મનની મોસમ -લલિત નિબંધ (૨૦)રંગોના સથવારે

 

સમગ્ર સૃષ્ટિ રંગોના અપાર વૈવિધ્યથી સોહી રહી છે. આ અનેકવિધ રંગોનું આગવુ મહત્વ ભારતીય સંસ્કૃતિએ સ્વીકાર્યુ છે. રંગોનુ પણ એક સરસ વિજ્ઞાન છે. રંગોની સમગ્ર સૃષ્ટિ પ્રકાશ અને અંધકાર વચ્ચે સમાયેલી છે. મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટને ત્રિપાર્શ્વ કાચમાંથી સૂર્યનુ કિરણ પસાર કરીને શોધી કાઢયું કે પ્રકાશ જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, એ સાત રંગોનો બનેલો છે. તેને સંક્ષેપમાં ‘જાનીવાલીપીનારા’ ગુજરાતીમાં અને ‘VIBGYOR’ પ્રમાણે અંગ્રેજીમાં બોલવામાં આવે છે. ‘લાલ, પીળો ને વાદળી મૂળ રંગ કહેવાય બાકીના બીજા બધા મેળવણીથી થાય.’ આ જાણીતુ છે. રંગોના અનેક પ્રકાર હોય છે. આછો, ઘેરો, ઉત્તેજીત, ઉષ્ણ, શીતલ, વિગેરે. કાળા રંગના મીશ્રણથી રંગ ઘેરો બને છે અને રંગને આછો બનાવવા સફેદ રંગ ઉમેરવો પડે છે. મનોવૈજ્ઞાનિક રીતે જોતા ઉષ્ણ રંગો ભૌતિક ગણાય છે જે માનવના આવેગોને દર્શાવે છે. સૌમ્ય રંગો આદ્યાત્મિકતા અને ઉદ્દાત ભાવના દર્શાવે છે.

શબ્દ દ્વારા સહજ રીતે વ્યક્ત ના થઇ શકતી અનુભૂતિની અવસ્થાને દર્શાવવા માટે માનવે સદીઓથી અલગ અલગ રંગોનો પ્રતિકાત્મક રીતે ઉપયોગ કર્યો છે. જોકે સમય અને સંસ્કૃતિ પ્રમાણે તે અલગ પણ હોય છે. જાંબલી – શાંતિ, ગંભીરતા, વિનમ્રતા પ્રગટ કરે છે. વાદળી – શાંત, સ્વચ્છ, આકાશી ગુણ દર્શાવે છે. લાલ – ઉગ્રતા, ઉત્તેજના, શહીદીના પ્રતિકરૂપે. નારંગી – જોશ, આનંદ અને સફળતા તરફ લઇ જાય છે. પીળો – પવિત્રતા, ગુલાબી – પ્રેમ અને મિત્રતા, ભૂખરો – ધૈર્ય, વૃધ્ધાવસ્થા અને વિનમ્રતાને પ્રગટ કરે છે. સફેદ – શુધ્ધિ, શાંતિ અને કરૂણાના પ્રતિકરૂપ ગણાય છે જ્યારે કાળો – શોક, વિષાદ અને મૃત્યુના પ્રતિક તરીકે ઓળખાય છે.

ભારત રંગોથી ભરેલો ભાતિગળ દેશ છે જેમાં ચારે બાજુ રંગો વિખરાયેલા છે. દેવ-દેવીઓના નામાભિધાનમાં, વસ્ત્રોમાં, સગીતના સાત સૂર, પાંચ પ્રાણ, ષટ્‍ચક્ર, દેહશૃંગાર, ગૃહસજાવટ, પશુશૃંગાર, રોજીંદી ચીજ-વસ્તુઓ, ઉત્સવો, મેળાઓ, પૂજાવિધિ, કર્મકાંડ, દરેકમાં રંગોની ચોક્કસ પ્રકારની પરંપરા જોવા મળે છે. મંત્રના દરેક અક્ષરોની આભા હોય છે. તંત્રોમાં રંગો હોય છે. વાયુના રંગો હોય છે. વિવિધ શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથોમાં રંગો અંગેના આયામો દર્શાવાયા છે. નવગ્રહોના પણ અલગ રંગો હોય છે. રસના અને સ્વરના પણ રંગ હોય છે. તંત્ર અને યોગ અનુસાર ભૌતિક માનવ શરીરને બીજુ એક સુક્ષ્મ શરીર પણ હોય છે જેમા સાત ચક્રોમાં આદ્યાત્મિક શક્તિ રહેલી હોય છે. આ દરેક ચક્રને પોતિકો રંગ હોય છે. પંચમહાભૂતોને પણ પોતાનો રંગ હોય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર રંગની માનવજીવન પર ગાઢ અસર જોવા મળે છે. મેડીકલ સાયન્સમાં રંગોની મદદથી દર્દીનો મુડ બદલીને તેના રોગોને દૂર કરવામાં આવે છે તેને ‘કલર થેરાપી’ કહેવામાં આવે છે. સૂઝોકમાં પણ અલગ અલગ રંગના ટપકા કરીને રોગમુક્ત કરવામાં આવે છે.

શૂરવીર માટેનો કસુંબીનો રંગ અને સરહદ પરનાં શહીદોના રક્તનો રંગ, તો વળી કાન સંગ ગોપીઓએ ખેલેલા ગુલાલ-કેસુડાના રંગથી તો સૌ પરિચિત છે. હિન્દુ તહેવારોમાં રંગોની વિવિધતા જોવા મળે છે. નવરાત્રિનો રંગ, નવા વર્ષની રંગોળીનો રંગ, રંગોનો સરવાળો અને મિલાવટ કરતો હોળી-ધૂળેટીનો અનોખો તહેવાર જીવનને જીવંત બનાવે છે. વિખરેલા રંગોને એકઠા કરો ત્યારેજ રંગોળી સર્જાય છે. આકાશમાં મેઘધનુષ ત્યારેજ રચાય છે જ્યારે તમામ રંગો સાથે હોય.

તમારી આસપાસનુ રંગીન દિવ્યશક્તિનુ આવરણ જેને ઑરા કહેવાય તેના રંગો સતત તમારા મન, વિચારો, ચેતના અને લાગણીઓના ઉતાર ચઢાવ પ્રમાણે બદલાતા રહે છે. આ રંગોને યોગની કેટલીક પ્રક્રિયાઓ થકી બદલી શકાય છે. વર્તમાનમાં વાયકા છે કે સમયની સાથે કલીયુગના માનવને તેના સ્વભાવના રંગને બદલતો જોઇને કાચિંડાને આપઘાત કરવાનુ મન થયુ કે આ માનવ મારાથી પણ ચઢી ગયો. કાચિંડો સમય, સંજોગો પ્રામાણે તેનો રંગ બદલે છે પરંતુ આજનો માનવ બહુરંગી બનતો જાય છે. માણસ કરતાં માણસે તેની માણસાઇને સકારાત્મક રીતે મેઘધનુષી કરવાની જરૂર છે.

રંગો વગરનું જીવન જીવવુ અશક્ય છે. જીવનનાં રંગો અપાર છે. જ્યારે પણ સંવેદના સળવળે છે ત્યારે રંગો ઉભરાય છે અને કોઇપણ રીતે તે વ્યક્ત થાય છે. એ નશામાં ડુબવાનુ મન થાય છે ત્યારે કાવ્ય લખાઇ જાય છે.

પીછવાઇમાં પૂરેલા રંગો, જેવી છે આ જીન્દગી,

મોરપીંછનાં રંગો, જેવી છે આ જીન્દગી,

મેઘધનુષનાં રંગો, જેવી છે આ જીન્દગી,

ક્યારેક સોનેરી તો ક્યારેક રૂપેરી છે આ જીન્દગી.

એ રંગોનાં પૂરનારને હું શું કહું?

એની લ્હાણીમાં ક્યાંય ખોટ નથી,

ક્યાંય કસર નથી, ક્યાંય કચાશ નથી.

હૈયુ ભરાય છે એ ભારથી,

અને ગદ્‍ગદ્‍ થવાય છે મારા શ્યામની એ કરનીથી.

જે મારી આસપાસ છે અને એને હું દીઠી શકતી નથી.

માત્ર એક અહેસાસ છે એનો હોવાનો,

અને શ્વાસમાં શ્વાસ પૂરાતા જાય છે …

જીવનમાં રંગો પૂરાતા જાય છે, પૂરાતા જાય છે …

અને રંગીન જીન્દગી જીવાતી જાય છે.

માનવ જીવનનાં રંગોને  ક્ષિતિજે ઉગતા સૂરજના રંગોથી માંડીને ક્ષિતિજે આથમતા સૂરજનાં રંગો સાથે સરખાવી શકાય. જીવનની પ્રભાતે ઉષાના સોનેરી કિરણો, માના હાલરડે રંગાતુ બાળપણ, યુવાનીમાં પૂરાતી સપનાની રંગોળી – ભીતર રંગ, બહાર રંગ, અંગેઅંગ રંગમાં, પ્રીત-પીયુને પાનેતરના રંગમાં જુવાની ઝબોળાઇને નિખરતી જાય છે. વહાલપની નિતરતી લાગણીઓના રંગમાં ભીંજાવું એ મેઘધનુષના રંગો કરતા પણ આકર્ષક હોય છે. વળી સોનેરી સંધ્યા સમી જીવનની પાનખરના, પીળા પાનને લાલ રંગમાં ફેરવવાની આવડત જો આજનો વૃધ્ધ શીખી જાય તો ક્ષિતિજે આથમતો સૂરજ પણ રંગીન લાગે છે.

આ તમામનો આધાર મનની મોસમના રંગો પર, ખુદની ચેતના શક્તિ અને સકારાત્મકતા પર નિર્ભર છે. મનની મોસમને ખીલતી રાખવા સત્સંગ, ભક્તિ અને આદ્યાત્મનો રંગજ પરમ સમીપે લઇ જાય છે. અને મન ગાઇ ઉઠે છે, “રંગાઇ જાને રંગમાં …”

 

 

 

 

કલ્પના રઘુ

7 thoughts on “મનની મોસમ -લલિત નિબંધ (૨૦)રંગોના સથવારે

  1. સૂર્યપ્રકાશના સાત રંગોથી શરૂઆત કરીને પુરૂષ અને પ્રકૃતિ સાથે વણાયલા અનેક રંગોને નિબંધમાં સરસ રીતે વણી લીધા છે. તહેવારો, ધર્મ અને અધ્યાત્મમાં રંગોની સમજ ઊંડો અભ્યાસ માંગી લે છે, અને તમે એ અભ્યાસ કર્યો છે. રંગોના વિષયમાં રંગ ભરીને સરસ રંગીન નિબંધ તૈયાર કર્યો છે. અછાંદસમાં ભાવ ભરીને એને પણ રંગીન બનાવી દીધો છે. પુષ્ટ સર્જનની દીશામાં એક આગે કદમ.

    Like

  2. ખૂબસરસ કલ્પનાબેન,અભિનંદન જયારે પણ સંવેદના સળવળે છે ત્યારે જે વેદના ઉભરાય છે,તેમાં જ ઉભાળ (ચડાવ ) આવે છે.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.