વિનુમરચંટ વાર્તા સ્પર્ધા -(16) કુળવધુ.

hema-patel

હેમાબેન પટેલ

                     

 

 

 

 

હીરાબાએ બુમ મારી – “ અવની બેટા મારા ચસ્મા ટેબલ પર પડ્યાં છે લાવી આપને, માલી ફુલ આપી ગયો છે આપણે ઠાકોરજીની માળા ગુંથી લઈએ.”

અવની – “ દાદી હું હમણાં જ તમારાં ચસ્માં લાવું છું, દોડતી ગઈ અને દાદીના ચસ્મા લઈ આવી, દાદી હું પણ તમારી સાથે માળા ગુંથીશ “

દાદી – “ હા દિકરી જરૂર, મને સોયમાં દોરો પરોવી આપજે.”

અવની-“ ના દાદી હું પણ માળા ગુંથીશ, મને શીખવાડજો.”

અવનીએ સોય દોરો તૈયાર કરી દીધો, દાદી નાની દશ વર્ષની અવનીને ભગવાનની માળા ગુથતાં શીખવાડે છે અને સાથે સાથે તેને રામ-કૃષ્ણ, નરસિંહ-મીરાં,ધ્રુવ-પ્રહલાદ વગેરેની વાર્તાઓ સંભળાવીને સંસ્કારના બીજ વાવી રહ્યાં છે. દાદી અવનીને શુશીલ અને સંસ્કારી છોકરી બનાવવા માગે છે. દાદી અવનીની ઉંમર અને તેની આવડત અને હોંશિયારી પારખીને તેને વાર્તાઓ, ઉદાહરણો આપીને સારી સારી વસ્તુ શીખવાડવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાન અને સંસ્કાર બંનેનુ સાથે  સિંચન કરી કરી રહ્યાં છે. દાદી માને છે, કુમળો છોડ છે જેમ વાળીએ તેમ વળે.નાનપણમાં જે શીખવ્યું હોય તે આખી  જીંદગી ભુલાય નહી તે સાથે જ રહે, પછી ‘પાકા ઘડે કાંઠા ના ચડે’.દરેક તહેવારનો મહિમા અવશ્ય અવનીને સમજાવે.વ્રત- પૂજા-અર્ચન પણ તેની પાસે કરાવે.સવારે દાદી તુલસીક્યારે દીવો કરીને પૂજા કરીને પ્રદક્ષિણા ફરે ત્યારે નાની અવની સાથે જ હોય છે.

અવની, પપ્પા અને દાદીની અતિશય લાડકી છે.અવનીને લીધે ઘર હર્યુ ભર્યું લાગે છે.સંયુક્ત કુંટુંબ છે એટલે હીરાબેનના બંને પુત્રો પરેશ અને જયંત સાથે જ રહે છે. અવની જયંતની દિકરી છે.

પરેશ અને જયંતને શ્રોફની પેઢી છે, ખાધે પીધે કુંટુંબ સમૃધ સુખી છે, ઘરમાં શાંતિ છે.દિવસો પાણીના રેલાની જેમ ચાલ્યા જાય છે, અવની રાતે ન વધે એટલી દિવસે વધે અને જોત જોતોમાં તો હવે કૉલેજમાં આવી ગઈ. તેનુ યૌવન ખીલી ઉઠ્યુ, નાજુક નમણી રૂપાળી, જેવું રૂપ તેવાજ ગુણ. ગુણીયલ અવની પરિવારમાં સૌની માનીતી અને પ્યારી છે.અવની ભણવામાં હોશિયાર છે.આખરે અવનીએ તેનુ બીએસસી પાસ કરી લીધું.પોતાની ન્યાત અને સમાજમાં આ કુટુંબનુ સારુ એવુ નામ છે.જયંતના મિત્રએ મુંબઈમાં રહેતા એક વેપારીના પુત્ર અવંતનુ નામ અવનીના વિવાહ માટે સજેશ કર્યું. જયંત અને તેનો મિત્ર મુંબઈ જઈને છોકરાને જોઈ આવ્યા બધું ઠીક લાગ્યુ એટલે અવની અને છોકરાનુ મળવાનુ ગોઠવ્યું.અવંતનો પરિવાર છોકરીને જોવા માટે રાજકોટ આવી પહોંચ્યો.અવંત અને અવની એક બીજાને પસંદ આવ્યા. બંને પરિવારને પણ માણસો યોગ્ય લાગ્યા.સાકરના રૂપિયા આપ્યા અને વિવાહ નક્કી થયા અવંતના માતા-પિતાએ કહ્યું પંડિતને બોલાવીને લગ્નનુ મહુર્ત કઢાવીશું. હીરાબાએ કીધું હમણા જ અમારા ગોર મહારાજને બોલાવીએ પંચાંગ જોઈને મહુર્ત કાઢી આપશે. નોકરને ગોરમહારજને બોલાવવા માટે મોક્લ્યો, ગોર આવ્યા એટલે બંનેની જન્મ કુંડલી મેળવી ૩૬ ગુણ મળ્યા,બે મહિના પછીની તારીખ નક્કી થઈ.બધાંનુ મૉ મીઠું કરાવ્યું. પહેલાં એન્ગેજમેન્ટ પછી લગ્ન એમ નક્કી કરવામાં આવ્યું.એન્ગેજમેન્ટ મુંબઈમાં ધાધુમથી થયાં અને ત્યાર બાદ લગ્ન કરવા વરરાજા મુંબઈથી જાન લઈને રાજકોટ આવ્યા.

અવનીના લગ્ન ધામ ધુમથી સંપન્ન થયાં, દિકરીની વસમી વિદાઈની વેળા આવી.જયંતને તો તેના કાળજાનો ટુકડો કેવી રીતે વિદાઈ આપવી ? એવું મહેસુસ થયુ હમણાં હ્રદય ધબકવાનુ બંધ કરી દેશે.દિકરીને વિદાઈ આપતાં પિતાના દિલમાં સખત વેદના થઈ,મારા આંગણના તુલસી ક્યારા વીના મારું ઘર પ્રાણ વીહીન થઈ જશે. મમ્મીમયુરી ચોધાર આંસુએ રડી રહી છે. દાદીનો જીગરનો ટુકડો ! બેટા તારા વીના હું કેવી રીતે જીવીશ ? અવનીની આંખના અશ્રુ બંધ થવાનુ નામ નથી લેતાં, હીરા બા તરત જ બોલ્યાં દિકરી રડીશ નહી,ખુશી ખુશી તારા ઘરે જા,સાસરે હળીમળીને સંપીને રહેજે, હવે બંને કુળની લાજ-આબરૂ તારા હાથમાં છે.મુંબઈ ક્યાં દુર છે ? આશિર્વાદ આપી દિકરીને વિદાઈ કરી. ઘરનુ આંગણ સુનુ થઈ ગયું.

‘ કોયલ ઉડી રે ગઈ ને પગલાં પડી રે રહ્યાં’

ગુણીયલ અવની સાસરામાં દુધમાં સાકર ભળી જાય તેમ સૌની સાથે પ્રેમથી ભળી ગઈ. બહુજ જલ્દીથી સૌની લાડકી અને ગમતી બની ગઈ.પૈસો-નોકર ચાકર, પ્રેમાળ સાસરૂ તેમજ પ્રેમાળ પતિ જીવનમાં બીજું શું જોઈએ, અવની સાસરે ઘણીજ સુખી છે.

અવંતને ખાસ મિત્ર જય અને નીશા સાથે ઘર જેવો સબંધ છે.સિનેમા,રેસ્ટોરંટ,પિકનીક,ગમે ત્યાં જાય મુંબઈ કે મુંબઈની બહાર ચારેવ જણા સાથે જ હોય. અવંત અને જયની દોસ્તી બહુજ ઘહેરી હતી. અવની તો અવંતની ખુશીમાં ખુશ અવંતનો પડ્યો બોલ ઉપાડે. કોઈ વખત કોઈ વાત પસંદ ન હોય તો પણ અવંતની ખુશી માટે તે તૈયાર થાય,વિચારે અવંત નારાજ થાય તો ? પતિવ્રતા અવની પત્ની ધરમ બરાબર ઈમાનદારીથી નિભાવે છે.

લગ્નને બે વર્ષ થઈ ગયાં અને ઘરમાં પુત્રનુ આગમન થયું. જયને પણ એક દિકરી છે. આમ બાળકો પણ હળી મળી ગયાં.જોત જોતામાં અવનીનો પુત્ર પાંચ વર્ષનો થયો.એક દિવસ

અવંત – “ અવની એક વાત તને ખબર છે ? ‘

અવની – “ કઈ વાત ? “

અવંત – “ તૂં જાણે છે અહીં મુંબઈમાં કી ક્લબો ચાલે જ્યાં વિવાહીત કપલની અદલા બદલી થાય છે “

અવની – “ છી ! આવી ગંદી વાત મારી સાથે ના કરીશ, મને તો સાંભળીને ધૃણા થાય છે , મારી આગળ આવી બધી વાતો કોઈ દિવસ કરશો નહી, સાંભળીને મને અત્યારે માથામાં સણકા ચાલુ થઈ ગયા. “

અવંત – “ ઓકે બાબા નારાજ ના થઈશ હું તો અમસ્તો તને વાત કરતો હતો.”

મહાબલેશ્વર અવંતની ફેવરીટ જગ્યા છે.વર્ષમાં એક વિઝીટ ચોક્ક્સ હોય.મહાબલેશ્વર જવાનુ નક્કી કર્યું,આ વખતે જય અને અવંતે અવનીની જાણ બહાર કોઈ જુદોજ પ્રોગ્રામ બનાવ્યો. બંને છોકરાંને હોટેલમાં ચાલતા છોકરાંના પ્રેગ્રામમાં મોકલાવી દીધાં, પીવાનુ પુરુ થયું એટલે અવંત નીશાને લઈને બેડરૂમમાં ગયો અને અવનીને જય પાસે છોડી દીધી, ઓચિંતી આવી પડેલ પરિસ્થિતી જોઈ અવની ડઘાઈ ગઈ.જયે અવનીને પોતાની પાસે ખેંચીને તેને બાહોમાં લીધી, તરતજ અવનીએ વાઘણની જેમ ગર્જના કરી “ જય મને હાથ લગાડવાની તારી હિંમત કેવી રીતે થઈ ? ફક્ત અવંતને જ મેં આ અધિકાર આપ્યો છે.આજે તેં મારા શરીર અને આત્મા બંનેને ભ્રષ્ટ કરી દીધા, કયા જનમમાં મારું આ પાપ ધોવાશે ? “અવનીએ મોટી રાડો પાડીને બોલવા માંડ્યુ. હમેશાં શાંત રહેતી માપનુ બોલાનાર અવનીએ આજે મહાકાલીનુ સ્વરૂપ ધારણ કર્યું, જય પણ અવનીનુ આ રૂપ જોઈ ગભરાઈ ગયો, બે કદમ પાછો ખસી ગયો. અવનીની બુમા બુમથી અવંત અને નીશા પણ રૂમમાંથી બહાર ભાગતાં આવ્યાં.અવનીનુ આવું સ્વરૂપ જોઈને અવંત અને નીશા પણ શુન્ય બન્યા મૉઢામાંથી એક પણ ઉદગાર ન નીકળ્યો. અવની રૂમમાંથી નીકળી લીવીંગ રૂમમાં સોફા પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.પેલા ત્રણની હિંમત નથી અવનીનો સામનો કરી શકે. આજે એક પતિવ્રતા સ્ત્રી પર જે કૃત્ય આચરવાની ભુલ થઈ હતી. ત્રણેવ પસ્તાય છે.જય બોલ્યો યાર અવંત એક વાર તો તારે અવનીને પુછવું હતું ને તેની મરજી જાણ્યા વીના આપણે કેટલી મોટી ભુલ કરી.

અવંત – “ જય મને એમ કે તે મારુ બધું ક્હ્યું માને છે તે ના નહી પાડે “

પાંચેક મિનીટ પછી ત્રણેવ અવની પાસે ગયાં, તેને અવંતે પાણી પાયું અને કાન પકડીને માફી માગી. જય અને નીશાએ પણ માફી માગી “ અવની અમને માફ કરી દે “

અવની – “ ખુબજ ભડકેલી હતી, “ તમને ત્રણેવને શરમ નથી આવતી ? ઓરત શું એક રમકડું છે કે કોઈના પણ હાથમાં રમવા માટે આપી દીધું ! નારીની ઈજ્જત એક વખત લુંટાય પછી તે જીવતી જાગતી લાશ બની જાય. જયને હું ભાઈ સમાન માનુ  છું, હું તમને બંનેને શું કામ કોશુ છું જ્યાં મારો જ સીક્કો ખોટો હોય તો બીજાનો શું વાંક ! અવંત તું મને હમણાંને હમણાં મુંબઈ પાછી લઈ જા, અને મારે ફરીથી આ બંનેના મૉઢા નથી જોવા. “

અવંત – “ અવની શાંત થા , તૂં ગુસ્સામાં છે એટલે આવું બોલે છે, અમે તારી માફી માગી ને ?”

અવની  – “ માફી માગી એટલે શું બધું પતી ગયું ? તમારા મગજમાં આવા સડેલા વિચારો ક્યાંથી આવ્યા ?”

બે દિવસમાં મુંબઈ પાછા જવા નીકળ્યા, અવનીએ બધાની સાથે વાતચીત કરવાની બંધ કરી દીધી. મુંબઈ જઈને ચુપચાપ, ઉદાસ રહેવા લાગી, આખો દિવસ વિચારોમાં ખોવાએલી રહે છે.ટાઈમે બરાબર ખાવાનુ નથી ખાતી. અવંતના મમ્મી-પાપાએ પૂછ્યુ બેટા અવનીને શું થયું છે મહાબલેશ્વરથી આવ્યા પછી ઉદાસ રહે છે ? તારે એની સાથે ઝઘડો થયો હતો ?

અવંત – “ ના મમ્મી અમારે કોઈ ઝઘડો નથી થયો. “

ધીમે ધીમે અવની ડીપ્રેશનમાં જતી રહી. જે રીતે નાનપણથી તેની પરવરીશ થઈ હતી, તેના સંસ્કાર, તેનો સ્વભાવ વિરુધ્ધની ઘટના ઘટી, તેના દિલને બહુજ મોટો આઘાત લાગ્યો છે. તેનુ મન માનવા તૈયાર નથી એક પતિ પોતાની પત્નીને બીજા પુરૂષ પાસે મોકલી શકે ! અવંતે સાઈકાટ્રીસને બતાવીને અવનીની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. અવની જીદે ચડી છે મારે પપ્પા પાસે જવું છે.

અવંત – “ હા ચોક્ક્સ હું તને પપ્પા પાસે લઈ જઈશ તારી તબીયત થોડી સારી થવા દે, “ અવંતે સ્વપ્ને પણ વિચાર્યુ હતું નહી તેના એક ગલત કદમથી અવનીની આટલી બધી હાલત ખરાબ થશે અને સુખી સંસારમાં આગ લાગશે.

જયંત દરોજ બહાર બાલ્કનીમાં બેસીને ચા પીવે છે અને તેની નજર આંગણમાં અવનીને શોધતી હોય,જયંતે નોટીસ કર્યુ જે તુલસીક્યારો લીલોછમ હર્યો ભર્યો રહે તે અચાનક તેના પાન કાળા પડવા લાગ્યા અને છોડ સુકાવા લાગ્યો. મનમાં ધ્રાસકો પડ્યો મારી અવની તો મુશીબતમાં નથીને ? જયંતે અવનીના ખબર પુછવા માટે મુંબઈ ફોન કયો અવંતેજ ફોન ઉપાડ્યો કહ્યુ હા પપ્પા અવની મઝામાં છે તેને માથુ દુખે છે તે સુઈ ગઈ છે. અવંત ઝુઠ્ઠુ બોલ્યો પારાવાર પસ્તાવો થાય છે. પોતાની કરની પર તેન દુખ થયું.તેણે વિચારી લીધું અવનીની ઈચ્છા છે પપ્પાને મળવાની હું તેને રાજકોટ લઈ જઈશ તેને શાંતિ થશે. અવંત ધરમસંકટમાં ફસાયો હું તેના પપ્પાને શું જવાબ આપીશ ? ભગવાન અવનીના માતા-પિતા અને દાદીને હું મૉ બતાવી શકું એવી શક્તિ આપજો.

અવંતના પપ્પા મુંબઈની લાઈફ સ્ટાઈલથી વાકેફ છે, પૈસાવાળના નબીરાઓની હરક્તો જાણે છે.તેમને એ પણ ખબર છે રાજકોટની લાઈફ કેવી હોય અને મોહમયી માયા નગરી મુંબઈની લાઈફ કેવી છે. તે તો શાનમાં સમજી ગયા મહાબલેશ્વરમાં શું બન્યુ હશે. નાના એવા ઝઘડામાં અવની ડીપ્રેશનમાં ન જાય. આતો બહુ સીરીયસ વાત કહેવાય. આ વાતનો ઉકેલ મારે જ લાવવો પડશે.અવંતના પપ્પાએ તેની પત્ની સાથે વાત કરી જયંતભાઈએ તેમની વ્હાલી દિકરીનુ આપણને કન્યાદાન કર્યું છે.આપણા ભરોસે દિકરીને આપણા ઘરે વિદાય કરી.હવે અવની આપણી જવાબદારી કહેવાય.એ આપણી પણ દિકરી છે. અવંતની મમ્મીએ કીધુ હા તમારી વાત સાથે હું સહમત છું, અવનીના સુખ દુખની જવાબદારી આપણી છે. બંનેએ નક્કી કર્યું,મમ્મી-પાપા અને અવંત, અવનીને સાથે બેસાડીને વાત કરવી. રજાનો દિવસ છે, ચા નાસ્તો થઈ ગયો એટલે ચારેવ જણાં રૂમ બંધ કરીને બેઠાં.અવંતની મમ્મીએ અવનીને નજીક બેસાડી માથે હાથ ફેરવ્યો અને બોલ્યાં –“ બેટા નાહકનો શું કામ તારો જીવ બાળે છે. જે હોય તે અમને વાત કર તારું હૈયું હળવું થશે, અવની બેટા હવે અમે જ તારા માતા-પિતા છીએ. અવની સાસુના આ શબ્દો સાંભળતાં જ છુટ્ટે મૉઢે રડવા લાગી.

તેની આ હાલતમાં હુંફ,મમતા અને બે પ્રેમ ભર્યા શબ્દોની જરૂર છે.અવંતના પપ્પાએ પણ કીધું બેટા અવની તૂં જરાય ચિંતા ના કરીશ મહાબલેશ્વરમાં શું બન્યુ મારે અવંતના મૉઢે સાંભળવુ છે. અવંત બેટા જે હોય તે વીના સંકોચે મને ક્હે ભુલ દરેકથી થાય.મમ્મી-પાપાનો સાથ છે અવંતને હિંમત મળી, તેણે અત થી ઈતી બધીજ વાત કરી.

પપ્પા – “ બેટા આ તેં શું કર્યું ! અવંત તેં કોઈને મૉઢું પણ ના બતાવાય એવું કૃત્ય કર્યું છે. જયંતભાઈનો પરિવાર જાણે તો આપણી આબરૂના કાંકરા થઈ જાય.અમને મા-બાપને શરમ આવે છે. ભલે જે થઈ ગ્યું તે મોટી ભુલ કહેવાય કે જેની કોઈ માફી પણ ના હોય.તારી ભુલને માફી કેવી રીતે અપાય ? આપણે હવે રસ્તો કરવાનો છે. અવંત લગ્ન બંધન એવું બંધન છે જે સાત જન્મો નિભાવવાનુ હોય છે. તેં સપ્તપદીના ફેરા લઈને સાત વચન લીધાં છે. જેમ અવની તેના વચન નિભાવે એરહી છે તેમ તારે પણ સાત વચન નિભાવવાની ફરજ છે. “

મમ્મી – “ બેટા લગ્ન અને લગ્ન જીવન એ મજાક નથી. લગ્ન એક પવિત્ર બંધન છે. તેંતો બધી હદ પાર કરી. પવિત્રતાનો મતલબ તને સમજાયો જ નહી. બેટા દરેક વસ્તુને એક હદ હોય છે, એક મર્યાદા હોય છે.સંસ્કાર મર્યાદા વીના ન આવે, આ સંસ્કારને પણ મર્યાદા હોય છે. લગ્ન જીવન ખેલ નથી.એક બીજા માટે માન સંમાન હોવું જ જોઈએ. નારી કઠપુતલી નથી કે મરદ જેમ નચાવે તેમ નાચવું જોઈએ.નારી કોઈ રમકડું નથી કોઈને પણ રમવા માટે આપી દીધું. સુખી સંસારમાં પતિ-પત્ની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ હોવી જ ન જોઈએ.બેટા તારી પરવરિશમા અમારી ક્યાં ચુક રહી ગઈ ? “

અવંત – “ મમી પાપા મારી બહુજ મોટી ભુલ થઈ મને માફ કરી દો.મને બહુજ પસ્તાવો થાય છે, પરંતું શું કરું ? અવનીની આ હાલત જોઈ મારા હ્રદયમાં શું ચાલી રહ્યું છે કેવી રીતે બતાવું ? “

પાપા – “બેટા અવનીને લઈને અમેરિકા ઉપડો તારી ફોઈ ત્યાં જ છે, ત્યાં સારામાં સારી ટ્રીટમેંટ મળશે અને જગ્યા બદલાશે અવની ભુતકાળ ભુલશે તો જ અવની સારી થશે. સમય જતાં તેના જખમ ભરાશે “

અવનીને મમ્મી –પાપા તરફથી પુરો સાથ મળ્યો તેના દિલમાં ઠંડક પહોંચી, તેને લાગ્યું તેના જન્મ દાતા મા-બાપનુ વાત્સલ્ય, મમતાનો મલમ ઝખમ પર લાગી રહ્યો છે.અવંત, અવનીની ટ્રીટમેંટ કરાવવા માટે અમેરિકા જવા નીકળ્યો.અમેરિકામાં એક વર્ષ ટ્રીટમેન્ટ ચાલી, હવે અવની એકદમ નોરમલ થઈ ગઈ, તેને તેનો દિકરો અને ઘર યાદ આવી ગયું, અવંતને કહ્યુ આપણે અમેરિકામાં બહુ રહ્યા ચાલો પાછા ભારત આપણે ઘરે જઈએ.

અવંતના મમ્મી-પાપા આજે અવની અને અવંતને લેવા માટે એરપોર્ટ પહોંચ્યા. અવનીને ખુશખુશાલ ખીલતી કલી સમાન જોઈને અવંતના માતા-પિતાને ઘણોજ આનંદ થયો.ઘરે આવ્યાં આજે ઘર ફરીથી ખુશીઓથી ગુંજી ઉઠ્યુ. અવંતની મમ્મી બોલ્યાં

“ મારી ગુણીયલ વહુએ બંને કુળની લાજ રાખી, મારી કુળવધુ મારા ઘરની શોભા છે.બેટા સદા સુખી રહો.”
હેમા  –  જય શ્રી કૃષ્ણ.

2 thoughts on “વિનુમરચંટ વાર્તા સ્પર્ધા -(16) કુળવધુ.

  1. લગ્ન જીવનમાં આવતો વળાંક! આધુનિક સમયની સુંદર વાર્તા !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.