‘તરસ્યા મલકના મેઘ ‘ જીવનકથા તરુલતા મહેતા

મિત્રો ,આજે તમારી સમક્ષ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મેળવેલ લોકપ્રિય સાહિત્યકાર શ્રી પન્નાલાલ પટેલની જીવનકથા ‘તરસ્યા મલકના મેઘ ‘ જેના લેખક મણિલાલ હ.પટેલ છે તેના વિશે વાત કરીશ.નડિયાદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીમાં દર મહિનાના પહેલા રવિવારે ‘ગ્રન્થનો પંથ ‘ સન્સ્થાના ઉપક્ર્મે સાહિત્યિક વ્યાખ્યાન યોજાય છે તેમાં નવા વર્ષના આરંભે જાન્યુઆરીમાં જય વસાવડાએ ‘દાદાનો ડનગોરો લીધો તેનો ..’ એમ.એફ હુસેન-વિશ્વવિખ્યાત ચિત્રકારની આત્મકથા વિશે વ્યાખ્યાન આપ્યું હતું.ફેબ્રુ.માં અગાઉથી જાહેર થયેલ વક્તા શીલાબેન ભટ્ટ જેઓ તારક મહેતા (તારક  મહેતાના ઉલ્ટા ચશ્માને નામે જાણીતા )વિશે બોલનાર હતાં પણ સંજોગોને કારણે આવી શક્યા નહિ.
મણિલાલ પટેલે પન્નાલાલ પટેલના જીવનની વિગતપ્રચુર છતાં રસપ્રદ પ્રસંગોની વાત કરી શ્રોતાઓના દિલ જીતી લીધા.  તેઓ પટેલ સમાજને ગળથુથીમાંથી જાણે એટલું જ નહિ બગલમાં થેલો લઈ ઈડરના વિસ્તારોમાં  ફરી અનુભવ લીધો.પન્નાલાલ પટેલની જીવનકથા સાથે તેમનું ઓતપ્રોત થવું તેમના પુસ્તકને પ્રાણ પૂરે છે.
એક સર્જક બીજા સર્જકની ગતિવિધિ,પીડા સમજી શકે છે.
સભામાં યુવાન શ્રોતાઓની હાજરીથી  મને આનન્દ થયો.મોટાભાગના સાયન્સ, આર્ટ્સ, ટેક્નોલોજી આયુર્વેદ વગેરે શાખાના વિદ્યાર્થીઔ  હતાં.યુવાનીમાં બીજા ઉમળકા અને શોખ જીવનને રંગીન અને સંગીન બનાવે છે તેમાં સાહિત્યનો શોખ જીવનઘડતરમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે.સાહિત્યનો શોખ એક વાર લાગ્યો એટલે વિના પ્રવાસે જગતભરમાં અને અવકાશમાં જ્યાં ધારો ત્યાં શબ્દોની પવનપાવડીએ જવાય.શબ્દો કાલાતીત છે ગમે તે સમયમાં , તમને ગમતા પાત્રોને ,સ્થળોને તમે મળી શકો.પુસ્તક ઘનિષ્ઠ અને ઉત્તમ સાથી કે મિત્ર છે ,જે મારો સ્વાનુભવ છે.એટલું જ નહિ પુસ્તકપ્રેમીઓ મધમાખીની જેમ ‘બેઠક’ જેવો મધપૂડો બનાવે છે.અને સમાજને પુસ્તકરૂપી પુષ્પની ભેટ આપે છે.

‘તરસ્યા મલકના મેઘ ‘ જીવનકથાના લેખક મણિલાલ હ.પટેલ સરદાર પટેલ યુનિ.વલ્લભ વિદ્યાનગરમાં પ્રોફેસર હતા.અનેક પુસ્તકો -વિવેચનના તો  લખ્યા જ છે,પણ સારા નિબઁધલેખક ,કવિ ,વાર્તાકાર,નવલકથાકાર છે.તેમણે પન્નાલાલ પટેલની આત્મકથા  ‘જિંદગી સંજીવનીના -સાત ભાગનો આધાર લીધો છે ,પણ ઇડરના બનાસકાંઠાના વિસ્તારોમાં ફરી ઘણી બધી બીજી વિગતો પણ મેળવી છે.માંડલી પન્નાલાલ પટેલનું (જ્ન્મ 7મીમે 1912-અવસાન 5મીએપ્રિલ 1989)વતન.ઇડરની સ્કૂલમાં અંગ્રેજી ચાર ચોપડીનો તેમનો અભ્યાસ.તે વખતે ઉમાશઁકર જોશી તેમના સહપાઠી હતા.સન્જોગોને કારણે પન્નાલાલ પટેલને અભ્યાસને છોડવો પડ્યો પણ જીવનની શાળામાં આકરી કસોટીઓમાંથી પસાર થયા.ઉત્તર ગુજરાતના ગામડામાં ખેડૂત  કુટુંબની ગરીબાઈ ,અભણ સમાજની અંધશ્રદ્ધા,કૌટુંબિક ક્લેશ પન્નાલાલ પટેલના જીવનની હકીકત હતી.ગામડાનું ખેડૂત જીવન ‘પાદર,ચોતરો,નદી,મેળા પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’,’વળામણાં,જેવી અનેક કૃતિઓમાં આબેહૂબ ઉતર્યા છે.તો સૂકા પ્રદેશની તરસી ધરતીની આંસુએ ભીંજાયેલી કથા ‘માનવીની ભવાઈ ‘અને ‘ભાગ્યાના  ભેરુ ‘ વાચકોના હદયને વશ કરી દે છે.મણિલાલ પટેલે   જીવનકથાનું  શીર્ષક

‘તરસ્યા મલકના મેઘ ‘ યોગ્ય રીતે પસંદ કર્યું છે.ગુજરાતી નવલકથાના તરસ્યા વાચકો માટે ‘મળેલા જીવ ‘અને

‘માનવીની ભવાઈ ‘પરબ સમાન છે.પન્નાલાલ પટેલના  જીવનના  ચઢાવ ઉતાર તેમને ઘડે છે.ખેતર,મિલ.કારખાનામાં  સંધર્ષમય અને અતિ કઠોર જીવન છતાં રંગીન.જિંદગી સંજીવનીમાં એક ગોરા ,ભરાવદાર છોકરાની વાત છે,તે પન્નાલાલ.તેઓ નાનપણથી સુંદર ભજનો ગાતા.એમના પોતાના જીવનમાંથી અને આસપાસના સમાજના અવલોકનમાંથી તેમણે કાનો,જીવી,ધૂળીયો ,કન્કુ,કાળું,રાજુ જેવાં કદી ન ભૂલાય તેવાં પાત્રો આપણને આપ્યા.જીવનની હકીકતોને વાર્તા કે નવલકથામાં રૂપાંતર કરનાર સર્જક મહાન છે.ભલે તેમને ઉમાશઁકર જોશી કે રઘુવીર ચૌધરી જેવી ઉત્તમ કેળવણી પ્રાપ્ત ન થઈ પણ જીવનની અગ્નિપરીક્ષામાં તવાયા અને કાંચન જેવા ઝળહળ્યા.તેમની જિંદગી સઁજીવનીના કેટલાક ભાગ મેં ખૂબ રસપૂર્વક વાંચ્યા છે.સાદું ગામડાનું જીવન પણ રખે માનતા લોકો સાલસ હશે.પન્નાલાલ પટેલની નવલકથાઓની ચાહક છું કારણકે જીવન જેવું છે તેવું તેમાં ધબકે છે.ગ્રામ્યસમાજમાં કઠોર પરિશ્રમ,ગરીબાઈ છતાં કાળુ અને રાજુ ,કાનો અને જીવી જેવાં ટેકીલા ચરિત્રવાન,પ્રેમને ખાતર ત્યાગ કરનાર મનુષ્યો છે,તો કાવાદાવા કરતા સ્વાર્થી ,ઈર્ષાળુ ,શોષણ કરનાર માણસો પણ છે.જીવન સારાનરસાનું મિશ્રણ છે.જે કૃતિમાં સારાં અને અનિષ્ઠ તત્વોનો દ્વન્દ્વ છે તે વાચકને વશ કરે છે.એક વાત સમજવા જેવી છે કે આજુબાજુનો સમાજ વિલનનું કામ કરે છે.કુટુંબ અને સગાવ્હાલાઓ પ્રેમપંખીડાના મિલનમાં કઠોર ભાગ ભજવે છે.કેટલીક વાર કુદરત અને લાચારી જીવનને પીંખી નાખે છે.શેક્સપિયરના ટ્રેજડી નાટકો ,મહાભારતનું  વિનાશક યુદ્ધ ,કૃષ્ણના પોતાના જીવનનો અને દ્રારકાનો હદય વિદારક અંત ,રામાયણના રામ -સીતા વગેરેની તાવણી આજે પણ આપણી આંખ ભીંજવે છે.’માનવીની ભવાઈ’ અને ‘મળેલા જીવ ‘આવી કરુણકથાઓ છે.મારે નોંધવું જોઈએ કે મણિલાલ જેવા વિદ્વાન ‘મળેલા જીવ ‘ના અંતના કરુણ પ્રસંગની વાત કરતા એમની શાલના છેડાથી આંખો લૂછે છે.મહાન લેખક કૃતિમાં જીવનના અર્કને ઘુંટે છે.વાચક લેખકના સર્જેલા વિશ્વમાં તરબોળ થઈ જાય છે,જીવનના બૂરા તત્વોની સામેની લડાઈમાં હાર -જીત શક્ય છે.નીતિના પાઠો શીખવવા માટે ધર્મગુરુઓ છે ,સાહિત્યકાર પરિચિત -અપરિચિત સ્થિતિઓને આલેખે છે.તમારે બોધ લેવો હોય તો લો.કલા આત્માના આનંદનું કારણ છે.

ગુજરાતી સાહિત્યમાં ગ્રામ્ય જીવનનું નિરૂપણ કરતા ત્રણ પટેલ -પન્નાલાલ પટેલ,પીતાંબર પટેલ અને ઈશ્વર પેટલીકર (ચરોતરના પટેલ પણ પેટલી ગામના) સદાને માટે યાદગાર રહેશે.ગામડું તેમનો શ્વાસ અને પ્રાણ,તેમનું સાહિત્ય એટલે ગામડાનો ધબકાર. ‘હાલો ભેરુ ગામડે ‘.

જય ગરવી ગુજરાત

તરુલતા મહેતા 8મી ફેબૃ.2017

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in તરુલતા મહેતા and tagged , , , , , , , . Bookmark the permalink.

One Response to ‘તરસ્યા મલકના મેઘ ‘ જીવનકથા તરુલતા મહેતા

  1. મનસુખલાલ ગાંધી, U.S.A. says:

    બહુ સુંદર લેખ………….

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s