મનની મોસમને “ઈર્શાદ”કહેતા કવિ શ્રી ચિનુ મોદી

મનની મોસમને જીવન અને મૃત્યુ સાથે કેટલો સંબધ ?હું અહી કહીશ કે જીવનથી મૃત્યુ સુધીની માનવીની સફર એ જ મનની મોસમ એને જેટલી ખીલવો તેટલી ખીલે બધું આપણા જ હાથમાં અને માટે ઘણી વ્યક્તિનો જન્મ દિવસ જેટલો જ મરણનો દિવસ અન્ય દિવસ કરતા જુદો જ હોય કારણ તેમના માટે જ્ન્મ્યાનો આનંદ કરતા વધારે જીવ્યા નો આનંદ હોય ,જે જન્માક્ષર નહિ પોતાના હસ્તાક્ષર મુકીને જાય, ઘણાના શબ્દો લોકો કબરમાં એમની સાથે જ દાટી દે જયારે કોઈક શબ્દો થકી જીવે. એક કવિ, એક સંવેદશીલ હ્રદય જયારે બંધ થાય ત્યારે બીજા અનેકને એના ધબકારા એમના ગયા પછી પણ સંભળાય અને મન કહે “ઈર્શાદ”. સમાચાર આવ્યા ગુજરાતના જાણીતા ગઝલકાર સાહિત્યકાર ચિનુ મોદીનું મોડી સાંજે અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. પ્રાર્થનાનો સમય ..એક ક્ષણ વિચાર આવ્યો આ વ્યક્તિ માટે પ્રાર્થના ની ક્યાં જરૂર જ છે ? આ વ્યક્તિ હજી અહી જ છે અને રહેવાની છે એની કવિતામાં ,એના નાટકોમાં ,એની નવલકથાના એકએક પાત્રોમાં ,ગઝલના“ઈશાર્દ”મા… ..

ચીનુકાકાને પ્રથમ વખત મળવાનો મોકો અમે સૌએ ૨૦૧૦માં “ડગલા”માં આમંત્રણ આપ્યું ત્યારે મળ્યો.સીધી સાદી, શાંત, સરળ પણ હસમુખી પ્રકૃતિ, પહેલીવાર મળીએ તો ખબર ન પડે કે આ માણસ છંદ નો જાદુગર છે.તમે ત્રણ કલાક એમની સાથે બેસો તો તમને પણ લખતા શીખવાડી દે. છંદોને કલમની છડીથી જાદુની જેમ ઉતારતા આવડે.શબ્દોમાં જીવનનો આનંદ લુટી જાણે, જિંદગીને ગઝલ થકી ચિક્કાર માણવાની અને પૃથ્વી પર રહ્યાંની ધન્યતાનો આનંદ લેવાનો કોઈ કહે કે ન કહે પણ અંતમાં “ઈર્શાદ” પોતે જ લખે અને પોતની સુગંધ મેળવે. “ઈશાર્દ” ટૂંકા તખ્લુશ (ઉપનામ )થી સંતોષ લેવાનો, કવિ તખ્લુસની અંદર જીવ્યા, એક ધબકતો માણસ પણ ઈશાર્દમાં જ અમર રહ્યો ,એમના પહેલા પુસ્તકનું નામ પણ કેવું “વસંતનો વિલાસ”. જીવન એ મૃત્યુ અને જન્મ વચ્ચે ભગવાને આપેલી વસંતનો વિલાસ છે એમ જાણી માણવાનું અને અંતે એક નાટ્યકારની અદાથી સમય આવે પડદો પાડવાનો અને કહેવાનું …
અલવિદા કહેવાનો અવસર છે ‘ચિનુ’-
ચાલ ઊભો થા અને શણગાર કર.
ક્યારેક પંક્તિઓ પાથરવાની બદલે ગદ્ય પણ સર્જવાનું, વિચારોને પત્રોમાં સર્જવાના,પોતે જે મેળવ્યું તેવું જ બીજાને દેવાનું પછી એ એમનો વિધાર્થી કેમ ન હોય ! લોકો સામાજિક શબ્દ પ્રોફેસર એમના માટે વાપરતા પણ એમનો કોઈ ફર્ક ન પડતો. મુશાયરામાં જતા ત્યારે તાળીઓ એમના કાનને સ્પર્શી જ શકતી. લોકો “ઈશાર્દ” કહેતા તો કહેતા “ઈશાર્દ” તો મારા માટે પ્રભુના આશીર્વાદ છે એથી વધુ વધુ કઈ નહિ..એમની ગઝલોમાં અંગત વેદના જ ભાષા-સંવેદનનું પ્રેરક બળ બની એમને લખાવતી,પછી એ ગઝલ હોય નાટક હોય ,નવલકથા હોય વાર્તા કે અનુવાદ હોય ચિનુકાકાએ ગુજરાતી સાહિત્યને પોતાનો આગવો  સ્પર્શ આપ્યો :,મનુષ્યની લાગણી અને મનુષ્યના જીવનની રુદ્ર -રમ્ય લીલા બધું જ શબ્દ થકી પીરસ્યું .ગઝલનો તો ગઢ બાંધી ગુજરાતીભાષાના મિનારા બાંધ્યા.

 ચીનુકાકા

 એકવર્ષ પહેલા એમને મળી હતી મહાગ્રંથના સાક્ષી તરીકે બીજા અનેક વિધાર્થીની જેમ અમને આશીર્વાદ અને પ્રેરણા આપ્યા હતા અને કહ્યું હતું “ભારતની કોઈ બીજી ભાષામાં પોતાની માતૃભાષાને સાચવવાનો અને સંવર્ધન કરવાનો આવો સફળ પ્રયોગ થયો નથી જેની નોંધ સમગ્ર ગુજરાતીઓએ લેવી જોઈએ”. એમણે શબ્દો દ્વારા લોકોને ચાહ્યા હતા, નવી પેઢી નવા સર્જકો માટે પ્રેરણા બન્યા,”બેઠક”ના નવસર્જકોએ એમની ગઝલને આસ્વાદ કરી માણ્યા ,તેમણે એ પાના વાંચ્યા. તેમને શબ્દોના આકાશની નિતનવી શોભા અને નવી આભા માણતા અને વખાણતા આવડતી હતી,મહાગ્રંથના પાના ફેરવીને નોંધ લીધી અને સાક્ષી બની સહી કરી,ત્યાર બાદ ,હમણાંની મારી છેલ્લી મુલાકાત જાન્યુઆરી મહિનામાં થઇ ,અમે મળ્યા એટલે મેં સહજ પુછ્યું દાદા કેમ છો બધું બરાબર ને અને સ્મિત અને સંતોષના ઓડકાર સાથે સાથે બોલ્યા…
કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો.
એજ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
મેં અને કલ્પનાબેને સાથે ફોટો પડાવ્યો એ જ સ્મિત જાણે જીવતી જાગતી કવિતા તેજ અને તિમિરની ધૂપછાવ જેવું હૃદય અને ગઝલનો વણબોલ્યો શબ્દ કેમેરાના ક્લીકના અવાજ સાથે બોલ્યો “ઈર્શાદ” ….બસ મનની મોસમ ખીલી અને કેમેરાના ક્લિક અવાજ સાથે ચિનુદાદાની તસ્વીર હૃદયમાં કાયમ માટે સચવાઈ ગઈ .
-પ્રજ્ઞા-

‘ઇર્શાદ’ ચિનુ મોદી –

પૂછે તો કહું……

કોણ પૂછે તો કહું કે આ ઉદાસી કેમ છે ?
ગામ, શેરી ને પછી ઘર કુશળ છે, ક્ષેમ છે.
જે હતાં લીલાં હવે સૂકાં થયાં, ઓ ડાળખી!
પાંદડાંને કારણે પોપટ હતા – નો વ્હેમ છે.
બંધ દરવાજે ટકોરા મારતાં તારાં સ્મરણ
નામ સરનામા વગરના કાગળોની જેમ છે.
હું તને મારી ગઝલ દ્વારા ફક્ત ચાહી શકું
એ સમે આ શબ્દ સાલા સાવ ટાઢા હેમ છે.
થાય છે કાયા વગરનો એક પડછાયો હવે
શેખજી! ‘ઈર્શાદગઢ’નો એ નવો હાકેમ છે.

ખાસ માહિતી –

ચિનુ મોદી ઉપનામ: ઇર્શાદ

– જન્મ તારીખઃ 30 સપ્ટેમ્બર, 1939

– જન્મ સ્થળઃ વિજાપુર, સાબરકાંઠા

– માતાનું નામ શશિકાન્તા, પિતાનું નામ ચંદુલાલ

– પત્ની- પ્રથમ લગ્ન 1958, બીજા લગ્ન 1977, ત્રણ સંતાનોના પિતા

– સાહિત્ય અકાદમી દ્વારા 2013માં એવૉર્ડ

– ચિનુ મોદી ગુજરાતી કવિ, નાટયકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક હતા

– ચિનુ મોદીએ પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં લીધું હતું

– તેમણે માધ્યમિક શિક્ષણ ધોળકાથી લીધુ

– 1954માં તેમણે મેટ્રિક કર્યું હતું, અને 1958માં ગુજરાતી વિષય સાથે BA કર્યું

– 1960માં LLB અને 1961માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી MA કર્યું

– 1968માં ગુજરાત વિદ્યાપીઠમાંથી વિદ્યાવાચસ્પતિ(PHD)ની ઉપાધિ મેળવી

– તેઓએ કપડવંજ, તલોદ અને અમદાવાદની કૉલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી

– 1975થી 1977માં ISROમાં સ્ક્રીપ્ટ રાઈટર

– ચિનુ મોદીએ આકાશવાણી અને ટીવી પર અનેક કાર્યકર્મો કર્યા

-ચિનુ મોદી તસ્બી અને ક્ષણિકા કાવ્યપ્રકારોના સર્જક રહ્યા

– વિદેશના પ્રવાસ કરીને કવિતા સર્જન માટેના વર્કશોપ કર્યા

– ચિનુ મોદીએ કુલ 52 પુસ્તકોનું સર્જન કર્યું છે

– વાતાયન, ઉર્ણનાભ, શપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં,  ઈર્શાદગઢ         જેવી અનેક કવિતા સંગ્રહનું સર્જન કર્યું છે

– ડાયલના પંખી, કોલબેલ, હુકમ માલિક, જાલકા અને અશ્વમેઘ જેવા નાટકોનું સર્જન

– ચિનુ મોદીએ નવલકથા, વાર્તાસંગ્રહ, ચરિત્ર પણ લખ્યા હતા.

– -તેમણે અનુવાદ, સંપાદન અને વિવેચનની પણ કામગીરી કરી હતી

ઇર્શાદગઢ : ચિનુ મોદીનો, ગઝલો અને દશ તસ્બીઓ સમાવતો કાવ્યસંગ્રહ. ‘તસ્બી’ ‘ક્ષણિકા’ પછીનો કવિનો બીજો પ્રયોગ છે. આ બંને દ્વારા ગઝલના સ્વરૂપને એકત્વ આપવાનો પ્રયત્ન થયો છે. ‘ક્ષણિકા’માં પહેલા શેરના કાફિયા રદીફને છેલ્લા શેરમાં પુનરાવર્તિત કરવામાં આવે છે, ત્યારે ‘તસ્બી’માં મત્લા અને મકતાને લગભગ એકાકાર કરી તખલ્લુસને દોહરાવી પ્રારંભના અને અંતના છેડાને એક કરવાથી રચનાનું વર્તુળ પૂરું થાય છે. ‘પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી’ એ જાણીતી તસ્બી અહીં છે; તો ગઝલોમાં અંગત વેદના ભાષા-સંવેદનનું પ્રેરક બળ બની છે. ગઝલની દુનિયામાં નામ અમર રહેશે

પર્વતને નામે પથ્થર દરિયાને નામે પાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે એ વાત આજે જાણી.

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ,
મારા ઘરે પધારો ઓ ગંજીપાની રાણી.

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે,
થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી.

થાકી જવાનું કાયમ તલવાર તાણી-તાણી,
’ઈર્શાદ’ આપણે તો ઈશ્વરને નામે વાણી.

 *

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.

કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.

માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.

કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં ?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.

*

નામ તારું કોઈ વારંવાર લે,
તું ખરો છે કે તરત અવતાર લે.

આમ ક્યાં હું પુષ્પનો પર્યાય છું ?
તું કહે તો થાઉં ખુશ્બોદાર, લે.

તું નિમંત્રણની જુએ છે વાર ક્યાં ?
તું મરણ છે, હાથમાં તલવાર લે.

હાથ જોડી શિર નમાવ્યું; ના ગમ્યું ?
તું કહે તો આ ઊભા ટટ્ટાર, લે.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

બંધ શ્વાસો ચાલવા લાગ્યા ફરી,
આ ફરી પાછો ફર્યો હુંકાર, લે.

એ કહે ‘ઈર્શાદ, ઓ ઈર્શાદજી’
ને હતો હું કેવો બેદર્કાર, લે.

-કૌશિક આમીન નો ખાસ માહિતી માટે ખાસ આભાર 

4 thoughts on “મનની મોસમને “ઈર્શાદ”કહેતા કવિ શ્રી ચિનુ મોદી

  1. મારી બાળપણની કેટલાક યાદો ચીનુકાકાના સામે બારણે રહેવાના નાતે આજે જીવંત થાય છે. હવે પછી જન્મતી દરેક ગઝલમાં પણ ચીનુકાકાનું નામ જીવંત રહેશે….શબ્દદેહે….’ઈર્શાદ’!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.