‘મનની મોસમ’ લલિત નિબંધ (5)સલામ, એ અદભુત શક્તિને

રશ્મિ જાગીરદાર.

આજે મહિલા દિવસે લખવા માટે બીજો કોઈ વિષય ક્યાંથી સ્ફુરે? અને ચિત્ર પણ શક્તિશાળી નારીઓનું જ દેખાય, તે આજના દિવસે સ્વાભાવિક છે ખરું કે નહિ?
“દ્વંદ્વ” શબ્દ આપણા માટે જાણીતો છે, દ્વંદ્વ સમાસ પણ આપણે શીખ્યા છીએ. એ સમાસમાં એના અર્થ પ્રમાણે બે જુદા શબ્દોનું એક સ્વરૂપે- એક શબ્દ બનીને આવવું અનિવાર્ય હોય છે. એક સિક્કાને જેમ બે બાજુ હોય જ. તે અનિવાર્ય  છે. એક બાજુ વાળો સિક્કો હોય ખરો? નહીને? જ્યારે જયારે હું સિક્કાની વાત વિચારું ત્યારે એના માટે બંધ બેસતાં ઘણાં દ્વંદ્વ-જોડકાં, મારી આંખો સામે તરવરવા લાગે. અને એ બધામાં સૌથી ઉપર તરતું એક દ્વંદ્વ એટલે “સ્ત્રી-પુરુષ.”
આ જોડકું, એની પોતાની રીતે  અજોડ છે. એક ઘર બનવા માટે, સિક્કાની બે બાજુ જેટલું જ મહત્વ સ્ત્રી અને પુરુષનું છે. વિશાળ અર્થમાં જોઈએ તો સંસારની રચનામાં પણ એ બંને -સ્ત્રી અને પુરુષ- અનિવાર્ય છે. અને એટલે જ તેમને સંસાર રથના બે પૈડાનું બિરુદ પ્રાપ્ત છે. હવે આ રથને વ્યવસ્થિત રીતે ચાલવા માટે બંને પૈડા સરખાં સક્ષમ હોય તે પણ એટલું જ અનિવાર્ય છે. પણ કાશ એવું હોત! તેવું છે નહિ. એના પરિણામ સ્વરૂપે કેટલાય સંસાર રથ, ધીમી ગતિએ ચાલતા જણાય છે, તો કેટલાક તો ઢસડાતા જતા હોય તેવું લાગે છે.
મારા વિચારો જ્યારે આ પોઈન્ટ પર આવીને અટકે ત્યારે અનાયાસ જ, મારું મન એ બંને પૈડાની તુલના કરવા મંડી પડે. અને હું એને રોકી પણ ના શકું. ઘણી ખ્યાતનામ લેખીકાઓએ જ નહિ, અનેક માન્યવર લેખકોએ પણ સ્ત્રીઓને, અનેકવિધ ઉપમાઓથી નવાજી છે. કોઈએ તેને મમતાની મુરત કહી છે, તો કોઈએ ધૈર્યની ધારીણી ગણાવી છે, તો વળી સંસ્કારની સુરત તરીકે પણ તે એટલું જ નામ કમાઈ
ચુકી છે. સંસાર સાગરમાં તરતા તરતા કે ડૂબકી લગાવીને અવલોકન કરીએ, તો સ્ત્રીનાં આ તમામ સ્વરૂપો આપણે જોઈ શકીએ છીએ. ઉપરોક્ત તમામ ગુણો અને ક્ષમતાઓ ઉપરાંત જે એક અધિક મહત્વનો, તેનો પોતાનો, આગવો ગણાય તેવો ખાસ ગુણ- ખાસ વિશેષતા એટલે સ્ત્રીની સહનશક્તિ. સ્ત્રીના આ ગુણને સમજવો પણ સહજ નથી, થોડા અનુભવો અને ઉદાહરણો દ્વારા આપણે તે સમજવા પ્રયત્ન કરીએ.
દરેક કુટુંબ પર ક્યારેક તો  કોઈ અણધારી આફત કે વણમાગી મુસીબત  આવી પડતી હોય છે. તેનો સામનો કરવા સ્ત્રી અને પુરુષ બંને પોતપોતાની રીતે પ્રયત્ન તો કરે જ. પણ જોઈએ કે થાય છે શું?
એક ડોક્ટર જે આપણા દેશમાં ખુબ જાણીતા હતા અને શહેરમાં તેમની મોટી હોસ્પિટલ હતી. તેમને બે દીકરા. સાતમાં-આઠમાં ધોરણના પરિણામો પરથી જ
 તેમને લાગ્યું કે, રસાકસી ભરી હરીફાઈમાં આ છોકરાઓનો ગજ નહિ વાગે. એટલે ખાસ તેમને ભણાવવાના આશયથી તેઓ પરદેશ ગયાં. પણ ત્યાં જઈને તો તેમને લાગ્યું કે આતો એક બાજુ કુવો ને બીજી બાજુ ખાઈ જેવું થયું. છોકરાઓને ત્યાં એડમીશન સરળતાથી મળી ગયું. પણ એમડી ડોક્ટરને તો ત્યાં કમ્પાઉન્ડરની જોબ પણ નસીબ નહોતી! શરૂઆતમાં તે ખુબ ગુસ્સે થતાં. આપણે અહીં ખોટા આવ્યા. છોકરાઓને તો ડોનેશનથી એડમીશન અપાવીને ભણાવાત, પઈસા તો આપણે ખુબ કમાયા જ હતાને!  તેમની પત્ની પણ વિચારતી કુક અને સરવંટનો સ્ટાફ રાખીને ભોગવેલી દોમ દોમ સાહ્યબી મુકીને, આ વાસણ ઘસવા હું કેમ અહીં આવી હોઈશ!– આ તો શરૂઆત હતી પછી ધીમે ધીમે સ્થિતિ એવી થઇ કે, જેવી તેવી જોબ ડોક્ટર સાહેબ કરે નહિ અને જોઈએ તેવી જોબ મળે નહિ. દેશમાંથી લાવેલા પૈસા ધીમે ધીમે પગ કરતા ગયા. અને હેલ્પલેસનેસની લાગણી ડોક્ટરને ઘેરી વળી અને તે સરી પડ્યા ડીપ્રેશનમાં !
હવે ઘરની ગૃહિણી એલર્ટ થઇ ગઈ. ચારે બાજુ મુશ્કેલી તો હતી જ, તેમાં ભાંગી પડેલા પતિની અવદશા જોઈ, તેણે પોતાના સંસારનું સુકાન હાથમાં લઇ લીધું. પોતે પણ  બીકોમ થયેલી હતી પણ જોબનો અનુભવ નહોતો, છતાં એક મનોવૈગ્નાનીક ડોક્ટરને ત્યાં કલેરીકલ કામ માટે જોબ લઇ લીધી. ચાર જ દિવસ જવાનું હતું. બાકીના દીવસોમાં એક મોલમાં જેવી મળી તેવી જોબ લીધી. બાળકો હજી હાઈસ્કુલમાં હતા એટલે તેમનો ખાસ ખર્ચો નહોતો. જ્યાં જોબ હતી તે ડોક્ટરને પોતાના પતિની તકલીફ જણાવી, બને તો મદદ કરવા વિનંતી કરી. દરમ્યાનમાં તેનો ભાઈ કોઈ કામે દેશમાં જવાનો હતો તેની પાસે ત્યાંથી જરૂરી ડોલર્સ એક્ષચેન્જ કરીને મંગાવી લીધા. ત્યાં તો રૂપિયાની કોઈ કમી નહોતી. “છતી છતે, અછત” ભોગવવાનો કોઈ મતલબ નહોતો. એ નિર્ણય ખુબ સમજ પૂર્વક લીધો. પૈસાની ખેંચને લીધે  નેગેટીવ વિચારોથી ઘેરાયેલા ડોક્ટરને હવે જાણે એ થોડી  રાહત થઇ. પોઝીટીવ વાતો અને વાતાવરણ સર્જીને હતાશામાં ડૂબેલા પતિને બહાર કાઢવા તેણે  આકાશ-પાતાળ એક કર્યા. ધીરજ પૂર્વક પતિ અને બાળકોને સંભાળવામાં તેણે  પોતાની તમામ શક્તિ કામે લગાડી. સમય જતાં પેલા ડોક્ટરની સહાયથી પતિને જોબ પણ મળી. પછી તો ઘીના ઠામમાં ઘી પડી ગયું, મતલબ કે ખાધું પીધું ને રાજ કર્યું. પણ અહીં આખી વાતનો મતલબ એ થયો કે પુરુષ મુસીબતથી વહેલો હારી જાય છે, ગભરાઈ જાય છે, તૂટી જાય છે. જ્યારે સ્ત્રીની સહનશક્તિ તેને પડકારો સામે સતત ખડી રહેવાની તાકાત આપે છે. આખું ઘર દુઃખથી હતાશ થઇ જાય ત્યારે સ્ત્રીની અંદર કોઈ અદ્ભુત શક્તિ ઉદભવે છે. એ શક્તિ જ સહન શક્તિ છે. એને સમજવા માટે મને એક બીજો પ્રસંગ યાદ આવે છે.
૧૫ થી ૨૨ વર્ષની વચ્ચેના ત્રણ દીકરા અને માંડ ૪૭ વર્ષની માતા. એનો પતિ હાર્ટ એટેકમાં ગુજરી જાય છે. પહેલી પળોમાં તો બધાજ ભાંગી પડે છે, પણ પછી માતા પોતાને સંભાળી લે છે. સહનશક્તિનો સ્રોત એની અંદર ઉદભવે છે. અને અપાર પ્રેમથી પોતાના બાળકોને પાંખમાં લઈને માં કહે છે,” આપણાથી ના રડાય,મારા વ્હાલા દીકરાઓ, તમારા પિતાને  તમને રડતાં જોઇને ખુબ દુઃખ થાય. આપણે રડીને તેમને પણ રડાવવા છે? નહીને?  તો જુઓ,  હવે આપણે એમના અધૂરા કામો પુરા કરવામાં પરોવાઈ જવાનું. તો જ એ રાજી થાય! અને હું છું ને તમારી સાથે! તમારા પપ્પા ક્યાંય નથી ગયા, આપણી સાથે જછે. “
આ પ્રસંગે હાજર સૌને લાગ્યું કે, શું અહીં સહનશક્તિએ ખુદ અવતાર ધારણ કર્યો હશે?આકાશ, ધરતી, સમગ્ર જળરાશી, અને વનરાજી તમામ એક થઈને નારી પર આફતોનો ખડકલો કરે, ત્યારે પણ અડીખમ ઉભી રહે તે નારી.- અને નારીનું એ બળ એટલે સહન શક્તિ.
આવું પહાડ જેવું દુઃખ સહન કરવા માટે મહિલાએ , ધરતીના જેટલી ક્ષમતા ધારણ કરવી પડે અને તે એક નારી જ કરી શકે.  પૃથ્વી પર થતાં આટઆટલાં પાપો, અત્યાચારો, દુષ્કર્મો, આ બધું જ સહન કરનારી પૃથ્વીને આપણે માતા કહીને સન્માનીએ છીએ. તે વંદનીય છે. તો નારીને પણ આજે મહિલા દિવસે આપણે સન્માનીએ અને તેની અદ્ભુત સહનશક્તિને વંદન કરીએ.
 હે અદભુત શક્તિની સ્વામીની, તને સો સો સલામ.
અસ્તુ.
રશ્મિ જાગીરદાર.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.