વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા(2) પતંગિયું-નિરંજન મહેતા

પતંગિયું-નિરંજન મહેતા

photo

 

 

 

‘કેમ અંકિત, બસ નથી આવી? ચાલો તમને લિફ્ટ આપું.’

નેકી ઓર પૂછપૂછ? છતાં વિવેક ખાતર અંકિતે કહ્યું કે તમને શું કામ તકલીફ આપું?

‘અરે, એમાં તકલીફ શાની? મારે તો રસ્તા ભેગો રસ્તો છે.’ સુમીએ જવાબમાં કહ્યું.

સુમી અને અંકિત આમ તો એક જ ઓફિસમાં કામ કરે પણ અંકિતની ઓળખાણ એક રોમિયો તરીકે એટલે મહિલા કર્મચારીઓ બને ત્યાં સુધી તેની સાથે કામ પૂરતી વાત કરે.

તો સુમીની વાત જ જુદી. એક બિન્ધાસ્ત વ્યક્તિત્વ. સુંદર અને સપ્રમાણ કાયા. ઓફિસમાં આવે તો પણ તેના પરિધાન કોલેજમાં ભણતી યુવતી જેવા. કોઈ વાર સલવાર-કમીઝ તો કોઈ વાર ચુસ્ત ટી-શર્ટ અને જીન્સ. જે કાઈ પણ પહેરે તેનાથી તેની કાયાનો ઉભાર નિખરી આવે. ભલભલા એકવાર તો તેની તરફ નજર નાખ્યા વગર ન રહે તો ઓફિસના પુરૂષ કર્મચારીઓ થોડા અપવાદરૂપ રહે?

આ કારણે પુરૂષ કર્મચારીઓ પણ તેની સાથે વાત કરવા કોઈને કોઈ તક શોધતા રહેતા. આ બધામાં અંકિત પણ બાકાત ન હતો પણ કોઈ ખાસ દાળ ન ગળતી. સુમી આ બધાથી વાકેફ. લોકો કેવા કેવા બહાના શોધી તેની પાસે આવે છે તેની તેને જાણ હોવા છતાં તે આ બધાથી અજાણ હોય તેમ વર્તતી.

આજે સુમી ચુસ્ત ટી-શર્ટ અને જીન્સ પહેરીને આવી હતી. સાંજે ઘરે જવા બસ સ્ટેન્ડ પર ઉભેલા અંકિતે તેને દૂરથી આવતા જોઈ અને તેનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. અગાઉ તેણે ઓફિસ છૂટ્યા પછી ઘણીવાર સુમીને તેના સ્કૂટર પર જતા જોઈ હતી ને વિચાર પણ આવ્યો હતો કે ક્યારેક જો તેના સ્કૂટર પર બેસવાની તક મળે અને તે બહાને સુમીની કમનીય કાયાની નજદીક આવવાનો લાભ મળે તો ન કેવળ તેની મહેચ્છા પૂર્ણ થાય પણ ઓફિસના સહકર્મચારીઓ આગળ તેનો વટ પડી જાય. પણ આ બધું દિવાસ્વપ્ન જેવું. મનમાં પરણવાનું અને મનમાં રાંડવાનું, કારણ આજ સુધી આવો લાભ સુમીએ કોઈને આપ્યો ન હતો.

સુમીને આવતા જોઈ અને તેના રૂપને નિખારતા વસ્ત્રોને કારણે અંકિત ચકરાવે ચઢી ગયો અને પોતાની બસ આવી તેની પણ તેને જાણ ન રહી. હવે તો બીજી બસના આવવાની રાહ જોવી રહી. ઘરે પહોંચતા મોડું થશે પણ સમજાવી દેવાશે કે બસ મોડી મળી. પણ જો સુમીના સ્કૂટરનો આજે લાભ મળે તો? તો તો મોડું પણ નહિ થાય અને લાંબા સમયની ઈચ્છા પણ અનાયાસે પૂરી થશે.

જાણે ભગવાને તેની મુરાદ પૂરી કરવાનું ના વિચાર્યું હોય તેમ સુમીએ સ્કૂટર ઊભું રાખી બેસવા કહેતા તેને આંચકો તો લાગ્યો જ. આપણે ઈચ્છેલી વસ્તુ ન મળે ત્યાં સુધી તેને ઝંખીએ પણ અચાનક તે મળી આવે એટલે આંચકો તો લાગેને ! વળી કોઈ દિવસ નહિ ને આજે સુમીએ સામે ચાલીને આમંત્રણ આપ્યું તેનું કારણ શું? પણ કારણનો વિચાર કરવાને બદલે હવે સુમીએ જ જો સામેથી आ बेल मुझे मार જેવો ઘાટ ઘડ્યો હોય તો મારે શું? વિવેક ગયો ખાડામાં. આવી તક ગુમાવે તો તેના જેવો મૂરખ કોઈ નહિ. એટલે ચાલ બેટા, ચાલુ થઇ જા, એમ મનમાં વિચારી તે સ્કૂટરની પાછલી સીટ પર આડો બેઠો.

કેમ અંકિત, સીધા બેસતા સંકોચ થાય છે?’

‘મને એમ કે તમને તકલીફ થશે એટલે આમ બેઠો.’

. ‘મને કોઈ આમ બેસે તો તકલીફ થાય. જો કે કોઈ પુરૂષ સાથી બેસતા પહેલા અચકાય પણ હું જ તેમને સીધા બેસવા કહું એટલે પછી તેમનો સંકોચ દૂર થઇ જાય. તમે પણ વિના સંકોચે બેસો.’

ભાવતું’તું અને વૈદ્યે કહ્યું જેવો ઘાટ થતા અંકિત મનમાં હરખાયો પણ તેનો આ ભાવ બહાર ન આવે તેની પૂરી કાળજી લીધી અને પછી સુમીની પાછળ થોડું અંતર રાખી બેઠો.

‘હું સ્ટાર્ટ કરૂં છું. બરાબર બેસજો,’ કહી સુમીએ સ્કૂટર ચાલુ કર્યું. તેમ થતા અંકિત સહેજ હલબલ્યો એટલે સુમી બોલી કે આમ દૂર બેસશો તો તમે બેલેન્સ ગુમાવશો. જરા નજીક આવીને બેસો એટલે ઠીક રહે.

આ વાક્યે અંકિતના મનના આનંદમાં ઓર વધારો થયો. તેને થયું કાશ મારૂં ઘર પંદર મિનિટના અંતરે નહી પણ એક કલાકના અંતરે હોત તો કેવું? લાંબુ અંતર હોત તો કેટલી બધી મજા માણવા મળતે ! આવી તક વારંવાર મળવાની નથી એટલે લાંબુ અંતર હોત તો આ નિકટતા અને તેનો આનંદરસ વધુ મળતે. કદાચ થોડા વખત પછી તેની કમનીય કાયાની વધુ નજીક આવી જવાતે. ખેર, જેટલો મળે તેટલો લાભ તો લઈ લે બેટા, અંકિતે વિચાર્યું.

‘શા વિચારમાં ખોવાઈ ગયા?’

‘ના ના, એમ જ. તમારી સાથે વાત કરૂં અને તમને ચલાવવામાં ખલેલ પડે એટલે બોલતો નથી.’

‘અરે, મને તો કોઈ ખલેલ નહિ પડે. કેટલાય વર્ષોથી સ્કૂટર ચલાવું છું એટલે એકાગ્રતા જળવાઈ રહે છે.’

‘જો કે વાત શું કરવી એની પણ મને મૂંઝવણ હતી કારણ હજી આપણે ઓફિસના કામ સિવાયની અન્ય વાતો કરી શકીએ એટલા નજીક નથી આવ્યા એટલે પણ થોડો સંકોચ થતો હતો.’

‘પણ અત્યારે તો નજીક છીએને? હજી જરા નજીક આવી મને દબાઈને બેસો તો સંકોચ દૂર થશેને?’

આ શું? સુમી તેને આમંત્રણ આપે છે કે તેની પરીક્ષા લે છે? અંકિત અવઢવમાં પડી ગયો.

‘કેમ, સંકોચ થાય છે? મેં તમને તે દૂર કરવા નજીક આવવા કહ્યું અને તમે તો શરમાળ નીકળ્યા.’

‘શરમાવવાની વાત નથી પણ કોઈ વખત આપણે આમ સાથે બેસીને મુસાફરી કરી નથી એટલે સંકોચ તો થાયને?’

‘તમને ખબર છે મારી સાથે આમ બેસવાનો લાભ મેં હજી સુધી કોઈ પુરૂષને આપ્યો નથી. મને ખબર છે કે પુરૂષમાત્ર એક પતંગિયું. લાભ મળે તો રસાસ્વાદ લેવાનો ચૂકે નહિ. ન કેવળ આપણી ઓફિસનો સ્ટાફ પણ મારા બિલ્ડિંગમાં રહેતા અન્ય પુરૂષોની લોલુપતા મારાથી અજાણ નથી. પણ કોઈની હિમ્મત નથી કે મારી નજદીક ફરકે તો જેને માટે ભલભલા ઝંખે છે તે સ્પર્શનો તો સવાલ જ આવતો નથી.’

‘તો પછી આજે તમે મને કેમ લિફ્ટ આપી?’

‘કોણ જાણે કેમ મને લાગ્યું કે તમે સરળ સ્વભાવના છો. ઓફિસમાં અન્યો મારી નજદીક આવવાનો પ્રયત્ન કરે છે તેવો પ્રયત્ન તમે કોઈ દિવસ નથી કર્યો. અમે સ્ત્રી લોકો પારખી નજરવાળા એટલે મને વિશ્વાસ હતો કે તમને લિફ્ટ આપવામાં વાંધો નથી. વળી મેં દૂરથી જોયું કે તમે તમારી બસ પણ ગુમાવી એટલે બીજી બસ મળતા વાર થશે અને તમે ઘરે મોડા પહોંચશો તો ભાભી પણ કારણદર્શક નજર નાંખશે. મારે તો રસ્તા ભેગો રસ્તો છે એટલે તમને લાભ આપું તો તમે આ નજરથી બચી જશો અને મને પણ કંપની મળશે.’

આવી કંપની મેળવવાની ઝંખના લાંબા સમયથી હતી અને સુમી ઈચ્છે તો રોજ આપી પણ શકું, અંકિતે મનમાં વિચાર્યું. જો એમ થાય તો વખત આવ્યે તેની કમનીય કાયાના સ્પર્શની પણ તક મળી જાય. તેમ થાય તો તો वह, क्या बात है!

‘તમે કોઈ જવાબ ન આપ્યો. મારી કંપની પસંદ નથી?’

‘અરે હોય કાંઈ? આ તો પ્રથમ વખત આમ મળ્યા એટલે. ભવિષ્યમાં કદાચ ફરી તક મળશે તો સંકોચ દૂર થશે અને તમારી કંપની પણ વધુ ગમશે.’

‘વાહ, એ વાત પર એક સેલ્ફી હો જાય. લો મારો મોબાઈલ અને તેમાં આપણી આ સફરની યાદગીરીરૂપે એક ફોટો પાડી લો. જરા નજીક આવો. એમ કરો ફોટો પાડતા બેલેન્સ ચૂકી જાઓ અને પડી ન જાઓ માટે તમારો ડાબો હાથ મારી કમર પર વીંટાળી દો.’

અંકિત ચમક્યો. આ બાઈના મગજમાં શું ચાલી રહ્યું છે તે તે સમજી ન શક્યો. શું આ કોઈ પ્રકારનું પોતે ઈચ્છતો હતો તેવું આમંત્રણ છે?

‘ફરી સંકોચ થયો?’

‘ના, પણ આમ જાહેરમાં આવી રીતે ફોટો પાડીએ તો કેવું લાગે?’

‘અરે ઓ જુનવાણી બંધુ, ફજેતી થશે તો મારી થશે. તમે કેમ ગભરાઓ છો? હું બિન્ધાસ્ત બની તમને કહું છું પછી તમને શેની ચિંતા? શરૂ થઇ જાઓ.’

હવે આવેલી તક ગુમાવે એ બીજા એ વિચારે અંકિતે પોતાનો ડાબો હાથ સુમીની કમરે વીંટાળ્યો. તેની કાયાને સ્પર્શ થતા જ એક ઝણઝણાટી અંકિતના આખા શરીરમાં ફરી વળી. માંડ માંડ સુમીના મોબાઈલને પડતાં બચાવી લીધો.

‘તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું કારણ તમારા જેવા સરળ માણસને ભાભી સિવાય અન્ય કોઈ સ્ત્રીને સ્પર્શ કરવાની તક નહિ મળી હોય અને મળી હશે તો તેમ કરવાની હિમ્મત નહિ થઇ હોય!’

આ બાઈને શું કહેવું? મારો ભૂતકાળ જાણતી નથી નહિ તો હમણાંને હમણાં મને સ્કૂટર પરથી ઉતારી દીધો હોત. ખેર, આજે એકવાર આટલું બસ છે પછી आगे आगे देखिये होता है क्या |

‘બરાબર સેલ્ફી લેજો જેથી સ્કૂટર પણ પૂરેપૂરૂં દેખાય અને ખબર પડે કે આપણે સાથે સફર કરી રહ્યા છીએ.’

અંકિતે તે પ્રમાણે કામ કરીને સુમીને દેખાડ્યું કે બરાબર છે ને?

‘વાહ, બહુ સુંદર ફોટો આવ્યો છે.’

એટલામાં અંકિતનું મકાન આવી ગયું. અંકિતને લાગ્યું કે તે જાણે સ્કૂટર પર નહી પણ હેલિકોપ્ટરમાં બેઠો હતો એટલે આટલું જલદી તેનું ઘર આવી ગયું. ઊતરતા ઊતરતા તેણે વિવેક દાખવ્યો કે આવો કૉફી પીને જજો. વગર આનાકાનીએ સુમીએ તે આમંત્રણ સ્વીકાર્યું.

ફલેટનો દરવાજો ખુલતા અંકિતે ઓળખાણ કરાવી કે આ દર્શના મારી પત્ની અને પછી દર્શનાને કહ્યું કે આ સુમી, મારી ઓફિસમાં સાથે કામ કરે છે. આજે બસ ચૂકી ગયો તો તેમના સ્કૂટરનો લાભ મળ્યો. બદલામાં તેમણે કોફી પીવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.

‘દર્શના, વાત થયા મુજબ મારી જાળમાં તમારા પતિદેવરૂપેનું પતંગિયું ફસાઈ ગયું. આપણો પ્લાન કામયાબ રહ્યો.’

જાળ, પતંગિયું, પ્લાન આ બધા શબ્દો સાંભળી અંકિતને કશું સમજાયું નહિ એટલે કહ્યું સુમી તમે શું કહો છો તે મને ન સમજાયું. તમે દર્શનાને ઓળખો છો?

‘હા, અમે કોલેજમાં સાથે હતા. ઘણા વર્ષે અચાનક અમે રીગલ મોલમાં ભેગા થઇ ગયા. ત્યાં કૉફી પીતા પીતા અને જૂની વાતો યાદ કરતાં કરતાં ખબર પડી કે  તમે તેના પતિ છો અને આપણે એક જ ઓફિસમાં કામ કરીએ છીએ. તેણે તમારી રોમિયોગીરીની વાત કરી. આમેય તમારી રોમિયોગીરી મારી ધ્યાન બહાર પણ ન હતી અને અન્ય મહિલા સાથીઓ પાસેથી પણ તે વિષે જાણ્યું હતું એટલે તમને સુધારવા અમે એક પ્લાન બનાવ્યો અને તે મુજબ મેં આજે તમને લિફ્ટ આપી, સેલ્ફીને બહાને નજીક લાવી તમારી પતંગિયાવૃત્તિને કેદ કરી લીધી. સાથે સાથે તમારી જાણ બહાર મારા મોબાઈલમાં તમારી રંગીલી વાતચીત પણ રેકોર્ડ કરી, જે દર્શનાને સંભળાવવાનું મન તો ઘણું થાય છે પણ તમે સુધરી જશો માની આજે તેમ નથી કરતી.

હા, હાલમાં તે ફોટો અને વાતચીત હું રાખી મૂકું છું. જરૂર પડે ત્યારે તેનો કેમ અને ક્યાં ઉપયોગ કરવો તે પણ હું સારી રીતે જાણું છું તે કહેવાની જરૂર છે? જો કે તેની જરૂર નહિ પડે તેમ મને લાગે છે છતાં જ્યારે અમને બન્નેને સંપૂર્ણ ખાત્રી થશે કે તમે સુધરી ગયા છો પછી જ તે ડિલીટ થશે.’

 

નિરંજન મહેતા

Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ https://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in વિનુ મરચંટ વાર્તા સ્પર્ધા and tagged , , . Bookmark the permalink.

2 Responses to વિનુ મરચંટ – 2017 વાર્તા સ્પર્ધા(2) પતંગિયું-નિરંજન મહેતા

  1. સરસ વાર્તા. ઉપાય કામયાબ નીવડે, અને બીજાને શીખ મળે.

    Like

  2. મનસુખલાલ ગાંધી, U.S.A. says:

    સરસ અફલાતૂન વાર્તા….ઘણી વખત બ્લેક મેઈલીંગ પણ સારું અને ઉમદા કામ કરી જતું હોય છે………..બીચારી દર્શના……અંકિત સુધરી જાય એવી આશા રાખવી ખોટી નહીં…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s