‘મનની મોસમ’ લલિત નિબંધ (૧)’હીંચકો

img_0662-3-e1448962605653

તરુલતાબેન મહેતા

પ્રિય પ્રજ્ઞાબહેન,’બેઠક’ ની પ્રવુત્તિ સરસ મજાની ચાલે છે.નિબઁધ માટેનું આમંત્રણ મને ગમી ગયું ,મારી તમને ખાસ વિંનતી છે કે મારો આ લલિત નિબંધ કોઈ હારિફાઇ માટે નથી.આનન્દમાં સહભાગી થવા પૂરતો બ્લોગ પર મૂક્શો. જૂન મહિનામાં મારા તરફથી કોઈ હરિફાઇનું આયોજન કરીશું.આભાર.

 

download

‘હીંચકો ‘

આજકાલ ખુશનુમા સવારે વતનના બંગલાની બહારના બગીચામાં હીંચકા પર પગની ઠેસી મારી ઝૂલવાની દિલને તરબતર કરતી અનુભૂતિને  શબ્દોમાં ઉતારું પણ  એ ઝૂલાની કેફ ચઢાવતી મંદ ગતિ,મધુમાલતીના  ઝીણાં લાલ ગુલાબી પુષ્પોની સુગંધી લહેરોનું શું? પરદેશમાં હોઉં ત્યારે મારું મધરું સ્મરણ હીંચકો.ત્યાં બેકયાર્ડમાં હોમડિપોમાંથી લાવી ગોઠવેલો સ્વીંગ  છે.પણ નવરાશ મળતી નથી ,મન થાય ત્યારે ફાગણની મનભાવન હવા યાદ આવે.ગુજરાતી કુટુંબોમાં સઁખેડાના  હીંચકા દેશ પરદેશ સર્વત્ર ડ્રોઇંગરુમની શોભા આજે પણ છે.આધુનિક સોફાસેટ અને ચેરની મધ્યમાં લાલ રંગ પરની સોનેરી ડિઝાઇનવાળો સંખેડાનો હીંચકો -એક કલાકારનું  જીવંત સર્જન આંખોનું આકર્ષણ બની રહે છે.હીંચકામાં નાણાંનું રોકાણ તો ખરું પણ એને જોઈએ મોટી જગ્યા અને તેના પર ઝૂલવાનો સમય અને નિરાંત.જીવનનો અહેસાસ હીંચકા પર ઝૂલતા થાય , મનની મોસમ પ્રસન્ન   થાય. એની ગતિ કલ્પનાને  સમય સ્થળની પારના લાલ . . લલાની અજનબી દુનિયામાં લઈ જાય.ગીતો અને ગાયનોની રમઝટ હીંચકો જમાવે.ભજનો ગાઈએ તો નટખટ કનેયો રાજી થાય.ગોકળ આઠમે  રૂપાળા ફૂલના  હિંડોળામાં ઝૂલતા બાલમ મુકુન્દમ કોણ ભૂલી શકે? કવિની કલ્પનામાં તો આભને ઝરૂખે હિંડોળો ઝૂલતો દેખાય.હીંચકો એકલતાનો સાથી છતાં એકાંતનો વૈભવ.ભોજન પછી શાંત ઘરમાં  સૌથી અલગ હીંચકા પર ઝૂલવું એટલે જાત સાથેની ગોષ્ઠિ.
ફુરસદની પળોનો મિત્ર  હીંચકો ,છોકરાં માટે મસ્તી તોફાનનું આમંત્રણ (નાનાં હતાં ત્યારે બાને પજવવા એ પકડવા જાય અને અમે હીંચકાની ગોળ ફરીએ) છોકરાઓ કિચૂડ કિચુડ હીંચકાને એવો ચગાવે કે એકાદ જણ પડે ,ક્યારેક હાથ,પગ તૂટે તો કયારેક 
હીંચકો દગાખોર બની ધબ કરતો બધાને ભોંયભેગા કરે. એ દશ્યની  યાદ આજે પણ હસાવે છે.દોડાદોડી,નાસભાગ.’પેલાને પકડ જો ,એ જ ચગાવતો હતો.’બૂમાબૂમ ,ચીસાચીસ અને ગભરાટ.વડીલોનો માર્શલ ઓર્ડર ‘કાલથી હીંચકો બંધ ‘ કાયદા ભંગ કરવાની કળા બાળકને માના ગર્ભમાંથી આવડી જાય છે.એટલે જ માના પેટમાં ઝૂલતા ઝૂલતા ડોક્ટરની ડેઈટથી વહેલો મોડો બહાર હીંચકો છે કે નહિ તે જોવા તે  જન્મ લઈ લે છે.જન્મની બાબતમાં ડોક્ટરની કે જયોતિષની આગાહી ઝૂલાએ જ  આઘીપાછી કરી હોય છે.’ઓ બાળ ,તારા માટે ધોડિયાની ઝોળી બાંધી છે .તને હાલા હાલા કરીશું,તું પુથ્વી પર અવતરણ કર:

‘કોણ હલાવે લીમડીને કોણ ઝુલાવે પીપળી,

ભાઈની બેની લાડકીને ભૈલો ઝુલાવે ડાળખી.

હવે પરદેશમાં પારણા જેવી ઝૂલતી ક્રીબ એમેઝોન પર ઓર્ડર કરી શકાય ને સંખેડાનું ઘોડિયું પણ લાડલી કે લાલા માટે હાજર થઈ જાય.પછી મૂકી દો હાલરડાંની ટેપ. બાળક ખુશ.એમ તો ચાના બગીચામાં કામ કરતી માતાઓ કે નેપાળ ,કાશ્મીરની માતાઓ બાળની ઝોળી પીઠે ઝૂલાવતી રહે તેમ આજની યુવાન મોમ નાના એપાર્મેન્ટમાં ઘોડિયું કે ક્રીબની જગ્યાના અભાવે બાળની ઝોળી ગળે અને કેડ પર બાંધી ઝુલાવે છે.ઝુલ્યા વિના બાળરાજાને નિંદર કેમ આવે?
જીવન સાથે જોડાયેલો ઝૂલો આપણા પૂર્વજોની અદ્દભુત શોધ છે.હીંચકો શબ્દનો  ઉદ્દભવ  સઁસ્કૃતમાંથી છે,
મતલબ આપણી પૂર્વની સંસ્ક્રુતિ હીંચકે ઝૂલતી વિકસી રહી છે.અનેક પરદેશી આક્મણો થયાં પણ જે જીવંત છે,ગતિમાન છે.તેને કોણ મારી શકે ?આત્માની ધારણામાં સ્થૂળતા નથી તે અમૂર્ત,અવિનાશી ,અજન્મા છે.આ જગત ઊર્ધ્વમૂલ અધઃશાખ કલ્પવામાં આવ્યું છે.સીલીગના કડાના આધારે લટકતા ઝૂલાને જમીનમાં પાયા નથી હા ,આધુનિક સમયમાં સિલિગમાં કોચીને કડાં નાખવામાં આવતા નથી એટલે એનું સ્ટેન્ડ મૂકાય પણ હીંચકો જમીનથી અધ્ધર ઝૂલે એટલે સદાય ગતિમાન,જીવંત.ભૂમિ પર રહેવા છતાં ઉપર જવાની  કેટલી તરકીબો માણસે શોધી છે.શરીરમાં મસ્તિક કેદ્રની આરાધના આત્મા માટે કરવાની.સામાન્ય જનને 
કોઈપણ સાધના વિના હીંચકો તૂર્યાવસ્થામાં મોકલી દે જે જાગ્રત અને સ્વપ્ન અવસ્થાથી પરની છે.

આ હીંચકો આવા જ કોઈ કારણસર ભાંગ કે મદિરાની જેમ એડિક્ટેડ છે,હીંચકો વ્યસન થઈ જાય એનો દાખલો મારા ફોઈસાસુ (પતિની ફોઈ ) હતા. નાગરકુટુંબની  મોટી હવેલીમાં અલગ પ્રકારના ચાર હીંચકા હતા.હવેલીના  વિશાળ  ઓટલા (વરંડો) પરના  હીંચકા પર સવાર સાંજ ફોઈની બેઠક કોઈની જિગર નહિ કે એ ટાઇમે બીજું કોઈ હીંચકા પર બેસે. બપૉરૅ ખાલી હીંચકા  પર છોકરાં રમે ને ચાન્સ મળૅ તૉ કૂતરા ય લ્હાવો લઈ નિદ્રા ખેંચી લે.  હવેલીનાં બે મોટા બારણાં જેને કમાડ કહેવાય જે કલાકારીગિરીથી  સુશોભિત હોય તે ખૂલે એટલે ચોકમાં થઈ રવેશીમાં ત્રણ બાજુ કઠેરાવાળા હીંચકા પર ફોઈ દેખાય,અંદરના ઓરડામાં હીંડોળા ખાટ પર ફોઈ બપોરે  આરામ કરે,એમના પૂજાના રૂમમાં નાનકડું  પાટિયું હીંચકો જેના પર બેસી માળા કરે.સવારની ચા પીવાની હીંચકે ,છાપું વાંચવાનું હીંચકે ,મિલન -મુલાકાત ,મહેમાનોને ‘આવો -આવજો હીંચકેથી થાય.

તેઓ બાળવિધવા અને નિસંતાન પણ જીવન છલકાતું -હીંચકાને કારણે.હીંચકાનાં કડામાં દિવેલ પૂરાવવાનું ,પિત્તળની સાંકળોને સોના જેવી ચક્ચકિત રખાવવાની ,ગાદીના કવર બદલવાના ,ગોળ તકિયાને અવારનવાર રૂ બદલાવી ઘાટમાં રાખવાનાં એવી હીંચકાને અપ ટૂ ડેટ રાખવાની બાબતોમાં તેમનો રસ અને ચોકસાઈ અનન્ય.તેઓ નવી ગાદીવાળો હીંચકો જોઈ કોઈ  મા બાળકનો  નવો  ડ્રેસ જોઈ ખુશ થાય તેમ થતું.એટલે જ આપણે ડોગ પાળવાની તમન્ના  કરતા નથી.વફાદાર ઝૂલતો સેવક હીંચકો સદા હાજર.

હીંચકાનું પ્રદર્શન જોવાની મને તક મળેલી.એટલા વિવિધ પ્રકાર અને જુદીજુદી બનાવટના  હીંચકા જોયા કે
 હું મંત્રમુગ્ધ થઈ ગઈ.મોગલાઈ ,બનારસી,આરસનો ,સોનાનો,રૂપાનો,સાગનો,સઁખેડાનો અધધ આટલા હીંચકાના રૂપો સાચે જ ફર્નિચરનો રાજા.એની કલાકારીગિરી  જોઈ બનાવનારના હાથને દાદ આપવાનું મન થાય.ત્યાં પ્રદર્શનમાં નહોતા તેવા ઝૂલા પણ યાદ છે. દરિયા કિનારે નેટની જાળીમાં ઝૂલવાની  મઝા કે આંબલીની મજબૂત ડાળીએ બાંધેલાં હીંચકામાં ઝૂલતા  મજૂરબાળની મીઠી ઉંધ અમૂલ્ય છે,ગોર્યોના વ્રતમાં કાજુ દ્રાક્ષના ચાવણાંની કોથળીને કેડે લટકાવી સરકી જતા રેશમી ચણિયાચોળી પહેરી ખાધેલા હીંચકાની મીઠાશ કેમ ભૂલાય? 

હીંચકાનો  એક ઝોલો મને પૂર્વમાં લઈ જાય અને બીજો હલેસો પશ્ચિમમાં. બન્ને વચ્ચેના અવકાશમાં રહેલા પ્રેમ,ઊર્મિઓના અદશ્ય વાયરો મને આધાર આપે છે. પેસિફિક સમુદ્રના કિનારે સાન્ફાન્સિસ્કો સિટીને બીજા વિસ્તારો સાથે જોડતો વાયરોના આધારે ઝૂલતો ‘ગોલ્ડન ગેટ બ્રીજ ‘દુનિયાના પ્રવાસીઓનું આકર્ષણ કેદ્ર છે.પૂર્વ -પશ્ચિમની સંસ્કૃતિને ઝુલાએ ગ્લોબલ રૂપ આપ્યું છે.

‘મારો હીંચકો રે અમરવેલડીની મ્હાંય ,

પ્રેમહીંચકો રે હદયવેલડીની  મ્હાંય . ‘(ન્હાનાલાલ )

તરુલતા મહેતા 1લી  માર્ચ 2017
Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in "બેઠક "​, તરુલતા મહેતા, નિબંધ માળા and tagged , , , , , , . Bookmark the permalink.

6 Responses to ‘મનની મોસમ’ લલિત નિબંધ (૧)’હીંચકો

 1. Pragnaji કહે છે:

  હિચકો એટલે મુક્તતા નો અહેસાસ. વાહ ખુબ સરસ

  Like

 2. પિંગબેક: ‘મનની મોસમ’ લલિત નિબંધ (૧)’હીંચકો | સહિયારું સર્જન – ગદ્ય

 3. falguniparikh કહે છે:

  Waah Khub saras!

  Like

 4. tarulata કહે છે:

  so mitrono aabhar.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s