ચાલો લ્હાણ કરીએ (2)અંદર તો એવું અજવાળું, -સુરેશભાઈ જાની

અંદર તો એવું અજવાળું, અજવાળું
– માધવ રામાનુજ

 

ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….
ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……
સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું…….

સાભાર – શ્રી. માવજી ભાઈ મુંબાઈવાળા
http://mavjibhai.com/MadhurGeeto/180_andarto.htm

આંતરમનની સૃષ્ટિની ઝાંખી કરાવતું આ કાવ્ય મને બહુ જ પ્રિય છે. આપણી આંખ જે પરમ આનંદની અનુભૂતિ કરવા ઝંખતી હોય છે, તે તો મીંચેલી આંખે ય અનુભવી શકાય છે. આવી અનુભૂતિ થાય ત્યારે કેવા ભાવ ઊઠે? તેનું આ કાવ્યમાં કવિએ અદ્ભૂત શબ્દચિત્ર આપ્યું છે.
આમ તો ઘરની અંદર, ઓફિસની અંદર, બધે રાત્રે સાવ અંધારું જ હોય છે. બારી ખુલ્લી હોય અને બહાર પ્રકાશ હોય તો જ થોડોક પણ ઉજાસ થાય. ઘર કે ઓફિસમાં દીવો પ્રગટાવીએ કે, ઇલેક્ટ્રિક લાઈટ ચાલુ કરીએ તો અજવાળું થાય. પણ આપણા શરીરની અંદર? ત્યાં તો સતત અંધકાર જ હોય છે. આપણે તેના વિશે જે જાણીએ છીએ તે વિજ્ઞાને શીખવેલું અથવા કોઈ મેડિકલ સંગ્રહાલયમાં કે શરીર શાસ્ત્રની કોઈ ફિલ્મમાં જ ને? અને એ જોનાર આંખો પોતે તો અંધાર કોટડી જ હોય છે. આપણે ત્યાંય દીવો પેટાવી શકતા નથી! જે જોનાર છે, તે તો આપણું મગજ છે.
વળીએ મગજ તો પણ કાજળ કાળી કોટડીમાં, કાળાડિબાંગ અંધકારથી ગ્રસ્ત હોય છે. આપણે માનીએ છીએ કે, બહુ જ્ઞાની બનીને એનાથી ઘણું બધુ જોઈ શકાય છે. પણ એ દર્શનો પણ જન્મ બાદ મળેલા જ્ઞાનના આધારિત ભેગા થયેલાં હોય છે. આપણે એનાથી આગળ કાંઈ જોવા અસમર્થ હોઈએ છીએ. નવું કોઈક જ્ઞાન મળે, કોઈ નવો પ્રકાશ મળે, કોઈ નવી બારી ખુલી જાય. અને આપણે વધારે જ્ઞાની થયાના ગર્વમાં મુસ્તાક બનીને – કોલર ઊંચા કરીને (!) મ્હાલવા માંડીએ. પણ એ બધું બહારથી આવેલું જ. આપણી પોતાની અંદરથી જાગેલું તો કાંઈ જ નહીં.
અહીં એ અંદરની બાજુ પૂરેપૂરી ઝળહળાટ થઈ જવાની શક્યતાની વાત કવિએ કરી છે.
અંતર્મુખી યાત્રામાં જેમ જેમ આપણે આગળ વધતા જઈએ અથવા ઊંડે ઊતરતા જઈએ, તેમ તેમ એ પ્રદેશમાં અજવાળું પથરાવા લાગે છે – એમ અંતરયાત્રીઓ કહે છે. જાગૃતિના આરંભની એ અવસ્થા જ્ઞાનથી નથી મળી શકતી. જ્ઞાન/ ભક્તિ/ સાધના/ સેવા/ સત્સંગ એ અવસ્થા પ્રાપ્ત કરવાના સહારા જરૂર હોય છે. પણ એ આખો પ્રદેશ અનુભવનો પ્રદેશ હોય છે. જેમ જેમ આપણો અહંભાવ/ કર્તાભાવ ઓળગવા લાગે તેમ તેમ એવા અનુભવોની માત્રા, તીવ્રતા, સતતતા વધવા લાગે છે. નિર્ભેળ આનંદ, પરમ શાંતિ, સમસ્ત સૃષ્ટિ પર કૃતજ્ઞતાનો ભાવ, કરૂણાભાવ, સર્જકતા, અપાર કાર્યશીલતા વિ. ધીમે ધીમે ઊભરવા લાગે છે. એ અનુભવનાં નાનકડાં ઝરણાંનો ખળખળાટ, એની અનુભૂતિઓ તેવા પ્રદેશના હોવા વિશે આપણી પોતીકી પ્રતીતિ કરાવતી જાય છે. એ ઝરણાંઓ ભેળા મળીને મોટા વહેળા, નાનકડી નદી, મોટી નદી, મોટાં જળાશયો બની વિસ્તરવાં લાગે છે. એની ચરમસીમા રૂપે એ બધાંનો મહાસાગર ઘૂ ઘૂ કરતો ઘૂઘવવા લાગે છે.
આપણે એ આનંદસાગરમાં ડૂબતા જઇએ અને છતાં તરતા હોઇએ તેમ લાગે. પ્રત્યેક શ્વાસે હરખની એવી છોળો ઊઠે કે જાણે મરજીવાને મુઠ્ઠીમાં મોતી મળી ગયા હોય. શ્વાસ નિહાળવાથી શરૂ થયેલી એ યાત્રા શરીરના પ્રત્યેક કોશમાં શ્વસતા, જીવનનો રાસ રમતા આપણા પાયાના હોવાપણાને સતત નિહાળવા માંડે છે. વીતરાગ મહાત્માઓ કહે છે કે, એ મુકામ પર પહોંચ્યા બાદ લોભ, મોહ, માયા, મત્સર, અહંકાર, કામનાઓ વિ. જીવનની ગ્લાનિ, નીરાશા અને દુઃખમય ભૂતાવળો આપણી ચેતનાને કશી અસર કરી શકતાં નથી. બધાં વાવાઝોડાં શમી જાય છે.
આપણી ચેતનાના બધા દ્વાર ખૂલતા જ જાય, ખૂલતા જ જાય છે. કદી જોયા , જાણ્યા કે અનુભવ્યા ન હોય તેવા પ્રદેશોના કોઠા ખુલવા માંડે છે. એમને આપણાથી અદૃશ્ય રાખતા તોતિંગ દરવાજાઓ જમીનદોસ્ત થઈ જાય છે. હવે તે ફરી ઊભા થઈ શકતા નથી કે એમને કોઇ આગળો કે તાળું વખાઈ જતું નથી. એ આનંદ સાગરનાં બધાં ભંડાર આપણી ચેતના સમક્ષ સાવ ખુલ્લા થઈ જાય છે. મરજીવાને મુઠ્ઠીમાં મોતી મળે અને તે હરખાય. પણ આ અવસ્થામાં તો આપણું હોવાપણું એ મોતીના ખજાનાઓમાં આળોટવા લાગે છે. મરજીવાની જેમ એને તરત કિનારે પાછા જવાની જરૂર નથી રહેતી. અહીં આપણે શ્વાસ રોકીને કે અદ્ધર શ્વાસે જીવવાનું નથી રહેતું. હરેક શ્વાસે જીવનની એક નવી સંભાવના હકીકત બનીને આપણ સમગ્ર હોવાપણામાં છવાઈ જાય છે.
આ અવસ્થાના પ્રતિક તરીકે કવિ સૂરજ, છીપ, અને ફૂલનો ઉપયોગ કરે છે.
આપણા આયખામાં ઘટેલી ઘટનાઓ,અનુભવો, વિચારો, મેળવેલ જ્ઞાન કે એ બધાંના આધારે કરેલી કલ્પનાઓ, એ અવસ્થા કેવી હોય તેનો અણસાર આપણને આપવા માટે સક્ષમ નથી. આથી કવિ સૂરજની વાત કરે છે. સૂરજને જોવા માટે કોઈ બતાવનારની જરૂર નથી હોતી. આંધળી વ્યક્તિને પણ તેના દેદિપ્યમાન સ્વરૂપનો ઈશારો થઈ જાય, એટલો એ ઉજ્વળ હોય છે. છતાં આપણે તેની તરફ મીટ માંડીને જોઈ શકતાં નથી. એના ભર્ગવરેણ્યની આપણે સ્તુતિઓ જ ગાઈ શકીએ. એના ઝળહળતા પ્રતાપને સાંખી શકવા જેટલી આપણી હેસિયત નથી હોતી.
એનાથી ઊંધી વાત છીપની છે. એની અંદર લાખેણું, ઝળહળાટ મોતી છુપાયેલું છે, એ આપણે એના બહારના કદરૂપા દિદાર પરથી જાણી નથી શકતા. એના એ બાહ્ય કવચને ભેદ્યા વિના એનું સૌંદર્ય અબોટ જ રહે છે. આવી જાગૃતિ, આવા પ્રકાશનો પ્રાદુર્ભવ એ આપણને જન્મથી મળેલી સંભાવના છે. પણ જીવનની એ સંભાવના હોવા છતાં, આખાય જીવતર દરમિયાન એ છીપના અંધારા બોગદામાં પૂરાયેલા મોતીની જેમ આપણે પણ કેદ હોઈએ છીએ.
એનાથીય સૂક્ષ્મ ઈશારો કવિ ફૂલની સુવાસનો ઉલ્લેખ કરીને કરે છે. ફૂલનું હોવાપણું મઘમઘતી સુવાસ પેદા કરે છે. પણ એ સુવાસ એનાથી ખમાતી નથી. એને વહેંચવાનો પ્રચંડ જુવાળ એની અંદર જાગી ઊઠે છે. એ એકલપેટું બનીને, જાતે જ ભોગવવાનું ત્યજીને એની ફોરમના ફાલે ફાલ લૂંટાવતું રહે છે. આપણી કૃપણતા પર, આપણી એકલપેટી સ્વાર્થી મનોવૃત્તિ પર કવિનો આ સૂક્ષ્મ આક્રોશ છે. જ્યારે આવી અવસ્થાની અનુભૂતિ આપણને થવા લાગે ત્યારે આપણને એ વાગવા લાગે છે. એકલપેટા થઈ એને ભોગવ્યા જ કરવાની આપણી મનોવૃત્તિમાં આમૂલ પરિવર્તન આવવા લાગે છે. આપણી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ‘સ્વ’ નહીં પણ ‘સર્વ’ બનવા લાગે છે. અંતર્મુખિતાની ચોટ આપણને બહારની તરફ ખોલવા લાગે છે. જીવનના આ નવા પરોઢમાં સુવાસને ફાગણના ફાલની જેમ વેરાવી દેવા માટે આપણને અનાવૃત્ત કરી દે છે.
કદાચ.. આખી ય કવિતાનું આ સૌથી સૂક્ષ્મ ચરણ છે.
જેમ જેમ જાગૃતિ આવતી જાય, તેમ તેમ આપણી અસલ જાત, આપણા મૂળ હોવાપણા, આપણા સમગ્ર અસ્તિત્વ સાથે આપણે એવા તો ઓતપ્રોત થઇ જઈએ છીએ કે, કોઇ ભેદ જ રહેતો નથી. આપણે પરમ ચેતના સાથે જીવતે જીવ, એકાકાર થઇ જઇએ છીએ. આંખ બંધ હોય કે ખુલ્લી; જાગૃત અવસ્થામાં હોઈએ કે, સુપ્તાવસ્થામાં હોઈએ – અંધકાર ભરેલા, વ્યતિત જીવનમાં જે આશા અને અભિપ્સા આપણે સેવી હોય , તે બધી હવે આપણી સાથે હમ્મેશ રમમાણ બની રહે છે. એ અવસ્થામાં કોઈ જૂદાઈ નથી રહેતી.
કવિ કહે છે કે, જીવવાની આવી જો એક જ ક્ષણ આપણને મળી જાય તો પછી તેને કદી પાછી ન વાળીએ.
આપણને શંકા રહે છે કે, આવું તો હોતું હશે વળી?! પણ આવા પ્રદેશોમાં પ્રવેશી એની સાક્ષાત અનુભૂતિ કરી હોય, તેવા મહાત્માઓ કહે છે કે, જેમ જેમ આપણા જીવનમાં એવા અપૂર્વ આનંદના ઝરા વહેવાની શરૂઆત થવા લાગે છે, તેમ તેમ આવી શક્યતા એ જ્ઞાનનો નહીં પણ અનુભવનો વિષય બનવા લાગે છે. આપણને એમાંથી પાછા વળવાની નહીં પણ વધારે આગળ ધપવાની તાલાવેલી થવા લાગે છે.
મીરાંની, નરસૈયાની, રાબિયાની તડપન.
આ છે, કવિના અંતરમાંથી પ્રગટેલી વાણી, એનો સુમધુર વૈભવ. આવી કવિતાઓ મનની એક અલગ અવસ્થામાંથી પ્રગટતી હોય છે, અને જીવનની એક અણજાણ સંભાવનાને ઉજાગર કરે છે.

 

પરિશિષ્ઠ


 

 

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, ચાલો લ્હાણ કરીએ, સુરેશ જાની and tagged , , , , , . Bookmark the permalink.

4 Responses to ચાલો લ્હાણ કરીએ (2)અંદર તો એવું અજવાળું, -સુરેશભાઈ જાની

  1. tarulata says:

    sudr kavybhav.

    Like

  2. padmakshah says:

    ખુબ જ જાણવા જેવો મા ણવા જેવો સુંદર લેખ.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s