‘મનની મોસમ’ લલિત નિબંધ (૪) કૃષ્ણ બની ચાહો

 

 

 

 

 

 

 

આજે હું તમારી સાથે ચિત્રયાત્રા  કરવા માંગું છું. ઈલ્યારાજા નામના તામિલનાડુના એક ચિત્રકારનું આ ચિત્ર મારી સામે  છે.એમના ચિત્રોમાં વાસ્તવિકતા બોલે છે એને અનુભવું છું અને કવિતા ફૂટે છે.અહી સ્ત્રી છે પણ પોસ્ટર જેવી નહિ,પણ જીવનના ધબકારવાળી ,મોડેલ નહિ પણ સામાન્ય સ્ત્રીના ચહેરાવાળી સ્ત્રી… મૌનને મૌન સંભળાય ત્યારે લાગે છે,હમણાં જ બોલશે અને બોલશે તો શું બોલશે ? હૃદયને શબ્દો ફૂટે છે.બસ અને મારી કલમ આ સ્ત્રીની સંવેદના લખે છે.  

બારીએ ઉભી તમારી રાહ જોઉં છું

તમે સાંજે પાછા આવો છો.

ત્યારે હથેળીમાં આકાશ લાવો છો

હું કેટલીય વાતો ખોબામાં લઇ ઉભી હોંવ છું  ઉંબરે

તમારી રાહ જોતી,

હવે માળો ગુંજશે

પણ .. તમારું મોંન,

એક અવકાશ બની જાય છે.

અને હું ચુપચાપ મારામાં જ

સમાતી બહાર બારી બહાર  જોયા કરું છું.

અને થોડી ક્ષણો માટે

ઉંબરા ઓળગી

ઘરની બહાર વિહરું છું.

અને પોતાની પંખો લઇ ઉડતા

પંખીઓ મને મારું અસ્તિત્વ યાદ કરાવે છે.

હું ઈંડા બહાર નીકળું છું.

અને હું કહું છું.

તમને મારે ચાહવા હતા એટલે ચાહ્યા,

તમે ચાહો ના ચાહો

એનાથી મને શુ ફરક પડે છે?.

દરેક સ્ત્રીમાં એક મીરા એક રાધા,કે એક  યશોદા જીવે છે. સ્ત્રીલિંગ જન્મજાત એક મા છે કારણ સમગ્ર સૃષ્ટિમાં સ્ત્રીલિંગને પ્રકૃતિએ પ્રેમ આપ્યો છે.નાગ દમન માં પણ નાગણને પ્રથમ સ્ત્રી દેખાડી છે.કૃષ્ણ બાળકને પ્રેમથી જવા કહે છે, પ્રેમ બધા કરી શકતા નથી,પણ સ્ત્રી જયારે પ્રેમ કરે છે ત્યારે નગાડા વગાળી જાહેર કરતી નથી,શાંત સૌમ્ય ધીરજ સાથે સ્ત્રી પ્રેમ કરે…

પુરુષ સ્ત્રી સમોવડિયો થઇ જ ન શકે, કારણ પ્રેમ સ્ત્રીની તાકાત છે.માણસ ૧ સમયે એક જ વ્યક્તિને ગળે વળગી શકે છે પણ સ્ત્રી એક સાથે અનેક વ્યક્તિને હુફ આપી શકે છે.એક સ્ત્રીને પૂછો કે પ્રેમ કેમ કરાય?.શીખવ્યું કોણે ?. તો કહેશે શ્વાસ લેવાનું શીખવાડવું પડતું નથી ને ? ફૂલ ફૂટે છે ત્યારે તેની સુગંધ સરનામાં વગર આવે છે ને ! એમ સ્ત્રીને પ્રેમ કરતા શીખવાડવું પડતું નથી,સ્ત્રીને મહિલાદિવસના ઉજવણામાં રસ નથી,એને માત્ર જગતને પ્રેમ દેવામાં અને એનો અહેસાસ માણવામાં રસ છે.પ્રેમનો જવાબ જયારે પ્રેમ મળે ત્યારે આપોઆપ એના અસ્તિત્વની મહત્તા સર્જાય છે.માગવી પડતી નથી,અને ન મળે તો મહત્તા બમણી થાય છે.પ્રેમ જ સ્ત્રીના જીવતરને, જડતરને, મક્કમતા અને આત્મવિશ્વાષ થી મઢી આપે છે. સ્ત્રી કોઈપણ ભાર વિના સપ્તપદીમાં ચાલે છે.કારણ પ્રેમ કરી જાણે છે જીવનમાં બે ડાળીઓ વચ્ચે થોડોક અવકાશ આવે તો પણ ચાંદની અને તડકો એમાંથી લેતા સ્ત્રીને આવડે છે.સ્ત્રી સભર છે કારણ એ અભાવમાં પણ પ્રેમથી પ્રાણ પુરે છે.દરેક સ્ત્રી પાસે પોતાનું  પ્રેમનું નાનકડું મંદિર છે.. હવામાં વહેતી સુંગધ છે.ફૂલની તૂટેલી પાંદડીમાં ગુલાબ જોવાની દ્રષ્ટિ છે.સ્ત્રીને  પ્રેમને લિપિ, ભાષા, ધ્વનિ, સ્વર જેવાં પરાવલંબનોની જરુરત નથી, એ નિ: શબ્દ, અ-સ્વર હોઈ શકે છે,સ્ત્રી જ નિર્મમ નિર્લેપ રહી શકે છે  ત્યારે જ આત્મવિશ્વાસ આપો આપ ડોકાય છે.એ માંગવો પડતો નથી એને હૃદયની આંખે જોવો પડે છે.પ્રેમ સર્વત્ર છે અને પ્રેમ સ્ત્રીનો જન્મસિઘ્ધ અધિકાર છે.પ્રેમને બલિદાન ,સમર્પણ અને ત્યાગની વ્યાખ્યામાં બાંધીએ છીએ.  પ્રેમ તો  વ્યાખ્યાઓના  કાંઠા અને કિનારાને ઓળગી એક નવીજ દિશામાં એનું રમ્ય ભવ્ય સ્વરૂપ ધારણ કરી પ્રતીક્ષા કરતા ઉભો હોય છે અને માટે જ સ્ત્રીની પ્રતીક્ષાના ઝરુખા ક્યારેય ભાંગેલા નથી હોતા,તમે લશ્કર પાસેથી સેનાપતિ છીનવી શકો છો પણ સ્ત્રીના પ્રેમને નહિ.સ્ત્રી પાસે પ્રેમનુ ગણિત કે રસાયણ નથી.સ્ત્રીને  પ્રેમમાં મિકેનિક્સ કે મેથેડોલોજી ની જરૂર પડતી નથી એનો પ્રેમ તો સંગીતની જેમ ફેલાઈ જાય છે. વિસ્તરતો જાય છે.એને એજ પ્રેમ સ્ત્રીને “હું” કેદમાથી મુક્તિ આપે છે.સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે ક્યાં કોઈને પુછે છે ?સ્ત્રી મુક્ત જ છે? શું મહિલા દિવસ ઉજવવાની જરૂર છે ખરી ?સ્ત્રીનું મહત્વ મનથી સમજણપૂર્વક સ્વીકારવાનું છે એમના અસ્તિત્વની મહતાનો અહેસાસ કરવાનો એજ તો  સ્ત્રીત્વને  સન્માન છે છે.જાતિય ભિન્નતા અને સામાજિક ભૂમિકા.આ  બંનેમાં આ તફાવત છે.. એ સમજણ કેળવવાની જરૂર છે.આ સમજણ આ તફાવતને આપો આપ દુર કરે છે. માત્ર તમારે કૃષ્ણ બનવાનું છે.કૃષ્ણની જેમ સ્ત્રીના પ્રેમને મહેસુસ કરવાનો છે મહેસુસ થયા પછી સન્માન એની મેળે જ સર્જાય છે.   સ્ત્રીને પૂછવામાં આવે તને શું જોઈએ છે ?તો કહેશે પ્રેમ ! અને પછી પૂછજો કેવો પ્રેમ ?અને જો કૃષ્ણને જાણતી હશે તો કહેશે કૃષ્ણ જેવો ?  8 માર્ચ એટલે વિશ્વ મહિલાદિવસ.સ્ત્રીત્વને સન્માનવાનો દિવસ… બહેન-દીકરીઓને એમના અસ્તિત્વની મહત્તાનો અહેસાસ કરાવવાનો દિવસ હા કૃષ્ણ બની સ્ત્રીને ચાહવા નો દિવસ…..યશોદામાની દોરીમાં સાંબેલા સાથે વ્હાલથી બંધાવાનો દિવસ .. કૃષ્ણ બની દ્રૌપદીના ચિરપુવાનો દિવસ.તેની ઉર્જા તેમજ ઉન્માદને ન્યાય આપવાનો દિવસ  ..માત્ર આ એક જ દિવસ  જ કેમ ?……બધી મોસમ કેમ નહિ ?.

પ્રજ્ઞા

9 thoughts on “‘મનની મોસમ’ લલિત નિબંધ (૪) કૃષ્ણ બની ચાહો

  1. કૃષ્ણ બનીને સ્ત્રીને ચાહવી એટલે સ્ત્રીના અસ્તિત્વનો પૂર્ણ રૂપે સ્વીકાર.

    Like

    • રાજુલબેન તમે તો એક વાક્યમાં ઘણું કહ્યું …સ્ત્રીના અસ્તિત્વનો પૂર્ણ રૂપે સ્વીકાર. વાહ આભાર

      Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.