મનની મોસમ …જે જીવ્યા માણ્યું એજ મોસમ ….’મૌસમ ‘ શબ્દથી તો આપણે સૌ પરિચીત છીએ. જિંદગીના જેટલાં વર્ષો જીવ્યાં એટલી મૌસમનો તો આ દેહને અનુભવ કરવો જ પડે છે. એમાંથી કોઈ બાકાત રહી શકતું નથી. આપણે ત્યાં વર્ષ દરમિયાન આવતી ત્રણ ઋતુઓ કે છ મોસમને કુદરતે જ ઘડી છે કે જેનો અનુભવ પ્રાણી માત્રને થાય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ કે હેમંત, શિશિર ,વસંત, ગ્રીષ્મ, વર્ષાઅને શરદ ઋતુને આપણે માણતાં આવ્યા છીએ. અને એનાથી થતી શારીરિક અસરને સહેલાઇથી અનુરૂપ થઇ જઈએ છીએ અને સુખરૂપ માણીએ છીએ.પણ મનની વાત જ જુદી છે.મનની મોસમ તો માનવીમાં રહેલી ઈશ્વર બક્ષી પ્રેમ, લાગણી, દયા, કરુણા, ક્રોધ, સુખ, દુઃખ વિગેરે ભાવનાઓ સાથે સંકળાયેલ છે. તો આપણે જરાં એ વિષે વિચારીએ
હેમંત કે શિશિરની સવારે, આરોગ્યવર્ધક વસાણાનું સેવન અને ગરમાગરમ દૂધમાં બદામ, પિસ્તા અને કેસરનાં ગ્લાસ સાથેની મીઠાશમાં શિયાળાની ઠંડી જરાય નડતી નથી. ટાઢની તકલીફ હોવા છતાં એને ભૂલી જવાય છે અને મનની મોસમ ખીલી ઉઠે છે. ગરમ સ્વેટર ,શાલ અને મફલર લપેટી ઠંડીને જાકારો આપી દઈએ છીએ. સાંજ પડે તાપણી કરી,ફાયરપ્લેસ પાસે બેસી સહ કુટુંબ ટી.વીના શો જોતાં આનંદ માણી લઈએ છીએ. આમ મન આનંદની પરાકાષ્ઠાએ પહોંચી શકે છે. પણ…જો ટી.વીના શોમાં ઠંડીથી થીજવાઇ ને કેટલાક ‘ઘર વિહોણાં લોકો ફુટપાથ પર મૃત્યું પામ્યાં’ આ સાંભળતા કે જોતાં જ ક્ષણવારમાં જ આનંદનો પારો નીચે ઉતરી જશે. આમ દયાળુ માનવીનાં મનની મોસમને કરમાતાં પણ વાર નહિ લાગે.
“વસંત આવી ફુલડાં લાવી ” સૃષ્ટિના અણુએ અણુમાં નવ યૌવન પ્રગટ્યું. કેસુડે ફૂલ ફોર્યા , આંબી મોર આવ્યા કોયલના ટહુકાથી વાતાવરણ ગાજી ઉઠ્યું.વતાવરણ ઉત્તેજિત થઇ ગયું તો માનવીનાં મનની મોસમ ક્યાંથી કાબુમાં રહે? એ આનંદની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. પણ એ ક્યાં સુઘી ? ગ્રીષ્મએ એનું ગુમાન ના ટકવા દીધું. ગ્રીષ્મની એ કાળઝાળ ગરમીએ મનને બેચેન બનાવી મૂક્યું.આમ મનને આનંદથી વિમુખ થતાંય વાર ન લાગી. ચારેકોરથી પ્રાર્થના સંભળાતી થઇ..
“આવો મેહુલિયા, આવો મેહુલિયા
ધરતીનો સાદ સુણી…આવો મેહુલિયા.”
અને..
વર્ષા ના ઓવારણાં લીધા
” એ….ધરતીનો સાદ સુણી , આવ્યો મેહુલિયો;
લીલુડી ચૂંદડી લાવ્યો મેહુલિયો.”
આમ ધોમ ધીખતી ધરતીને ટાઢી પાડવાં અરજી સુણી મેહુલિયો આવ્યો.. પહેલા વરસાદના છાંટાએ ભીની માટીની મહેકથી વાતાવરણને સુંગંધિત કરી દીધું. સૂકી ધરતીને લીલી ચાદરથી મઢી નવો ઓપ આપ્યો..ડુંગરો રળિયામણા દેખાવવાં લાગ્યા.ખેતરોમાં ભવિષ્યની શુભ કામનાઓ સાથે ખેડુતોએ નવા વાવેતરની શરૂઆત કરી દીધી. નદી, સરોવર જળે ભરાયાં. આખી સૃષ્ટિ જળ સમૃધ્ધ બની ગઈ. તો મનની મોસમમાં પણ મોટી ભરતી જ આવે! પણ જ્યાં વાદળ ફાટ્યું , નદીઓમાં પૂર આવ્યાં, માલ મિલકત ને નુકશાન પહોચ્યું કે નિરાધાર માનવીઓ પાણીનાં પ્રવાહમાં તણાઈ જવાનાં સમાચાર જાણ્યાં તો મોસમની ભરતીને ઉતરવામાં જરાય વાર નહિ લાગે !આમ તરત ઓટ પણ આવી જાય.
શરદના પુર્ણિમાના ચંદ્રની ચાંદનીને મનની મોસમ આનંદપૂર્વક માણે છે. રઢિયાળી રાત્રીએ ગરબા અને રાસની રમઝટ તેમજ દૂધ પૌંઆનો પ્રસાદ મનને પ્રફુલ્લિત કરે છે. રાધાકૃષ્ણ અને ગોપગોપીની રાસલીલાને યાદ કરી સાત્વિક આનંદ મેળવે છે. ચંદ્રના પ્રકાશમાં સરોવર અને સરોવરમાં ખીલેલાં કમળની સુંદરતાનું વર્ણન શું કરવું? એ તો કવિ શ્રી કાલિદાસ જ કરી શકે!
આમ મનની મોસમ પરિસ્થિતિને અનુરૂપ થઇ એક ક્ષણમાં હિમાલયને શિખરે પહોંચી શકે
અને બીજી જ ક્ષણે પેસિફિકના તળીયા સુધી પહોંચવાને સમર્થ છે અને..કુદરત જ્યાં સુધી સૌમ્ય સ્વરુપ ધારણ કરે ત્યાં સુધી મનની મોસમ એને પ્રેમપૂર્વક સ્વીકારશે અનુભવશે અને આનંદ કરશે. પણ જ્યાં કુદરત વકરી, અને એણે રૌદ્ર સ્વરુપ ધારણ કર્યું તો કોઈ ક્યારેય મનને બહેલાવી નહિ શકે.
Fulvati Shah
Sunnyvale, CA.
Very well written article. Topic is so broad but you described all aspects of the topic in detail. Truly enjoyed reading it! This writing shows you have good command on Gujarati literature! Keep writing great articles!
LikeLike
બધી ઋતુઓની બધી મોસમને આવરી લેતો સરસ લેખ.
LikeLike
jivnni mosm vishe srs lekh.abhnndn.
LikeLike