વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (19)અદલાબદલી

photo

નિરંજન મહેતા

 

 

 

 

 

‘પપ્પા, કાલનો કલ્પેશ ક્યાંક ગયો છે પણ કોઈ સમાચાર નથી.’ ફોન ઉપર રડતા અવાજે રચનાએ કહ્યું.

‘ઓફિસના કામે ગયા છે કે અન્ય કામે તે તેમણે જણાવ્યું નથી?’

‘ના, કશું જણાવ્યું નથી.’ એ જ અવાજે રચનાએ કહ્યું.

‘ફોન કર્યો? શું કહે છે?’

‘પપ્પા, તમે પણ કેવી વાત કરો છો? ફોન કરીને વાત કરી હોત તો તમને ચિંતા કરાવતે? તેનો ફોન પણ સ્વીચ ઓફ આવે છે એટલે મને બહુ ચિંતા થાય છે. કદાચ ક્યાંક અકસ્માત થયો હોય તો?’

‘અરે એવું ના વિચાર. એવું કાઈ હોય તો આપણને પોલિસ કે અન્ય મારફત જરૂર જાણ થાય ને. આ તો કામમાં વ્યસ્ત હશે એટલે આમ થયું હશે.’ શુષ્ક અવાજે તે બોલ્યા.

‘પપ્પા તમારો અવાજ કેમ આવો છે? આ અવાજ સામાન્ય રીતે મારા પપ્પા બોલતા હોય તેવો નથી લાગતો. કોઈ પ્રોબ્લેમ?’

‘હા, તારી વાત સાચી છે. અહી પણ એવું કાઈક થયું છે જે વાત તને ફોન ઉપર કરાય તેમ નથી. એક કામ કર તું ઘરે આવ એટલે તને વાત કરીશ અને તારા પ્રોબ્લેમ વિષે પણ વિચારી આગળ શું કરવું તે નક્કી કરીશું..’

થોડા વખત પછી રચના પપ્પાના ઘરે પહોંચી ત્યારે ઘરનું વાતાવરણ જરા ગંભીર જણાયું. મમ્મીનું ગંભીર મો જોઈ તેને સમજ ન પડી કે શું થયું છે. અમિતભાઈ પણ સોફા પર સોગિયું મોઢું લઇ બેઠા હતા.

‘કેમ બધા આમ બેઠા છો? કલ્પેશના કોઈ સમાચાર આવ્યા છે જેની મને જાણ ન કરતા તમને કોઈએ જણાવ્યું છે?’

‘ના, એવું નથી,’ પપ્પાએ કહ્યું. ‘અહી પણ જે બન્યું છે તે તારી સાથે થયું છે કાઈક તેવું જ છે. તારી ભાભી શાલિની પણ કાલની તેને ઘરે જાઉં છું કહી ગઈ છે પણ તે ત્યાં ગઈ જ નથી અને તેનો કોઈ સંપર્ક નથી, અમે પણ બધે તપાસ કરી પણ હજી સુધી પત્તો નથી. તેના મા-બાપ પણ ચિંતામાં છે હવે તેમાં કલ્પેશકુંમારની તે વાત કરી એટલે વધુ ચિંતા થાય તે સ્વાભાવિક છે ’

એક સાથે બે અણધાર્યા બનાવે બધાની સુધબુધ ગુમ થઇ ગઈ હતી. આગળ શું કરવું, કેમ કરવું તેના વિષે વિચારવાની શક્તિ જાણે હણાઈ ગઈ હતી. એવામાં શાલિનીના માતા-પિતા પણ આવ્યા અને બહુ ચર્ચા પછી પોલિસમાં બંનેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવાનો વિચાર કરી રહ્યા હતા ત્યાં કુરિયરમાં એક કાગળ આવ્યો. પત્ર અમિતના નામે હતો.

‘અમિત,

પ્રિય નથી લખતી કારણ આ પત્ર વાંચ્યા બાદ તને સમજાશે કે હું તેમ કહેવાને લાયક નથી રહી. કેટલાય વખતથી કોઈ પગલું લેતા પહેલા તને મારા મનની વાત કરવી હતી પણ તે કહેવાની હિમ્મત ન હતી એટલે આ પત્ર દ્વારા બધું જણાવું છું.

મને ખબર છે કે મેં જે પગલુ લીધું છે તેને તમારા તરફથી કોઈ આવકાર નથી મળવાનો. પણ કેટલોય વિચાર કરી અંતે મન મક્કમ કર્યું. તમારે મતે તે યોગ્ય નહી હોય તેની ખાત્રી હોવા છતાં અને સમાજ શું કહેશે તેનો વિચાર કર્યા વગર મેં આ પગલું લીધું છે અને તમને સર્વેને છોડીને આગળ વધી છું.

તું એમ ન માનતો કે તારી સાથેનો મારો સંબંધ પ્રેમભર્યો ન હતો એટલે મેં આમ કર્યું છે. અરે, ઉલટું તારી સાથેનો આટલા વખતનો સંબંધ તો મારા જીવનનો આનંદમય કાળ હતો. તું કહેશે તેમ છતાંય હું તને છોડીને ચાલી નીકળી? તો પછી એવું તે શું થયું કે હું તને છોડીને ચાલી નીકળી?

ઘટનાની શરૂઆત થઇ આજથી લગભગ એક વર્ષ પર જ્યારે રચનાબેનને જોવા કલ્પેશ આવ્યો હતો. હવે આ વાંચીને નવાઈ ન પામતો કે હું તેનું નામ તુંકારે કેમ લખું છું, કારણ સ્પષ્ટ છે. અમે એક બીજાને કોલેજકાળથી જાણીએ છીએ. અરે, કોલેજમાં તો બધાને ખાત્રી હતી કે અમે લગ્ન કરી લેશું. પણ અમારી બન્નેની નાત જુદી એટલે નાતજાતના બંધન નડ્યા. વળી સામાજિક સ્તરનો પણ તફાવત. આને કારણે અમે એક ન થઇ શક્યા અને તે વખતે ભાગીને લગ્ન કરવાનો વિચાર કરવાની પણ હિમ્મત મારામાં ન હતી.

જ્યારે તારી સાથે લગ્ન સંબંધની વાત થઇ ત્યારે મને તારામાં યોગ્યતા લાગી અને બધી રીતે આ સંબંધ યોગ્ય બનશે માની, ભૂતકાળને ભૂલીને, ત્યાં સુધી કે કલ્પેશ જાણે મારા જીવનમાં આવ્યો જ ના હોય તેમ, હું તારા જીવનમાં પ્રવેશી અને તમે સર્વેએ મને પણ દીકરી તરીકે અપનાવી.

પણ જ્યારે કલ્પેશ રચનાબેનને જોવા આવ્યો ત્યારે તેને જોઇને હું ચમકી. પરંતુ કોઈને તેનો અણસારો ન આવે તેની મેં બહુ કાળજી લીધી હતી. કલ્પેશની હાલત પણ તેવી જ થઇ હતી તેમ તેણે કહ્યું પણ ત્યારે તેના હાવભાવ પરથી તેમ નહોતું લાગ્યું કારણ કે તે પણ બહુ મહેનતે પોતાની જાતને સંભાળી રહ્યો હતો.

સગાઇ પછી રચનાબેનને મળવા કલ્પેશ આપણે ઘરે અવારનવાર આવે તે સ્વાભાવિક હતું પણ જ્યારે આવે ત્યારે અમે અમારા જુના સંબંધને અવગણીને નવા સંબંધ પ્રમાણે વર્તતા. પણ તે તો બાહ્ય દેખાવ. અંદરખાને મને જે હલચલ થતી તે બહાર ન આવે અને ખાસ કરીને તને તેની ગંધ ન આવે તે માટે મક્કમ મને પ્રયત્ન કરતી રહી. એવું જ કલ્પેશ માટે હતું.

લગ્ન પછી પણ એક શહેરમાં રહેતા હતા એટલે કલ્પેશની આપણે ત્યાં આવનજાવન ચાલુ રહેતી. બધાને માટે તો આ એક જમાઈરાજા છે અને અવારનવાર આવી સંબંધ નિભાવે છે તેમ લાગતું  પણ ખરું કારણ હતું કે આ બહાને તે મને મળી શકે. ક્યારેક કોઈ ન હોય અને તે આવે ત્યારે મને સમજાવે કે ક્યાં સુધી આપણે બન્ને આમ તડપતા રહેશું? પણ હું સમાજના ડરથી અને તમારા બધાના પ્રેમને કારણે તેની વાતને ટાળતી. શરૂઆતમાં તો હું તેની વાત પર ધ્યાન ન આપતી અને તેને એકલા ન મળવા માટે પ્રયત્નશીલ રહેતી પણ બહુ વિચાર પછી મને પણ લાગ્યું કે શા માટે હું મારી જાતને છેતરી રહી છું? મારી લાગણીઓને કારણે ન તો હું ચેનથી રહી શકીશ, ન તો આપણા સંબંધને યોગ્ય ન્યાય આપી શકીશ.

અંતે બહુ વિચાર કર્યા બાદ મેં અને કલ્પેશે એક દિવસ બહાર મળી આ વિષે લાંબી ચર્ચા કરી. સમાજ ગયો તેલ લેવા માની, અમારા અંતરની લાગણીને સાંભળીને અમે એક થવાનું નક્કી કર્યું. જો કે આ બહુ કઠીન નિર્ણય હતો અમારા બંને માટે, પણ મન મક્કમ કરવું જ રહ્યું. એટલે છેવટે અમે આ શહેર છોડી અન્ય શહેરમાં વસવા નિર્ણય કર્યો જે માટે કલ્પેશે તેની બદલી અન્ય શહેરમાં કરાવી લીધી. ક્યાં તે નથી જણાવતી જેથી તમે અમારો સંપર્ક ન કરી શકો અને આપણે સૌએ એકબીજાનો સામનો ન કરવો પડે.તારી કે ઘરના અન્યોની માફી માગવાને હું લાયક નથી છતાં તે કહેવું તો રહ્યું જ. ખાસ કરીને રચનાબેનની માફી માગું છું કેમકે તેમની હાલત શું થઇ હશે તે હું સમજી શકું છું. એમને માટે આ અસહ્ય થઇ પડશે તેમાં બે મત નથી પણ અમારા ભવિષ્યનો વિચાર કરતા અમારે આમ કરવું જરૂરી લાગ્યું તે તેઓ એક નારી તરીકે સમજી શકશે એમ હું માનું છું.

“શાલિની’

 

1 thought on “વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા – 2017 (19)અદલાબદલી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.