મનની મોસમમાં ઉઘડતો તડકો તરુલતાબેન મહેતા

મનની મોસમ ખીલવી એટલે શું? કોઈ સારું પુસ્તક વાચ્યું હોય કોઈના વ્યક્તિત્વની થોડીક પણ વાત માણી હોય ત્યારે એ ગુલાબી આનંદને બીજા સાથે મજિયારો ભોગવવાનો આનંદ એટલે ઉઘાડ નીકળવો અને મોસમનું ખીલવું.

મેં બ્લોગ બનાવ્યો પણ એજ હેતુથી કે આપણે મજીયારો આનદ લઈએ. તરુલાતાબેનનો પરિચય મેઘલતાબેને કરાવ્યો હતો. ૨૦૧૩મા પ્લેઝંટનનું એક ગ્રુપ સાહિત્યમાં રસ લે છે તે જાણવા મળ્યું મેં ઘણાને બ્લોગમાં લખવા આમત્રણ આપ્યું ,ફોન કર્યા, પણ માત્ર તરુલતાબેને મારા વિચારને પ્રતિભાવ આપ્યા મેં એમને મારા બ્લોગ માટે લખી મોકલવા કહ્યું અને એમણે વાર્તા મોકલી,નીચે લખ્યું હતું “નખશીખ ગુજરાતણ” શબ્દ સ્પર્શી ગયો.વાર્તા ખુબ સરસ હતી મેં કહ્યું કે તમારો નખશીખ શબ્દ ખુબ ગમ્યો હું પણ મારા માટે વાપરીશ,આમાં નજીવા ફેરફાર કરું ?અને એમણે કહ્યું કે મને એ નહિ ગમે.મારા લખાણ સાથે છેડછાડ નહિ કરતા, હું થોડીવાર માટે વિચારમાં પડી ગઈ,જેમ નું તેમ લખાણ મુક્યું પછી તો અનેક લખાણ મોકલતા અને લખાણ સરસ જ હોય એટલે ભુલ્યાવગર હું બ્લોગ મુક્તિ જાણે ક્રમ થઇ ગયો, લોકો વખાણતા ઘણા વખત પછી ખબર પડી કે  તેઓ એક મોટા લેખિકા છે જેની મને ખબર ન હતી,એટલું જ નહિ  કે  તેઓ ગુજરાતી ભાષાનાં પ્રાધ્યાપિકા રહ્યા છે આજ ની તારીખે  તેમની વાર્તા મેગેઝીનમાં મોકલે  તો તરત જ સ્વિકૃત થઇ જાય અને કદાચ પૈસા પણ મળે પણ ના અમારા બ્લોગને વેગ આપવા તેઓ લખે છે, અને અમારી સાથે લખતા, એમના ઘણા પુસ્તકો બહાર પડ્યા છે. અને ઉમાશંકર એવોર્ડ પણ મળ્યો છે.હું હવે શરમાણી એક નાનકડા બ્લોગમાં પોતાનું લખાણ મોકલે છે ?માત્ર મારા કામને,અને એમને પ્રોત્સાહન આપવા?  મારા ખોટા અભિપ્રાય માટે આંખમાં ઝળહળિયા આવી ગયા.આ મારે માટે આ વાત ખુબ મોટી ત્યારે હતી અને આજે પણ છે,ત્યાર બાદ વારંવાર ફોન કરતા અને કહેતા માત્ર બ્લોગના વાચકોને માટે વાર્તા સ્પર્ધા યોજવી છે. જેથી અમેરિકામાં ગુજરાતી ભાષાના સંવર્ધન ના આ તમારા યજ્ઞ ને વેગ મળશે. વધુ લોકો ઇનામ માટે લખશે,આજે પણ બેઠકના મહિનાના વિષય ઉપર પોતે લખી મોકલે છે.નાના સર્જકો સાથે પોતે ઉભા રહી ને મારા બેઠકના કાર્યને વેગ આપે છેઅને બોલ્ગનું સન્માન વધારે છે ,અને કહે છે કે કોઈ સર્જક નાનો કે મોટો હોતો જ નથી ! કેટલી મોટી ભાવના અને કેટલો સુંદર લખવાનો હેતુ !તેમના પ્રોત્સાહન  અને સહકારથી સાચે જ મોસમ ખીલે છે. હું વિચારું છું કે વૃક્ષ જયારે બીજા નાના છોડને પોતાના મુળીયામાંથી  પોસણ આપે ત્યારે અવાજ નથી કરતુ નથી ને ? પંખીના ટહુકામાં અનાયસ સરળતા હોય છે ને ?બસ આવું જ વૃક્ષ અને પંખી જેવું વ્યક્તિત્વ તરુલતાબેનનું છે.

તરુલતાબેનની કલમ સહજ અને સ્વાભાવિક છે તરુલતા બહેને જિંદગીને બહુ નજીકથી જોઇ છે અને તે  સંયમ સાથે માણી છે તેમની સંવેદના તેમના વાર્તા સંગ્રહમાં જોવા મળે છે.બોલચાલની ભાષાની અને લયલહેકાની પણ લેખિકાને સૂઝ અને પરખ છે, બહુ ઓછા લેખકો શ્વાસ લેવા જેટલી સહજતાથી વાર્તા લખતા હોય છે.

એમની પહેલી જ મને મોકલાવેલ વાર્તા ૨૦૧૪મ મને ખુબ સ્પર્શી ગઈ હતી,અને એટલી હદે વસી ગઈ છે કે રોજીંદા ઘટમાળમાં ભુલાઈ પણ ગઈ હોય તો પણ ઓચિંતી સ્મૃતિ સમક્ષ આબેહુબ ચલચિત્ર ની જેમ અચાનક એક દિવસ તરી આવે છે ત્યારે આંખમાં ઝળઝળીયા આજે પણ આવે છે. હમણાં જ ભારત ગઈ હતી ત્યારે મારી મિત્રના મમ્મીને મળવા ગઈ હતી મારી ફ્રેન્ડ વારંવાર એમની માંને કહેતી હતી મમ્મી તું મને ઓળખે છે ને ? જો હું તારી દીકરી, યાદશક્તિ ખોઈ બેસેલી માં દીકરીને ઓળખતી નથી અને મને યાદ આવી ગઈ  તરુલતાબેનની એ વાર્તા “મારું અસ્તિત્વ પાછુ આપો તો સારું”. માં ની યાદશક્તિ ખોવાતા દીકરી ને અસ્તિત્વ ખોયાની લાગણી થાય છે.

એક પીઢ લેખિકા તરુલતાબેનનો ડાયસ્પોરા વાર્તાસંગ્રહ હમણાં જ ગાર્ડી રીસેર્ચ બહાર પાડનાર છે.આજે દેશમાંથી પરદેશમાં આવ્યા પછી પણ માતૃભાષાનું ઋણ ચૂકવવાનું ભૂલ્યા નથી તે ખુબ મહત્વનું છે પરદેશમાં ઘૂમતા ઘૂમતા પોતાની ભાષાને શોધતા નથી પણ પોતીકા અવાજને માતૃભાષામાં રજૂ કરી બીજાને પ્રોત્સાહન આપી કલમને મહોરે છે.નવા સર્જકોને વાંચવાના, ફૂલોને પોતાની આંખની છાબમાં એકઠાં કરવાના અને પછી નવા સર્જકોની ફોરમને નવાજવાના, વાત નાનીસુની નથી,બેઠકનું સદભાગ્ય છે કે આવા ગુરુ મળ્યા છે.મોસમ તો આવે અને જાય પણ અને માળી કાળજી કરીને પાનખરનો ઓછાયો પણ ન પાડવા દે ત્યારે વસંત હૃદયના ઉમળકાથી ખીલે ને ?

સાચું કહું મેં કોઈ વસ્તુ એકલી માણી નથી માટે કોઈ મોસમ મેં માણી હોય તો હું હ્રદયના ઉમળકાથી એ વાત ને વહેતી કર્યા વિના ન રહું. આજે સુરેશ દલાલની કવિતા લખું છું.

હું મિજલસનો માણસ છું

કોઈ પણ વસ્તુ

હું એકલો એકલો માણી શકતો  નથી

એક સારું ગુલાબ જોઉં 

તો પણ મને થાય 

કે કોઈકને બતાવું 

ગુલાબને ચૂંટી લેવામાં 

મને રસ નથી 

પણ ગુલાબ આનંદને 

કોઈકની પણ સાથે ઘૂંટી લેવામાં 

મને રસ છે.

 

એમનો ત્રીજો વાર્તાસંગ્રહ ‘સંબંધ ‘ તૈયાર થઈ જશે.પુસ્તકનું ટાઇટલ તમને જોવા મોકલું છું.કુલ 19 વાર્તાઓ છે.અમદાવાદ નવભારત સાહિત્યમંદિર પબ્લિશ કરશે.તે પછી ડાયસ્પોરા વાર્તાસંગ્રહ ડો.બળવંત જાનીની સહકારથી તૈયાર થશે

મનની મોસમ – લલિત નિબંધ (16)જે જીવ્યા એજ મોસમ

મનની મોસમ …જે જીવ્યા માણ્યું એજ મોસમ ….’મૌસમ ‘ શબ્દથી તો આપણે સૌ પરિચીત છીએ. જિંદગીના જેટલાં વર્ષો જીવ્યાં એટલી મૌસમનો તો આ દેહને અનુભવ કરવો જ પડે છે. એમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. આપણે ત્યાં વર્ષ દરમિયાન આવતી ત્રણ ઋતુઓ કે છ મોસમને કુદરતે જ ઘડી છે કે જેનો અનુભવ પ્રાણી માત્રને થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ કે હેમંત, શિશિર ,વસંત, ગ્રીષ્મ, વર્ષાઅને શરદ ઋતુને આપણે માણતાં આવ્યા છીએ. અને એનાથી થતી શારીરિક અસરને સહેલાઇથી અનુરૂપ થઇ જઈએ છીએ અને સુખરૂપ માણીએ છીએ.પણ મનની વાત જ જુદી છે.મનની મોસમ તો માનવીમાં રહેલી ઈશ્વર બક્ષી પ્રેમ, લાગણી, દયા, કરુણા, ક્રોધ, સુખ, દુઃખ વિગેરે ભાવનાઓ સાથે સંકળાયેલ છે. તો આપણે જરાં એ વિષે વિચારીએ
હેમંત કે શિશિરની સવારે, આરોગ્યવર્ધક વસાણાનું સેવન અને ગરમાગરમ દૂધમાં બદામ, પિસ્તા અને કેસરનાં ગ્લાસ સાથેની મીઠાશમાં શિયાળાની ઠંડી જરાય નડતી નથી. ટાઢની તકલીફ હોવા છતાં એને ભૂલી જવાય છે અને મનની મોસમ ખીલી ઉઠે છે. ગરમ સ્વેટર ,શાલ અને મફલર લપેટી ઠંડીને જાકારો આપી દઈએ છીએ. સાંજ પડે તાપણી કરી,ફાયરપ્લેસ પાસે બેસી સહ કુટુંબ ટી.વીના શો જોતાં આનંદ માણી લઈએ છીએ. આમ મન આનંદની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. પણ…જો ટી.વીના શોમાં ઠંડીથી થીજવાઇ ને કેટલાક ‘ઘર વિહોણાં લોકો ફુટપાથ પર મૃત્યું પામ્યાં’ આ સાંભળતા કે જોતાં જ ક્ષણવારમાં જ આનંદનો પારો નીચે ઉતરી જશે. આમ દયાળુ માનવીનાં મનની મોસમને કરમાતાં પણ વાર નહિ લાગે.
“વસંત આવી ફુલડાં લાવી ” સૃષ્ટિના અણુએ અણુમાં નવ યૌવન પ્રગટ્યું. કેસુડે ફૂલ ફોર્યા , આંબી મોર આવ્યા કોયલના ટહુકાથી વાતાવરણ ગાજી ઉઠ્યું.વતાવરણ ઉત્તેજિત થઇ ગયું તો માનવીનાં મનની મોસમ ક્યાંથી કાબુમાં રહે? એ આનંદની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. પણ એ ક્યાં સુઘી ? ગ્રીષ્મએ એનું ગુમાન ના ટકવા દીધું. ગ્રીષ્મની એ કાળઝાળ ગરમીએ મનને બેચેન બનાવી મૂક્યું.આમ મનને આનંદથી વિમુખ થતાંય વાર ન લાગી. ચારેકોરથી પ્રાર્થના સંભળાતી થઇ..
“આવો મેહુલિયા, આવો મેહુલિયા
ધરતીનો સાદ સુણી…આવો મેહુલિયા.”
અને..
વર્ષા ના ઓવારણાં લીધા
” એ….ધરતીનો સાદ સુણી , આવ્યો મેહુલિયો;
લીલુડી ચૂંદડી લાવ્યો મેહુલિયો.”
આમ ધોમ ધીખતી ધરતીને ટાઢી પાડવાં અરજી સુણી મેહુલિયો આવ્યો.. પહેલા વરસાદના છાંટાએ ભીની માટીની મહેકથી વાતાવરણને સુંગંધિત કરી દીધું. સૂકી ધરતીને લીલી ચાદરથી મઢી નવો ઓપ આપ્યો..ડુંગરો રળિયામણા દેખાવવાં લાગ્યા.ખેતરોમાં ભવિષ્યની શુભ કામનાઓ સાથે ખેડુતોએ નવા વાવેતરની શરૂઆત કરી દીધી. નદી, સરોવર જળે ભરાયાં. આખી સૃષ્ટિ જળ સમૃધ્ધ બની ગઈ. તો મનની મોસમમાં પણ મોટી ભરતી જ આવે! પણ જ્યાં વાદળ ફાટ્યું , નદીઓમાં પૂર આવ્યાં, માલ મિલકત ને નુકશાન પહોચ્યું કે નિરાધાર માનવીઓ પાણીનાં પ્રવાહમાં તણાઈ જવાનાં સમાચાર જાણ્યાં તો મોસમની ભરતીને ઉતરવામાં જરાય વાર નહિ લાગે !આમ તરત ઓટ પણ આવી જાય.
શરદના પુર્ણિમાના ચંદ્રની ચાંદનીને મનની મોસમ આનંદપૂર્વક માણે છે. રઢિયાળી રાત્રીએ ગરબા અને રાસની રમઝટ તેમજ દૂધ પૌંઆનો પ્રસાદ મનને પ્રફુલ્લિત કરે છે. રાધાકૃષ્ણ અને ગોપગોપીની રાસલીલાને યાદ કરી સાત્વિક આનંદ મેળવે છે. ચંદ્રના પ્રકાશમાં સરોવર અને સરોવરમાં ખીલેલાં કમળની સુંદરતાનું વર્ણન શું કરવું? એ તો કવિ શ્રી કાલિદાસ જ કરી શકે!
આમ મનની મોસમ પરિસ્થિતિને અનુરૂપ થઇ એક ક્ષણમાં હિમાલયને શિખરે પહોંચી શકે
અને બીજી જ ક્ષણે પેસિફિકના તળીયા સુધી પહોંચવાને સમર્થ છે અને..કુદરત જ્યાં સુધી સૌમ્ય સ્વરુપ ધારણ કરે ત્યાં સુધી મનની મોસમ એને પ્રેમપૂર્વક સ્વીકારશે અનુભવશે અને આનંદ કરશે. પણ જ્યાં કુદરત વકરી, અને એણે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું તો કોઈ ક્યારેય મનને બહેલાવી નહિ શકે.

 

 

 

Fulvati Shah
Sunnyvale, CA.

મનની મોસમ – લલિત નિબંધ (15)સતચિત્તઆનંદ

મનની મોસમ – સતચિત્તઆનંદ

એવું સાંભળ્યુ છે અનેક ભ્રહ્માંડ છે, તેમાં એક ભ્રહ્માંડની અંદર જે ગેલેક્ક્ષીમાં સ્થિત પૃથ્વીને સુંદર માનવામાં આવે છે.અતિશય સુંદર વસુંધરા પર ઈશ્વરે આપણને બુધ્ધિશાળી પ્રાણી મનુષ્ય બનાવીને જન્મ દીધો. જીવવા માટે કેટલી બધી સુવિધા ! વહેતા ઝરણા,નદી,પર્વત,અમુદ્ર.વૃક્ષ,મહેકતાં ફુલ,હવા,પાણી વગેરે સુંદર પ્રકૃતિની અણમોલ ભેટ અર્પણ કરી.પાણી, હવાનુ કોઈ મુલ્ય નહી ચુકવવાનુ, પરંતુ આ પાણી અને હવાને ગરમ ઠંડા કેવી રીતે કરવા, વૃક્ષોમાંથી આશિયાના કેવી રીતે બનાવવા એવું મગજ અને બુધ્ધિ આપ્યાં. મનની આ મોસમને અદભુત નહી તો બીજું શું કહીશું ? જંગલી અવસ્થામાં જીવતો મનુષ્યના મનની આ મોસમે માણસને ક્યાંથી ક્યાં પહોચાડી દીધો !વિજ્ઞાનની શોધખોળ અને પ્રગતિ કરીને પરમાત્મા, જેણે આપણુ સર્જન કર્યુ તેને જ આ માનવી શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે.મનુષ્યના મનમાં શક્તિનો અઢળક ખજાનો છુપાએલો રહ્યો છે, પોતે અનજાન છે, ધારે તો શું ના કરી શકે ?દુખ એ વાતનુ છે સંસારની મોહમાયામાં એટલા બધા રચ્યા પચ્યા હોઈએ છીએ ઈશ્વરે જે આપ્યુ છે તેનો વિચાર કરવાનો કોઈની પાસે સમય નથી.સમય છે ફક્ત બધીજ વસ્તુ માટે ઈશ્વરને ફરિયાદ કરવાનો ! દરેક વસ્તુ માટે ઈશ્વરને જવાબદાર માને છે.હે પ્રભુ તેં મને આટલુ બધું દુખ કેમ આપ્યુ ? તૂં આમ કરજે અને તૂં તેમ કરજે. કર્મનુ પોટલુ જાતેજ બાંધ્યુ હોય, અરે પોટલુ નહી પર્વતો ખડા કર્યા છે, ત્યાં ભગવાન  શું કરે ?

મનની અદભુત મોસમને કારણ માનવનુ અસલ સ્વરૂપ ‘સત્ત-ચિત-આનંદ’ છે.સત્વગુણ,રજોગુણ,તમોગુણને કારણ સુખ-દુખ એ તો ખાલી ખોટા ભ્રમ છે. પ્રેમ અને આનંદ સીવાઈ બીજું કંઈ નથી. પોતાની અંદર જે આનંદ છુપાએલો છે તે કોઈ જોઈ શકતું નથી. આનંદ બહાર શોધવા માટે તો માણસ પાપ પુણ્યના ઢગલા ઉભા કરે છે. ’હું’ થી પીડાતો માનવી પોતાને શક્તિશાળી માને આજકાલ લોકો પોતાની માનવતા મરી પરવારી હોય તો પણ પોતાની જાતને જ ભગવાનનો દરજ્જો આપે છે. આદીલ મન્સુરીની એક ગઝલની લાઈન યાદ આવી ગઈ “ માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો, જે કંઈ બની ગયો એ બરાબર બની ગયો “

સંસારની અંદર દરેક મનુષ્યના મનની ઈચ્છા તો હોય તેની અંદર સદાય વસંત ખીલેલી રહે પરંતું એવું બને છે ખરું ? અરે ઘણી વખત તો એક દિવસમાં જ લોકો અલગ અલગ ઋતુ જીવતાં હોત છે. આખા દિવસમાં મુડ બદલાતો હોય.ઘડીકમાં ખુશ તો ઘડીકમાં દુખી દુખી !જે છે તેની અવગણના કરે અને જે નથી તેની અપેક્ષા રાખવવાથી દુખ ઉભુ ન થાય તો શું થાય.ઈશ્વરે જે આપ્યુ છે તેમાં ક્યારેય સંતોશ નથી મળતો,ખુશી હોતી નથી, જે મળ્યુ છે તે ઓછુ પડે છે. પોતાની પાસે જે છે તેમાંથી ખુશી નથી મળતી, બીજા પાસે જે છે તે જોઈને જીવ બળ્યા કરે તેને સુખ ક્યાંથી મળે ?બધી વાતમાં પોતાનો અહમ આડે આવતો હોય છે, હું કોઈનાથી કમ છું ? અહમનુ વિસર્જન થાય તો કોઈ વસ્તુનુ સર્જન થઈ શકે.મનની મોસમ કેવી રાખવી એ આપણા જ હાથમાં છે.

કોઈક જ એવા વીરલા હોય જે હમેશાં પ્રેમ અને આનંદમાં જીવતાં નીજાનંદમાં મ્હાલતા હોય, પોતાની મસ્તીમાં આનંદમાં જીવતા હોય.નીજાનંદમાં જીવનાર ને લોકો પાગલ કહીને બોલાવે.પોતાની અંદર મસ્ત બનીને જીવવું અઘરું છે.કૃષ્ણ પ્રેમમાં પાગલ મીરાબાઈ રાજપાટ,વૈભવ છોડીને નીજાનંદમાં જીવ્યાં છે, પત્નીનુ મૃત્યુ થતાં નરસિંહ મહેતા બોલ્યા “ભલુ થયુ ભાગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ”  આપણે આવું બોલી શકીએ ? ભક્તિની મસ્તી, કૃષ્ણ પ્રેમની મસ્તી જેના મનમાં હોય,બારેવ માસ હર ક્ષણ વસંત ખીલેલીજ રહે, મનની મોસમમાં કોઈજ ફરક નહી ! અખંડ આનંદમાં જ રહે.આનંદ-આનંદ-આનંદ, જે આપણુ અસલ સ્વરૂપ છે.ઉપર જણાવ્યું તેમ મનની અદભુત શક્તિને ભુલીને સંસારી માણસનુ મન ચાર તરફ ભટકતું રહેતુ હોય ત્યાં મનની મોસમ એક સરખી ક્યાંથી હોય ? પોતાની જાતેજ આધી-વ્યાધી –ઉપાધી ઉભી કરેલી છે.તૂંડે તુંડે મતિ ભીન્ન, સ્વભાવીક છે દરેકના વિચારો પણ અલગ અલગ હોય. દરેક વ્યક્તિના સ્વભાવ પ્રમાણે તેના વિચારો,તેનુ વર્તન, તેની આશાઓ,ઈચ્છાઓ મનની અંદર હોય છે.આપણે હકારાત્મક વિચારીએ છીએ કે નકારાત્મક, નકારાત્મક વિચારો દુખ દીવાય કંઈ લાવી ન શકે.સારુ વિચારીએ એટલે બધુ સારુ જ થવાનુ છે.જીવનનો ધ્યેય શું છે ? શું પામવું છે ? તેના આધારે તેનુ વર્તન હોય.આપણા વિચારો પવિત્ર હોય તો પુરો સંસાર સુંદર નજર આવે.પરંતું દુખ એ વાતનુ છે મનની અંદર મંથરા છુપાઈને બેઠી છે.દુનિયા સુંદર ક્યાંથી દેખાય ? મંથરા જ્યાં સુધી છુપાઈને બેસે ત્યાં સુધી શાંતિ છે,બહાર ડોકીયાં કરે કે જેવી બહાર નીકળે તો ટોરનેડો કે સુનામી આવી જાય એટલે ઉથલ પાથલ મચી જાય.મંથરા ઈશ્વરને વનવાસમાં મોકલી શકે તે પણ ઉદાસીન વ્રત ધારણ કરીને !મંથરા એ કુમતીનુ પ્રતિક છે.કોઈ માને કે ન માને દરેકના મનની અંદર મંથરા છુપાઈને બેઠી છે.ક્યારે અને કેવા સંજોગોમાં પ્રગટ થાય એ ખબર નથી.મંથરા જ તારુ મારુ કરાવવામાં હોંશિયાર છે. તેને મનની અંદરથી જેમ બને તેમ જલ્દીથી બહાર હાંકી મુકે તે સુખી થઈ શકે છે.

હરિન્દ્ર દવેનુ એક સુંદર ગીત છે જે આપણને કેટલુ બધુ સમજાવે છે. કવીના ઉચ્ચતમ હકારાત્મક વિચારો, તેનો ભાવાર્થ ઘણુ બધુ કહે છે. સામે ગમે તેવી પરિસ્થિતી હોય બસ ખુશી આનંદમાં રહેવાની વાત સમજાવી છે.છે.

                                  ચાલ, વરસાદની મોસમ છે,  વરસતાં જઈએ,

                                    ઝાંઝવા હો  કે હો  દરિયા, તરસતાં જઈએ.

                        મોતના  દેશથી  કહે  છે  કે  બધાં  ભડકે છે,

                                      કૈં  નથી  કામ,  છતાં ચાલ, અમસ્તાં જઈએ!

                                    આપણે ક્યાં છે  મમત  એક જગાએ  રહીએ,

                                   માર્ગ માગે છે  ઘણાં,  ચાલને, ખસતાં   ઈએ

                                   સાવ  નિર્જન છે  આ વેરાન,  બીજું શું કરીએ,

                                   બાંધીએ  એક નગર,  ને જરા  વસતાં જઈએ.

                     તાલ  દેનારને  પળ  એક  મૂંઝવવાની   મઝા,

                                  રાગ  છેડ્યો છે રુદનનો,  છતાં હસતાં જઈએ.

 

 

 

 

 

 

હેમાબેન પટેલ

https://hemapatel.wordpress.com/

મનની મોસમ – લલિત નિબંધ (14) “ મનની મોસમ કેમ કળાય?”

  મનની મોસમ શબ્દની સાથે મનની ભીતર કેટલાય ચિત્રો ઉપસ્થિત થઈ જાય, પ્રકૃતિ હોય, પ્રાણી હોય, ,પક્ષી હોય જીવ જંતુ હોય આમ આખું બ્રહ્માંડ નાનકડા મનમાં સમાય જાય. આપણા દેશમાં પ્રકૃતિની મોસમ ૧૨ મહિનામાં ૬ આવે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ,વર્ષા, પાનખર. અહીં અમેરિકામાં તો ચાર મોસમ જ ગણાય છે, દર ત્રણ મહિને મોસમ બદલાય, માર્ચની ૨૧ થી સ્પ્રીંગ,(વસંત) ,૨૧મી જુનથી સમર,(ઉનાળો) , ૨૧મી સપટેમ્બરથી ફોલ (પાનખર ),અને ૨૧ડીસેમ્બરથી વિન્ટર (શિયાળો). દરેક મોસમમાં આવતા વિવિધ તહેવારો, વિવિધ ફૂલ ફળ..વિવિધ વાનગી નાના મોટ સહુના મનની મોસમમાં વિવિધતા લાવે.

અમે ગયા મહિનામાં સાસણ ગિરના પહાડો અને જંગલમાં ફરતા હતા, ગિરમાં તો સિંહ જોવા જ સૌ જાય, અમે પણ ગિરના સિંહ જોવા સફારીમાં રોજ જતા સૌના મનમાં જુદા જુદા વિચારો , કંઇક કૌતક જોવા મળશે  સિંહ અને સિંહણ પ્રેમ ગોષ્ટિ કરતા હશે ..સિંહણ સિંહની કેશવાળી પંપાળતી તેના શરીર સાથે ગેલ કરતી સિંહને જગાડતી હશે…અત્યારે તો વસંત ઋતૂ ,ઋતૂઓનો રાજા ,ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને વિભૂતિ યોગમાં અર્જુનને કહ્યું છે, “ॠतूनाम् कुसुमाकरः”। ભગવાન જે ઋતૂમાં વશે છે તે ઋતૂમાં પશુ, પક્ષી, માનવ, જગતના સર્વ જીવના મનની મોસમ વિવિધ રંગોથી મહેકી ઉઠે જ અને તે મહેક પોતાના પ્રિયપાત્રને પહોંચાડવા મન થનગનાટ કરતું પહોંચી જ જાય.

                                                    

સિંહણની  પ્રેમ નીતરતી એક આંખ અને આગલો એક પગ, બિજો પગ અને આંખ સિંહની ભરાવદાર કેશવાળીમાં છૂપાય ગયા છે, સિંહણના પાછલા પગ સિંહના પાછલા પગ અને પૂંછ વચ્ચે …સિંહ અને સિંહણના પ્રેમમાં મગ્ન મન અને તન ઋતુ રાજ વસંત માણી રહ્યા છે…સિંહણ સગર્ભા થાય છે. કહેવાય છે કે ત્યારબાદ આ સિંહ અને સિંહણ પતિ પત્નિની જેમ સાથે રહે છે, સિંહ સિંહણને પ્રોટેક્ટ કરે છે, પોતે બીજી સિંહણથી દૂર રહે છે.૧૨ થી ૧૮ મહિને સિંહણની પ્રસુતિ થાય છે, ત્યારબાદ સિંહણ પોતાના બચ્ચાને લઇને સિંહથી દૂર ચાલી જાય છે, કહેવાય છે કે સિંહ ભૂખ્યો થાય તો બચ્ચાને પણ મારી નાખે. સિંહણ બચ્ચાની સંભાળ લે છે, બચ્ચુ પગ ભર થાય ત્યાં સુધી જ.

મારા પતિ ફોટૉગ્રાફીના શૉખીન તેમના મનમાં તો ક્યારે કંઈક નવું જોવ અને કચકડામાં મઢી લવ તે જ વિચારો દોડતા હોય, બે ત્રણ વખત ડ્રાઇવરને ઝીપ ધીમી કરવા કહ્યું, એક વખત તો ઉભી રાખવા કહ્યું ડ્રાઇવર ઉભી તો ના રાખે પરંતુ ધીમી જરૂર પાડે જેથી ફોટા પાડવાના શોખિન જીવની મનની મનસા પૂરી થઈ શકે, જેવી  ઝીપ ધીમી પડે કે તુરત અમારા મિત્રના પત્નિ પન્નાભાભીના હ્રદયના ધબકારા વધવા માંડે ભાઇ જલ્દી ફોટા પાડી લ્યો સિંહ ભુખ્યો હશે તો હમણા આપણી તરફ દોડતો આવશે, દિલુભા ઝીપ આટલી ધીમી નહી કરો.અમારી સાથે ચૂડાના બાપુ પણ હતા તરત ભાભીને શાંત પાડ્યા, ભાભી સાહેબ સિંહની ઝડપ કરતા આપણી ઝીપ વધુ ઝડપે દોડશે એટલે તમે ચિંતા નહી કરો અત્યારે તો સિંહ તેના કુટુંબ સાથે ખાઇ પીને આરામ કરે છે.

  જુઓ સિંહ અને સિંહણ બન્નેની આંખો સંતુષ્ટ અર્ધ ખુલ્લી છે, બચ્ચાને  પિતાએ બેઉ આગલા પંજામાં લઇ સુરક્ષીત ગોદમાં લીધુ છે, બચ્ચુ માતા પિતા તરફ જોઇ રહ્યું છે, તેના નેત્રો જાણે પૂછી રહ્યા છે મને પકડી કેમ રાખો છો?મને છુટ્ટા જંગલમાં ફરવું છે, જવા દ્યો , માતા પિતાને બચ્ચાનું મન ક્યાં જાણવું છે, તેઓ બન્ને સુખથી આરામ ફરમાવી રહ્યા છે.

ગીર વિસ્તાર દીપડા માટે પણ જાણીતો છે, દીપડા એશિયા અને આફ્રિકાના અમુક વિસ્તારમાં જ જોવા મળે છે, ભારતના ગીરના જંગલમાં અચુક જોવા મળે હાલમાં દીપડા ઇન્ડેન્જર પશુજાતિમાં ગણાય છે તેનું કારણ વિકસતો ફર ઉદ્યોગ, દીપડાનું સુંવાળું ફર સ્ત્રીઓના જેકેટ, બુટ, પર્સ ,બેલ્ટ વગેરે બનાવવામાં વપરાય છે.કદાચ બીજુ કારણ દીપડા એકલસુયા હોય છે, એકલા રહેવાનું પસંદ કરે તેથી શિકારીનો ભોગ બની જાય છે. અમારા બધાની ઇચ્છાને માન આપી બાપુ અમને દીપડા જોવા લઇ જવાના હતા, દીપડા તો રાત્રે જ બહાર નીકળે દિવસ દરમ્યાન દીપડા ઘટ્ટ જાડીમાં, તો કોઇ ઘટાદાર વૃક્ષ પરની જાડી ડાળી પર  કે કોઇ વળી નાના પહાડ પર આરામ કરતા હોય.

સાંજનું વાળુ (સાંજના ભોજનને કાઠીયાવાડમાં વાળુ કહેવાય) સ્થાનિક દેશી માલધારી નેસડા વાસી ચારણ બહેનોએ બનાવેલ, દેશી બાજરીના રોટલા વાડીના રીંગણાનું ભરથું ગીરની ગાયનું દૂધ, દહીં, માખણ ગોળ.બધાએ આનંદથી દેશી ભોજન માણ્યું. રાત્રીના નવ વાગે સહુ ઝીપમાં જગ્યા પસંદ કરી ગોઠવાય ગયા. આજે દીવના રસ્તે જઈ રહ્યા હતા ઝીપ ૬૦ થી ૭૦ કીલોમિટર સ્પીડમાં દોડી રહી હતી, રસ્તા પર નહી જેવો ટ્રાફીક હતો, બધાની નજર બન્ને બાજુના જંગલમાં ફરતી હતી ત્યાં ઝીપ અચાનક ધીમી પડી, બાપૂ બોલ્યા ડાબી બાજુની જાડીમાં દીપડૉ ધીમી ચાલે ચાલી રહ્યો છે. બધાની આંખો પહોળી થઈ, લગભગ સાત ફૂટ લાંબો દીપડૉ અમારી ઝીપની પેરેલલ ચાલી રહ્યો હતો, લગભગ રસ્તાથી ૨૦ થી૨૦ ફૂટના અંતરે, બધાના જીવ તાળવે ચોટી ગ્યા, વસંત ઋતુની સોહામણી તારા મઢેલ રાત્રી ની ઠંડકમાં પણ બધાના કપાળેથી પરસેવાના બિંદુઓ ટપકવા લાગ્યા. જોકે મારા પતિ અને બાપૂને ફોટા પાડવાનો સારો મોકો મળ્યો, અડધો કીલોમિટર દીપડો અને ઝીપ સાથે ચાલ્યા, દીપડૉ ઝીપ તરફ જોતો પણ નથી તેના મનમાં શું હશે? અચાનક દીપડાએ અમારી ઝીપની આગળથી રસ્તો ક્રોસ કર્યો જમણી બાજુના વૃક્ષની પાછળ ઉભો રહ્યો , ડ્રાયવરે ઝીપ પાછળ લીધી ૫૦ ૬૦ ફૂટના અંતરે ઉભી રાખી. દીપડો વૃક્ષ પાછળથી નીકળી થોડું ચાલ્યો અને રસ્તો ઓળંગી પાછો ડાબી બાજુ ઓપોસીટ દીશામાં ચાલવા લાગ્યો, અમારી ઝીપ પણ અમારા ઉતારા તરફ ૬૦ થી ૭૦ કીલોમિટરની ઝડપે દોડી.

   કહેવાય છે કે દીપડા ૨૦ ફૂટ લોંગ જંપ કરી શકે છે, અને ૧૦ ફૂટ હાઇ જંપ કરી શકે છે. અમારા સહુના જીવ હેઠે બેઠા. સહુના મનનો ગભરાટ ભાગી ગયો, સહુનું  મન જિંદગીમાં અનોખુ સાહસ ખેડ્યાનો આનંદ માણી રહ્યું. સહુએ બાપૂ અને ડ્રાયવરનો હાર્દિક આભાર માન્યો.  બાપૂ તો સાવ નિર્લેપ, તેઓની તિક્ષ્ણ નજર તો બીજા પશુ પક્ષીને શોધવામાં અને ફોટા પાડવામાં વ્યસ્ત..

   

 ડો ઇન્દુબહેન શાહ

       હ્યુસ્ટન ટેક્ષાસ  

   

  

   

 

 

 

ફોનઃ ૨૮૧ ૭૮૨ ૬૮૬૩

http://www.indushah.wordpress.com

  

મનની મોસમને ઉછેરતા બળવંતભાઈ જાની

 

મનની મોસમને ઉછેરતા બળવંતભાઈ જાની મનની મોસમના અનેક રંગ. કયો રંગ કયારે મળે અને કયારે છવાઈ જાય એની ખબર જ ન પડે અચાનક જેમ મોસમ બદલાય તેમ કોઈ આપણે ત્યાં આવે અને ઋતુ બદલાઇ જાય, કોઈ ઝીણી ઝીણી કાળજીમાં પોતાપણાંની સુવાસ લઈને આવે અને બસ પછી મનની મોસમ ખીલે…

બળવંતભાઈ જાની ને મળવાનો મોકો મને બે એરિયામાં ગાર્ડીના એવોર્ડ પ્રસંગે અમેરિકા આવ્યા ત્યારે મળ્યો અમે “બેઠક”માં ખાસ એમનો એક પ્રોગ્રામ ગોઠવ્યો એ પહેલા એમને મારે ત્યાં જમવા લઇ આવવાનો મોકો અનાયસે જ મને મળ્યો,આટલી મોટી વ્યક્તિને મળવાનો આનંદ અને ઉત્સાહ સાથે હું મારી મિત્ર દર્શના સાથે એમને લેવા ગઈ..પણ હું કદી ન ભૂલી શકુ તેવો એક પ્રસંગ એમની હાજરીમાં નહોતો બનવો જોઈતો તેવો બન્યો એક સમાજની ખુબ આગળ પડતી વ્યક્તિ વડીલે બળવંતભાઈ અને અંબાદાનભાઈની હાજરીમાં મને અપશબ્દો કહ્યા મારી આંખમાં ઝળહળિયા આવ્યા. અમે ત્યારે એકબીજાને ખાસ ઓળખતા પણ નહોતા, માત્ર કેમ છો? અને જય શ્રી કૃષ્ણ જેટલોજ પરિચય પણ તેમ છતાં એ અપમાન એમનાથી ન સહેવાયું ઉભા થઇ ગયા આવા શબ્દો કેમ બોલાય ?. એક સ્ત્રીના અપમાની વાત હતી. એમનું આટલું સંવેદશીલ વ્યક્તિત્વ હશે ! હું જોઈ રહી.બહારથી ખબર ન પડે તેવી પ્રતિભા દેખાણી! વાત મારી નહોતી સ્ત્રી પ્રત્યેના તેમના ઉચા વિચારની હતી. એમના સ્ત્રીના પ્રત્યેના આદર્શની અનુભૂતિ થઇ. મને કહે જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે.’જ્ઞાન પુસ્તક પુરતું નહિ પણ જાગ્રત દેખાણું .અને એમણે કહ્યું, “તમે ભલે શાંતિથી સાંભળ્યું પણ મારાથી આંખ આડા કાન નહી થાય.એક અધ્યક્ષ પદને શોભાવે તેવી વાત હતી,ઘણાના મોઢે સાંભળ્યું હતું કે ડૉ.બળવંત જાની એટલે ચતુર્ભૂજ, ચતુર્વર્ણ અને ચતુર્યુગીય સારસ્વત વ્યક્તિત્વ…પણ આ વાક્ય પ્રત્યક્ષ એક અનુભવે પુરવાર કર્યું ….આટલું નમ્ર,લાગણીસભર,સંવેદશીલ વ્યક્તિત્વ હશે તેવું ધાર્યું નહોતું, મને કહે હું રાજકોટનો. મેં કહ્યું તો મારા મોસાળ થી આવ્યા કહેવાવ, અંબાદાનભાઈએ કાઠિયાવાડી ભાષામાં કહ્યું કે તમે તો અમારા ભાણીબા કહેવાવ અને બળવંતભાઈ પણ પ્રેમથી બોલ્યા ભાણીબા!..અને હું એ ભાઈનું બધું અપમાન ભૂલી ગઈ અને મનની મોસમ ખીલી ગઈ શબ્દો હૃદય અને મન સુધી પહોંચ્યા. કેટલો આપણાપણાનો ભાવ! .. પ્રેમ આમ જોવા જઈએ તો દરેક મનુષ્યના અંતરની મહાન ગરજ છે અનેક રૂપે અનેક નામે પ્રગટ થાય અને મામા બનીને કોઈ આવે ત્યારે માં અને પિયરની સુગંધ લઈને આવે,અમે સાથે જ્મ્યા અને બીજે દિવસે તો દરિયે સૌ સાથે રમ્યા સમી સાંજના ગુલાબી અને કેસરી રંગને સૌએ સાથે બાળકની જેમ માણ્યા. પ્રેમ ઈશ્વરનું અને દિવ્ય જીવંત પ્રકૃતિનું સુંદર પ્રતિબિંબ છે એ વાત સમજાઈ ગઈ… ઘરે ગઈ ત્યારે મારા મને સવાલ કર્યો હું ગાર્ડી રિસર્ચના એક વડા અધ્યક્ષ ને મળી કે મામાને ?

બળવંતભાઈ અને અંબાદાનભાઈ ઘરે જમવા આવ્યા ત્યારે દર્શના અને મેં ઘણી વાતો કરી એમના ડાયાસ્પોરા સાહિત્ય પરના સંશોધન ઉપર ઘણી ચર્ચા કરી. ઘણું નવું જાણ્યું . તેઓ ડાયસ્પોરા એવોર્ડ કમિટીમાં,ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર ગુજરાતી ભાષાના સમિતિના સંયોજક છે.ડો.બળવંતભાઈ જાનીએ દેશવિદેશની યુનિ. માં અધ્યાપકની સેવા આપી છે.ઉત્તર ગુજરાત યુનિ.ના કુલપતિ હતા.હાલ સૌરાટ્ર યુનિ.ના ગુજરાતી ભાષા સાહિત્યભવનના અધ્યક્ષ છે.હાલમા એ ડાયાસ્પોરા સાહિત્યમાં સંશોધન કરીને એ વિષય પર ગ્રંથો લખી રહ્યા છે.શ્રી બળવંતભાઈ ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ફોર ડાયાસ્પોરાના અભ્યાસમાં ઓનરરી ડાયરેકટર છે.હું અને દર્શના અધધ થયી ગયા ક્યાં એક નાનકડી પાઠશાળા જેવી આપણી “બેઠક” અને ક્યાં બળવંતભાઈ, અંદરથી આનંદ હતો ખુબ મોટી વ્યક્તિ “બેઠક”ના આંગણે આવશે, ખુબ શીખવા મળશે.મેં અમારી બેઠકના સર્જકોનું પુસ્તક દેખાડ્યું.વાત વાતમાં જાણવા મળ્યું કે શ્રી બળવંતભાઈ જાનીએ યુરોપમાં જઈને ડાયાસ્પોરાનો અભ્યાસ કર્યો તો એમણે ત્યાંના ઘણાં સર્જકો અને એમના સાહિત્ય વિષે વાતો કરી ..સર્જકો ઉપર એમણે ૧૮ જેટલાં ગ્રંથો લખ્યાં છે.યુરોપમાં એમણે શોધ કરી તો ૨૭ લેખિકાઓ છે..આ ગ્રંથો સિવાય બીજા ૧૦૦ જેટલાં ગ્રંથો લખ્યાં છે જેમાં મધ્યકાલીન સાહિત્ય, સંત સાહિત્ય, ભારતીય ચારણી સાહિત્ય અને લોક સાહિત્ય શામિલ છે.એમણે ત્રણ મૌલિક પુસ્તકો પણ લખેલાં છે.એ સિવાય અમુક ગ્રંથોનાં હિન્દી અંગ્રેજીમાં અનુવાદ પણ કરેલ છે.આ સિવાય એ એક સાહિત્યના મોટા વિદ્વાન છે.મારું આ લખાણ અને પુસ્તક ખાલી સૂરજ આગળ દિવો બતાવવા જેવું છે. અમારે ત્યાં માતૃભાષાના સંવર્ધનનો મહાગ્રંથ હતો, મામાએ જોયો, (બળવંતભાઈ જાની )એમણે જાતે ઉચકી ખોલીને જોયો, કાળજીથી પાના ફેરવી વાંચ્યો ને બોલ્યા “ખુબ મહેનત કરી છે”.મન તરત બોલ્યું, કેવી માતા જેવી દ્રષ્ટિ અને કદર! અમારા પુસ્તકો પણ વાંચ્યા હવે મેં ગાર્ડી રિસર્ચના વડાની અનુભવી દ્રષ્ટિને જોઈ,એ બોલતા હતા અને મેં બળવંતભાઈની વિડીયો લીધી અનેક વાતો જાણી એમણે, મને, તમને અને સામાન્ય સર્જકને સમજાય તેવી ભાષામાં ખુબ સુંદર વાતો કરી, એમની સદભાષી,મિતભાષી વાતો શીરાની જેમ ગળે ઉતરી ગઈ,પ્રોત્સાહન પણ આપ્યું, તમે પરદેશમાં,સ્વકેન્દ્રી વાતાવરણમાં રહીને માતૃભાષાનું જતન કરો છો તે ખુબ મોટી વાત છે. તમારા ભાષા સંવર્ધનના પાયામાં “પુસ્તક પરબ” અને તેના પ્રણેતા પ્રતાપભાઈ પંડ્યા છે અને વાંચન સાથે સર્જન કરતા સંવર્ધન થાય છે ત્યારે ગુજરાતી ભાષાનું ભવિષ્ય ઉજળું વર્તાય છે. આ ગ્રંથની અને તમારી મહેનતની નોંધ લેવાશે અને જરૂર લેવાશે..મને કહે તમે લશ્કર પાસેથી સેનાપતિ ઝુંટવી શકો પણ માણસ પાસેથી તેનો સંકલ્પ નહિ, હું “બેઠક”ના કાર્યને સંકલ્પને અને લીધેલા યજ્ઞને બિરદાવું છું હ્યુસ્ટન સાથેના તમારા સહિયારા કાર્યને માટે માન છે.આ કામ ખુબ વાંચન સાથે ચાલુ રાખો,ગાર્ડી રીસર્ચના એક અધ્યક્ષ બોલ્યા અને મેં મનની મોસમના નવા રૂપને જોયું, કશુક પામ્યાના અહેસાસે કુંપળને ખોલી સુગંધ પ્રસરાવી, વસંત ખીલી મનની મોસમે જ્ઞાન અને ભાષાનું એક રમ્ય ભવ્ય અને દિવ્ય રૂપ દેખાયું આપણા શરુ કરેલા યજ્ઞમાં અને આપણા પ્રગટાવેલા કોડિયામાં બળવંતભાઈએ પ્રેરણારૂપી ઘી પૂરી દીપમાળા પ્રગટાવી અને વસંત નો કેસરવંતો રંગ ચોમેર છવાઈ ગયો. -પ્રજ્ઞા- મનની મોસમના અનેક રંગ કયો રંગ  કયારે મળે અને કયારે છવાઈ જાય એની ખબર જ ન પડે અચાનક જેમ મોસમ બદલાય તેમ કોઈ આપણે ત્યાં આવે અને ઋતુ બદલાય જાય, કોઈની જીણી  જીણી  કાળજીમાં પોતાપણાંની સુવાસ લઈને આવે અને બસ પછી મનની મોસમ ખીલે…

 

-પ્રજ્ઞા-

..

 

 

 

 

 

 

 

 

બળવંતભાઈ જાની ,

એક એવી પ્રતિભા જે જે ગુજરાતી ભાષા ને નખશીખ ચાહે છે.એમને મળવાનો યોગ અહી કેલીફોર્નીયા આવ્યા ત્યારે થયો. મૂળ શિક્ષક જીવ, વાંચવું વંચાવવું અને સાહિત્ય, અને ભાષામાં ઊંડા ઉતરી સંશોધન કરવું. આજે ​વર્તમાન સમયમાં સમાજ જે રીતે ​ગુજરાતી ​માતૃભાષાથી વિમુખ થતો જાય છે અને અન્ય ભાષાથી પ્રભાવિત થતો જાય છે, તેનું સતત વધતું જતું પ્રમાણ જોઈને સમાજના અગ્રણી કેળવણીકારો ચિંતિત છે​,​ ​ત્યારે ​આ પરિસ્થિતિમાં કોઈ માતૃભાષા સંવર્ધન સંદર્ભે જનજાગૃતિ ​કેળવે,શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષાનું ગૌરવ જળવાય આદિ બાબતો તરફ સક્રિય પ્રવૃત્તિ ​કરી માત્ર ભારતમાં જ નહિ પરદેશમાં પણ ગુજરાતી ભાષાને ​ગીતીમય અને સમૃદ્ધ રાખવાનો ​​ પ્રયત્ન ​કરે તે ​ખરેખર ​પ્રસંસનીય છે. ​પરદેશમાં રહેતા ગુજરાતી પ્રજાના હૈયે ​આજે પણ માતૃભાષા માટે ​આદર ​​છે એની નોધ બળવંતભાઈએ લીધી છે અને એ આદરને ડાયોસ્પરા ​દ્વારા રજુ કરી માનવીય સંવેદનાને સાહિત્ય રૂપે સાચવી સાથે માતૃભાષાના કૌશલને વિકસાવવાનો અને ગૌરવને જગાડવાનો ઉદ્દેશ ​જ ​બળવંતભાઈ જાની ની કાર્ય ક્ષમતા નું એક ઉદારણ છે.​
વિશ્વના ​ભાષા​ ​ચાહકો​ને ​પણ માતૃભાષા સંવર્ધન​માં જોડવા અને પરદેશમાં પણ ગુજરાતી પ્રજાને ચેતનવંતી બનાવવી એવા ઉત્તમ વિચારને માત્ર વાતો ન કરતા પ્રણાલિકા જાળવવી ભાષાને ગતિમય ​રાખી આગળ વધવાનો એમનો ધ્યેય મને એમના વ્યક્તિત્વનું એક અલગ પાસું દેખાડે છે. અહી એક વાત ખાસ કહીશ કે ​શ્રી બળવંત જાની હંમેશા ઉતરોતર આપણને સૌ ગુજરાતીઓને ગર્વ અપાવતા રહ્યાં છે​
કોઈ પણ સંસ્થાના અધ્યક્ષ તરીકે સાચી વિચારશીલતા ,શોધક વૃતિ ,સ્વાર્થમુક્ત નિર્ભયતા,અને સ્વતંત્ર વિચારશીલતા હોવી ખુબ જરૂરી છે.બળવંતભાઈ પાસે વિચારો છે સાથે મેં એમનામાં શોધક વૃતિ પણ જોઈએ છે માટે જ એમણે ​લોકસાહિત્ય, ચારણી સાહિત્ય, સંત સાહિત્ય, ડાયસ્પોરા સાહિત્ય ક્ષેત્રે સંસોધન પછી સવાસોથી વધુ પુસ્તકો ​પીર્સ્યા છે.​અને સ્વાર્થમુક્ત કાર્ય કરવા નો તેમનો ધ્યેયએ જ કદાચ તેમને નિર્ભયતા બક્ષી છે.કોઈ ની સત્તા નીચે આવ્યા વગર કામ કરવું અને સાહિત્ય ના ભાવકના વિચારોને અપનાવી, જાળવી, સહકાર સાથે, ઉત્તમ સાહિત્ય આજે પણ સર્જવાના એમના પ્રયત્નો ચાલુ છે. લોકસાહિત્યકાર, સંશોધક અને ડાયસ્પોરા સાહિત્યના પ્રણેતા અને રાષ્ટ્રીય કક્ષાની વિવિધ સંસ્થાઓમાં ઉચ્ચ પદ પર આરૂઢ ડૉ. બળવંત જાની​ ​અનેક ​ક્ષેત્રોમાં માહેર છે​ એ વાત સ્વીકારવી જ રહી ​.
જાનીસાહેબ ​આજે પણ ​શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે સાર્થક રીતે પોતાનું પૂર્ણ યોગદાન ​આપી રહ્યા છે,​જે પ્રેરણા જગાડે તેવું છે.પરિષદમાં વાત સાહિત્યની છે ભાષાની છે સક્રિયતાની છે અને સૌની ગરિમા જાળવીને આપણે ​સાથે ​કામ ​કરવાની છે. ​બળવંતભાઈની ​સાહિત્ય માટેની સક્રિયતા ,​પરિવાર ભાવના​,​ ​અને સેવા ​આપણો ​સૌનો ​પવિત્ર હેતુ બની રહે ​તો ​​સૌ સાથે મળી સાહિત્ય પરિષદ માટે કામ કરી શકાય. અને તટસ્થભાવથી સાહિત્યનું મૂલ્યાંકન​ થાય ​તો ગુજરાતી ​સાહિત્યને વિશ્વ સાહિત્ય જગતમાં ટોચનાં સ્થાને પહોંચવામાં મદદરૂપ ​પણ ​​બને.
ડૉ. બળવંત જાનીને​અમેરિકાની ​ ​’બેઠક’ના સર્જકો વાચકો અને .બહોળા મિત્ર સમુદાયે શુભેચ્છા પાઠવેલ છે.⁠શ્રી બળવંત જાની સાથે વધુ ​મામા જેવી ​આત્મીયતા હોવાંથી એમને ટેકો આપવાનું મારે માટે અગત્યનું રહેશે​.​

 

આપણા કવિ અને નાટ્યકાર ડો. ચિનુ મોદી

vijay 033

શ્રી દીલિપ દવે દોરેલુ તેમનું ઠઠ્ઠાચિત્ર તેમને સર્વાંગ સ્વરૂપે કહે છે આ ગતિશીલ કવિ અને ગતિશીલ એકાંકીકાર છે.તેઓ સતત લખતા-વિકસતા-વિચારતા-શોધતા અને પામતા કવિ હતા. એમની કવિતા વિધ વિધ રૂપે મહોરી છે. છાંદસ, અછાંદસ,ગીત, ગઝલ,કવિતા,પરંપરાગત આખ્યાન્,ખંડકાવ્ય અને નાટ્ય કાવ્યોમાં તેઓ ખુબ ખીલ્યા છે અને હજી પણ તેમની શબ્દનશ્વર દેહની ગેર હાજરીમાં પણ ખીલે છે.

 ડો.ચિનુ મોદી જ્યારે રે મઠમાં એબ્સર્ડ નાટકો કરતા હતા તે સમયથી તેમનો શિષ્ય અને મારો મિત્ર નરેન્દ્ર બજાજને લઈ તેમને ઘરે જ્યારે ચરણ વંદના કરી ત્યારે ઉમળકાથી તેઓ ભેટી પડ્યા…અમેરિકન વિદ્યાર્થી ભારતિય પ્રણાલી ભુલ્યો નથી કહી વહાલથી તેમના કાર્યકારી ટેબલ પાસે લઈ ગયા. હું કેમેરાથી તેમની ઉર્મિ ભરેલી નાટ્ય દુનિયાનાં સંભારણા સાંભળતો અને તેમને કચકડામાં કેદ કરતો રહ્યો..

vijay 030

કવિ શ્રી રમેશ પારેખે તેમના વિશે એક કાવ્યમાં લખ્યુ હતું કે

શ્વેતકેતુ મસ્તક્માં બંડનાં વાયુઓ ભમે
વળી એમાં ગઝલનાં સિક્કાઓનું કારખાનુ ધમધમે..

એજ કવિતાનાં અંત ભાગમાં લખે છે

સાહિત્યનાં સર્વ તીર્થ પગપાળા ઘૂમે
કવિતાયે એ મદ્ય જેમ પીયે અને ઝૂમે

બાંધી શકે નહીં એને કોઇ પણ જેલ
નાટક તો જાણે ડાબા હાથ તણો ખેલ

ચશ્માંમાંથી પ્રેમભરી આંખે જુએ જેને
નખશિખ પોતીકો બનાવી દીએ એને

સંવેદનશીલ કવિ રાવજી પટેલ ડો ચિનુ મોદી માટે લખે છે

ધસમસ આવતી રાતને તેં રોકી લયથી રૂપાળ!
કવિ, શહેરની નિરોઝ્-ક્વોલિ-હેવમોર
તારાં નેત્રપાતાળથી કવિતા બનીને ફૂટે!
કામરૂપ દેશ ફરી અલપઝલપ સામ્પ્રસમય હલાવી નાખે.
નગરનાં સ્તનશિલ્પ ખળખળ વહી જતાં
નાગનાં લીસોટા જેવા ઝેર ચૂસે
રીક્ષાઓનાં વ્હીલ જેવો ઘુમક્કડ
સડકો વીંટીને તારો ભૂતકાળ દોડી જતો જોઇ
સ્લીપીંગ ટેબ્સ પર કબર ખોદીને સૂતો તોય
તુ તો કવિતાનું વૃક્ષ થઇને ફાલ્યો

ઘણા ભૂતકાળનાં સંસ્મરણો બાદ મેં પુછ્યું ભગવાન આવીને એક વરદાન માંગવાનું કહે તો શું માંગો તો તેમનો જવાબ હતો બીજો ભવ પણ હુંતો ચિનુ મોદી જ બનીશ અને જેમ જીવ્યો છું તેમ જ જીવવા માંગીશ…બહુ દિલેરી થી જીવું છું. અને ગમતુ બધું જ ..ઉઘાડે છોગ કર્યુ છે.કવિ અને સાચો તખ્તાનો કલાકાર જ આટલી ખુમારી થી બોલી શકે.તેમની સર્જન સમૃધ્ધી દર્શાવે છે કે તેમણે સાહિત્યનાં ઘણા ક્ષેત્રોને ખેડ્યાં અને ઉચ્ચતમ સાહિત્ય ગુજરાતી ભાષામાં રચ્યું

કાવ્ય સંગ્રહ્ કાળો અંગ્રેજ ૧૯૯૨ હુકમ માલીક ૧૯૮૪
વાતાયન ૧૯૬૩ માણસ હોવાની મને ચીડ ૧૯૯૬ રાજા મીડાસ ૧૯૯૨
ઉરના નાભ ૧૯૭૪ પીછો ૨૦૦૪ વિવેચન્
ક્ષણો ના મહેલમાં ૧૯૭૨ લીસોટો ૨૦૦૦ બે દાયકા -ચાર કવિ ૧૯૭૪
દર્પણની ગલીમાં ૧૯૭૫ દહેશત ૨૦૦૪ ગુજરાતીમાં ખંડકાવ્યોઃઉભાવ અને વિકાસ ૧૯૬૮
દેશવટો ૧૯૭૮ ચુકાદો ૨૦૦૪ કૃષ્ણલાલ શ્રીધરાણી ૧૯૭૯
શાપિત વનમાન ૧૯૭૬ પડછાયાના માણસ ૨૦૦૮ મધ્યકાલીન ગુજરાતી કવિતાનુંપુનઃમુલ્યાંકન ૨૦૦૮
ઇર્શાદ ગઢ ૧૯૭૯ નિદ્રાચાર ૨૦૦૮ અનુવાદ
બાહુક ૧૯૮૨ ટુંકી વાર્તા વસંતવિલાસ ફાગુ ૧૯૫૭
અફવા ૧૯૯૧ ડાબી મુઠ્ઠી જમણી મુઠ્ઠી ૧૯૯૦ સંકલન
ઇનાયત ૧૯૯૫ છળનાગ ૧૯૯૭ શ્રેષ્ઠ ગુજરાતી ખંડ કાવ્યો ૧૯૯૧
વિ-નાયક ૧૯૯૬ નાટ્કો સંપુર્ણ કલશોર ભરેલુ વૃક્ષ ૧૯૯૫
ઇ ૧૯૯૯ જાલકા ૧૯૮૫ ગમી તે ગઝલ ૧૯૭૬
સઈયર ૨૦૦૦ અશ્વમેધ ૧૯૮૬ ગુજરાતી પ્રતિનિધિ ગઝલો ૧૯૯૬
નકશાં નગર્ ૨૦૦૧ ખલિફાનો વેશ યાને ઔરંગઝેબ ૧૯૯૩
શ્વેત સમુદ્રો ૨૦૦૧ નૈષધ રાય ૧૯૯૬
કલાખ્યાન ૨૦૦૨ નવલશા હીરજી ૧૯૯૫
નવલકથા શુક દાન ૨૦૦૦
શૈલા મજમુદાર ૧૯૬૭ મેમરિ લેન ૨૦૦૮
ભાવ -અભાવ ૧૯૬૯ મત્સ્યવેધ ૨૦૦૬
લીલા નાગ ૧૯૭૧ ઢોલિડો ૨૦૦૮
ભાવચક્ર ૧૯૭૫ બુધ્ધીધન ૨૦૦૮
ગાંધારીની આંખે પાટા ૧૯૭૯ એકાંકી
પહેલા વરસાદનો છાંટો ૧૯૮૭ દયાલનાન પંખી ૧૯૬૭
હેંગ ઓવર ૧૯૮૬ કોલ બેલ ૧૯૭૩

તેમની સિધ્ધિઓ તો અપાર છે જે નીચે દર્શાવેલી છે તેમના બહુમાનો અને ચંદ્રકોથી ભરેલો તેમનો બેઠક ખંડ અત્રે મેં ચિત્ર રુપે જીવંત કરેલો છે.

                                                            

vijay 035

કાર્યસન્માન અને નોંધનીય સિધ્ધિઓ 

 • જન્મ ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૯
 • મેટ્રીક ૧૯૫૪
 • બીએ ૧૯૫૮ એલએલબી ૧૯૬૦ અને એમ એ ૧૯૬૧ ગુજરાત યુનીવર્સીટીમાંથી
 • વિદ્યાવાચસ્પતિ (ડોક્ટર) ૧૯૬૯ ગુજરાત વિદ્યાપીઠમાંથી
 • અધ્યયન અને અધ્યાપન ૧૯૬૧થી ૧૯૯૬ સુધી
 • ડીપાર્ટ્મેંટ ઓફ કલ્ચર દિલ્હી તરફ્થી ક્રીએટીવ લેખક ફેલોશીપ.૧૯૭૮
 • ચેરમેન્, કૃતિ ફીલ્મ કો ઓપરેટીવ સોસાયટી અમદાવાદ ૧૯૭૯
 •  રેડીયો અને ટેલીવીઝન એડવર્ટાઈઝીંગ નો રાપા એવૉર્ડ (ત્રણ વખત્) ૧૯૮૪
 • ગુજરાતી સાહિત્ય પરિષદ સન્માન કાવ્ય બાહુક માટે ૧૯૮૮
 • ગુજરાતી સાહિત્ય અકાદમીનાં મનનીય સભ્ય ૧૯૮૭-૯૧
 • જર્નાલીઝમ અને કોમ્યુનીકેશન વિભાગ એમ એસ યુનીવર્સીટી વડોદરા ના કાર્યકારી સંવાહક અને ડીન ૧૯૯૨-૯૪
 • ગુજરાત રાજ્યનાં મનોરંજન ક્ષેત્રે સ્ક્રુટીનીટી બોર્ડના સભ્ય ૧૯૯૬
 • સંગીત નાટ્ય અકાદમીમાં  ડ્રામા સીલેક્શન કમીટીનાં નિષ્ણાત તરીકે ૧૯૯૬
 • ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા ફેલોશીપ ૧૯૯૭
 • સંગીત નાટ્ય અકાદમી તરફથી ગૌરવ પુરસ્કાર ૧૯૯૯
 • ટ્રાન્સ મીડીયા એવૉર્ડ ૨૦૦૪
 • મેનેજીંગ ડીરેક્ટર ભાષાંતર ભવન ચેરીટેબલ ટ્રસ્ટ અમદાવાદ ૨૦૦૪
 • અત્યંત સન્માનનીય એવોર્ડ નરસિંહ મહેતા પુરસ્કાર ૨૦૦૮.

નિયમીત “શની” સભા ભરતા અને દરેક અઠવાડીયે તાજી ગઝલો સંભળાવતા આ ગુજરાતી ભાષાનાં સર્જક હજી  ઘણું સર્જશે અને ગુજરાતી ભાષાને તેમના સાહિત્યથી સભર રાખશે તેવી શુભેચ્છાઓ સહિત તેમની  રચના “પોટલી” અત્રે મુકી વિરમુ.

પોટલી

પળ ભરેલી પોટલી છે.
તેં જ તો એ મોકલી છે

મોહ નિંદ્ર ત્યાગ સાધો
ખટઘડી આ પાછલી છે

જાતને સંકોચ વીરા
સાંકડી છેલ્લી ઘડી છે.

હું તને ક્યાંથી ઉતારું?
ખૂબ ઊંચી છાજલી છે

હોય લાંબી, લાંબી, લાંબ્બી
શ્વાસની વંશાવલી છે

તું શરણમાં જા સમયની
એક એ બાહુબલી છે

કોણ છે, “ઇર્શાદ” છે આ?
હા ખિસામાં કાપલી છે.

ડો ચિનુ મોદી મારા ગુરૂ જન્..તેથી તે હક દાવે તેમની આ તરો તાજી  ગઝલ હુ મારી સાથે લઈ આવ્યો. આ ક્ષેત્રે નિષ્ણાત હોવા વિશે ચર્ચા કરવી જરૂરી નથી પણ તેમના ચીત્તમાં ચાલતી પાછલી ખટઘડીની આ સુંદર ગઝલ વાત એમણે જ્યારે સંભળાવી ત્યારે હું અને મારો મિત્ર નરેન્દ્ર બજાજ બંને વાહ કહી ગયા…

ખટ્ઘડી પાછલી ની સાથે અનુસંધાન સાંકડી ગલી એકદમ સુંદર્, યોગ્ય અને રોચક છે. પ્રભુને પૃચ્છા કે ક્યાંથી ઉતારું તને ખુબ ઉંચે છાજલી છે કહી પ્રભુ પાસે માનવ સહજ મર્યાદા સ્વિકારી લઈ ગઝલને આધ્યાત્મિક રીતે તેમનુ ઉંચુ ઊડાણ વાચકને દર્શાવી જાય છે.

ગઝલમાં આ નાટકનો જીવ દ્રશ્ય સર્જે છે જાણે તેમના મૃત દેહને ફંફોસતો પોલીસ પુછે છે કોણ છે, “ઇર્શlદ” છે આ?  અને જવાબ મળે છે હા ખિસામાં કાપલી છે.

Vijay Shah વિજય શાહ

વિજય શાહ

 

કવિશ્રી ચિનુ મોદીને ભાવભરી અંજલિ મને ગમેલી તેમની કવિતા દ્રારા – તરુલતા મહેતા

‘ઈર્શાદ ‘

ચિનુ મોદીનું નામ સાંભળી મારા મનમાં 22મી એપ્રીલ 2015ની મારા વતન નડીયાદની સવાર સાંભરી,ઉનાળાની સવાર એટલે તડકો માથે ચઢે તે પહેલાં વહેલી  પરવારી બહાર મંદિર તરફ જવાના વિચારમાં મોબાઈલ  ફોન લીધો,એટલામાં ફોન રણક્યો,ચિનુ મોદીનો હતો.’તરુલતાબેન તમારા વાર્તાસગ્રહ ‘પીગળતો સૂરજ ‘માટે અભિનન્દન,સારી વાર્તાઓ વાંચ્યાનો આનંદ થયો,’ મેં કહ્યું ,’ આભાર,ફોન પર તમારી સાથે વાત કરી આનંદ થયો’ચિનુ મોદી કહે ,’કેટલીક વાર્તાઓ મને વિશેષ ગમી ‘પિતૃ દેવો ભવ ‘,ડી.એન.એ.,’પીગળતો સૂરજ ‘

મેં કહ્યું ,’તમને ગમી તો વાર્તા લખવાનો ઉત્સાહ રહેશે।’ ચિનુ મોદી કહે ‘ ખૂબ લખો,અમદાવાદ આવો તો મળજો।’મેં કહ્યું’,

‘બે દિવસ પછી અમેરિકા જાઉં છુ’ ચિનુ મોદીએ કહ્યું ,’ગૂડ લક ‘.

ચિનુ મોદીની કવિતાની હું ચાહક છું,જીવન અને કવનમાં ક્રાંતિકારી તેઓ  અમદાવાદના ‘રે મઠ’ના કવિ.લાભશંકર ઠાકર, મનહર મોદી,સુરૂપ ધ્રુવ અને બીજા ઘણા કવિઓ સાથે તેમની બેઠક,તેઓ મારા સમકાલીન પણ ત્રણેક વર્ષ

સીન્યર,’રે મઠ’ના નવા ચીલાઓ,પ્રયોગોને આશ્ચર્યથી આવકારીએ અને માણીએ,કવિતા ,નાટક ,વાર્તા ,આત્મકથા બધાજ ક્ષેત્રે એઓએ હલચલ મચાવેલી,કોલેજમાં પ્રાધ્યાપક થયા પછી વિદ્ય્રાથી દ્વારા તેમના નાટકો ભજવાતા જોયેલાં,પરિષદોમાં તેમની ગઝલો માણેલી,અમદાવાદ ,સૂરતના મુશાયરાઓમાં તેમની ગઝલો સાંભળેલી,તમે જ કહો,’ઈર્શાદ’ને દાદ આપ્યા વગર કેમ ચાલે? પ્રજ્ઞાબેનની મહેનતથી આપણને સૌને ‘બેઠક’માં ગુજરાતી ગઝલ,ગીતો વગેરેનું ભાથું મળી જાય છે.એમને પણ મારી દાદ છે.

આજે ચિનુ મોદીના ‘મેમરી લેન’ નાટકનું ગીત આસ્વાદ માટે પસંદ કર્યું છે.આપણા સૌના હદયને સોંસરવું સ્પર્શે તેવું છે.તેમને અમેરિકાની મુલાકાત દરમ્યાન  અનુભવ થયેલો।સર્જકને  પોતાના જીવનમાંથી અને આજુબાજુના સમાજના જીવનમાંથી લેખનની  સામગ્રી મળે છે.વિજાપુર,વતન કડીથી આરમ્ભાયેલી એમની જીવનયાત્રા અમદાવાદને કર્મભૂમિ બનાવે છે.જીવનમાં ધર્મપરિવર્તન જેવા તોફાનનો સામનો પણ તેમણે કર્યો છે.તોફાન અને વિધ્ન વગરનું જીવન સર્જક માટે શક્ય નથી.તેમણે એમના અનેક સંગ્રહોમાં ગઝલ ,ગીત કવિતાનો ધોધ વરસાવ્યો છે.એમાં કોરા રહેવું શક્ય નથી.

‘મેમરી લેન ‘ ‘ઈર્શાદ ‘

આંખોનો વરસાદ નથી કેં મોન્સુનનો રેઇન

રેગ્યુલર રેઇન

ટપક ટપક આંસુ ટપકે તે જૂનાં દૂઝે પેઈન

     આ છે મેમરી લેન.

રસ્તે રસ્તે પડેલ પગલાં ,પગલાં નથી ભૂસાતા

વીતી ગયેલી સૌ વેળાના ચિત્ર ફરી દોરાતાં

કેંક વ ખત ગાંડા લાગે તો કેંક વખત બહુ સ્ત્રેઇન

       આ છે મેમરી લેન.

જૂનું જૂનું સઘળું જૂનું,સૂનાં સૂનાં સ્થાન

આજ સજીવન પાછો બનતાં પહેલાંનો સંધાન

કાટમાળ આ ખસેડવાને :લાવો,લાવો ક્રેઇન

      આ છે મેમરી લેન.

કોઈ પણ સંવેદનશીલ માનવની આંખમાં વીતેલા જીવનની ગલીકુંચીમાં ફરતા પાણી આવી જાય તે સહજ છે.ચિનુ મોદી તેમની એક ગઝલમાં કહે છે,’આ ગઝલ લખવાનું કારણ એ જ છે કે ,આંખને ખૂણે હજી ભેજ છે.’

આંખોના વરસાદ અને ચોમાસાના રેગ્યુલર રેઈનમાં ફર્ક એટલો કે આકાશમાં વાદળો ઘેરાય ,વીજળીના કડાકા થાય

મેઘ ગાજે ને વરસાદ પડે,સૂકી ધરતીની પ્યાસ બૂઝાય,લીલોતરી ખીલી ઉઠે.તે મોન્સુનનો વરસાદ.હદયની  ઊડી લાગણીભીની ભોંયમાંથી વેદના આંખોમાં ખારા,ઉષ્ણ આંસુરૂપે ટપકે  તે આંખોનો વરસાદ.પાણીનો સ્વભાવ ઉપરથી નીચે પડવાનો છે.જયારે અસલી આંસુ હદયમાંથી ઉપર આંખમાં આવી ટપકે છે.વીતેલી પળોના પેઈન જ્યાં ફરી જાગે તે મેમરી લેન દુનિયાના કોઈ પણ શહેર કે ગામની સ્ટ્રીટ હોઈ શકે ,ન્યુ જર્સીની હોય,મીલપીટાસની હોય ,મુંબઈની હોય ,સૂરતની કે અમદાવાદની હોય અથવા મનોમન માત્ર વીતેલા જીવનની હોઈ શકે ,ગુમાવેલા સ્વજનો ,મિત્રોની મેમરી પણ હોય જે ભૂલાતું નથી.હું માનું છું કે યાદ કરવું સહજ છે,ભૂલવા માટે આખી જીદગી ઓછી પડે.

જાણે અજાણ્યે ભગવાન દિવસમાં અનેકવાર યાદ આવે છે.સ્વજનો ,મિત્રો પણ મોન્સુન વગર યાદ આવે છે.

મેમરી લેન જો કોઈ શહેરનો રોડ હોય તો માણસોની અવરજવરમાં અને વાહનોની પૂરપાટ દોડમાં ભૂતકાળમાં પડેલ પગલાંની છાપ ભુંસાઈ જાય પણ સ્મૃતિની કેડીએ પડેલાં પગલાં નથી ભૂસાતા,બાળપણના ગોઠિયા સાથે કરેલી ધીંગામસ્તી ,ભાઈ -બહેનની ફરિયાદો ,પપ્પા -મમ્મીના લાડ ,દાદીમાનો લાડુનો પ્રસાદ સૌની મીઠાશ બોખા કે ચોખઠાવાળા મોમાં રહી હોય છે.યુવાનીના રંગીન દિવસો ,કોઈને ગુલાબનું ફૂલ આપવું તો કોઈ વાર ગુસ્સામાં ચોટલો ઉછાળી ચાલી ગયેલીને જોઈ ‘ફૂલ ‘ બનવું ,મોડી રાતની મહેફિલ અને છાના છપના સપના કેંક વખત ગાંડા

લાગે તો કયારેક નવાઈ પમાડે. આ છે મેમરી લેન.

મેમરી લેન પર ઘડીક લટાર મારી અવાય,પણ એમ ભૂતકાળની યાદોમાં વર્તમાન જીવનને કેમ વીસરી જવાય?

મેધલતાબેનનું કાવ્ય છે,’જીદગીને નોટબુકની જેમ નહિ સ્લેટની જેમ  વાપરવાની છે,લખો -ભૂસો ,જૂનું ભૂસો નવું લખો ‘ ચિનુ મોદી મેમરી લેન ગીતના અંતિમ અંતરામાં એ જ વાત રજૂ કરે છે,જૂની યાદો અને સૂના સ્થાનોમાં

વીતેલું બધું સંજીવન થાય છે,પણ એ તો બધાં ભુંસાયેલા ચિત્રો છે,માત્ર પડછાયા છે,મન પરનો નકામો બોજ છે.

જે રોજ ના જીવનને રુંધે છે.આકાશમાં સૂરજ ઉગે ,નીતનવીન ફૂલો ખીલે ,પવન અડપલાં કરે,પંખી ટહૂકે કોઈને ગઈકાલની મેમરી નથી. જીવન બોજ ઉપાડવા માટે નથી,હળવાશથી આનંદ માણવા માટે છે.આપણા જાણીતા કવિ

નિરંજન ભગત કહે છે.’હું તો બસ ફરવા આવ્યો છુ,ક્યાં મારું તમારું કોઈનું કામ કરવા આવ્યો છું.’

મને ગીતની અંતિમ કડીમાં ચિનુ મોદીનો આગવો મિજાજ દેખાય છે,તેઓ આધુનિક કવિ 1963માં ‘ક્ષણોના મહેલ’ના કાવ્યોમાં હતા અને ‘પર્વત નામે પથ્થર ‘કાવ્યસંગ્રહના કાવ્યોમાં છે.
એટલું જ નહિ આજે પણ  એમનો એવો જ ખંડનાત્મક મિજાજ છે.ભૂતકાળની ધૂળને ખંખેરી કહે છે,’

‘કાટમાળ આ ખસેડવાને : લાવો ,લાવો ક્રેઇન
આ છે મેમરી લેન.

આપણે કામને ઝડપથી સમેટી લેવા ઉતાવળ કરીએ તેમ કવિ ‘લાવો ,લાવો ‘કહે છે,જલદી કરો ,આ યાદોનો કાટમાળ ખસેડો,મોટી મોટી ક્રેઇન લાવો જેથી બોજ હટી જાય ,વર્તમાન જીવનને પંખીની જેમ માણીએ,

‘રેઇન’,’પેઈન ‘,’ક્રેઇન ‘ બધાંને મેમરી લેન સાથેના પ્રાસમાં સરસ ગૂંથ્યા છે.જૂની વાતો સાથે નાતો તોડવાનો એમનો મિજાજ ‘છુટાછેડા ‘નામના અચ્છાદસ કાવ્યમાં પણ દેખાય છે.તેઓ કહે છે,’

આ શહેર,આ શેરી,આ ધર,

આ ડાયરી,આ ચશ્માં,તારું આ ડેન્ચર,

છોકરમત ન કર,છુટાછેડા લઈ લે.’ વાચક મિત્રો આ કવિ જીવનને હકારાત્મક દિશામાં જુએ છે.જીવનના ઉમંગને વધાવે છે,

ચિનુ મોદીના રંગીન મિજાજનું કાવ્ય પણ જુઓ ,

”સોળ વરસની ઉમર,એ તે કેવી ઉમર?

નહી અંદર,નહી બ્હાર,  પગને જકડે ઉબર ,ધરનો ઉબર’

ચિનુ મોદી પ્રયોગશીલ કવિ છે.વિચારોનું સ્વાતંત્ર્ય દાદ માગી લે તેવું છે.અંધશ્રધ્ધા અને જડતાને એમની ગઝલોમાં કટાક્ષમાં ખૂલ્લી પાડે છે.’નામ જવા દે ઈશ્વરનું ગામ આખાનો ઉતાર છે.’ તેમના જીવનમાં સામાજિક ઝંઝાવાતોનો સામનો એમણે હિમતપૂર્વક કર્યો છે.ખમતીધર ચિનુ મોદી ‘ઈર્શાદ’ને એક ગુજરાતી કવિતા પ્રેમીની

ઝાઝેરી સલામ.

આજે ચિનુ મોદીને  આંખમાં આંસુ સાથે મેમરી-લેનમાં મળવાનું રહ્યું.ૐ શાંતિ.

તરૂલતા મહેતા 20મી માર્ચ 2017.

મનની મોસમને “ઈર્શાદ”કહેતા કવિ શ્રી ચિનુ મોદી

મનની મોસમને જીવન અને મૃત્યુ સાથે કેટલો સંબધ ?હું અહી કહીશ કે જીવનથી મૃત્યુ સુધીની માનવીની સફર એ જ મનની મોસમ એને જેટલી ખીલવો તેટલી ખીલે બધું આપણા જ હાથમાં અને માટે ઘણી વ્યક્તિનો જન્મ દિવસ જેટલો જ મરણનો દિવસ અન્ય દિવસ કરતા જુદો જ હોય કારણ તેમના માટે જ્ન્મ્યાનો આનંદ કરતા વધારે જીવ્યા નો આનંદ હોય ,જે જન્માક્ષર નહિ પોતાના હસ્તાક્ષર મુકીને જાય, ઘણાના શબ્દો લોકો કબરમાં એમની સાથે જ દાટી દે જયારે કોઈક શબ્દો થકી જીવે. એક કવિ, એક સંવેદશીલ હ્રદય જયારે બંધ થાય ત્યારે બીજા અનેકને એના ધબકારા એમના ગયા પછી પણ સંભળાય અને મન કહે “ઈર્શાદ”. સમાચાર આવ્યા ગુજરાતના જાણીતા ગઝલકાર સાહિત્યકાર ચિનુ મોદીનું મોડી સાંજે અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. પ્રાર્થનાનો સમય ..એક ક્ષણ વિચાર આવ્યો આ વ્યક્તિ માટે પ્રાર્થના ની ક્યાં જરૂર જ છે ? આ વ્યક્તિ હજી અહી જ છે અને રહેવાની છે એની કવિતામાં ,એના નાટકોમાં ,એની નવલકથાના એકએક પાત્રોમાં ,ગઝલના“ઈશાર્દ”મા… ..

ચીનુકાકાને પ્રથમ વખત મળવાનો મોકો અમે સૌએ ૨૦૧૦માં “ડગલા”માં આમંત્રણ આપ્યું ત્યારે મળ્યો.સીધી સાદી, શાંત, સરળ પણ હસમુખી પ્રકૃતિ, પહેલીવાર મળીએ તો ખબર ન પડે કે આ માણસ છંદ નો જાદુગર છે.તમે ત્રણ કલાક એમની સાથે બેસો તો તમને પણ લખતા શીખવાડી દે. છંદોને કલમની છડીથી જાદુની જેમ ઉતારતા આવડે.શબ્દોમાં જીવનનો આનંદ લુટી જાણે, જિંદગીને ગઝલ થકી ચિક્કાર માણવાની અને પૃથ્વી પર રહ્યાંની ધન્યતાનો આનંદ લેવાનો કોઈ કહે કે ન કહે પણ અંતમાં “ઈર્શાદ” પોતે જ લખે અને પોતની સુગંધ મેળવે. “ઈશાર્દ” ટૂંકા તખ્લુશ (ઉપનામ )થી સંતોષ લેવાનો, કવિ તખ્લુસની અંદર જીવ્યા, એક ધબકતો માણસ પણ ઈશાર્દમાં જ અમર રહ્યો ,એમના પહેલા પુસ્તકનું નામ પણ કેવું “વસંતનો વિલાસ”. જીવન એ મૃત્યુ અને જન્મ વચ્ચે ભગવાને આપેલી વસંતનો વિલાસ છે એમ જાણી માણવાનું અને અંતે એક નાટ્યકારની અદાથી સમય આવે પડદો પાડવાનો અને કહેવાનું …
અલવિદા કહેવાનો અવસર છે ‘ચિનુ’-
ચાલ ઊભો થા અને શણગાર કર.
ક્યારેક પંક્તિઓ પાથરવાની બદલે ગદ્ય પણ સર્જવાનું, વિચારોને પત્રોમાં સર્જવાના,પોતે જે મેળવ્યું તેવું જ બીજાને દેવાનું પછી એ એમનો વિધાર્થી કેમ ન હોય ! લોકો સામાજિક શબ્દ પ્રોફેસર એમના માટે વાપરતા પણ એમનો કોઈ ફર્ક ન પડતો. મુશાયરામાં જતા ત્યારે તાળીઓ એમના કાનને સ્પર્શી જ શકતી. લોકો “ઈશાર્દ” કહેતા તો કહેતા “ઈશાર્દ” તો મારા માટે પ્રભુના આશીર્વાદ છે એથી વધુ વધુ કઈ નહિ..એમની ગઝલોમાં અંગત વેદના જ ભાષા-સંવેદનનું પ્રેરક બળ બની એમને લખાવતી,પછી એ ગઝલ હોય નાટક હોય ,નવલકથા હોય વાર્તા કે અનુવાદ હોય ચિનુકાકાએ ગુજરાતી સાહિત્યને પોતાનો આગવો  સ્પર્શ આપ્યો :,મનુષ્યની લાગણી અને મનુષ્યના જીવનની રુદ્ર -રમ્ય લીલા બધું જ શબ્દ થકી પીરસ્યું .ગઝલનો તો ગઢ બાંધી ગુજરાતીભાષાના મિનારા બાંધ્યા.

 ચીનુકાકા

 એકવર્ષ પહેલા એમને મળી હતી મહાગ્રંથના સાક્ષી તરીકે બીજા અનેક વિધાર્થીની જેમ અમને આશીર્વાદ અને પ્રેરણા આપ્યા હતા અને કહ્યું હતું “ભારતની કોઈ બીજી ભાષામાં પોતાની માતૃભાષાને સાચવવાનો અને સંવર્ધન કરવાનો આવો સફળ પ્રયોગ થયો નથી જેની નોંધ સમગ્ર ગુજરાતીઓએ લેવી જોઈએ”. એમણે શબ્દો દ્વારા લોકોને ચાહ્યા હતા, નવી પેઢી નવા સર્જકો માટે પ્રેરણા બન્યા,”બેઠક”ના નવસર્જકોએ એમની ગઝલને આસ્વાદ કરી માણ્યા ,તેમણે એ પાના વાંચ્યા. તેમને શબ્દોના આકાશની નિતનવી શોભા અને નવી આભા માણતા અને વખાણતા આવડતી હતી,મહાગ્રંથના પાના ફેરવીને નોંધ લીધી અને સાક્ષી બની સહી કરી,ત્યાર બાદ ,હમણાંની મારી છેલ્લી મુલાકાત જાન્યુઆરી મહિનામાં થઇ ,અમે મળ્યા એટલે મેં સહજ પુછ્યું દાદા કેમ છો બધું બરાબર ને અને સ્મિત અને સંતોષના ઓડકાર સાથે સાથે બોલ્યા…
કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો.
એજ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
મેં અને કલ્પનાબેને સાથે ફોટો પડાવ્યો એ જ સ્મિત જાણે જીવતી જાગતી કવિતા તેજ અને તિમિરની ધૂપછાવ જેવું હૃદય અને ગઝલનો વણબોલ્યો શબ્દ કેમેરાના ક્લીકના અવાજ સાથે બોલ્યો “ઈર્શાદ” ….બસ મનની મોસમ ખીલી અને કેમેરાના ક્લિક અવાજ સાથે ચિનુદાદાની તસ્વીર હૃદયમાં કાયમ માટે સચવાઈ ગઈ .
-પ્રજ્ઞા-

‘ઇર્શાદ’ ચિનુ મોદી –

પૂછે તો કહું……

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.
જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.
બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.
હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.
થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.

ખાસ માહિતી –

ચિનુ મોદી ઉપનામ: ઇર્શાદ

– જન્મ તારીખઃ 30 સપ્ટેમ્બર, 1939

– જન્મ સ્થળઃ વિજાપુર, સાબરકાંઠા

– માતાનું નામ શશિકાન્તા, પિતાનું નામ ચંદુલાલ

– પત્ની- પ્રથમ લગ્ન 1958, બીજા લગ્ન 1977, ત્રણ સંતાનોના પિતા

– સાહિત્ય અકાદમી દ્વારા 2013માં એવૉર્ડ

– ચિનુ મોદી ગુજરાતી કવિ, નાટયકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક હતા

– ચિનુ મોદીએ પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં લીધું હતું

– તેમણે માધ્યમિક શિક્ષણ ધોળકાથી લીધુ

– 1954માં તેમણે મેટ્રિક કર્યું હતું, અને 1958માં ગુજરાતી વિષય સાથે BA કર્યું

– 1960માં LLB અને 1961માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી MA કર્યું

– 1968માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિ(PHD)ની ઉપાધિ મેળવી

– તેઓએ કપડવંજ, તલોદ અને અમદાવાદની કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી

– 1975થી 1977માં ISROમાં સ્ક્રીપ્ટ રાઈટર

– ચિનુ મોદીએ આકાશવાણી અને ટીવી પર અનેક કાર્યકર્મો કર્યા

-ચિનુ મોદી તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારોના સર્જક રહ્યા

– વિદેશના પ્રવાસ કરીને કવિતા સર્જન માટેના વર્કશોપ કર્યા

– ચિનુ મોદીએ કુલ 52 પુસ્તકોનું સર્જન કર્યું છે

– વાતાયન, ઉર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં,  ઈર્શાદગઢ         જેવી અનેક કવિતા સંગ્રહનું સર્જન કર્યું છે

– ડાયલના પંખી, કોલબેલ, હુકમ માલિક, જાલકા અને અશ્વમેઘ જેવા નાટકોનું સર્જન

– ચિનુ મોદીએ નવલકથા, વાર્તાસંગ્રહ, ચરિત્ર પણ લખ્યા હતા.

– -તેમણે અનુવાદ, સંપાદન અને વિવેચનની પણ કામગીરી કરી હતી

ઇર્શાદગઢ : ચિનુ મોદીનો, ગઝલો અને દશ તસ્બીઓ સમાવતો કાવ્યસંગ્રહ. ‘તસ્બી’ ‘ક્ષણિકા’ પછીનો કવિનો બીજો પ્રયોગ છે. આ બંને દ્વારા ગઝલના સ્વરૂપને એકત્વ આપવાનો પ્રયત્ન થયો છે. ‘ક્ષણિકા’માં પહેલા શેરના કાફિયા રદીફને છેલ્લા શેરમાં પુનરાવર્તિત કરવામાં આવે છે, ત્યારે ‘તસ્બી’માં મત્લા અને મકતાને લગભગ એકાકાર કરી તખલ્લુસને દોહરાવી પ્રારંભના અને અંતના છેડાને એક કરવાથી રચનાનું વર્તુળ પૂરું થાય છે. ‘પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી’ એ જાણીતી તસ્બી અહીં છે; તો ગઝલોમાં અંગત વેદના ભાષા-સંવેદનનું પ્રેરક બળ બની છે. ગઝલની દુનિયામાં નામ અમર રહેશે

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

 *

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.

કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.

માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.

કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં ?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.

*

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.

-કૌશિક આમીન નો ખાસ માહિતી માટે ખાસ આભાર 

મનની મોસમમાં મહાલતા રાહુલભાઇ શુક્લ

 

 

 

 

 

 

જરા વિચાર કરીએ તો સમજાશે મનની મોસમ માણવાની મઝા કાંઈ અલગ છે. મન વિરાનાને મઘમઘતો બનાવી શકે છે.એજ મન હરીભરી મોલાતોમાં કોઈની ખામીથી નિરસતા, વેદના પણ ભરી શકે છે. આપણે મનની મોસમાં ખીલતા વસંત ની વાત કરી પણ ક્યારેક મનની મોસમમાં માણસ મનને ખાલી પણ કરે છે. મન,અને મનના ગજવાના કે ઘણી વાતોના જવાબ નથી હોતા, પણ હું જેને અમદાવાદમાં મળી હતી તે વ્યક્તિને મળ્યા પછી અનેક સવાલ જરૂર ઉભા થાતા, ન્યુ જર્સીના સફળ ઉદ્યોગપતિ અને નીવડેલા વાર્તાકાર રાહુલભાઈ શુક્લ એક ઉત્તમ વક્તાને સાંભળતી વખતે વિચાર આવ્યો કે નવી અમેરિકન વાતાવરણમાં  જીવતા, કોમ્પ્યુટરમાં વિચરતા, ફોટોગ્રાફીથી સૌંદર્ય નિહાળતા અને બોલીવુડને અને ગીતોને  ચાહતા અને વ્યસ્ત પ્રોફેસનલ જીવન જીવતા આ વ્યક્તિના ધબકારા આટલા સંવેદનશીલ અને ધબકતા કેવી રીતે છે? એક ઉધોયપતિ અને ટેકનોલોજી ની વ્યક્તિ જિંદગીના અસ્તિત્વની વાત કરી શકે.દુનિયાના ૯૮ ટકા એરોપ્લેનમાં એમની કંપનીના જ પાર્ટ્સ વપરાય છે. એવી વ્યક્તિ એ એક હસ્યવાર્તાની રજૂઆત કરી ને એવી ઉડાન પર લઇ જાય અને હસતા હસાવતા મૃત્યુનો અહેસાસ કરાવી ત્યારે થાય હજી સંવેદના જીવે છે.. .જીવન વિષે વાંચવું ,લખવું અને જીવન પ્રત્યક્ષ જીવવું એમાં ખુબ ફેર છે.પોતાના પિતાની હયાતીમાં મૃત્યુવીશે ચર્ચા કરતા પિતાએ કહેલું કે મૃત્યુ કરુણ છે અને વિદાઈ અસહ્ય છે …પોતે વિરોધ કરતા કહેલું એક સગર્ભા સ્ત્રીનો ખોળો ભરવો એ કુદરતી ઉત્સવ છે તો વ્યક્તિની વિદાય એ પણ કુદરતી છે આવવું અને જવાનું કુદરતનો ક્રમ છે એનો હર્ષ અને શોક ના હોય…પિતાએ ચર્ચામાં જીતાડતા કહ્યું તું જીત્યો પણ એમણે લેખેલ પુસ્તક “વિયોગ” ચાડી ખાઈને કહે છે ભાઈ સાચા હતા રાહુલભાઈના જીવનમાં સૌથી મહત્વનો બનાવ જો હોય તો તે પિતાના વિયોગનો હતો.”ભાઈ died” એક શબ્દ અને કેટલો મોટો આચકો,વારંવાર ફોટા સામે ઉભા રહીને કહેવું કે “આમ કેમ જતા રહ્યા” ?…શબ્દો ક્યારેક અંતરની વેદના અને યાદોને બોલાવડાવે છે ત્યારે વાંચનારને લાગે છે આ તો મારી વેદના અને મારી જ સંવેદના છે.ત્યારે પિતાએ કહેલી વાત “મૃત્યુ કરુણ” છે એ વાત આપ મેળે સિદ્ધ થાય છે. રાહુલભાઈના પુસ્તકમાં એક પ્રંસગે કહે છે “હું રડું છું પણ ગીતના રાગમાં”,તેમના જીવનમાં ગીત એ વ્યક્તિ સાથેનું જોડાણ હતું,નાની નાની વાતો આવા એક અમેરિકાના માહોલમાં રહેતા સફળ બીઝનેસમેનના જીવનમાં આટલું મહત્વ આપે છે એ વાંચ્યા,અને જાણ્યા પછી એ જીવન મહાલે છે તેવું લાગ્યું, આમ પણ મનની મોસમની વસંત યાદોની કુપણોથી તો ખીલે છે.

આની પહેલા રાહુલભાઇ કેલીફોર્નીયામાં આવ્યા હતા, પન્નાબેનના પ્રોગ્રામ વખતે મળી હતી પણ ઉપરછલ્લી મુલાકાત. આ વખતે ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડિઝ ‘ગ્રીડ્સ’, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે મળવાનું થયું.એમને સાંભળ્યા આનંદમાં જીવતાં નીજાનંદમાં મ્હાલતા હોય તેવું લાગ્યું , પોતાની મસ્તીમાં લખવું એ પણ એક આવડત છે.દિલ ખુશ કરે તેવું વ્યક્તિત્વ,તેમનું પુસ્તક વિયોગ મને પોતાના હાથે સહી કરીને આપ્યું અને લખ્યું મૂળ સુરેન્દ્ર નગરનાં એટલે માટે મારા કાયમી પાડોશી પ્રજ્ઞા દાદભાવાળા ને સપ્રેમ  ..ચાર શબ્દોએ નિકટતા ઉભી કરી દીધી…મનની મોસમમાં આનાથી વધુ બીજી વસંત કઈ ખીલી શકે..

– પ્રજ્ઞા

મનની મોસમ – લલિત નિબંધ (13)”શબ્દેશબ્દે વસંત

દીકરી એટલે માબાપના મનની મોસમનું ખીલતું ગુલાબ,મનની મોસમમાં ગુલાબ ત્યારે જ ખીલે જયારે નવા વિચાર અને નવી દ્રષ્ટી અજ્ઞાન ના અધકાર ને કાપે,નાની સુની વાત નથી, વાત છે, રામાયણની મુખ્ય નાયિકા સીતાથી આજની સ્ત્રી સુધીની,વુમન્સ ડે વિશેની! ચારે બાજુએ એની ઉજવણી થઇ.મારા વોટ્સઅપમાં યે ઘણા મેસેજ આવ્યા. સ્ત્રીના ઉમદા ગુણો વિષે જ અનેક હેડ લાઈન, ટેગ લાઈન ! દયાળુ છે, સહનશીલ છે વગેરે . આ બધું વાંચતા ગયા મહિને દેશમાં એક કથામાં જવાનું થયેલ તે યાદ આવ્યું . મા’રાજે કથા પુરી કરી યજમાન બેનને આદેશ આપ્યો,” હવે પતિના આશીર્વાદ લો !” કોઈ કાઇંક ગણગણ્યું એટલે મા’રાજે વ્યાસપીઠ પરથી કહ્યું,”પતિના આશીર્વાદ વિના કથા અધૂરી કહેવાય; વન વાગોળ નો અવતાર આવશે!” કોઈની તાકાત ન્હોતી કે કાંઈ બોલે ! ( including myself)
“સ્ત્રીમાં આટલી તાકાત છે અને પ્રેમાળ છે ને દયાળુ છે” ને એવું તેવું ઝીંક્યે રાખવાથી શું બદલાવ આવી શકશે ? જરરાય નહીં ! સમર્પણ ના ઘણા પાઠ આપણે દીકરીઓને શીખવાડ્યા.હવે સ્વાભિમાનના પાઠ શીખવાડીએ.બીજાનો પ્રેમ પામવા માટે ઘણું કર્યું, હવે ખુદને પ્રેમ કરતાં શીખવાડીએ.અને તેમાં ઘર કે વરની ઉપેક્ષા કરવાની વાત નથી ,પણ સ્ત્રી જયારે સ્વ ને પ્રેમ કરતી થશે ત્યારે તે અન્યને વધારે સમજતી થશે.
નારી શક્તિ અભિયાન હમણાં ચારેકોર ગાજ્યું છે પણ એને ખરેખર સફળ બનાવવું હોય તો એમાં મૂળભૂત ફેરફાર કરવા પડશે. સૌથી પહેલાં સમાજમાં જે ખોટી ગૌરવ ગાથાઓ છે -ફલાણી દેવીએ પતિને પગલે ચાલીને સમર્પણ કર્યું,સતી થઇ વગેરે વાર્તાઓને આજના સમયને અનુરૂપ મૂલવતાં શીખવું પડશે.ધર્મને નામે આપણે ત્યાં ઘણી ગેર સમજપ્રવર્તે છે એ સ્પષ્ટ કરવીજ રહી ! ઘણાંબધા સ્ત્રી પાત્રોમાંથી આજે વાત કરીશું રામાયણની મુખ્ય નાયિકા સીતાની.
રામાયણની કથા કરતાં કરતાં કથાકારે એટલું જરૂર કહેવું જોઈએ કે આજના જમાનામાં કોઈજ મા બાપ પોતાની દીકરી સીતા જેટલી દુઃખી થાય તેવું નહિ ઈચ્છે. પતિના પગલે સાચી પતિવ્રતા બનીને જંગલમાં રહેવા ગયા બાદ, રાવણના અપહરણનો ભોગ થયા બાદ સતી સીતાને અગ્નિ પરીક્ષમાંથી પસાર થવું પડ્યું હતું .અશોક વનમાં રાક્ષસ સ્ત્રીઓના બિહામણા અત્યાચાર પછી ,કોઈ સહાનુભૂતિ નહીં પણ અગ્નિપરીક્ષા ? અને એ ઓછું હોય તેમ સગર્ભા સ્ત્રીને -એક સારા રાજાની રાહે,જોકે પ્રજા મહાન છે તે દર્શવવાનો હેતુ અલબત્ત પ્રસંશીય છે,પણ પોતે રાજ્ય નથી છોડતા ને રાજા રામ પત્ની સીતાનો ત્યાગ કરે છે !
વ્યાસપીઠ પર બેસનારનું જેટલું મહત્વ છે તેટલું તેના શબ્દોનું બળ છે,આટલી મેદનીમાં એ શબ્દેશબ્દે અજવાળા પાથરી શકે છે,એ એમણે એ ભૂલવું ન જોઈએ,સારા સુઘડ સમાજની જિમ્મેદારી વ્યાસપીઠ બેસનારની ખરી કે નહિ ? વ્યાસપીઠ પરથી કથાકાર એટલું જરૂર કહી શકે છે કે આપણે ઇચ્છીએ કે રામે જે કર્યું તે-પણ પિતા જનકે આવીને દીકરીનો હાથ પકડવાની જરૂર હતી ! ખરેખર તો રાજા રામે પણ કરવું ન જોઈએ.છેવટે દુઃખ સહન નથી થતું ત્યારે સીતા ધરતી માતા પાસે માર્ગ માંગે છે.(આને શું કહેવું આત્મહત્યા ?) કે દુઃખનો નબળો વિકલ્પ ?આ વાત માત્ર મને કે એક વ્યક્તિને નહિ દરેક આંખ અને કાનને ખૂંચવી જોઈએ.
આજની માતાઓ! તમે દીકરીને સાચો માર્ગ બતાવો.પતિનો પ્રેમ પામવા પત્નીઓ બધુ જ સર્વશ્વ ત્યાગી દે છે.પણ જો પતિ તેના પ્રેમ ને ના સમજી શકે તો મા બાપે દીકરીને વાસ્તવિકતા સમજાવવી જોઈએ.આજના જમાનામાં દીકરીઓ વગર બોલાવ્યે મા બાપના આંસુ લુછવા આવીને ઉભી રહે છે,તો એ દીકરીના દુઃખનો કઠેડો બનવા મા બાપની ફરજ છે.
સીતાની અગ્નિ પરીક્ષા વખતે પિતા જનકે ત્યાં પહોંચી જઈને એ અન્યાય સામે માથું ઉંચકવાની જરૂર હતી .સગર્ભા સીતાનો ત્યાગ કર્યો ત્યારે દીકરીને પોતાની ઘેર સન્માનપૂર્વક લઇ જવાની જરૂર હતી.ખેર ! ૫૦૦૦ વર્ષ પહેલાં ના થયું તો ભલે,પણ આજના સમયમાં આવી સમજણનો જુવાળ ઉભો કરવાની જરૂર છે.” સીતા જેવી દુખીયારી દીકરીને પછી માર્ગ દર્શન – કાઉન્સેલિંગ મળ્યું એટલે એ પોતાના પગ પર ઉભારહેતાં શીખી,લવ કુશને પણ જનકદાદાનો પ્રેમ મળ્યો ને બધાં આનંદથી જીવ્યાં ને નવેસરથી જીવનને દિવ્ય બનાવ્યું’ એમ કથાની પુર્ણાહુતી કરવાની જરૂર છે.ધર્મ એટલે અંતકરણની મોસમ,વ્યવહારમાં જે કામ ન આવે તે ધર્મ કેમ કહેવાય ? કથામાંથી તો છાબમાં સુવિચારોના ફૂલો લાવવાના હોય જે સુવાસને વીંધીને તારલાઓનું તેજ આપે..
દીકરી બચાવો,દીકરી ભણાવો અભિયાન તો જ સાર્થક થશે જો સમાજમાં મૂળભૂત ફેરફાર કરવામાં આવશે ! રોજ સવારે એક નવો વિચાર મનુષ્યની રાહ જોતો હોય છે એ ભૂલવું ન જોઈએ.મનની મોસમ ત્યારે જ ખીલે જયારે ગુરુ તફથી મળેલું સાચું જ્ઞાન હોય ,માં બાપ પાસે વ્યવહારું દ્રષ્ટિ હોય, સમાજનો અભિગમ હોય, દીકરીનું પોતાનું સ્વત્વ અને વ્યક્તિત્વ હોય તો મનની મોસમમાં વસંત ખીલે જ …કેમ ન ખીલે ?

 

 

ગીતા ભટ્ટ . શિકાગો .