‘મનની મોસમ’ લલિત નિબંધ (6) બારણે દસ્તક પડશે.

તૈયારી કરી લઈએ… 

 

                                                                             

‘મનની મોસમ’ લલિત નિબંધ (4) બારણે દસ્તક પડશે.

જે જન્મે છે તે મરે છે.સાવ સીધી સાદી વાત છે, જે બધા કહે છે. ચિત્ર સાથે કવિતાનો સત્સંગ કરવો છે કવિતા કહે છે.  જમનું તેડું  આવશે તો શું કરીશું? અહીં ભય નથી પણ નિર્ભયતા તરફના પ્રયાણની  વાત છે  કવિ કહે છે. માણસ જાણે મુસાફરીએ જતો ન હોય તેમ તૈયારી કરવાની છે. જીવવાનો આનંદ લૂંટતા….જેથી અફસોસ કોઈ ના રહે.

૬૦ ઉપર તમે થાવ  ત્યારે સંકેલવાની તૈયારી કરી લેવી જોઇએ.જેમ પાનખરને સ્વીકારો છો તેમ મનને પણ કેટલાંક સત્યોથી જાગૃત કરાવી લેવું જરુરી છે અને તેમાંનું પહેલું સત્ય છે “ જેટલું જીવ્યા તેટલું હવે જીવવાના નથી.સ્વીકૃતિને બસ આપણી પ્રકૃતિ બનવાની છે, જિંદગીએ  જેટલો સાથ આપ્યો તે સાથ હવે ઘટી રહ્યો છે. મોટી ઉંમરે તીર્થાટન કદાચ કઠીન બનશે. હાથ પગ ચાલતા હોય ત્યારે જ જ્યાં જવું હોય ત્યાં જઇ આવવું જરુરી છે. પાછલી ઉંમરે અફસોસ નહીં પણ જિંદગી મળી અને માણી છે એવો એક અહેસાસ દરેકે લેવો જોઈએ .ક્યાંક ઝરમર ..ક્યાંક મુશળધાર ,તો વળી ક્યાંક ધોધમાર ….આપણી અંદરના માણસે જીવન દરમ્યાન અનેક છબછબિયાં કર્યા છે, ક્યારેક બોલા તો ક્યારેક અબોલા પણ હવે… જેની સાથે અબોલા છે તેને સામેથી બોલાવી માનપૂર્વક આદર સાથે છેલ્લી સફરની તૈયારી સ્વરૂપે મીઠા બે બોલ બોલીને સાચવી લેજો.મરણની સભાનતા તો જ આવશે.વાત એક સસરાની છે, જે  અત્યારે યાદ આવે છે..અંગત જીવનમાં કંઇક ઊંચનીચ થયેલ હશે રીસમાં અને રોષમાં વહુને કાઢી મુક્યા પછી પણ સસરાનાં અંતિમ સમયે વહુ  “બાપુજી માફ કરજો “કહેવા આવી ત્યારે પણ સસરો તેને માફ ન કરી શક્યા અને મોઢું  ફેરવી ગયા ત્યારે કહેનારા અને જોનારા બોલ્યા પણ ખરા કે વહુએ તો કર્મ ખપાવ્યા પણ સસરાજી તો બેવડા બાંધી ને સાથે લઈ ગયા.

મૃત્યુનો  આવે ત્યારે બંધ  એકજ રીતે ખપે છે અને તે રીત છે “ હોય! હોય!”  ભગવાનમાં માનનારા એક વાત કાયમ કહે છે ફાઇલો બંધ કરતા શીખો..જેટલી ફાઇલો ખુલ્લી તેટલો વધુ મનને ચુંથારો મૃત્યુ પહેલા થતો હોય છે.તેની બદલે કોરી પાટી બનવાનું શરુ કરીએ  તો કેમ ?કવિની કવિતામાં મરણનો ઓછાયો જોઈ છળી મરવાનું નથી પણ મરણ આવે ત્યારે …કવિ કહે છે તેમ

“છેલ્લી ક્ષણોના ફાંફા,   ટાળવા બહુ જરૂરી છે ”

જેવા સ્વરૂપે આવ્યા તેવા થઇ જાવ તો કેમ ?  “મારા” અને “તમારા”નાં મોહને  ક્ષીણ કરવા સહજ થવાનું છે.

અમારા એક સ્નેહી માનતા અને કહેતા “ મારું મૃત્યુ આવવાનું હોય ત્યારે મને જીવાડવાનાં પ્રયત્નો ના કરશો…હોસ્પીટલના નો ખર્ચ સારા કામ માટે વાપરજો..મારા દેહને ત્યજવાનાં મારા આત્માનાં પ્રયત્નોને નબળા ના પાડશો. અને ૮૫ વર્ષે શ્રધ્ધાપૂર્વક (સંથારો) સ્વૈચ્છિક દેહત્યાગકર્યો .આ મૃત્યુ ને જીવી જવાની ઘટના કહેતા સંતોએ બહુ શ્રધ્ધાપૂર્વક તેમને અંજલીઓ આપી, જ્યારે તેમનું ડોક્ટર વૃંદ કહેતું માવજત લીધી હોત તો હજી બીજા ૧૫ વર્ષ દાદા જીવતે.. ઘણાં બુદ્ધિ વાદીઓ આને આત્મહત્યા કહે છે..પણ જનાર સમજપૂર્વક દેહ ત્યાગે તેને આત્મોધ્ધાર પણ સમજાવનારા તર્કો છે. તે વીર છે. અને વીરગતિને પ્રાપ્ત થતા હોય છે.તેમણે જ્યારે નિર્ણય કર્યો હતો કે મને કોઇ પણ ઇંજેક્શન કે ગ્લુકોઝ નહી ચઢાવવો ત્યારે તેમના મનમાં કેટલી ઉચ્ચ ભાવના હતી.. જનમ્યો ત્યારે જેટલો ચોખ્ખો દેહ હતો તે સ્વરૂપે આ ખોળીયુ પ્રભુ ને પરત કરવુ..૧૫ દિવસો નાં ઉપવાસ ને લીધે બધી અશુચિઓ દુર થઈ ગઈ. કુટુંબ વાડી, વજીફા, બધુ વંશજો માં વહેંચી દીધું હતું. અને આ બધી વિચારસરણીમાં તેમના પત્નીનાં મૃત્યુ પછી મારે શીદને હવે રહેવુંવાળી વાત જ તેમના મુખેથી સહજ થઇ ને નીકળતી. જિંદગીમાં પૈસા લગ્ન પહેલા “મારા” હતા…લગ્ન પછી તે “આપણા” થયા અને સંતતિ પુખ્ત થાય પછી “તમારા” કરવાની તૈયારીને મૃત્યુ સ્વીકારની સ્વૈચ્છિક તૈયારી થઈ. આપણે જાતે જીવવાનું છે તેમ જાતે મારવાનું છે. આપણે પોતે ઝાડ થઈને પાંદડે પાંદડે ખરવાનું છે. આભ આખાને ઝીલવાનું છે.આ ઘટનાને કાકા કાલેલકરે બહુ સરસ વર્ણવી છે.

“ પાકુ થતુ ખજુર ધીમે ધીમે ડીંટામાંથી,

માતૃખજુરનાં ઝાડમાંથી એવી રીતે સંકોરતું જાય.

કે જ્યારે પવનનાં ઝોંકાથી તે ખરી પડે ત્યારે

દર્દ તેને પણ ના થાય અને માતૃખજુર ને પણ ન થાય.”

આ સૌથી અગત્યનું સત્ય છે,આ તૈયારી મનની કરવાની છે.-  મનને વોસરાવવું (તજવું;)

હજી મારા પૌત્રનાં લગ્ન જોવાના બાકી છે, કે  ચોથી પેઢી જોઇને જઉં તે કલ્પનાઓ કરવી તે પણ અનુચિત છે. જો કે વિજ્ઞાને આયુ તો વધારી છે પણ એ વધેલી આયુનો ભોગવટો કરવા ડોક્ટરનાં ઘર ભરાતા હોય છે. શરીર કોચાતા હોય છે અને સેવા કરનારાઓ મહદ અંશે તો હવે ક્યારે વિદાય થશે તેની જ રાહ જોતા હોય છે. બુદ્ધિજીવીઓ તો આજ કારણે કહે છે આપણું આવવું આપણા હાથમાં નહોતું પણ જવું તો આપણા હાથમાં છે જેને પશ્ચિમ જગતમાં “Graceful Exit”નું રુપકડું નામ પણ આપે છે.

બીજું તૈયારીમાં જે કંઈ મેળવ્યું છે તેને “પાછુ વાળવું”જીવન દરમ્યાન આપણે આપણી આજુબાજુમાંથી કૈક તો અને ઘણું મેળવીએ છીએ ,જે મળ્યું છે એવું બીજાને મળે તેવા ભાવ સાથે પાછું આપવાની તૈયારી આપણે કરવાની છે.

બધાએ  એક સત્ય લખી નાખવાનું છે કે સાથે કંઈ લઇ જવાનું નથી તો જે દેશ, જે માતૃભાષા જે કૉલેજ અને જે ધર્મ મંદિરે મનોવિકાસની કડીઓ સોંપી તેમાં અનુદાન આપવા અંત સમય સુધી રાહ શા માટે જોવી ?તમારા હાથે જ તમારું યોગદાન કરીને  “જીવત ક્રિયા”બનાવી જીવતા જગતયું કેમ ના થાય ?આપણી જ્ઞાતિ માં મૃત્યુ પછી ચક્ષુ-દાન, અને દેહ-દાન કર્યાના ઉદાહરણો ઘણા આજ કાલ સાંભળવા મળ્યા છે. પણ કોઈએ પોતાની હયાતી માં   “જીવતે જગતિયું, કે જીવિત મહોત્સવકર્યા નું બહુ  ધ્યાન માં નથી.

બસ કવિ આ જ કહે છે તૈયારી કરી લઈએ. કોને ખબર છે ક્યારે દસ્તક આવશે બસ તૈયારી કરી લઈએ આ કવિતામાં હૃદયની આરત છે આપણા વેણ થીજી જાય તે પહેલા વહેતા કરવાની આરત ,તૈયારી કરી લઈએ “તૈયારી”  શબ્દ  મહત્વનો છે ફરી ફરી કહે છે તૈયારી કરી લે ત્યારે યાદ રાખવાનું છે કે ભાવગવાન બધાને તૈયારીનો સમય પણ નથી આપતો,તૈયારી કરી લઈએ શબ્દ બીજી એક ખુબ મહત્વની વાત સૂચવે છે વિસર્જન દ્વારા જ પુન;સર્જન ,વ્યક્તિ પોતાના વ્યક્તિત્વમાંથી છૂટે છે પણ સ્વત્વને જાળવીને ,આત્માનો પોતાનો પ્રકાશ છે. આપણી આસપાસ પાનખર હોય ત્યારે વસંતનો વૈભવ પ્રગટાવાનો બસ એજ તૈયારી કરવાની વાત કવિએ કહી છે

જીવિત મહોત્સવ કરવાની પાછળ પણ તેનો ઉદ્દેશ્ય કૈંક આવો જ હોય છે. મૃત્યુ પછી બારમાં તેરમાંની ઉજવણી ભૂદેવો ના પેટ ઠારવાના ? સંતાનો તો એ બધું મૃત્યુ બાદ કરશે જ પણ શા માટે તેવી રાહ જોવી?અથવા કઈ ન થયું તેવા અપરાધની લાગણી સાથે શા માટે છેલ્લા દિવસો કાઢવાના ? એના કરતા તૈયારી કરી લઈએ ,મન ને મક્કમ કરીને, તૈયારી કરી લઈએ.અફસોસ કોઇ રહે ના, એ રીતે સંકેલી લઈએ.

કપૂરના કોડિયા બનવાનો અવસર મળે તો છોડાય ખરો …..એના થકી જ તો દીપમાળા પ્રગટે ને …

Vijay Shah વિજય શાહ

        

વિજય શાહ

 

 

4 thoughts on “‘મનની મોસમ’ લલિત નિબંધ (6) બારણે દસ્તક પડશે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.