂરું ગામ ત્રાહિમામ પોકારે ત્યારે , તમે વાંસળીમાં અદ્ભુત સ્વરો રેલાવતા. અને શીતળ લહેર લઈને,વાતા વાયરાની અદાથી , એ ભર બપોરની તપ્ત તાસીરને તમે ઠારતા. અને એ છવાયેલી શીતળતામાં “હાશ” કરીને આખું ગામ તમારું ઋણી બની રહેતું.આ બધું તમને યાદ આવશે,ત્યારે તમને ત્યાં કેવી રીતે ફાવશે?
વહેલી સવારે ગામનું ધણ લઈને, બધ દોસ્તો ચરાવવા નીકળી પડતા. આખા દિવસમાં તાપ, ઠંડી કે વર્ષાની હેલી કેમ ન હોય પણ , સાંજ પડે ત્યારે , ગાયોને સંભાળ પૂર્વક પોતાની આંખોની પાંપણમાં પૂરીને લાવતાં હોય, તેમ સલામત રીતે જ્યારે, તમે ગામના પાદરે પહોચતા, ત્યારે ગામથી પાદર સુધીનો પૂરો માર્ગ, જાણે શણગારાઈ જતો હોય. તેમ જીવંત બની જતો. કારણ કે તમે જ એને મઠારતા. હવે જ્યારે ત્યાં એ યાદ આવશે ત્યારે …ત્યારે તમે ત્યાં કેમ કરીને રહેશો?
કાના તને તો ખબર છે, અહીં હલકું ફૂલ જેવું મોરપિચ્છ વાળમાં સોહાવીને આખા ગામમાં તું બિન્ધાસ્ત, બેફામ થઈને ઘૂમ્યા કરતો. હવે ત્યાં તારે સોનાનો મુગુટ પહેરવો પડશે. મોરનું પીચ્છું કેવું હલકું! એની સામે સોનાનો ભાર શું તારાથી સહેવાશે? એ ભાર માથે લઈને કેવું લાગશે? આવા સમયે, તરત જ તને ગોકુલ યાદ આવશે! અને આટલે દુર રહેલા તને જ્યારે આપણું ગામ યાદ આવશે તો…તો તને કેવું લાગશે કાના!
તમે માનો કે ના માનો પણ ચોરવું એ તમારી ફીદરત હતી. તમે પુરા ગામમાં માખણની ચોરી કરતાં, અને કેટલાયનાં દીલ પણ ચોરતા. તો ક્યારેક જાણે ઉદારતા દાખવતા હોય તેમ દિલ કે માખણ કશુય ના ચોરો. અને મઝાની વાત તો એ કે, દરેક જણ, તું એમનું દિલ અને માખણ ચોરે તેની રાહ જોતાં. પણ … કાના તારી બલિહારી કે, ગોવર્ધન પર્વત જેવો પર્વત તારે તાબે હતો. એવો સમર્થ તું , સૌનો સ્વામી, સૌનો વ્હાલો, સૌના દિલનો ચોર , એક રાધા પાસે ખુદ દિલ હારી જતો. આ બધું તને યાદ આવશે ત્યારે દ્વારકામાં તમે કેમ કરીને રહેશો?
આવી રીતે જાણીને હારી જવાનું તારું વલણ રાજકારણમાં કેવી રીતે ચાલશે? તું જ્યાં ગયો છે તે દ્વારકામાં તો બધી રાજ રમતો રમાતી હોય, તેમાં જાતે કરીને હારવાનું થોડું ચાલે? ત્યાતો તારે ઠેર ઠેર, ડગલે ને પગલે રાજ રમત રમીને જીતવું પડશે.જીતવાની ફરજ ગણીને તારે જીતવું પડશે.
તને યાદ હોય તો અહીં ગોકુળમાં તો આખું ગામ જાણીને તારી સામે હરવા તૈયાર રહેતું. અને ખુદ તું પણ જાતે જાણી જોઇને હારવામાં જ ખુશ થતો. પણ ત્યાં જ્યારે પગલે- પગલે જીતવું જરૂરી બનશે ત્યારે તને ગોકુળિયું ગામ કેટલું યાદ આવશે!!
અને અમને તો હે કાના, તારી એ જ ચિતા છે કે, પળે પળે તારી સામે એવી ધટના ઘટશે, એવું કંઈ બનશે અને દરેક વખતે તને ગોકુળિયું ગામ યાદ આવશે. અને હે પ્રાણ જીવન, તે વખતે તને કેવું લાગશે! તારા વિના અમારું શું થશે? એ તો મોટો પ્રશ્ન છે જ. પણ અમને તારી ફિકર છે કાના! તને કેવી રીતે ફાવશે? ત્યાંની દુનિયામાં કેમ તમે રહેશો?
જેમ એક માતા પોતાના હજારો દુઃખ ભૂલીને પોતાના પ્રિય બાળકની તકલીફ વિષે વિચારવા બેસી જાય, તેવી જ લાગણીથી તેટલીજ પ્રેમની તીવ્રતાથી, ગોકુળિયું ગામ પોતાના કાનાની તકલીફ વિષે ચિંતિત છે. ખુદની નહિ!
કહેવાય છે કે, દરેકને પોતાના કરતાં વધુ વ્હાલું કોઈ નથી હોતું.પોતાના કરતા વધુ ચિંતા કોઈની નથી હોતી. પણ અહીં કવિ જગતના આધારની ચિંતા ગોકુલ પાસે કરાવે છે, એ જ સાચો પ્રેમ, એ જ ઉંચો પ્રેમ,– અલૌકિક પ્રેમ.
અસ્તુ
રશ્મિ જાગીરદાર
Like this:
Like Loading...
Related
Reblogged this on સહિયારું સર્જન – ગદ્ય.
LikeLike
thank you so so so much!
LikeLike
વાહ રશ્મિબેન!!તમારા સુંદર લખાણની લ્હાણી અમને મળી ગઈ.
LikeLike
પદ્માબેન આપ સૌ વાંચો એ જ લ્હાણી મારા માટે! ખુબ આભાર .
LikeLike
ખૂબ સુંદર
LikeLiked by 1 person
Thank you so much
LikeLike
srs kushnpremnu git srs.
LikeLike
Thank you so much tarulataben
LikeLike
“કાના વિના પ્રાણહીન અવસ્થામાં પડેલું ગોકુળિયું ગામ, પોતાની ચિંતા નથી કરતું. તેને કનૈયાની ચિંતા છે. તે વિચારે છે,–હે વ્હાલા કાના, આ દ્વારિકા નગરીમાં તમે કેમ કરીને રહેશો?”
આપને જેને પ્રેમ કરતા હોઈયે એના માટે આ માનવસહેજ ચિંતા રહે છે. હું જ્યારે એંજીનીઅરીંગ કોલેજમાં અભ્યાસ કરવા વડોદરા ગયેલો ત્યારે મારા બા ઘરમાં કાંઈ સારી વાનગી રંધાય ત્યારે રડી પડતા અને વિચારતા, “એને કેવું ખાવાનું મળતું હશે?”
LikeLike
Ha એક મા જ આવી ચિંતા કરી શકે બીજાનું ગજું નહી,આ ગીતમાં મહેશભાઇ એ પુરા ગોકુળ પાસે આવી ચિંતા કરાવીને ગીતને જે ઉંચાઈ આપી છે તે જ મનને સ્પર્શી ગઈ. દાવડા સર, આપે પ્રતિભાવ આપ્યો તે પણ અમૂલ્ય છે મારા માટે, ખૂબ આભાર. જરૂરી માર્ગદર્શન આપતા રહેશો તેવી વિનંતી.
LikeLike