‘મનની મોસમ’ લલિત નિબંધ (8) ઈશ્વર 

 

ઈશ્વર એ શબ્દ જ અનેક મનમાં વિચારો અને અનેક પ્રશ્નો ઉભા કરી દે. માનતો હતો કે ઘણું બધું સડસડાટ લખાઈ જશે. પણ જેવી કલમ ઉપાડી કે મન વિચારોનાં ચકડોળે ચઢી ગયું. ઈશ્વર ખરેખર છે કે નહીં ? છે તો પછી દેખાતો કેમ નથી ? શું ઈશ્વર એટલે માત્ર એક કલ્પના ? શું આ સંતો, ઋષિઓને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હશે? શું તેમણે ઈશ્વરને જોયો હશે ?

શું ઈશ્વર એટલે રામ,કૃષ્ણ,મહાવીર,બુધ્ધ, જીસસ,રહીમ કે પછી ઈશ્વર એટલે પરમ શક્તિ ?શું ઈશ્વર પ્રતિમામાં છે? પણ એ પ્રતિમા તો માણસે બનાવી છે ? ઈશ્વર જો નિરંજન નિરાકાર હોય તો એની ખાતરી શું ? ઈશ્વર છે તો પછી આસ્તિકને દુઃખ શા માટે? નાસ્તિકને જલસા શા માટે ?સત્યની હાર શા માટે અને અસત્યનો વિજય શા માટે ? ધર્મનાં નામે આટલા ઝગડા શા માટે ?વિશ્વમાં આટલી બધી અરાજકતા છે, અન્યાય છે તો પછી ઈશ્વર ચૂપ શા માટે છે ? શું ઈશ્વર જ સર્જનહાર અને ઈશ્વર જ વિસર્જનકર્તા છે ?મન વિચારો કરતાં થાકી ગયું, અને બોલી  ઉઠ્યું,  “હે, ભગવાન! i give up ” ને તરત જ ભીતરથી અવાજ આવ્યો ‘હમણાં જે હું બોલ્યો કે હે, ભગવાન ! તો આ કયા ભગવાન ? કદાચ ઈશ્વર આપણી સહનશક્તિની પરાકાષ્ટાએ છે. આપણી શ્રદ્ધાની પરાકાષ્ટાએ છે. આપણી લાગણીની પરાકાષ્ટાએ છે,. આપણી સંવેદનાની પરાકાષ્ટાએ છે. આપણા વિશ્વાસની પરાકાષ્ટાએ છે.આપણાં સ્નેહની પરાકાષ્ટાએ છે.આપણી ભાવનાની પરાકાષ્ટાએ છે.આપણી બુદ્ધિની પરાકાષ્ટાએ છે.

ઈશ્વરના સાચા સ્વરૂપને આપણે ઓળખતા નથી. એની વિશાળતા, વિરાટતા ને ગહનતાનો અહેસાસ નથી કરી શકતા. ઈશ્વર ક્યાંયે નથી એમ વિચારવાને બદલે જો એમ વિચારીએ કે -ઈશ્વર ક્યાં નથી ?તો સમજાશે કે ઈશ્વર બધે જ છે. માત્ર આપણી પાસે જોવાની સાચી દ્રષ્ટિ નથી. કોઈ ફિલોસોફરે ઇશ્વરની પરિભાષા આપતાં કેટલી સુંદર વાત કહી છે – હોડીમાં મુસાફરી કરતાં દસ માણસોમાંથી નવને ડૂબાડી દે અને માત્ર મને બચાવી લે તે ઈશ્વર જ.પણ ક્યારેક એ નવને બચાવી લે અને માત્ર મને ડૂબાડી દે તે પણ ઈશ્વર જ. એક વાર જો જોવાની દ્રષ્ટિ બદલાય જાય તો બધે જ ઈશ્વરના દર્શન થાય.

દાડમનાં દાણાને હીરાની જેમ ફળની અંદર જડનાર કોણ છે ?કઠણ નારિયેળમાં અમૃત સમું પાણી ભરનાર કોણ છે ? મોરના પીંછામાં નવરંગ પૂરનાર કોણ છે ?એક બુંદમાંથી પંચેન્દ્રિય માનવ સર્જનાર કોણ છે ?નવલખ તારાં,સૂરજ ચંદ્ર અને ગ્રહોનું ગગનમાં સંચાલન કરનાર કોણ છે ?હવાનાં પ્રાણવાયુથી જીવનને ટકાવનાર કોણ છે ? આપણે કદાચ લાખ વિચાર કરીએ અને વિજ્ઞાનનો પણ સહારો લઈએ તો યે આનો સંતોષકારક જવાબ નહીં મળે.આપણી સમજ આ બધું સમજવા માટે ઓછી છે. એટલે જ જો શરણાગતિ સ્વીકારી લઈએ તો અણસમજની પરાકાષ્ટાએ ઈશ્વર છે. ઈશ્વર અદ્રશ્ય નથી પણ આપણી બુદ્ધિનાં કારણે આપણી દ્રષ્ટિ પર પડદો પડેલો છે. કેટલી સરસ વાત કહી છે -ઘૂંઘટ કે પટ ખોલ તોહે પિયા મિલેંગે .  બસ, આ પડદો ઊંચકવાનો છે. દિમાગને બદલે દિલથી કામ લેવાનું છે.

એક નાનકડી છોકરી હાથમાં પેન્સિલ લઈ કંઈક ચિત્ર બનાવી રહી હતી. કોઈકે પૂછ્યું “શું દોરે છે ?”અત્યંત સરળતાથી તેણે જવાબ આપ્યો ” હું ઈશ્વરનું ચિત્ર દોરું છું ” પેલા ભાઈએ પૂંછ્યું “ઈશ્વર કેવા લાગે છે ?”બાળકીએ એ જ નિર્દોષતાથી કહ્યું “થોડી વાર ખમી જાવ.મારું ચિત્ર પૂરું થશે એટલે તમને ખબર પડી જશે કે ઈશ્વર કેવા લાગે છે.”                                                                    

એક અક્ષરનું સ્થાન બદલી  ‘ God is no where’ ને ‘ God is now here ‘કરી દેવાનું છે. બાકી સુખ-દુઃખ ,જીત-હાર, સત્ય-અસત્ય વચ્ચેનો જંગ, લડાઈ-ઝગડા એ બધું તો કર્મસતાને આધીન છે. ઈશ્વર તો એક સુપર કોમ્પયુટર છે એ હર પ્રશ્નનો જવાબ સાચો જ આપે છે પણ એની મરજીએ, એનાં સમયે અને એની રીતે.ત્યારે એક અનોખો વિશ્વાસનો અનુભવ થાય છે.ભગવાન અહી જ છે મારામાં અને મોસમ ખીલે છે.

 રોહિત કાપડિયા

 

રોહિત કાપડિયા

1 thought on “‘મનની મોસમ’ લલિત નિબંધ (8) ઈશ્વર 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.