વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા (3)વિજય શાહ

વિજય શાહ

વિજય શાહ

 

 

 

 

 

“ બા ગયા.” વદોદરાથી નાનાભાઇ હેમલનો ફોન ઉપર રડમસ અવાજ હતો.

“ હેં?”

“હા મોટી બેન! આઈ સી યુ માં રાત્રે બહુ શ્વાસ ચઢ્યો ડૉક્ટરે ઓક્સીજન ચઢાવ્યો અને મોડી રાત્રે તેમની આંખ મળી ગઈ અને સવારે ઉઠ્યા જ નહીં.”

જીજ્ઞાનો અવાજ પણ રડમસ હતો.એક ડુસકું નંખાઇ ગયું. એનું મન  આક્રંદ કરતુ હતું.

હેમલે આગળ વાત કરતા કહ્યું “ તમે તો હમણાં જ મળી ગયા હતાને?”

“ હા પણ આટલું જલ્દી છેટું થઈ જશે તેની તો કલ્પના હોય જ નહીંને?”

જીજ્ઞા પણ ડુસકે ચઢી હતી ત્યાં હેમલ ફરીથી બોલ્યો..” બેન ! બા તો લીલી વાડી મુકીને ગયા છે તેથી એમની મુક્તિનો આનંદ મનાવવાનો.. રડશો નહીંને..દેહનાં અંતિમ દર્શન કરવા સ્કાઇપ ચાલુ કરો કે જેથી એમના દેહને અંતિમ વંદના કરો અને તેમના નશ્વર દેહને ચેહ દેવાય”.

કોમ્પ્યુટર શરુ થયું અને સ્કાઇપ ઉપર બા.દેખાયા.. પરમ નિંદ્રામાં સુતેલા બા..જીજ્ઞાએ વંદન કર્યા.. હેમલ ,તરુ ભભી અને અન્ય સગા વહાલા સજળ નયને બેઠા હતા અને તેમને અંતિમ વિદાય દેવાઈ.

સૂર્યાબાનાં ફોટા સામે જોઇને જીજ્ઞા વિચારતી રહી ..અમેરિકાની આજ તો તકલીફ કોઇને સાજે માંદે તુરત તો પહોંચાય જ ના.. ઓછામાં ઓછા ચોવીસ કલાકતો થાય જ…અને તરત જ બીજો વિચાર આવે કે ચેતન આત્મા તો મુક્તિ ધામે પહોંચી ગયો.. હવે તો જે છે તે તો ખોળીયું.. નાનાભાઇ હેમલે અંતિમ દર્શન કરાવીને અનુમતિ લઈ પણ લીધી કે બેન તું નહીં આવે તો ચાલશે..અને આમેય જૈન પ્રણાલી મુજબ દેહને લાંબો સમય રખાય ના.. ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો સર સાંજ પહેલા સ્મશાન લઈ જવાય.

જીજ્ઞા ભારે હૈયે ડાયરી ખોલી ને લખવા બેઠી. આ તેનો મન હળવુ કરવાનો એક માત્ર ઉપાય હતો. લખવાનું શરું કરતા પહેલા થોડુંક રડી લીધું. સ્વસ્થ થઇ અને જે વાત કદી લખી નહોતી તે લખવાની શરુ કરી..દીકરી તરીકે નહીં..પણ લેખક તરીકે..

સુર્યાબા સાથે જીજ્ઞા યુવાનીમાં બહુ આદરથી વર્તતી નહોતી..આમેય યુવાની તો ચંચળ અને ઉછાંછળી હોયને? જીજ્ઞાને તેમની દરેક વાતોમાં અઢારમી સદી જ દેખાતી અને કહેતી પણ.

“ બા તમારો જમાનો ગયો.. આ નવો જમાનો છે.. આ શું પકડી રાખ્યુ છે કોલેજમાં ભણવા જવાનું.. મોજ મઝા માટે આખી જિંદગી પડી છે..વળી સાંજે ૮ વાગ્યે ઘરે આવી જવાનું…છોકરી જાત એટલે મર્યાદામાં તો આપણે જ રહેવાનું!..બા! આ બધું છોડ.. કોલેજનાં દિવસો તો આખી જિંદગી યાદ રહેવાના.. અને વો જવાની  હી ક્યાં જીસમે કોઇ કહાની ના હો?..

સુર્યાબા ખીજવાતા અને કહેતા બેટા જુવાની અમે પણ જોઇ છે.. જે માણસ કિનારાની મર્યાદામાં રહે તે નદીની જેમ આખી જિંદગી સુખમાં રહે..અને સાગરે જઈને મળે..જેણે છોડ્યા કાંઠા તેના ભાગ્યે રહે સુકાયેલા ખાબોચીયા.માત્ર.

હા.. કેટલા સાચા હતા તેઓ?

ભૂતકાળ ની ભુતાવળો ઉભી થતી હતી..

કોલેજનું ત્રીજુ વર્ષ..અને રોહિત સાથેનાં આંખ મિંચામણા અને તેનું બીન્દાસપણું શરીર સુખની મર્યાદા વટાવી ગયું ત્યારે સુર્યાબાનું ઘર છોડ્યુ અને રોહિતનું ઘર માંડ્યુ ત્યારે પણ બા જીવ બાળતા હતા..” છોડી ભણતર તો પુરુ કરી લેવું હતું..છોકરો તો જરા ઢંગનો શોધવો હતો.. “તારું જૈન કૂળ અને આ સિંધનો રોહિત રેફ્યુજી..તને શું સુખ દેવાનો? અને તારા છોકરાને શું સંસ્કાર દેવાનો?”

સુર્યાબાનાં કકળાટનાં પુરા અઢી વર્ષે જીજ્ઞા પેટમાં શ્યામા અને કેડમાં અંકિતને લઇને ઘરે આવી ત્યારે ધારણા થી બીલકુલ જ વિરુધ્ધ થયું..સુર્યાબાએ જીજ્ઞાને રડવા ના દીધી અને હૈયા ધારણ બંધાવતા કહ્યું.. “અરે ચિંતા ના કર હું હજી બેઠી છું ને?”

જીજ્ઞાની  ઉદંડતાનો દંડવાને બદલે માનું વહાલ છંટકાયુ અને કહેણ પણ કેવા “ થાય બેટા આ ઉંમરે જ ભુલ થાય. તે ભુલ સુધારવાની તક પણ પ્રભુએ તને આપીને? ચાલો હવે ભુલ્યા ત્યાંથી ફરી ગણીએ..”

રડતી જીજ્ઞાની આંખોમા આંસુ સુકાવીને ફરીથી હસતી કરી, ભણતી કરી. શ્યામાનો જન્મ કરાવ્યો અને અંકીતને સ્કુલે મુક્યો અને મારું ગ્રેજ્યુએશન પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અને ત્યાર પછી ડોક્ટરેટ પણ પુરુ કરાવ્યુ…આજે જે કંઇ જીજ્ઞા છે તે તેમના થકી છે એમ કહું તો જરાય ખોટું નહીં કહેવાય”

તે સમયે હેમલ ભણી રહ્યો તે પણ કમાતો થયો બાપા પણ પ્રગતિનાં શિખરો ચુમતા હતા..અને પેલો સિંધી? બૉરીવલી માં શાકની દુકાન કાઢીને બેઠો હતો.. ક્યારેક અંકીતને મળવા માંગતો પણ સુર્યાબાએ તેને કહી દીધું હતું કે જીજ્ઞા ઉપર બદચલન હોવાનો દાવો કર્યોને ત્યારથી અંકીત અને શ્યામા તારે માટે મરી ગયા સમજ… મને સુર્યાબા ની આ કડકાઇ ખુંચતી પણ એ કડકાઇ તો કાંઠા કે કિનારા હતા ને? અને તેથીજ તો જીજ્ઞાની જિંદગી સહજ બની હતી. .

જીજ્ઞાને થતું હતું કે ઝઘડો જીજ્ઞા અને રોહિત વચ્ચે હતો પણ અંકીત અને શ્યામાનો રોહિત બાપ હતોને? સુર્યાબાને આ વાત સમજાવવાની પહેલ હેમલે કરી જ્યારે અંકીતે પેરેંટ ટીચર મીટીંગમાં તેના પપ્પાને બોલાવવા આગ્રહ કર્યો.

સુર્યાબા એક જ વાતે માન્યા જ્યારે તે જીજ્ઞાને બદચલન કહ્યાની વાતે માફી માંગે અને શ્યામાને પણ સ્વિકારે. આખરે સૌ સારા વાના થયા અને સિંધીનાં ભાઇએ કરેલા અમેરિકાનાં કાગળીયા પાક્યા અને ૫ વર્ષની શ્યામા અને સાત વર્ષનાં અંકિત સાથે તે શિકાગો આવી..સુર્યાબા માનતા કે હવે રોહિત જીજ્ઞાને સાચા હ્રદયથી ચાહે છે ત્યારે તેના ભાગ્ય ઉપર ભરોસો કરી છોકરાઓનાં ભવિષ્ય માટે તુ જા.પણ ધ્યાન રહે હવેની જિંદગી સંતાનો માટે છે .

શિકાગોમાં જ્યારે બા આવતા ત્યારે રોહિત સંકોચ અનુભવતો પણ બા તેને સંકોચ અનુભવવા દેતાં નહીં..અને કહેતા પણ કે ભાઇ તું જીજ્ઞાને ચાહે છે તે મારા માટે અગત્યની વાત છે.પણ ભલા ભાઇ છોકરી કયા ઘરની છે તે તો વિચારવું હતુંને? અમારા સંસ્કારમાં એક ભવમાં કોઇ બે ભવ કરેજ નહીં. કન્વીનીયંટ સ્ટોર અને જીજ્ઞાની નોકરી તેને કારણે તેઓ જલ્દી ઉપર આવી ગયા હતા. ઘર લેવાઇ ગયું અને જિંદગી નિયમિતતા પકડી ચુકી હતી.

જીજ્ઞાનું સાસરીયામાં પણ પુરુ માન. રોહિતનાં મોટાભાઇ કાયમ રોહિતથી લજ્જીત હતા..જીજ્ઞા જેવી કુલિન પત્નીને બદચલન કહેલી તેથી અને તે બે ને પાછા ભેગા કરવામાં રોહિતને ખુબ જ સમજાવી સમજાવીને તૈયાર કરેલો. અને કહે છેને સાચા હ્રદયથી તેણે માફી માંગેલી તેથી તો સુર્યાબા પીગળ્યા હતા. ગેરસમજુતી ક્યાં નથી થતી?

પી એચ ડી હતી તેથી તેને પ્રમોશન મળ્યા કરતું..હવે રોહિતને જ્યારે સ્ટોર ઉપર ગન અને લૂંટારાઓનો સામનો કરવો પડ્યો ત્યારે ભાંગી પડેલી જીજ્ઞાને રોહિતનાં મોટા ભાઇએ જ સાંત્વના આપીને સમજાવ્યુ હતું કે ગન ત્યારે જ ચાલે જ્યારે સામનો થાય..રોહિતે તેમને જોઇતું આપી દઇને ડહાપણ નું જ કામ કર્યુ છે..તે નુકસાની તો ઇન્સ્યોરન્સ કંપની ભરી દેશે…ત્યારે પણ સુર્યાબા વડોદરાથી શિકાગો આવી ગયા હતા અને હિંમત બંધાવી હતી. પણ તેઓ ભાળી ગયા હતા કે જીજ્ઞા અને રોહિત એક મેકને ખુબ જ ચાહે છે.

જ્યારે બાપા ગયા ત્યારે .પહાડ જેવી સુર્યાબા પહેલી વાર રડી.પણ આ રડવું તે માણસ ખોયો માટે રડ્યા તેવું નહીં પણ એમની સમેતશિખર જવાની તેમની ઇચ્છા તેઓ પુરી ન કરી શક્યા તેનાં દુઃખે રડ્યા હતા.

સુર્યાબા હવે ઢળતા સુરજને જોતા અને મનોમન બબડતા “ પ્રભુ હવે ઝાઝું છેટું ના પાડીશ અને મને પણ લઈ લે”. ત્યારે હેમલ કહેતો “બા મોટી બેન ને અને તેમના સંતાનો ને રાહ બતાડ્યો તો મારા સંતાનો નો શું ગુનો?” ત્યારે મુંબઈ છોડી હેમલ સાથે રહેવા તેઓ વડોદરા આવ્યા..હેમલ નાં સંતાનો પણ દાદીને બહુ માનથી રાખતા. ઘણી વખત વડીલો આદર પાત્ર એટલા માટે બનતા કે તેઓ વહેવારે “આજ”માં રહેતા અને હું સાસુ એટલે મોટી અને તું વહુ એટલે નાની અને તે ઉંમર તફાવત ભુલીને કહેતા

“ બેલા તું અને જીજ્ઞા બંને મારી દીકરીઓ છો.વળી કર્મ જ્ઞાન એટલું સબળ કે અજુગતો લાભ લેવાની તો વાત આવે જ નહીં. કોઇ વેરો આંતરો નહીં અને બોલવાનું તે પણ માપનું જ.

અંકીત કોલેજમાં ગયો ત્યારે તેઓ શિકાગો આવીને રહ્યા..પણ ઠંડીમાં તેમની તબિયત બગડતી..ખાસ તો શ્વાસ ચઢતો. તેમનું ધ્યાન તો ભારતમાં જ.તેથી  મહીનો રહી ને પાછા જતા.પણ આ વખતે બરફમાં  ગાડી સ્કીડ( લપસી) થઇ અને અકસ્માતમાં જીજ્ઞા અને બા ને ખુબ વાગ્યુ તેથી મહીના ને બદલે છ મહીને તેઓ ભારત ગયા.ત્યારે ફેફસા નબળા થઇ ગયા હતા.. અંકિત ગ્રેજ્યુએટ થઇ ગયો હતો શ્યામા છેલ્લા વર્ષમાં હતી તે વખતે જીજ્ઞા ભારત ગઈ ત્યારે મોટાભાગનો સમય બા સાથે જ હતી.અને તે જીજ્ઞાનો “ક્વોલીટી ટાઇમ” હતો જે હવે કદી પાછો આવનાર નથી…

સુર્યાબા સ્વીકારી ચુક્યા હતા કે હવે તેમનો અંત સમય આવી ગયો છે. પણ તેમની વાત હું તેમને માનવા દેતી નહીં..અને કહેતી કે બાપા ગયા પછી તમેજ એકલા અમારી જિંદગીનો છાંયડો છે…પણ તેમનું આંતર મન તો રટણ કરતું જ રહેતું હતું કે હવે પ્રભુ મને હાલતી ચાલતી લઈ લે.

ડાયરી લખતા લખતા જીજ્ઞાની આંખો ભરાઇ આવી..

સુર્યાબા પાસે આવનારું જોખમ જોવાની લાક્ષણિક આવડત હતી તો સાથે સાથે તેનું વ્યવહારિક નિરાકરણ પણ હતુ..ફઈબા જ્યારે બેલા વિશે ઘસાતુ બોલે ત્યારે સીધો અને સટ ઉત્તર” એ મીયાં બીબીનાં મામલામાં હું તો એક શબ્દ ના બોલું..તેમને આખી જિંદગી સાથે કાઢવાની છે તો તેઓ જાણે અને તેમનું કામ જાણે..મને તો તે બે માં થી કોઇ પુછે તો જ મારો મત જણાવું અને મત જણાવ્યા પછી ક્યારેય તેનો અમલ થયો કે નહીં તેની ચિંતા ના કરું.આખરે જોડુ ક્યાં ડંખે છે તે તો જોડું પહેરનાર જ જાણે ને?”

હેમલ તો બાને માને તે સ્વાભાવિક છે પણ બેલાને પણ ખુબજ આદર..તેમનો નાનો જુગલ એક વખત તાવમાં ખેંચાયો ત્યારે હેમલ દોડાદોડ કરીને  ડોક્ટર પાઠકને તેડવા ગયો ત્યારે બાએ તરત જ ડોસી વૈદુ કરીને તેની ખેંચ દુર કરી હતી…ડોક્ટરે આવીને તેને દવા આપી પણ તે બોલ્યો કે આ સમયસર તેની ખેંચ ન ગઈ હોત તો તેની આંખ કે ડાબુ અંગ ખેંચાઇ જાત…ત્યારથી બેલા તો સુર્યા બાનાં પગ પૂજે. છોકરાવને ધાર્મિક વાતો અને વાર્તાઓ કહી કહીને સંસ્કાર પુરે તેવી બા જતા રહે ત્યારે તેમની ખોટ તો પડેજ ને?

ડાયરીમાં સુર્યાબાને અંજલી અપાતી જતી હતી અને જીજ્ઞા આ અવલ મંઝીલે ગયેલી માને માટે રો કકળ કરવાને બદલે  તેમના ગુણાનુરાગ કરી છેલ્લા વાક્યો લખીને અટકી ત્યાં ડોર બેલ વાગ્યો શ્યામા અને અંકીત આવ્યા હતા..બંને છોકરાઓને ભેટીને જીજ્ઞા બહું રડી… ડાયરી ખુલ્લી હતી પણ બંને બાળકોને ગુજરાતી વાંચતા આવડતુ નહોંતુ તેથી સુર્યાબા પ્રત્યેનો જીજ્ઞાનો કૃતજ્ઞતા ભાવ તેમને સમજાતો નહોતો. રોહિતે તેથી ડાયરીનાં છેલ્લા વાક્યો વાંચ્યા

હા.. આજે સુર્યાબાની અરજી મંજુર થઈ ગઈ. રડતી આંખે ભગવાન નાં ફોટા અને રાણો થતા દીવા સામે તે બોલી “પ્રભુ તારે આંગણે આવેલી મારી માને સર્વ દેજે. ખાસ તો રંજ અને લગાવ મુક્ત બનાવી તમારા જેવું જીવન દેજે..”

આદર સાથે સૌએ સુર્યાબાના ફોટાને વંદન કર્યા.

વિજય શાહ

1 thought on “વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા (3)વિજય શાહ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.