મનની મોસમ શબ્દની સાથે મનની ભીતર કેટલાય ચિત્રો ઉપસ્થિત થઈ જાય, પ્રકૃતિ હોય, પ્રાણી હોય, ,પક્ષી હોય જીવ જંતુ હોય આમ આખું બ્રહ્માંડ નાનકડા મનમાં સમાય જાય. આપણા દેશમાં પ્રકૃતિની મોસમ ૧૨ મહિનામાં ૬ આવે હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ,વર્ષા, પાનખર. અહીં અમેરિકામાં તો ચાર મોસમ જ ગણાય છે, દર ત્રણ મહિને મોસમ બદલાય, માર્ચની ૨૧ થી સ્પ્રીંગ,(વસંત) ,૨૧મી જુનથી સમર,(ઉનાળો) , ૨૧મી સપટેમ્બરથી ફોલ (પાનખર ),અને ૨૧ડીસેમ્બરથી વિન્ટર (શિયાળો). દરેક મોસમમાં આવતા વિવિધ તહેવારો, વિવિધ ફૂલ ફળ..વિવિધ વાનગી નાના મોટ સહુના મનની મોસમમાં વિવિધતા લાવે.
અમે ગયા મહિનામાં સાસણ ગિરના પહાડો અને જંગલમાં ફરતા હતા, ગિરમાં તો સિંહ જોવા જ સૌ જાય, અમે પણ ગિરના સિંહ જોવા સફારીમાં રોજ જતા સૌના મનમાં જુદા જુદા વિચારો , કંઇક કૌતક જોવા મળશે સિંહ અને સિંહણ પ્રેમ ગોષ્ટિ કરતા હશે ..સિંહણ સિંહની કેશવાળી પંપાળતી તેના શરીર સાથે ગેલ કરતી સિંહને જગાડતી હશે…અત્યારે તો વસંત ઋતૂ ,ઋતૂઓનો રાજા ,ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને વિભૂતિ યોગમાં અર્જુનને કહ્યું છે, “ॠतूनाम् कुसुमाकरः”। ભગવાન જે ઋતૂમાં વશે છે તે ઋતૂમાં પશુ, પક્ષી, માનવ, જગતના સર્વ જીવના મનની મોસમ વિવિધ રંગોથી મહેકી ઉઠે જ અને તે મહેક પોતાના પ્રિયપાત્રને પહોંચાડવા મન થનગનાટ કરતું પહોંચી જ જાય.
સિંહણની પ્રેમ નીતરતી એક આંખ અને આગલો એક પગ, બિજો પગ અને આંખ સિંહની ભરાવદાર કેશવાળીમાં છૂપાય ગયા છે, સિંહણના પાછલા પગ સિંહના પાછલા પગ અને પૂંછ વચ્ચે …સિંહ અને સિંહણના પ્રેમમાં મગ્ન મન અને તન ઋતુ રાજ વસંત માણી રહ્યા છે…સિંહણ સગર્ભા થાય છે. કહેવાય છે કે ત્યારબાદ આ સિંહ અને સિંહણ પતિ પત્નિની જેમ સાથે રહે છે, સિંહ સિંહણને પ્રોટેક્ટ કરે છે, પોતે બીજી સિંહણથી દૂર રહે છે.૧૨ થી ૧૮ મહિને સિંહણની પ્રસુતિ થાય છે, ત્યારબાદ સિંહણ પોતાના બચ્ચાને લઇને સિંહથી દૂર ચાલી જાય છે, કહેવાય છે કે સિંહ ભૂખ્યો થાય તો બચ્ચાને પણ મારી નાખે. સિંહણ બચ્ચાની સંભાળ લે છે, બચ્ચુ પગ ભર થાય ત્યાં સુધી જ.
મારા પતિ ફોટૉગ્રાફીના શૉખીન તેમના મનમાં તો ક્યારે કંઈક નવું જોવ અને કચકડામાં મઢી લવ તે જ વિચારો દોડતા હોય, બે ત્રણ વખત ડ્રાઇવરને ઝીપ ધીમી કરવા કહ્યું, એક વખત તો ઉભી રાખવા કહ્યું ડ્રાઇવર ઉભી તો ના રાખે પરંતુ ધીમી જરૂર પાડે જેથી ફોટા પાડવાના શોખિન જીવની મનની મનસા પૂરી થઈ શકે, જેવી ઝીપ ધીમી પડે કે તુરત અમારા મિત્રના પત્નિ પન્નાભાભીના હ્રદયના ધબકારા વધવા માંડે ભાઇ જલ્દી ફોટા પાડી લ્યો સિંહ ભુખ્યો હશે તો હમણા આપણી તરફ દોડતો આવશે, દિલુભા ઝીપ આટલી ધીમી નહી કરો.અમારી સાથે ચૂડાના બાપુ પણ હતા તરત ભાભીને શાંત પાડ્યા, ભાભી સાહેબ સિંહની ઝડપ કરતા આપણી ઝીપ વધુ ઝડપે દોડશે એટલે તમે ચિંતા નહી કરો અત્યારે તો સિંહ તેના કુટુંબ સાથે ખાઇ પીને આરામ કરે છે.
જુઓ સિંહ અને સિંહણ બન્નેની આંખો સંતુષ્ટ અર્ધ ખુલ્લી છે, બચ્ચાને પિતાએ બેઉ આગલા પંજામાં લઇ સુરક્ષીત ગોદમાં લીધુ છે, બચ્ચુ માતા પિતા તરફ જોઇ રહ્યું છે, તેના નેત્રો જાણે પૂછી રહ્યા છે મને પકડી કેમ રાખો છો?મને છુટ્ટા જંગલમાં ફરવું છે, જવા દ્યો , માતા પિતાને બચ્ચાનું મન ક્યાં જાણવું છે, તેઓ બન્ને સુખથી આરામ ફરમાવી રહ્યા છે.
ગીર વિસ્તાર દીપડા માટે પણ જાણીતો છે, દીપડા એશિયા અને આફ્રિકાના અમુક વિસ્તારમાં જ જોવા મળે છે, ભારતના ગીરના જંગલમાં અચુક જોવા મળે હાલમાં દીપડા ઇન્ડેન્જર પશુજાતિમાં ગણાય છે તેનું કારણ વિકસતો ફર ઉદ્યોગ, દીપડાનું સુંવાળું ફર સ્ત્રીઓના જેકેટ, બુટ, પર્સ ,બેલ્ટ વગેરે બનાવવામાં વપરાય છે.કદાચ બીજુ કારણ દીપડા એકલસુયા હોય છે, એકલા રહેવાનું પસંદ કરે તેથી શિકારીનો ભોગ બની જાય છે. અમારા બધાની ઇચ્છાને માન આપી બાપુ અમને દીપડા જોવા લઇ જવાના હતા, દીપડા તો રાત્રે જ બહાર નીકળે દિવસ દરમ્યાન દીપડા ઘટ્ટ જાડીમાં, તો કોઇ ઘટાદાર વૃક્ષ પરની જાડી ડાળી પર કે કોઇ વળી નાના પહાડ પર આરામ કરતા હોય.
સાંજનું વાળુ (સાંજના ભોજનને કાઠીયાવાડમાં વાળુ કહેવાય) સ્થાનિક દેશી માલધારી નેસડા વાસી ચારણ બહેનોએ બનાવેલ, દેશી બાજરીના રોટલા વાડીના રીંગણાનું ભરથું ગીરની ગાયનું દૂધ, દહીં, માખણ ગોળ.બધાએ આનંદથી દેશી ભોજન માણ્યું. રાત્રીના નવ વાગે સહુ ઝીપમાં જગ્યા પસંદ કરી ગોઠવાય ગયા. આજે દીવના રસ્તે જઈ રહ્યા હતા ઝીપ ૬૦ થી ૭૦ કીલોમિટર સ્પીડમાં દોડી રહી હતી, રસ્તા પર નહી જેવો ટ્રાફીક હતો, બધાની નજર બન્ને બાજુના જંગલમાં ફરતી હતી ત્યાં ઝીપ અચાનક ધીમી પડી, બાપૂ બોલ્યા ડાબી બાજુની જાડીમાં દીપડૉ ધીમી ચાલે ચાલી રહ્યો છે. બધાની આંખો પહોળી થઈ, લગભગ સાત ફૂટ લાંબો દીપડૉ અમારી ઝીપની પેરેલલ ચાલી રહ્યો હતો, લગભગ રસ્તાથી ૨૦ થી૨૦ ફૂટના અંતરે, બધાના જીવ તાળવે ચોટી ગ્યા, વસંત ઋતુની સોહામણી તારા મઢેલ રાત્રી ની ઠંડકમાં પણ બધાના કપાળેથી પરસેવાના બિંદુઓ ટપકવા લાગ્યા. જોકે મારા પતિ અને બાપૂને ફોટા પાડવાનો સારો મોકો મળ્યો, અડધો કીલોમિટર દીપડો અને ઝીપ સાથે ચાલ્યા, દીપડૉ ઝીપ તરફ જોતો પણ નથી તેના મનમાં શું હશે? અચાનક દીપડાએ અમારી ઝીપની આગળથી રસ્તો ક્રોસ કર્યો જમણી બાજુના વૃક્ષની પાછળ ઉભો રહ્યો , ડ્રાયવરે ઝીપ પાછળ લીધી ૫૦ ૬૦ ફૂટના અંતરે ઉભી રાખી. દીપડો વૃક્ષ પાછળથી નીકળી થોડું ચાલ્યો અને રસ્તો ઓળંગી પાછો ડાબી બાજુ ઓપોસીટ દીશામાં ચાલવા લાગ્યો, અમારી ઝીપ પણ અમારા ઉતારા તરફ ૬૦ થી ૭૦ કીલોમિટરની ઝડપે દોડી.
કહેવાય છે કે દીપડા ૨૦ ફૂટ લોંગ જંપ કરી શકે છે, અને ૧૦ ફૂટ હાઇ જંપ કરી શકે છે. અમારા સહુના જીવ હેઠે બેઠા. સહુના મનનો ગભરાટ ભાગી ગયો, સહુનું મન જિંદગીમાં અનોખુ સાહસ ખેડ્યાનો આનંદ માણી રહ્યું. સહુએ બાપૂ અને ડ્રાયવરનો હાર્દિક આભાર માન્યો. બાપૂ તો સાવ નિર્લેપ, તેઓની તિક્ષ્ણ નજર તો બીજા પશુ પક્ષીને શોધવામાં અને ફોટા પાડવામાં વ્યસ્ત..
ડો ઇન્દુબહેન શાહ
હ્યુસ્ટન ટેક્ષાસ
ફોનઃ ૨૮૧ ૭૮૨ ૬૮૬૩
http://www.indushah.wordpress.com
tmaro lekh vachvano aand thyo. khub vigte lkhy che.abhinndn.
LikeLike
Thanks Tarulataben.
LikeLike