મનની મોસમમાં પમરતા શ્રી પન્નાબેન નાયક

 

મનની મોસમ એટલે સહજ ખીલવું, અને સહજતા જ માનવીને અર્થ આપે છે.જયારે કોઈ વ્યક્તિ પોતાના શબ્દોથી પુષ્પને ખીલવે પુષ્પ પર ઝાકળની રંગોળી પૂરે પછી ત્યાં પતંગિયાંઓને રમવા માટે મોકલી આપે અને એના પુષ્પની સુગંધ આપોઅપ સરનામું ગોતી ત્યાં આવે ત્યારે મૌલિકતાની વસંત ખીલે છે.

દરેક વ્યક્તિએ પોતાની વસંત પોતે જ ખીલવવાની હોય છે એક છોડ એક દેશમાંથી બીજા દેશમાં ભલે રોપીએ પણ આજુબાજુમાંથી સત્વ લઈને ખીલવાનું ઉગવાનું કામ તો છોડનું પોતાનું છે. ગુજરાતની ધરતી પર ઉગેલો છોડ પરદેશમાં પાંગરે ત્યારે ગૌરવ થાય, ગુજરાતી સાહિત્યને  અમેરિકામાંથી શ્રેઠ ભેટ મળી  હોય તો તે છે- લેખિકા અને કવયિત્રી શ્રી પન્નાબેન નાયક. અમેરિકાની પ્રથમ ગુજરાતી સ્ત્રી લેખિકા હા એમને પ્રત્યક્ષ મળવાનો પહેલો મોકો અહીં કેલિફોર્નિયામાં થયો જેનો જશ હું જયશ્રીબેન મર્ચન્ટને આપીશ.અહી મળવાનો અર્થ સુગંધિત થવું એવો પણ છે.આપણે જેને મળતા હોય એની હાજરીની સુગંધ પણ આપણામાં પ્રાણ પૂરતી હોય છે.પહેલીવાર જ મળી. એક નાનકડું વ્યક્તિત્વ અને મનની આટલી બધી ઊંચાઈ આશ્ચર્ય સાથે આનંદ થયો.મનની વાત ચહેરા પર વાંચી શકાય તેવી પારદર્શકતાએ મને આંજી નાખી ત્યારે આ સ્ત્રી હાંસિયામાં મુકવા જેવી નથી એ પાકું કરી લીધું. અત્યાર સુધી એમને એમના શબ્દો થકી ઓળખતી હતી હવે એ સંવેદનાને જાતે અનુભવી અને કાવ્યની ભીનાશ સ્પર્શી ગઈ. મને આવું અકબંધ વ્યક્તિત્વ સાચવવું ગમે છે. મેં આ મુલાકાતને તરત જ સાચવી મારા હૃદયમાં મૂકી દીધી.આજે એ અહેસાસ ફરી ખોલ્યો, એમના પુસ્તકો વારંવાર વાચું છું.એમણે એમની વાર્તા અને કવિતાનો વૈભવ દરેક સ્ત્રીને વહેચ્યો છે.એમના પ્રેમ કાવ્યોમાં સ્ત્રીને આવેશ અને ઊંડાણ બંને આપ્યા પ્રેમનો ફફડાટ અને ફડફડાટ, બંને દંભના પડદા ચીરીને પીરસ્યાં….

“કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;”

તો બીજી તરફ એમનો વતન ઝરુપો એમની સાથે આપણને પૂર્વની દિશા તરફ ખેચી ગયો.આપણા વતનની પરંપરાના અણસારા અને ભણકારા ગીતોમાં પણ સંભળાવ્યા. કવિતામાં ફૂટતો પોતીકા અવાજને લીધે  એમનું પરદેશમાં ટકવું કવિતા થકી બન્યું અને એમની કવિતા આપણને પરદેશને સ્વીકારવા બળ બની, હૃદયની વાત કહેવાનો દરેક માણસ ને હક્ક છે, તેનો અહેસાસ એમની કવિતા અને વાર્તાએ કરાવ્યો.  પોતાની અભિવ્યક્તિમાં વાંચકને સહજ ભાગીદાર બનાવ્યો,ખરેખર તો જાણે વાંચકને એમણે વાચા આપી અને વાચક બોલ્યો .”મારે પણ આજ કહેવું છે” “ત્રાજવું થઈને મને તોલ નહીં “,એમના સર્જનમાં આવતી તીખાશ,કડવાશ, વિષાદ,એકલતા,શૂન્યતાનો અનુભવ અને કણસવાના અવાજે જ ઘણાની સવાર ઉઘાડી,આશ્વાસનના શબ્દો જેટલા એમણે પોતાની કવિતામાંથી લીધા છે તેટલા દરેક વાચકે પણ લીધા.ગોઠવાઈ જવા માટે કોની જરૂર છે ?ફ્રેમની,દીવાલની,કે ખીલીની?એમની કવિતાના સહજ પ્રશ્ન એમના પૂરતા ન રહેતા બધાનો અવાજ પુરવાર થયો. રૂઢિગ્રસ્ત બંધનમાં બહાર નીકળી પોતાનું સ્વત્વ અને વ્યક્તિત્વની ઓળખ એમની કવિતા બની. બીજી અનેક સ્ત્રીઓએ પ્રેરણા લીધી માત્ર બ્યુટીફૂલ હોવું જરૂરી નથી. સૌંદર્યની સાધનામાં બોલ્ડ અને બ્યુટીફૂલ સાથે વધારે સારા લાગે છે, એ મહેસુસ થતા એમની કવિતાએ અનેકને પોતાની છબી દેખાડી અને ઉંબરા ઓળંગતા શીખવ્યા.મનની મોસમમાં ગુલાબ ત્યારે જ ખીલે જયારે નવા વિચાર અને નવી દ્રષ્ટી અજ્ઞાનના અંધકારને કાપે. સ્ત્રી શક્તિના ઝંડા ફરકાવ્યા વગર  વાસ્તવિકતા સ્વીકારી, અનુભવના જ્ઞાન થકી સ્ત્રી પુરુષના ભેદ જ મિટાવી નાખ્યા. માટે જ ગુજરાતી કવિતા સાહિત્યમાં  એક જુદી છાપ ઉભી કરી.મને એમની આ વાત જ સ્પર્શી ગઈ અંદરનું કોઈ તત્વ અભિવ્યક્તિ માટે ધસમસતું આવતું હોય ત્યારે સામાજિક ભયથી એનો ઢાંકપીછોડો શા માટે કરવાનો ? આજ તો પન્ના નાયક નો પોતીકો આવાજ છે.જેમ પક્ષીને આકાશમાં ગોઠવવા પડતા નથી તેમ પન્નાબેન શબ્દોને ક્યારેય ગોઠવતા નથી.લખવું એ કળા છે એક કુદરતી બક્ષિસ,તમારી વાત જો બીજા સુધી પહોંચે નહિ તો વાત કરવાનો કોઈ અર્થ નથી ,જયારે પન્નાબેન ના શબ્દો તો બીજાની લાગણી ને વાચા  આપે છે.આ વાત નાની અમથી નથી, વાત નાના કદની પણ નથી,વાત છે માનવીના મનની, મનના વિચારની, સ્વયં ફૂલ જયારે સુગંધ પહેરી લે ને ત્યારે પ્રસન્નતાનો ગુલાબી રંગ પણ આપમેળે જ મેળવે. આખેઆખા અસ્તિત્વનો રોમાંચ અનુભવ્યા પછી બધી વાતો આપોઆપ લયમધુર ગીતો બની જાય, સાચા સંવેદનો નિખાલસતા ,પ્રમાણિકતા, નિસંકોચ અને નિર્ભય અભિવ્યક્તિથી સહજ વસંત ખીલે અને પક્ષી ટહુકે જેનો આનંદ બધા જ લે, લખનાર અને વાંચનાર બન્નેનો સંતોષ પરાકાષ્ઠાએ પહોંચે અને મનની મોસમ ખીલી ઊઠે….

આ સાથે મને ગમતી તેમની રચનાઓ અહી પન્નાબેનના અવાજમાં માણીએ….

મંજૂર નથી ….

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,

ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી

– પન્ના નાયક

ત્રાજવું થઈને મને તોલ નહીં ,

મારા શબ્દો એ શબ્દો એ શબ્દો છે કેવળ

અર્થ કે અનર્થની બખોલ નહિ !

કોણ મને વારે વારે આંખોથી માપ્યા કરે ?

સાચા ખોટાના ખ્યાલ કોણ અહી આપ્યા કરે

મારું આ મોંન એ તો મૂંગી શરણાઈ છે,

દાંડી લઇ પીટ વાનું ઢોલ નહીં !

ત્રાજવું થઈને મને તોલ નહીં ,

તોલ નહીં, તોલ નહીં , તોલ નહીં

છાનો છાનો ચોકીપ્હેરો કોણ અહીં ભર્યા કરે ?

મારો આનંદ આમ ભીતરથી ડર્યા કરે ?

કેમ કરી સમજાવું તમને હું વાત મારી ?

આંખ કે સ્મિતનો હોય મોલ નહિ !

ત્રાજવું થઈને મને તોલ નહીં ,

તોલ નહીં, તોલ નહીં , તોલ નહીં

પન્ના નાયક

હું તો કોઈની તે લાગણીને વાચા આપું.

મારા સપનાંઓ થોડા

થોડા કાચા આપું :થોડા સાચા આપું.

એ પૂરેપૂરાં જળ નથી કે પૂરા મૃગજળ નથી,

શબ્દો શું કહેશે એની પાકી અટકળ નથી,

ક્યારેક ઓછા આપું :ક્યારેક આછા આપું,

ક્યારેક આપું પણ નહિ :ક્યારેક પાછા આપું ,

હું તો કોઈની લાગણીને વાચા આપું.

ઝાડનાં તે પાંદડાંને ગણવાનાં સ્હેલ નથી,

મોજાંથી દરિયાને ઉલેચવાના ખેલ  નથી,

ક્યારેક ઉલ્લાસ આપું,ક્યારેક ઉદાસ આપું ,

ક્યારેક કરમાયેલા તો ક્યારેક તાજાં આપું ,

હું તો કોઈની લાગણી ને વાચા આપું.

-પન્ના નાયક

 

 

6 thoughts on “મનની મોસમમાં પમરતા શ્રી પન્નાબેન નાયક

 1. મનની મોસમને તમે દિલથી મ્હોરવા દીધી છે, પ્રજ્ઞાબેન.
  સુંદર લેખ!

  Like

 2. પ્રજ્ઞાબેન,
  પન્નાબેને એમના મનની લાગણીઓની મોસમને ખુબ સુંદર વાચા અપી છે અને પન્નાબેનની
  મોસમ તમારા લખાણમાં વસંતની જેમ ખીલી છે.

  Like

 3. બીજાને આપવા જતા પ્રેમ ખુદને મળી જાય છે પ્રેમ,પ્રજ્ઞાબેનની પ્રજ્ઞા દર્શાઈ જાયે એમ!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.